કેરેલા કોલિંગ Atul Gala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેરેલા કોલિંગ

ઘણાં ને પગ માં ભમરી હોય છે. કોઈ એક જગ્યાએ ટકે જ નહીં બસ ફરવા માટે બહાનું જોઈતું હોય છે. અને સદનસીબે ભગવાને મને પણ ભમરી આપી છે અને મોકા પણ મળતાં રહે છે.
મારા નાના મામા જયંતીભાઈ (બગડાવાલા) રૂપલ ટુર જે કેરળ ટુર નું આયોજન કરે છે એક સવારે એમનો ફોન આવ્યો ચાલ ભાણીયા કેરળ જવું હોય તો ૨૨ જુલાઈ નાં તૈયાર રહેજે સાંભળી ને મન થનગનવા લાગ્યું જાણે કોઈ કીમતી લોટરી લાગી ગઈ.
જરાય આનાકાની કર્યા વગર બંદા તો તૈયાર થઈ ગયા જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો.
કેરળ વિશે ઘણું સાંભળ્યું હતું એને God's own country કહેવાય છે. ભગવાન ની પોતાની ભૂમિ એને નજરે જોવાનો મોકો.
કેટલાંય દિવસો ના ઈંતેજાર પછી આખરે એ દિવસ આવી ગયો. પેકીંગ તો ૪ દિવસ પહેલા થી જ ચાલુ કરી દીધી હતી જોકે ખાલી કપડાં જ લેવાનાં હતા બાકી બધું ટુર માં સામેલ હતું.
૨૨.૦૭.૨૦૧૩
કેરળ કેવું હશે,શું જોવા મળસે ની ઉત્કંઠા,રોમાંચ સાથે બપોરે વરસાદનાં ઝીણાં ઝીણાં ફોરા સાથે મનગમતા ભીનાં અષાઢી માહોલ વચ્ચે ૦૩.૦૦ વાગે ઘરે થી રિક્શા દ્વારા કુર્લા ટર્મિનલ જવા રવાનો થયો.
૦૪.૩૦ વાગે કુર્લા પહોંચી A/C 3 tier ટ્રેન નં ૧૨૨૦૧ ગરીબરથ માં સીટ પર કબજો જમાવ્યો. નસીબજોગે મારી મનગમતી સાઈડ વિંડો વાળી સીટ મળી હતી.
૦૫.૦૦ વાગે ટ્રેન ની વ્હીસલ કર્કશ નહીં પણ મોરનાં ટહુકાં જેવી લાગી મન મોર બની થનગનાટ કરવા લાગ્યું. ધીમા ઝાટકા સાથે ટ્રેન અમારા ગંતવ્ય સ્થળ એરનાકુલમ તરફ રવાના થઈ. ટ્રેને પણ જાણે મારા મનની વાત સાંભળી લીધી હોય અને મુંબઈ ની ભીડ થી દૂર થવા માંગતી હોય એમ ઝડપભેર દોડતી દોડતી મહાનગરની સરહદ વટાવી દીધી.મુસાફરી નો રૂટ કોંકણ રેલ્વે હતો
જાણે કોઈક બીજીજ દુનિયા માં આવી ગયા ના અનુભવ સાથે અપલક પણે બારી બહાર ની હરીયાળી જોતો રહ્યો.
વાદળો વચ્ચે સૂરજ પોતાની હાજરી પુરાવા મથામણ કરતો રહ્યો પણ તરતજ કાળા ઘનધોર વાદળો ના ટોળાએ ભેગાં થઈ સૂરજ ને પશ્ચિમમાં ધકેલી રાત સાથે મુલાકાત કરાવી દીધી.
કમને બારીમાંથી અંદર નજર ફેરવી લંચબોક્ષ માં ગોઠવાયેલા થેપલા,દહીં,કચોરી,લાડવા ને નાની જેલમાંથી છોડાવી મોટી જેલ (પેટ) માં કેદ કર્યા. નજર અને પેટ ધરાઈ ગયાં એટલે નિંદ્રારાણી એ શરીર પર ક્યારે કબજો જમાવ્યો ખબર જ ના પડી. એરકંડીશન્ડ ની ઠંડક માં કંબલ લપેટી શરીર લંબાવ્યું.
૨૩.૦૭.૨૦૧૩
સવારે ૦૭.૦૦ વાગે આંખો ખુલી બીજી કોઈ પરીસ્થિતિ હોત તો કંબલ ઓઢી ને સીટ ઉપર આળોટ્યા કરત પણ બારી બહાર નજર પડતાં જ જાણે કુદરતે સંમોહન કર્યું હોય એમ પુતળા થઈ ગયા.
હમણાં જ પડેલા વરસાદનાં ઝાપટાંમાં ન્હાઈ ને વનરાજી ખીલી ઉઠી હતી પૂર્વ માંથી ઊગતા સૂરજ નાં કુણા તડકામાં પાંડદા પર પાણીનાં ટીપાં મોતી ની માળા સમાન ચમકી રહ્યા હતા.
ચોતરફ હરીયાળી,વસુંધરા ના શરીર પર ગાલીચો પાથર્યો હોય એવા ડાંગર ના ખેતરો,ડુંગર પર છવાયેલું ધુમ્મસ,પથ્થરનું હ્રદય ચીરી ને ધસમસતા ધોધ નાં પાણી રસ્તો કરી ઝરણાં મા પરિવર્તન પામી નદીનું સ્થાન લેતા હતા.પર્વત ચીરી બનાવેલા અગણિત બોગદાં,ઉંડી ખીણપર બનાવેલા પૂલ પરથી સરકતી ટ્રેન જાણે સપનાં ની નગરીમાં સફર કરાવતી હતી.
ઉઠવાનું મન નહતું થતું પણ ચા નાસ્તા ની યાદે ઝડપથી ફ્રેશ થવા મજબૂર કર્યાં.
બ્રશ કરી ગરમાગરમ ચા સાથે રાતના વધેલા થેપલા, ખાખરા, ચવાણું સાથે લાડવા.બહાર નો મનમોહક નજારો અને સાથે ચા નાસ્તો વાહ મજા પડી ગઇ.
સવારનો નાસ્તો પતાવીને કોચમાં મુસાફરી કરતા ૪૦ હમસફરો સાથે ઓળખાણ અને દોસ્તી કરી પગ છૂટો કરવા દરવાજા પાસે ગયો.
તાજીઠંડી વાળ સાથે રમતી લહેરાતી હવા ફેફસાં માં ભરી,પોતાની મરજીથી મનમાની કરી વરસતા,બંધ થતા વરસાદને હથેળીમાં ઝીલી મન પ્રફુલ્લિત થઈ ગયું. અચાનક પેટે ભૂખની એલાર્મ વગાડી ત્યારે ખબર પડી કે બપોરનો ૧૨.૦૦ વાગી ગયા હતા કલીકટ (નવું નામ કોઝીકોડ) સ્ટેશન થી ગરમાગરમ લંચબોક્ષ આવ્યા અને શાક,રોટલી,દાળ,ભાત નું જમણ કરી બહાર નજારા ની લાલચ છોડી સીટ પર લંબાવ્યું.
બપોરે ચા પીને પાછો દરવાજા પર ચીટકવાની લાલસા ના રોકી શક્યો હવે મુકામ નજીક છે એની સાક્ષી પુરાવતા આકાશ ને આંબતા સોપારી,નારીયેળી નાં વૃક્ષોના ઝુંડો જાણે હવામાં લળી લળીને વેલકમ ટુ કેરાલા કહેતા હતા.ઠેર ઠેર નિર્મળ પાણીથી ભરેલી નદીઓ સમુદ્ર માં સમાવવા પહેલા પગ પખાળવા આમંત્રણ આપી રહી હતી. ટ્રેન ની પશ્ચીમે સમાંતર નીલવર્ણા પાણી અને સોનેરી રેતીથી શોભતો સમુદ્ર પોતાની હાજરી પુરાવી રહ્યો હતો. રસ્તામાં પૂર્વ તરફ કોચીન એરપોર્ટ દેખાય છે. એની ખાસિયત એટલે રેલ્વે પાટા ની સમાંતરે નજર પહોંચે ત્યાં સુધી પાથરેલા સોલાર પેનલ એશિયા નું પહેલું એરપોર્ટ જેનું સંપૂર્ણ સંચાલન સૌર ઉર્જા થી થાય છે.
૩.૦૦ વાગે એરનાકુલમ સીટી આવ્યું બધાં ઉતર્યા. જાણે અમારું સ્વાગત કરતો હોય એમ વરસાદ તુટી પડ્યો એક શેડ નીચે બધા ઉભા રહ્યા. અમને ખાલી ડરાવવા આવ્યો હોય અને અમને ટેન્શન માં જોઈ પોતાની જીત થઈ હોય એવા ઠસ્સા સાથે ૫ મિનિટ માં વિદાય થયો.હાશકારા સાથે બધા એરકંડીશન્ડ બસ માં બેસી હોટલ તરફ રવાના થયા. ત્યાં પહેલેથી જ અમારા રસોઈની જવાબદારી સંભાળતા માણસો પહોંચી ગયા હતા. અમારા માટે ગરમાગરમ ચા તથા બિસ્કીટ રાહ જોઈ રહ્યા હતા.
ચા પીને ફાળવેલા રૂમમાં એડજસ્ટ થયાં.
કેરળ દક્ષિણ ભારતની મલાબાર દરિયાકાંઠા પર વસેલું એક રાજ્ય છે. તે ૧ નવેમ્બર ૧૯૫૬ ના રોજ મલયાલમ ભાષા વિસ્તારોનાં પુનર્ગઠન અધિનિયમને આધારે રચના કરવામાં આવી હતી.તે ૩૮,૮૬૩ કિલોમીટર માં ફેલાયેલ છે,દરિયાકિનારો ૫૯૫ કિ.મી.છે,તે ઉત્તર અને ઉત્તરપૂર્વમાં કર્ણાટકમાં, પૂર્વ અને દક્ષિણમાં તમિલનાડુ અને પશ્ચિમમાં લક્ષદ્વીપ સમુદ્ર છે.કેરળ તેરમું સૌથી મોટું ભારતીય રાજ્ય છે. તેની રાજધાની તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) છે. ૧૪ જિલ્લાઓમાં વહેંચાયેલું છે,મલયાલમ સૌથી વધુ વ્યાપક બોલાતી ભાષા છે અને રાજ્યની સત્તાવાર ભાષા પણ છે.સૌથી વધુ સાક્ષરતા દર સૌથી વધુ આયુષ્ય ૭૭ વર્ષ અને ૧,૦૦૦ પુરુષો દીઠ ૧૦૮૪ સ્ત્રીઓ ધરાવે છે.
લખલૂટ કુદરતી સૌંદર્ય, બેશુમાર હરિયાળી, જંગલ, હિલસ્ટેશન, બીચ, વોટરફોલ, ભરપૂર વૈવિધ્યસભર ચર્ચ, ત્રિવેન્દ્રમને બાદ કરતાં ખૂબ જ ઓછાં જોવાં મળતાં મંદિર, ટી ગાર્ડન, સ્પાઈસ ગાર્ડન, અઢળક લોટરીની દુકાનો, ગોલ્ડ, ગ્રીન ટી, નારિયેળ પાણી, કેળા, ફણસ, કેળાની વેફર્સ, હોમમેડ ચોકલેટ, હાઉસબોટ, નૌકાવિહાર, કુદરતી વાતાવરણમાં જોવાં મળતાં વન્ય જીવો અને પક્ષીઓ, એલીફન્ટ રાઈડ, આયુર્વેદિક મસાજ, કલારી અને કથકલી શો, ચારેતરફ જોવાં મળતાં મલયાલમ ફિલ્મનાં પોસ્ટર, ફોરેન ટુરિસ્ટ, KSRTC ની કાચ વગરની ખુલ્લી બારીઓવાળી બસ, ઢળતાં છાપરાંવાળા મકાનો, ઈંગ્લિશનું પ્રભુત્વ, ભાંગ્યું-તૂટ્યું હિન્દી, સિલ્ક સાડીઓ, લૂંગી, બ્લેક બ્યુટી વિથ લોંગ હેર.
ફ્રેશ થઈ સામે આવેલ શોપીંગ મોલ મા આંટો મારવા ગયા.અંદર થી સામેબાજુ નાં ગેટમાંથી બહાર નીકળી મરીન ડ્રાઇવ જોયું .
અજાણ્યા શહેરમાં રાતના ઓળા ઉતરે એ પહેલાં હોટલમાં પહોંચી જવું મુનાસીબ માન્યું.
૦૮.૦૦ વાગતાં પેટ પોતાનું ભાડું ભરવા દબાણ કરવા લાગ્યું. જાણે મહારાજ ને પહેલે થી જખબર હતી એટલે જમવા પધારવા વિનંતી કરી. કેપેસિટી કરતાં વધારે ખવાઈ જતાં નજર ની સામે એરકંડીશન્ડ રૂમનો બેડ તરવરવા લાગ્યો પણ આયોજકે રાત્રે સુતી વખતે કેસર બદામ વાળુ મસાલા દૂધ મોકલ્યું એની મજા લીધા પછી સેની વાર બેડ પર ધબાય નમઃ.
૨૪.૦૭.૨૦૧૩
સવારનાં ૦૬.૦૦ વાગે પથારી માં બેડ ટી ની લિજ્જત માણતાં
બારીમાંથી નજર કરી વરૂણદેવ હાજર હતા થોડા ટેન્શન માં પ્રાતકર્મ થી પરવારી ડાઈનીંગ માં બ્રેકફાસ્ટ કરવાં ગયા.
ચા નાસ્તા ની ચુસ્કી મારતા કોચીન સાઈટ સીન કરવાની ઈચ્છા સાથે બહાર આવ્યા. અહો આશ્ચર્યમ વરૂણદેવ ને રજા આપી સૂરજ દેવતા રોશની પ્રસરાવી રહ્યા હતા. ફટાફટ બસ માં કાંઈક નવું જોવાની ઉત્કંઠા સાથે ગોઠવાઈ ગયા.
અને ચાલુ થઈ ગયો નવો જ અનુભવ આપતો એક અવિસ્મરણીય પ્રવાસ.
એક જમાનામાં નાળીયેર,મરી,મસાલા,અને બીજા તેજાના ની નીર્યાત થી ધમધમતો અને જાહોજલાલી ધરાવતો એશિયા નો મુખ્ય કોચીન બંદર અને હમણાં નાં આકાશને આંબતા બહુમાળી મકાનો,શોપીંગ મોલ,મેટ્રો ટ્રેન નાં ચાલતા કામ વચ્ચે ટ્રાફિક થી ઘેરાયેલા આધુનિક શહેર કોચીન થી દરિયા ની ખાડીપર બાંધેલો પુલ પસાર કરી સામેબાજુ નાં જુના કોચીન તરફ પ્રયાણ કર્યું.
પુલ ની સમાંતરે બીજા પુલની કરામત જોઈ છક્ક થઈ જવાયું મોટી મોટી સ્ટીમરો આવે ત્યારે એ પુલ વચ્ચે થી ખુલી જાય અને જહાજ ને જવા રસ્તો કરી આપે.
બસમાંથી કોચીન શીપયાર્ડ, ઈંડિયન નેવી નું મથક જોતા અમે આવી પહોંચ્યા જુના કોચીન માં.આધુનિક કોચીન થી વિપરીત
નાના પણ સ્વચ્છ રસ્તા ગંદકી નું નામોનિશાન નહીં રસ્તાની બંને બાજુ પોર્ટુગલ બાંધણીની છાંટ ઘરાવતા મકાનો અને જુના ચર્ચ.
ઝિબ્રા ક્રોસિંગ થી એક ફૂટ અંદર ઉભા રહેતા અને રસ્તો ક્રોસ કરતા સ્કૂલનાં બાળકો,વૃદ્ધોને જોઈ ઉભા રહેતાં વાહનો,હોર્ન તો જાણે વાહનોમાં હતાં જ નહીં.
આવી ટ્રાફિક શિસ્ત જોઈ અહીંની પ્રજા ને મનોમન સલામ કર્યા.
પહેલું મુકામ સેંટ ફ્રાંસીસ ચર્ચ.
૧૫૦૩ માં બાંધવામાં આવેલ ભારતનું સૌથી જુનું યુરોપીયન શૈલી નું ચર્ચ. ૧૫૨૪ માં વાસ્કો-દ-ગામા નું કોચીન માં અવસાન થતાં એમને આ સ્થળે દફનાવવાં માં આવ્યા હતા. ૧૫૩૮ માં એમના અવશેષો લિસ્બન (પોર્ટુગલ) લઈ જવાયા.એ જોઈ પગપાળા ટહેલતા બાજુ માં આવેલ ચાઇનીઝ ફિશીંગ જોવા ગયાં ૧૮૪૨ થી ૧૮૪૮ માં ચીનમાં શોધવામાં આવેલ માછલી પકડવાની રીત.
૧૦ મીટર ઉંચા મંચ પર નેટ બાંધી બીજા છેડે લગભગ ૨૦૦૦ કિલો વજનના પથ્થર બાંધી માછલાં પકડતા લોકો.
નારીયેળ પાણી પી ત્યાંથી બસમાં આગળ વધ્યા ડચ પેલેસ જોવા.
૧૫૫૫ માં પોર્ટુગીઝ વ્યાપારીઓ દ્વારા બાંધી વેપારી સંબંધો વધારવા તત્કાલીન રાજા વીરા કેરળ વર્મા ને ભેટ આપ્યું .
અંદર જુના જમાનાનાં શસ્ત્રો,કપડાં,વાસણ,ચલણી સિક્કા,ટપાલ ટિકિટ તથા ૧૭/૧૮ મીં સદીમાં બનાવેલા ભીંતચીત્રો જોઈ બહાર આવેલી બજારમાં આંટો મારી બસમાં બેસી જૈન દેરાસર દર્શન કરવા રવાના થયા.
૧૯૬૦ માં બાંધવામાં આવેલ મુળનાયક ધર્મનાથ ની પ્રતિમા ધરાવતું દેરાસર નું સંકુલ.
ખરી ખાસિયત તો બપોરે વાગે જોવા મળી ૧૨ વાગતાં એક ભાઈ ત્યાં આવેલા ચબુતરા પાસે થાળી ચમચી વગાડી બુમ પાડી એ હાલો ચણવા પધારો અને આ શું ? ઘડીનાં છઠ્ઠા ભાગમાં શું જાણે ક્યાંથી સેંકડો કબુતરો ઊડી દેરાસર નાં શિખર ને ત્રણ પ્રદક્ષીણા દઈ નીચે ઉતરી આવ્યા જાણે વાવાઝોડું આવ્યું હોય એવા વાતાવરણમાં અમે અચંબીત અવસ્થામાં ઊભાં હતાં.
આવેલ ભાઈએ માંગલિક બોલી બાલદીમાં લાવેલ ચોખા,દાળીયા અમારાં ખોબામાં આપ્યા અને માંગલિક પુરુ થવાની થવાની રાહ જોતા હોય એમ માણસ જોઈ દૂર ભાગતા ગભરૂ કબુતરો નિર્ભય બની અમારા હાથ પર બેસી ચણવા લાગ્યાં.૧ વાગવા આવ્યો હતો પેટ બળવો પોકારવાની તૈયારી માં હતો પણ બસમાં બેસતાં જ આયોજકે મહારાજ ને રસોઈ તૈયાર રાખવાની સુચના આપી બસમાં બેઠેલા યાત્રીઓને ચીકી નાં પેકેટ આપતાં થોડીવાર માટે પેટે યુદ્ધવિરામ જાહેર કર્યું.
હોટલ પર પહોંચતા જ રસોડામાં જમવાનું આમંત્રણ આવ્યું ગરમાગરમ ફૂલકા રોટલી સાથે લિજ્જતદાર વાનગીઓ નો રસથાળ મજા આવી ગઇ.સંપૂર્ણ તૃપ્તિનો ઓડકાર ખાઈ હોટલ સામે ઊભેલી બસમાં કોચીન થી મુનાર (૧૧૦ કી.મી.) ના રોમાંચકારી પ્રવાસ માટે ગોઠવાઈ ગયા.
કોચીન નાં ભીડવાળા રસ્તા પર હળવે હળવે સરકતી બસ શહેરનો રસ્તો છોડી હીલ સ્ટેશન મુનાર ના સર્પાકાર રસ્તે ચઢાણ કરવા લાગી.ચોતરફ ગાઢ વનરાજી વચ્ચે વરસાદનાં ઝાપટાં મનને ઠંડક આપી રહ્યા હતા. બપોરનાં જમણનું ધેન અને એરકંડીશન્ડ ની ઠંડક માં આંખ ધેરાવા લાગી પણ મન બારી બહાર કુદરતી સૌંદર્ય ને છોડવા નોતું માંગતું.
ભલું થાજો આયોજક નું કે એક મોકળાશ વારી જગ્યાએ બસ ઊભી રાખી અમારી ઉંધ ઉડાડવા ધુમ્મસવાળા ઠંડા માહોલ માં ગરમાગરમ ચા-બિસ્કીટ આપી રીફ્રેશ કર્યા. બાજુ માં અનાનસ નાં ખેતરો જોયા પહેલીવાર અનાનસ એલોવેરા જેવા છોડ ઊપર નજરોનજર જોયાં. ચાનો નશો એકપણ દ્રશ્ય છોડવા નહોય એમ ચડી ગયો હતો. આમજ મદમાતી મુસાફરી કરતા પહોંચી ગયા મુનાર.
મુનાર એ કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાંઆવેલ એક ગિરિમથક છે.સમુદ્ર સપાટીથી ૨૬૦૦ ફૂટ પર આવેલું છે. મુનાર આરોગ્યપ્રદ આબોહવા ધરાવે છે. અહીંનું ઉષ્ણતામાન શિયાળામાં ૦ થે ૧૦ અંશ અને ઉનાળામાં ૮ થે ૧૬ અંશ સેલ્સિયસ જેટલું રહે છે. મુનાર નામ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દો મુન અને આરુ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ત્રણ અને નદી. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્નીઅને કુંડલીના સંગમ પર વસેલું છે.
સાજેં ૦૭.૦૦ વાગે મુનાર હોટલ પહોંચ્યા બસમાંથી નીચે ઊતર્યા ઠંડી હવા અને વરસાદે અમને થથરાવી દીધા ઝડપથી હોટલ માં દાખલ થઈ રૂમનો કબજો લીધો. ૦૮.૦૦ વાગે જમીને બેડ પર લંબાવ્યું દિવસભર નાં સુંદર દ્રશ્યો ને વાગોળતાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી.
૨૫.૦૭.૨૦૧૩
વહેલી સવારે પક્ષીઓ ના કલબલાટ સાથે ઊંઘ ઉડી બેડ ટી ની ચુસ્કી સાથે બાલ્કની માંથી દેખાતા નજારાએ મન મોહી લીધું.
ફટાફટ ફ્રેશ થઈ ડાઈનીંગ હોલ માં ચા નાસ્તા ની જયાફત ઊડાવી બહાર ઊભેલી બસમાં બેઠાં. મોસમની અસર હોય એમ બસ પણ મદમાતી ચાલે પહાડ પર હજી ઉપર લઈ જતી હતી.
આગળ વધતા ચોતરફ ચાના બગીચા દ્રષ્ટીગોચર થતા હતા જાણે કુદરતે લીલો ગાલીચો પાથર્યો હોય. જેમ જેમ ઉપર ચડતા ગયા ચોતરફ ધુમ્મસે કબજો લઈ લીધો. થોડીવાર માતો અમે ઉપર અને આકાશ નીચે લાગવા માંડ્યું.મન ગણગણવા લાગ્યું "આજ મૈ ઉપર આસમાં નીચે" મસ્ત મોસમની મસ્ત સફર ખેડી અમે આવી પહોંચ્યા એરવીકુલમ નેશનલ પાર્ક.
બસમાંથી ઉતરીને બીજી સરકારી બસ માં ગયાં. રસ્તામાં ૧૦૦૦ ફુટ ઉપરથી ખડક પર સરકીને આવતો ધોધ હતો. વાદળો ના સંતાકુકડી વચ્ચે દેખાતા ચાના ખેતરો જોઈ સ્વર્ગ ની અનુભૂતિ થઈ.ત્યાંથી પગપાળા જ ઉપર ચઢવાનું હતું થોડેક ઉપર જતાં નીલગીરી તાહર (જંગલી બકરાં) જે ત્યાંની ખાસિયત છે એ જોવા મળ્યા.પાછા સરકારી બસ માંથી અમારી બસ માં બેસી હોટલ પહોંચ્યા. જમીને આરામ કરી ગયા રોઝ ગાર્ડન જોવા,નામ ભલે રોઝ ગાર્ડન હોય પણ અંદર ભાતભાતના ફૂલો,આયુર્વેદિક છોડવા,થોર અને ઘણા બધા પ્રકારના છોડવા. આગળ બસમાંથી જ મટુપટ્ટી ડેમ જોઈ એકો પોઈન્ટ તરફ આગળ વધ્યા. એક વળાંક પાસે અચાનક ડ્રાઇવરે બ્રેક મારી અને આમા આમા કરી બૂમો પાડવા લાગ્યો અમને લાગ્યું કે એની મમ્મી હશે પણ એ ઉત્સાહીત થઈ અમારી તરફ જોઈ બહાર ઈશારા કરવા લાગ્યો સાથે આવેલા ટેમ્પો ડ્રાઇવરે સમજાવ્યું એ હાથી દેખાડતો હતો મલયાલમમાં આમા એટલે હાથી. ફટાફટ બસમાંથી ઉતરી જોયું તો જંગલી હાથી નું ઝુંડ ઘાસનાં ખેતરમાં મદનીયા સાથે વિચરણ કરી રહ્યું હતું.ત્યાંથી આગળ એકો પોઈન્ટ જોઈ પાછા ફરતી વખતે રસ્તામાં માર્કેટ માં ઉતરી લટાર મારી સર્વન્ના ભવન માં કેળાનાં પાંડદા પર ઢોંસા ખાઈ હોટલ આવ્યા. રાત્રે જમી આજનાં સંભારણા સાથે મસાલા દૂધ પી આંખો બીડાઈ ગઈ.
૨૬.૦૭.૨૦૧૩
વહેલી સવારનાં ઠંડા વરસાદી ભીનાં માહોલમાં બેડ ટી ની લિજ્જત માણતાં પ્રાતકર્મ પતાવી ડાઈનીંગ હોલમાં ચા નાસ્તા ની મિજબાની માણી બસમાં આરૂઢ થયાં.
આજે ટી ફેક્ટરી પર આક્રમણ હતું જયાં ચાનાં પાંડદા માંથી કેવી રીતે પ્રોસેસ થઈને ચા બને એ તથા મ્યુઝિયમ અને ચાના બગીચા નો ઈતિહાસ દર્શાવતી વિડીયો ડોક્યુમેન્ટરી જોઈ કંપની ના સ્ટોર માં ગ્રીન ટી નો સ્વાદ માણ્યો.સાંજે આરામ હતો માર્કેટ માં રખડી જમીને ઠંડીમાં મસાલા દૂધ પી ગરમાસ અનુભવી લંબાવ્યું .
૨૭.૦૭.૨૦૧૩
ગઈકાલે આરામ હતો એટલે વહેલાં ઊઠીને બેડ ટી પી મોર્નિંગ વૉક કરવા નિકળ્યાં શહેરનાં ધાંધલધમાલ થી દૂર પ્રકૃતિ ની ગોદમાં પક્ષીઓ ના કલબલાટ સાથે માનસિક શાંતિ પ્રાપ્ત થઈ.
પાછા આવી ફ્રેશ થઇ ચા નાસ્તો પતાવી ઠેક્કડી તરફ પ્રયાણ કર્યુ.(૮૫ કી.મી.)
મુન્નાર થી નિકળ્યાં ત્યારે ક્યાં ખબર હતી કે આ સફર જિંદગી ની સૌથી ખુબસુરત માંથી એક હશે. પર્વતીય શહેરનાં દુકાનો વચ્ચે સાંકડા રસ્તા પર ચાલતી બસ ઘીરે ધીરે પોતાની મંઝિલ તરફ આગળ વધી. શહેર પસાર કરી બસ જેવી ખુલ્લામાં આવી તો રસ્તા ની બન્ને તરફ ડુંગરા ના ઢોળાવ પર નજર પહોંચે ત્યાં સુધી અનંત ચાના બગીચા જોઈ વચ્ચે ઉતરવાની લાલચ રોકી ન શક્યા આયોજક મનની વાત સમજી ગયા હોય એમ થોડાં મોકળાશ વારી જગ્યાએ બસ ઊભી રાખી. નીચે ઉતરી ચાના બગીચા માં લટાર મારી ઘણાં ફોટા પાડ્યા. ક્યાંય પણ નજર નાંખો ચાના બગીચા સિવાય બીજું કાંઈ દ્રષ્ટિગોચર ન થાય વચ્ચે વચ્ચે નાના કોટેજ અને સંતરાના ઝાડ.જેમ જેમ ઠેકડી નજીક આવતું ગયું એમ રસ્તાની વચ્ચે બાજુ એલચી અને મરીનાં ખેતરો દેખાવા લાગ્યા. રસ્તામાં ધોધ ની ઉડતી મુલાકાત લઈને સાંજે ઠેકડી હોટલ પહોચ્યા. લલાટે કંકુનો ચાંલ્લો અને ઓરેન્જ ડ્રીંક્સ થી સ્વાગત થતા મન ખુશ થઇ ગયું. ફ્રેશ થઈ ગીરીમથક ની બજારમાં ફર્યા ઠેકઠેકાણે મસાલા,ચોકલેટ ની દુકાનો અને કેરાલા ની પ્રખ્યાત બોડીમસાજ માટે આવતીકાલ ની એપોઈન્ટમેન્ટ લઈ પાછા ફરી જમીને સવારે વહેલા ઉઠવાની સુચના સાંભળી જલ્દી સૂઈ ગયા.
૨૮.૦૭.૨૦૧૩
સવારે ગરમાગરમ જલેબી ફાફડા નો આનંદ લઈ પેરીયાર લેક વાઈલ્ડ લાઈફ સેન્ચુરી જોવા રવાના થયા.
પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્ય એક સંરક્ષિત વિસ્તાર છે. હાથી અને વાઘની અનામત તરીકે તે નોંધપાત્ર છે. સંરક્ષિત વિસ્તાર ૯૨૫ કિમી વિસ્તારને આવરી લે છે.પાર્ક દુર્લભ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે અને કેરળની બે મહત્વની નદીઓ પેરિયાર અને પમ્બા મળીને આ સરોવર રચે છે.
બોટમાં બેસી ૧.૩૦ કલાક ની રોમાંચક સફર ચાલુ થઈ. તળાવની બન્ને બાજુ વરસાદી વાદળો અને આકાશ ને આંબતા ઘનઘોર વૃક્ષો વચ્ચે જંગલી ભેંશ,વરુ,પાટલા ગો અને હાથી દેખાતા હતા. વરસાદ ના ઝાપટાં સાથે બોટિંગ કરવાની મજા કંઈક અલગ જ હતી.પાછા ફરતી વખતે આયોજકે કીધું બધા મહારાજા બનવા તૈયાર થઈ જાવ, માથું ખંજવાળતા અમે વિચાર માં પડી ગયા આ વળી નવું શું હશે ની ઉત્કંઠા સાથે પ્રવાસ કરી અમે એક વાડીમાં પહોચ્યા જોયું તો ત્યાં ૭/૮ હાથી લાઈનમાં ઊભા હતાં અને પ્રવાસીઓને હાથી સવારી કરાવતાં હતાં હવે ટ્યુબલાઇટ થઈ હાથી સવારી કરીને અમને પણ મહારાજા બનવાનું હતું. એલીફન્ટ રાઈડ માણી હોટલ પહોંચી જમીને આડા પડયા.
બપોરે ચા પીને સ્પાઇસ ગાર્ડન જોવા ગયાં. રસોડામાં રોજ દેખાતા અને વપરાતાં મસાલા જેવા કે તજ,લવીંગ,મરી,એલચી,જાયફળ,તેજપતા અને ઔષધી નાં છોડ પહેલીવાર જોયાં. એમનાં સ્ટોરમાંથી હર્બલ દવાઓ ખરીદી પાછા ફર્યા. સાંજે બજારમાંથી જોઈતા મસાલા અને કેળાની વેફર જે નારીયેળ તેલમાં બને છે એ ખરીદી મસાજ કરાવવા ગયા. બોડીમસાજ થી શરીર એકદમ હલકું થઈ ગયું.
૨૯.૦૭.૨૦૧૩
સવારના પરવારી આગળ અલ્લેપી (નવું નામ અલપુજા) ની (૧૪૦ કી.મી.) મુસાફરી માટે રવાના થયા. રસ્તામાં ત્યાંનાં ફેમસ લાલ કલરનાં કેળાં નો સ્વાદ લીધો. બપોરે ૧૨વાગે અલ્લેપી જૈન દેરાસર પહોચ્યાં મુળનાયક વાસુપૂજ્ય સ્વામી નું નયનરમ્ય જિનાલય હતું. દર્શન કરી પેટમાં પ્રજ્વલિત થયેલી આગને ઠારવાની તૈયારી કરી. જમીને ભારતનાં વેનીશ ગણાંતા મીઠાપાણીનાં સૌથી મોટા વેમ્બાનાદ તળાવમાં બેકવોટર ની મજા માણવા નીકળ્યા. જે ૧૦ નદીઓના પાણી સમાવી ૨૦૦૦ વર્ગ કી.મી. માં ફેલાયેલું છે.કેરળ બેકવોટર્સ એકબીજાથી જોડાયેલી નહેરો, નદીઓ, સરોવરો નું નેટવર્ક છે, ૯૦૦ કિલોમીટરથી વધુ જળમાર્ગો દ્વારા રચાયેલ એક પરીવહન વ્યવસ્થા છે. નહેરોનાં કીનારે ઘર બાંધી રહેતા લોકો જાણે પાણી જ એમનું જીવન છે.ચારેતરફ પાણી વચ્ચે પોતાના રોજબરોજના કામ કરવા ઘરની બહાર નાની હોડી પાર્ક કરી હોય એ લઈને નીકળી પડતાં. ૧.૩૦ કલાકની બોટ સવારી કરી કીનારે તૈયાર ચા બીસ્કીટ ને ન્યાય આપી કોવાલમ (૧૬૦ કી.મી.) તરફ રવાના થયા. સવારના ૬ વાગ્યાથી મુસાફરી ચાલુ હતી બધું જોવાની મજામાં કાંઈજ ખબર ન પડી પણ હવે શરીર આરામ માટે ઉતાવળુ થયું હતું. સાંજે હોટલ પહોંચી બારોબાર ડાઈનીંગ મા જમીને રૂમમાં પથારીમાં ઢગલો થઈ ગયાં.
૩૦.૦૭.૨૦૧૩
સવારનાં બેડ ટી નો કપ લઈ બાલ્કનીમાં આવ્યા નજર ની સામે સ્વીમીંગ પુલ અને થોડેક દૂર દરિયાનાં ઉછળતા મોજા જોઈ દિલ એક ધબકાર ચૂકી ગયો. પણ હાય રે નસીબ સ્વીમીંગ ની મજા લઈ શકાય એટલો ટાઇમ નહોતો. ચા નાસ્તા થી પરવારી કોવાલમ બીચ જોવા ગયાં સાફસુથરૂં સોનેરી રેતી અને કાંચ જેવું નિર્મળ પાણી જોઈ આનંદિત થઈ જવાયું. ત્યાંથી ત્રિવેન્દ્રમ (નવું નામ થિરુવન્થપૂરમ) ઈ.સ. પુર્વે ૫૦૦ વર્ષ પહેલાં નું વિષ્ણુ ભગવાન ના પદ્મનાભન સ્વામી મંદિર ગયાં. ત્યાંનાં રિવાજ પ્રમાણે પુરુષોએ ઉઘાડા ડીલે ફક્ત લુંગી પહેરીને અને સ્ત્રીઓએ સાડી અથવા ડ્રેસ ઊપર લુંગી બાંધી મંદિર માં પ્રવેશ કરવાનું હતું.
દર્શન કરી હોટલ માં જમીને તરત જ નેય્યાર નદી અને અરબી સમુદ્ર નું સંગમ થાય છે એ પૂવર આઈલેન્ડ તરફ નીકળી ગયાં. નેય્યાર નદી કિનારેથી સ્પીડ બોટ માં બેઠા જયા અંગ્રેજી એનાકોન્ડા સહીત ધણી ફિલ્મો નાં શૂટિંગ થયાં છે એ જોયું. આગળ વધતા માનવામાં ન આવે એવું વિરોધાભાસી દ્રશ્ય એકતરફ શાંત અને ગંભીર નેય્યાર નદી બીજીતરફ ગાંડોતૂર બની પહાડ જેવા મોજા ઉછાળી નદીને પોતાની અંદર સમાવી લેવા ધસમસતો અરબી સમુદ્ર. જોઈને મન ના ભરાય પણ સમયની પાબંધી નો ખયાલ આવતા પાછાં વળ્યાં સ્પીડ બોટમાંથી ઉતરી ચા બીસ્કીટ લઈ બસમાં કન્યાકુમારી (૭૫ કી.મી.) તરફ રવાના થયા. હવે કેરળ રાજયમાંથી તામિલનાડુ માં પ્રવેશ કરવાના હતા. ચેકપોસ્ટ વટાવી જેવા તામિલનાડુ દાખલ થયા કે બન્ને રાજ્યો વચ્ચે નો ફરક વર્તાયો કેરળ ની સાફસફાઈ,લીસા રસ્તા,ટ્રાફિક સેન્સ બધું ગાયબ અને ભીખારી ની હાજરી જાણે સ્વર્ગ માંથી નર્ક મા આવ્યા. રસ્તામાં વચ્ચે આવતા સુચિન્દ્રમ મંદિર જોયું, અંદર પથ્થરનાં થાંભલા પર હાથ થપથપાવતા સારેગામા ના સુર નિકળતા હતાં.
પાછા બસમાં આવ્યા તો આયોજક ગરમાગરમ મરચાં ના ભજીયાં લઈ ઉભા હતા. વરસાદી સાંજ,હવાની ઠંડક સાથે ભજીયાં ખાવાનો લહાવો અલગ જ હતો. સાંજે કન્યાકુમારી હોટલ પર પહોંચ્યા.
કન્યાકુમારી હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરનું ત્રિવેણી સંગમ સ્થળ છે. અહીં અલગ અલગ સાગર પોતાના વિભિન્ન રંગો વડે મનોરમ્ય છટા વિખેરે છે. દક્ષિણ ભારતના અંતિમ છેડા પર વસેલું કન્યાકુમારી વર્ષોથી કલા, સંસ્કૃતિ, સભ્યતાનું પ્રતીક રહ્યું છે.દૂર દૂર ફેલાયેલા સમુદ્રની વિશાળ લહેરોની વચ્ચે અહીં સૂર્યોદય તેમ જ સૂર્યાસ્તનો નજારો બેહદ આકર્ષક લાગે છે. સમુદ્ર બીચ પર ફેલાયેલ રંગ બિરંગી રેતી આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
સાંજે બજારમાં લટાર મારી સૂર્યાસ્ત જોવા ગયા પણ વાદળા વિલન બની સૂર્ય ની આગળ આવી અમને નિરાશ કર્યા.
જમી પરવારી મસાલા દૂધ પી લંબાવ્યું.
૩૧.૦૭.૨૦૧૩
સવારની લાલીમા પથરાતી હતી બેડ ટી નો કપ લઈ બાલ્કનીમાં આવ્યો સામેજ અફાટ ખારાં પાણીનાં બંધન તોડી સૂર્યોદય થઈ રહ્યો હતો અનાયાસે મળેલાં મોકાને મનભરીને માણ્યો.
ચા નાસ્તો કરી હોટલની બહાર આવતાં જ મોટરસાઈકલ પર ફેરીયા ઘેરી વળ્યા ઘડીયાળ,ગોગલ્સ,મોતીની માળા વગેરે વેચતાં હતા પણ ભાવતાલ જોઈ ચક્કર આવી ગયાં. ₹ ૨૫૦૦ વાળી ઘડીયાળ ₹ ૧૫૦ માં, ₹ ૧૦૦૦ વાળા ગોગલ્સ ₹ ૨૫/૫૦ માં તેમજ ₹૧૫૦ વાળી માળા ₹ ૫/૧૦ માં આપવા લાગ્યા.
ભલભલા છેતરાઈ જાય. પગપાળા વિવેકાનંદ રોક ગયાં.
વિવેકાનંદ રોક મેમોરિયલ અથવા વિવેકાનંદ શિલા એ ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી ખાતે મુખ્ય ભુમિથી ૪૦૦ મીટર દૂર હિંદ મહાસાગરમાં આવેલું સ્મારક છે. ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં સન ૧૮૯૨ માં આ સ્થાને (શિલા પર) સતત ત્રણ દિવસ સાધના કરીને જ્ઞાનપ્રાપ્તિ કરી હતી. આ શિલાને પુરાણ કાળથી પવિત્ર માનવામાં આવે છે અને તેનું પૌરાણિક નામ શ્રીપદ પારાઈ છે જેનો અર્થ કુંવારી દેવીના ચરણ એમ થાય છે.
ચારેતરફ દરિયા,સૂસવાટા મારતો પવન,દરિયાનાં પાણીનાં ત્રણ કલર ની મજા લેતા બધા ગરબા રમ્યા.
ત્યાંથી બોટમાંથી પાછા આવી કન્યાકુમારી મંદિર,ત્રિવેણી સંગમ,ગાંધી મેમોરિયલ,વોચ ટાવર વગેરે જોઈ હોટલ પર આવી જમીને આરામ કર્યો. બપોરે ચા પી બજારમાં શંખ,છીપલાં,મોતીની માળા ખરીદી પાછા નશીબ અજમાવવા સૂર્યાસ્ત જોવા ગયા. વાહ રે નશીબ આજે મનભરીને સૂર્યાસ્ત નો નજારો જોયો.
૦૧.૦૮.૨૦૧૩
સવારનાં ચા નાસ્તો કરી પગપાળા મુળનાયક મહાવીર સ્વામી જૈન દેરાસર દર્શન કર્યા બજારમાં રખડી હોટલ માં આવ્યા.
બપોરે જમીને બસમાં બેસી કોવાલમ (૮૫ કી.મી.) તરફ રવાના થયા.
રસ્તામાં ૩૩ કી.મી. દૂર પદ્મનાભપુરમ વુડન પેલેસ જોવા ગયાં.
આ લાકડાં ના મહેલની સ્થાપના ઈરાવી વર્મા કુલસેખર પેરૂમલ દ્વારા ઈ.સ. ૧૬૦૧ ની આસપાસ કરવામાં આવી હતી.
મહેલ જોઈ બહાર આવ્યા ત્યારે ચા બીસ્કીટ અમારી રાહ જોતા હતાં.કોવાલમ જલ્દી પહોંચ્યા એટલે સ્વીમીંગ નો આનંદ લીધો. આજે છેલ્લો દિવસ હતો બધાએ મળીને આયોજક નું બહુમાન કર્યું. સુંદર આયોજન,સરસ ફરવાનું,જમવાનું આપી અમારા દિલ જીતી લીધાં.
સવારનાં ૬ વાગે ચા નાસ્તો કરી કોચુવેલી સ્ટેશને ટ્રેન પકડી અકલ્પનીય ટુર ની યાદો સાથે મુંબઈ તરફ રવાના થયા.