કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ – ૯
લોકડાઉનનાં લાલ ઝોનમાં ઘરમાં બેઠા બેઠા લીલા જોતો હતો. રામની રામાયણ. રોજ પાંચ કિલોમીટર ચાલવાની આદત છે મારી. પણ છેલ્લા સવા મહિનાથી સવા કિલોમીટર નથી ચાલ્યો. ટામેટા જેવી હાલત થઇ ગઈ છે, પહેલા લીલા ઝોનમાં હતા પછી ઓરેન્જ ઝોનમાં આવ્યા અને હવે લાલઝોન પછી સીધી ચટણી થવાની. કોરોના વોરિયરનાં માનમાં ભારતીય સેનાએ પુષ્પ વૃષ્ટિ કરી, એમ જે લોકો ઘરમાં બેઠા છે એમની હિમ્મત ને દાદ દેવા સરકારે બારીએ સીટી વગાડવાની પરમીશન આપી શાબાશી આપવી જોઈએ. બેઠા બેઠા પીઠ પર સોફાના કવરની ડીઝાઈન છપાઈ ગઈ હતી. મોબાઈલમાં ગેમ રમી રમીને કંટાળી ગયા, રસોઈનાં વિડીયો જોઈ જોઈ ત્રણ ચાર વાર વઘાર બાળ્યા તો પત્નીએ કહ્યું રહેવા દો તમારું કામ નહિ. વાસણ ઉટકવામાં મદદ કરી તો બે કપ ફૂટ્યાને ત્રણ રકાબી રિસાઈ ગઈ અને એક બિરીયાની બાઉલ નારાજ થઇ ગયો. એકલો અટૂલો હું મારા પરમ સખા સેમસંગ મોબાઈલ સંગ બાબા મલંગની જેમ બેઠો હતો. લોકડાઉનમાં લોક થયેલા ભગવાનનાં ફોટા મોબાઈલનું લોક ખોલીને જોતો હતો ત્યાં વ્હોટ્સએપ પર એક એડ આવી “ હેરીસ હેયરકટિંગ સલુન. પપ્પાનાં બાલદાઢી પર બચ્ચાનાં બાલકટ અને હેડ મસાજ ફ્રિ ” અમારી સોસાયટીનાં ગેટ પાસે જ છે આ હેરીસ સલુન.
ઓફર સારી છે. જઈ આવો લેખક.
મેં આસપાસ જોયું તો કોરોના ડબલ સેન્ચુરી ફટકારીને ઉભેલા ક્રિકેટરની જેમ હાથમાં એક કાગળ લઇ બાલ્કનીમાં કાગડાનાં આસને બેઠો હતો.
તું પાછો આવ્યો ?
સાચું કહું લેખક, તમારી પાસે આવવું ગમે છે,
તારો વિચાર શું છે ?
નાં નાં મારે તમારા ઘરમાં ધામા નથી નાખવા અને અહિયાં હું ધારું તોય કોઈના શરીરમાં પ્રવેશ ન કરી શકું. તમે બધા એટલી ચીવટ રાખો છો કે ધન્ય છે તમને.
થેન્કયુ , બોલો હવે કયો નવો હોબાળો કરવાના છો..હાથમાં લાબું લીસ્ટ શાનું છે ? ક્યા ક્યા દેશ બાકી છે એનું ? જો કે તને એક વાત કહી દઉં કોરોના, જેટલા દેશમાં તું નથી ગયોને એના કરતા વધારે દેશમાં અમારા પ્રધાનમંત્રી જઈ આવ્યા છે.
ખબર છે મને મારાથી એમનો રેકોર્ડ નહિ તોડાય. અને ભારતમાંથીય જવાની તૈયારી ચાલુ છે. તમારે ત્યાં ભાઈ બહુ ગરમી.
કોરોનાથી અને કવિતાથી [ મારી પત્ની ] બન્નેથી ગરમી સહન ન થાય. ભારતમાંથી જવાના સમાચાર સાંભળી આનંદ થયો. સ્કુલમાં વેકેશન પડતું ત્યારે ઘણો આનંદ થતો પણ મોટા થયે આવું વેકેશન વેઠવું પડશે એની ખબર નહોતી. આ કાગળ શાનો છે ?
લીસ્ટ છે , મુંબઈ સલુન એસોશીયેશન તરફથી આવ્યો છે મને.
તને ? આ કાગળ તને કેવી રીતે મળ્યો તું તો એક જગ્યાએ ટકતો નથી.
અરે ભાઈ ભગવાન એક જગ્યાએ નથી છતાય એના અલગ અલગ જગ્યાએ મંદિર છે કે નહિ ? એમ હું પણ એક જગ્યાએ નથી પણ ક્યાંક ને ક્યાંક તો છું ને. આ સલુન એશોશીયેશનવાળાએ પેમ્ફલેટની અનેક નકલો બનાવીને રેડ ઝોનમાં જે જે સોસાયટીમાં મેં પગલાં કર્યા છે ને એ સોસાયટીની દીવાલે ચોટાડયા છે. હાથમાં આવી ગયો.મજાનું લખ્યું છે વાંચ.
નાં નાં તું જ વાંચ.અને કોરોનાએ કર્કશ અવાજમાં કાગળ વાંચવાનું શરુ કર્યું.
નાલાયક નરાધમ છી છી એક હજાર આઠ, પ.તુ.ન.વા. કોરોના.
એક મિનીટ, પ.તુ.ન.વા. એટલે ?મારાથી રહેવાયું નહિ એટલે પૂછી નાખ્યું.
પરમ તુચ્છ નર્ક વાસી, કોરોના બોલ્યો.
હા તો ઠીક,એકદમ બરાબર છે. આગળ વધ..
અચાનક કોરોના બારીએથી કુદી અંદર આવ્યો અને મેં ધોની વિકેટ પાછળ કુદીને બોલ પકડે એમ ઉછળીને સેનેટાઈઝાર સ્પ્રે ઉપાડ્યું અને કોરોનાને કહ્યું.
બ્હાર..બારી પર જ્યાં હતો ત્યાં..જા..ચાલ..નીકળ...
અરે તે જ તો કહ્યું આગળ વધ.
તારી તો કોમેડી કરે છે, આગળ વધ એટલે કાગળ વાંચવામાં આગળ વધ. ફરી કોરોના એનાં ઓરીજીનલ આસને ચાલ્યો ગયો અને કર્કશ અવાજે આગળ વાંચવા લાગ્યો.
એકવાર તું હાથમાં આવે તો સલુનની ખુરશી પર બેસાડી રસ્સીથી બાંધી, દાઢી નો સાબુ ચારેબાજુ લગાડી અસ્ત્રાથી તને એવો છોલશું કે વગર સેનેટાઈઝરે તું હતો ન હતો થઇ જઈશ. જેમ થાળી વગાડવાથી અને દીવા પ્રગટાવવાથી તને ડરાવ્યો છે એમ તારી દાઢી છોલી છોલીને તને હરાવશું. હિમ્મત હોય તો એકવાર સામે આવ.
જોઈ હેયર કટિંગ સલુન એસોસિએશનની હિમ્મત જોઈ.
હા, પણ આ લોકો ગાંડા સમજતા નથી કે હું કોઈના હાથમાં નથી આવવાનો. જે લોકો સરકારી આદેશનું પાલન નહિ કરે એમના તો હું બાર વગાડવાનો જ.
ત્યાં અચાનક મારી દીકરીએ છીંક ખાધી. અને મારું ધ્યાન તૂટ્યું. મેં તરત જ બારીએ જોયું તો કોરોના ત્યાં નહોતો.મને ધ્રાસ્કો પડ્યો કે કોરોના ક્યાંક મારી ક્રિશ્ના નાં હાથમાં તો નથી ચોટયો..ત્યાં ક્રિશ્ના બોલી.
પપ્પા ડોન્ટવરી મેં સાબુથી વીસ નહિ ચાલીસ સેકેન્ડ હાથ ધોયા છે.
બારીમાંથી જોયું તો કોરોના ફૂટબોલના બોલની જેમ ઉછળતા નીચે પડતા પડતા મને આંખ મારતો ગયો.
છેલ્લે છેલ્લે.
કોણ કહે છે ભ્રષ્ટાચાર પતિ ગયો ?
કોરોનાને નબળી કડી મળી,
એણે દારૂ સાથે સેટિંગ કરી.
સમજે તે સમજદાર
*અશોક ઉપાધ્યાય*