ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૮ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૮

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું અઢારમું

ઇન્સ્પેક્ટર ઠાકોરને એક અજીબ લાગતા કેસ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ અકસ્માત મોતનો લાગતો હતો પણ હત્યાનો હોવાની શક્યતા ઓછી ન હતી. ચોક્કસ કહી શકાય એમ ન હતું. એટલે જ ઇન્સ્પેક્ટર ઠાકોરને કેસ સોંપવામાં આવ્યો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કેસ વિશે બધી માહિતી મેળવી. ગણવીર નામના જે યુવાનનું મોત થયું હતું એ મૂળ બિહારનો હતો. ચાર માસ પહેલાં તેના લગ્ન શાવરી નામની એના જ ગામની યુવતી સાથે બિહારમાં થયા હતા. અમદાવાદમાં ગણવીર એક કંપનીમાં છૂટક કામ કરતો હતો. તેની પત્ની શાવરીના બયાન મુજબ બનાવના દિવસે ગણવીર સાંજે કામ પરથી આવ્યો ત્યારે આદત મુજબ થોડો દારૂ પીને આવ્યો હતો. પરંતુ ત્યારે શાવરીએ તેને કંઇ કહ્યું નહીં. દરરોજ તે ગણવીરને આ બાબતે ટોકતી હતી. એ દિવસે તેણે ગણવીરને ખુશખબર આપ્યા કે તે મા બનવાની છે. આ વાતથી ગણવીર ખુશ થઇ ગયો. શાવરીએ તેને કહ્યું કે હવે તે પિતા બનવાનો હોવાથી તેણે આવતીકાલથી દારૂ છોડી દેવો જોઇએ. ગણવીરે ઉત્સાહમાં શાવરીને વચન આપ્યું કે તે આવતીકાલથી દારૂ પીશે નહીં. પણ આજે તેને મનભરીને પી લેવા દે. શાવરીએ તેની વિનંતી માન્ય રાખી અને ગણવીર દારૂના અડ્ડા પર જઇ એક મોટી દારૂની બોટલ લઇ આવ્યો. તે સસ્તો દારૂ પીતો હતો અને શાવરી ઇચ્છતી હતી કે તે પોતાના શરીરની સ્વસ્થતા માટે આવો દારૂ ના પીએ. એ દિવસે શાવરીને ઉપવાસ હતો. તેણે ગણવીર માટે થાળીમાં ભોજન કાઢ્યું અને તેને જમી લેવાનું કહી પોતે દસ મિનિટ માટે થોડે દૂર આવેલ કરિયાણાની દુકાને લોટ લેવા ગઇ. લોટ ખલાસ થઇ ગયો હોવાથી વહેલી સવારે ગણવીરને ટિફિનમાં રોટલા આપી શકે એમ ન હતી. એ પાછી ફરી ત્યારે ગણવીર અડધી દારૂની બોટલ ખાલી કરી જમવાની થાળી પાસે જ ઢળી પડ્યો હતો. શાવરીને થયું કે વધારે પડતો પીને સૂઇ ગયો છે. પણ જ્યારે તેના મોંમાં ફીણ જોયું ત્યારે તે ચમકી અને બૂમાબૂમ કરી આસપાસના લોકોને બોલાવ્યા. કોઇએ તેને હોસ્પિટલમાં લઇ જવાની વ્યવસ્થા કરી. ડોકટરે તેને મૃત જાહેર કર્યો અને ઝેરી દારૂને લીધે અથવા દારૂમાં ઝેરી તત્વ ભળવાથી તેનું મોત થયાની શંકા વ્યક્ત કરી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ એ જ કારણ આવ્યું.

ગણવીરને એ દિવસે પિતા બનવાના ખુશખબર મળ્યા હોવાથી એ આત્મહત્યા કરે એવી કોઇ શકયતા ન હતી. અને તેની પત્ની શાવરી જમવાનું આપીને નજીકની દુકાને ગઇ જ હતી એના પુરાવા મળ્યા હોવાથી તેના પર શંકા થઇ શકે એમ નથી. તે લોટ લેવા ગઇ ત્યારે બાજુમાં રહેતી હેતિકાને કંઇ લાવવું હોય તો લઇ આવું એમ પૂછીને ગઇ હતી. અને દુકાનદારે પણ એમ કહ્યું કે તે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં લોટ લેવા આવી હતી. ગણવીરના મોતનો સમય પણ એ જ છે. સૌથી મોટી વાત એ હતી કે શાવરીના પેટમાં જ્યારે ગણવીરનો અંશ ઉછરતો હોય ત્યારે એ શા માટે એની હત્યા કરે? ખુદ શાવરી એમ કહીને રડતી હતી કે તેના બાળકને જન્મતા પહેલાં જ કોઇએ અનાથ બનાવી દીધું. શંકાની સોય દારૂના અડ્ડાવાળા માણસ રાજગ ઉપરાંત તેને ઉછીના-ઉધાર આપતા એક વૃધ્ધ સૈનીલાલ પર ફરે છે. રાજગે તેને દારૂના લાંબા સમયના પૈસા ચૂકવવા એ જ દિવસે તાકીદ કરી હતી. તે પાછો દારૂ લેવા ગયો ત્યારે તેને ધમકી પણ આપી હતી કે આ છેલ્લી વખત આપે છે. હવે પછી અગાઉના પૈસા નહીં ચૂકવે તો મારી મારીને વસૂલ કરશે. તેણે મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે સૈનીલાલે તેને એક દિવસ પહેલાં તેના બાકી લેણાની ચૂકવણી કરવા તાકીદ કરી હતી. ગણવીરને જુગારનો શોખ હતો અને તે ઘણા સમયથી જુગાર રમતો હતો. તે ઘણી રકમ ગુમાવી ચૂક્યો હતો. આ બાબતે શાવરીને કોઇ માહિતી નથી. એ તો એટલી આઘાતમાં છે કે કંઇ કહી શકે એમ નથી. ગણવીરના આવા ઘણા દુશ્મન હતા. એવી પણ વાત છે કે તે અંડરવર્લ્ડના કોઇ માણસ માટે પણ કામ કરતો હતો. કોઇએ તેને પતાવી દીધો હોય એમ પણ બને. ગણવીર કે શાવરી પાસે મોબાઇલ જ ન હતો એટલે ટેકનોલોજીની કોઇપણ મદદ મળે એમ ન હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરને લાગ્યું કે ગણવીર બધી રીતે બદમાશ હતો. તેની હત્યા જો અંડરવર્લ્ડવાળાએ કરી હશે તો એને શોધવાનું કામ મુશ્કેલ છે. એ માટે ગણવીરની આખી કુંડળી કાઢવી પડે એમ હતી. મા બનનારી એક પત્નીને ન્યાય અપાવવા ગણવીરના હત્યારાને શોધવાની જરૂર હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે રાજગ અને સૈનીલાલ ઉપરાંત બીજા કેટલાક લોકોની તપાસ કરી લીધી. હવે ગણવીરના જીવન વિશે વધુ માહિતી માટે શાવરીને મળવાનું જરૂરી હતું. પણ એ પતિની લાશ સાથે બિહાર પોતાના ગામ જતી રહી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને એમ થયું કે હવે એ અહીં પાછી ના પણ આવે. તેના માતા-પિતા અને સાસરીવાળા શું કહે છે એના પર બધો આધાર હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરને ખબર પડી કે શાવરી એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોર હોસ્પિટલમાં પહોંચ્યા અને જોયું તો નાની હોસ્પિટલ હતી. સાત-આઠ જેટલા કર્મચારી હતા. બધાએ શાવરી વિશે સારું જ કહ્યું. શાવરી સાથે જેમને વધારે મળવાનું થતું હતું એ ડૉકટર વિરાણીએ કહ્યું કે છોકરી મહેનતુ અને દયાળુ છે. એનો વર થોડો વ્યસની હતો. એના માટે તેણે ગયા મહિને પગારના થોડા રૂપિયા એડવાન્સમાં લીધા હતા. એકાઉન્ટન્ટ અને સુપરવાઇઝર હરજાને પણ શાવરીના પતિના ખરાબ લક્ષણો કહ્યા. એણે તો ત્યાં સુધી કહ્યું કે એને એના પાપોની સજા મળી લાગે છે. ત્રીજો માણસ ચોકીદાર બોલ્યો કે શાવરીને તેણે એક વખત એકલી રડતા જોઇ હતી. એણે મને કહ્યું હતું કે એને પતિના દારૂના વ્યસનનો ત્રાસ છે. નવી નવેલી દુલ્હન જેવી શાવરીએ એ કારણે જ આવીને તરત નોકરી શોધવી પડી હતી. બીજા પણ કર્મચારીઓએ શાવરીની દયા ખાધી. શાવરી દિલની સાફ છે. એ પોતાના સહકર્મચારીઓથી કશું છુપાવતી ન હતી. ત્રણ જ માસમાં તે હોસ્પિટલના સ્ટાફ સાથે ભળી ગઇ હોવાનું ડોક્ટરે કહ્યા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે તે પાછી નોકરી કરવા આવી શકે છે. ગણવીરના મૃત્યુ પછીની બધી વિધિ પતાવીને તે પંદર દિવસમાં ના આવે તો બિહાર જઇને આગળ તપાસ કરવાનું નક્કી કરી ઇન્સ્પેક્ટર ઠાકોર બીજા કેસને સુલઝાવવા તપાસમાં લાગી ગયા.

ઇન્સ્પેક્ટર ઠાકોર પાસે હજુ ઘણા દિવસ હતા. આ દરમ્યાન બીજા કેસ સાથે ગણવીરના મોત ઉપર પણ ચિંતન અને ચેકિંગ ચાલુ રાખ્યા હતા. એક દિવસ ગણવીરના બંધ ઘરમાં તપાસ કરવા ગયા. ઘર નહીં પણ એક સામાન્ય ઓરડી જ હતી. દસ બાય દસથી થોડી મોટી હતી. એક ખૂણામાં રસોડું અને બીજા ખૂણામાં ચોકડી હતી. જ્યાં પડદાથી નાહવા વખતની વ્યવસ્થા હતી. તેમણે રસોડામાં જોયું તો શાવરી ગણવીરના મોતના દિવસે લાવેલી એ લોટની થેલી પડી હતી. તેમાં બે-ત્રણ મસાલાના અને અન્ય ખાવાની વસ્તુઓ હતી. તેમણે રસોડાના ડબ્બાઓ અને ખાટલાના ગાદલા નીચે સહિતની કેટલીક જગ્યાઓ તપાસી જોઇ. ઇન્સ્પેક્ટર ઠાકોરને હતું કે અંધારી આલમના ગણવીરના સંબંધ વિશે કોઇ કડી મળી જાય તો હત્યારા સુધી જલદી પહોંચી જવાય. પણ આટલા આધુનિક સમયમાં ગણવીર પાસે મોબાઇલ ન હતો. કદાચ અંધારી આલમનો કોઇ ડોન પોતાના માણસને કોઇ પકડી ના શકે એ માટે આ રીતે કામ કરાવતો હોય એમ બની શકે. અને એ કારણે જ પોતે અંધારામાં ફાંફા મારી રહ્યા હોય એવી સ્થિતિમાં લાગતા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે કેટલાક ફોટા પાડી ધીરાજીને બાકીની તપાસ કરવા કહ્યું. ધીરાજીને લાગ્યું કે ઇન્સ્પેક્ટર ઠાકોર માટે આ કેસ મુશ્કેલ બની રહ્યો હતો. કેસની દિશા પકડાતી ન હતી. હવે શાવરીની રાહ જોવાની હતી. જો શાવરી ના આવે તો બિહારની પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કરી થોડા દિવસ શાંત બેસી રહ્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરને વધારે રાહ જોવી ના પડી. શાવરી ગણવીરની બધી વિધિ પતાવી પોતાના ઘરમાં પાછી ફરી હતી. શાવરીના પડોશીને સૂચના આપી હતી એટલે તેણે ઇન્સ્પેક્ટર ઠાકોરને શાવરી આવી હોવાની જાણ કરી દીધી. તે બીજા જ દિવસે તેને મળવા પહોંચી ગયા. શાવરી સાથેની વાતો પછી એવું લાગ્યું કે તેને પણ અંધારી આલમ પર શંકા છે. ગણવીર ઘણી વખત રાત્રે ચોરીછૂપી ક્યાંક જતો હતો. આવ્યા પછી તે કંપનીમાં કામ હોવાનું બહાનું બનાવતો હતો. શાવરીએ તેની સાથે લગ્ન કેવી રીતે કર્યા એ અંગે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે એમના ગામમાં ગણવીરના માતા-પિતાનું સારું નામ હતું. ગણવીર અમદાવાદની કોઇ કંપનીમાં નોકરી કરતો હતો. અને સારો દેખાતો હતો. એટલે મા-બાપના કહેવાથી તે પરણી હતી. અહીં આવ્યા પછી તેને ગણવીરની દારૂ પીવાની આદતની ખબર પડી હતી. તે ઓછું કમાતો હોવાથી તેની પાસે પૈસા માગતો રહેતો હતો. એ વાતની શાવરીને કોઇ ચિંતા ન હતી. તેને ગણવીરના જીવ અને તબિયતની ચિંતા હતી. તે કોઇ ખોટા કામમાં સંડોવાય નહીં એ માટે કહેતી રહેતી હતી. તેની સાથે ઝઘડો કરતી ન હતી. બંનેનું લગ્નજીવન સારું જતું હતું. આ રીતે તે એક જ ઝાટકે તેને છોડીને ચાલ્યો જશે એવી કલ્પના કરી ન હતી. ધીરાજીને શાવરીની દયા આવી. પતિના મોત પછી પોતાના બાળકને તે કેવી રીતે સંભાળશે અને જીવશે એની કલ્પના થતી ન હતી. શાવરી ગામમાં રહેવાને બદલે અહીં આવી ગઇ એનું કારણ બાળકને સારી રીતે જન્મ આપી શકે અને ઉછેરી શકે એમ કહેતી હતી. ધીરાજીને તેની વાત સાચી લાગતી હતી. તે શાવરીને અહોભાવથી જોઇ રહેતા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે શાવરીને મળીને બહાર નીકળ્યા પછી જીપમાં બેસતી વખતે કહ્યું:"ધીરાજી, એવું લાગે તો હું ચલાવી લઉં!"

ધીરાજીને પહેલાં તો નવાઇ લાગી પણ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરના ચહેરા પરનો મલકાટ જોઇ સમજી ગયા કે પોતે શાવરીની સુંદરતાથી વધુ પ્રભાવિત થયા હતા અને એનો જ ચહેરો પોતાની આંખમાં દેખાતો હતો એ વાત એમની નજરમાં પામી ગયા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે અંધારી આલમના ગણવીર સાથેના સંબંધની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. એમાં બે દિવસ નીકળી ગયા. દારૂ, જુગાર અને અંધારી આલમના ત્રિવિધ જોડાણની તપાસ તેમણે કરી જોઇ.

સવારે ઓફિસ પર આવી ધીરાજીને જીપ તૈયાર કરવાનું કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે ડૉ. વિરાણીને ફોન કરી કહ્યું:"ડૉક્ટર સાહેબ, આજે સવારથી પેટમાં દુ:ખે છે. દવા લેવા તમારા દવાખાને આવી શકું?"

ડૉ.વિરાણીએ તેમને આવવા કહ્યું. ધીરાજીએ નવાઇથી પૂછ્યું:"સાહેબ, પેટમાં દુ:ખતું હતું તો કહેવું હતું ને? સોડા તો મંગાવી લેત?"

"ધીરાજી, આ પ્રસવ પીડા છે!" એમ ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા ત્યારે ધીરાજીને સમજાયું નહીં.

ડૉ.વિરાણીની હોસ્પિટલ પરથી એક કલાક બાદ પાછા ફરી ઇન્સ્પેક્ટર ઠાકોર શાવરીના મકાન પર પહોંચ્યા. ઇન્સ્પેક્ટર ઠાકોરને આવેલા જોઇ શાવરીએ પહેલું જ પૂછ્યું:"સાહેબ, ગણવીરનો હત્યારો કોણ છે એની ખબર પડી?"

"શાવરી, હું થોડો અસમંજસમાં છું. તું કોઇ માહિતી આપે તો જલદી ખબર પડે એમ છે. મને તો એણે પીધેલી દારૂ જ ઝેરી લાગે છે. દારૂના અડ્ડાવાળાએ જોયા વગર જૂની બાટલી તેને આપી દીધી હોવી જોઇએ...."

"તમારી વાતમાં વજન લાગે છે સાહેબ, જુઓને, એણે પીવાનું શરૂ કર્યું અને હું બજારમાં જઇને આવી એટલી વારમાં તો એના મોંમાંથી ફીણ નીકળી ગયું હતું. મને તો લાગે છે કે દારૂ જ ખરાબ હતો."

"શાવરી, એમ કહેવાય છે કે દારૂની બોટલ એના પીનારને જ પી જાય છે. પણ જો પત્ની વધારે પીવડાવે તો પીનાર પતિ 'પતી' જાય છે. એ વાતની પણ તને ખબર જ હશે કે સ્ત્રીના પેટમાં રહેલા બાળકને અને સત્યને છુપાવી શકાતું નથી. તેં પેટમાં રહેલું બાળક છુપાવ્યું નથી પણ તારો ગુનો જાહેર થઇ ગયો છે. હરજાનની મદદથી ગણવીરનું તેં જ મોત નિપજાવ્યું છે...."

"સાહેબ, આ બધું શું કહો છો? મને સમજાતું નથી. હું મારા પતિને શા માટે મારું? મને એની સામે કોઇ ફરિયાદ જ ન હતી. એના માટે લાગણી હતી. એના વ્યસન અને ખોટા ધંધા છોડાવવાનો પ્રયત્ન કરતી હતી. હું મારા બાળકના પિતાની હત્યા શા માટે કરું કે કરાવું?"

ઇન્સ્પેક્ટર ઠાકોરે કાતર આંખે તેની આંખમાં જોઇને કહ્યું:"બોલ, કેટલા પુરાવા આપું?" પછી પોતાના મોબાઇલમાં તેના ઘરની તલાશી વખતે એક ડબ્બામાં રહેલા લોટનો ફોટો બતાવ્યો. અને આગળ બોલ્યા:"તેં ઘણી ચાલાકી કરી પણ ગુનેગાર કોઇને કોઇ ભૂલ તો કરતા જ હોય છે. તું લોટ લેવા ગઇ ત્યારે પડોશીને કહેતી ગઇ હતી એ પરથી મને પહેલી શંકા ઊભી થઇ હતી. ગણવીરની હત્યા વખતે તું ત્યાં હાજર ન હતી એ સાબિત કરવા આ જરૂરી હતું. એ દિવસે તું હરજાનની સાથે નક્કી કરીને જ નીકળી હતી કે મા બનવાની ખુશીની વાત કરી એની પાસે છેલ્લી વાર દારૂ મંગાવીશ. ત્યારે હરજાને ત્યાં હાજર રહેવું અને તેને પોતાના તરફથી ઝેર નાખેલી દારૂની બોટલ ભેટ આપી દેવી. અમે હરજાનની ધરપકડ કરી લીધી છે અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. હવે તું તારો ગુનો કબૂલી લે એમાં જ તારી ભલાઇ છે....અને આવું કેમ કર્યું એ કહે."

શાવરી રડી પડી.

થોડીવારે આંસુ લૂછતા બોલી:"મેં ગણવીર સાથે લગ્ન કર્યા ત્યારે ખબર ન હતી કે તે ખરાબ માણસ છે. એક જ અઠવાડિયામાં હું તેનાથી ત્રાસી ગઇ હતી. મેં ઘર ચલાવવા નોકરી શોધવા માંડી. અમારા મહોલ્લામાં રહેતી મીનાભાભીએ મને કહ્યું કે તેના પતિ ચેકઅપ માટે ડૉ.વિરાણીની હોસ્પિટલે ગયા ત્યારે ખબર પડી કે ત્યાં નર્સની જરૂર છે. હું ત્યાં પહોંચી ગઇ. ડૉ. વિરાણી સારા માણસ છે. મારી પરિસ્થિતિ વિશે જાણ્યું અને મારામાં વિશ્વાસ મૂકી નોકરીમાં રાખી લીધી. ત્યાં કામ કરતા હરજાન સાથે પહેલા જ દિવસથી મારી નજર મળી ગઇ. થોડા જ દિવસોમાં અમે એકબીજાને ચાહવા લાગ્યા. એક રવિવારે હોસ્પિટલમાં ખાસ કોઇ ન હતું. અને અમે ભાન ભૂલ્યા. બે મહિના પછી અમને ભાન થયું કે મોટી ભૂલ કરી બેઠા હતા. મારા પેટમાં હરજાનનું બાળક ઉછરી રહ્યું હતું. ગણવીર પરિવાર નિયોજનનું સાધન વાપરતો હતો. એટલે મારી સ્થિતિ કફોડી બની ગઇ. ઘણા વિચાર પછી અમે ગણવીરને દગો કરી બાળકને જન્મ આપવાને બદલે તેને હટાવી દઇ થોડા સમય પછી પરણી જવાનું નક્કી કરી લીધું. અમને કલ્પના પણ ન હતી કે આ રહસ્યની પોલીસને ખબર પડશે. અંધારી આલમની વાતો મેં તમને ગેરમાર્ગે દોરવા જ કરી હતી...."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"તેં અમને ગેરમાર્ગે દોરાવાના ઘણા પ્રયત્ન કર્યા હતા એની મને ખબર છે. કોઇ સ્ત્રી પતિના મૃત્યુ પછી બાળકને જન્મ આપવાનો નિર્ધાર કરી લે અને તેની વિધિ પતાવીને તરત અહીં પાછી આવે એ પરથી મારી શંકા દ્રઢ બની હતી. ગણવીરનું મોત થયું એ દિવસે હરજાન એને મળ્યો હતો એ વાત દારૂના અડ્ડાવાળા પાસેથી મને જાણવા મળી હતી. હું ડૉ.વિરાણીના બધા જ પુરુષ સ્ટાફના ફોટા લઇ દારૂના અડ્ડાવાળા પાસે ગયો હતો. તેણે હરજાનને ઓળખી બતાવ્યો એ પરથી મને સમજાઇ ગયું હતું કે આ પતિ, પત્ની ઔર વોને કેસ છે. તારી અંધારી આલમની શંકા બાબતે મેં તપાસ કરાવી એમાં કોઇ કડી ના મળી. સૈનીલાલ તેની પાસે રૂપિયા માગતો હતો પણ એ માટે એને પતાવી દે એ માની શકાય એમ ન હતું. એ દિવસે સૈનીલાલ બહાર જ હતો. દારૂના અડ્ડાવાળાની રૂપિયાની ઉઘરાણીની વાત સાચી હતી. તેં જ એને રૂપિયા આપી જબરદસ્તી દારૂ લેવા મોકલ્યો હતો. ત્યાં હરજાન હાજર હતો. તેણે તેને દારૂના અડ્ડા સુધી પહોંચવા દીધો ન હતો. પોતાના તરફથી દારૂની બોટલ ભેટ આપી એટલે રૂપિયા બચ્યા એના કારણે એ ખુશ હતો. તમને એમ કે તમે બે જ જણ જાણો છો આ વાત. અસલમાં હરજાને દારૂની બોટલ ખરીદી હતી એની અડ્ડાવાળાને ખબર હતી. તેને ખબર ન હતી કે હરજાન એમાં દારૂ ભેળવવાનો હતો. અને ગણવીરને આપવાનો હતો. એણે મને કહ્યું કે અમારો દારૂ પીને તરત કોઇ મરી ગયું હોય એવું બન્યું નથી. અને અમે રૂપિયા જેની પાસે લેવાના છે એને મારી નાખીએ તો આપે કોણ?.... શાવરી, તું હરજાન સાથે નવી જિંદગી શરૂ કરવા પાછી આવી છે પણ તમારી જિંદગી હવે જેલમાં જ વીતવાની છે. તને કદાચ હવે ખ્યાલ આવશે કે ગણવીર સાથેની જિંદગી આ જેલથી ઘણી સારી હતી..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે શાવરીની ધરપકડ કરી બંને સામે ગણવીરની હત્યાનો ગુનો દાખલ કરાવી દીધો. ધીરાજી કહે:"સાહેબ, હવે ખબર પડી કે તમારા પેટમાં દુ:ખતું ન હતું. પણ શાવરીના પેટમાં રહેલા બાળકના પિતાનું રહસ્ય ઉકેલવા તમે ડૉ.વિરાણીની હોસ્પિટલમાં ગયા હતા.."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ધીરાજી, તમે ઘણા સમજદાર થઇ ગયા છો!"

ધીરાજી કહે:"તમારી સંગતની થોડી તો અસર આવે ને!"

***

વાચકમિત્રો, આપને કારણે જ મને માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી નવલકથા 'લાઇમ લાઇટ' પસંદ કરવામાં આવી છે. એક અતિશય સેક્સી અને ગ્લેમરસ યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે.

અને જેના મે-૨૦૨૦ માં પહેલા પ્રકરણને ૮૭૦૦ વાચકો ડાઉનલોડ કરી ચૂક્યા છે એ માતૃભારતી પરની મારી સૌથી વધુ વંચાયેલી નવલકથા "રેડલાઇટ બંગલો" આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની આ વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

***