બર્થ ડે Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બર્થ ડે

બર્થ-ડે.... અશોક જાની ‘આનંદ’

બર્થ-ડે....

હાથના આંગળા પર રીલમાંથી દોરો લપેટતાં પલ્લવીએ રીસ્ટ-વૉચ પર અછડતી નજર કરી લીધી, હજુ વીસ પચ્ચીસ મિનીટની વાર હતી સાત વાગવામાં. આજે બપોર પછીના સેશનમાં કામ પર આવી ત્યારે જ ‘સૌંદર્ય બ્યુટી પાર્લર’ના સંચાલિકા બેલાબહેનને કહી દીધું હતું કે આજે તેનો બર્થ-ડે છે અને એક કલાક વહેલી ઘરે જશે. બેલાબહેને તેને વિશ કરતાં ‘હા’ પણ પાડી હતી. રોજ તેનું સવારનું સેશન ૧૦ થી ૨ નું હોય છે અને સાંજ નું ૪ થી ૮ નું. પલ્લવી આ પાર્લરની આઇ-બ્રો સ્પેશ્યાલીસ્ટ હતી. બીજી એક છોકરી મીના પણ આઇ-બ્રો કરતી પણ પલ્લવીની માંગ વધારે રહેતી, ઘણી ગ્રાહક બહેનો પલ્લવી ના હોય તો આઇ-બ્રો ના કરાવતાં બીજે દિવસે આવતી. તેનું કારણ પલ્લવીનો સફાઇદાર હાથ તેની ચીવટ અને તેનો ખુશ મિજાજી સ્વભાવ હતાં. લગભગ પાંચેક વરસથી તે આ પાર્લરમાં કામ કરતી પણ તેની કોઇ પણ જાતની ફરિયાદ બેલાબહેનને સાંભળવા મળી ન હતી. ડિઝાઇનર ગ્લાસની પેલે પાર વેઇટીંગ લૉંન્જમાં બેઠેલા બે એક કાયમી ગ્રાહક બહેનોને જોઇ તેણે ઝડપ વધારી. એને સાત વાગ્યે ઘરે જવાનું હતું અને બેઠેલા ગ્રાહક્માંથી કોઇને પણ ના પાડી શકાય તેમ ન હતી. આટલું ઓછું હોય તેમ પેન્સિલ હિલના સેન્ડલના ટપ..ટપ... અવાજ સાથે પરી પાર્લરમાંદાખલ થઇ, પરી અતિ શ્રીમંત પરિવારની એક ની એક મોંઢે ચઢાવેલી દિકરી હતી. “પાંચ-છ દિવસ પહેલાં તો ફેસિયલ, આઇ-બ્રો, બ્લિચીંગ, હેયર સ્ટાઇલ, બધું કરાવી ગઇ હતી પાછી આજે શું કામ આવી હશે..!!” પલ્લવીને મનોમન પ્રશ્ન ઉદભવ્યો. અનાયાસે તેના ચહેરા પર બેચેનીના ભાવ ઉભરી આવ્યા. “જો આઇ-બ્રો કરવવાની હશે તો થઇ રહ્યું, મને મોડામાં મોડું કરાવશે.” જો કે જ્યારે આવતી ત્યારે છુટ્ટા હાથે ટીપ પણ આપી જતી. પણ આજની વાત જુદી હતી

**********

બપોરે ઘરેથી પાર્લર આવવા નીકળી ત્યારે જ તેના મમ્મી વંદનાબેને કહેલું: “આજે વહેલી આવી જજે આપણે તારી બર્થ-ડે ઉજવવાની છે ને !” તેની નાની બેન પ્રભુતાએ પણ ટાપશી પુરાવેલી “હા દીદી આજે મારા તરફ્થી સરપ્રાઇઝ હોં કે..!!” પલ્લવી હસેલી “આ કેવું સરપ્રાઇઝ જે મને કહીને આપવાની છે એ તો જણાવ્યા વિના જ આપવાનું હોય.”

“એ જેવું હોય તેવું, સરપ્ર્રાઇઝમાં શું મળવાનું છે તેનું તો સરપ્રાઇઝ ખરું ને!!” મોંઢાનો ફુગ્ગો ફુલાવતાં પ્રભુતાએ કહેલું. કોલેજના છેલ્લા વરસમાં અભ્યાસ કરતી પ્રભુતાએ પોતાના પોકેટ-મનીમાંથી બચત કરી તેના માટે આ સરપ્રાઇઝ ગોઠવેલું એટલે હક્કપૂર્વક રિસાઇ જતી પ્રભુતાને બે હાથે જકડી લઇ પલ્લવીએ તેના વાળમાં નાક ઘસતાં કહેલું: “ચાલ હવે મારી બેન ! સાંજે બહુ એન્જોય કરીશું તું તો ક્લાસમાંથી આવી જ ગઇ હશે ને !!” પલ્લવી પાર્લર તરફ અને પ્રભુતા કૉચીંગ કલાસ તરફ જવા પોતપોતાની સ્પોર્ટસાઇકલ પર નિકળી પડી. માતા અને બે દિકરીઓના પરિવારમાં ઉજવણીનો પ્રસંગ જવલ્લે જ આવતો. સુમનભાઇ-પલ્લવીના પપ્પા અવસાન પામ્યા ત્યારે પલ્લવી પાંચમા અને પ્રભુતા પહેલા ધોરણમાં ભણતા હતાં પરિવારમાં બીજા કોઇનો સહારો ન હોવાથી વંદનાબેને જાતે ઘરમાં જ એકલા રહેતાં કોલેજના વિદ્યાર્થી અને નોકરીયાતોને જમાડી આજીવિકા ઉભી કરી હતી. સુમનભાઇની મરણમૂડી જેવી બચત અને વીશીના રોજગારની આ કમાણીથી બન્ને દિકરીઓને ભણાવીને મોટી કરી હતી. હવે મોટી દિકરી પલ્લવી ઘર ચલાવવામાં મદદરૂપ થઇ રહી હતી પણ ભવિષ્યમાં બે ય દિકરીના લગ્ન કરવા પડશે તે વિચારી તેની આવક અલગ ખાતામાં જમા કરાવતા વંદનાબેન તેથી હાથ તો તેમનો હંમેશા ખેંચમાં રહેતો. ચારેક દિવસ પહેલાં જ્યારે પ્રભુતાએ પલ્લવીની ગેરહાજરીમાં આ વખતે તેનો બર્થ-ડે કેક કાપીને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો ત્યારે વંદનાબેન ટેન્શનમાં આવી ગયા હતા કે આમાં તો કમ સે કમ આખી એક પાંચસોની નોટ ઉડી જશે પણ પ્રભુતાએ સધિયારો આપ્યો હતો “ચિંતા ના કર મમ્મી, કેક તો હું મારા પોકેટ-મનીની બચતમાંથી લઇ આવીશ આપણે દીદીને સરપ્રાઇઝ આપીશું મજા આવશે..!!”

વંદનાબેનને મનોમન હાશ થઇ હતી. મધ્યમ વર્ગના લોકોને આનંદ માટે ફાઇવ સ્ટાર સેલિબ્રેશનની જરૂર નથી હોતી એતો નાનકડી અડધા કિલોની કેક કાપી ખુશ થઇ જાય છે.

*************ગમે તેટલી ઉતાવળ હશે તો ય પરી એની પાસે આઇ-બ્રૉ કરાવ્યા સિવાય નહીં છોડે, કદાચ પેલા ત્રણેક્માંથી એકાદને તેના બદલે મીના પાસે મોકલવામાં સફળ થવાય પણ છતાં ગમે એટલી ઇચ્છા હોવાં છતાં આજે મોડું થવાનું જ. બેલા બહેને તેના ચહેરા પરના અસમંજસના ભાવ વાંચ્યા હતા એટલે જ મીનાની ખુરશી ખાલી થતાં જ એક બહેનને તેની પાસે જવા માટે કહ્યું ત્રણેમાં એ છેલ્લા આવેલા એથી વહેલો નંબર લાગવાની કારણે તે ખુશ થયાં અને તૈયાર પણ થઇ ગયા જો કે બેસતાં પહેલાં એ મીનાને ટકોર કર્યા વિના ન રહી શક્યાં “અલી બહેન, પલ્લવી જેવી સરસ આઇ-બ્રો કરજે હોં નહીં તો પૈસા નહીં આપું..!!” મીનાએ એમને હસીને આવકાર્યા અને પલ્લવીને મન હાશ થઇ.

પલ્લવીએ તેની પાસે બેઠેલા ઉંમરલાયક મહિલાની ડાબી આઇ-બ્રો પૂરી કરી જમણી આઇ-બ્રો પર હાથ ચલાવ્યો. આજે પહેલી વખત આવેલા આ બહેન તેમની વયના કારણે હોય કે કેમ પણ ચીકણા હતા એ શરૂઆત કરી ત્યારે જ દેખાઇ આવ્યું હતું. સામાન્યપણે એ કોઇ પણ ગ્રાહક્ની જમણી આઇ-બ્રો પહેલાં કરતી તેવી રીતે આ બહેનની શરૂઆત પણ તે રીતે કરી તો કહે: “ કેમ તમે પહેલાં ડાબી આંખે નથી કરતાં!! હું મુંબઇમાં ફલાણા પાર્લરમાં જતી ત્યાં તો બ્યુટિશીયન ડાબી આંખે જ શરૂ કરતી.” નવા ગ્રાહક્નું મન રાખવા ખુરશીની ડાબી બાજુએ આવતાં પલ્લવીએ હસીને કહેલું: “તમે કહેતાં હો તો તમને ડાબી બાજુએ પહેલાં કરી આપું મારે તો બે ય આઇ-બ્રો કરવાની જ છે ને !!” બન્ને આંખે કામ પૂરું કરી પલ્લવીએ તેમને કહ્યું: “લ્યો જોઇ લો બરાબર છે ને !!” પેલા બહેને ઝીણવટથી આઇનામાં નિહાળતાં કહેલું, “અહીં ડાબી આંખે આ વાળ કાઢી આપો થોડું ‘ડિ શેપ’ લાગે છે.” મોડામાં મોડું કરાવતા આ બહેન પર પલ્લવીને ખૂબ ગુસ્સો આવ્યો પણ ચહેરા પર સ્મિત ચિપકાવી એમની ઇચ્છા પૂરી કરી. હજુ પહેલા પેલા બહેન અને પછી પરીને પતાવવાં પડશે અને સાત તો વાગવા આવ્યા છે.

જલ્દીથી પલ્લવીએ પેલા બહેનને બોલાવ્યા અને તેમની આઇ-બ્રૉ શરૂ કરી એમની જમણી આંખની આઇ-બ્રૉ પૂરી કરી ડાબી શરૂ કરતાં પહેલાં તેણે જોયું કે મીના પેલા બેનની આઇ-બ્રૉ પૂરી કરી રહી હતી. તેણે બેલા બહેનની સામે વિનંતિ ભરી નજરથી જોયું અને પરી સામે ઇશારો કર્યો. બેલાબેન જાણતા હતા કે પરી નહીં માને છતાં તેમણે વેઇટીંગ લૉંન્જમાં પરી પાસે જઇ પ્રયાસ કરી જોયો.: “પરીબેન, આવી જાવ ને અહીં મીના પાસે..! આમે ય તમને ઉતાવળ છે અને અહીં ખુરશી ખાલી પડી છે.” પરીએ નકારો ભણતાં કહ્યું: “તમને ખબર તો છે હું પલ્લવી સિવાય કોઇની પાસે આઇ-બ્રો નથી કરાવતી, તેમાં આજે મારો બર્થ ડે છે અને મારે મારા ફિયાન્સ સાથે પહેલી વાર ડેટ પર જવાનું છે ત્યારે..!! નો વ્વે..!!!”

બેલાબેને કહ્યું: “એ જ તો, આજે એક્ચ્યુઅલી પલ્લવીનો પણ બર્થ ડે છે અને તેને ઘરે પાર્ટી છે તે ઓલ રેડી મોડી થઇ ગઇ છે એને બિચારીને વધારે મોડું શું કામ કરાવો છો..!?” પણ એ પરી હતી, એને કોઇનો ‘ના’ શબ્દ સાંભળવો ગમતો ન હતો, એ સમજતી કે પૈસા આપીને ગમે તે ખરીદી શકાય. તેણે કહ્યું: “ પલ્લવીને કહો આજે તેનો બર્થ ડે છે તો તેને ડબલ ટીપ આપી ખુશ કરી દઇશ. પાર્ટી તો એના ઘરે જ છે ને થોડી મોડી પડશે તો ય શું..!” એના જેવી વ્યક્તિ પોતાના સિવાય બીજા કોઇનું વિચારી જ નથી શકતી.

ડિઝાઇનર કાચની બીજી તરફ્થી પલ્લવી આ બધું જોતી હતી, તેને અડધાં પડધાં વાક્યો પણ સંભળાતાં હતાં. તેણે મનોમન પરીને મણ-મણની બે જોખી અને પેલા બહેનની ડાબી આંખની આઇ-બ્રો પૂરી કરવામાં ધ્યાન પરોવ્યું, સવા સાત થવામાં હતા. સાત ને વીસ મિનિટે એ બહેનનું કામ પૂરું કર્યું, એ ઉભા થયા કે પરી વાવાઝોડાની જેમ ધસી આવી.

“ચાલ, પલ્લવી..!! જલ્દી મને આઇ-બ્રો ટચ અપ કરી આપ..!” પરી કાયમ આમ તેને અને બીજી છોકરીઓને તુંકારીને જ બોલાવતી એક બેલા બહેન સિવાય બધાંને, મોટા ભાગની છોકરીઓ તેનાથી એકાદ બે વરસે મોટી હશે પણ બીજે હોય છે એમ અહીં પણ પૈસા ચુકવનારનો હાથ ઉપર હતો સામે તેમનું કામ કરીને પૈસા મેળવતી વ્યક્તિ જાણે કે આપોઆપ નિમ્ન કક્ષામાં મુકાઇ જતી. આમ તો પલ્લવીને આનું ઝાઝું ખરાબ ન લાગતું પણ આજે તેનો ય મૂડ બદલાયેલો હતો. થોડી સમજદારી દાખવવાને બદલે પરીએ આજે તેને મોડામાં મોડું કરાવ્યું હતું. તેણે જાણે પરીની વાત સાંભળી ન હોય એમ પેંટ્રીરૂમમાં ગઇ શાંતિથી કૂલરનો નળ ખોલી ગ્લાસમાં પાણી કાઢી ધીરે ધીરે પીધું. બે ત્રણ મિનિટ બાદ એ જ્યારે તેની જગ્યાએ આવી ત્યારે ખુરશી પર ગોઠવાઇ ગયેલી ધુંઆપુંઆ થઇ રહી હતી સહેજ ઉંચા અવાજે તેણે ઑડિટ કરતી હોય એમ પુછ્યું: “ક્યાં હતી આટલી વાર તને ખબર છે ને મને મોડું થાય છે મારા ફિયાન્સ સાથે પહેલી ડેટ છે..!!“

“મોડું તો મને પણ થાય છે અને આ રીતે તો પાર્લરના માલિક બેલાબેન પણ નથી પૂછતા” પલ્લવી એ પ્રત્યુત્તર વાળ્યો એણે આજે પરી પાસેથી ટીપ નહી લેવાનું નક્કી કર્યું હતું.

“તો પછી ઝડપ કરને..! પ્રયોશ સાડાસાતે મારી રાહ જોશે અને મારે હજુ ડ્રાઈવ કરી ઘરે પહોંચવાનું છે ખાસ્સા બે કિલોમીટર દૂર..” પરી અવાજમાં હળવાશ લાવતાં બોલી. “હું ઝડપ કરીશ ને કંઇ આઘુંપાછું થશે તો ય તમે બૂમો પાડશો.” અવાજમાં સહેજ પણ ઉતાર ચઢાવ વગર પલ્લવી બોલી અને સાવ સહજતાથી પરીની જમણી આઇ-બ્રો શરૂ કરી. પરીએ જોયું કે આઇનામાં દેખાતાં પલ્લવીના ચહેરા પર અને તેની ગતિવિધીમાં પણ જાણે એક પ્રકારનો અણગમો વર્તાઇ આવતો હતો. એણે પરિસ્થિતિ સુધારવાનાં ભાગ રૂપે સ્મિત કરતાં કહ્યું: “આમ મોઢું ચઢાવી કામ કરીશ તો મારી આઇ-બ્રો બરાબર નહીં થાય.” પલ્લવીના ચહેરા પર ગંભીરતા હજુ જેમ ને તેમ બરકરાર હતી. તેણે તેનું ધ્યાન કામમાં થી હટવા દીધું નહીં. જો કે મનમાં બબડતી હોય એમ ગણગણી “પહેલા મૂડની ઐસી તૈસી કરી નાંખી અને હવે મસ્કો મારે છે.” પરી પલ્લવીના ચહેરા તરફ જોઇ રહી તેને ખબર ના પડી કે તે શું બોલી રહી છે.

દસ-બાર મિનિટમાં પલ્લવીએ પરીની બન્ને આંખની આઇ-બ્રો પૂરી કરી ત્યારે સાત વાગીને ચાલીસ મિનિટ થઇ ગઇ હતી. દર વખતની જેમ આઇનામાં ઝીણવટથી જોઇ એકાદ બે જગ્યાએ ઠીક્ઠાક કરવાનું કહેવાની ઇચ્છા પરીને થઇ આવી પણ પછી પલ્લવીનો ઉખડેલો મૂડ જોઇ માંડી વાળ્યુ. ઉતાવળે પલ્લવીએ બેલાબેન પાસે જવાની રજા માંગતી નજરથી જોયું અને બેલાબેને પણ એ જ રીતે તેની હા પાડી. બેલાબેનને પૈસા ચુકવી પરી પલ્લવી તરફ ટીપ આપવા માટે વળી ત્યારે તે પાર્લરના પગથિયાં ઉતરી બાજુમાં મુકેલી સાયકલનું તાળું ખોલી રહી હતી. પરી ચાટ પડી ગઇ આજ સુધીમાં કોઇએ એની ટીપનો આવો અનાદર કર્યો ન હતો. એનો અહં પૂર્ણપણે ઘવાયો પણ આમાં તે કશું કરી શકે તેમ ન હતી.

પલ્લવીએ તેની સાયકલ ઝડપથી ઘર તરફ ભગાવી પણ તેનું મન પરીની ટીપ ન સ્વિકારીને એક જાતની શાંતિ અને સંતોષ અનુભવતું હતું. એક અદ્રશ્ય તમાચો પડ્યો હોય એવી લાગણી સાથે પરીએ તેની કારને સ્ટાર્ટર માર્યું તેનુ દિમાગ ધમ્મ ધમ્મ થતું હતું.

**************

બીજે દિવસે સવારે પલ્લવી કામ પર પહોંચી ત્યારે બેલાબેન અને સફાઇ કરવાવાળા બેન જ આવ્યા હતાં હસીને બેલાબેને પલ્લવીને પુછ્યું : “કેવું રહ્યું કાલે તારું બર્થ-ડે સેલિબ્રેશન !“

“શેનું સેલિબ્રેશન મેડમ..!! અમે તો પરિવારના ત્રણ જણા છીએ, આ તો પહેલી વખત મારી બેન પ્રભુતા કેક લઇ આવવાની હતી એટલે થોડું એક્સાઇટમેન્ટ હતું. જતાં જતાં હું અમૂલના શ્રીખંડનું એક પેક લઇ ગઇ હતી અને મમ્મીએ પૂરી બનાવી રાખેલી, થઇ ગયું અમારું સેલિબ્રેશન..! ખાલી હું મોડી પહોંચી એમા પ્રભુતાનો મૂડ ખરાબ થઇ ગયેલો . ” પલ્લવી એ સ્મિત કરતાં હળવાશથી જવાબ આપેલો.

“ચાલ, તો ય તારો બર્થ-ડે તો પ્રમાણમાં સારો ગયો.. બિચારી પરીને તો.. “કહેતાં બેલાબેન અટકી ગયાં.

“કેમ તે તો તેના ફિયાન્સ સાથે ડેટ પર જવાની હતી ને ..?!! તો શું થયું તેનું ? “પલ્લવી એ ઇંતેજારીથી પુછ્યું.

“એક્સિડેન્ટ...!! તેના ઘર પાસેના ચાર રસ્તે ઉતાવળે રસ્તો ખાલી લાગતાં તેણે રેડ સિગ્નલ તોડ્યો અને જમણી તરફથી આવતી કાર તેને બરાબર આગળના દરવાજા પાસે ભટકાઇ, નસીબજોગે પ્રમાણમાં તે કારની સ્પીડ ઓછી હતી એટલે જીવ બચી ગયો. જમણા હાથ અને પગે મલ્ટિ-ફ્રેક્ચર છે.” વિગતવાર વાત કરતાં બેલાબેન બોલ્યા.

“તમને કોણે કહ્યું? “ હવે પલ્લવીના સ્વરમાં ચિંતા ભળી.

“તારા ગયા પછી એ ઘરે ન પહોંચતા તેના ઘરેથી ફોન આવ્યો અને પછી અમે સહુએ તપાસ કરતાં જાણ્યું કે તે ઘરે જવાને બદલે સીધી હોસ્પિટલમાં પહોંચી હતી. જોયું ઉતાવળ માણસને કયાંને બદલે ક્યાં પહોંચાડી દે છે !” બેલાબેનના અવાજ માં એક વડીલજન્ય ટકોર હતી.

પલ્લવીનું મ્હોં પડી ગયું, એને લાગ્યું કે પરીનો મૂડ બગાડી ક્યાંક પોતે પણ આ અકસ્માતનું કારણ બની હતી. મનોમન તેણે સાંજે ઘેર પાછા જતી વખતે પરીની ખબર કાઢતાં જવાનું અને ‘સોરી’ કહેવાનું નક્કી કર્યુ.

**************