Helmet ni dhani books and stories free download online pdf in Gujarati

હેલ્મેટ ની ઘાણી



ભાઇ જરા મારી સામે જુઓ , એકદમ મારી સામે , બસ , બસ, સરસ ,સરસ ! હવે દાઢી સ્ટેન્ડ ઉપર મૂકો ,બસ ,બસ ,સરસ , સરસ ! હવે તમારી આંખ થી મારી ડાબી આંખ તરફ જુઓ , બસ ,બસ , સરસ , સરસ ! હવે તમારી આંખ થી મારી જમણી આંખ તરફ જુઓ , બસ , બસ , સરસ , સરસ ! હવે ભાઇ એક છેલ્લુ કામ કરો ! આ સામેના અક્ષરો છે ને ? તેને સરખી રીતે વાચો , બસ , બસ ,સરસ , સરસ ! હવે આવી જાવ ટેબલ ઉપર, બધુ સરસ ચેક થઇ ગયુ છે, આંખ તમારી જતાં જતાં બચી ગઇ છે ! ચિંતા કરો માં દવા લખી
આપું છું , ટીપાં લખી આપું છું , દિવસ માં ચાર વખત નાખજો એટલે સરસ થઇ જશે ! શું નામ ભાઇ તમારું ? દર્દીએ કહયું - જી સાહેબ , મારૂ નામ જીવતરામ જોધપુરી ! ડો. બોલ્યા- બસ ,બસ , સરસ ,સરસ ! હા તો ભાઇ જીવતરામ જોધપુરી ! તમને આંખમાં જીવડું ગરી જતાં થોડા સોજા જેવુ થઇ ગયુ છે , જીવડું જો કે મે કાઢી નાખ્યું છે ! સોજો છે ! બે ત્રણ દિવસ રહેશે , અમુક કિસ્સામાં સોજો એકાદ અઠવાડિયું પણ રહે છે પરંતુ ચિંતા ન કરતાં બધુ સરસ થઇ જશે , બરોબર ? બસ ,બસ ,સરસ ,સરસ ! હવે તમે જઇ શકો છો , કઈ પૂછવા માગો છો ? તો પૂછી શકો છો ! બસ , બસ , સરસ ,સરસ પૂછો !
જીવતરામ જોધપુરી બોલ્યો - સાહેબ એમાં એવું થયું કે હું બાઇક ઉપર જતો હતો , હેલ્મેટ પહેરી હતી , થોડી
અકળામણ ગરમી ને હિસાબે થતી હતી ! એટલે હેલ્મેટ નો કાચ જરા ઉચો કર્યો, હવાની અવર જ્વર માટે ,એમાં જીવડું ફાવી ગયું ! સીધું કાચ માથી અંદર , મને તરત ખબર પડી ગઇ ! પરંતુ હેલ્મેટ પહેરી હોવાથી મારો હાથ આંખ ઉપર પહોંચી શક્યો નહિ ! એ પેલા જીવડું આંખ ની અંદર પહોચી ગયું ! આગળ સી સી ટીવી કેમેરા ફીટ થયેલા તે મે જોયા આથી હેલ્મેટ કાઢવાની હિમ્મત હું કરી શક્યો નહિ ! એટલામાં જીવડું આંખ ની અંદર ઊંડું ઉતરી ગયું ! થોડે આગળ જઈને હેલ્મેટ ઉતારી આંખ ની અંદર હાથ નાખતા મરેલા જીવડા ના થોડા અંશો માંડ નીકળ્યા ! બાકી નો ભાગ સજ્જડ રીતે અંદર પેસી ગયો ! ધૂંધળું-ધૂંધળું દેખાવા લાગ્યું ! જેમ-તેમ કરી બાઇક એક જગ્યાએ મૂકી સીધો હું રીક્ષામાં તમારે ત્યાં આવ્યો ! એટલામાં સોજો વધી ગયો !
ડો. બોલ્યા- સારું કર્યું ભાઈ તમે અહી આવી ગયા ! સરસ ,સરસ ! નહિ તો થોડા મોડા પડ્યા હોત ને તો તમારી આંખ જતી રહેવાના પૂરા ચાન્સીસ હતા ! પરંતુ હવે વાંધો નહિ આવે ,જીવડું કાઢી લીધું છે! સોજો ઉતરી જશે ! અહીંથી કાળા ગોગલ્સ આપું છું એક અઠવાડિયું પહેરી રાખજો પછી બધુ સરસ, સરસ થઈ જશે ! ચિંતા ન કરશો હો ભાઈ ? ઓ. કે. ? ચાલો ત્યારે જીવતરામ ભાઈ , અને હા , બીજું કાઇ આવું કામકાજ હોય તો કહેજો , મારી હોસ્પીટલ 24 કલાક ઇમરજન્સી માટે ખુલ્લી હોય છે !
જીવતરામ જોધપુરી ને આંખના ડો. ની દવા તેમજ ટીપાં થી એકાદ અઠવાડીયા માં સારું થઈ ગયું છે પરંતુ જીવતરામ અરિસાની સામે ઊભા રહી ચિંતને ચડ્યાં છે કે આમા જવાબદારી કોની ? એક બાજુ હેલ્મેટ ન પહેરી હોત તો સંભવિત 1000 નો દંડ હતો તો બીજી બાજુ આવી રીતે હેલ્મેટ ના હિસાબે જીવડા આંખ માં ઘુસી જાય અને આપણે કાઢી ન શકીએ ,આ રીતે આંખ માં સોજા ચડી જાય , ડો. નું બીલ 3000 ભરવું પડે , એક અઠવાડ્યુ કપાત પગારે રજા રાખવી પડે એ નુક્સાની અલગ ! અત્યારે ચિંતનશીલ જીવતરામ ઉંડા ચિંતન માં સરી પડયા છે ! અને વિચારે છે કે આવા કિસ્સામાં કોઈએ તો જવાબદારી ફિક્સ કરવી જ જોઈએ ! હું તો વાંક ગુના વગરનો અંટાઈ ગયો ! પાછી પેલા ડો. પાસે સારવાર કરાવી તે તો અલગ , પેલા સરસ, સરસ , બહુ સરસ પાસે !
આને આપણે કઈ રીતે સરસ , સરસ કઈ શકીએ બધુ જ બધુ ! હે ભાઈ ! જીવતરામ જોધપુરી અરિસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ ને બોલી ઉઠયા ! પાછું ઉમેર્યુ હે ભાઈ આ સરસ, સરસ કોનું ? ડો. નું કે પછી સરકાર નું ? આપણું તો કોઈ દિવસ સરસ , સરસ થયું જ નહિ હો ભાઈ !
અચાનક જીવતરામ ઉશ્કેરાઈ ગયા અને એક મુકકો કાચ ઉપર ઠોકી દીધો ! હે ભાઈ, કરીને ! કાચ ના ટુકડે ટુકડા થઇ ગયા ! જીવતરામને કાચની કણીઓ શરીરમાં ઘુસતા-ઘુસતા રહી ગઈ ! થોડીવાર પછી જીવતરામનું મન શાંત થતાં બોલ્યા- ઓહો ,ઓહો ,ઓહો આ મારાથી શું થઈ ગયું ?! પછી પસ્તાવો કરીને
તાત્કાલીક એક કાચ ના કારીગર ને બોલાવી લાવ્યા અને તાત્કાલીક ધોરણે કબાટમાં નવો કાચ ફીટ કરાવડાવ્યો ! કાચ ફીટ થઈ ગયા પછી જીવતરામ બોલ્યા ભાઈ કેટલા આપવાના ? કાચવાળો બોલ્યો- જી શેઠ પૂરા 1500 ! જીવતરામે 1500 ગણી કાચવાળા ને આપ્યા અને બોલ્યા ગણી લો ભાઈ પૈસા.
કાચવાળાએ રૂપિયા ગણ્યા પછી બોલ્યો બરોબર છે શેઠ , બરોબર ! પછી બોલ્યો – ચાલો શેઠ હવે આવું કઈ હોય તો બીજીવાર ફોન કરજો ! ચાલો ત્યારે શેઠ હું રજા લઉ , સરસ, સરસ, બહુ સરસ !! આમ કાચવાળો રવાના થયો , આ પછી જીવતરામ જોધપુરી વળી પાછા કબાટ ના નવા કાચ ની સામે ઊંડા ચિંતન માં સરી પડ્યા !!!
લિ. બિપિન આઇ ભોજાણી ( ચમકાઓ 32 સ્ટાર્સ પુસ્તક ના લેખક.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED