અજાણ્યો શત્રુ - 9 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 9

છેલ્લે આપણે જોયું કે બોસ ત્રિષા અને તેના પિતા રાણા કપૂર વચ્ચે થયેલી બધીજ વાત સાંભળી લે છે. ત્રિષા બોસને મળી પોતાના ચાઈના જવાની વાત પર વધારે વાતચીત કરવાં માંગે છે.

હવે આગળ......

*******

હજુ તો સવારના સાત થવા આવ્યા હતાં ત્યાં ત્રિષાના મોબાઇલની રિંગ વાગી. પહેલી વારમાં તો ત્રિષાએ કોલ રિસીવ ન કર્યો, પરંતુ સામે વાળી વ્યક્તિ માટે જાણે આ દુનિયાનો છેલ્લો કોલ હોય અને હવે પછી ક્યારેય તે કોઈ વ્યક્તિ સાથે વાત જ કરવા ન પામવાનો હોય તેમ મચી પડ્યો. બીજી અને ત્રીજી વખતે પણ આખી રિંગ પૂરી થવા છતાં કોઈ કોલ રિસીવ કરતું નહતું. ફોન કરવા વાળો વ્યક્તિ થોડી દ્વિધામાં હતો, ફરી ફોન કરવો કે નહીં તેની વિસામણમાં પડ્યો. તેની સાથી તેમજ બોસે કહ્યું, "શું થયું? કંઈ પ્રોબ્લેમ છે?"

થોડા ખચકાટ સાથે તે વ્યક્તિએ કહ્યું, "આ છોકરીને નવ વાગ્યે અહીં હાજર થવાનું છે. પણ તે ફોન ઉપાડતી જ નથી.હવે શું કરવું?".

"પછી બોલાવી લેજે, એવી બધી શું ઉતાવળ છે?"

"ઉપરથી ઓર્ડર છે."એટલું બોલી તે મૌન થઈ ગયો. તેનો સાથી પણ હવે થોડો મુંજાયો. ઉપરથી ઓર્ડર આવવાનો મતલબ તે સમજતો હતો. તેની ઓફિસમાં કોઈને ખબર નહતી આ બધું કામ કરવાનું તેમને કોણ કહે છે? હા, બધાને એટલી ખબર જરૂર હતી કે તય સમયમાં જો કામ પૂર્ણ ન થયું, તો તેમનું આવી બનવાનું.

"ફરી એકવાર ટ્રાય કરી જો, નહીંતર પછી આગળ રિપોર્ટ કરી દેશું. પછી એ લોકો જાણે... "તેના સાથીએ કહ્યું.

તે વ્યક્તિએ ફરી એક વખત ત્રિષાને કોલ કર્યો. આ વખતે તેના નસીબ સારા હતા, રિંગ પૂરી થવામાં જ હતી, તેના પહેલા ત્રિષાએ ફોન રિસીવ કરી લીધો. તે હજુ ઊંઘમાં જ હતી, આખી રાત તે પડખા ઘસતી, બોસને કેમ મળવું? અને કેવી રીતે વાત કરવી? એ જ વિચારતી રહી. તે તેના પિતાને બોસ વિશે પૂછપરછ કરી શકતી નહતી! તેથી તેમને ત્રિષાના ઈરાદાની જાણ થઈ જાય, પરંતુ તેના સિવાય બીજો કોઈ રસ્તો પણ નહતો, કેમકે તે બોસ અને તે સિવાયના લોકોને તે પહેલી વાર મળી હતી, અને તેમને કોન્ટેક્ટ કરવાનું કોઈ સાધન તેની પાસે નહતું. તેના ઉંમરની છોકરીઓ પ્રિયતમની યાદ પડખા ઘસતી હોય! જ્યારે તે પોતાની જાન બચાવી કે દેશનું હિત વિચારવું અથવા કેમ કરીને બોસથી પોતાનો તથા પોતાના પિતાનો પીછો છોડાવવો એ વિચાર કરતી હતી. તેને સૂવું તો નહતું પણ કુદરત આગળ કોનું ચાલ્યું છે. પછી તે જીવન-મરણનાં ખેલ હોય કે નીંદર જેવી સામાન્ય બાબત. આખરે વહેલી સવારે તેની આંખ પણ મળી ગઈ.

ફોનની આખરી રીંગ સાંભળી ત્રિષાએ કોલ રિસીવ કર્યો તો ખરો, પરંતુ નીંદરમાં હોવાથી તેનું ધ્યાન મોબાઇલની સ્ક્રીન તરફ નહતું. પરંતુ ફોન પર બોલાયેલા શબ્દો સાંભળી તેની ઉંઘ પલભરમાં જ ઉડી ગઈ. કેમકે રાતભર જેના વિશે વિચારી તે સૂતી નહતી, તે મોકો તેને સામે ચાલીને મળ્યો હતો. તેને તરત જ જવાની હા પાડી દીધી. ફોન કરનાર વ્યક્તિએ તેને કહ્યું, "નવ વાગ્યે તેને તેના ઘરે લેવા માટે ગાડી આવી જશે. બાકીની વાત બોસ કરશે."

ત્રિષાના મનમાં હજારો સવાલ ઉઠતા હતા, પરંતુ હજુ તો તે કંઈ પૂછે અથવા કહે એ પહેલાં જ ફોન કટ થઈ ગયો. તેણે ફરી ફોન કરવા માટે સ્ક્રિન તરફ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે તેને કોઈ પ્રાઈવેટ નંબર પરથી કોલ આવ્યો હતો. માટે તે વળતો કોલ કરી શકવાની નહતી. પરંતુ બોસ સાથે ફરી મુલાકાત થઈ જશે, એ જ તેના માટે મોટી વાત હતી, અને બાકીની વાત તે સીધી બોસ સાથે જ કરશે, એમ નક્કી કરી તે બાથરૂમમાં ફ્રેશ થવા માટે ચાલી ગઈ.

ત્રિષા જ્યારે તૈયાર થઈ તેના રૂમની બહાર આવી ત્યારે તેના પિતા રાણા કપૂર ઘરના દીવાનખંડમાં જ હાજર હતા. તેમને ત્રિષાને આવેલા ફોન કોલની જાણ નહતી, આથી તેમને આશ્ચર્ય થયું કે 'ત્રિષા અત્યારે તૈયાર થઈને ક્યાં જાય છે?' તેઓ ત્રિષાને પૂછે એ પહેલાં જ ત્રિષા તેમને જણાવે છે કે" તે તેના કોલેજ સમયની એક સહેલીને મળવા જાય છે. જે આજ સવારે જ નાગપુરથી આવી હતી. "

રાણા કપૂર હકારમાં માથું હલાવી ત્રિષાને જવાની પરવાનગી આપે છે. પણ સાથે જ કંઈક યાદ કરવાની કોશિશ કરે છે. કેમકે તેમની જાણમાં ત્રિષાની કોઈ એવી સખી નહતી જે નાગપુરની હોય. આમેય ત્રિષાનું આજનું વર્તન તેમને થોડુક અજુગતું લાગ્યું, કેમકે ત્રિષાને બાળપણથી જ તે ક્યાં જાય છે? કોને મળે છે? જેવા સવાલ કોઈ પૂછે તે ગમતું નહીં. અને કદાચ કોઈ પૂછી પણ લે તો તે ઊડાઉ જવાબ જ આપતી. તેના સ્થાને આજે તે સામેથી તે ક્યાં જાય છે? તે કહેવા આવી હતી. એ પણ કોઈના પૂછ્યા વિના.

રાણા કપૂર વિચારોમાંથી બહાર આવી હજુ ત્રિષાને વધુ પૂછપરછ કરે એ પહેલાં તો તે ઘરની બહાર નીકળી ગઈ. રાણા કપૂર પણ ત્રિષાની પાછળ પાછળ બહાર આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું. ત્રિષા તેને લેવા આવેલી કારમાં બેસી તેની મંઝિલ તરફ નીકળી ચૂકી હતી. એક એવી મંઝિલ જેની જાણ તેને ખુદને નહતી.

રાણા કપૂર ફરી દીવાનખંડમાં આવી સૂનમૂન થઈ બેસી ગયા. તેમને ત્રિષાને એક ફોન કરી, વાત કરવાનું પણ ન સૂજ્યું. ખરેખર તો બોસ સાથેની મિટિંગ પછી તેમનું મગજ બહેર મારી ગયું હતું. શું કરવું? શું ન કરવું? તેનો નિર્ણય જ તેઓ લઈ નહતા શકતા. ખરેખર તો આ સમયે તેમણે તેમના હોદ્દાની શાખ અને અનુભવી મગજ કામે લગાડી ત્રિષાને રોકવા માટેની સંપૂર્ણ કોશિશ કરવાની જરૂર હતી. તેઓ બોસનો મુકાબલે જરૂર કમજોર હતા. પણ એક કોશિશ તો જરૂર કરી શકતા હતા. પરંતુ અત્યારે એક ઉચ્ચ અધિકારી અને અનુભવી માણસ પર એક પિતાની લાગણીઓ હાવી થઈ ગઈ હતી. જેને જાતે જ પોતાની પુત્રીને મોતના મુખમાં ધકેલી હતી. એ વાતનો અપરાધભાવ તેમને કંઈ વિચારવા જ નહતો દેતો.

બોસે આગલી રાત્રે જ ત્રિષા અને રાણા કપૂરની વાત સાંભળી એ પછી તરત જ રાઘવને સવારે તેમના ટ્રેનિંગ સેન્ટર પર પહોંચી જવાનું કહી દીધું હતું. રાઘવ ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યો ત્યારે સાડા નવ વાગ્યા હતા. તે સીધો જ બોસને મળવા તેમની કેબિન તરફ આગળ વધ્યો. પરંતુ હજુ તે રિસેપ્શન એરીયા વટાવે એ પહેલાં જ રિસેપ્શન પર બેસેલા વ્યક્તિએ તેને અહીં આવવાનું પ્રયોજન પૂછ્યું. કેમકે સામાન્ય માણસ માટે આ સ્થાન પ્રતિબંધિત હતું. રાઘવ રિસેપ્શનિસ્ટને પોતાના આવવાનું પ્રયોજન જણાવે છે. પરંતુ પ્રત્યુત્તરમાં તેને જાણવા મળે છે કે બોસ હજુ આવ્યા નહતા. આથી રાઘવ ત્યાં આવેલા વેઇટિંગ એરિયામાં બેસી બોસની વાટ જોવાનું નક્કી કરે છે.

રાઘવ વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ટાઈમ પાસ કરવા માટે છાપું હાથમાં લઈ બેસે છે. તે હજી છાપાનું પહેલું જ પાનું વાંચતો હતો, તેની બેઠક રિસેપ્શન હોલના દરવાજાની એકદમ સામે જ હતી, આથી કાચના તે અર્ધપારદર્શક દરવાજાની પેલે પાર તેને ચોખ્ખું દેખાતું તો નહતું, પણ બહાર થતી હલચલનો અંદાજ જરૂર આવી જતો હતો.

છાપાનાં પાના ઉથલાવતા અનાયાસે તેની નજર દરવાજા પર પડી. દરવાજાની બીજી તરફ રહેલી વ્યક્તિનો ચેહરો તેને સ્પષ્ટ તો દેખાતો નહતો, પણ તેને એ વ્યક્તિ કોણ હશે? તેનો અંદાજ જરૂર આવી ગયો હતો. તે હજુ મનમાં નક્કી કરતો હતો કે આ તે જ વ્યક્તિ છે કે નહીં, એટલી વારમાં પેલી વ્યક્તિ દરવાજો ખોલી તે બેઠો હતો તે હોલમાં પ્રવેશી. તેનો અંદાજ બિલકુલ સાચો હતો, તે વ્યક્તિ ત્રિષા જ હતી, જેને આગલે દિવસે તે હોટલમાં બોસની મિટિંગમાં મળ્યો હતો. તેને ત્રિષાના અહીં આવવાનું કારણ તો સમજાયું, કેમકે આગલે દિવસે જ બોસે તેને થોડી ટ્રેનિંગ આપવાની વાત કરી હતી. પરંતુ પોતાનું અહીં શું કામ છે? તે સમજાતું નહોતું. કારણ કે મિટિંગમાંથી છૂટા પડતી વખતે તો બોસે તેને ચાઇના જવાનું ન થાય એટલે કે આઠ દસ દિવસ સુધી આરામ કરવાનું કહ્યું હતું. અને પાછું રાત્રે જ ફોન કરી સવારે અહીં હાજર થવાનું ફરમાન કરી દીધું. તે પણ તેને એકલાને જ. વિરાજ આ વાતની કોઈ ખબર નહતી. અંતે બોસ આવશે પછી ખબર પડી જ જશે. આથી અત્યારે શું કામ નકામી લમણાજીક કરવી. એમ વિચારી રાઘવ ફરી છાપું વાંચવામાં પોરવાયો.

રિસેપ્શન પર બેઠેલી વ્યક્તિ જાણે ત્રિષાની જ વાટ જોતી હોય તેમ તેના હોલની અંદર પ્રવેશતા જ તેને પોતાની તરફ બોલાવી. ત્રિષાને પહેલા તો આશ્ચર્ય થયું, કેમકે તે વ્યક્તિ તે ઓળખતી નહતી અને આ જગ્યાએ તે પહેલી વાર આવી હતી, છતાં સામેથી જાણે તેની જ વાટ જોવાતી હોય તેમ તેને કોઈ બોલાવી રહ્યું હતું. પરંતુ આગલી રાતની ઘટના મનમાં તાજી થતાં તેને થયું કે હવે આવી બાબતોનું તેને આશ્ચર્ય થવું ન જોઈએ, કેમકે હવે તેની જીંદગી જ તેના હાથમાં નહતી, તો તેમાં આકાર લેતી ઘટનાઓ પર તેનો અંકુશ ક્યાથી રહેવાનો? તે બસ એક કઠપૂતળી બનીને રહી ગઇ હતી. તેને જેમ નચાવે, તેમ નાચવાનું.

તે ઝડપથી ચાલતી રિસેપ્શનિસ્ટ પાસે ગઇ. રિસેપ્શનિસ્ટે ત્રિષાને તેનું નામ પૂછ્યું તથા એક ફોટો આઈ. ડિ પ્રુફ માટે માંગી. ત્રિષાના આઈ. ડિ પ્રુફ આપતા જ તેને તે ચેક કરી તેની એક ફોટોકોપી કાઢી પોતાની પાસે રાખી લીધી. તથા ત્રિષાને એક ટેમ્પરરી આઇ. કાર્ડ આપતા કહ્યું, "હવેથી જ્યારે પણ અહીં આવવાનું થાય ત્યારે આ આઇકાર્ડ લઈ આવવાનું ભૂલશો નહીં,નહીંતર અંદર પ્રવેશ મળશે નહીં.હવે તમે વેઇટિંગ એરિયામાં બેસી શકો છો. તમારી મિટિંગનો સમય થતાં તમને બોલાવવામાં આવશે.આભાર."

એટલું કહી તે રિસેપ્શનિસ્ટ ફરી પોતાના કામે વળગી ગઈ. ત્રિષાને હજુ તેને કંઈ પૂછવું હતું, પણ તેના હાવભાવ જોતા તેને જોઈતો જવાબ નહીં મળે તે નક્કી હતું. આથી તે વેઇટિંગ એરીયામાં જઇ બેસે છે.

રાઘવ તેની સામે જ બેઠો હતો,પરંતુ તેના હાથમાં છાપું હોવાથી ત્રિષાને ખબર નહતી પડી કે રાઘવ પણ ત્યાં હાજર છે. ત્યાં અચાનક રાઘવના હાથમાંથી છાપાનું એક પેજ સરકી નીચે પડી ગયું. એ ઉઠાવવા રાઘવ જ્યારે નીચે ઝુક્યો, ત્યારે ત્રિષાની નજર તેના પર પડી. તે તરત પોતાની જગ્યાએથી ઉભી થઈ રાઘવની પાસે જઇ બેસી ગઈ. તેને રાઘવ તરફ એક અજીબ ખેંચાણ થતું હતું, જે તેને ગઈકાલે પણ અનુભવ્યું હતું.

રાઘવ અચાનક ત્રિષાને તેની બાજુમાં બેસીલી જોઈને ચોંકી ગયો, ખરેખર તો તેને ત્રિષા આવી ત્યારથી જ તેની એક એક ગતિવિધિ પર નજર રાખી હતી, અને પોતે તેના ધ્યાનમાં ન આવે તેની પણ કાળજી રાખી હતી, પરંતુ જ્યારે તે નીચે પડેલું પેપર ઉઠાવવા ઝુક્યો, એ દરમિયાન તેનુ ધ્યાન ત્રિષા તરફ નહતું, પણ પેપર પડવા લીધે થયેલા અવાજના કારણે ત્રિષાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. એ એક પલમાં જ રાઘવને ઓળખી ગઈ હતી. તેને લાગ્યું કે રાઘવ જરૂર તેની કંઈ મદદ કરશે.

ત્રિષાએ રાઘવ પાસે બેસી તેની સાથે વાત કરવાની શરૂઆત કરી. "હાય, મારૂ નામ ત્રિષા કપૂર. આપણે કાલે મળ્યા હતા! યાદ છે? એક્ચ્યૂલી મારે તમારી થોડી મદદ જોઈએ છે?" ત્રિષાએ કહ્યું.

રાઘવને અત્યારે ત્રિષા સાથે વાત કરવાની ઈચ્છા નહતી, છતાં કમને તેને કહ્યું, "બોલો, હું તમારી શું મદદ કરી શકું છું?"

ત્રિષાને થયું કે રાઘવ તેની મદદ માટે તરત જ રાજી થઈ ગયો છે, જ્યારે વાસ્તવમાં રાઘવ ફક્ત તે ક્યાં કામ માટે મદદ માંગે છે? એજ જાણવા ઈચ્છાતો હતો. ત્રિષાએ કહ્યું, "તમે હાલમાં જ પાકિસ્તાનથી આવ્યા એ જ છો ને? મારા પિતાએ મને કહ્યું હતું. તમારૂ નામ? ના, તમે નહીં તમારા સાથે હતા, એ પાકિસ્તાનથી આવ્યા હતા. એમ આઇ રાઈટ? મારે.... "

ત્રિષા વધુ કંઈ બોલે એ પહેલાં જ રાઘવે તેને કહ્યું, "માફ કરશો, મિસ. તમે મને ઓળખવામાં ભૂલ કરી લાગે છે. અથવા તમે મને કોઈ બીજી વ્યક્તિ સમજી રહ્યા છો. મારે કામ છે. તો રજા આપશો." એટલું કહી રાઘવ ત્યાંથી ઉઠી રિસેપ્શનની પાછળ તરફની લોબી તરફ જવા લાગ્યો. કેમકે ત્રિષા દ્વારા અજાણે જ બોલાયેલા શબ્દો ખૂબજ ગંભીર હતા. અને આજુબાજુ રહેલો કોઈ ભેદી દુશ્મન તે સાંભળી લે તે કોઈના હિતમાં નહતું.

રાઘવ હજુ રિસેપ્શન વટાવી લોબીમાં પ્રવેશ્યો, ત્યાં જ બોસ તેને સામા મળ્યા.

બોસ-"હું તને જ મળવા આવતો હતો. તારા માટે એક અગત્યનું કામ છે. મારી ઓફિસમાં બેસી થોડી ચર્ચા કરી લઈએ."

રાઘવ-" ઓકે સર. "

બોસ-"પહેલા પેલી છોકરીને કામે લગાડી દઇએ. પછી ઓફિસમાં જઇએ."

બોસ અને રાઘવ ત્રિષા પાસે આવે છે. ત્રિષા બોસને જોઈ ઉભી થઈ જાય છે અને પોતાની વાત કહેવાની કોશિશ કરે એ પહેલાં જ બોસનો હુકમ સંભળાય છે.

બોસ -"નાયક, આ છોકરીને સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેનિંગ આપવાની છે. તેની વ્યવસ્થા કરો. અને ટ્રેનિંગ અત્યારથી જ શરૂ કરવાની છે."

નાયક - "જી, સર. "

ત્રિષા આ બધુ જોતી રહી. એ ફરી વાત કહેવા આગળ વધી એટલી વારમાં બોસ અને રાઘવ લિફ્ટમાં બોસની ઓફિસ તરફ આગળ વધી ગયા હતા. મનમાં પારાવાર મુંઝવણ સાથે વધી હતી એકલી ત્રિષા.

********
શું ત્રિષા બોસ સાથે વાત કરી શકશે? બોસને રાઘવ પાસે ક્યું અગત્યનું કામ હતું કે રાત્રે જ તેને સૂચના આપી, બોલાવવામાં આવ્યો? જાણવા માટે વાંચતા રહો "અજાણ્યો શત્રુ "

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.