રેઈની રોમાન્સ - 13 Ravi virparia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેઈની રોમાન્સ - 13

લાઇફ સીક્યોર એજન્સી, હેડક્વાર્ટર.
લાઇફ હાઉસ, મુંબઇ.
સુલતાન શેખની ઓફીસનું આ હેડક્વાર્ટર હતું. ૭ ભાગમાં વહેંચાયેલા લાઇફ હાઉસમાં ૧૨૦૦ માણસોનો સ્ટાફ કામ કરતો હતો. દેશના કેટલાય નામાંકિત જાહેર તથા ખાનગી એકમો 'લાઇફ' ના સુરક્ષાચક્ર હેઠળ હતા. તેનો વિદેશમાં પણ સારો એવો પગપેસારો હતો. તેની સાથે કરાર કરતાં દરેક ક્લાયન્ટે પોતે દેશવિરોધી પ્રવૃતી સાથે સંકળાયેલા ના હોવાની ખાતરી આપવી પડતી. 'લાઇફ' તેના ક્લાયન્ટના અંગત હીતોની રક્ષા માટે ચુસ્ત સલામતી જાળવતી હતી. સુલતાનની તાકાત અને તેના નેટવર્કની બધાને ખબર હતી. માટે ઉંચી ફી હોવા છતાં સુલતાનને સ્ટાફમાં સતત વધારો કરવો પડતો હતો. અમુક સામાન્ય સુરક્ષા માટે તેને અન્ય કંપની જોડે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ અપનાવી હતી.
આ બધા વચ્ચે ' ડી.પી. ગ્રુપ'નું કામ સામાન્ય હતુ. કારણ કે તેની ફેક્ટરી અને ઓફીસની સુરક્ષાની જવાબદારી તે કંપનીની પોતાની સિક્યુરીટી એજન્સી સંભાળતી હતી. સુલતાન પાસે ફક્ત તેની ઓફીશીયલ ડેટા સિક્યુરીટીનો કોન્ટ્રાક જ હતો. જે કામ એક ટીમ સાયબર સિક્યુરિટી ટીમ સંભાળી લેતી હતી.
સુલતાને રાજવીર દિવાને આપેલી ફાઇલનો બહુ ઝીણવટપુર્વક અભ્યાસ કર્યો હતો. તેમાની ઘણી વિગતો અધુરી જણાઇ હતી. તેને રાઘવને સુચનાઓ આપી કામ શરું કરાવી દીધું હતું. સુલતાનની નજર અત્યારે રાઘવે કાલ સાંજ સુધીના આપેલા રીપોર્ટની ફાઇલ પર ફરી રહી હતી. આલીશાન ઓફીસમાં રાઘવ સુલતાનના આગલા આદેશની રાહ જોતો તેની સામે બેઠો હતો. તે આ કેસનો મેઇન ઇન્ચાર્જ હતો.
સુલતાને ફાઇલ બંધ કરીને પુછ્યું." લેટેસ્ટ અપડેટ? "
" રેવા અને સાગરિકા બાદ હવે મંત્ર અને ઉત્સવ પાછળ પણ આપણા માણસો ગોઠવાઇ ચુક્યા છે. તેમની દરેક હીલચાલ હવે આપણી નજર હેઠળ છે. આ બંન્ને વચ્ચેની કેમેસ્ટ્રી કંઇક અલગ રીતે જ આગળ વધી રહી છે." પોતાના મોબાઇલમાંથી તેને રેવા અને ઉત્સવની 'ફ્રેન્ડહાઉસ' ની પ્રણયભીની મુલાકાત દર્શાવતાં કહયું.
સુલતાને તેને ફાઇલ પરત કરતાં કહ્યું. " રાજવીરની પોતાની એજન્સી હોવા છતાં આ કામ આપણને સોપવાનું કારણ મને સમજાતું નથી. તેને આપેલી ફાઇલમાં ઘણીબધી વિગતો જાણી જોઇને છુપાવી હોય તેવું લાગે છે.
રાઘવ એક કામ કર. આ રાજવીર દિવાન અને સ્વંયવર સાથે સંકળાયેલા તમામને તારા સિક્યુરિટી વોચમાં એડ કરી દે. આ 'ડી.પી.હાઉસના પાયા ક્યાં સીમેન્ટના બનેલા છે એ ચેક કર. ૩૦ વર્ષમા આટલી બધી પ્રગતિ. કોઇ ચમત્કાર બન્યો હોય તેવું લાગે છે. એન્ડ વોટ અબાઉટ સૌમ્ય...?? "
રાઘવ ડાયરીમાં સુલતાનના શબ્દો નોંધી રહ્યો હતો. " બોસ, સૌમ્યને આપણી જાણ થઇ ચુકી છે. અને આ 'ડી.પી.ગ્રુપ'માં મને હજુ સુધી તો કંઇ અજુગતું નથી લાગ્યું. તમને નથી લાગતું તમે આ વાતને વધુ પડતી ગંભીરતીથી લઇ રહ્યા છો."
સુલતાનની એક ખાસીયત હતી. એ પોતાના પીયુનની વાત પણ બહુ ધ્યાનથી સાભંળતો. " રાઘવ અત્યાર સુધી તો તારી વાત સાચી છે. પણ રાજવીરે મને જે કામ સોપ્યું છે તે જોતાં ઉપરથી શાંત લાગતા આ પાણીની અદંર કોઈ સક્રિય જ્વાળામુખી ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે."
"પણ બોસ,આ કામ માટે મારી આખી ટીમ જોઇશે. મારા ટીમ મેમ્બર ૨૦ દિવસ સુધી બીજા ટાસ્કને લીધે ફ્રી નથી એ તમે પણ જાણો છો." મયુરે કહ્યું.
" ઓ.કે. જેમ બધા ફ્રી થાય તેમ કામની ગતિ વધારતો રહેજે. જરૂર પડે તો થોડા કામ બીજી ટીમને ટ્રાન્સફર કરી દેજે. મારે તેની ફાઇલ એક મહીના પછી મારા ટેબલ પર જોઇએ. બીજું અત્યારે હવે સૌમ્ય અને સાગરિકાને ના છંછેડતો. આમેય આપણને ફક્ત બેનો જ ઓર્ડર મળ્યો છે ઉત્સવને તો આપણે ઉમેર્યો છે. હજું એક વ્યક્તીનું નામ તને મેસેજ કરીશ તેને પણ તારી નજર હેઠળ લઇ લેજે. જરુર પડે તો રેવાના સ્વંયવરનું કામ સંભાળતી એજન્સીને પણ. આપણે ફક્ત આમના પર નજર જ રાખવાની છે બીજું કશું જ નહી. આ બધાની ડેઇલી અપડેટ મને આપતો રહેજે અને 'ડી.પી.હાઉસ'ની અઠવાડીયામાં બે વખત. જરુર પડે તો એકાદવાર રાજકોટ પણ જઇ આવજે." સુલતાનના આદેશો છુટી રહ્યા હતા.
રાઘવ બધું નોટ કરી રહ્યો હતો. અત્યાર સુધી તે આ કેસને બહુ હળવાશથી લઇ રહ્યો હતો. પણ બોસ જે રીતે અંગત રસ લઇને સુચનાઓ આપી રહ્યા હતા. તે જોતાં કેસની ગંભીરતા ઘણી વધી જતી હતી. તેને અચકાતાં અચકાતાં કહ્યું " બોસ હજુ એક ઘટના બની છે. પણ મને નથી લાગતું તેને આ કેસ સાથે કોઇ સંબંધ હોય."
" હા બોલ." સુલતાન વેધક દષ્ટીએ તેને તાકી રહ્યો હતો.
" બોસ ,થોડા દિવસ પહેલાં અડધી રાતે સાગરિકા એક વ્યક્તીને મળવા ગઇ હતી. પણ એ ઝુંપડપટ્ટીમાં પહોંચી એ પહેલાં પેલી વ્યક્તીનું ખૂન થઇ ચુક્યું હતું. પોલિસે મૃતકનું નામ કેશવલાલ જાહેર કર્યું. પણ એક અખબારે આ મરનાર કેશવલાલ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યો છે એ વીગતો પુરાવા અને ડેથ સર્ટીફીકેટ સાથે રજુ કરી. પોલિસે હજુ તે અંગે કોઇ ખુલાસો આપ્યો નથી. પછી સાગરિકા તરફથી પણ આ અંગે કોઇ મુવમેન્ટ ના જણાતાં મને લાગ્યું તે કોઇ બીજા કેસ પર કામ કરી રહી હશે." રાઘવે વાત પુરી કરી.
" વેલ ડન માય બોય...બસ ક્યારેક આવી નાની વિગતો જ કોઇ કેસની મહત્વની કડી સાબિત થાય છે. મને લાગે છે આ વાત આ કેસ સાથે કોઈ રીતે જોડાયેલી છે. તું આને પણ નજરમાં રાખજે ... ચાલ હવે કામ શરુ કરી દે" સુલતાને મીટીગ પુરી કરતાં કહ્યું.
" બોસ હું સમજી ગયો. હવે કશું નહી કહેવું પડે. હું વિચારું છું રાજકોટ જઈ રેવાની ફર્સ્ટ 'ગ્રાન્ડ દિવાન પાર્ટી'નો લ્હાવો લેતો જ આવું. એ બહાને બધા સાથે રુબરુ મુલાકાત પણ થઇ જશે." મયુરે ઉભા થતાં કહ્યું.
સુલતાન હસતાં હસતાં બોલ્યો." એ પણ થઇ જશે તું તૈયારી કરવા માંડ."
રાઘવ ફાઈલ સાથે કોઈ ખાસ ઈમ્પોર્ટન્ટ મિશનનું કામ મળ્યું હોય એવા સ્મિત સાથે ઓફીસમાંથી બહાર નીકળ્યો. સુલતાને હવે આગળની મીટીંગ માટેનું બટન દબાવ્યું.
સુલતાને અનુભવોને આધારે અગમચેતી વાપરી કામ તો શરુ કરી દીધું. પણ તેને ક્યાં ખબર હતી તે જ્યારે મેદાનમાં આવશે ત્યારે ઘણું મોડું થઇ જવાનું હતું.!!!!

*. *. *. *. *. *. *. *. *. *. *. *. *. *. *. *

નવા આવેલા પોલીસ કમીશનરે ફરીથી રાજકોટની પ્રજા જેટલી જ રંગીન તેની નાઇટલાઇફ બનાવી દીધી હતી. ફરીથી રાજકોટ તેના અસ્સલ મીજાજમાં આવી ગયું હતું. મોડે સુધી ધમધમતાં આઇસક્રીમ પાર્લરો, રેસ્ટોરન્ટ, ચાની હોટલો, નાસ્તાની લારીઓ અને શોપીંગ સ્ટ્રીટસ્. શહેરના રાજમાર્ગો પર ધૂમ મચાવતાં બાઇકર્સ બોયસ્ અને અલ્ટ્રામોર્ડન ડ્રેસમાં વિહરતી હોટ-ચીક યંગગર્લ્સને જોઇને એલ.ઇ.ડી. લાઇટોની ચમક પણ ઝાંખી પડી જતી.
હું આજે રીંગરોડ પરની રાત્રી બજારમાં મારા ખુલ્લા વાળની જેમ મોજથી લહેરાતી હતી. મને આધુનીક શોપીંગ મોલ્સ કરતાં આવી જગ્યાઓ પર શોપીંગ કરવું વધું ગમતું. હું કોઇપણ શહેરમાં ફરવા જાવ ત્યારે તેના આવા લોકલ માર્કેટ કે ગલી- ખાંચાની દુકાનોમાંથી કોઇ યાદગાર વસ્તું ચોક્કસ શોધી લાવતી.
વ્હાઇટ હાફ કેપ્રી અને આછા વાદળી કલરના લોંગ ટી - શર્ટમાં પણ બધાની ચોરનજરમાં હું સ્કેન થઇ રહી હતી. શરીરભૂખ્યા પુરુષો મારા રુપનું રસપાન કરી રહ્યા હતા. આમ તો આજે શોપીંગની કોઇ ખાસ ઇચ્છા નહોતી. પરન્તું સ્વંયવરના ઉમેદવારના ઇન્ટરવ્યુના બહાને કંઇ પસંદ પડી જાય તો લેવાની લાલચ પણ રોકી શકવાની નહોતી. એટલામાં હાથમાં રહેલા મોબાઇલની સ્ક્રીન પર મેસેજ ટપક્યો. મે તરત જ સેલ્ફી પાડી તે રીપ્લાય રૂપે સેન્ડ કરી. પછી ફોનને સ્વીચઓફ કરી પર્સમાં મુકી દીધો. ફરીથી હું કશુંક અવનવું શોધવામાં મશગુલ બની ગઇ. હાથની ઘડીયાળમાં જોયું રાત્રીનો એક વાગી રહ્યો હતો.
હું સ્વંયવરના કેન્ડીડેટના ઇન્ટરવ્યુ આવી રીતે રુટીન લાઇફમાં જ પતાવી દેતી. કારણ કે કોન્ટીટી ઘણી વધુ હોવાથી તેમના માટે ક્વોલિટી ટાઇમ આપવો બહુ મુશ્કેલ હતો. રોજ વીસ - પચ્ચીસ સાથે આવી ફક્ત પાંચ કે દસ મીનીટની મુલાકાતમાં તેમનું પાણી હું માપી લેતી. કેટલાક સાથે ફોન કોલમાં તો ઘણાના નસીબમાં ફક્ત ફોન ચેટીંગ જ આવતું. બસ આવી રીતે મારો દરરોજ માટે નિયત કરેલો ટાર્ગેટ હું આસાનીથી ક્રોસ કરી લેતી.
થોડીવારમાં પાછળથી નશીલા શબ્દો હવામાં રેલાયા.. "મીસ. રેવા પંડીત વ્હોટ અ માર્વેલસ બ્યુટી. આઇ એમ નિલેશ અગ્રવાલ ફ્રોમ ઇન્દોર."
મે પાછળ નજર કરી. અતિ મોંઘા સુટમાં સજ્જ યુવાન કલીન શેવમાં જોરદાર હેન્ડસમ લાગતો હતો. તે પોતાની આંખોની ચમક સાથે મુક્તમને હાસ્ય વેરી રહ્યો હતો. તેનો હાથ કદાચ યંત્રવત મારી સામે લંબાયોલો હતો.
મે હાથ મિલાવતાં કહ્યું." નાઇસ ટુ મીટ યુ મી. નિલેશ. તમે આમ અડધી રાત્રે પણ સુટમાં સજ્જ થઇને ફરો છો. થોડું વિચીત્ર કહેવાય નહી ? "
જાણે છોભીલો પડી ગયો હોય તેમ તેને પોતાનો હાથ છોડાવ્યો. " ના એવું કંઇ નથી બટ યુ નો આજની યંગગર્લ્સને વેલ ડ્રેસીંગ અેન્ડ સ્ટાઇલીશ બોયસ્ જ ગમે છો સો આઇ ડીસાઇડ કે...."
" હા પણ મને તો રાત્રે નાઇટડ્રેસ પહેરેલા છોકરાઓ જ વધુ પસંદ પડે." મને હવે મજા આવતી હતી.
"ઓકે સોરી, બીકોઝ આઇ ડોન્ટ નો વ્હોટ યુ લાઇક. સો નેક્સ ટાઇમ આઇ વીલ કમ ઇન માય ઓરીજનલ.... ઓરીજનાલી..... સોરી માય રીયલ લાઇફ સ્ટાઇલ." તે થોથવાંતાં બોલ્યો.
" કંઇ વાંધો નહી. મને થોડી શોપીંગ કરવાની ઇચ્છા છે. પણ આટલી બધી વેરાયટી જોઇને હું મુંઝવણમાં પડી ગઇ છું. તમે મને મદદ કરશો ?" મેં ચાલવાનું શરું કરતાં કહ્યું.
" વ્હાય નોટ, આમ પણ હું મારા સર્કલમાં મારી સ્ટાઇલ અને ક્લોથ સીલેક્શન માટે ફેમસ છું. યુ નો બોયસ્ તો શું ગર્લ્સ પણ તેમની શોપીંગ માટે મને સાથે લઇ જાય છે. બટ શું તમે આવી જગ્યાએ શોપીંગ માટે આવો છો ?" તે સુટ સરખો કરતાં બોલ્યો.
અમે ચાલતાં ચાલતાં વાતો કરી રહ્યા હતાં. " હા હું તો ગમે ત્યાંથી શોપીંગ કરી લઉ. મારી કોઇ ફીક્સ જગ્યા નથી. જેમ કે આ પહેર્યું છે તે ટી-શર્ટ અહીંની ફેમસ શનિવારી બજારમાંથી લીધું છે. એ પણ ફક્ત ૩૦ રુપીયામાં. મસ્ત છે ને બાકી !!"
" વાઉઉ... ઇટ્સ નાઇસ એન્ડ વેરી બ્યુટીફુલ .... પણ મને તો બહુ કોસ્ટલી લાગે છે.... કદાચ બહુ ઓછા બ્રાન્ડેડ સ્ટોરમાં આવી ડીઝાઇન અવીલેબલ હશે." તે મારી સામે જોઇ બોલ્યો.
" આપણા જેવા યંગસ્ટર્સ બે- ચાર વાર પહેરે પછી તો એ ઓલ્ડ ફેશન બની જાય છે અને ફરતું ફરતું અહીંયા આવી પહોંચે છે. ૩૦૦૦ની આઇટમ ફક્ત ૩૦ રુપીયામાં." કદાચ તેને મારા આ શબ્દો ના ગમ્યા.
અમે થોડીવાર મૌન રહી ચાલતા રહ્યા. તે આજુબાજુ બજારની રોનક જોતો જતો હતો.અડધી રાત્રે પણ બજારમા ખાસ્સી ભીડ હતી. અચાનક તેને એક જગ્યાએ ઉભા રહી પુછ્યું." શું હું તમને કંઇ ગીફ્ટ આપી શકું ?"
મે કહ્યું. " ચોક્કસ, મને ગમશે તો હું જરુર સ્વીકારીશ."
તે કંઇ પસંદ કરવા માંડ્યો. તે ક્યારનો અંગ્રેજી ફાડતો જતો હતો. જેના જવાબ હું પ્યોર ગુજરાતીમાં આપતી હતી. એ બુધ્ધુ એટલું પણ સમજી શકતો નહોતો. મને તે કોર્પોરેટ કલ્ચરના પપેટ જેવો લાગતો હતો. તેના વ્યક્તીત્વમાંથી અતિ સમૃધ્ધીનું અભિમાન નિતરતું હોય તેવું લાગતું હતું.
એટલામા તેણે મારા માટે ભરત ભરેલી રંગબેરંગી કુર્તી પસંદ કરી. તેણે ભાવ પુછતા પેલા દાદાએ કહ્યું." 800 રુપીયા સા'બ."
તેના મોમાંથી નિકળી ગયુ." વ્હોટ, રબીશ આટલી મામુલી કુર્તાના 800 થોડા હોય ? 600 માં દેવી હોય તો બોલો."
"સા'બ અહીયાં ભાવ ફીક્સ જ છે. એ 799 માં પણ નહી મળે. બાકી લેવી હોય તો તમારી મરજી." દાદાએ શાંતિથી કહ્યુ.
તે પાકીટમાંથી પૈસા કાઢતાં બબડી રહ્યો હ" તો. એક તો નબળી ક્વોલીટીનો માલ વેંચવો ને પાછી દાદાગીરી ... સાલા આવા લોકોને લીધે જ આપણો દેશ..." અચાનક તેને મારી સામે જોયું ને ચુપ થઇ ગયો.
તેને દાદાને 500 ની બે નોટ આપી.દાદાએ 200 રુપીયા પરત આપ્યા. ત્યાં તે બોલ્યો. " મારા તરફથી ટીપ સમજી રાખી લે."
ત્યાં પેલાં દાદાએ કહ્યું. "લઇ લો સાહેબ,વગર મહેનતનું અમને ના ખપે."
નિલેશનો પીતો ગયો." વોટ અ સીલી મેન, હોટેલ્સમાં કે બીજે લોકો ટીપ માટે ભીખારી જેવા બની જતાં હોય છે બટ હું તને સામેથી આપું છું તો તને લેવામાં શું પ્રોબ્લેમ થાય છે ?"
પેલા દાદાની અનુભવી આંખો હસી રહી હતી." કોઇ વાંધો નહી દિકરા મારી ભુલ થઇ ગઇ. સો વરસનો થાજે. ભગવાન તારું ભલું કરે." એટલું બોલી પેલાં પૈસા લઇ બાજુમાં લટકાતાં ડબ્બામાં નીખી દીધા. જેના પર લખેલું હતું. 'અનાથઆશ્રમના બાળકો માટે '
તે સ્તબ્ધ બની ઉભો રહી ગયો. તેના હાથમાં પેલો કુર્તી સ્ટેચ્યુ બની ઉભી રહી ગઈ હતી. હું જોર જોરથી હસવા માંડી. ઘણીવાર સુધી ચાલતાં ચાલતાં મરક મરક હસતી રહી.
" યાર મુડ ઓફ કરી નાખ્યો. તમને રીચ ગર્લ્સને શોપીંગ માટે આવી જગ્યાઓ જ કેમ પસંદ પડે છે એ સમજાતું નથી." તે પોતાનો કોટ સરખો કરતાં બોલ્યો.
મે ઉભા રહેતાં કહ્યું." એટલા માટે જ કે અહીયાં તમારા જેવા ધનવાન લોકોની અસલીયત ખુલ્લી પડી જાય છે. તે દાદા કદાચ આર્થીક રીતે ગરીબ હશે. પણ મીસ્ટર નિલેશ અગ્રવાલ વિચારોથી કો તમારા કરતાં ક્યાંય વધુ રિચ છે. મને પૈસા કરતાં લાગણીની ભુખ વધુ છે. જેની સાથે તમને જરાય મતલબ નથી.
સો, હું તમને રીજેક્ટ કરું છું. આ કુર્તીનો કલર મસ્ત છે બટ યુ નો ફેશન જરા વધુ પડતી ઓલ્ડ છે. સાથે લઇ જજો કદાચ તમારી કોઇ ફ્રેન્ડને વધું પસંદ પડે તો ગિફ્ટ દઈ ઈમ્પ્રેસ કરવા કામ લાગશે. આવતાં જન્મમાં પણ જો સ્વંયવર કરવાની મળશે તો તેમાં પણ ઉમેદવારી નોંધાવશો એવી આશા રાખું છું. આટલું બોલી હું ચાલવા માંડી. મે તેની તરફ નજર નાખીને જોયું પણ નહી કારણ કે તે હવે મારી નજરો માટે પણ લાયક નહોતો.
દાદા પાસેથી પસાર થતાં એક નજર તેમની સામે નાખી. તે આ બધું જોઇ રહ્યા હતાં. તેમના મર્માળુ સ્મીત સાથેના મુંગા આશીર્વાદ મારી સાથે ચાલવા માડ્યાં.