લૉકડાઉન બાદ ફિલ્મ બનાવવા નીકળેલા કબીર ખાન – સલમાન ખાનને કેવો અનુભવ થયો?
કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ
પરાણે પરિવારજનો સાથે રહેવાની ફરજ પાડતા લૉકડાઉનથી ઘણા કંટાળ્યા છે તો ઘણાનો મગજનો પારો ઉનમાળાની ગરમીથી પણ બમણો વધી ગયો છે, તોઘણા ચિંતાની ખાઈમાં ગબડવાની અણી પર છે ત્યારે લોકોના મગજના ‘કાર્ડિયોગ્રામ’ની વાંકીચુકી રેખાઓ સીધી લાઇનમાં દોડે એ માટે હાસ્ય જેવો રામબાણ ઇલાજ કોઈ નથી. એટલે ફિલ્મી ઍક્શનમાં જાણીતા હાસ્ય લેખક (જેમણે અનેક ગુજરાતી હિન્દી સિરિયલો, ફિલ્મો અને નાટકો પણ લખ્યા છે) અશોક ઉપાધ્યાયનો મજેદાર લેખ પ્રસ્તુત કરીએ છીએ. આશા છે આપ સૌને પસંદ પડશે.
મંગલ ભવન અમંગલ હારી, એક કપ ચા ની સાથે ત્રણ ખારી...વત્સ અત્યારે દ્વારે દ્વારે આ જ પીડા છે , કોરોનાના લીધે હાસ્ય દેખાતું નથી અને અશ્રુ આવવાની ના પાડે છે... પશુ અને પક્ષી યોનીને બાદ કરતા મનુષ્ય યોનીના ચિકિત્સક અને સ્વચ્છતા કર્મચારી સિવાયના દરેક ક્ષેત્રના સજ્જન, દુર્જન.. સૂર, અસુર, સબળ, નિર્બળ, દરિદ્ર કે ધનવાન... રામ અને હનુમાનના દર્શન કરતા ન છૂટકે નિવાસમાં ભરાઈ બેઠા છે...
સોરી મિત્રો, રામાયણ જોતા જોતા લેખની શરૂઆત કરી એટલે બરમુડા, ચા, ખારી અને લેપટોપ સાથે સતયુગમાં પહોચી ગયોતો...પણ ખરેખર ભાઈ, અત્યારની પરિસ્થિતિમાં કોરોનાના લીધે લૉકડાઉન, કામ ડાઉન, બેંક બેલેન્સ ડાઉન, બી.પી. ડાઉન, પણ ખર્ચના મીટર અપ... અને સાથે સાથે કોરોનાનો મરણાંક પણ અપ... અને એને ડાઉન કરવાની એક જ રીત છે ઘરમાં બેસી રહેવું, સમયાંતરે હાથ ધોવા, દરેકથી અમુક અંતરની દૂરી બનાવી રાખવી... [પત્ની, સંતાનો, માતા-પિતા સાથેની પણ...] આ તો ઘરમાં બેઠાબેઠા બોર થઈ જઈએ એટલે થયું કે ચાલો કંઈક હાસ્યાસ્પદ વિચાર મિત્રો સાથે શેર કરીએ...
દોસ્તો વિચાર કરો...કે લોકડાઉન નો સમય ૩૦ દિવસથી વધી ને ૯૦ દિવસ થઇ ગયો છે... [માત્ર વિચારવાનું છે] ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર લોકડાઉનના લીધે બહુ જ અણધારી મુસિબત આવી પડી છે... મંદિરમાં ભગવાન બંધ છે, સ્ટુડિયોમાં શૂટિંગ બંધ છે.. .કલાકારો ઘરમાં બંધ છે... અને કોરોનાની મહામારી ચાલુ છે... લૉકડાઉન ત્રણ મહિનાથી વધી ૬ મહિના થયો... માણસ તો કામથી ગયો... [જો કે બીજા વિશ્વયુદ્ધ વખતે ૨૨૦ દિવસનો લૉકડાઉન રહ્યો હતો... એ જાણ ખાતર] અને અચાનક... કોરોના ગાયબ થઇ ગયું... અને ૧૨ તારીખના બપોરે ૧૨ વાગીને ૧૨ મિનિટે, ૧૨ ચૅનલથી પણ વધારે ચૅનલ પર વડાપ્રધાને મનથી કહ્યું, “મિત્રો.....કરો જલસો...., કાલથી બધું ખુલી જશે...” અને આ સાંભળી લોકોની આંખોમાંથી હરખના આંસુ ખુલી ગયા... આઈ મીન આવી ગયા... જમાનો સતયુગમાંથી કળિયુગમાં ફેરવાઈ ગયો... રામાયણ-મહાભારત, બુનિયાદ, હમલોગ, ચાણક્યથી મુક્તિ... અને ફરી એક થી ડાયન, વિષ કન્યા, નાગમણી, ખૂન કા બદલા ખૂન જેવી સિરિયલો શરુ, આખરે નવ દસ મહિના બાદ લોક ડાઉન ખૂલ્યું અને ફરી બધા જેમ આળસ મરડીને ઉભા થઈ જાય એવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી થઇ રહી છે, તેમાં સુપરસ્ટાર સલમાન ખાન કે જેની પાસે કબિર ખાન જેવા સરસ મજાના ડિરેક્ટર છે આ લૉકડાઉનમાં કબિર ખાનની એક સરસ સ્ક્રિપ્ટ સલ્લુ ભાઈએ વાંચી નાખી... અને કબિરને ફોન કરી કહી દીધું... ચલો ભાઈ શુરુ કરતે હૈ... કબિર ખાને થોડા ગમગીન સ્વરે કહ્યું ભાઈ એક પ્રોબ્લેમ હૈ, અભી સભી ફાઈનાન્સર કે દિમાગ મેં લૉકડાઉન હૈ... વો લોગ રિસ્ક લેના નહિ ચાહતે... ઔર તીન ચાર મહિને કોઈ ફિલ્મ નહીં કરની, સલ્લુભાઈએ પણ મસ્ત પોઝ લઇ કહ્યું યાર કરન જોહર કો બાત કરતે હૈ નાં... કબિર કહે... કરન ખુદ અપની સ્ક્રિપ્ટ કે સાથ દર બદર ફાઈનાન્સ ઢૂંડ રહા હૈ... સલ્લુ પરેશાન... પણ કબીર જેનું નામ એણે કહ્યું ભાઈ એક રાસ્તા હૈ... ડુંગરપુર જાના પડેગા... સલ્લુ કહે અરે અપુનકી ફિલમ કે લીએ અપુન પાણી કે પૂર મેં ભી તૈરકે જાને કો તૈયાર હૈ... કબીરે કહ્યું... ડુંગરપુર મેં મેરા એક પુરાના ફ્રેન્ડ હૈ લહેરચંદ, મારવાડી હૈ... હંમેશા મુઝે બોલતા ફિલ્મ બનાની હૈ... સલમાને કહ્યું તો ચલના ભાઈ શું કામ ને મોડું કરે છે... મારા અંદરનો કલાકાર બ્હાર આવવા ઢીંકાચીકા કરે છે...
ડુંગરપુરમાં પુખરાજ મેન્શન નામના એક સરસ મજાના બંગલામાં લહેરચંદ ભાઈ ટ્રેન, ફ્લાઈટની અપડાઉન ચાલુ થયા બાદ પણ લોકડાઉનની પરિસ્થિતિમાં સોફા પર હાથમાં લગ્નનું આલ્બમ જોતા બેઠા છે... આ ૯ મહિનામાં ઘણા દુઃખી થયેલાઓને ઊંચા વ્યાજે રૂપિયા આપી... ઘણા રડતા લોકોના દાગીના ઓછી કિમતે વેચાતા લઇ લહેરચંદ લાલાએ ઘણો બધો માલ બનાવેલો... સ્વભાવે આખાબોલા, જોતાની સાથે એમ લાગે કે ડામરનું પીપ પડ્યું છે, દેખાય તો માત્ર એમના બે સફેદ ચમકદાર દાંત અને રૂપાનું ગંજી, બોલે ત્યારે એમ થાય કે જુનું ગ્રામોફોન બગડી ગયું... પણ ભાઈ લક્ષ્મી જેમની પાસ એમના સૌ દાસ... એટલે વખાણ તો કરવા પડે કેમ કે શેઠ શેઠનાય શેઠ છે, ત્યાં એટલે નોકર ચિન્ટુ સમાચાર લાવ્યો કે સાહેબ તમને મળવા માટે કબીર ખાન અને સલમાન ખાન આવ્યા છે, અને લહેરચંદ લાલા ખુશ થઈ ગયા કહે ક્યા બાત હૈ... ક્યા બાત હૈ... કબીર ખાન મારા ઘરે... અને સાથે સલમાન ખાન... સલમાનને જોતા જ એમનો કુતરો ભસવા માંડ્યો... પણ લાલા બોલ્યા નવા લોકોને જોઈ એ લંગુર ભસે છે... લંગુર કુતરાનું નામ હતું. અહિયાં પહેલી વાર સલમાનને જ્ઞાન થયું કે મને કોઈ નથી ઓળખતું...
કબીરે લહેરચંદને કહ્યું કે નસીબદાર છો તમે કે સરસ સબ્જેક્ટ તમારા નસીબમાં છે. અને સલમાન ભાઈએ ફિલ્મ કરવાની હા પાડી છે... ત્યાં નોકર ચિન્ટુએ આવીને પાણી મુક્યું સાથે સલમાન સાથે ખબર ન પડે એમ સેલ્ફી પણ પાડી લીધી... લહેરચંદ લાલા પોતાના જ મૂડમાં હતા... લૉકડાઉન વખતે નાકમાં કચરો જમા થઇ ગયેલો એ સાફ કરતા કરતા લહેરચંદ બોલ્યા ફિલ્મ કા નામ શું રાખ્યા હૈ..?? કબીરે કહ્યું “ સાલ મુબારક ઈદ મુબારક ” આ સાંભળી સલમાન તરત બોલ્યો, કભી ભી ફિલ્મ રીલિઝ કર સકતે હૈ... ઈદ પર ભી ઔર દિવાળી પર ભી... લહેરચંદ તો ખુશ, ત્યાં સુધી તો લહેરચંદની આજુ બાજુ એમનો આખો પરિવાર આવી ગયો. નાનકડી છુટ્ટા વાળવાળી અને અડધો મેકઅપ કરેલી એક આંખમાં કાજળ નાખીને ઉભેલી ઝીણકી, દેવદાસને પણ મ્હાત આપે એવા વાળ વધારીને બેનની ચિત્તા કલરની રિબિનથી જ પોની બાંધીને ફરતો... ફાફડા જેવડો લાંબો અને મરચા જેવા હોઠવાળો દીકરો મુકલો... મુકેશ જેને ઘરમાં બધા “લંકેશ” કહીને બોલાવે છે... લહેરચંદની પાછળ ઊભી છે ડ્રેક્યુલા.. એટલે કે એમની એક માત્ર પત્ની “બકુલા”. જે હસે તો આગળના બે દાંત વચ્ચેથી જીભ નામની રિસેપ્શનિસ્ટ અચૂક બ્હાર દેખાઈ આવે છે... માથામાં ઉંદરી થવાથી બકુલાનાં વાળ તિરુપતિ ગયા વગર જ ખરી ગયા અને હવે એ જાત જાતની અલગ અલગ કલરની વિગ પહેરે છે... જેનાથી એને સતત માથામાં ખંજવાળ આવે છે પણ કંટ્રોલ કરે છે..
કબિર ખાન સ્ટોરી સંભળાવે છે કે “બાગબાં” ફિલ્મની રીમેક જેવી જ છે આ “ સાલ મુબારક ઈદ મુબારક ” સલમાન ભાઈ સામે કેટરીના સાથે વાત થઇ ગઈ છે... હવે પ્રોડ્યુસરના રોલમાં આવી ચુકેલા લહેરચંદ લાલા બે હાથ ઊંચા કરીને સોફા પર બંને પગ ચઢાવી પલોઠી વાળતા માથા પાછળથી જમણો હાથ ડાબા હાથને આપતા કહે છે કેટરીના... નહિ ચાલે... કબિર કહે તો એશ્વર્યા પણ રેડી છે..., ઉષા... લહેરચંદ બોલ્યા. ઉષા એકદમ ફીટ છે... સલમાન સાથે. સલમાન કહે ઉષા કોણ..?? લહેરચંદની કર્કશા દીકરી ઝીણકી બોલી “ઉષા બોથરા”, મ્હારી મામારી જીજી... મસ્ત ઘૂમર ગાવે સે... કબિર સલમાનને જુએ છે અને આંખના ઇશારે શાંત રહેવા કહે છે... કબિર કહે ઓકે... સલમાનના ફાધર માટે અનુપમ ખેરને કન્ફર્મ કરીશું. ત્યાં લહેરચંદ પાસે પડેલું લગ્નનું આલ્બમ આપતા કહે છે કબિર સા, થારી ફિલમરા સારા કલાકાર હયો આલ્બમમાં સે આવી... બધા કલાકારો આ આલ્બમમાંથી લેવાના... બકુલા આલ્બમ ખોલીને કહે છે આ નટવરને તો ખાસ લેવાનો, નટવર જે આલ્બમમાં પણ દોરીએ સુકાતો હોય એટલો કડકો હતો... કપડા લટકાવવાના હેંગર જેવો, બકુલા કહે લગનમાં એણે આમની શેરવાની પર આંબાનો રસ ઢોળ્યો હતો... ૩૫ વાટકી હતો રસ... ગલુડિયું જેમ માની સોડમાં સુવા મથતું હોય એમ પાછળથી દીકરો લંકેશ માંને બાથ ભરતા બોલ્યો... સલમાનરી માં તો મ્હારી માં જ હોઈ... લહેરચંદ પત્ની બકુલાને જોવા લાગ્યો... બંનેની આંખો મળી અને બેકગ્રાઉન્ડમાં કબિર ને કોઈ ઈમોશનલ પીસ સંભળાયો... લહેરચંદ બકુલાના ખભે હાથ મુકતા કહે છે અરે સમાન રી માં જગત મેં બીજી કોઈ હોઈ સકે કે... આ બકુલી જ હોઈ આપરી ફિલમ મેં સલમાન રી માં... બકુલા એટલી ખુશ થાય છે કે ગદગદ થઇ પતિના પગમાં પડી જાય છે. પણ ઊભી થાય છે ત્યાં વિગ પતિના પગમાં જ રહી જાય છે... સલમાન અને કબિર ખાનની હાલત પહેલા શોમાં જ ફિલ્મ પીટાઈ ગઈ હોય એવી થઈ જાય છે... આખરે લોક ડાઉન પછી કમ બેક કરવા સલમાન બધી શરતો માન્ય રાખે છે અને લહેરચંદ પૂછે છે કે ફિલ્મનું બજેટ શું છે..?? કબિર ખાન કહે છે ૧૫ કરોડ... ત્યાં જ લહેરચંદ લગભગ સોફામાંથી પડી જાય છે અને કહે છે કે મારું બજેટ બહુ ઓછુ છે... સલમાન પૂછે છે કિતના હૈ આપકા બજેટ..?? બોલીએ બાકી બ્હાર સે ફાયનાન્સ લે લેંગે. લહેરચંદ ૫૬ની છાતી કરીને ટીવી પર કોરોનાથી જીત મેળવીને વડાપ્રધાન સ્પીચ આપતા હોય એમ ગુમાનથી કહે છે ૮૦ લાખ. આ સાંભળી સલમાન પડી જાય છે, અને પાણી ઢોળાઈ જાય છે... અસ્સી લાખ મેં ફિલમ બન જાની ચાહીએ... સલમાન કબિરને કાનમાં કહે છે કે ઇસમે મુઝે ક્યા મિલેગા..?? કબિર કહે છે સેમ સવાલ મેરા હૈ ભાઈ...
ત્યાં ફોનની રીન વાગે છે અને એક આલીશાન બેડરૂમમાં કબીર ખાનની આંખ ખુલે છે... અને લહેરચંદનાં ઘરમાંથી પોતાના ઘરમાં સપનામાંથી બહાર આવે છે... કબીર કહે છે કે આવી પરિસ્થિતિ ક્યારેય ન આવે ભગવાન. ત્યાં મોબાઈલ પર સામે સલમાન ખાન છે... કબિર ફોન રિસીવ કરે છે સલમાન કહે છે... કબિર...ક્યા હુઆ..?? તેરે કો ભી સપના આયા..?? કબીર કહે છે આપ કો ભી ભાઈ..?? સલમાન કહે છે અબે કોઈ ડુંગરપૂર વાલે કો સ્ક્રિપ્ટ સુનાને નહિ જાના હૈ... ભલે મૈ ઘરમે બૈઠા રહું પર વિગ વાલી હિરોઈન મુઝે નહિ ચાહીએ.. અને બંને હસી પડે છે...
મિત્રો... આ માત્ર એક હાસ્ય ટોનિક છે... આ લેખમાં કોઈ પણ કલાકાર, કસબી કે એમાં આવેલા પાત્રોને જીવંત કે મૃત કોઈ પણ સાથે નિસ્બત કે સંબંધ નથી. આ માત્ર હાસ્યરસને માણવા માટે શબ્દોને આપેલ અક્ષરદેહ છે... જેનો ઉદ્દેશ્ય માત્ર વાંચી મમળાવી મોઢે સ્મિત કરી આ લૉકડાઉનમાં ટેન્શન ફ્રી રહેવાની ચાવી છે... ફરી કોઈ નવી લૉકડાઉન મસ્તી સાથે જલ્દી મળીશું...
આભાર...
અશોક ઉપાધ્યાય....