અનંત એકાંત Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત એકાંત

અનંત એકાંત અશોક જાની ‘આનંદ’

અનંત એકાંત

બરાબર સાત વાગ્યે મારા દીકરા અભિનવે મારા નાના ભાઈ સુરેન્દ્ર તરફ સૂચક નજરે જોયું અને સુરેન્દ્રની નજરનો હકાર સમજી જઈ અભિનવે ઊભા થઇ બેસણા માટે પાથરેલા પાથરણાનો એક ખૂણો વાળી દીધો, બેસણાનો સમય પૂરો થયાનું આ ઈંગિત હતું. બેસણાનો સમય સાંજે પાંચથી સાતનો જાહેર થયેલો. આજે મારા મૃત્યુનો દસમો દિવસ હતો. આમ તો ન્યાતના રિવાજ પ્રમાણે નવમા દિવસે બેસણું રાખવામાં આવે પણ દસમો દિવસ રવિવાર હોવાથી આવનારની સુગમતાને ધ્યાનમાં રાખી દસમા દિવસની જાહેરાત સ્મશાનમાં દાહ સંસ્કાર પછી કરવામાં આવી હતી.

*********

સ્મશાનમાં ભેગા થયેલા પરિચિતો વચ્ચે ચર્ચા ચાલી હતી “ખરું થયું..!! અનંતભાઈ અનંત ચતુર્દશીના બીજે દિવસે જ અનંત યાત્રાએ ઉપડી ગયા..!” “પણ, હજુ કાંઈ મરવાની ઉંમર ના કહેવાય, આ શરદપૂનમે હજુ પાંસઠ પુરા થાત” એક વધુ અંગત પરિચિતે કહ્યું, વળી બીજા એ ઉમેર્યું “પણ મોત બહુ સારું આવ્યું. પારૂલબેન કહેતા હતા કે સવારે ચારેક વાગ્યે તો ઉઠીને એ.સી.ની ઠંડક ઓછી કરી હતી, પછી થોડી વાર સળવળતા રહ્યા ને ક્યારે ઊંઘી ગયા તેની ખબર પણ ના પડી. રોજ છ સાડા છ વાગે ઉઠી જાય પણ સાત વાગ્યા સુધી ના ઉઠ્યા ત્યારે ઓફીસ જવા તૈયાર થતા અભિનવે ઢંઢોળ્યા ત્યારે કાંઈ ન હતું.” બધાં જ મારા માટે કહેતાં કે અનંતભાઈનું કામકાજ બહુ નિયમિત, સવારે કસરત અને ધ્યાન, બપોરનું જમવાનું સાંજે ત્રણ ચાર કિ.મી. ચાલવાનું, સાંજે હલકું જમીને ટીવી જોઈ સુઈ જવાનું. દિવસનો બાકીનો સમય એ ભલા અને એમનું કોમ્પ્યુટર ભલું.

સાચે જ સવારના દૂધ અને નાસ્તા પછી હું ઈન્ટરનેટ ખોલી બેસી જતો ‘ફેસબુક’ જેવા સોશ્યલ નેટવર્ક પર અઢળક મિત્રો હતા તેમાં ગઝલ, કવિતા, ગીતો લખતાં મિત્રોના ગ્રુપ હતા. કેટલાકમાં તો હું એડ્મીનીસ્ટ્રેટર પણ હતો, નવા અને યુવા ઉત્સાહી સર્જકો તેમની રચના વાંચું ,પ્રતિભાવ આપું, જે કોઈ મને તેમની કાચી પાકી રચના બતાવતાં હું તેમને મારી જાણકારી મુજબ જોઈતું માર્ગદર્શન આપતો. વળી સમય હોય એ પ્રમાણે ઈ-મેઈલમાં આવેલા લેખ કે બીજી રચનાઓ વાંચું, કેટલાક સારા બ્લોગની પણ નિયમિત મુલાકાત લઉં. મારી રચના પણ ‘ફેસબુક’ની વોલ પર કે યોગ્ય ગ્રુપમાં પોસ્ટ કરૂં અને તેમાં આવતા મિત્રોના પ્રતિભાવ વાંચી પોરસાઉં. બપોરે જમ્યા પછી મેગેઝીન કે અખબારની પૂર્તિ વાંચવાની ટેવ પણ અકબંધ રાખી હતી. બપોર બાદ મનમાં રમતી કે ચબરખી પર કાચી ઉતારેલી કોઈ ગઝલ, ગીત કે ટૂંકી વાર્તાને કોમ્પ્યુટરમાં ઉતારી લઉં. શહેરની કેટલીક નિયમિત મળતી બેઠકોમાં જઈ રચના વાંચવાની હોંશ કાયમ રહેતી. તેમાં થતી સાહિત્યિક ચર્ચામાંથી ઘણું જાણવાનું મળતું. જો કે મારી આવી નિયમિત દિનચર્યાથી પત્ની પારુલ કંટાળતી, ફરિયાદ પણ કરતી. પણ મારી આવી ગમતી નિર્દોષ અને નિરુપદ્રવી પ્રવૃત્તિ માટે તો મેં સામે ચાલીને નિવૃત્તિ લીધેલી. બાકી સ્વાસ્થ્યના હિસાબે હજુ બીજા પાંચ વરસતો આરામથી નોકરી ચાલુ રાખી શક્યો હોત. આ બધાંની વચ્ચે ઘરના જરૂરી કામકાજ, બેંક વિ. ની દોડધામ તો હું કરતો જ.

*********

પાંચ વાગે બેસણું શરૂ થતાં જ સગાં સંબંધી અને મિત્રોનો પ્રવાહ શરૂ થયો હતો, કેટલાંક બહારગામના સગાં તો સવારથી જ આવ્યા હતા અને બેસણાની ઔપચારિકતા પતાવી સાંજે પરત જવા નીકળી જવાના હતાં. ઘરની બહાર ગોઠવવામાં આવેલા નાની સાઈઝના કોમ્પ્યુટર સ્પીકર પર ‘વાદ્ય સંગીત’માં રેકોર્ડ થયેલા ભક્તિ ગીત ‘શ્રદ્ધા’ આલ્બમમાંથી સાવ ધીમા અવાજે રેલાઈ રહ્યા હતા. મને ચારેક વરસ પહેલા શું સૂઝેલું કે મેં મારા દીકરા અભિનવને વાતવાતમાં મને ગમતા આ આલ્બમ વિષે વાત કરતાં કહેલું કે બેસણા જેવાં ગંભીર પ્રસંગે “શ્રી રામ જય રામ” કે “ હે રામ” જેવી રાબેતા મુજબની ધૂન કરતાં આ આલ્બમ સંભાળવું ખુબ સારું લાગે. અભિનવે યાદ રાખી એની વ્યવસ્થા કરેલી. મને એ ખુબ ગમ્યું. મારી એક ચહેરા પર સ્મિત રેલાવતી ક્લોઝ અપ તસવીર મોટી કરી સેન્ડવીચ ફ્રેમમાં મઢાવી એક ટીપોય પર સામીયાણાની એક છેડે મધ્યમાં ગોઠવી હતી જે ગુલાબ મોગરાના સુંદર હારથી સુશોભિત હતી અને બાજુમાં મુકાયેલા એક સ્ટુલ પર એક મોટી તાસકમાં ગુલાબના ફૂલો મુક્યા હતા પુષ્પાંજલિ માટે. અગરબત્તીના બે મોટા સ્ટેન્ડ પર ભરાવેલી બે મોટી બેસણા અગરબત્તી આછી આહ્લાદક સુગંધ રેલાવી રહી હતી. મારી પુત્રી અને પુત્રવધૂ સફેદ સાડી ગુજરાતી છેડો નાખી પહેરી ઘરમાં અન્ય વ્યવસ્થા જાળવતી ફરી રહી હતી, ભત્રીજીઓ આછા બ્લુ જીન્સ પર સફેદ કુર્તીઓ ચઢાવી બેસણામાં આવનારની મિનરલ વોટર અને ચા માટે પુછી રહી હતી. જો કે ઓફર કરતી ચાને ઘણા મહેમાનો મસ્તક ધુણાવી નકારી દેતાં હતા. પ્રવેશ દ્વાર પાસે જ એક નાનકડા ટેબલ ખુરશી લઇ મારો ભત્રીજો ધૈર્ય પુસ્તિકાઓ લઇ બેઠો હતો અને પાછા જનાર દરેકને એક પુસ્તિકા પ્રેમથી આપતો હતો, જેમાં મારી લખેલી ભક્તિ ગીત કે પ્રાર્થના પ્રકારની થોડીક રચનાઓ છપાયેલી હતી અને મારી પેલી ફ્રેમમાં મઢાવેલી તસ્વીરની નાની પ્રતિકૃતિ પહેલા પાને મૂકી મને આપવામાં આવેલી શ્રધ્ધાંજલિ નીચે છપાઇ હતી. એક પછી એક શોક પ્રગટ કરવા આવતી વ્યક્તિ બે હાથ જોડી પ્રણામ કરતી અને તાસકમાં થી ફૂલ લઇ મારી તસવીર પર ચઢાવતી. કોઈ યંત્રવત, કોઈ ખરેખર શ્રદ્ધા ભર્યા ભાવે. થોડીવાર ગંભીર મૌન ધારણ કરી દરેક વ્યક્તિ ગાદી કે ખુરશી પર બેસતી પછી બાજુની વ્યક્તિ જો જાણીતી હોય તો તે અથવા બાજુ વાળી વ્યક્તિ સાવ દબાયેલા સ્વરમાં વાત શરૂ કરતી. “ખરું થયું, નહીં ?!” પ્રત્યુત્તર મળતો, “હા, આમ તો અનંતભાઈ બિલકુલ સાજાસમા હતા..!!!” વાત આગળ વધતી “કહે છે ગુજરી ગયાના આગલે દિવસે સોસાયટીના ગણપતિને વિદાય આપવા નાકા સુધી ગયેલા બાકી કોઈ દિવસ એમ જાય નહીં...!” “સાયલન્ટ એટેક જ હતો..?”

“એવું જ હોય ને !! પણ એમણે ઉંહકારો સુધ્ધાં નથી કર્યો, મરતાં પહેલાં; ઊંઘમાં જ મોત અંબી ગયું.“ “મોત સારું આવ્યું, નહીં?! પણ જરા વહેલું આવ્યું.”

મારા કવિ મિત્રો બીજી તરફ ગોઠવાયા હતા, ત્યાં જરા જુદી ચર્ચા ચાલતી હતી, “નવો સંગ્રહ પ્રકાશિત થવાનો હતો એ પહેલાં જ આ શું થઇ ગયું?!” બીજા મિત્રે કહ્યું, “હા એ તો પ્રિન્ટમાં હતું ને ? આવતા મહીને તો લોકાર્પણ થાત.” “ના, બીજું વાર્તા-સંગ્રહનું પુસ્તક એડીટીંગમાં છે. એ તૈયાર થયા પછી બેયનું સાથે જ લોકાર્પણ થાત.” એક મિત્રે પ્રસ્તાવ મુક્યો “ કંઈ વાંધો નહીં અનંતના દીકરાની સાથે રહી આપણે એ કામ એમના મરણોત્તર પ્રસંગ તરીકે પાર પાડીશું, બાકી સર્જક સારો અને માણસ સીધો, હોં..!!” કવિ ગણમાંથી લગભગ દરેકે મસ્તક હકારમાં હલાવી મૂક સંમતિ આપેલી.

મારી દીકરીની દીકરી મોહિનીએ ધીમે રહીને આવી મારા દીકરાના ખોળામાં બેસી કાનમાં ફૂસફૂસાતા અવાજે કહ્યું “મામા, નાનુના ફોટા આગળ ફૂલનો કેટલો મોટો ઢગલો થઇ ગયો છે..!! એમનું મોઢું ય નથી દેખાતું..! મારા દીકરાએ ઊભા થઇ થોડાં ફૂલ ખસેડી તસ્વીરમાંનો મારો ચહેરો ખુલ્લો કરેલો. પરિવારના બીજાં બાળકોને પ્રસંગની ગંભીરતાનો ખ્યાલ ન હતો તે સામિયાણામાં આમ તેમ દોડાદોડી કરી રહ્યા હતાં મોટેરાં તેમને ટપારતા પણ ખુરશીમાં બેઠેલા મારા પત્નીએ તેમને વાર્યા, કહે “ એમને બાળકો ઘણા પ્રિય હતાં રમવા દો એમને કંઈ વાંધો નહીં..!” આમ મિત્રો ,સંબંધીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો. લોકો આવતા મારા દીકરા અને ભાઈ કે પત્ની અને પુત્રી વિ.ની સામે હાથ જોડી વંદન કરી ખરખરો કરતાં અને થોડી વારે ચાલ્યા જતાં.

*********

પાથરણા સમેટી, ગોદડાં ઉઠાવી, ખુરશીઓ અવેરી પરિવારજનો ઘરમાં આવ્યાં, પેલી બેસણાં માટે જ બનતી અગરબત્તી લગભગ પૂરી થવા આવી હતી, અખંડ દીવામાં હવે ઘી પૂરવાની જરૂર ન હતી. શ્રદ્ધાંજલિના ફૂલોથી અડધો ઢંકાયેલો ફૂલના હાર વાળો મારો ફોટો મારા દીકરાએ ઘરમાં લાવી ટીપોય પર મુક્યો. આગળની વિધિ માટે આવેલા ગોર મહારાજ અને બારમા-તેરમાનાં જમણવાર માટે બોલાવેલા કેટરર સાથે બધા ચર્ચામાં પરોવાયા, બધું ગોઠવાયું. બહાર હજુ ચર્ચા કરતા ઊભાં રહેલા મિત્રો સંબંધીઓ ધીમે ધીમે વિખરાઈ રહ્યા હતા, પેલા સાહિત્યકાર મિત્રોનું જે જૂથ મારા મૃત્યુ પર ચર્ચા કરતુ હતું એમાંથી એક આગેવાન કવિએ મારા મૃત્યુ પર શોક દાખવતા ઠરાવનું પરબીડિયું ઘરમાં જઈ મારા દીકરાના હાથમાં આપ્યું અને સહુ કવિ મિત્રો પણ વિખરાયા.

પછી તો બારમાનું શ્રાદ્ધ અને તેરમાની સરવણીની વિધિ સંપન્ન થઇ, પેલો મોટો કરાવેલો મારો ફોટો સરવણીના ખાટલામાં મુકાયો હતો તે ફરી ઘરમાં લવાયો . છેલ્લા દસેક દિવસથી એની સામે દીવો અગરબત્તી થતાં હતાં. પેલો બેસણાના દિવસનો ફુલનો હાર ક્યારનો નીકળી ગયેલો અને તેની જગ્યા સુખડના હારે લઇ લીધેલી, ઘરના પૂજા-રૂમમાં મારા માતુશ્રી અને પિતાશ્રીની સુખડના હાર વાળી બે તસવીર વચ્ચે પુરતી જગ્યા હતી. એક વધારાની ખીલી મારી મારા ફોટાને ત્યાં લટકાવવાની તજવીજ મારા દીકરાએ કરી રાખી હતી.

હવે સવાર સાંજ દીવા ટાણે પૂજા-રૂમનું બારણું ખુલે ત્યારે રૂમમાં સહેજ ચહલ પહલ વર્તાય છે, બાકી લગભગ આખો દિવસ અમારા ત્રણની તસ્વીર મૂંગી દીવાલોને તાકી રહે છે. મને ખબર હતી કે મારા માતુશ્રી અને પિતાશ્રીની જેમ હવે મને પણ મારી મૃત્યુ તિથિ અને શ્રાધ્ધના દિવસે મને સહુ પરિવારજનો યાદ કરશે.

પહેલાં લાકડાની ફ્રેમમાં કાચની પારદર્શક દીવાલ પાછળ મઢાતા અને દીવાલથી સહેજ ત્રાંસા લટકાવાતા ફોટા પાછળ તો ચકલીઓ માળો બાંધતી પણ હવે તો ચકલીઓ પણ ના રહી અને કોઈ ચકલી ભૂલી પાડીને આવે તો લેમિનેટ કરાવેલા ફોટા પાછળ માળો બાંધવાની જગ્યા પણ ક્યાં હતી..!?

મને છેલ્લે એક બેઠકમાં સંભાળેલો જાણીતા શાયર જનાબ ખલીલ ધનતેજવીનો એક શેર યાદ આવી ગયો.

“કેટલું એકાંત મારી ચોતરફ વ્યાપી ગયું,

એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી “

**************