અજાણ્યો શત્રુ - 7 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 7

છેલ્લે આપણે જોયું કે મિલી અને જેકની દોસ્તી થઈ જાય છે. તથા જેક મિલી પર નજર રાખે છે. જેક અને મિલી વચ્ચે નાનકડો ઝગડો પણ થાય છે.

હવે આગળ.......


*******


જેક અને મિલી સામસામે એકબીજાને વારંવાર ફોન કરવાની કોશિશ કરે છે. પરંતુ તે બન્ને એકજ સમયે એકબીજાને કોલ કરતા હોવાથી તેમના ફોન બીઝી જ આવે છે.

મિલીને લાગતું હતું કે તેને જેક સાથે થોડી વધારે જ સખ્તાઈથી વાત કરી હતી. તે એના કામ વિશે તથા સાથે કામ કરતા લોકો વિશે જ પૂછતોં હતો, એમા કોઈ મોટી વાત નહતી. આમપણ અહીં તે કોઈને ઓળખતી નથી, તેવી સ્થિતિમાં જેક તેને ખૂબ જ મદદગાર થયો હતો. પણ પોતે એના એહસાનનો આભાર માનવાને બદલે તેનું અપમાન કર્યું. જે યોગ્ય નહતું. તેને જેક સાથે વાત કરવી હતી, પણ ફોન લાગતો નહતો અને તેનું સરનામું પણ ખબર નહતી.

બીજી બાજુ જેકને પણ મિલી સાથે વાત કરવાની એટલી જ ઉતાવળ હતી,પરંતુ તેના માટેના કારણો જુદા હતા.તેને મનમાં થયું કે મિલીને તેના પર શક તો નહીં થયો હોય ને,તેના આટલા કોલ્સનો એકપણ હકારાત્મક તો શું! નકારાત્મક પ્રતિભાવ પણ ન મળ્યો. તે કદાચ પોલીસમાં જાય તો? તો તો આવી જ બને. મિલીના પોલીસમાં ફરિયાદ કરવાની તથા એટલું બધું આગળ વધી એક્શન લેવાની શક્યતા તો હતી જ નહીં, પરંતુ માણસ જ્યારે પ્રવાહ વિરુદ્ધ જઈ કામ કરે, તે પણ એના કરતાં શક્તિશાળી સાથે, ભલે તે કામ ગમે તેટલું સારૂ કેમ ના હોય,મનમાં એક ડર તો રહેજ. અને એટલે જ ન બનવાની અને અશક્ય જણાતી બાબતો વિચારવા માણસ મજબૂર થઈ જાય. તેને આ વિચારો સત્ય ભાસવા માંડે છે. જેક સાથે પણ અત્યારે આવું જ કંઈક થતું હતું.

જેક આવા વિચારો ખંખેરવા માટે તથા દિવસભરનો થાક ઉતારવા માટે શાવર લેવા જાય છે. પરંતુ તેને નક્કી કર્યું કે મિલીની બાબતમાં ચોખવટ તો કરવી જ રહી. આથી તે શાવર લઈ મિલીના ઘરે જવાનું આયોજન કરે છે. બીજા દિવસની સવાર સુધીનો ઇંતેજાર તેનાથી થાય એમ નહતો. અને તે જબરદસ્તીથી કોઈ કામ કરાવવા પણ નહતો માંગતો. કેમકે એમ કરવામાં તેની પોતાની સુરક્ષા તો જોખમાય જ, સાથે જ તેના સાથીઓની આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી જાય.તે બસ એટલું જ ઈચ્છતો હતો કે તેની ભૂલના કારણે તેના મિશનને કોઇ મુશ્કેલી ના આવવી જોઈએ.

જેક મિલીના ઘરે પહોંચે ત્યારે રાતના સાડા અગિયાર થવા આવ્યા હતા. આજુબાજુનો વિસ્તારલગભગ શાંત જ હતો. કોઈ કોઈ ઘરમાંથી હજુ ટીવી અને વાતોનો અવાજ આવતો હતો. એ સિવાય નિરવ શાંતિ હતી. રસ્તા સુમસામ હતા. મિલીને જે ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો, એ વિસ્તારમાં મોટાભાગના મિડલ ક્લાસ નોકરીયાત અને નાનો મોટો ધંધો કરનાર લોકો રહેતા હતા. માટે અહીં નાઈટ લાઈફ નહતી. અને હોય તોપણ કોઈને પોસાય એમ નહતી. હા, નાઈટ લાઈફ એટલી જ કે જીંદગી આખી વૈતરૂ કરતાં શરીરને પાંચ સાત કલાકનો આરામ મળે.

જેક મિલીના ઘરે પહોંચી ડોરબેલની સ્વિચ પર આંગળી રાખી ઉભો હતો. તે હજુ અવઢવમાં હતો કે અત્યારે મિલીને મળવું કે નહીં. ઘરેથી તો તે પાકકો ઇરાદો કરીને નીકળ્યો હતો કે અત્યારેને અત્યારે જ મિલીને મળી બધી ચોખવટ કરી લેવી અને જરૂર પડે તો પોતાના મિશન વિશે પણ તેને વિશ્વાસમાં લઈ પ્રાથમિક જાણકારી આપી તેને પણ પોતાની સાથે શામિલ કરી લેવી.

પરંતુ હવે તેને વિચાર આવતો હતો કે કદાચ પોતાના પાસા ઉલટા પડે તો? મિલી તેના કસમયે અહીં આવવાનો કોઈ ગલત મતલબ ન કાઢી લે. જેક શું કરવું? શું ન કરવું? એ નક્કી કરી શકતો નહતો. એ બસ પુતળાની માફક મિલીના દરવાજે ખોડાયેલો હતો.

એટલામાં જ કોઈએ પાછળથી આવી એના ખભે ટપલી મારી બોલાવ્યો. જેક અચાનક થયેલા આ સ્પર્શથી ચોંકી ગયો. તેને પાછળ ફરીને જોયું તો આધેડ વયની એક સ્ત્રી તેની પાછળ ઉભી હતી. તેને ઓફિસ સ્કર્ટ,શર્ટ અને બ્લેક બ્લેઝર પહેર્યું હતું. તે સ્ત્રી મિલીની ફ્લેટ મેટ તથા રિસર્ચ સેન્ટરમાં તેની સિનિયર તેમજ ગાઈડ મેરી અબ્રાહમ હતી.

મેરી મૂળ તો ઈઝરાયેલની વતની હતી. પરંતુ તેના બાળપણમાં જ સપરીવાર તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતાં. તે અમેરીકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાં માઈક્રો બાયોલોજી અને જીનેટિક એન્જિનિયરિંગની પ્રોફેસર હતી. અને અત્યારે તે એજ યુનિવર્સિટી તરફથી આ સંશોધનમાં ભાગ લેવા માટે હર્બિન આવી હતી. મેરી જે યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી, એ યુનિવર્સિટીએ પણ આ રિસર્ચ પ્રોજેક્ટ માટે ફંડ આપ્યું હતું. અને એટલે જ સંશોધનની બારીકમાં બારીક કામગીરી પર નજર રાખવાનું કામ યુનિવર્સિટીએ મેરીનાં ખભે મુક્યું હતું.

જેકનું ધ્યાન હજુ પોતાની તરફ નથી, એ ખ્યાલ આવતા મેરી એ ફરી વખત જેકને બોલાવ્યો અને આ વખતે જોરથી તેનો ખભો પકડી તેને હચમચાવી નાખ્યો. મેરીની આ ચેષ્ટાથી જેક વિચારોના વમળમાંથી એકાએક બહાર આવ્યો. તેને મેરી પર ગુસ્સો આવ્યો, પરંતુ સ્થળ-કાળને માન આપી તે કંઈ બોલ્યો નહીં, ગુસ્સો ગળી ગયો અને વિનમ્રતાથી મેરીને પૂછ્યું, "યસ, હું તમારા માટે શું કરી શકું, મેડમ?"

પરંતુ ત્યાં જ તો મિલીએ ફ્લેટનો દરવાજો ખોલ્યો. મિલી તો એના રૂમમાં જ હતી અને જેકના આવવાનો તેને ખ્યાલ જ નહતો અને મેરી પાસે તો આમપણ ફ્લેટની બીજી ડુપ્લીકેટ ચાવી હતી જ. પરંતુ અત્યારે મિલીએ ડોરબેલનો અવાજ સાંભળી દરવાજો ખોલ્યો હતો.

વાસ્તવમાં થયું એવું કે જ્યારે મેરીએ જેકને પહેલી વાર બોલાવ્યો ત્યારે તે ડોરબેલ પર આંગળી રાખીને ઉભો હતો અને એજ સ્થિતિમાં એને પાછળ વળીને જોયું, પરંતુ પોતાના જ ખ્યાલો ખોવાયેલો હોઈ એને ડોરબેલ પરથી આંગળી હટાવી નહતી. અને જ્યારે મેરી એ બીજી વાર ખભો પકડી તેને હચમચાવ્યો, ત્યારે અનાયાસે જ તેના હાથે ડોરબેલની સ્વિચ દબાઇ ગઈ અને તેનો અવાજ સાંભળી મિલી દરવાજો ખોલવા આવી.

જેકને પોતાના ઘરે આવેલો જોઈ મિલીને ખૂબ આનંદ થયો, જે એની આંખોમાં દેખાતું હતું. પરંતુ જેકની પાછળ મેરીને જોઈ મિલીને આશ્ચર્ય થયું, કેમકે તે બન્ને મેરી અને જેક એકબીજાને જાણતા નહતા. છતાં રાત આ સમયે બન્ને એકસાથે અહીં હતા. જે મિલીના મનમાં શંકા ઉત્પન્ન કરતા હતા. પરંતુ તેને ચેહરા પર કોઈ ભાવ દર્શાવ્યા વિના જેકને તથા મેરીને અંદર આવવા જણાવ્યું.

અંદર જઇ થોડી ક્ષણો તો બધા મૌન જ ઉભા રહ્યાં, કોઇને શું બોલવું? એ સમજાતું નહોતું. અંતે મેરીએ મૌન ભંગ કરતા મિલીને જેક વિશે પૂછ્યું?મિલીએ મેરીને જેકનો પરીચય પોતાના મિત્ર તરીકે આપ્યો તથા તેને અહીં સેટલ થવામાં તેની કરેલી મદદ વિશે પણ જણાવ્યું. તેમજ જેકને મેરીનો પરીચય આપ્યો.

મેરીની કામગીરી વિશે જાણી જેકની આંખમાં જે ચમક આવી તે મેરીની અનુભવી આંખોથી છૂપી ન રહી. પણ અત્યારે તેને આ બાબતમાં વધારે ઊંડુ ઊતરવાનું ટાળ્યું. એટલામાં જ મિલીએ પૂછ્યું કે તે બન્ને એકસાથે કેવી રીતે? આ સવાલ સાંભળી જેક થોડો ગુચવાયો, પરંતુ મેરીએ બાજી સંભાળી લેતા કહ્યું કે "અનાયાસે જ તે બન્ને દરવાજા પર મળી ગયા" . ત્યારબાદ પોતે થાકી ગઈ છે તથા સૂવા માંગે છે. તમે બન્ને વાતો કરો. એમ કહી મેરી પોતાના રૂમમાં ચાલી ગઈ.

જેક અને મિલી પણ મિલીના રૂમની બાલ્કનીમાં આવીને બેઠા. પરંતુ ઘણો સમય વહી જવા છતાં તે બન્ને વચ્ચે કંઈ સંવાદ થતો નહતો. બન્ને અમાવસની કાળી રાતમાં ચંદ્ર વિનાના ખાલી આકાશને તાકી બેસી રહ્યા હતાં.

અંતે જેકે પોતાનો હાથ મિલીના હાથ પર રાખી તેને સોરી કહ્યું. જેકના હાથનો સ્પર્શ પામતા જ મિલીના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. તે કંઈપણ બોલ્યા વગર, આંખને મટકું માર્યા વગર, એકધારી જેક સામે જોવા લાગી. જેકને થયું કે મિલીને કદાચ આમ તેનું સ્પર્શવું ગમ્યું નહીં. આથી એક ઝાટકે તેને મિલીના હાથ પરથી પોતાનો હાથ લઇ લીધો. પરંતુ બીજી જ ક્ષણે મિલીએ જેકનો હાથ પોતાના હાથમાં લઈ, તેને પસારવા લાગી. તેને જેકનુ આંખોમાં આંખા પોરવી પહેલા તો તેના વર્તન બદલ માફી માંગી અને કહ્યું કે તે તેને કંઈક કહેવા માંગે છે.

પરંતુ જેક કદાચ મિલી શું કહેવા માંગે છે, એ તેની આંખોના ભાવ પરથી પામી ગયો હતો, કેમકે વર્ષો પહેલાં આ જ ભાવ તેને કોઈની આંખોમાં જોયા હતાં, અને એટલે જ તે અત્યારે અહીં હતો. પરંતુ તે પોતાનો ભૂતકાળ ફરી પુનરાવર્તીત કરવા ઈચ્છતો નહતો, આથી તે મિલીના હાથમાંથી પોતાનો હાથ છોડાવી જવાની રજા માંગી.

પ્રત્યુત્તરમાં મિલી એકવાર તેની વાત સાંભળી લેવા જેકને વિનંતી કરે છે. પરંતુ જેક અત્યારે મોડુ થઈ ગયું છે અને રાત પણ બહુ થઇ ગઇ છે. તેને જવું જોઈએ, પછી ક્યારેય વાત. એમ કહી ફટાફટ મિલીનાં ફ્લેટની બહાર નીકળી જાય છે. મિલી જેકને રોકવા સાદ દઈ તેની પાછળ જાય છે, પરંતુ એટલી વારમાં જેક બિલ્ડિંગ બહાર નીકળી, કારમાં ગોઠવાઈ ત્યાંથી નીકળી જાય છે.

***********

મિલી અને જેકના સંબંધનું આગળ શું પરિણામ આવશે? જેકના ભુતકાળમાં એવું શું હતું? જે એ પુનરાવર્તીત કરવા માંગતો નહતો? જેક અને તેના સાથીઓનું મિશન શું હતું? જાણવા માટે વાંચતા રહો, "અજાણ્યો શત્રુ".

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.