સત્યનો સૂરજ Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્યનો સૂરજ

સત્યનો સૂરજ

આશરે પંદરેક મહિના પહેલાં કાઠમંડુ(નેપાળ) થી વડોદરા બાય એર આવવાનું થયેલું, અમારી ઉડાન બે ભાગમાં હતી કાઠમંડુથી દિલ્હી અને દિલ્હીથી વડોદરા. નેપાળમાં લગભગ બારેક દિવસ ગાળ્યા તે દરમ્યાન વાતાવરણ ખુલ્લું અને લગભગ ખુશમિજાજ કહી શકાય તેવું જ રહ્યું પણ નીકળવાના દિવસે અમે ઉઠ્યા ત્યારે ઝરમર વરસાદ ચાલુ હતો મતલબ કે અમને ચોમાસાની ઋતુ પણ અનુભવવા મળવાની હતી. ઘરેથી ટેક્સીમાં નીકળ્યા ત્યારે પણ ઝરમર ચાલુ જ હતી જે એરપોર્ટ સુધી ચાલુ જ રહી. અમારી ઉડાન લગભગ સાડાદસ વાગ્યે હતી. ત્યાં સુધીમાં સૂરજ અડધો પડધો ડોકિયાં કરતો ક્યારેક દેખાતો ક્યારેક સંતાતો હતો. લગભગ સવા કલાકની એ હવાઈ યાત્રા પછી અમે દિલ્હીના નવા ટર્મિનલ-૩ પર ઉતર્યા કલાક એક ઈમિગ્રેશન ની વિધિ પતાવતા થયો. અમારી અહીંથી વડોદરાની ફ્લાઈટ બીજે દિવસે મળસ્કે હતી અને લગભગ સોળ કલાક અમારે અહીં જ ગાળવાના હતા. આમ તો અમે નજીકની કોઈક હોટલમાં જઈ રહી શક્યા હોત પણ વહેલી સવારે પાછું એરપોર્ટ પર પહોચવું અને લગેજ વિ.નું ચેક- ઇન કરવું થોડું અસુવિધાજનક લાગ્યું એટલે પ્રમાણમાં ઠીક સુવિધાવાળા નવા ટર્મિનલ પર જ સમય પસાર કરવાનું નક્કી કર્યું. દિલ્હીમાં પણ જાણે ચોમાસું બેસી ગયું હોય એમ ગાઢ વાદળાઓ છવાયેલાં હતાં બે ત્રણ વાર જોરદાર વરસાદના ઝાપટાં પણ પડી ગયાં.

રાત્રે બે વાગ્યા બાદ અમારે કયા ગેટ પરથી ચેક ઇન કરવાનું છે તે ઈન્ડીકેટર પર ઝબકયું અમે અડધા જાગતા ઊંઘતા હતાં. ફ્રેશ થઇ અમે લગભગ પાંચેક વાગ્યે લગેજ ચેક ઇન અને સિક્યુરિટીનું પતાવ્યું અને અમારા નક્કી થયેલા ગેટ પર આવ્યાં અમારી ફ્લાઈટ સવારે છ અને પચીસ મિનીટની હતી હજુ બોર્ડિંગમાં સમય હતો એથી અમે ત્યાંની આરામ દાયક સીટ પર લંબાવ્યું. આશરે છ વાગ્યે બોર્ડીંગ શરૂ થયું. એરપોર્ટનાં બહારી આકાશમાં હજુ પણ ગાઢ વાદળોની જમાવટ હતી. ભડભાંખળાનાં સમયે પથરાતું સૂર્યોજસ હજુ અહી વર્તાતું નહતું. સમય થયો અને પ્લેને રન-વે તરફ ગતિ કરી. અને ક્ષણેકમાં ટેક ઓફ થયું.

આકાશ તરફ ઉર્ધ્વ ગતિ કરતું અમારું પ્લેન બે-પાંચ મિનીટમાં ગાઢ વાદળાને ભેદી ખુલ્લા આકાશમાં આવ્યું અને જાણે ચમત્કાર જેવું થયું બરાબર તે જ સમયે ક્ષિતિજ પર સૂરજનો ઉદય થયો હું છાપું વાંચવામાં મશગૂલ હતો, મારી ડાબી તરફના ખભા અને ગાલને કશુંક હુંફાળું સ્પર્શ્યું મેં સહસા બારી બહાર નજર કરી અને જોયું કે સૂરજ આકાશમાં ચોતરફ હુંફાળો સુવર્ણ રસ ઢોળી રહ્યો હતો એની એક છાલક મારા સુધી પહોંચી હતી. એ અદભૂત દ્રશ્ય હું ઘડીભર નિહાળી રહ્યો. થોડીક પળો પહેલાં અધકચરા અંધારામાંથી ઉડેલા અમે અત્યારે નિરભ્ર અને ખુલ્લા પ્રકાશથી નહાતા પરિવેશમાં પહોંચી ગયા હતાં મને મનમાં એક ઝબકારો થયો સત્ય પણ આટલું જ સ્વયં પ્રકાશિત છે. એટલું જ ચમકતું અને અને હુંફાળું. માત્ર આપણે તેના સુધી પહોંચવા શંકા અને ભ્રમણાનાં ગાઢ વાદળો ભેદવા પડે. આપણે હંમેશા આપણી માન્યતા અને ભ્રમથી ઘેરાયેલાં હોઈએ છીએ. આપણને એથી સત્ય સુધી પહોંચવામાં તકલીફ નડે છે એમાથી બહાર નીકળવાના આપણા પ્રયાસ પરત્વે આપણે શંકાશીલ હોઈએ છીએ પણ એક વાર આ બધું અતિક્રમીને આપણે સત્ય પામવાના સાચા રસ્તે પ્રયાણ કરીએ તો જરૂરથી ચમકતું અને હુંફાળું સત્ય આપણને નજરે પડે છે. સૂરજની માફક સત્ય પણ સનાતન છે માત્ર આપણા તેના સુધી પહોંચવાના પ્રયાસો પુરતા નથી હોતા....ચાલો, આપણે સહુ પોતપોતાના સત્યને શોધી કાઢીએ

*************************

***************