અજાણ્યો શત્રુ - 3 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 3

છેલ્લે આપણે જોયું કે ગુલામ અલી હેમખેમ ભારત આવી પહોંચે છે, અને ત્યારબાદ તે અને રાઘવ બન્ને રાઘવના બોસને મળવા માટે દિલ્હી જવા માટે નીકળે છે.

હવે આગળ.....

****
પ્લેનમાં બેસતાની સાથે જ રાઘવ દિલ્હી તેના બોસને ફોન કરી પોતાના આવવાની જાણ કરે છે. તથા તે તત્કાળ મળવાનું જણાવે છે. તેના બોસ પહેલા તો બીજા દિવસે સવારે મીટીંગ ગોઠવવાનું કહે છે, પરંતુ રાઘવ જ્યારે કહે છે કે વિરાજ પણ તેની સાથે છે ત્યારે તેઓ એકદમથી મળવા માટે માની જાય છે.

રાઘવ અને ગુલામ અલી નલિયાથી એરફોર્સના સ્પેશ્યલ પ્લેનમાં દિલ્હી જવા માટે નીકળ્યા હતાં આથી તેઓનું ઊતરાણ દિલ્હીના આઈ.જી.આઈ એરપોર્ટના સ્થાને ગાજિયાબાદમાં આવેલા હિંડન એરબેઝ પર ગોઠવવામાં આવે છે, કારણ કે દિલ્હીનું આઈ.જી.આઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ પબ્લિક એરપોર્ટ હતું અને અચાનક એરફોર્સનું સ્પેશ્યલ પ્લેન ત્યાં ચડી આવે તે પણ કોઈ આગોતરા આયોજન વગર તે આસાનીથી કોઈપણની નજરમાં ચડી જાય એમ હતું. જોકે તેઓ દિલ્હી પહોંચે ત્યારે રાત થઈ ગઈ હોય તેથી ત્યાં ઉતારવામાં એટલું જોખમ નહતું, પરંતુ રાઘવ કોઈ રિસ્ક લેવા નહતો ઈચ્છતો.

રાઘવ પ્લેનમાં બેઠો ત્યારથી જ કેવી રીતે બોસની ઓફિસે પહોંચવું તેના આયોજનમાં લાગી ગયો હતો, કેમકે તે જાણતો હતો કે આપણા માણસો બીજે હોય તેમ તેમના માણસો(જાસૂસ) આપણે ત્યાં હોવાનાં જ છે. અને વહેલી મોડી તેમના આગમનની જાણ તેમને થઈ જ જવાની છે. આથી તેઓ પીછો પકડે અને તેમના આવવાનો મકસદ જાણવાની કોશિશ કરે એ પહેલાં ગાયબ થઈ જવું જરૂરી હતું. અને બોસની પણ એજ સૂચના હતી કે કદી બહુજ જરૂરી કામ ન હોય અથવા તો એવી બાબત કે જે તેમને રૂબરૂમાં જ જણાવવી પડે તેના સિવાય મળવાનું નહીં. બધો જ વહીવટ ફોન પર જ પતાવી દેવાનો અને છતાં પણ મળવાનું જરૂરી લાગે તો એવી રીતે મળવા આવવાનું કે કોઈને ખબર ન પડે, નહીંતર અંજામ તેમને ખબર હતો.

ફ્લાઇટ શિડયૂલ પ્રમાણે તેમનું પ્લેન રાતના દસથી સાડા દસ વચ્ચે ગાજિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચવાનું હતું. રાઘવ ત્યાંથી જ એરફોર્સની એક કારની વ્યવસ્થા કરવાનું કહી દે છે.

તેના પ્લાન પ્રમાણે તેઓ એરફોર્સના અધિકારી તરીકે હિંડનથી નીકળી દિલ્હીની કોઈ મોટી હોટલમાં રોકાણ કરશે. ત્યારબાદ વેશપલટો કરી દિલ્હીમાં ફરવાનું અને કોઈ તેમની પાછળ નથી એવી પાકી ખાતરી થાય પછી કોઈ સામાન્ય હોટલ કે ગેસ્ટહાઉસમાં પ્રવાસી તરીકે રોકાણ કરવું. આમેય નકલી ઓળખાણપત્રોની તેની પાસે કમી નહતી. ત્યારબાદ બોસને મળવા તેમની ઓફિસ પર જવું.

રાઘવ આ બધુ પ્લાનીંગ કરતો હતો એટલામાં જ તેને બોસનો કોલ આવે છે. બોસ તેને પ્લાન જણાવા કહે છે. રાઘવ જ્યારે પોતાનો સંપૂર્ણ પ્લાન બોસને જણાવ્યા બાદ બોસ થોડી વાર વિચારમાં સરી જાય છે. બોસ રાઘવને પોતે થોડીવાર પછી ફરી કોલ કરવાનું કહી ફોન કટ કરી નાખે છે.

લગભગ દસ પંદર મિનિટ પછી બોસનો ફરી ફોન આવે છે અને રાઘવને તે પ્લાનમાં થોડો ફેરફાર કરવાનું સૂચવે છે. બોસના નવા પ્લાન મુજબ રાઘવને તેના મૂળ પ્લાનને વળગી રહેવાનું હતું, પરંતુ ગુલામ અલી તેની સાથે નહીં હોય. હોટલ સુધી બન્નેએ સાથે જ પરંતુ અલગ અલગ રીતે જવાનું હતું. માટે ગુલામ અલીએ હોટલ સુધી એરફોર્સની કારમાં નહીં પણ સાદી ટેક્સીમાં જવાનું હતું, તેમજ ત્યાંથી નીકળવાનું પણ બન્નેએ અલગ અલગ હતું અને આગળ પણ અલગ જગ્યાએ રોકાણ કરવાનું હતું.

બોસનો પ્લાન સાંભળ્યા બાદ રાઘવ મળવાના સમય અંગે પૂછે છે, પરંતુ બોસ એ બધુ ગોઠવાઈ જશે એમ કહી કોલ કટ કરી દે છે.

10:10 વાગ્યે તેમનું વિમાન હિંડન એરબેઝ પર લેન્ડ કરે છે. અને આગળ તેઓ પ્લાન પ્રમાણે જ વર્તે છે. રાતના લગભગ અઢી વાગ્યે રાઘવનો ફોન રણકી ઉઠે છે. સામે છેડે બોસ હતા. તેઓ રાઘવને એક લોકેશન મોકલે છે તથા પગપાળા આવવાનું જણાવે છે.

રાઘવે લોકેશન ચેક કરી તો તેની હોટલથી બે કિલોમીટર જેટલા દુર એક ગેસ્ટ હાઉસનું હતું. રાઘવ એ તરફ ચાલવા લાગે છે અને વિચારે છે કે બોસ કદી ઓફિસ પર મળતા નહીં, આવી રીતે જ બાર પબ્લિકલી પ્રાઈવેટમાં મળી લેતા. આમપણ ત્રણ વર્ષમાં બોસને રૂબરૂ મળવાનો આ બીજો જ પ્રસંગ હતો. આમજ વિચારોને વિચારોમાં ગેસ્ટહાઉસ આવી ગયું એની રાઘવને ખબર જ ન પડી.

રાઘવ ગેસ્ટહાઉસ પર પહોંચી જ્યારે બોસના રૂમમાં પ્રવેશે છે, ત્યારે રૂમમાં બોસ ઉપરાંત બીજી ચાર વ્યક્તિઓ હાજર હતી. તેમાની ત્રણ વ્યક્તિ બોસની સાથે જ સોફા પર બેઠી હતી, પરંતુ એક વ્યક્તિ બાલ્કની પાસે અંધારામાં ઊભી હતી, જેથી રાઘવને તેનો ચેહરો દેખાતો નહતો. કમરામાં પ્રવેશતા જ બોસ આગળ આવી રાઘવને આવકારે છે.

કમરામાં ઉપસ્થિત બોસ ઉપરાંતની વ્યક્તિઓમાંથી રાઘવ બે વ્યક્તિને ઓળખતો હતો, જેમાં પહેલા હતા 'મિલિટરી ઈન્ટેલિજન્સ' ડિપાર્ટમેન્ટના વડા લેફ. જનરલ સી. ગોપાલસ્વામી અને બીજા હતા 'સ્ટ્રેટેજિક પોલીસી ફોર સાઉથ એશિયા ઓફ ઈન્ડિયા' કમિટીના નાયબ નિયામકદાર રાણા ગૌતમ કપુર. એ સિવાયની વ્યક્તિમાં એક ચોવીસ - પચ્ચીસ વર્ષની છોકરી હતી, જેને રાઘવ પહેલી વાર જોઈ રહ્યો હતો. તથા પેલી વ્યક્તિ હજુ બાલ્કની પાસે જ ઉભી હતી, જેથી તેનો ચહેરો દેખાતો નહતો.

રાઘવ વારાફરતી બધા સાથે હાથ મિલાવે છે.એટલી વારમાં પેલો બાલ્કની વાળો વ્યક્તિ કમરામાં આવે છે, જેને જોઈને રાઘવ ચમકી જાય છે, કારણ કે એ બીજુ કોઈ નહીં પણ ગુલામ અલી ઉર્ફે વિરાજ હતો. રાઘવને મનમાં એમ હતું તે બોસ એ બન્નેને અલગ કર્યા તેથી શાયદ તે વિરાજને મળવા નહીં બોલાવે, પણ અહીં તો ઉલટું વિરાજ તેની પહેલા પહોંચી ગયો હતો.

બોસ બધાને બેસવાનું તથા રાઘવ અને વિરાજને તેમની ઇનપુટ આપવાનું કહે છે. પરંતુ રાઘવને પેલી છોકરીની કમરામાં હાજરી ખુંચતી હતી, અને બોસે પણ તેનો પરીચય આપ્યો નહોતો. આથી રાઘવ ચર્ચા શરૂ કરવા પહેલા બોસને તે છોકરી વિશે પૂછે છે.

રાઘવ:-"બોસ આ છોકરીનો પરીચય તો તમે કરાવ્યો જ નહીં? "

બોસ:-"આ કમરામાં હાજર દરેક વ્યક્તિ અહીંની ચર્ચા માટે મહત્ત્વની જ છે. છતાં એમનો પરીચય આપું તો તેઓ છે મિસ ત્રિષા કપુર. રાણા ગૌતમ કપુરના પુત્રી અને ડિ.આર.ડી.ઓની બાયોલોજીકલ વેપન વિભાગના વૈજ્ઞાનિક."

પરંતુ રાઘવને મિસ કપૂરનું અહીં શું કામ છે એ સમજાતું નહતું. કેમકે તેના મન તો બડી મછલી અને છોટી મછલી વધી વધીને સરહદે કોઈ છમકલું કરે અથવા બોમ્બ બ્લાસ્ટ કરે, પરંતુ જૈવિક હથિયારના જાણકારનું મિટિંગ હોવુ એટલે કોઇ મોટો ખેલ ખેલાતો હતો, જેની તેને જાણકારી નહતી,અને બોસ તેના અને વિરાજ કરતા કંઈક વધારે જાણતા હતા અને તેને ત્રિષા વિશે પણ વધુ જાણકારી જોઈતી હતી, પરંતુ બોસના હાવભાવ તેને અત્યારે કંઈપણ બોલવાની મનાઈ ફરમાવતા હતા, આથી તે વિરાજને તેની ઈન્ફોરમેશન બધાને જણાવવા કહે છે.

વિરાજ તેને કર્નલ મોહમ્મદ કમર આરીફ તથા તેના ચાઈનાના ઇનપુટ દ્વારા મળેલી માહિતી બધાને જણાવે છે. વિરાજની વાત સાંભળી સૌપ્રથમ લેફ. જનરલ ગોપાલસ્વામી તેમનો મત રજૂ કરે છે. તેમના પ્રમાણે તેમના ડિપાર્ટમેન્ટ 'મિલિટરી ઈન્ટેલિજન્સ 'ને પણ કોઈ મોટુ હથિયાર તૈયાર થાય છે એવી બાતમી મળી છે,પણ એ હથિયાર શું હોય શકે તેની પાકી ખાતરી નથી. તે કોઈ મિસાઇલ, બોમ્બ, નવી ટેકનોલોજીનું ફાઈટર પ્લેન અથવા વધુ શક્તિશાળી પરમાણું બોમ્બ પણ હોય શકે. આથી તેમના મત પ્રમાણે એકવાર ઊંડાણથી તપાસ તો કરવી જ રહી.

પરંતુ રાણા કપુરના મત મુજબ તપાસમાં ખુબ જ ધ્યાન રાખવું જરૂરી હતું. તપાસ એકદમ ગુપ્તતા હેઠળ થવી જોઈએ, કેમકે જો કોઈને આ વાતની જરા સરખી પણ ગંદ આવી જાય તો બે દેશના સંબંધ બગડે અને ડિપ્લોમેટીક સ્તર પર મામલો સંભાળવામાં મુશ્કેલી પડે.

રાઘવનું ધ્યાન હજુ ત્રિષા પર જ હતું. તે વિચારતો હતો કે દેશની સુરક્ષાની એટલી મહત્વની મીટીંગમાં એક સામાન્ય વૈજ્ઞાનિકનું શું કામ? આમપણ તેનું મગજ ભાંગફોડ અને હથિયારોમાં જ વધારે ચાલતું, ડિપ્લોમેસીની ગોળગોળ વાતોનો તેને કંટાળો આવતો. તેનો એકજ નિયમ હતો 'પડશે એવા દેવાશે ' કોઈ બાબતમાં ઝાઝું અંદર ઉતરી ખોટી ખણખોદ નહીં કરવાની.

તે હજુ વિચારમાં જ હતો ત્યાં ત્રિષા તેને બડી મછલી અને છોટી મછલી શું છે? એના વિશે પૂછે છે, આથી તેને થોડો ગુસ્સો આવે છે, પરંતુ બોસ વચ્ચેથી જ મામલો સંભાળી લે છે.

બોસ ત્રિષાને કહે છે કે પોતાના કામથી કામ રાખવાનું અને તમને અહીં ફક્ત સલાહ લેવા બોલાવવામાં આવ્યા છે, તો કોઈ પૂછે ત્યારે જ બોલવાનું બાકીની વાતમાં માથું ન મારો એજ સારુ રહેશે.

ત્યારબાદ બોસ બધાને કહે છે કે તેમની જાણકારી મુજબ ચાઈનામાં હમણાં કોઈ નવો વાયરસ ફેલાયો છે અને કેટલીક ઇનપુટ્સ મુજબ એ ચાઇનાનું નવું બાયોલોજીકલ વેપન પણ હોય શકે. એ માટે જ મિસ ત્રિષા કપુર અહીં હાજર છે.

******

બોસ કોણ છે? શું તેઓ તપાસની પરમિશન આપશે? શું વાયરસ અને બાયોલોજીકલ વેપન વચ્ચે શું લિંક છે? જાણવા માટે વાંચતા રહો "અજાણ્યો શત્રુ ".

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.