N.O.C. Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

N.O.C.

N.O.C.

લેખક : અશોક જાની ‘આનંદ’

E-mail :

ચીં.... ચીં... ચીં..... ચીં........સવાર પડી અને ચકલા-ચકલીનો ચકચકાટ ચાલુ થઇ ગયો હતો, મમ્મીનું મગજ આજે ફરી છટક્યું. : “અનુજ, આજે તો રવિવાર છે... કાઢ આ ચિબાવલીઓને...!! નવાઇના ઇંડા મૂકવાની છે તે ઘરને જાણે ચિડીયાઘર બનાવી દીધું છે..!!” રવિવારની પૂર્તિના એકાદ લેખને ચાની ચુસ્કી સાથે ગળે ઉતારતા પપ્પાએ છાપામાંથી ડોક બહાર કાઢી મારી તરફ લંબાવતા કહ્યું,: “ આ રંગબેરંગી સુતરાઉ દોરામાંથી બનાવેલો લેમ્પ શેડ મુંબઇથી લાવીને આપણે ચકલીઓ માટે અહિં લટકાવ્યો છે ?!! લેમ્પ શેડ પર માળો કરવા બેઠાં છે બોલો..!! પછી આગળ ઉમેરતાં બોલ્યા “ ઉપર ગોઠવે છે એના કરતાં ચાર ગણો કચરો નીચે વેરે છે અને તારી મમ્મી એ સાફ કરવામાંથી નવરી નથી પડતી. સાડીનો છેડો કમ્મરમાં ખોસતી મમ્મી રસોડાની બહાર ધસી આવી, : “ આ સ્ટૂલ પર ચઢ અને ફેંસલો કર આજે તો..!! આ કચરો સાફ કરતાં કંટાળી હું તો..”
દસેક દિવસથી હું જોતો હતો કે અમારા દિવાનખંડમાં લટકાવેલા એ લેમ્પશેડ પર ચકલીના એક જોડાએ માળો બાંધવો શરૂ કર્યો હતો. તાલબધ્ધ ચીં ચીંના નાદ સાથે તેમની સવાર પડી જતી ક્યાંકથી ઘાસના તણખલા, પીંછા, કાગળના ટુકડા, દોરા જેવી ચીજો એકઠી કરી લેમ્પશેડની ટોચ પર ગોઠવવા માંડી હતી. ઉપરનો ભાગ અંદર તરફના ઢાળ વાળો હોઇ ઘણી વસ્તુ સરકીને દિવાનખંડની ફર્શ પર વેરાતી, મમ્મી એ સાફ કરતાં થાકતી- કંટાળતી. જો કે મને ચકલીઓની આ ગતિવિધી જોવાની મજા પડતી, ખાસ કરીને સ્કુલે જતાં પહેલાના સમયમાં. ધીરે ધીરે માળો મોટો થતો હતો. પણ આજે અચાનક મમ્મી અને પપ્પા બન્નેનો માળો હટાવવાનો હુકમ થતાં થોડીવાર માટે હું પણ બઘવાઇ ગયો પણ પછી ચકલીઓની વ્હારે ધાતાં મેં કહ્યું: “ હવે માળો પૂરો જ થવા આવ્યો છે, પછી કચરો નહીં પડે: ચકલીઓ અંદર ઈંડા મૂકશે તેમાંથી બચ્ચાં નીકળશે જોવાની કેવી મજા પડશે..! રહેવા દે ને મમ્મી...!!”
પણ આજે મમ્મી ફેસલો કરવા પર જાણે અટલ હતી. “ના, હમણાં તો કચરો પડે છે પછી ઈંડા મૂકશે, એમાંથી એક ઈંડુ સરકીને નીચે પડે એટલે ખલ્લાસ...!! એ ગંધારુ કોણ સાફ કરે..?”
શુધ્ધ વૈષ્ણવ નાગર ગૃહિણીનો જીવ કોચવાતો હતો, ઈંડુ ફુટવા માટે નહીં પણ ફુટેલા ઈંડાને સાફ કરવા માટે. પપ્પાએ પણ એમાં સાથ આપતાં ઉમેર્યું,: માળો બાંધતી વખતે NOC લીધેલું ?? ઇચ્છા થાય ત્યાં માળો બાંધી દે તે થોડું ચાલે..! પાછો આપણે તેની હટાવવાનો પણ નહીં..?! ”
મારે મજબૂરીથી સ્ટુલ પર ચઢવું પડ્યું, માળા તરફ લંબાતા મારા હાથ જોઇ ચકલા-ચકલી બન્ને એ દેકારો કરી મુક્યો પણ એમનું ક્યાં કશું ચાલવાનું હતું..!!? લગભગ પુરો થવા આવેલો માળો આસ્તેથી ઉઠાવી મેં કચરા ટોપલી પાસે મુક્યો, માળાના ઘાસ તણખલાં એમને બીજે ક્યાંક માળો બનાવવા કામ લાગે એમ વિચારીને. બન્ને જણ શિયાં વિયાં થઇ મારા નિર્દય ચહેરાને જોઇ રહ્યાં, એમની નાનકડી આંખોમાં આંસુની ચમક હું જોઇ શક્યો..
ત્યાં પપ્પાના મોબાઇલનો રિંગ ટૉન વાગી રહ્યો”વૈષ્ણવ-જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ...” પપ્પા મોબાઇલ પર વાત કરી રહ્યા.....” બોલો પંડ્યા સાહેબ..!” ”.......” ” NOC નું થઇ ગયું ? અરે ના શું માને..!! એમને જે પ્રસાદ ધરાવવો હશે તે ધરાવીશું” ”.....”
ના ના, બંગલો તો ત્યાં જ બાંધવો છે, આપણા મોભા પ્રમાણેનાઆ લોકેશન પર જ એ પ્લોટ છે, એ તો જોઇશે જ “ ”.....”
સાહેબને મનાવવાનું કામ તમારું પંડ્યા સાહેબ, અરે તમારા પણ મેં ગણ્યા જ છે...!!”
મમ્મીએ પણ વચ્ચે સાદ પૂરાવ્યો” જો જો હોં...! એ પ્લોટ જવો ના જોઇએ”

મને થયું “ચકલીઓને માળો બાંધવાનું NOC સેવા સદનની કઇ ઓફિસમાં મળતું હશે ?!”

- અશોક જાની Top of Form