મોર્નિંગ વોક પર જવા માટે હું સડસડાટ દાદર ઉતરી ગયો. ઘરનાં ઓટલા ઉપર બૂટની દોરી બરોબર બાંધવા માટે બેઠો ત્યાં મારી નજર સામેથી આવતા દિનેશ ઉપર પડી કે જે અમારી કોલોનીનો સફાઈ કામદાર છે. કોલોનીના ખૂણામાં પડેલ સાવરણા, સુપડી તરફ એણે પગ માંડ્યા. ખબર નહીં પરંતુ કેમ આજ મારી દ્રષ્ટિ તેના ઉપરથી હટતી નહોતી. એણે વાંકા વળીને પોતાનો જમણો હાથ સાવરણાને લગાવી પછી પોતાની છાતીએ ચાંપી સાવરણાને પગે લાગ્યો ને પછી સાવરણો અને સુપડી ઉપાડી કંમ્પાઉન્ડની સાફ સફાઈ કરવાનું શરૂ કર્યું અને હું પણ ત્યાંથી મોર્નિંગ વોક માટે નીકળી ગયો.
આમ કહું તો મારો સ્થૂળ દેહ જ તે જગ્યાએથી નીકળેલો, બાકી સુક્ષ્મ દેહ સ્વરૂપે એટલે કે મનથી તો હું હજું પણ ત્યાં જ હતો. રસ્તા ઉપર ચાલતાં ચાલતાં એ ચિત્ર મારાં માનસપટ પરથી દુર થતું ન હતું કે એક સફાઈ કામદાર પોતાના કાર્યની શરૂઆત કરે તે પહેલાં તેને સાવરણાને આટલું સન્માન આપવાની શું જરૂર? મેં નક્કી કર્યું કે પરત ફરીશ ત્યારે જો તે ત્યાં હોય તો તેની પાસેથી આ રહસ્ય જરૂર જાણીશ.
મોર્નિંગ વોક પતાવી કમ્પાઉન્ડમાં પ્રવેશ કરતાં જ જોયું તો તેનો દરેકે દરેક ખૂણો સ્વચ્છ અને સાફ-સુથરો હતો. હજુ પણ દિનેશ એક ખૂણાબાજુ વાંકો વળીને સફાઇકામ કરી રહ્યો હતો.
અહિં તેનાં ઉપર નજર રાખવા માટે કોઈ સુપરવાઇઝરની નિમણુંક થયેલી નહોતી. ઈશ્વર જ પોતાનો સુપરવાઇઝર છે તેવાં ભાવ સાથે તે કાર્ય કરતો હતો.
વસુંધરાના દરેકે દરેક ભાગ ઉપર તે હળવાં હાથે એવી રીતે સાવરણી ફેરવતો હતો કે જાણે ધરાને પ્રેમથી પંપાળતો ન હોય !! તેની સાવરણી જ્યાં જ્યાં ફરતી હતી ત્યાં ત્યાં ધરતી ઝળહળી ઊઠતી હતી. સાવરણો ફરવાથી ઊડતી રજ તેનાં મસ્તક ઉપર એવી રીતે બિરાજતી કે જાણે અવની તેને આશીર્વાદ ના આપતી હોય !! એનાં હાથમાં રહેલો સાવરણો પણ જાણે ગૌરવથી ફૂલ્યો સમાતો ન હોય તેમ શક્ય એટલા મોટાં ભૂભાગને આવરી લેવા પ્રયત્નશીલ જણાતો હતો. તેની કામગીરીને બિરદાવતાં હોય તેમ ત્યાં ઊગેલાં ગુલમોહર અને સોનમહોર પણ વચ્ચે વચ્ચે તેના ઉપર એક બે ફુલ વરસાવી તેનું અભિવાદન કરતાં હતાં.
મેં બાજુનાં ઓટલા ઉપર આસન જમાવ્યું, થોડીવાર તેની કામગીરીને હું નિહાળતો રહ્યો. મારી જિજ્ઞાસા હવે વધુ સમય સુધી રાહ જોઈ શકે તેમ ન હતી. મેં તેને પૂછ્યું કે, "ભાઈ તે સફાઈ કામગીરી શરૂ કરી તે પહેલાં આ સાવરણાને પ્રણામ કેમ કરેલ?" તો તેણે જવાબ આપ્યો કે, "સાહેબ આ તો મારી 'રોજી' કહેવાય. રોજીનું સન્માન કરવું પડે ને !"
એ અભણ વ્યક્તિનો જવાબ મને બહુ સ્પર્શી ગયો. સફાઈ કામદાર તરીકેની કામગીરીને પણ તે કેટલાં ભાવપૂર્વક અને નિષ્ઠાથી કરતો હતો ! આ 'રોજી' ક્યાં તેને કોઈ 'નામના' અપાવતી હતી ? આ રોજી તેને ક્યાં કોઈ 'પદ' અપાવતી હતી ? વળી, આ રોજી માંથી મળતું મહેનતાણું પણ કેટલું નિમ્ન ? કે જે અમીરોના ઘરનો માત્ર એક ટંકનો જમવાનો ખર્ચ થાય તેટલો જ તો આ વ્યક્તિને પૂરા મહિના ભરનો પગાર મળતો હતો. આમ આ એવી રોજી કે જ્યાં ના મળે 'નામ' કે ના મળે 'દામ' અને મળે તો માત્ર તિરસ્કાર અને તુચ્છકાર તેમ છતાં કેટલી નિષ્ઠાથી તે પોતાની ફરજ બજાવતો હતો ! આ સમયે એ સવાલ ઉદ્ભવવો સ્વભાવિક હતો કે, જે સરકારી બાબુઓને પોતાની રોજીથી પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને જે રોજી તેઓને જીવન નિર્વાહની જરૂરિયાત કરતાં પણ અનેક ગણું આર્થિક ઉપાર્જન પણ કરી આપે, તેમ છતાં પણ તેઓની કામગીરીમાં આવા ભાવની ગેર હાજરી સતત કેમ વર્તાતી હોય છે ? આ વ્યક્તિની કર્તવ્યનિષ્ઠા જોતાં દરેક સરકારી નોકરો તે 'કર્મચારી' બનવાના બદલે 'કર્મયોગી' બનવાનો પ્રયત્ન કરે તો આ દેશની મોટાભાગની સમસ્યાઓનો આપમેળે જ ઉકેલ મળે કે નૈ ? આપણાં કર્મોને ઉપરવાળો જુવે છે અને તેનો સરવાળો પણ કરે છે, તે સનાતન સત્યને જો સ્વીકારી લેવામાં આવે તો જગતમાં પ્રશ્નો ઉદ્ભવે ખરાં ?
મારી વિચારયાત્રાએ તે વખતે અલ્પ વિરામ લીધો કે જ્યારે ઉપરના માળેથી કોઈ વડિલનો ટહુકો સંભળાયો કે, "કચરા વાળો આવ્યો છે, કચરાપેટી નીચે મૂકી આવજે.." તે ટહુકાનો પ્રત્યુત્તર આપતી દસ-બાર વર્ષની એ અબુધ ગણાતી બાળાનો જવાબ હજું પણ મારાં કર્ણપટલમાં એવોને એવો ગુંજે છે. એ બોલી કે, "એમને કચરા વાળા ન કહેવાય એતો સફાઈવાળા છે, કચરાવાળા તો આપણે છીએ."
એ નાની દિકરી કેટલું માર્મિક સત્ય બોલી ગઈ !! આ ધરતી ઉપર કચરો કરવાવાળું કોણ ? શું ક્યારેય આ સફાઈ કામદારે બિસ્લરીની બોટલ પીને રોડની સાઈડમાં ફગાવી હશે ? શું ક્યારે તેણે મોંઘાદાટ બિસ્કિટ અને વેફરના પડીકા પોતાના સંતાનોને અપાવ્યા હશે ? કચરાનાં ઢગલાં ઉપર જઈને ત્યાં પડેલાં અવશેષો જોઈશું તો, નિશ્ચિત પણે આ તમામ કરતુતો તો સમાજ જેને સભ્ય અને શિષ્ટ વર્ગનાં ગણે છે તે ભદ્ર વર્ગના લોકોનું જ કારસ્તાન જણાશે.
સફાઇ કર્મીઓ તો આ વિશ્વંભરાના સાચાં સંતાનો કહેવાય કે જેઓ આ પૃથ્વી ઉપર પથરાયેલી ગંદકીને દૂર કરી એને હરીભરી અને નિર્મળ રાખવાનું કાર્ય કરે છે. વળી, 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા' એ સૂત્રને જો આપણે અનુસરતાં હોઈએ તો, સ્વચ્છતાના આ સૈનિકોનો આદર કેમ ન કરીએ? એમનું સદાય સન્માન થવું જોઈએ.. ખરું કે નૈ ?!?!
સંજય_૩૦_૦૫_૨૦૨૦
slthakker123@gmail.com