ટેવવશ Ashok Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટેવવશ

ટેવવશ

લેખક : અશોક જાની ‘આનંદ’

E-mail :

મારી આ ટેવે મને ઘણી વખત નુકશાન પહોંચાડ્યું છે પણ ખબર નહીં કેમે કરી એ છૂટતી નથી, હવે આને કુટેવ કહેવી કે સુટેવ એ તમે જ નક્કી કરજો. હું કયાંય નાની મોટી મુસાફરીએ નીકળ્યો હોઉં ત્યારે હું એકલો હોઉં કે જુથમાં મારા સહ-પ્રવાસી સાથે વાત કરવાની તેની સાથે પરિચય કેળવવાની મને જાણે ચળ ઉપડતી હોય છે, તેની સાથે વાત કરી મારે કંઈ ખજાનો મેળવીનથી લેવો હોતો પણ ટેવવશ એક નવા માણસ સાથે મળી તેને નજીકથી ઓળખી, ક્યારેક તેમાંથી વાર્તાનું કોઈ પાત્ર મેળવી લેવાની કે અમસ્તો ય એક નવા માણસનો પરિચય મેળવવો મને ગમે છે. આમાંથી કયારેક સારો મિત્ર પણ મળી જાય. જો કે મારી પાસે સારા મિત્રોની અછત છે તેવું જરાય ના માનશો. લાંબી સફરમાં આવા કેટલાંય સહયાત્રી સાથે પછીતો સરનામાં કે ફોન નંબરની આપ લે મેં કરી છે અને તેમાંથી કેટલાંક સાથે આજે ય પત્ર, ફોન કે રૂબરૂ સંપર્ક ચાલુ છે.એમાંનાં કેટલાંય સારા મિત્રો પણ સાબિત થયા છે.

આજે જોકે જે વાત કહેવા જઈ રહ્યો છું તે તેવા કોઈ સારા મિત્ર નીવડેલા સહયાત્રીની નથી, બલકે મારી સાથે થયેલા અત્યંત ખરાબ અનુભવની વાત છે. મારી વાતના અંતે તમે જ નક્કી કરજો કે મારી આ ટેવ સારી છે કે ખોટી.

*********

અમારી જોધપુર- બેંગ્લોર એક્સપ્રેસ બેંગ્લોર સ્ટેશનથી ઊપડી ત્યારે રાત્રીના લગભગ પોણા અગિયાર થવા આવ્યા હતા, એક શિબિરમાં ભાગ લઇ હું મારા ઘરે પાછો ફરી રહ્યો હતો. ટુ- ટાયર એ.સી ક્લાસના એ કોચમાં મારી સાથેના કેટલાંક શિબિરાર્થી જુદા જુદા કમ્પાર્ટમેન્ટમાં હતાં બીજા કેટલાંક એજ ટ્રેનના બીજા કોચમાં હતાં અમારો કોચ માંડ ત્રીજા ભાગનો ભરાયેલો હતો, લાંબા અંતરની આ ટ્રેનમાં ઘણા મુસાફરો વચ્ચેના સ્ટેશનોથી ચઢવાના હતાં. નસીબ(!) જોગે મારા કમ્પાર્ટમેન્ટમાં હું એકલો જ હતો , મારાથી બે કમ્પાર્ટમેન્ટ આગળ શિબિરમાં મારાજ ગ્રુપની એક યુવતીને મેં જોઈ અને હું તેની પાસે ગયો અને પૂછ્યું કે તે ક્યાં સુધી જવાની છે, તે સુરત સુધી જવાની હતી તેને તેના કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા એક યુવકની ઓળખાણ કરાવી તે પણ સુરત સુધી જવાનો હતો. શિબિર અંગેની થોડી વાત કરી હું મારી બર્થ પાસે પહોંચી સુવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં પેલા યુવાને આવી ચાદરનો છેડો પકડી મને તે પાથરવામાં મદદ કરી રહ્યો. હું મારી પાસેનું એક પુસ્તક વાંચતા સુવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં પેલો યુવક સામેની બર્થ પર બેસી મને કહેવા લાગ્યો 'તમે આવી આધ્યાત્મિક શિબિરમાં ભાગ લઈને આવ્યા છો તો મને એક મદદ ના કરો..?!'

મેં કહ્યું: ' ચોક્કસ મદદ કરું , તારી સમસ્યા શું છે ?' તેની સાથેની વાતચીતમાં ખબર પડી કે તે સુરતના એક મારવાડી કુટુંબનો નબીરો હતો તેનો ગૌર વાન, સ્ટાયલીશ પહેરવેશ પૈસાદાર કુટુંબનો હોવાની ચાડી ખાતાં હતાં, તેના કહેવા પ્રમાણે તેના પિતા હીરાના ધંધામાં છે પોતે પણ તેમને મદદ કરવા ઉપરાંત તેનું અલાયદું કામ કરતો રહે છે તેવા જ એક કામ અર્થે તે બેંગ્લોર આવેલો તેના કહેવા પ્રમાણે તેને ધૂમ્રપાનની ખુબ જ ખરાબ આદત હતી, અને દિવસમાં પાંચેક પેકેટ સિગારેટના ફૂંકી જાય છે મારાથી કહેવાઈ ગયું ' હું સત્તાવન વરસે પણ ચા-કોફી જેવું વ્યસન પણ નથી ધરાવતો અને આટલી યુવાન ઉંમરમાં આવી કેવી ટેવ પડી ગઈ છે?!!' તે માંડ ૨૮-30 નો લાગતો હતો.પછી ઉમેર્યું 'અત્યારે તો સુવાનો સમય થઇ ગયો છે કાલે આખો દિવસ આપણે સાથે જ છીએ આ વ્યસનમાંથી છુટવાનો રસ્તો હું તને કાલે બતાવીશ' અને તે તેની જગ્યાએ ગયો.

ટ્રેનની મુસાફરીમાં સળંગ ઊંઘ આવવી મુશ્કેલ હોય છે, વાંચતા વાંચતા મોડે ઊંઘ આવેલી તેથી જયારે ઉઠ્યો ત્યારે સવારના સાડા સાત થવા આવ્યા હતાં. મારી આંખ ખુલી તે વખતે પેલો યુવાન ટોયલેટમાંથી પાછો કરતો હતો મને જાગેલો જોઈ બોલ્યો 'ગુડમોર્નિંગ ..!! અંકલ, રાતે ઊંઘ આવી કે નહીં ??' સુરતમાં રહેતા એ મારવાડી યુવકનું ગુજરાતી ફાંકડું હતું

મેં. સ્મિત કરતાં હકારમાં ડોકું હલાવ્યું, થોડી વારે હું પણ ટુથપેસ્ટ નેપકીન લઇ ટોયલેટ તરફ ગયો, ફ્રેશ થઇ જયારે હું પાછો મારી જગ્યા પર આવ્યો ત્યારે એક સ્ટેશન પર ગાડી થોભી હતી, મારી સામેની બર્થ પર એક યુવાન દંપતિ ઘણા ભારે સામાન બેગ કોથળા સાથે ચઢ્યું મોટો કોથળો બર્થ નીચે સરકાવ્યો અને બેય જણ સામેની બેઠક પર ગોઠવાયાં. પેલા મારવાડી યુવકે મને કહ્યું: 'આ લોકોને કહો ને કે પેલી સીંગલ સીટ પર જઇને બેસે, સામસામે બેસીને વાતો કરી શકે ને ..!!!'

પણ મેં તે લોકોને કશું ના કહ્યું તો તે જાતે જ પેલા બે ને કહેવા લાગ્યો : ' આપ દોનો સામને સીંગલ સીટ પર ચાલે જાવ, આરામ સે આમને સામને બૈઠ કર બાત કર સકતે હૈ ' અને પેલા બંને અમારા કમ્પાર્ટમેન્ટની સીંગલ સીટ પર જતા રહ્યા ,દરમ્યાન પેલો યુવક ફ્લેવર્ડ મિલ્કની બે બોટલ લઇ આવ્યો ને કહ્યું: 'અંકલ તમે તો ચા-કોફી નથી પીતાં તો આપણે દુધ પીતાંપીતાં વાત કરીએ' કહી મારી સામેના સ્ટેન્ડ પર દુધની બોટલ મૂકી પોતાની જગ્યાએ ગયો. ઘડીભર મને મનમાં થયું કે આ નાનો છોકરો મને દૂધ પીવડાવે અને તેના પૈસાનું દૂધ મારાથી પીવાય ..!!! પણ પછી મનમાં આવ્યું કે હવે ખોલીને લાવેલી બોટલ ક્યાં પાછી આપવી આખો દિવસ સાથે જ છીએને કશુંક ખવડાવી પીવડાવી વાળી લઈશું, અને મેં ઘૂંટડે ઘૂંટડે દુધ પીવાનું શરુ કર્યું...

***********

આંખ ખુલી ત્યારે હું કોઇ પથારી કે બેડ પર પડ્યો હોઉં એમ લાગ્યું. જે રૂમમાં હતો ત્યાં ગાઢ અંધારું હતું ખાસ્સે દૂર એક ઝીરો વૉટનો હોય એવો બલ્બ સળગતો હતો પણ એનું અજવાળું મારા સુધી પહોંચતા જાણે હાંફી જતું હતું. મારી આંખ પર કદાચ કાયમ પહેરાઇને રહેતાં દૂરનું જોવાના ચશ્મા ન હતાં, અંધારું એટલે પણ વધારે ગાઢ લાગતું હતું. મેં તેની ખાત્રી કરવા હાથને આંખ સુધી લઇ જવા ધાર્યો પણ અફસોસ મારા હાથ બેડ સાથે બંધાયેલા હોય એમ ચસક્યા નહીં. મેં પગ પણ હલાવવાનો પ્રયાસ કર્યો પણ પગ પણ જાણે બંધાયેલા લાગ્યા. મને હવે ઝાંખુ ઝાંખુ યાદ આવ્યું પેલા છોકરાનુ6 મને દૂધ આપવું અને મારું ધીમે ધીમે મૂર્છામાં સરી જવું, હાથ તો નથી હાલી રહ્યો પણ જમણા હાથના અંગુઠાએ નિર્દેશિકા પર હાથ ફેરવી ભાળ મેળવી અને ખાત્રી થઇ ગઇ હાથમાં પહેરેલી સોનાની વીંટી ગાયબ હતી. અર્ધ સભાન અવસ્થામાં પણ મને લુંટાયાનો અહેસાસ થઇ ગયો પણ અત્યારે હું ક્યાં હતો? તેના જ કબજામાં કે બીજે ક્યાંક? પણ હું કંઇ લાંબુ વિચારું તે પહેલાં ઉંઘ મને ઘેરી વળી...

“ અજયભાઇ, તમે તો બહુ ઉંઘ્યા.. હવે ઉઠવું નથી?!” ક્યાંક દૂરથી સંભળાતો હોય એવા અવાજે મને જાગ્રત કર્યો, મેં ધીમે રહીને આંખો ખોલી, હું જે રૂમમાં હતો તે હોસ્પિટલનો એક રૂમ હોય એમ લાગ્યું ધુંધળી નજરે મને વર્તાયું કે મારા બેડ પર પાંગથે બેઠેલા મારા મિત્ર-પત્ની મને સાદ દઇ રહ્યા હતા. મારા હાથ અને પગ અત્યારે સાવ છુટ્ટા હતાં. અડઘી રાતે હું અર્ધ જાગ્રત થયેલો ત્યારે મારા જમણા હાથના અંગુઠાએ કરેલું ઇંગિત મને યાદ હતું. અનાયાસે મારો હાથ મારા ગળા સુધી પહોંચી ગયો. અને ગળામાં પહેરેલા અછોડાની ગેરહાજરી મારા હાથને વર્તાઇ, મનોમન હું થોડું હસ્યો મને લુંટાઇ ચુક્યાની ખાત્રી થઇ. હવે તો ‘શું ગયું’ કરતાં ‘શું બચ્યું’ તે જ જોવાનું હતું. મિત્ર પત્નીએ મને મારા ચશ્મા આપ્યા ચશ્માની આરપાર નીકળી મારી નજર હવે ચોખ્ખી થઇ. તેમણે બાજુના રેસ્ટોરાંમાંથી ઇડલી સંભાર મંગાવી રાખ્યા હતા, મને આપતાં કહ્યું “લગભગ ચોવીસ કલાક થઇ ગયા તમે કશું ખાધું-પીધું નથી.. લ્યો, આ ઇડલીનો નાસ્તો કરી લો..!!”

મેં ઊભા થવામાં ઉતાવળ ના કરી, હળવેકથી પડખું ફરી બેઠો થયો. ફરી હાથને ગળાની આસપાસના ખાલી અવકાશ તરફ ફેરવતા આજુબાજુનું વાતાવરણ નીરખ્યું, હું એક હોસ્પિટલની પથારી પર હતો, હું સૂતેલો હતો એ પલંગની બાજુમાં એક સ્ટેન્ડ પર સલાઇનનો ખાલી બોટલ ઊંધો લટકતો હતો મને ખ્યાલ આવ્યો કે મારી બેસુધ્ધિમા મારા પર કઈ જાતની સારવાર કરાઇ હશે. હજુ મારે જાણવાનું હતું કે હું કઈ જગ્યા પર છું. આસપાસ નજર કરતાં મરાઠી ભાષામાં સૂચના આપતા કેટલાંક નાના પોસ્ટર દીવાલે લગાડેલા જોયા અને થયું કે હું મહારાષ્ટ્રની કોઈ જગ્યાએ છું.. મેં સહસા મિત્ર પત્ની પુછ્યું “ક્યાં છે અમારા દોસ્ત..? અને આપણે કઈ જગ્યાએ છીએ..?? ” સ્મિતા કરતાં મિત્ર પત્ની “હમણાં આવું”નો ઈશારો કરી બહાર તરફ ગયા અને ઘડીકમાં મિત્રને બોલાવી પાછા આવ્યા. મિત્ર પણ ખડખડાટ હસતાં આવીને કહે “ ચાલો, તમે ઉઠ્યા ખરા...!!” હું પણ તેમની સામે સ્મિત સભર છતાં ખસિયાણી નજરે જોઈ રહ્યો. ફરી મેં મારો પ્રશ્ન મિત્ર સમક્ષ દોહરાવ્યો “ આપણે કઈ જગ્યાએ છીએ, અને મને શું થયું હતું..?” રહસ્ય પરથી પરદો ખસેડતા હોય એમ મિત્ર કહ્યું “આપણે મહારાષ્ટ્રના મિરજ શહેરની એક ખાનગી હોસ્પીટલમાં છીએ. તમારી તબિયત ગઇકાલે ટ્રેનમાં ખૂબ જ બગડી ગઈ હતી અને એટલે જ સારવાર માટે તમને રસ્તામાં મિરજ સ્ટેશને ઉતારવા પડ્યા, તમારે ઘરે પણ ખબર અપાઈ ગઈ છે. તમારા પરિવારજનો રસ્તામાં જ હશે, ગમે ત્યારે આવી પહોંચશે જ.. “ તેમણે એક લાંબા વાક્યમાં ઘણું બધુ કહી દીધું.. વળતો પ્રશ્ન કરતાં તેમણે મને પુછ્યું, : “પણ તમને અચાનક શું થઈ ગયું હતું..? રાત્રે આપણે છૂટા પડ્યા ત્યારે તો તમે એકદમ ઓલ રાઇટ હતા..?!!! “ તેમની આંખોમાં ઢગલો એક આશ્ચર્ય હતું મિત્ર-પત્નીની આંખો પણ એ જ પ્રશ્ન પૂછી રહી હતી. ઊઁડો શ્વાસ લઈને સહેજ ગંભીર ભાવે મેં જવાબ આપ્યો..” મને કશું જ થયું ન હતું..!“ જરા અટકી મેં વાત આગળ વધારી ” મને કશું કરી નાખવામાં આવ્યું હતું....!!” આશ્ચર્યથી વિસ્ફારિત તેમની આંખો મને વિગતે બધું કહેવા કહી રહી હતી.

નાસ્તામાં મંગાવેલી ઇડલી અને ઠંડો પડી રહેલો સંભાર મારા ધ્યાને આવ્યો અને ઇડલી-સંભારને ન્યાય આપતા આપતા મેં તેમને આગલી રાતે પેલા ગઠિયા સાથે થયેલી ઓળખાણ થી માંડીને સવારે ‘ફ્લેવર્ડ મિલ્ક’ની બોટલ આપી અને મેં એના એક બે ઘૂંટ પીધા સુધીની વાત ખૂબ સહજતાથી કરી,

મારી સ્વસ્થતા જોઈને મિત્ર અને ખાસ કરીને મિત્ર પત્નીને આશ્ચર્ય થયું. તેઓ સહસા બોલી ઉઠ્યા: “ શું શું ગયું..? અજયભાઈ..?!!!”

મેં કહ્યું: “એ તો તપાસ કરવી પડે પણ, હાથમાની આઠેક ગ્રામની વીંટી અને ગળામાની બાવીસ ગ્રામની ચેઇન ઉપરાંત મોબાઈલ અને મારુ વોલેટ મારી પાસે લાગતાં નથી. તમારા હાથમાં શું શું આવ્યું હતું,,? ક્યારે તમને મારી હાલતની જાણ થઈ.. ખરેખર તમને સહુને કેવી રીતે જાણ થઈ.. ?”

હવે અહેવાલ આપવાનો.વારો મિત્રનો હતો.. “ તમે કહ્યું એમ સવારે આઠેક વાગ્યા પછી તમારી સાથે ઘટના બની, તમે તે પછી ઊંઘતા રહ્યા હશો, પહેલા કંપાર્ટમેન્ટમાં આપણી સાથે વડોદરાથી આવેલો પર્વ અને એક સુરતનો પરિવાર તમારી ઉઠવાની રાહ જોતાં હતા, તમારે આગલી રાતે કોઈ વાત થયેલી એના સંદર્ભે.. પર્વ તો બે વખત આવીને જોઈ પણ ગયો કે હજુ અંકલ ઊંઘી રહ્યા છે..?!! એના કહેવા પ્રમાણે લગભગ અગિયાર વાગ્યા પછી, કદાચ બેલગામ થી ગાડી ઉપાડ્યા પછી તમે ઊભા થઈ ટોયલેટ બાજુ જઇ રહ્યા હતા, પણ પહેલા કંપાર્ટમેન્ટ પાસે તમે સંતુલન ગુમાવી લગભગ પડી જ ગયા, કોઈએ તમને પકડ્યા ના હોત તો ચોક્કસ પડી જ ગયા હોત,. તે લોકો એ તમને પકડીને સીટ પર બેસાડયા અને પુછ્યું કે તમને કશું થાય છે ? પણ તમે જે ઉત્તર આપી રહ્યા હતા એ સાવ અસ્પષ્ટ અને સમજાય નહીં તેવું હતું અને જાણે તમે વારેવારે ભાન ખોઈ દેતાં હતા. એ સહુ ચિંતામાં પડી ગયા કે આ શું થઇ ગયું છે તમને, આપણાં બધા શિબિરાર્થીઓને ધીમે ધીમે ખબર પડી અને ત્યાં ભેગા થઈ ગયા, બાજુના કોચમાથી અમે લોકો પણ દોડી આવ્યા. એક સુરતના યુવાન ડોક્ટર મિત્ર પણ હતા જે શિબિરમાં આવેલા, તેમણે તમને તપાસ્યા પણ કોઈ પ્રકારનો ખ્યાલ ના આવ્યો કે ખરેખર તમને શું થયું છે. કદાચ સુગર વધી ગઈ હોય કે સ્ટ્રોક જેવુ હોઇ શકે, ટ્રેનના કંડકટરને બોલાવી પછીના સ્ટેશને ટ્રેન ઊભી રહે ત્યાં ડોકટરને બોલાવી તપાસાવડાવાનો નિર્ણય થયો, પણ બેલગામ પછી આ મિરજ સ્ટેશન જ આવે છે જ્યાં ટ્રેન ઊભી રહે, મિરજ સ્ટેશને રેલવેના ડોકટરને હાજર રખાયા અને એમણે પણ તમારી તપાસ કરી અને સ્ટ્રોક કે હળવો હાર્ટ એટેક હોઇ શકે એમ કહી મિરજમાં ઉતારી લઈ તમને અહિં જ સારવાર કરવી લેવી જોઈએ એવો અભિપ્રાય આપ્યો. દરમ્યાન પર્વે તમારા દીકરાનો ફોન નંબર શોધી કાઢ્યો અને તેને તમારી આ પરિસ્થિતિ વિષે જણાવ્યુ, ત્યારથી સતત તમારો દીકરો અમારી સાથે સંપર્કમાં છે તમારા પત્ની અને દીકરો અને તમારા સાળા અત્યારે રસ્તામાં જ છે, બપોર સુધીમાં અહીં પહોંચશે. અહીં ડોકટરે તમને દાખલ કરી જરૂરી સારવાર આપી અને અમે તમે ભાનમાં આવો એની રાહ જોઈ રહ્યા હતા. તમને જ્યારે મિરજમાં ઉતારી લેવાનું નક્કી થયું ત્યારે, અમે બંને ઉપરાંત પેલા સુરતના તબીબ દંપતિએ સાથે ઉતરવાનું નક્કી કર્યું.. તમારી સાથે કોઈ તો જાણીતું જોઈએ ને ..!! “ જો કે પેલું સુરતનું તબીબ દંપતિ તમને હોસ્પીટલમાં દાખલ કર્યા પછી બીજી કોઈ ટ્રેન પકડી નીકળી ગયું હતું.

એક લાંબુ વ્યકતવ્ય મારા મિત્રશ્રીએ પૂરું કર્યું. એમણે જે જણાવી એ બધી ઘટના મને બિલકુલ યાદ ના હતી. યાદ હતું તે બસ પેલા ફ્લેવર્ડ મિલ્કના બે ઘૂંટ ને પછી લગભગ વીસ કલાકની દીર્ઘ નિંદર..!! વહેલી સવારે અંધારિયા હોસ્પિટલના રૂમમાં બેડ પર હાથ પગ બંધાયેલી હાલતમાં મને મળી આવેલો હું....!

મને જ્યાં દાખલ કરાયો હતો એ એક ડો. ચૌહાણની ખાનગી હોસ્પિટલ હતી. પ્રમાણમાં ઠીક ઠીક સુવિધા વાળી આ હોસ્પિટલમાં આઠ દસ વોર્ડ હશે, ડોકટર ચૌહાણનો કન્સલ્ટિંગનો સમય હજુ થયો ન હતો, મિત્ર અને મિત્ર પત્નીને એટલી ધરપત થઈ કે મને કોઈ ગંભીર બીમારી થઈ ન હતી, પેલાએ પીવડાવેલી કેફી ગોળીઓની અસરમાં જ આ બધું થયેલું. છતાં હજુ ડોકટર મને તપાસી લે પછી જ કશું નક્કર કહી શકાય એમ સમજી મને આરામ કરવા કહ્યું , જરા વારમાં ડોક્ટર આવીને રાઉન્ડ પર આવ્યા, મારા બેડ પાસે આવીને મને ભાનમાં જોઈ હસ્યાને પુછ્યું : “ કૈસે હો ભાઈસા’બ.. ! ક્યા હો ગયા થા ? આપ કો..!!? “ અને મેં મારી વીતક વાર્તા ટૂંકમાં તેમને કહી સાંભળાવી તેમણે બે વત્તા બે ચાર કરી લીધું.. મને થોડી વાર પછી તેમના રૂમમાં આવવા જણાવી તે ગયા. હવે મને પણ સારું લાગતું હતું, લાંબી ઊંઘ લેવાથી મન તાજગી સભર હતું, પગ છુટ્ટા કરવા હું રૂમની બહાર નીકળી આમ તેમ ટહેલવા લાગ્યો, અને ડોક્ટરના રૂમની બહાર મૂકેલી બેન્ચ પર જય બેઠો, મિત્ર પણ મારી સાથે જ રહ્યા, તેમણે મારા દીકરાને હું ભાનમાં આવી ગયો છું અને ‘કશું પણ ચિંતાજનક નથી’ના સમાચાર આપી દીધા હતા તે વખતે મારા પરિવારજનો પૂનાથી કાર ભાડે કરી મિરજના રસ્તે હતા. થોડીવારમાં ઓપીડીના પેશન્ટને તપાસી ફ્રી થયા એટલે ડો. ચૌહાણે મને બોલાવ્યો, હું કેબિનની અંદર ગયો, મારી સાથે મિત્ર અને તેમના પત્ની પણ હતાં. ફરી મને ડો. ચૌહાણે મને મારા ઉપર જે વીત્યું એ વિગતવાર જણાવવા કહ્યું મેં કદાચ કોઈ વિગત છૂટી હોય તો યાદ કરી બધું ફરી જણાવ્યુ, તેમણે જે સારવાર આપી હતી તેમાં ખાસ તો ભાનમાં જલ્દી લાવે તેવી કોઈ દવા, સલાઇનમાં ઉમેરી ઇન્ટ્રાવેઈનસ આપી હતી, સાચું કહો તો એ કોઈ ચોક્કસ નિદાન પર ન્હોતા પહોંચ્યા મારી આ પરિસ્થિતી માટે, કદાચ એમને આ પ્રકારની કોઈ શંકા જરૂર હતી પણ જાહેર કરી ન હતી. થોડી દવાનું પ્રિસ્ક્રિપ્શન મારા ઉપર કરવામાં આવેલા કેટલાક પેથોલોજીકલ ટેસ્ટ અને મારા સ્થાનિક નિયમિત ડોક્ટરના નામે એક ભલામણ કામ સૂચન કરતી ચિઠ્ઠી ફાઇલ કરી એ ફાઇલ મને આપી, મને એક દિવસ આરામ કરી બીજે દિવસે સવારે રજા આપીશ એમ જણાવ્યું. મિત્રની સાથે હું બહાર નીકળ્યો ત્યાં જ મારા પરિવારજનોએ હોસ્પીટલમાં પ્રવેશ કર્યો. મને સ્વસ્થ અને સાજો જોઈ એ સહુ ચિંતામુક્ત થયાં, એમના ચહેરા પર હાશકારો દેખાઈ આવતો હતો. મે ડોક્ટરને જનરલ રૂમમાથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવા કહ્યું જ હતું, મારો સમાન વિ. મારા નવા ફાળવેલા રૂમમાં પહોંચાડવામાં આવ્યો. મિત્ર અને મિત્ર પત્ની તથા મારા પરિવારજનો સહુ એ રૂમમાં શાંતિથી બેઠાં, મારે હવે મારા પરિવારજનો સમક્ષ મારી હાલત માટેની જિજ્ઞાસા સંતોષવાની હતી.

તેમની સમક્ષ મે ફરી મારી વિતક કથા આદરી, બધાનું એક સૂરે એ જ કહેવું હતું કે ભલે જે થવાનું હતું તે થયું અને જવાનું હતું તે ગયું, પણ હું લગભગ સાજોસમો છું તે પૂરતું છે, આ તો સારું થયું કે મારી સાથે આટલાં પરિચિતો હતા જેમણે મારી સાર સંભાળ લીધી, બાકી એકલા મુસાફરી કરતાં હોઈએ અને આવું કશું થાય, સારવાર ના મળે તો માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય.. તેની ભાળ મળે કે કેમ અને ક્યારે મળે.. !? આમાંથી તો એક જ પાઠ શીખવાનો કે સાવ અજાણ્યા સાથે બહુ ભળાય નહીં.

મેં અને મારા પરિવારજનોએ મિત્ર અને મિત્ર પત્નીનો આભાર માન્યો, મિત્રે તેમનો પ્રોગ્રામ જરા બદલીને વડોદરાની જગ્યાએ સીધા નવી મુંબઇ ખાતે રહેતા તેમના દીકરાને ત્યાં જવાનું નક્કી કર્યું. સાંજે તે બસ પકડી નીકળી ગયા.બીજે દિવસે સવારે હોસ્પિટલમાથી રજા લઈ અમે એ જ ભાડાની કારમાં પૂણે અને ત્યાંથી બસમાં વડોદરા પહોંચ્યા.

*********

વડોદરા પહોંચી એ જ દિવસે બેંકમાં તપાસ કરી તો મને ખબર પડી કે પેલા ગઠિયાએ મારા વોલેટમાથી મળેલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી આશરે પચીસ હજાર રૂપિયાની ખરીદી કરી હતી અને બે ટુકડે પચીસ હજાર રોકડા ATMમાંથી ઉપાડ્યા હતા.. આમ મને એ જમાનાની કિંમતે કુલ આશરે સવા એક લાખ રૂપિયાની જોરદાર થપ્પડ પડી હતી..

તમે જ કહો..! મારી આ અજાણ્યા સાથે ભળવાની ટેવ સારી ગણાય કે ખરાબ.. ?