કોરોના કકડાટ હાસ્યની હળવાશ – ૧૦
રૂમમાં સરસ મજાનું અંધારું હતું. એસી ચાલુ હતું.અને હું આરામથી પથારીમાં પડ્યો હતો. ઘડિયાળમાં જોયું તો આઠ વાગ્યા હતા. આમેય માં મોડા ઉઠવાની આદત પડી ગઈ છે. ત્યાં બેડરૂમનો દરવાજો ખૂલ્યો મડોદરીની ઝેરોક્સ જેવા મારા અર્ધાંગિની પ્રવેશ્યા અને તાડૂક્યા : ચાલો હવે ઉઠો, જમી લ્યો થાળી પીરસુ છું.
આજે સવારના આઠ વાગ્યામાં રસોઈ કરી નાખી ? કોઈ નું શ્રાદ્ધ છે ? કાગવાસ નાખવાનો છે શું ?
તો મને કહે તમારું ફરી ગયું છે કે શું ? સવારના આઠ નહીં રાતના આઠ વાગ્યા છે. બારીના પડદા ખોલ્યા તો ખબર પડી કે બ્હાર અંધારું થઇ ચુક્યું છે. આજે બપોરે જમ્યા પછી વામકુક્ષી શો ૩ થી ૫ ને બદલે ૩ થી ૮ સુધી થઈ ગયો હતો. અને લોકડાઉનને લીધે ઘરનાં કોઈએ મને જગાડ્યો નહિ. આમેય હું બધાને નડતો હોઉં છું. જમવાની તૈયારી થઈ રહી હતી. ત્યાં હું બ્હાર હોલ માં આવ્યો. ઠક ઠક અવાજ આવતો હતો. જોયું તો આદરણીય અઠ્યોતેર નોટ આઉટ મારા બા હાથમાં રિમોટ લઈ ટીવી ની ચેનલ બદલવાની કોશીષ કરતા હતા. અને સાથે રિમોટ પછાડતા હતા. મને જોઈ બોલ્યા : અલ્યા ટીનીયા. બા મને હજુય ટીનીયો કહીને બોલાવે છે. આ ટીવી બગડ્યું છે. જો આ ચેનલ ચોંટી ગઈ છે હલતી જ નથી. આમાં સેલ પતી ગયા લાગે છે. મેં રિમોટ લીધું અને કહ્યું બા તમે રીમોટ ઉંધુ પકડ્યું છે. રીમોટ સીધું કરી બા ને ગમતી ચેનલ લગાડી. ત્યાં રામાયણ નો એપિસોડ પુરો થયો અને રામાંનાદ સાગરનું છેલ્લું હાથ જોડેલુ જય શ્રીરામ દેખાયું સાથે જ બા નું મહાભારત શરૂ થયું. બા ને ધીમે ધીમે બડબડ કરવાની આદત છે. અઢાર અધ્યાયનું પારાયણ કર્યા બાદ જ હવે અટકશે. ધીમે ધીમે ઘરના કરુક્ષેત્રમાં ચાલતા બા એમનાં રથમાં એટલે કે રૂમ માં ગયા. મેં ટીવી તરફ સંજય દ્રષ્ટિ કરી ત્યાં બ્રેકિંગ ન્યુઝ આવ્યા "સુપ્રીમ કોર્ટમાં કોરોનાએ સરકાર પર કેસ કર્યો" આ કોરોના સરકારના બાર-પંદર વગાડીને જવાનો લાગે છે ત્યાં અવાજ આવ્યો.
બધાને મારા નામે ચરી ખાવું છે. બાજુના સોફા પર કોરોના ટૂંટિયું વાળીને બેઠો હતો. તું પાછો આવ્યો ? મેં કહ્યું. અને આ શુ તે સરકાર પર કેસ કેમ કર્યો ?
કેશ કરવા.
એટલે ?
યાર આ તમારા દેશમાં બીજાના નામે ચરી ખાવાની પ્રથા પડી ગઈ છે. દારૂબંધી હતી એ સારું હતું. દારૂની દુકાન ખોલી તો મારા નામનો ટેક્સ “કોરોના ટેક્સ” શરુ કર્યો. એ પણ ૭૦ ટકા. યાર આટલા હોય ? માણસને પીધા વગર નશો ચડી ગયો. હા દારૂની લાઈનમાં લોકોને દારુ મળ્યો કે નહિ ખબર નહિ પણ મને નવા ઘરાક ઘણા મળ્યા છે..એ આવનારા દિવસોમાં દેખાશે. આ સરકારને તો હું કોર્ટમાં ઘસડીશ જ.
જો કોરોના વેવાલીનો થામા. અને આવો ખોટો ગુસ્સો નહીં કર. તું તારો ટાર્ગેટ પતાવી અહીંથી નીકળી જા.
લીલો કોરોના ગુસ્સામાં લાલ થઈ ગયો હતો અને આમેય અત્યારે એ રેડ ઝોનમાં હતો.
ના...ના તમારી સરકારને સબક શીખવાડવો જ પડશે. પેલો દિલ્લીનો મફલર વાળો નેતા તો આમેય મારી નજરમાં છે. એક વાર વગર માસ્ક પહેરે છીંક ખાશે તો હું એની અંદર ઘૂસીને એને ભાંગડા કરાવીશ.
અલ્યા આવું કઈ કરતો નહિ, આમાં રાજકારણ છે.
રાજકારણ કેવું ?
અલ્યા તને રાજકારણ નથી સમજાતું તો દુર રહે, જો તું સરકાર પર કેસ કરીશ અને એ કેસ 25 50 વર્ષ ચાલશે. ત્યાં સુધી તુ રોકાઈશ ? અરે મેં ની ગરમીમાં શેકાઈશ. અહીયાની ગરમી તારાથી સહન નહીં થાય આટલા વર્ષો ક્યાં કાઢીશ?
વાત તો તમારી સાચી લેખક. વિચારમગ્ન કોરોના બોલ્યો.
અને ત્યાં સુધી તારી રસી શોધાઈ તો તું તો ગયો કામથી.
હા એ વાત પણ સાચી યાર, હું ભટકી ગયો હતો પીવડાવ્યા વગર ટપકાવી દેવાની રાજકારણીઓની જૂની ચાલ છે.
એટલે કોરોના ટેક્સની કટ કટ માં પડવા કરતાં તું તારા ધંધામાં ધ્યાન આપ. કોરોના ને કોબ્રા નાગ કરડ્યો હોય એવું એનું મોઢું થઈ ગયું. મારી સામે જોઈને અર્જુન જાણે કૃષ્ણ ભગવાન સામે ગદગદ થઇ ગયો હતો એમ ગદગદ થતાં બોલ્યો : લેખક તમે મને રાજકારણમાં પડતા બચાવી લીધો, હું તમને દંડવત પ્રણામ કરવા માગું છું. અચાનક નજીક આવ્યો અને બૂમ પાડી ખબરદાર પાસે આવ્યો છે તો. ત્યાં પત્ની બોલી : કેમ પાસે આવીને હું તમને ખાઈ જવાની છું ? થાળી પીરસી છે ક્યારની હાલો, ક્યારના મહાદેવના પોઠીયાની જેમ પડ્યા છો અહીંયા. પાછો તમને કોરોના દેખાવા લાગ્યો કે શું ? પત્નીએ મારી આજુબાજુ જોયું અને બોલ્યા : અલ્યા કોરોના આ તું તારી ભાભી ને જોતો અને સાંભળતો હોય તો મહેરબાની કરી તારા ભાઈને કહે કે જમી લે અને વાસણ ઊઠીને ઝટ સુવાની તૈયારી કરે.
ગયો કોરોના. તારી વાત સાંભળવા ઉભો નથી હવે.
તેણે છણકો કરતાં કહ્યું : તમે હાલોને.
મેં કહ્યું : લેડિઝ ફર્સ્ટ.
હસતાં બોલી હા હા હાલોને લેડીઝ ફર્સ્ટ વાળા કહેતા પીઠ પર ધબ્બો મારતા પત્નીએ મને ખેંચી ગઈ . આ પ્રેમ હતો કે પસ્તાવો ખબર નથી પડી.
છેલ્લે છેલ્લે..
કાલે રાત્રે ...
બાળકોએ રમવા માટે ઘરની બહાર કુંડાળા કર્યા 'તા
તો સવારે જેટલા લોકો નીકળે તે બધા પૂછતા જતા હતા કે “અહીં શું મળે છે ?
સમજે તે સમજદાર
*અશોક ઉપાધ્યાય*