Incpector Thakorni Dairy - 19 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૯

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું ઓગણીસમું

ઇન્સ્પેક્ટર ઠાકોરને ફોન આવ્યો કે એક સગીરાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે ત્યારે તેમને થયું કે આજના યુવા આમ કોઇ નાની નાની વાત પર પોતાનો જીવ કેમ આપી દેતાં હશે? સત્તર વર્ષ એ કંઇ મરવાની ઉંમર છે? સિત્તેર વર્ષે પણ કેટલાક યુવાનની જેમ જીવી રહ્યા છે. આજની યુવાનીને થઇ શું ગયું છે? છેલ્લા થોડા દિવસોમાં યુવાનોની આત્મહત્યાના કેસો વધ્યા છે. આ કેસની વ્યવસ્થિત તપાસ થવી જોઇએ. સાચું કારણ બહાર લાવીને સમાજને જાગૃત કરવો જોઇએ. યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. તેમનું જીવન કિમતી છે. વિચાર કરતાં કરતાં ઇન્સ્પેક્ટર ઠાકોર મરનાર કિનારીના ઘર પાસે ક્યારે આવી પહોંચ્યા તેનો ખ્યાલ જ ના રહ્યો. ધીરાજીએ કહ્યું કે જીપ પાર્ક કરીને આવું છું ત્યારે તેમની વિચારધારા અટકી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે પ્રવેશ કરતા પહેલાં કિનારીનો બહારથી દેખાતો બંગલો, આસપાસના બંગલાઓ, રસ્તો અને બંગલાના આગળના જમીનના ભાગ પર નજર નાખી લીધી. બંગલામાં પ્રવેશવા માટે લોખંડનો દરવાજો ખોલવો પડતો હતો. એક ટાઇલ્સની નાની પગદંડી હતી. જેની આજુબાજુ ઘાસ ઊગી નીકળ્યું હતું. જ્યાં કોઇના પગના નિશાન ન હતા. બંગલાની ચારેતરફ ઊંચી દિવાલ હતી.

બંગલામાં પ્રવેશતાની સાથે જ હોલ હતો. અને તેમાં પંખા ઉપર પોતાની ચુનરીથી લટકીને કિનારીએ આત્મહત્યા કરી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે પ્રાથમિક તપાસ કરીને કિનારીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. બંગલાના વોચમેન બીનારામ પાસેથી તેમણે ઘટનાની વિગતો મેળવી.

આજે રવિવાર હોવાથી સાપ્તાહિક ક્રમ મુજબ સવારે નવ વાગે કિનારીના પિતા ગણપતભાઇ તેમના વયોવૃધ્ધ માતા-પિતાની ખબર લેવા પત્ની સાથે ગામ ગયા હતા. તે રવિવારે માતા-પિતાને મળી સાંજે છ વાગ્યાના અરસામાં પાછા ફરતા હતા. આજે બપોરે બાર વાગે વોચમેન નિયમિત ક્રમ મુજબ ચાર કલાક માટે આરામ કરવા બંગલાની પાછળના ભાગમાં આવેલ નાની ઓરડીમાં ગયો હતો. બાર વાગે તે કિનારીને મળીને ગયો હતો. અને પછી આ ઘટના બની હતી. ચાર વાગે બીનારામ પોતાની ફરજ પર આવ્યો ત્યારે લોખંડનો દરવાજો બંધ હતો. પણ બંગલાનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. તેણે નજર નાખી તો અંદર કિનારી દેખાઇ નહીં. પછી સહેજ ડોકિયું કર્યું તો પંખા સાથે કિનારીની લાશ લટકતી હતી. તેણે તરત જ ગણપતભાઇને ફોન કર્યો. એમણે પોલીસને જાણ કરી દીધી. પોલીસે આવીને તપાસ હાથ ધરી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોર ગણપતભાઇના આવવાની રાહ જોઇ રહ્યા હતા. કિનારીની લાશને નીચે ઉતાર્યા પછી એક લેડિઝ રૂમાલ થોડે દૂર પડેલો જણાયો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાના હાથરૂમાલથી તેને ઉઠાવી નાકથી થોડે દૂર રાખી ગંધ લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને ક્લોરોફોર્મની વાસ આવી હતી. હોલમાં જોયું તો કિનારીની કોઇ સાથે ઝપાઝપી થઇ હોય એવા કોઇ નિશાન ન હતા. જમીન પર પાથરેલી કાર્પેટ ઉપર બીજી કોઇ વસ્તુ કે નિશાન દેખાતા ન હતા. કિનારીએ હોલમાં રાખેલું ટેબલ લઇ ચુનરીથી ગળે ફાંસો લગાવી પોતાના પગથી ટેબલને ધક્કો મારી આત્મહત્યા કરી લેતાં પહેલાં ક્લોરોફોર્મનો ઉપયોગ કેમ કર્યો એ સમજાતું ન હતું. કદાચ ફાંસીથી દુ:ખાવો થાય તો સહન ના કરવો પડે એમ માની થોડો ક્લોરોફોર્મ સૂંઘી લીધો હોવાની શક્યતા દેખાતી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર વિચારમાં હતા ત્યારે ગણપતભાઇ અને લીનાબહેન આવી પહોંચ્યા. બંને પોતાની જુવાનજોધ પુત્રીને મૃત્યુ પામેલી જોઇ જોરજોરથી રડવા લાગ્યા. ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે આ સ્થિતિમાં તેમનું બયાન લેવાનું યોગ્ય નથી. તેમણે ધીરાજીને ઇશારો કર્યો અને નીકળી ગયા.

કિનારીનો પોસ્ટમોર્ટમનો રીપોર્ટ કહેતો હતો કે તેનું મોત ચુનરીના ગળાફાંસાથી થયું હતું. પરંતુ ક્લોરોફોર્મ સૂંઘવાને કારણે તે અર્ધબેભાન અવસ્થામાં હોઇ શકે છે. અને એ કોઇએ હત્યા કરી હોય એવો પુરાવો ના કહી શકાય. પહેલી નજરે આ આત્મહત્યાનો જ કેસ હતો. કિનારીએ આત્મહત્યા કેમ કરી એના કારણની તેના માતા-પિતાની મુલાકાત પછી જ ખબર પડી શકે. વોચમેન બીનારામ પર શંકા વ્યક્ત કરીને ઇન્સ્પેક્ટર ઠાકોરે વિચાર્યું કે તેની પાસે હત્યા કરવાનું કોઇ ચોક્કસ કારણ નથી. તે ભાગી ગયો નથી અને ઘરમાંથી કોઇ વસ્તુ કે રૂપિયાની ચોરી થઇ નથી. તેણે કોઇને મદદ કરી હોય એવી સંભાવના વિચારી શકાય. પણ બીજી કોઇ વ્યક્તિ શા માટે કિનારીની હત્યા કરે એ વિચારવું પડે. અને એ કોણ હોય શકે? તે અતિ સુંદર છોકરી હતી. કોલેજના પહેલા વર્ષમાં ભણતી હતી. હજુ ઉંમરથી પુખ્ત થઇ નથી પરંતુ શરીરથી પુખ્ત સ્ત્રી જેવી લાગતી હતી. કોઇએ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોય એવા નિશાન પણ શરીર પર હોવાનો રીપોર્ટ નથી. ઇન્સ્પેક્ટર ઠાકોરનું મન આ કેસને હત્યાનો સાબિત કરવામાં પાછીપાની કરતું હતું.

ત્રણ દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોર કિનારીના માતા-પિતાને મળ્યા. તેમની વાત પરથી એવું લાગ્યું કે કિનારીને વિદેશમાં કોલેજ કરવી હતી. ત્યાંનો ખર્ચ વધારે હોવાથી મધ્યમવર્ગીય ગણપતભાઇએ ના પાડી હતી. આ બાબતે તે થોડા દિવસો સુધી તેમનાથી રીસાયેલી રહી હતી. પણ હમણાં તો સારી રીતે વર્તન કરતી હતી. વિદેશમાં ભણવા ના જઇ શકી એનો ડંખ મનમાં હોય શકે. અને એ નિષ્ફળતા કે નિરાશામાં તેણે જીવન ટૂંકાવી દીધું હોવાની શક્યતાને ગણપતભાઇ નકારતા ન હતા. માતા લીનાબહેન તો એકની એક પુત્રીના મોતના આઘાતમાં કંઇપણ બોલવાની સ્થિતિમાં ન હતા. તેમની પાસેથી ખાસ કોઇ વાત જાણવા મળી શકી નહીં.

ઇન્સ્પેક્ટર ઠાકોર પોલીસ મથક પર આવીને વિચારવા લાગ્યા. ધીરાજીને થયું કે આ કેસ પર ઇન્સ્પેક્ટર ઠાકોરનું મગજ વધારે કસાય છે. તેમણે કહ્યું:"સાહેબ, આ કેસનો કોઇ એંગલ હત્યાની શંકા ઊભી કરતો નથી."

"ધીરાજી, તમારી વાત સાચી છે. ઘણા એવા કેસ હતા જ કે જેમાં શરૂઆતમાં એ આત્મહત્યાના જ લાગતા હતા. થોડા ઊંડાણમાં જઇ તપાસ કરી ત્યારે તેની ખૂટતી કડી મળી હતી. મરજીવાઓએ ઊંડા પાણીમાં ડૂબકી લગાવવી જ પડે છે. માતા-પિતાએ તો કિનારીની આત્મહત્યાને સ્વીકારી લીધી લાગે છે. તેમને તો તેની હત્યાની કલ્પના પણ થતી નથી. તેનું કારણ એવા કોઇ સંજોગો કે કારણ તેમની સામે નથી. આપણે પ્રયત્ન જરૂર કરીશું. તેની હત્યા થઇ હોય તો હત્યારો બચી જવો ના જોઇએ. મને ક્લોરોફોર્મને કારણે જ હત્યાની શંકા થઇ રહી છે. ભલે કોઇના હાથના આંગળાની છાપ મળી નથી. પણ કોઇ છોકરી પોતાને બેભાન કરવા સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરે એ મારા ગળે ઉતરતું નથી. અને કિનારીએ જે ચુનરીથી આત્મહત્યા કરી એ મને નવી ખરીદેલી લાગે છે. તેની માતા તો એ વાત પર ચોક્કસ નથી. કેમકે એની પાસે ઢગલો ચુનરી હતી."

"તો હવે કેવી રીતે આગળ વધી શકીશું?" ધીરાજીએ ચિંતાગ્રસ્ત થઇ પૂછ્યું.

થોડી ક્ષણો કંઇ જ બોલ્યા વગર ઇન્સ્પેક્ટર ઠાકોર ચૂપ બેસી રહ્યા. પછી ઉત્સાહમાં આવી ઊભા થતા બોલ્યા:"ચાલો ધીરાજી, તેની કોલેજમાં પૂછપરછ કરીએ. કંઇક તો માહિતી મળશે..."

ઇન્સ્પેક્ટર ઠાકોર એક કલાક પછી કિનારીની વિજ્ઞાન કોલેજમાં પહોંચી ગયા. પ્રિન્સિપલ અને તેના વર્ગના પ્રોફેસરો પાસેથી કોઇ ખાસ માહિતી ના મળી. પછી તેની બહેનપણીઓ અને ક્લાસમેટને મળ્યા. એક બહેનપણીએ માહિતી આપી કે કિનારી અને ધારેશને સારું બનતું હતું. બંને વચ્ચે પ્રેમ જેવું હતું કે નહીં એની ખબર નથી પણ સાથે ઘણી વખત જોયા છે. કિનારી ધારેશ માટે સારું બોલતી હતી. આમ તો તેની સુંદરતા પર ઘણા મરતા હશે. પણ હું ધારેશ વિશે કહી શકું કે એ સારો છોકરો છે.

ઇન્સ્પેક્ટર ઠાકોર તરત જ ધારેશના ઘરે ગયા. કિનારીના મૃત્યુ પછી તે કોલેજ આવ્યો ન હતો. તેને કિનારીના મોતથી આઘાત લાગ્યો હોવાનું કહી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને પૂછ્યું કે કિનારી સાથે તેને કોઇ બાબતે ઝઘડો થયો હતો? ત્યારે દસ દિવસ પહેલાં કોઇ રાજકીય સમાચારની ચર્ચા વખતે બંને વચ્ચે બોલાચાલી થઇ હોવાનું કહ્યું. પણ એને એમના જીવન સાથે લાગતું ન હોવાનું સમજી ફરી બંને સામાન્ય થઇ ગયા હતા. કિનારીના મૃત્યુનો સમય બપોરના દોઢથી બે વચ્ચેનો હતો. ધારેશ એ દિવસે રવિવારે કંટાળો આવતો હોવાથી એક જગ્યાએ કોફી પીવા ગયો હોવાનું કહી રહ્યો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે કોફી તો એ ઘરે પણ પી શકે છે. એવું બને કે કિનારી સાથે તેને કોઇ વાતે ઝઘડો થયો હોય અને ગુસ્સામાં તેને ત્યાં જઇ તેને બેભાન બનાવી લટકાવી દીધી હોય. કિનારીના ઘરની વાત એ જરૂર જાણતો હશે. તેના માતા-પિતા દર રવિવારે સવારે નવથી સાંજના છ વાગ્યા દરમ્યાન હોતા નથી એની માહિતી તેને હશે જ. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને શહેરની બહાર ન જવાની સૂચના આપી. અને તે કિનારીને પ્રેમ કરતો હતો કે કેમ? એવું પૂછ્યું ત્યારે ધારેશ બોલ્યો કે તે હજુ પ્રેમી તરીકે ચાહતો ન હતો. અગાઉ કિનારીને હેમેશ સાથે દોસ્તી હતી. જે તૂટી ગઇ હતી. તેણે બ્રેકઅપનું કારણ આપ્યું ન હતું એટલે હું આગળ વધવાની ઉતાવળ કરતો ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરના રડારમાં વધુ એક જણ આવી ગયું હતું. તે ધારેશ પાસેથી થોડી માહિતી લઇ કોલેજ પર ગયા અને હેમેશનું સરનામું મેળવ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર હેમેશના ઘરે પહોંચ્યા ત્યારે તે કાનમાં ઇયરફોન ભરાવીને મસ્તીથી ગીતો સાંભળતો હતો. પોલીસને પોતાના આંગણામાં જોઇ તે ચોંકી ગયો. તેણે ઝટપટ ઇયરફોન કાઢી નાખ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"અમે કિનારીના મોતની તપાસમાં તેના મિત્રોને મળી રહ્યા છે..."

હેમેશ સહેજ ડર સાથે બોલ્યો:"સાહેબ, આવોને...ધારેશને મળ્યા કે નહીં?"

"મારી ધારેશને મળવાની ચિંતા ના કરીશ હેમેશ, કિનારી વિશે તારી પાસે કોઇ માહિતી છે? તે આત્મહત્યા કયા કારણથી કરી શકે એનો કોઇ અંદાજ છે?"

"સાહેબ, એના મૃત્યુનો અમને બધા મિત્રોને શોક છે. એ બહુ મહત્વાકાંક્ષી હતી. બહુ ઊંચા વિચારો ધરાવતી હતી. પોતાને સમથિંગ માનતી હતી. કોઇ વાતે નિરાશા મળી હોય તો આત્મહત્યા કરી શકે એવી હતી..."

"તને ક્યારે અને કેવી રીતે ખબર પડી?"

"હું સોમવારે કોલેજ જવાનો હતો ત્યારે મેસેજ આવ્યો કે કિનારીનું મોત થયું હોવાથી આજે રજા છે. એટલે હું કોલેજ ગયો નહીં...મેં અખબારમાં પણ વાંચ્યું હતું કે તેણે વિદેશ જવા ન મળતા આત્મહત્યા કરી હોય શકે..."

"રવિવારે તું ક્યાં હતો?"

"રવિવારે? હં..ઘરે જ હતો."

"ક્યાંય બહાર નીકળ્યો જ નથી?"

"ના... હા, બપોરે મમ્મીએ તેલનો ડબો અને સામાન લેવા મોકલ્યો હતો. પણ અડધો કલાકમાં તો પાછો આવી ગયો હતો."

"અચ્છા, તારો મોબાઇલ આપ તો..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે ધારેશની જેમ જ તેનો મોબાઇલ તપાસી જોયો. તેના મોબાઇલમાં પણ રવિવારે બપોરે એકથી ચારમાં કોઇનો કોલ ન હતો. પછી તેની માતાને પૂછ્યું. તેમણે કહ્યું કે રવિવારે બપોરે અમારા કરિયાણાવાળાના માણસનો ફોન હતો કે તમારો સામાન તૈયાર છે એટલે મેં હેમેશને મોકલીને મંગાવી લીધો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર કરિયાણાવાળાને ત્યાં ગયા અને પૂછપરછ કરી. તેમણે કહ્યું કે હેમેશ રવિવારે સામાન લઇ ગયો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર દુકાનમાંથી બહાર નીકળી ધીરાજીને કહેવા લાગ્યા:"ધારેશ અને હેમેશ બંને બપોરે બહાર નીકળ્યા હતા પણ એમણે બતાવેલા કારણના પુરાવા છે. છતાં મારી શંકા હવે મજબૂત બનતી જાય છે."

"પણ સાહેબ, ત્યાં આત્મહત્યાના સમય પર કોઇ આવ્યું હોય એના બૂટ-ચંપલના પણ નિશાન નથી તો તમે કેવી રીતે સાબિત કરશો?"

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"થોડી તપાસ બાકી છે. કિનારીની હત્યા થઇ હોય શકે....":

ધીરાજીને લાગ્યું કે ઇન્સ્પેક્ટર ઠાકોરને જરૂર કોઇ કડી મળી છે.

ત્રણ દિવસ પછી કિનારીનો આત્મહત્યાનો કેસ હત્યાનો સાબિત થઇ ગયો. આરોપી હેમેશ ઇન્સ્પેક્ટર ઠાકોરની સામે હાથકડી પહેરીને બેઠો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"હેમેશ, તેં આયોજન તો જડબેસલાક કર્યું હતું. પરંતુ હું પગેરું દબાવતો તારા સુધી પહોંચી જ ગયો છું. તેં કોલેજની લેબોરેટરીમાંથી ક્લોરોફોર્મની ચોરી કરી હતી તેના સાક્ષી પટાવાળા અને જેના મોબાઇલ પરથી ચોરીછૂપી દુકાનદારના માણસ તરીકે તેં ફોન કર્યો હતો એની મને માહિતી મળી ગઇ છે. મેં ત્રૂટક વાર્તા સમજી લીધી છે. હવે તું આખી વાત કહીશ?"

હેમેશ કરગરી રહ્યો:"સાહેબ, મને માફ કરી દો, મેં ગુસ્સામાં આવી કિનારીને મારી છે. મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે..."

"ભાઇ, ભૂલ નાની હોય કે મોટી સજા તો ભોગવવી જ પડે છે. એવું તે કયું કારણ હતું કે તારે કિનારીને મારવાની નોબત આવી ગઇ?" ઇન્સ્પેક્ટર ઠાકોરે ઊંચા અવાજે કહ્યું.

"જી...જી.. સાહેબ" કહી આંખના આંસુ લૂછતાં હેમેશ બોલવા લાગ્યો:"કોલેજના પહેલા જ દિવસે હું તેના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. મેં થોડા જ દિવસમાં તેની સાથે દોસ્તી કરી લીધી. તે મારી જાળમાં સપડાઇ ગઇ હતી...." પછી પાછો ખામોશ થઇ ગયો. ઇન્સ્પેક્ટર ઠાકોરે કરડી નજરના ઇશારાથી તેને આગળ બોલવા કહ્યું.

હેમેશ સહેજ ગભરાતા બોલ્યો:"એને વિદેશનું ઘેલું હતું. એને એક ઓળખીતાની મદદથી વિદેશ લઇ જવાની લાલચ આપી મેં શરીર સંબંધ બાંધી લીધો હતો. જ્યારે તેને ખબર પડી કે હું તેને બનાવી રહ્યો છું ત્યારે તેણે મારી દોસ્તી છોડી દીધી. હું તો ખુશ હતો કે તેની સાથે સંબંધ બાંધી લીધો. અમે બંને આ બાબતે ચૂપ જ રહ્યા. તેણે મને છોડી ધારેશ સાથે દોસ્તી શરૂ કરી ત્યારે મેં એને ચીમકી આપી કે હું ધારેશને આપણા સંબંધ બાબતે કહી આપીશ. ત્યારે તેણે મારા પર બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી અને પુરાવો હોવાનું જણાવ્યું. ત્યારથી હું ગભરાઇ ગયો. મને થયું કે એ ગમે ત્યારે મારા વિરુધ્ધ ફરિયાદ કરે એ પહેલાં તેનો અંત લાવી દઉં. મેં એક વેબસીરીઝમાં આવું જોયું હતું. મેં કોલેજની લેબમાંથી થોડું ક્લોરોફોર્મ લઇ લીધું. ત્યારે પટાવાળો મને જોઇ ગયો હશે એવો ખ્યાલ નથી. મને ખબર હતી એટલે હું રવિવારે બપોરે એક નવી ચુનરી અને લેડિઝ રૂમાલ લઇ કિનારીના બંગલે ગયો. એ માટે મેં મારા ફળિયાના મિત્રના ફોન પરથી ચોરીછૂપી અવાજ બદલી કરિયાણાવાળાના માણસ તરીકે ફોન કર્યો કે સામાન લઇ જાવ. હું નજીકમાં જ હતો એટલે માએ મને સામાન લાવવા કહ્યું. હું ફુલસ્પીડે એકટીવા ચલાવીને સામાન લઇ કિનારીના ઘરે પહોંચી ગયો. બપોરના સમય પર બધા બંગલામાં લોકો આરામમાં હતા. મેં બે દિવસ પહેલાં જ મારા ચંપલમાં પાતળા રબરના ત્રણ ગોળ ટુકડા ચોંટાડી દીધા હતા. જેથી મારા ચંપલના નિશાન બંગલાની લોન પર ના દેખાય. મેં ફટાફટ એક્ટીવાની ડેકીમાંથી હાથમોજા કાઢી પહેરી લીધા અને ચુનરી ગળામાં લટકાવી લેડિઝ રૂમાલમાં થોડું ક્લોરોફોર્મ નાખી દરવાજે પહોંચી ડોરબેલ વગાડી. કિનારીએ દરવાજો ખોલ્યો અને મને જોઇ ચોંકી ગઇ. તેને થયું કે એકલતાનો લાભ લેવા હું આવ્યો છું. તે કંઇ બોલે કે બૂમ પાડવા જાય એ પહેલા જ મેં તેના નાક પર ક્લોરોફોર્મવાળો રૂમાલ દબાવી દીધો. થોડી જ સેકન્ડસમાં તેનું શરીર લથડવા લાગ્યું. મેં તેને સિલિંગ પંખા નીચે કારપેટ પર સૂવડાવી અને ગળામાં ચુનરી બાંધી દીધી. પછી ટેબલ પર ઊભી રાખી ચુનરી ખેંચી લીધી. અને ટેબલ ગબડાવી દીધું. ક્લોરોફોર્મવાળો રૂમાલ ત્યાં જ રહેવા દીધો. મારા હાથના નિશાન કોઇ જગ્યાએ નથી તેની ખાતરી કરી ભાગી આવ્યો...."

"હેમેશ, કાનૂનથી કોઇ ભાગી શકતું નથી...."

"સાહેબ, મને તો પૂરો વિશ્વાસ હતો કે આ આત્મહત્યાનો જ કેસ ગણાશે...તમે એક પછી એક જણને પૂછતા પૂછતા મારા સુધી આવશો એની મને કલ્પના ન હતી...."

"હવે તારી જિંદગી એટલી ખરાબ હશે કે તે સપનામાં પણ કલ્પના કરી નહીં હોય. તું સગીર છે એટલે કેસ અલગથી ચાલશે." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે એક અખબારવાળાને ફોન કર્યો અને કહ્યું કે કિનારીનો કેસ તો ઉકેલાયો છે... પણ એની વિગતમાં એ વાત જરૂર લખજો કે આજના યુવાનો ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરની સેક્સ અને હિંસાથી ભરપૂર વેબસીરીઝ જોઇને ખોટી પ્રેરણા લઇ રહયા છે, અને અંધારામાં આ બધું જોઇ ઉજવળને બદલે અંધકારમય ભવિષ્યમાં ગરકાવ થઇ રહ્યા છે.

***

વાચકમિત્રો, આપના પ્રેમને કારણે જ મને માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો હતો.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે.

અને જેના મે-૨૦૨૦ માં પહેલા પ્રકરણને ૮૭૦૦ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે એ માતૃભારતી પરની મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED