અજાણ્યો શત્રુ - 1 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 1

પ્રસ્તાવના
નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મારે ઘણા સમયથી કંઈ લખવું હતું, પરંતુ શું લખું, ક્યાં વિષય પર લખુ તે સમજાતું નહોતું, પરંતુ કોરોના આવ્યા પછી થયું કે ચાલો કોરોના પર જ કોઈ વાર્તા લખું.

મિત્રો, નવલકથા લખવાનો મારો આ પહેલો અનુભવ છે, તો શક્ય છે ઘણીબધી ભૂલો અને ખામીઓ હશે. પરંતુ આપ સૌ વાચક મિત્રોનો સાથ હશે તો હું જરૂર ઉત્તમ રચના રચી શકીશ.

તો પ્રસ્તુત છે , મારી પહેલી નોવેલ

******************

"અજાણ્યો શત્રુ"

સાંજ ઢળી રહી હતી, જાન્યુઆરી મહિનામાં ઉત્તરથી આવતા ઠંડા પવનો ઠંડીમાં વધારો કરી રહ્યા હતા. હજુ તો છ જ વાગ્યા હતા, પરંતુ અંધારુ ઘેરાતુ જતું હતું. ચારેકોર નીરવ સન્નાટો વ્યાપેલો હતો. પક્ષીઓ માળામાં પુરાવા માંડ્યા હતા.

ભુજથી જખૌ તરફ જતો રસ્તો નિર્જન ભાસી રહ્યો હતો. આમપણ એ બાજુના વિસ્તારમાં વસ્તી ઓછી અને છૂટી છવાઈ હતી,અને શિયાળાની આ કાતિલ ઠંડીમાં હજુ સાંજ ઢળી નહતી, છતા રસ્તા પર લોકોની અવરજવર નહીંવત્ હતી.

રાઘવ પોતાની મોડીફાય કરાવેલી મહિન્દ્રા થારને 110 ની સ્પીડે ચલાવતો હતો,તેને આ ગાડી ખુબ જ ગમતી અને તેમાપણ મોડીફાય કર્યા પછી તેનો દેખાવ કંઇક અલગ જ આવતો. અને તેના કામ અને આ વિસ્તારના વાતાવરણ અને ભૂગોળ માટે તે બેસ્ટ જીપ હતી.

તેને જખૌ પહોંચવાની ઉતાવળ હતી, કેમ કે છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાં રહી તેને એટલું તો સમજાય ગયું હતું કે રાતની મુસાફરીમાં ઠંડીમાં ઠુઠવાવા કરતા ઘરમાં બેસવુ સારૂ, અને આમય આખા ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયા અને જખૌ વિસ્તારમાં જ પડતી, ક્યારેક તો તાપમાન 3-4 ડીગ્રી જેટલું નીચે ઉતરી જતું.

રાઘવ દર અઠવાડિયે એક વખત ભુજ આવતો. પોતાની જરૂરિયાતનો સામાન લેવા અને કંપનીનું નાનું મોટું પેપર વર્ક કરવા માટે. આજે પણ તે આજ સામાન્ય કામો પતાવવા માટે ભુજ આવ્યો હતો. તે હજી નલિયા પહોંચ્યો નહતો, ત્યાં એરફોર્સ સ્ટેશન પાસે તેની જીપમાં પંક્ચર પડયું. થોડીવાર તો તે કોઈ આવે તેની વાટમાં ઊભો રહ્યો, પરંતુ અત્યારે કોઈ આ બાજુ નીકળે એવું લાગતું નહોતું, અને આઠ વાગ્યા પહેલાં તેને ગમે તેમ કરીને પોતાની મંજિલ પર પહોંચવું હતું, જરૂરી હતું.

આખરે નાછૂટકે તેણે એક નંબર પર ફોન કર્યો અને બાઈક મંગાવી અને સાથે જ જણાવી દીધું કે બાઈક ફોર્સના કલરની (ભારતમાં વિવિધ ફોર્સ માટે તેમના ઓળખાણ સૂચક સ્પેશ્યલ રંગના વાહનો વપરાય છે. ) નહીં પરંતુ નોર્મલ હોવી જોઈએ અને પોતાની લોકેશન પણ જણાવી.

10-15 મિનિટમાં એક વ્યક્તિ તેની પાસે સામાન્ય એવી સ્પલેન્ડર બાઈક લઈને આવ્યો. રાઘવે પોતાનો જરૂરી સામાન જીપમાંથી લઈ પેલા વ્યક્તિને કહ્યું કે કાલ આજ સમયે તે બાઇક પરત આપી જશે, અને જીપ લઈ જશે. તે નહતો ઈચ્છતો કે તેના વિશે કોઈને વધારે જાણ થાય.

બરાબર સાતને પચાસ મિનિટે રાઘવ પોતાના ઠેકાણે પહોંચી ગયો. તેણે તરતજ રૂમમાં જઈ બારણું બંધ કર્યું અને પોતાના હેમ રેડિયો પર એક નિશ્ચિત ફ્રિકવન્સી સેટ કરી.

રેડિયો થોડીવારની ઘરઘરાટી પછી એકાએક શાંત થઈ ગયો અને સામે છેડેથી એક ભારેખમ અવાજ સંભળાયો, જેના પરથી લાગતું હતું કે સામેવાળી વ્યક્તિ અવાજ બદલીને વાત કરી રહ્યો છે.

"અસલામ વાલેકુમ ભાઈજાન, સબ ખૈરીયત.."
"વાલેકુમ અસલામ ગુલામ, યહા સબ ખૈરીયત સે હૈ, તુમ સુનાઓ.. "રાઘવ એ કહ્યું.
" યહા તો સબ ખૈરીયત હૈ, પર સુનને મેં આયા હૈ કી બડી મછલી કોઈ શિકાર પે નિકલી હૈ.. "

આ સાંભળી રાઘવ વિચારમાં પડી ગયો," હજુ બે દિવસ પહેલા જ ગુલામ અલી ખાઁ સાથે વાત થઈ હતી, ત્યારે તો તેણે કંઈ નહતું કહ્યું અને અચાનક આ મુસીબત ક્યાંથી આવી."

રાઘવ હજી વિચારી જ રહ્યા હતો ત્યાં રેડિયો પર ફરી ગુલામ બોલ્યો, "ભાઈજાન આપ ચિંતા મત કીજીએ, ચાર પાંચ દિન બાદ મૈં ચદ્દર ચઢાને આ રહા હૂં, અબ વહી મુલાકાત હોગી." આમ કહી ગુલામ અલી ખાઁએ રેડિયો પરનો સંપર્ક તોડી નાખ્યો.

રાઘવ હજુપણ વિચારી રહ્યો હતો, " નાની માછલીનો તો વાંધો નહીં પરંતુ મોટી માછલી પકડવી અઘરી છે.અને ગુલામ અલી રેડિયો પર વાત કરવાની જગ્યાએ જોખમ લઈ રૂબરૂ આવે છે, તો વાત જરૂર કંઈ મોટી હશે,નહીંતર તે રૂબરૂ આવે નહીં અને એ પણ આટલી જલ્દી. "

આમને આમ વિચાર કરવામાં અડધી કલાક વિતી ગઈ.
તેને કકડીને ભુખ લાગી હતી, અને ગુલામ અલી ન આવે ત્યાં સુધી તેને કંઈપણ જાણવા પણ નહોતું મળવાનું. આથી રાઘવ પોતાની સાથે લાવેલા ઈન્સ્ટન્ટ ફુડના પેકેટ તોડ્યા અને ભોજનની તૈયારી આરંભી.

**********

ગુલામ અલીએ રાઘવ સાથે વાત કર્યા બાદ એક કોલ જોડ્યો અને બે દિવસ પછી લાઈવ પાર્સલ ઈન્ડિયા મોકલવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. જોકે આ કામ તેના માટે કોઈ મુશ્કેલ નહતું પણ તે કોઈ જોખમ લેવા નહતો ઈચ્છતો.

તેણે અત્યારથી જ જવાની તૈયારી આરંભી દીધી, તે ફકત જરૂરી સામાન સાથે લઈ જવા ઇચ્છતો હતો,તેને ખબર હતી કે પાછુ આ કદાચ આ જગ્યાએ અવાય કે ન અવાય આથી બાકીનો સામાન અને વસ્તુઓ ઠેકાણે પાડવામાં તે વ્યસ્ત બની ગયો.

ખરેખર તો તે આવ્યો ત્યારે તેને આ જગ્યા પ્રત્યે નફરત હતી, પણ હવે છોડવાનું મન નહતું થતું. એમાય આસિફા મળી પછી તો તેણે મન બનાવી લીધું હતું કે હવે અહીંયા જ વસી જશે. પણ પેલી કહેવત છે ને કે "ન જાણ્યું જનકીનાથે કાલે સવારે શું થવાનું. "

ગુલામ અલીને એવી વાતની ખબર પડી હતી કે જો કોઈ જાણી જાય તો તે બે ઘડી પણ જીવતો રહેવા ન પામે. આથી જ તેણે રાઘવ સાથે વાત કરી અને પછી આ સ્થળ હંમેશા માટે છોડવાનો નિર્ણય કરી લીધો.

હા, આસિફાની યાદ આવતા જ એકવાર મનમાં થયું કે નથી જવું પાછું અથવા કામ પતાવી પાછો આવતો રહીશ, પરંતુ તે જાણતો હતો આ ફક્ત તેના ખ્યાલ હતા, હકીકતમાં તે શક્ય નહોતું. એકવાર આ સ્થળ છોડ્યા પછી જીવનભર તેના માટે અહીં પાછા આવવું અશક્ય હતું.

તેને એ પણ વિચાર આવ્યો કે આસિફાને પણ પોતાની સાથે લઈ જાય, પરંતુ તેમા જોખમ પારાવાર હતું અને સૌથી મોટો ખતરો તો જાનનો હતો. તે જે સંજોગોમાં જઈ રહ્યો હતો તેમા કદાચ તે જીવીત પોતાની મંજિલ પર પહોંચવા પણ ન પામે. અને તે કદાચ પહોંચી જાય પરંતુ આસિફાને કંઈ થઈ ગયું તો. આ વિચારે જ તેના શરીરમાં કંપારી છુટી ગઈ.

પરંતુ તે આસિફાને અંધારામાં રાખવા નહતો માંગતો, પણ તે જાણતો હતો કે જો આસિફાને ખબર પડશે તો તે ચોક્કસ તેની સાથે આવવાની જીદ કરશે. આથી
આખરે તેણે આખરી નિર્ણય લઈ લીધો કે આસિફાને કંઈપણ કહયા વગર જ જતાં રહેવું અને કાલે પણ જ્યારે તે મળે તેને આ વાતની કોઈ અણસાર ન આવવા દેવી.

************

સ્થળ:- કોલકાતાનું દમદમ એરપોર્ટ

મિલી ઉર્ફે મિલીના રંગનાથન, કાળા ભમ્મર કેશ, સપ્રમાણ શરીર અને ગોરી પણ નહીં ને ઘંઉવર્ણી પણ નહીં એવી તામ્રવર્ણી ત્વચા અને ચેહરા પર રમતું નિર્દોષ હાસ્ય, પ્રથમ જ નજરે કોઈને પણ ગમી જાય. પરંતુ આજે તે થોડી બેચેન હતી. પ્લેનના ટેકઓફ વખતે તેને ડર લાગતો અને એટલે જ તે થોડી બેચેન હતી.

મિલી એક મેડિકલની સ્ટુડન્ટ હતી અને બેચલર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ વધુ રીસર્ચ માટે ચાઈના જઈ રહી હતી. તેના પિતા એક સાઉથ ઈન્ડિયન તથા માતા બંગાળી હતા. અને આજે કોલકાતા મિલી, ચાઈના જતા પહેલા તેમને મળવા જ આવી હતી.

આમ તો મિલીને રિસર્ચ માટે અમેરિકા જવું હતું, પરંતુ તેના પ્રોફેસર એ તેને ચાઈના ચાલતા આ નવા સંશોધનમાં જોડાવાની સલાહ આપી અને આમેય સંશોધન અમેરિકાની યુનિવર્સિટીના અંડરમાં જ થવાનું હતું. પ્રોફેસરના કહ્યા મુજબ આથી મિલીને ચીન અને અમેરિકા બન્નેના લોકો અને રિસર્ચ સાથે કામ કરવાની તક મળશે.

મિલીને પણ આ વાત યોગ્ય લાગી, તેથી તે આ રિસર્ચમાં જૂનિયર અસિસ્ટન્ટ તરીકે જોડાઈ.મિલીનું સપનું મેડિકલ ક્ષેત્રે પોતાનું નામ કરાવવાનું હતું, પહેલા તે સર્જન બનવા માંગતી હતી. પરંતુ કોલેજના ફાઈનલ યરમાં તેણે રિસર્ચ ક્ષેત્રે જવાનું નક્કી કર્યું.

આજે તેની ચાઈના જવા માટેની ફ્લાઈટ હતી, પરંતુ તેનુ મન ખુબ જ અશાંત હતું, પહેલા પણ પ્લેનના ટેકઓફ વખતે તેને આવું થતું, પરંતુ આજે કંઈક અલગ જ ભાવ હતો, જાણે મનમાં તેને કોઈ ચીન જવાની ના પાડી રહ્યું હતું. પણ દરેક વખતે આવુ થાય છે એમ માની મિલીએ એ તરફ બહુ ધ્યાન ન આપ્યું.

****

આ છોટી મછલી અને બડી મછલી કોણ હતું? ગુલામ અલી ખાૅં કોણ હતો? ક્યાં હતો? એવી શું વાત હતી કે તે રૂબરૂ જ જણાવા ઈચ્છાતો હતો? મિલી કેમ બેચેન હતી? જાણવા માટે આગળના ભાગનો ઈંન્તજાર કરો.

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિન્દ.