હું મોટેભાગે નિર્જીવ રહેતો. સાવ પથ્થર જેવો. પણ જ્યારે સ્ટેજ પર આવતો ત્યારે મારા અભીનય અને ડાયલોગમાં લાગણીઓ નદીના પાણીની જેમ વહેવા લાગતી. બસ એ ક્ષણો પુરતી મારા પથ્થર દિલ પર સંવેદનશીલતા કબ્જો લઇ લેતી. હું ફકત આર્ટિસ્ટ નહોતો. હાર્ટિસ્ટ હતો. ક્રિએટિવ હાર્ટિસ્ટ. મારી અદાકારી પર દુનિયા ફિદા હતી. મારા અભિનયના ઓજસથી હું સહુ કોઈ મંત્રમુગ્ધ હતાં. હું જાણે ઈશ્વરમાં એકાકાર થતો હોય તેમ પાત્રમાં ખૂંપી જતો. મારું સમગ્ર પાગલપન પાત્રોમાં નિચોવાય જતું. જે મનેને નોર્મલ રહેવામાં મદદ કરતું.
ACC..... આર્ટ ક્રિએશન કેમ્પસ. રાજકોટના બીજા રીંગરોડ પર ૫૦ એકરમાં આકાર પામેલો કલાસાધકો માટેનો આધુનિક રંગમંચ. કેમ્પસમાં આવેલું 'ઝવેરચંદ મેઘાણી' ઓડીટોરીયમ તેની ડિઝાઇન, સાઉન્ડ, સીટીંગ અને વિશાળ સ્ટેજ ની અવનવી ખૂબીઓને લીધે વિશ્વકક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું હતું. તેમાં કલાને જોવાનો કે માણવાનો અનુભવ તે વ્યક્તી માટે યાદગાર બની જતો. આ ઓડિટોરિયમમાં પર્ફોમન્સ આપવું એ દરેક કલાકાર માટે ગૌરવની વાત બનતી જતી હતી. દેશના અને વિશ્વના અમુક પ્રસિદ્ધ નાટકો અહીં ભજવાઈ રહ્યા હતાં. નજર સામે રહેલા કેમ્પસની ભવ્યતા જોઇને મારી આંખો અંજાઇ ગઇ હતી. આંખોમાં તેની અંદરનો કલાકાર ધીમે ધીમે જીવંત થઇ રહ્યો હતો. 15 ઓગસ્ટની રાત્રીએ હજારો લોકોની મેદની આ ઓડિટોરિયમમાં મારી રાહ જોઈ રહી હશે. કેવી યાદગાર અને શાનદાર હશે એ સ્વાતંત્ર્ય દિનની રાત ! મારું એક સપનું સાકાર થવા જઈ રહ્યું હતું. પાર્કિંગ માટે વાગતાં ગાડીના હોર્નથી મારી સપનાની યાત્રા અટકી. મારી ઈચ્છા હજુ આ બિલ્ડીંગને મન ભરીને પી લેવાની હતી. પણ મારી પાસે આ માટે હજુ ઘણો સમય હતો.
મેં હવે હોટલ તરફ ચાલવાનું શરુ કર્યું. રસ્તામાં મારી વિચારયાત્રા ચાલુ જ હતી. આમ તો મેં ઘણા પ્રખ્યાત નાટકોમાં ચેલેન્જીગ કહી શકાય તેવા પાત્રો ભજવી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી હતી. હવે હું નાટ્ય કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર બિરાજવાની શરુઆત આ નાટકથી કારવાનો હતો. મારા આ ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મેં કેટલાય પ્રતિષ્ઠીત પ્રોડક્શન હાઉસની ફિલ્મોની ઓફરો નકારી દીધી હતી. હું મોનો એક્ટની દુનિયામાં વિક્રમ સર્જવા જઇ રહ્યો હતો. મારા દ્રારા જ લિખિત, અભિનીત અને દિર્ગદર્શીત નાટક " કાઠીયાવાડી કાનુડો"માં હું રેકોર્ડબ્રેક 24 પાત્રો ભજવવા જઇ રહ્યો હતો. આ નાટકના શુભારંભ માટે મેં રાજકોટ પર કળશ ઢોળ્યો હતો. આખા શહેરમાં પોસ્ટર લાગી ચુક્યા હતાં. નાટકના કેટલાંય ખેરખાંઓ આ નાટકના ફર્સ્ટ શો આતુરતાથી રાહ જોઈ રહયા હતાં.
કેમ્પસની સાવ નજીકમાં રહેલી થ્રી-સ્ટાર હોટેલ 'આયના મહેલ' મને આવકારી રહી હતી. રીસેપ્શનીસ્ટે "ગુડ આફ્ટરનુન સર" કહી મારું સ્વાગત કર્યું. મેં આછું મલકાઇ તેનો પ્રત્યુતર આપ્યો. મને આજ અજબની ઉદાસી ઘેરી વળી હતી. જ્યારે હું સપના જોતો ત્યારે મને ઘણીવાર આવું થતું. મને મારા રજવાડી સ્યુટમાં પહોંવાની ઉતાવળ હતી. અંદર દાખલ થતાં હું તરત જ ખભા પરની બેગનો ઘા કરી બેડ પર ઢગલો થઈ ગયો.
મને મારી એક્ટીંગ સ્કીલ પર અભિમાન હતું. આથી જ બધાની નજરોમાં અશક્ય લાગતી ચેલેન્જને મેં સ્વીકારી હતી. જે પુરી કરવી મારા માટે ડાબા હાથનો ખેલ હતો. મને હવે ખુદના એક્ટીંગ ઇગોને હરાવવાની ચળ ઉપડી હતી. પણ શા માટે ? મારી પાસે કોઈ જવાબ નહોતો. કાલ રાતથી આ જ ગડમથલ મગજ પર કબ્જો જમાવી બેઠી હતી. નાનપણથી મેં વાસ્તવિકતામાં પણ અભિનય જ કર્યો હતો. મારે જીવતાં રહેવા માટે આ એકમાત્ર વિકલ્પ હતો. એટલા માટે હું કયારેક બંને વચ્ચે સંતુલન રાખી નહોતો શકતો.
રેવાને હું કેટલુંય કરવા છતાં ભુલી શકતો નહોતો. તેની સાહજીકતામાં ગજબનું આકર્ષણ હતું. આ સંમોહનને લીધે ક્યારેક હું ખુદને તેના પ્રેમમાં પડતાં રોકી શકતો નહોતો. રેવાના સંપર્કમાં આવતાં જ મારી એક્ટીગના તમામ મહોરા ભસ્મીભુત થઇ જતાં. અને હું વાસ્તવિકતામાં જીવવા મજબુર બની જતો. મારી સાથે ડેટીંગ કે વન નાઇટ સ્ટેન્ડીંગ માટે અસંખ્ય રુપસુંદરીઓ પાગલ રહેતી. હા હું એ બધું પણ કરતો ફક્ત મારી જરુરીયાત અને કલાકારીનો અહમ સંતોષવા માટે. મારા પ્રેમને જીરવી શકે એવી છોકરી હજુ સુધી મને મળી નહોતી. રેવામાં મને આ લાયકાત દેખાતી હતી એટલે જ હું તેની પાછળ પાગલ બન્યો હતો.
રેવાના સ્વંયવરમાં આજ રાતથી શરુ થતી સફરથી અંત સુધીમાં ક્યારે, ક્યા રોલ ક્યારે અદા કરવાના છે તેનો સંપુર્ણ પ્લાન મારી પાસે તૈયાર હતો. દરેક નવા પાત્ર માટે મારી પાસે ચોક્કસ કારણો પણ હતી. અભિનયની દુનિયામાં એટલે જ હું' મી.પરફેક્ટ તરીકે ઓળખાતો. રેવા સાથેના લગ્ન સુધી આવનારા અવરોધો અને તેને દુર કરવાની તરકીબો પણ મેં વિચારી લીધી હતી. છતાં ક્યાંય કશુંક ખુટતું હોય તેવું લાગતું હતું.
મારા માટે રેવાને પ્રેમમાં પાડવી એ સાવ રમત વાત હતી. પણ હું રેવાને મારા પ્રેમનો કદી ના ઉતરે તેવો નશો કરાવવા માંગતો હતો. મારા નશામાં ચકનાચુર થઇને કેટલીય છોકરીઓ પોતાને બરબાદ કરી ચુકી હતી. હું ગર્લ્સ, રોમાન્સ ને પ્રેમ અંગેના નિયમો સારી રીતે જાણતો હતો. હું 'ગોડ ઓફ લવ' તરીકે મશહૂર હતો. મારા માટે સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ હતો કે 'રેવાની પ્રેમની પાટી સાવ કોરી હતી.' રેવાની વિવિધ છોકરાઓ સાથે સતત ચાલતી ડેટીંગને જોતાં આ વાત જ સૌથી મોટો માઇનસ પોઇન્ટ પણ બની શકે તેમ હતી.
હું સુતાં સુતાં ફરીથી પ્લાન મગજમાં રીવાઇન્ડ કરવાં માંડ્યો. આમ તો પ્લાન ફુલપ્રુફ હતો. સુલતાનના જાસુસી અનુભવો કે રાજવીર દિવાનની ચાલાકી અહીયાં કોઇ રીતે કામ લાગે તેમ નહોતી. તે બંને મારો ઉપયોગ કરવા માંગતા હતાં. તેમને ક્યાં ખબર હતી હું તેમનો ઉપયોગ કરી મારી મંઝિલ તરફ આગળ વધી રહ્યો હતો. ફરીથી હું મીસીંગ મેટર શોધવા મંડી પડ્યો.
એક વખત..... બે વખત...... ત્રણ... ..ચાર... ઓહ નો !! અચાનક તેના મગજમાં ઝબકારો થયો..... ફરીથી પ્લાનની કેસેટને રિવર્સ ગીયરમાં લઇ ગયો.... ના આવું ના હોય ..... આ બની જ ના શકે....?? મારા મનમાં પ્રશ્નો અને અચરજનીની હારમાળાઓ સર્જાઇ રહી હતી... મારાથી આવડી મોટી ચુક થઇ જ ના શકે ?? પણ શા માટે મમ્મી ? આ બધું શા માટે ??
મેં બેગમાંથી પ્લાનના કાગળીયા કાઢી ફાડી નાખ્યા. હું જોરજોરથી રાડો પાડી રડવા માંડ્યો. મોમ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને જો વાત સાચી પડશે તો યાદ રાખજે તારે આની બહુ મોટી કીંમત ચુકવવી પડશે. પછી ભલે ને તું મારી મા હોય. આ મંત્ર પોતાનો બદલો જરુર લેશે. પરન્તુ મારા કંઈક એથીક્સ છે જેની સાથે હું કયારેય સમાધાન નહીં કરું.
હું ફાટી પડ્યો હતો. મારા ગોઠણેથી વળેલા બે પગની વચ્ચે રહેલી આંખોમાંથી આંસુરુપે લાગણીઓ વહી રહી હતી. ફરીથી હું નિર્જીવ બની રહ્યો હતો. પહેલાં હતો તેવો જ બીલકુલ પથ્થર જેવો. કદાચ આ એકલતા જ મારી ઓળખ અને જિંદગી હતી.
પણ શા માટે ? હું તેનો જવાબ શોધી રહ્યો હતો. પણ હવે એ જવાબો કરતાં સવાલો ઉભા થવાનું કારણ શોધવું મહત્વનું બનતું જતું હતું .....
* * * * * * * * * * * * *
શહેરની રેલ્વે લાઇન પાસેની ઝૂંપડપટ્ટીઓ રાત્રીના ત્રણ વાગે ઉંઘી રહી હતી. પરન્તું બુકાનીમાં છુપાયેલી બે આંખોની સતેજ નજર કંઈ શોધતી શોધતી રેલ્વેના પાટા સાવચેતીથી આગળ વધી રહી હતી. થોડે દૂર છેલ્લી ઝૂંપડીમાં ફાનસનું અજવાળું દેખાતું હતું. જે તેની તપાસમાં ઉજાસ લાવવાની આખરી આશા હતી.. તેનું એક- એક પગલું ગણતરીપુર્વક મંડાઇ રહ્યું હતું. બસ હવે મંઝીલ થોડી જ દુર હતી. તેને કેસનો પહેલો બ્રેક થ્રુ મળવા જઈ રહ્યો હતો. આ જગ્યાની રેકી પોતે અગાઉ કરી લીધી હતી. ત્યાં જ અચાનક સન્નાટાને ચીરતો કેટલાંક લોકોનો દોડવાનો અવાજ સંભળાવા લાગ્યો. મનમાં કંઇ અજુગતુ બન્યાનો અંદેશો ઉદભવ્યો. આ બુકાનીધારી ઝડપથી દોડી નીયત જગ્યા પર પહોંચી.
પણ આ શું અધખુલ્લી ઝુપડીમાંથી તાજું લોહી ઝડપથી વહી રહ્યુ હતું. કદાચ પોતાની આખરી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. ઝુંપડીમાં રહેલા વૃધ્ધને નિર્દયતાથી મારવામાં તેમને કશું બાકી રાખ્યું નહોતું.
પોતાના ચહેરા પર બાંધેલું કપડું ખોલી સાગરિકા બોલી." સુલતાન અેન્ડ રાજવીર તમારાથી થાય એ કરી લો. ડીપી ગ્રુપની સફળતાનું રાઝ તમે ઢાળેલી લાશો પાસેથી જ ના બોલાવું તો મારું નામ પણ સાગરિકા નહી."
પેલી લાશનાં બહાર નીકળેલા ડોળા પર હાથ ફેરવી તેની આંખો બંધ કરી. લાશના થોડા ફોટોગ્રાફસ્ લીધા. ધ્યાનથી નિરીક્ષણ કર્યું. પોતાના જીન્સના ખિસ્સામાં રહેલો ફોટો બહાર કાઢ્યો. આપેલું સરનામું બરાબર હતું પણ મરનાર વ્યક્તિ બીજી કોઈ હતી. પોતાની આશા હજુ જીવંત છે એવી આશા ફરીથી જાગી. તો મરનાર વ્યક્તિ કોણ હશે ? મને મળવા બોલાવનાર કોણ હશે ? તેના શ્વાસમાં ભરાતી હવા આજુબાજુ જ કોઇ સુરાગ હોવાના સંકેત આપી રહી હતી. દૂરથી આવી રહેલી ટ્રેનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે સુરાગોની ફરીથી જેમ આવી હતી તેમ ફરીથી અંધકારમાં ઓગળી ગઇ.