લે લખ...!! Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લે લખ...!!

લે, લખ....!!!

લેખક : અશોક જાની ‘આનંદ’

E-mail :

અચાનક ભર ઊંઘમાંથી આંખ ખુલી ગઈ, ચારે બાજુ અંધકારનો કાળો સમંદર લહેરાઈ રહ્યો હતો. હું કાયમ બે ઓશિકે માથું મૂકી સુતો વળી ઓશિકાની નીચે એકાદ મીણબત્તી અને માચીસ મૂકી રાખતો, રાત વરત ગમે ત્યારે કામ લાગે. મીણબત્તી અને માચીસ શોધવા ઓશિકા નીચે હાથ નાંખ્યો તો ફંફોસતા હાથના આંગળાએ કહ્યું,: "અલ્યા, માચીસ-મીણબત્તી તો ઠીક એક ઓશિકું ય ગાયબ છે..!!"
હું ઝપ્પ દઈ બેઠો થઇ ગયો, પથારી નીચે પગ માંડ્યા તો મારા પગ જાણે ચકમકના બન્યા હોય તેમ તેમાંથી તણખા ઝર્યા. પગલાં ભરાય તેવું અજવાળું થયું અને મેં દિશાહીન ચાલવા માંડ્યું. થોડી વાર સુધી આ મજલ ચાલુ રહી પણ જાણે કોઈ ચકમકને ચૂસી રહ્યું હોય તેમ ધીમે ધીમે તણખા ઓછા થવા લાગ્યા. ધીમે ધીમે ફરી અંધારું તીવ્ર થવા લાગ્યું.અસમંજસમાં હું ઉભો રહી ગયો, શું કરવું એ વિચારી રહ્યો. ત્યાં થોડે દૂરથી જાણે એક સાદ સંભળાયો, "ચાલ્યો આવ..!!" પહેલા તો મેં ખાસ ધ્યાન ના આપ્યું ઘડી વારે જાણે ફરી સંભળાયું,:"ચાલ્યો આવ..!!" અવાજ ભલે દૂરથી આવતો હતો પણ સ્પષ્ટ હતો, પુરુષ જેવો કહીએ તો સહેજ તીણો લાગે અને સ્ત્રી જેવો કહીએ તો સહેજ ભારે લાગે તેવા એ અવાજમાં ચોક્કસ પ્રકારનું માધુર્ય હતું જે મને તેની તરફ ખેંચી રહ્યું. એ અવાજમાં આદેશ કરતા આમંત્રણ જેવું વધારે હતું. મારી દિશાહીન મજલ ફરી શરૂ થઇ એ અવાજની દિશામાં, એ અવાજના અવલંબને. શરૂઆતમાં ઠેબાતા પગલાં માંડતો ફરી હું આગળ વધ્યો પણ પછી આંખની જેમ પગ પણ જાણે ટેવાતા જતા હોય એમ મારી ચાલમાં સ્થિરતા આવી. પેલો અવાજ મને સતત સાદ દેતો રહ્યો હું સતત ચાલતો રહ્યો, ખબર નહીં કેટલી વાર સુધી..! કેટલા અંતર સુધી...!!
હવે પેલા અવાજની સાથે સવારના શાંત સમુદ્રનો ઘૂઘવાટ ઉમેરાયો, શરૂઆતમાં ક્ષીણ પણ ધીમે ધીમે વધુને વધુ સ્પષ્ટ થતો ઘૂઘવાટ ચોક્કસ પણે કહી રહ્યો હતો કે રત્નાકર નજીકમાં જ છે અને પેલો અવાજ મને એ તરફ દોરી રહ્યો છે.અચાનક દૂર ક્ષિતિજે અંધારું ઝાંખું પડ્યું હોય તેવો આભાસ થયો, ભડભાંખળાની કદાચ એ શરૂઆત હતી. વિસ્તરતી અંધારાની ઝાંખપે એ વાત નિશ્ચિત કરી. પેલા અવાજની દિશામાં મને એક ઓળા જેવું વર્તાવા લાગ્યું, મનમાં ઉઠતા અનેક સવાલોને અવગણી હું તેને અનુસરતો રહ્યો. હવે પગ નીચેની જમીન પોચી અને ભીની લાગવા માંડી, ભીનાશની ઠંડક અંતર સુધી એક આહ્લાદ ભરી દેતી હતી. પેલો ઓળો હવે સ્પષ્ટ આકૃતિમાં ફેરવાઈ રહ્યો હતો પણ પૂર્ણ ઉજાશના અભાવે તેનો ચહેરો વર્તાતો ન હતો. દરિયાનો ઘૂઘવાટ અને પૂર્વાકાશમાં ફેલાયેલા આછા અજવાળામાં દરિયાનું અસ્તિત્વ સ્પષ્ટ થતું હતું. વધતા જતા ઉજાશમાં જણાયું કે પેલી આકૃતિ મને જે તરફ લઇ જતી હતી તે દિશામાં કશુંક પડેલું હતું, અને મારી ગતિ ઓટને કારણે સંકોચાઈને પડેલા સમુદ્રના જળ તરફ હતી, વધુ ઉજાશે અને ઘટતા અંતરે વળી સ્પષ્ટ થયું કે પેલી પડેલી વસ્તુ એક સીસમના લાકડામાંથી બનાવેલું વિશાળ મેજ હતું , તેની બાજુમાં જ એક નાજુક રૂપકડી સીસમની નરમ બેઠક વાળી ખુરશી મુકાયેલી હતી, મેજ અને ખુરશીના પાયા સુંદર નકશીકામથી શોભતાં હતાં, ઓટ છતાં હળવેકથી કિનારે વહી આવતી સમંદરની નાજુક લહરીઓ તેના પાયા પખાળતી હતી.

પેલી આકૃતિ મેજ સુધી જઈ થોભી ગઈ, મારી તરફનો તેનો ચહેરો ઢંકાયેલો હતો, "ચાલ્યો આવ..!!" કદાચ તેણે આખરી વાર કહ્યું અને ખાસ્સા ઉજાશમાં મેં તેની તરફ ત્વરાથી પગલાં માંડ્યા. મેજ પર એક હાથ ટેકવી તે નકાબપોશ આકૃતિ ઉભી રહી ગઈ અને મને હાથના ઈંગિતથી મેજની સમીપ આવી ખુરશી પર બેસવા ઇજન આપી રહી. મેજની સાવ નજીક પહોંચી મેં જોયું કે સફેદ બગલાની પાંખ જેવા કોરા કાગળની થપ્પી મેજ પર પડી છે, એક કાચનો કોતરણી વાળો કાળી શ્યાહીથી ભરલો ખડિયો અને સોનાની કલમ 'પેપર વેઇટ ' ની જેમ તેની ઉપર પડેલાં છે. મારી દ્રષ્ટિમાં ડોકાઈ રહેલા અસંખ્ય પ્રશ્નો એક સવાલ બની મારા હોઠે આવી ગયો, : " કોણ છે તું ??!!! "
વાર્તા, હું વાર્તા છું ..!! લે..! લખ મને..!!! " ટૂંકો જવાબ આપી આકૃતિ અદ્રશ્ય થઇ ગઈ..!! અવાચક હું અનાયાસે ખુરશી પર બેસી પડ્યો, યંત્રવત મારા હાથે ખડિયો ખોલી પેલી કલમ તેમાં ઝબોળી એક અક્ષર કાગળ પર લખ્યો. બરાબર તે જ ક્ષણે પૂર્વાકાશમાં દરિયાની પેલે પાર ક્ષિતિજે સુરજ ડોકાયો, આખું પૂર્વાકાશ કંકુ ઢોળાયું હોય તેમ લાલ રંગે રંગાઈ ગયું, આકાશથી વરસતા રાતા રંગમાં નીરવ પડઘા પડઘાઈ રહ્યા. :
લે..! લખ મને..!!! " " લે..! લખ મને..!!! " " લે..! લખ મને..!!! "