કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ : પાર્ટ-2
હજુ તો ઘરની ડોરબેલ વગાડી એન્ટર થયો કે સામે પત્ની સેનેટાઇઝર લઈને ઊભી હતી, મને કહે લ્યો પહેલા હાથ ધુઓ… અને સાંભળો સીધા બાથરૂમમાં જતા રહો… ક્યાંય અડતા નહીં… ફુવારા નીચે ઊભા રહી પહેરેલે કપડે જ માથાબોળ નાહી લો… ભીના કપડાને ગરમ પાણીની ડોલમા નાખી દેજો… અને હા, આખા શરીરે બે વખત સાબુ ઘસજો… આ તમારો ટુવાલ બાથરૂમની બહાર મુક્યો છે, લઈ લેજો… મને થયું હું નીચે શાક લેવા ગયો હતો કે કોઈની સ્મશાનયાત્રામાં..??
મહારાષ્ટ્રમાં લૉકડાઉન ૩ મે સુધી વધ્યું… ફરી પાછા પંદર દિવસ સુધી ઘરમાં ભરાઇ રહેવાનું, મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો માણસ પૃથ્વી પર અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહયો છે.
જોકે એક રીતે સારું જ છે કોરોનાને મ્હાત આપવા આપણે ઘરે બેસીને આ લડાઈ લડવાની છે, કોરોના પણ વિચારતો હશે કે મારા બેટા ભારતીય ખરેખર જબરા છે હોં, હું જે દેશમાં ફરી આવ્યો ત્યાં બધે મારા ઝંડા ફરકે છે, પણ જેમ મેં બ્રિટનના વડાપ્રધાનને કાબુમાં કર્યો હતો એવો જો કોઈ મોટા માથાનો ઘરાક ભારતમાં મળી જાય તો એને કોરોનાનો એમ્બેસેડર બનાવી દઉં… મારો બેટો કોરોના પણ ભારતીય રાજકારણી જેવું વિચારવા લાગ્યો… જુહુ સ્કીમમાં લાઈટના થાંભલા નીચે ઊભા રહી વિચારવા લાગ્યો… અમિતાભ બચ્ચન કેમ રહેશે..?? નાના અમિતાભ બચ્ચન તો ૨૪ કલાકમાં ૪૮ કલાક મારાથી બચવા માટેનો પ્રચાર કરે છે, એને પથારીમાં પાડવા બહુ મુશ્કેલ છે, સલમાન ખાન, શાહરૂખ ઘરમાં છે, અક્ષય કુમારને આપણે અડાય પણ નહીં, નહીતો આપણું જ એન્કાઉન્ટર કરી નાખે, અંધેરી લિન્ક રોડ પર આવતા જ કેટરિનાનાં ઘર પર નજર પડી, ગ્રાઉન્ડ ફ્લોર પર જ બાલ્કનીમાં બાવા ઝાળા સાફ કરતી હતી… નવાઝુદ્દીનને ઓસ્કાર મળે ને ખુશ થાય એટલો આનંદ કોરોના ને થયો… ચાલો અંદર જઈએ. અને કેટરિનાને જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીએ.
પલકવારમાં હું કેટરિનાનાં ઘરમાં ઘુસ્યો… પણ આ શું..?? ઘરની સાફ સફાઈ જોઈ હું તો દંગ રહી ગયો… કેટરિના શાંતાબાઈનાં કામ કરી રહી હતી… ઝાડુ કાઢતી કેટરિનાને તો સલમાને પણ નહીં જોઈ હોય, પણ મેં જોઈ… વિચાર કર્યો કે અત્યારે જ કેટરિનાનાં શરીરમાં પ્રવેશ કરી એને કોરોનાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દઉં. એની નજીક ગયો ત્યાં જ જેમ વિલન પાસેથી હીરોઈન છટકી જાય એમ કેટરિના કિચનમાં ભાગી ગઈ… અને લગાડ્યો મોબાઈલ… હલ્લો કાંતાબાઈ, વાસણ સાફ કરના હૈ તો ફિનાઈલ કિતના કિતના ડાલને કા..?? કાય વાસણ કે લીયે ફિનાઈલ નહીં, વિમ કા લિક્વિડ વાપરને કા..?? અચ્છા.. બાટલી તો હૈ…કેટલા..?? ચાર ઢાંકણા..??? પણ વિમ કા બાટલી પર તો એક હી ઢાંકણા હાય… હલ્લો..હલ્લો… બોલો… આ છે હિન્દી ફિલ્મોની સ્ટાર…વાસણ ધોવા શોધે છે વિમનાં ઢાંકણા ચાર… ઓ…હો… મોબાઈલમાં જોઇને શું કરે છે…?? નજીક જઈને સાભળ્યું તો ખબર પડી મોબાઈલમાં “હાઉ ટુ વૉશ ડિશ…” નો વિડિયો ચાલતો હતો… ત્યાં તો ધડામ કરતો અવાજ થયો… અને ત્રણ ચાર વાસણો એક સાથે નીચે પડ્યા… ફિલ્મોમાં જેને લોકો હીરોઈન કહે છે એ અહિયાં એક સામાન્ય સ્ત્રીની જેમ ઝાડું, પોતા, વાસણ કરે છે. કેટરિનાબેન પૂરો થયો તમારો વારો. હવે આ ખતરનાક કોરોનાનો વારો. ચાલો, હજુ કોરોના કેટરિનાને પોતાનો શિકાર બનાવે ત્યાં જ… અરે..રે..રે..રે.. આ શું? આણે તો સેનેટાઇઝરથી હાથ ધોઈ નાખ્યા! અને.. આ..આ.અ સાબુથી મોઢું પણ… આખા ઘરમાં ફિનાઈલની વાસ છે. બધે જ સ્વચ્છતા ખાસ છે. અહીંયા રહેવામાં માલ નથી… અને આમ કોરોનાએ કેટરિનાનાં ઘરમાંથી એક્ઝિટ લઇ લીધી.
અને હવે એ કદાચ તમારા ઘરમાં આવવાની તૈયારીમાં હોય… એટલે સ્વચ્છતા રાખજો… હાથ ધોતા રહેજો.. અને મોઢે માસ્ક તો ખાસ પહેરજો… નહીં તો કોરોના કદાચ તમને ય પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દે…
મિત્રો…આ માત્ર એક હાસ્ય ટોનિક છે… આ લેખમાં કોઈ પણ કલાકાર, કસબી કે એમાં આવેલા પાત્રોને જીવંત કે મૃત કોઈ પણ પાત્રો સાથે નિસ્બત કે સંબંધ નથી. આ માત્ર હાસ્યરસને માણવા માટે શબ્દો ને આપેલ અક્ષરદેહ છે… જેનો ઉદ્દેશ્ય માત્ર લૉકડાઉનમાં ટેન્શન ફ્રી રહેવાની ચાવી છે… ફરી કોઈ નવી લૉકડાઉન મસ્તી સાથે જલ્દી મળીશું…આભાર…
શું…?? કોરોના દેવી..આવ્યા છે…??? ક્યાં..??? અચ્છા આવું છું…તો મળીએ બહુ જલ્દી “કોરોના દેવી” ને…