કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ..- 3
બૉલિવુડ કોઈ પણ ઘટના કે દુર્ઘટના બને કે એના પર ફિલ્મ બનાવવાના ટાઇટલ રજિસ્ટર કરાવવા પ્રોડ્યુસર્સ અસોસિયેશનમાં દોટ મુકતા હોય છે. હજુ ભારતમાં કોરોનાએ માંડ ડગ માંડ્યા હશે ત્યાં અડધો ડઝન જેટલા નિર્માતાઓ કોરોના અંગેની ફિલ્મના ટાઇટલ રજિસ્ટર કરાવી આવ્યા. આ વાત ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ લાગુ પડે છે. જોકે ગુજરાતમાં ગણ્યાગાઠ્યાં લોકો કોરોનાને માતાજીનો અવતાર ગણી એમની પૂજાપાઠ કરી રહ્યા છે ત્યારે પ્રસ્તુત છે કોરોના મા પર આધારિત, અશોક ઉપાધ્યાય લિખિત અને ગુજરાતની કોરોના મા ભક્તો દ્વારા અભિનીત… ધમાકેદાર લેખ…
અલી આ કોરોના કોણ સે ખબર છે?
ઇ કોરોના મા સે.. જે દૂર દેશથી બ્હાર આઈ સે. ઇ કે સે કે તમે હંધાએ દેવી દેવતાઓને માનો છો, મને ચીમ નથી માનતા.? કોપાયમાન થયા સે. એટલે સંધ્યાટાણું થાયનો ત્યાર… એમને દીવો કરવો..
ભૈ શાબ તમે હસો સો… હાસુ કઉસું, તમેય દીવો કરો. અમે તો દિવાબત્તી કરીએ, અમારા આંગણે, ઉંમરે કંકુ-ચોખા કરીને સાથીઓ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ, હે કોરોના મા અમારા ઘરે નો આવતા, અમારા ઘર બધું છે, તમારો પ્રકોપ અમારા ઉપર નો વરસાવતા મા, અમને માફ કરજો અને જયાંથી આવ્યા સો ત્યાં પાછા જતા રેજો… માડી….
આ હાસ્યાસ્પદ લાગતી વાત હકીકત છે. ગુજરાતથી આવેલ એક વિડિયોમાં ભણેલ ગણેલ સન્નારીઓ ઘરમાં કામ કરતાં એક બેનને કોરોના વિશે પૂછે છે. અને નિરક્ષર અજ્ઞાન ભાવનાશીલ બેન જે કોરોનાને માતાજીનો અવતાર સમજી બે હાથ જોડી દિવાબત્તી કરવા કહે છે અને છોકરીઓ મજાક કરતા વિડિયો બનાવે છે. વિચિત્ર સવાલો પૂછે છે. જોકે બેનની મજાક કરવા કરતાં ભણેલી સ્ત્રીઓએ એમને કોરોનાની સાચી સમજ આપી હોત તો વધું સારું થાત.
જો કે ગુજરાતની ભાવુક પ્રજા ‘કોરોના મા’ના પ્રકોપથી બચવા પૂજા પાઠ કરતી હશે. અને લૉકડાઉન ખુલ્યા બાદ ‘જય કોરોના મા, ‘ખોળાનો ખૂંદનાર દેજો કોરોના’, ‘કોરોના તારા પરચા અપાર’, ‘કોરોના તારી કૃપા અપરંપાર’ આવા ટાઇટલ ધરાવતી ફિલ્મો રિલીઝ થાય તો નવાઈ નહિ. મ્યુઝિક વિડિયોની તૈયારી તો શરુ થઇ ગઇ હોય તો કહેવાય નહીં.
યાર ફિલ્મમાં ડાયલોગ કેવા હશે?
હીરોને લકારતો વિલન બન્ને હાથમાં તલવાર લઈ કોઈ ખંડેરના સૌથી ઉપલા તૂટેલા માળેથી કહેશે…
‘કોરોના માની કૃપાથી મારો વાળ પણ વાંકો નહિ થાય ત્રિકમ.’
દોડતી દોડતી મન્દિરમાં આવીને ફસડાઈ પડતી હીરોઇન કહેશે..
‘હે કોરોના મા, મેં જો મેં સાચા દિલથી તારા વ્રત–ઉપવાસ કર્યા હોય તો આ નરાધમથી મારી રક્ષા કરજે.’
ખુલ્લા આકાશ નીચે ખેતરે ઊભેલો ખેડૂત ડાંગ ખભે ભરાવતા કહેશે..
‘લોન લઈ ખરી મહેનતથી ખેતર ખેડયું છે મા, બસ હવે વરસાદ આપવો માડી આપનાં હાથમાં છે.’
કોરોનાની આરતી તો યુ ટ્યુબ પર આવી ગઈ..
જો કે કોરોના તો હમણાં આવ્યો, બાકી અસુખિયા જીવ જેવા ઘણાં ઘરમાં બેસી રહેવાનાં બહાનાં શોધતા હતા. યસ, રોન્ડા બર્નની લખેલી બુક છે “રહસ્ય” સિક્રેટસ, જેમાં લખ્યું છે તમે જે વિચારો તે વહેલું મોડું થાય જ.
હવે આ ક્વૉરોન્ટાઈન પણ આપણી ઇચ્છાઓનું જ ફળ છે ને?
– છોકરાઓ કહેતા હતા સ્કૂલ ન હોય તો આખો દિ રમી શકીએ. હવે રમે જ છે ઘરમાં, ઈચ્છા પૂરી.
– પત્ની વિચારતી કે મારા પતિદેવ મારી સાથે ઘરમાં સમય વિતાવે. જુઓ, 24 કલાક ઘરે જ છે. ઈચ્છા પૂરી.
– પતિ વિચારતા ટ્રાફિકમાં, ગરમીમાં ક્યાં બ્હાર નીકળવું. ઘરે બેઠા બેઠા પગાર મળે તો? લ્યો થઈ ગયું.
– નોકરીએ જતી સ્ત્રીઓ વિચારતી હું મારા પરિવાર, બાળકો સાથે સમય વિતાવી શકું. તથાસ્તુ. ઈચ્છા પૂરી.
– વિદ્યાર્થીઓ વિચારતા કે પરીક્ષાનું ભણવાની માથાકૂટ ન થાય. અને પરીક્ષા જ ન લેવાય. થઈ ગયું.
– મોટી ઉંમરના મા-બાપ વિચારતા અમારા બાળકો પાસે રહેતા જ નથી. હવે જુઓ, પાસે ને પાસે જ.
– નોકરિયાતને બિચારાને બ્રેકની જરૂર હતી. ને લાગી ગઈ બ્રેક.
– વેપારી વિચારતા આખો દિવસ બજારમાં મરવાનું. ઘરમાં ટીવીય નથી જોવાતું. હવે ટીવી જ જોયા કરવાનું. ઈચ્છા પૂરી.
– પૃથ્વી કહેતી હું શ્વાસ નથી લઈ શકતી. કદાચ થોડો વખત પ્રદૂષણથી મુક્તિ મળે. લ્યો, એની ઈચ્છા પણ પુરી.
તમામની ઇચ્છા પૂરી કરવા જાણે ‘કોરોના મા’ સાક્ષાત ધરતી પર આવી પૂગ્યા હોય એવું નથી લાગતું?
ટૂંકમાં, ઈશ્વર પાસે જે માંગો એ સમજી વિચારીને માંગો. કેમકે એ વહેલા મોડા તમે માગેલું આપે જ છે.
મિત્રો, આપની આસપાસ કોરોનાને ભગવાન, દેવી, માડી માનતા જો કોઈ અંધભક્ત ભટકાય તો કૃપા કરી એમના પર હસવા કે એમની મશ્કરી કરવા કરતા કોરોનાના ખતરનાક પરિણામથી તમને વાકેફ કરજો.
મિત્રો, આ માત્ર એક હાસ્ય ટોનિક છે. આ લેખમાં કોઈ પણ કલાકાર, કસબી કે એમાં આવેલા પાત્રોને જીવંત કે મૃત કોઈ સાથે નિસ્બત કે સંબંધ નથી. આ માત્ર હાસ્યરસને માણવા માટે શબ્દોને આપેલ અક્ષરદેહ છે. જેનો ઉદ્દેશ્ય માત્ર વાંચી મમળાવી મોઢે સ્મિત કરી આ લોકડાઉનમાં ટેન્શન ફ્રી રહેવાની ચાવી છે. ફરી કોઈ નવી લૉકડાઉન મસ્તી સાથે જલ્દી મળીશું. આભાર.
છેલ્લે..છેલ્લે..
કૂતરાએ માલિકને કહ્યું, સાહેબ બ્હાર જાઉં છું, તમારા માટે બિસ્કિટ લાવું..??
સમજે તે સમજદાર.
*********************************************