Pratiksha - 45 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૪૫

અડધીરાતના સુમસાન રસ્તા પર રચિત મધ્યમ ગતિએ કાર ચલાવી રહ્યો હતો. ઉર્વા બાજુમાં જ બેસીને કારની બારીમાંથી અનંત અંધકારને માણી રહી હતી. આટલા અંધકારમાં પણ તે બેનમુન જ લાગતી હતી. આજનો દિવસ બહુ લાંબો ગયો હતો તેનો. મયુરીબેનનું આવવું, કહાનનું આવવું અને મનસ્વી સાથે ઉર્વીલને જોવું... એક દિવસમાં ઘણી ઘટનાઓ બની ગઈ હતી. બધી લાગણીઓનો ભાર તેના મસ્તિષ્ક વાટે તેની આંખો પર વર્તાઈ રહ્યો હતો. વારંવાર તેના પોપચા બીડાઈ રહ્યા હતા.
“ઊંઘ આવતી હોય તો સુઈ જા. આમ પણ આપણે થોડીવારમાં ફલેટે પહોંચી જ જઈશું.” ઉર્વાની આંખોથી ડોકિયા કરતી ઊંઘને જોઇને રચિતે કહ્યું.
“ના... આ તો જસ્ટ બહુ ટાઈમ થઇ ગયો ને તો જસ્ટ ટાયર્ડ...” ઉર્વા પોતાના વાળ સરખા કરતી બારીથી સહેજ વધુ નજીક જઈ બેઠી.
“હેય...” રચિતે ઉર્વાને ખભેથી પકડી પોતાની તરફ આવવા ઈશારો કર્યો.
“હમ્મ્મ...?” ઉર્વા પ્રશ્ન ભાવે તેની તરફ નજર ફેરવી પૂછી રહી ને રચિતે તરત હાથ લંબાવી તેને પોતાના આશ્લેષમાં લઇ લીધી.
“બી રીલેક્સ...” તેનું માથું પોતાના ખભા પર ઢાળી એક હાથ સ્ટેરીંગ પર રાખી બીજા હાથથી તેનું માથું પસવારતાં રચિતે કહ્યું ને ઉર્વા તેની વધુ નજીક ખેચાઇ આવી. થોડી ક્ષણો તે એમજ ચુપચાપ તેને પકડીને બેસી રહી.
“મારે બહુ ખરાબ રીતે જરૂર હતી આની...” થોડી સ્વસ્થ થઇ રચિતથી અલગ થઇ પોતાની સીટ પર વ્યવસ્થિત બેસતા ઉર્વાએ હસીને કહ્યું.
“યા ઓક્સીટોસીન હેલ્પ્સ...!” રચિત પણ સ્ટેરીંગ પર પકડ મજબુત કરતા બોલ્યો.
“વોટ?” ઉર્વા તેની સામે જોઈ રહી.
“ઓક્સીટોસીન... હોર્મોન છે. તમે જયારે કોઈને હગ કરો ઓર કડલ કરો ત્યારે બોડી એ રીલીઝ કરે. ધેટ્સ અ સ્ટ્રેસ બસ્ટર. યુ નો સિમ્પલ સાઈન્સ...” રચિત હસીને બોલ્યો.
“તે મને હગ કર્યું બીકોઝ ઓફ સાઈન્સ..?” ઉર્વાને ગુસ્સો ચડ્યો.
“ના મેં તને હગ કર્યું બીકોઝ આઈ નો હાઉ હોર્મોન સીસ્ટમ વર્કસ....!” રચિત હજુ મજા લઇ રહ્યો હતો.
“વોટ સો એવર...!” ઉર્વા ગુસ્સે થઇ ફરી બારી નજીક જઈ બેસી ગઈ ને રચિત ફરી હાથ લંબાવી તેને પોતાનાથી નજીક ખેચી રહ્યો. પહેલા ઉર્વા તેનાથી નજીક ના આવવા જોર કરી રહી પણ રચિતે જાટકાથી તેને ખેંચતા તે આખી રચિતની ઉપર આવી ગઈ
“અહિયાં જ બધો પાવર વાપરી નાખીશ તો ઉર્વીલથી કેમ બદલો લઈશ? હજુ તો રઘુભાઈનો કેસ પણ બાકી છે...!” ઉર્વાના ખભા પર પકડ મજબુત કરતા રચિતે કહ્યું.
“આઈ નો. મારે બહુ જ સ્ટ્રોંગ થવું પડશે...!” ઉર્વા સ્વગત જ કહેતી હોય તેમ બોલી.
“સિગરેટ પીશ?”રચિત ઉર્વાની આંખો સામે જોઈ પૂછી રહ્યો.
“અત્યારે મન નથી યાર.”
“સારું ચલ બહાર સાથે ઉભી તો રહે...!” રચિતે પૂછ્યું. ઉર્વાએ ડોકું હલાવીને જ સંમતી આપી ને રચિત સાઈડમાં કાર પાર્ક કરી બહાર નીકળી ગયો. રીવર ફ્રન્ટની ઠંડી હવાની લહેરખી ઉર્વાના બહાર નીકળતા જ તેના ચેહરા પર ફરી રહી. તે નદીના પાણી સામે એકીટશે બસ જોઈ રહી.

“તને યાદ છે? આપણે જુહુ બીચ પર પહેલી વાર મળ્યા તા?” સિગરેટ સળગાવી ઉર્વાની નજીક જઈ રચિતે કહ્યું.
“માંડ દોઢ વરસ પહેલાની વાત હશે. આપણી ટિંડર ડેટ હતી એ...!” ઉર્વા પણ હસીને બોલી રહી.
“યા ઓલરેડી બોયફ્રેન્ડ હતો તો ય માતાજી ટિંડર પર ભટકતા તા...” રચિત પણ હસી પડ્યો.
“ઓહ પ્લીઝ એટલીસ્ટ તું તો મને જજ ના કરે ને એ જ સારું છે. તારી બકેટ લીસ્ટમાં હતું મીનીમમ ૫ ટિંડર... તું ૨૨ પુરા કરે એ પહેલા...” ઉર્વા પણ જૂની વાતો યાદ કરી રહી.
“હા... તો? હોય અમારી પણ બકેટ લીસ્ટ...! એન્ડ યુ નો વોટ એ દિવસે મારો બર્થડે જ હતો અને તું મારી પાંચમી ડેટ હતી.” રચિત હસતા હસતા બોલ્યો.
“આહ! કેવી રીતે ભૂલી શકું એ? તે કેટલી કન્વીન્સ કરી હતી મને મળવા માટે!!” ઉર્વા પણ હસી રહી હતી.
“અને આપણી માંડ ૨૦ મિનીટની ડેટ પછી તને કહાન લેવા આવ્યો હતો...! હું કેટલો શોક હતો ખબર છે તને!” રચિત બોલ્યો.
“એ તો મેં જયારે કીધું કે મારો ઓલરેડી બોયફ્રેન્ડ છે અને હું એને કહીને તને મળવા આવી છું ત્યારે જ તારો તો રંગ ઉડી ગયો હતો. તું તો માનતો જ નહોતો કે આવું પણ હોય!” ઉર્વાએ ધીમેથી તેના હાથ પર મુક્કો મારતા કહ્યું.
“ઇઝન્ટ ધીસ ઓબવિયસ?” રચિતે પણ સામે પૂછ્યું.
“મારા ને કહાનમાં બધું જ પોસીબલ છે. યુ નો ધેટ વોઝ ટાઈમ જયારે એ એના કોલેજના દરેક ફ્રેન્ડ પાસે ટિંડર ડેટ અને મલ્ટીપલ હુકઅપના એટલા કિસ્સા સાંભળી ચુક્યો હતો કે એને એવું જ લાગવા લાગ્યું હતું કે ટિંડર આના પુરતું જ રહી ગયું છે...” ઉર્વાને કહાન યાદ આવી ગયો.
“હા અને તમે તો સમ ખાધા છે એને દરેક વાતમાં ખોટો પુરવાર કરવાના. એટલે તમે ટિંડર ડાઉનલોડ કરી રેન્ડમલી વાતો કરવા લાગ્યા નહિ?” રચિતે સિગરેટનો કશ ભરતા આંખ મીચકારી.
“ઓહ હેલ્લો! ગમે તેની સાથે નહિ. ડીસન્ટ લાગે તેની સાથે... અને યુ વેર માય ઓન્લી ટિંડર ડેટ ઓકે? અને સાચે મને ક્યારેય અફસોસ નહિ થાય તારી સાથેની ડેટનો. તું ખરેખર વન્ડરફૂલ પર્સન નીકળ્યો. ઇવન કહાનને ય ક્યારેય તારી સાથે વાંધો નથી આવ્યો.” ઉર્વા તેની સામે જોઈ શ્રદ્ધાથી બોલી.
“યા કહાન ઈઝ અ ગ્રેટ મેન...” રચીતની સામે કહાનની દરેક ઘટનાની કેસેટ ચાલી રહી.
“સિવાય કે જુઠાણા અને વાતો છુપાવવાથી...” કહાનની વાતથી ઉર્વાના અવાજમાં ફિકાશ આવવા લાગી.
“પણ સપોઝ કે મારે બદલે કોઈ ખરેખર હરામખોર નીકળ્યો હોત તો? તને કંઈ થઇ ગયું હોત તો?” વાત બદલવાના આશયથી રચિતે કહ્યું.
“તો કહાન સાચો પડત...” ઉર્વા હસી પડી ને પછી ધીમેથી ઉમેર્યું, “અનુમાનને અનુભવમાં બદલવું તો પડે ને...! પછી એના માટે થોડું ઘણું રિસ્ક તો લેવું પડે ને...!”
“એ રિસ્ક બહુ મોટું થઇ જાય ત્યારે?? ઉર્વા દરેક વખતે ઝેરના પારખા ના હોય...” પતી ગયેલી સિગરેટને પગ નીચે દબાવતા રચિતે કહ્યું
“એટલે?” ઉર્વા તેની સામે જોઈ રહી.
“ઉર્વા... મને ખોટો નહિ સમજ પણ મને સાચે તારી બહુ જ ચિંતા થાય છે.” બીજી સિગરેટ સળગાવી ઉર્વાની લગોલગ જઈ રચિતે કહ્યું.
“શું કામ?” ઉર્વા જાણતી હતી કે રચિતના કહેવાનો અર્થ શું છે છતાં તેણે અજાણ્યા થઇ પૂછ્યું.

***

રઘુની હાલત મીનીટે મિનીટ બગડી રહી હતી. તેણે પોતાના બેડથી ઉભા થઇ ટેબલ પરથી બોટલમાં હતું એટલું બધું જ પાણી એકસાથે ગટગટાવી લીધું પણ પાણીથી રાહત થવાને બદલે તેની હાલત વધુ કફોડી થઇ રહી હતી. તેના શરીરમાં અચાનક જ અકળામણ થવા લાગી. તેણે વધુ સમય ના વેડફતા સીધો રીસેપ્શનમાં ફોન જોડ્યો.
“હેલ્લો... રૂમ નંબર ૨૦૧ હિયર.”
“મેડીકલ ઈમરજ્ન્સી... જલ્દી કોઈક આવો...” રઘુ આટલું જ બોલી શક્યો ને બેભાન થઇ ઢળી પડ્યો.

***

રઘુની આંખ ખુલી ત્યારે તે એચ.સી.જી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના પલંગ પર સૂતેલો હતો. તેના એક હાથમાં સોઈ મારફતે ગ્લુકોઝનો બાટલો ચડી રહ્યો હતો. દુર ટેબલ પર બેસેલી નર્સ સિવાય પુરા રૂમમાં કોઈ જ નહોતું. મગજ પર જોર કરી તે યાદ કરવાની કોશિશ કરી રહ્યો કે તે હોટેલના રૂમથી અહીં સુધી આવ્યો કઈ રીતે પણ બંદિશના ફોનકોલ પછી થયેલી કોઈપણ ઘટના તેને યાદ નહોતી. તેણે પોતાનો હાથ હલાવ્યા વિના જ બેડ પર બેઠા થવાની કોશિશ કરી ને દુર બેઠેલી નર્સને હાકલ કરી.
“યસ હાઉ આર યુ ફીલિંગ નાઉ?” નર્સ પોતાની જગ્યાએથી ઉભી થઈને સીધી રઘુ પાસે આવી પૂછી રહી.
“આઈ થીંક આઈ એમ ઓકે... કોણ લઇ આવ્યું મને અહિયાં?? શું થયું તું મને?” રઘુ આજુબાજુ કોઈને ના જોતા પૂછી રહ્યો. તેણે અનુમાન તો લગાવી જ લીધું હતું કે હોટલનો સ્ટાફ જ તેને લઇ આવ્યો હશે અહિયાં.
“તમે જે હોટલમાં સ્ટે કર્યો તો તેના સ્ટાફ મેમ્બર જ તમને અહીં લઇ આવ્યા. એ ભાઈ હમણાં થોડી વાર પહેલા જ બહાર ગયા ડીનર માટે. આવતા જ હશે... તમે રેસ્ટ કરો ત્યાં સુધી...” નર્સ ઔપચારિકતા દાખવીને કહી રહી.
“મારા ડોક્ટર...?” રઘુને હજુ મગજની નસો ફાટી રહી રહી હોય તેવું લાગી રહ્યું હતું.
“યા ડોક્ટર સાહિલ કલાક પહેલા જ તમારું ચેકઅપ કરીને ઘરે જવા નીકળ્યા. કાલે સવારે જ આવશે.” નર્સ પોતાની પાસે હતી એ માહિતી આપી રહી. વધ કંઈ રઘુ વિષે તેને પણ ખબર નહોતી.
રઘુ પાસે હજુ પણ ઘણા સવાલો હતા પણ નર્સને પૂછવા કે નહિ તે તેને હજુ સમજાતું નહોતું. તે હજુ આગળ કેમ અને શું કરવું તે વિચારી રહ્યો હતો કે સામેના કાચના દરવાજેથી થોડો જાણીતો ચેહરો અંદર આવ્યો.
“અરે ઉઠી ગયા તમે...?” થોડા કાઠીયાવાડી લહેકામાં આગંતુક વ્યક્તિએ રઘુની પાસે આવી તરત પૂછ્યું.
“ઉઠી ગયો?” રઘુને સાંભળવામાં જરા વિચિત્ર લાગ્યું.
“એટલે જાગી ગયા એમ... તમે બેહોશ થઇ ગયા તા ને હોટેલે... આ તો તમારી ભેગું કોઈ હતું નહિ ને હોટેલે એટલે મને થયું કે હું જ રોકાઈ જાઉં તમારી ભેળો... વળી ના કરે નારાયણ ને રાતે તમારે કંઇક અચાનક જરૂર આવી પડે તો શું કરવું હે ને?” આગંતુક આવતાવેત પોતાની વાત કહેવા લાગ્યો. રઘુ ફક્ત હા માં ડોકું જ હલાવી રહ્યો હતો.
“માફ કરજો પણ તમે કોણ?” ખચકાઈને રઘુએ પૂછ્યું.
“એ હું દર્શન. આ હોટલના સ્ટાફમાં જ છુ. આસીસ્ટન્ટ મેનેજર. આ તમે જેવો ફોન કર્યોને અમે તરત જ હોસ્પિટલ ફોન કરી એમ્યુલન્સ બોલાવી લીધી. આપણે તો ઘા ભેગો ઘહરકો જ હોય. બરાબર ને? આવામાં વળી કંઇક ખાટું મોડું થઇ જાય તો? તમને કેમ લાગે છે હવે?” દર્શન એકસામટું કહી રહ્યો હતો. રઘુને અમુક અમુક શબ્દો નહોતા સમજાઈ રહ્યા પણ આ છોકરો એને ભલો માણસ લાગતો હતો.
“હવે તો થોડું સારું લાગે છે દર્શનભાઈ! મને શું થયું છે? કંઈ ટ્રીટમેન્ટ ને બધું...?” રઘુ હવે ફાઈનલી પૂછી રહ્યો.
“એ કંઈ નથી થયું. થોડી કમજોરી છે એટલે ગ્લુકોઝના બાટલા ચડાવે છે. બાકી તમારા બધા સેમ્પલ લઇ ગયા છે. સવાર સુધીમાં તો રીપોર્ટ ય આવી જશે. બહુ ઉપાધી ના કરો તમે!” નાના બાળકને સમજવતા હોય તેમ દર્શન બોલ્યો ને તરત જ કંઇક યાદ આવ્યું હોય તેમ ઉમેર્યું, “કંઈ ભૂખ લાગી છે કંઈ ખાવું છે?”
“ના ના અત્યારે તો કંઈ ખાવું નથી. થેંક્યું હા દર્શનભાઈ. અજાણ્યા શહેરમાં બાકી કોણ આવી રીતે મદદ કરે! રીયલી થેંક્યું.” રઘુ ખરેખર આભારવશ થતા બોલ્યો.
“અરે એમાં કંઈ થેંક્યું હોય? માણસાઈ નામની ચીજ છે હજુ દુનિયામાં...” દર્શન મલકાઈને બોલ્યો.
રઘુને ખરેખર દર્શનનો માયાળુ અને નિસ્વાર્થ સ્વભાવ સ્પર્શી ગયો. તેના મગજમાં ક્ષણ પુરતી જ તેના બધા જ ગુનાઓની સીડી શરુ થઇ ગઈ. રઘુએ તરત જ એ વિચારોને પોતાના મસ્તિષ્કમાંથી કાઢી નાંખ્યા.
“આમ તો રાત બહુ થઇ ગઈ છે. પણ કોઈને ફોન બોન કરવો હોય ને જાણ કરવી હોય તો કરી દેજો હો. હોટલથી તમારો ફોન તો નથી લઇ આવ્યા પણ મારો ફોન છે!” દર્શને ફોન ધરતા કહ્યું.
રઘુની આંખ સામે પોતાના બધા જ માણસોના નામ આવીને ચાલ્યા ગયા પણ એક નામ ત્યાં ને ત્યાં જ અટકી ગયું.
“હા આપો ને હું જાણ કરીને બોલાવી જ લઉં.”
“આલ્યો આલ્યો ઘરે કહેવામાં તો જરીકે ય મોડું ના કરાય આવામાં...” દર્શન ફોન ધરતા બોલ્યો.

મોબાઈલની ઘડિયાળમાં દોઢનો સમય જોઈ રઘુ એક ક્ષણ અચકાયો પણ વળતી જ પળે તેણે ડાયલરમાં જઈને નંબર ડાયલ કર્યો.
“હેલ્લો કોણ છે...” પોણી રીંગ પૂરી થયા પછી સામે છેડેથી ઊંઘેરાટી ભર્યા તોછડા અવાજે ફોન ઉપડ્યો
“બંદિશ હું બોલું છું...” રઘુ કહી રહ્યો
“તું... અત્યારે? અને આ કોનો નંબર છે?” બંદિશ ચિંતાતુર થતા બોલી.
“અમદાવાદ આવી જા ને... અત્યારે જ નીકળી જા. હું એચ.સી.જી હોસ્પિટલમાં છું.” રઘુએ કોઈ જ આડી અવળી વાત કર્યા વિના ડાયરેક્ટ વાત કહી નાંખી.
“હોસ્પિટલ કેમ?” બંદિશ હવે હેબતાઈ રહી હતી.
“બધી વાત અહીં આવીને. આ દર્શનભાઈનો નંબર છે. હોસ્પિટલ પહોંચી ફોન કરજે. બાય.”

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED