Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭ 

કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૭

ડોક્ટર તુષાર દોશીનાં મોબાઈલ પર કોલ કર્યો..લોકડાઉનમાં ડિસ્પેન્સરી ખુલ્લી છે કે નહિ એ કન્ફર્મ કરવા માટે,
હલ્લો, ડોક્ટર સાહેબ કેમ છો.?
મજામાં..
ક્યાં છો ? શું કરો છો..?
એકસાથે બે સવાલ અને બંને નાં એકસાથે ત્રણ જવાબ..
ડિસ્પેન્સરીમાં..? લ્યુડો રમું છું, આવો રમવા..
આ લ્યુડોની રમત લોકડાઉન ખુલ્યા પછી રાષ્ટ્રીય રમત ઘોષિત થાય તો નવાઈ નહિ..મારી વાઈફ પણ એકલી એકલી લ્યુડો રમતી હોય છે..ક્યારેક તો રસોડામાં કુકર ચઢાવતા ચઢાવતા બાજુમાં મોબાઈલ મૂકી એક એક દાવ રમતી જાય.
પ્રોબ્લેમ શું છે..?
માનતી જ નથી, હવે તો ઊંઘમાં બડબડ કરે છે, કાલે અચાનક બુમ પાડી, અરે..છ આવ્યા હોત તો સારું થાત, સીધા ઘરમાં. ક્યારના બે,ત્રણ જ આવે છે.
એમાં હું શું કરી શકું..? તમે ફોન કેમ કર્યો જલ્દી બોલો મારી પણ ગેમ અધુરી છે.
ડોક્ટર સાહેબ બા ની રૂટીન દવા લેવાની છે..તમારી પ્રિસ્ક્રીપ્શન વગર મેડીકલ વાળો નહિ આપે એટલે દવાખાને આવવું હતું.
તમારા ઘર પાસે જ નાકાબંધી છે , ત્યાં ઇન્સ્પેક્ટર યાદવ ડ્યુટી પર છે, ત્યાંથી કોલ કરજો મને, હું વાત કરીશ, તો આવવા દેશે. અને હા, એક વાગ્યા સુધી છું,આવી ને પ્રિસ્ક્રીપ્શન લઇ જાઓ.
ઘડિયાળમાં સાડા અગિયાર થયા હતા મેં વાઈફ ને કહ્યું.
આવું છું..ડોક્ટર પાસે જઇને.
કેમ? તમને શું થયું? થઇ ગયા શ્રી ગણેશ આપણા ઘરમાં પણ ? કેટલી વાર કહ્યું છે કે ઉકાળો પીઓ, લીબું વાળું ગરમ પાણી કરી આપું છું, એ પણ નથી પીતા, પડ્યા ને બિમાર, હવે કોઈ વસ્તુએ અડતા નહિ અને દુર રહેજો મારાથી. આલ્યો, આ માસ્ક પહેરો, અને દેખાડી આવો ડોક્ટરને. સોસાયટીમાં એમ્બ્યુલેન્સ તમને લેવા આવશે તો બધાનાં ફોન ચાલુ થઈ જશે.
અરે મને કોરોના નથી થયો. અને થવાનોય નથી સરકાર કહે છે એ પ્રમાણે બધી પરેજી પાળું છું..બા ની દવા લેવાની છે એટલે ડોક્ટર પાસે પ્રિસ્ક્રીપ્શન લેવા જાઉં છું..
તો એમ બોલોને..
તું બોલવા દે તો બોલુંને..તે તો મને એમ્બ્યુલેન્સ સુધી પહોચાડી જ દીધો હતો.
જાવ હવે જલ્દી આવજો, મોઢા પર માસ્ક પહેરો, અને આવતાની સાથે સીધા બાથરૂમમાં ચાલ્યા જજો ન્હાવા, મોબાઈલ કોઈને હાથમાં આપતા નહિ.
પત્નીનું બ્રેથલેસ ડાયલોગ સેશન ચાલતું હતું ત્યાં સુધી હું તૈયાર થઇ ગયો, અને ડોક્ટર તુષાર દોશી પાસે નીકળ્યો.એકટીવા કાઢ્યું, વોચમેને કહ્યું જલ્દી આના સાબ, એક બજે ગેટ બંધ હો જાએગા.
ડોક્ટર પાસે પહોચતા પહેલા મારે બોર્ડર ક્રોસ કરવાની હતી, પોલીસની નાકાબંધી.
કુઠે ચાલલાય..? માલુમ હૈ ના ઘરસે બાહર નહિ નીકલને કા.
સાહેબ, ડોક્ટર કે પાસ જા રહા હૈ.
ડોક્ટરનું નામ સાંભળતા જ હવાલદાર ચાર ફૂટ દુર ગયો, અને ઇન્સ્પેકટર સાહેબ ને કઈ કહ્યું..ઇન્સ્પેકટર હાથમાં ભોપું લઈને આવ્યા, દુરથી જ આસપાસની સોસાયટીને સંભળાય એમ બોલ્યા.
ક્યા હુઆ..? ખાસી આતા હૈ..? બુખાર હૈ..? મ્હાત્રે એમ્બ્યુલેન્સ બોલવ..એક કોરોના કલાકાર આલાય.
મેં કહ્યું, સાહેબ મને કઈ નથી થયું. હું મમ્મીની દવા માટે ડોક્ટર પાસે પ્રિસ્ક્રીપ્શન લેવા જાઉં છું. ઇન્સ્પેકટર સાહેબની નેમપ્લેટ પર “સી.કે.યાદવ.” લખ્યું હતું, અને મને ડોક્ટરની વાત યાદ આવી કે મને ફોન કરજો. મેં મોબાઈલ ડાયલ કરી યાદવ સાહેબ ને આપ્યો. એમણે ડોક્ટર સાથે વાત કરી, તુષારભાઈ એમને ઓળખતા હશે એવું લાગ્યું, અને મને જવા દીધો.
ડોક્ટર નાં દવાખાને ટોકન લેવાની પ્રથા છે. પણ ત્યાં બ્હાર પેશેન્ટ તો ન દેખાયા પણ તાવ,શરદી,ઉધરસ,મરડો,ચક્કર બધા બેઠા હતા. અને ધ વર્લ્ડ ફેમસ કોરોના. મને જોઈ કોરોનાએ આંખ મારી.
તું અહિયાં પણ પહોચી ગયો..?
“તુમ મુઝે બાહર ઢુંડ રહે હો ઔર મૈ તુમ્હારા યહાં ઇન્તઝાર કર રહા હું” અમિતાભનો ફેન હોય એમ બે હાથ માથાની પાછળ ચઢાવતા કહ્યું, લેખક, ડોક્ટરનું દવાખાનું તો આપણું મંદિર કહેવાય, અહિયાથી જ તો મને ફ્રેશ ફ્રેશ પેશેન્ટ મળે.
આ બધા કોણ છે ?
તાવ,શરદી,ઉધરસ,મરડો..રૂટીન.બીમારીઓ જે મારા આવવાથી ફ્રિ બેઠી છે.
આ લોકડાઉનમાં અમે લાગી ગયા છીએ..તાવ જરાક ગરમી સાથે બોલ્યો.
આ કોરોના ને લીધે અમે હતા ન હતા થઇ ગયા...શરદીથીયે બોલ્યા વગર ન રહેવાયું.ચક્કરને ઊંઘ આવતા હશે એટલે આંખો બંધ હતી.
કોરોના હસતા હસતા બોલ્યો..અરે એમાં મારો વાંક છે..? લોકો આદુ,મરી,લવિંગ,મસાલા વાળો જે ઉકાળો પીએ છે એનાથી મને ફર્ક નથી પડતો પણ તમે દુર ભાગો છો. બાકી મને તો ઘરાક જોઈએ જ છે. જેને જરાક શરદી થાય અને માસ્ક ન પહેર્યું હોય, બેદરકાર દર્દી દેખાયો તો આપણે મસ્ત એન્ટ્રી મારી જ દઈએ એનામાં.
સારું લાગે છે.? બ્હારનાં દેશથી ભારતમાં ઘુસી અમારા પેટ પર લાત મારતા સારું લાગે છે..?
આ તો નાની દુકાન વાળાઓ વિદશી મોલવાળાની એન્ટ્રી પર અકળાતા હોય એવો સીન ભજવાતો હતો.અને હું મુક દર્શક બની બધી બીમારીઓની વ્યથા સાંભળતો હતો..તાવ અને શરદી તો એટલા ગુસ્સે ભરાઈ ગયા કે ઉભા થઈને કોરોના ની સામે થયા અને અચાનક બંને દેખાતા બંધ થઇ ગયા.ડ્રેગન જેમ કોઈ બકરીને ઓહિયા કરી જાય એમ કોરોના તાવ અને શરદીને ઓહિયા કરી ગયો..
અરે અશોકભાઈ તમે અહિયાં શું કરો છો ? હું તમારી જ રાહ જોતો હતો..
ડોક્ટર સાહેબ બ્હાર આવ્યા અને મને જોઈ ચમક્યા..મેં ઘડિયાળ જોઈ તો હું લગભગ અડધો કલાકથી “કોરોના શો” જોતો હતો,તાવ શરદી ની હાલત જોઈ મરડો અને ચક્કર અંતર્ધ્યાન થી ગયા.
આવો હું તમને મમ્મીની દવા લખી આપું..મારે પણ શાક લઈને જલ્દી ઘરે પહોચવું છે.
હું ડોક્ટર ની ડિસ્પેન્સરીમાં ગયો અને કોરોના ક્યાં ગયો એની મને ખબર નહિ પડી, કદાચ કોઈ ઘરાક મળી ગયો હશે.
છેલ્લે છેલ્લે,
રમેશ ભાઈ ઉભા ઉભા એકટીવા ચલાવતા હતા.
મેં પૂછ્યું શું થયું ?
તો કહે બેસાય એમ નથી.
સમજે તે સમજદાર.

*********************************************************