Incpector Thakorni Dairy - 9 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૯

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું નવમું

ઇન્સ્પેક્ટર ઠાકોર કોઇ કેસમાં વ્યસ્ત હતા ત્યારે સમાચાર મળ્યા કે એક પરિણીતાનું બાથરૂમમાં સફોકેશનને કારણે મોત થયું છે. ત્યારે એ વાત પોલીસ કર્મચારીઓ માટે સામાન્ય હતી. આ પ્રકારે દમ ઘૂંટાવાથી મોત થયાના બનાવ બનતા રહેતા હતા. એક જગ્યાએ રાત્રે ઘરમાં જનરેટરને કારણે શ્વાસ રુંધાવાથી ઊંઘમાં જ પાંચ જણના મોત થયાનો બનાવ બન્યો હતો. પણ ન જાણે કેમ કેટલીક પ્રાથમિક વિગતો પરથી ઇન્સ્પેક્ટર ઠાકોરને આ કેસમાં રસ પડ્યો. તેમણે હાથ પરનો કેસ મુલતવી રાખ્યો. અને ધીરાજીને સાથે લઇ ઘટના સ્થળે પહોંચી ગયા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે આખો કેસ સમજવાની કોશિષ કરી. વિશાળ બંગલાના માલિક નવારુભાઇ કેટલાંક વર્ષો પૂર્વે ગુજરી ગયા હતા. પત્ની કમનાબેન તેમના બે પુત્ર તથા તેમની પુત્રવધુઓ સાથે રહેતા હતા. પુત્રોનો મોટો બિઝનેસ છે. પરિવાર ખૂબ સુખ-શાંતિથી રહે છે. આજે સવારે મોટા પુત્ર નલંદની પત્ની શિરિખા દૈનિક ક્રમથી મોડા બાથરૂમમાં નહાવા ગઇ હતી. નલંદ બિઝનેસના કામથી વહેલી સવારે પાંચ વાગે નીકળી ગયો હતો. એટલે શિરિખા તેને વિદાય આપી પાછી સૂઇ ગઇ હતી. અને મોડી ઊઠી હતી. નલંદનો નાનો ભાઇ વિનેત ઓફિસ જવા નીકળી ગયો હતો. ઘરમાં પરિવારના અન્ય સભ્યોમાં નલંદના નાના ભાઇ વિનેતની પત્ની નાવિકા અને સાસુ કમનાબેન પોતપોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા. શિરિખા નહાવા ગઇ અને તેની થોડીવાર પછી કમનાબેનને પુત્રવધુ નાવિકાની ચીસો સંભળાઇ. તે પૂજા વિધિ પડતી મૂકીને અવાજની દિશામાં દોડ્યાં. શિરિખાના બેડરૂમના એટેચ્ડ બાથરૂમ પાસે જઇને જોયું તો નાવિકા દરવાજો ખખડાવી રહી હતી. બાથરૂમમાં ગરમ વરાળ ફેલાયેલી હતી. ગેસ ગીઝરનો નળ ચાલુ હતો. પાણી વહી રહ્યું હતું. અને વરાળ બહાર આવી રહી હતી. અંદરથી કોઇ અવાજ આવતો ન હતો. કમનાબેને નાવિકાને પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે શિરિખાની બૂમો સાંભળીને તે આવી પહોંચી છે. સદનસીબે બેડરૂમનો દરવાજો ખુલ્લો છે પણ બાથરૂમ અંદરથી બંધ છે. તેને તોડવા માટે શિરિખાએ જોર લગાવ્યું પણ તે તૂટતો ન હતો. નાવિકાએ તરત જ સિક્યુરીટી ગાર્ડને બોલાવ્યો. દરવાજો પ્લાસ્ટિકનો હોવાથી તેના જોરથી કડી સાથે તરત જ તૂટી ગયો. અંદર જઇને જોયું તો શિરિખાના શ્વાસ ચાલતા ન હતા. તરત ડૉક્ટરને બોલાવ્યા. તેમણે જોઇને કહી દીધું કે તે જીવિત નથી. કમનાબેનના જણાવ્યા પ્રમાણે શિયાળાની ઠંડીને લીધે શિરિખા ગરમ પાણી વધારે લેતી હતી. અને હકીકતમાં તેણે ગેસ ગીઝરમાં ટેમ્પરેચર ૩૫-૪૦ ને બદલે ૪૫ જેટલું કરી દીધું હતું. અને બાથરૂમમાં બારી હતી તેના કાચ બંધ હતા. ઘણી વખત તે ઠંડો પવન ના આવે એટલે કાચ બંધ કરી દેતી હતી. તેને ખ્યાલ જ નહીં આવ્યો હોય અને સફોકેશનને કારણે તેનું મોત થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કમનાબેન પાસેથી વિગતો લઇને બાથરૂમનું સંપૂર્ણ નિરીક્ષણ કરી જોયું. ગેસ ગીઝર ચાલુ કરીને ટેમ્પેરેચર પણ ચેક કરી જોયું. બધી જ માહિતી અને સ્થળ પરની પરિસ્થિતિ જોતાં બાથરૂમમાં શ્વાસ ન લેવાતા દમ ઘૂંટાઇ જવાથી શિરિખાનું મોત થયું હોવાનું સાબિત થતું હતું. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર એટલી સરળતાથી વાતને સ્વીકારી લે એવા ન હતા. તેમની નકારાત્મક વિચારવાની આદત હતી. કેસને તે અવળી રીતે વિચારીને તપાસી જોતા હતા.

હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોયા પછી વધારે વિચારવાનું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે કમનાબેનના પરિવારના દરેક સભ્ય સાથે વાત કરી લીધી અને લાંબું વિચારીને આગળ નિર્ણય કરવાનું નક્કી કર્યું.

પીએમ રીપોર્ટ આવી ગયો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે વધુ પડતી પાણીની ગરમ વરાળને કારણે દમ ઘૂંટાઇ જવાથી શિરિખાનું મોત થયું છે. અને કોઇ ઉપર શંકા થઇ શકે એમ ન હતી. તેના પતિ નલંદ પર શંકા કરવાને કોઇ કારણ ન હતું. તે બધાના મત મુજબ સીધો સાદો અને બહુ સંવેદનશીલ માણસ હતો. શિરિખાને બહુ પ્રેમ કરતો હતો. એટલી હદ સુધી કે શિરિખા વગર જીવી શકે એમ ન હતો. અત્યારે તે શોકમાં એટલો ગરકાવ હતો કે શિરિખા વગરની દુનિયાની તે કલ્પના જ કરી શકે એમ ન હતો. પરિવારના સભ્યોને તો ડર હતો કે ક્યાંક શિરિખાના વિયોગમાં તે પોતાનો જીવ ના આપી દે. સતત એક વ્યક્તિ તેની સાથે રહેતી હતી. તેનું કોઇ બીજી સ્ત્રી સાથે ચક્કર હોવાનું જાણવા મળ્યું ન હતું. અને તેની હત્યા કરીને નલંદને કોઇ લાભ થવાનો ન હતો.

શિરિખાની સાસુ પણ એવી ન હતી કે વહુ સાથેના ઝઘડાને કારણે તેને મારી નાખે. એ તો બંને પુત્રવધુ પર માથી પણ વધુ પ્રેમ વરસાવતી રહી છે. રહી વાત નાવિકાની તો બંને દેરાણી-જેઠાણી વચ્ચે સારી મિત્રતા હતી. અને શિરિખાને મારી નાખવાથી નાવિકાને કોઇ લાભ થવાનો ન હતો. તે જ્યારે શિરિખાની બૂમ સાંભળી પહોંચી ત્યારે સ્વાભાવિક રીતે જ બાથરૂમનો દરવાજો બંધ હતો. મતલબ કે તે હત્યા કરીને બહાર આવે તો પણ દરવાજો અંદરથી બંધ હોય ના શકે. સીક્યુરીટી ગાર્ડે દરવાજો તોડ્યો હતો અને તે તૂટેલો દરવાજો બધાએ જોયો હતો. નલંદનો નાનો ભાઇ વિનેત સારો માણસ ગણાય છે. ભાભીની હત્યા કરીને તેને કશું મળવાનું ન હતું. અને ઘટના વખતે તે હાજર ન હતો. તે કંપનીમાં સરખો જ ભાગીદાર હતો. કમનાબેને તો વિનેતના બહુ વખાણ કર્યા. બંને વચ્ચે સારી મિત્રતા પણ છે. બંનેએ લગ્ન પણ આજથી સાત માસ પહેલાં સાથે જ કર્યા હતા. વિનેત ભલે સાવકો ભાઇ છે પણ નલંદ માટે એ સવાયો ભાઇ છે. તેના માટે જીવ આપી દે એટલો પ્રેમ છે એને. કંપનીમાં બંને સરખા ભાગીદાર છે. છતાં વિનેત નલંદને માલિક તરીકે રાખે છે. તેને બહુ કામ કરવા દેતો નથી. આટલા સુખી પરિવારને કોની નજર લાગી ગઇ એ જ કમનાબેનને સમજાતું નથી.

ઇન્સ્પેક્ટર ઠાકોરના હાથમાંથી કેસ સરકી રહ્યો હતો. શિરિખાનું મોત કુદરતી હોવાનું સાબિત થઇ ગયું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરને એવો કોઇ અફસોસ ન હતો કે આ હત્યાનો કેસ કેમ ના નીકળ્યો. તેમના દિલમાં એટલું જ હતું કે કુદરતની આ કરામતને બદલે બીજા કોઇની કરામત ના હોવી જોઇએ. કુદરતના ખેલમાં કોઇ પોતાનું ઉલ્લુ કોઇ સીધું કરી ના જાય એ જોવાની ફરજ પૂરી કરવાની હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સતત ત્રણ દિવસ સુધી વિચાર કર્યો. ક્યાંય કોઇ કડી શંકા કરવા જેવી ન હતી. પણ અચાનક કમનાબેનની એક વાત યાદ આવી અને તેમની વિચારધારા રીવર્સ થઇ. આખો બનાવ અને તે પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. ફરી એક વખત નલંદના બંગલા પર જઇને બાથરૂમની સ્થિતિ જોઇ. આ વખતે બાથરૂમ પહેલાં હતું એવું થઇ ગયું હતું. ગેસ ગીઝરનું ટેમ્પરેચર સામાન્ય કરી દેવામાં આવ્યું હતું. ફરી કોઇ બનાવ ના બને એ માટે બાથરૂમની બારી વધુ હવાની અવરજવર થાય એવી કરી દેવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે બધી જ ચકાસણી કરી લીધી. જરૂર જણાયું ત્યાં જે તે વ્યક્તિ સાથે મુલાકાત કરીને વધારાની માહિતી મેળવી લીધી અને તેમના મગજમાં આ કેસ હત્યા તરીકે તૈયાર થઇ ગયો. હવે કેટલીક બાબતોનું ક્રોસ ચેકીંગ કરવાનું હતું.

ધીરાજીને નવાઇ લાગી:"સાહેબ, તમે તો કમાલ કરી દીધી. કોઇને કલ્પના ના આવે એવો વિચાર કરીને કેસને ઉકેલી નાખ્યો..."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એવી કહેવત છે, પણ ગુનેગારને ખબર નથી કે જ્યાં તેના વિચાર ન પહોંચે ત્યાં પોલીસની બુધ્ધિ પહોંચે છે...."

"તો ચાલો સાહેબ, પુરાવાઓ મેળવીને હવે આ કેસને પૂરો કરીએ!" કહી ધીરાજી ઊભા થયા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે પુરાવા મેળવીને કમનાબેનના ઘરે જઇ નાવિકા અને વિનેતની ધરપકડ કરી ત્યારે એ બંને ચોંકી ગયા હોવાનો ઢોંગ કરવા લાગ્યા. જ્યારે નલંદ તો એટલો ચોંકી ગયો કે તેને ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત પર વિશ્વાસ જ ના બેઠો. તેનો ભાઇ આવું કૃત્ય કરી શકે એ તેની કલ્પના બહારની વાત હતી. અને તેમાં વળી તેની પત્ની સાથ આપે એ તો હદ હતી. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમને સમજાવ્યું કે આજનો જમાનો કળિયુગ અમસ્તો કહેવાતો નથી. ભાઇ-ભાઇના સંબંધ પર કલંક લાગે એવો આ બનાવ છે. માણસ પૈસા નહીં અતિ પૈસાના લોભને કારણે કેવું કુકર્મ કરી રહ્યો છે એનું એને ભાન હોય છે પણ એ કેટલું ખરાબ છે એનું જ્ઞાન હોતું નથી. નલંદને પણ થયું કે પારકાં તે પારકા જ. કેટલા પ્રેમથી પિતાએ નાનપણમાં પડોશમાં રહેતા વિનેતનો પરિવાર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારે તેને આ ઘરનો સભ્ય બનાવ્યો. અને પોતે તેને અડધું રાજ આપી દીધું. છતાં તે ધરાયો નહીં.

ઇન્સ્પેક્ટર ઠાકોરે જ્યારે પુરાવાના ફોટા વિનેતને પોતાના મોબાઇલમાં બતાવ્યા ત્યારે તે શરણે આવી ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે શિરિખાની હત્યાના ગુના બદલ નાવિકાની અને તેને સાથ આપવા બદલ તેના પતિ વિનેતની ધરપકડ કરી કેસ દાખલ કર્યો.

બધી કાર્યવાહી પતાવીને ઓફિસમાં બેઠા પછી ધીરાજી કહે:"સાહેબ, નલંદની માએ વિનેત સાવકોભાઇ હોવાનો ઉલ્લેખ ના કર્યો હોત તો કદાચ તમે આ કેસને હત્યા તરીકે ઉકેલી શક્યા ન હોત."

"ધીરાજી, સાચી વાત છે. વિનેત સાવકો ભાઇ હતો અને નલંદ સંવેદનશીલ હતો એ બે વાતને જોડીને મેં એવી કલ્પના કરી કે પત્ની મરી જાય તો નલંદ બીજા લગ્ન ના કરે અને ધંધો છોડી સાધુ બની જાય એવા સ્વભાવનો છે. આ કારણે નલંદને બદલે તેની પત્નીની હત્યા કરી હોય શકે. સૌથી મહત્વના પુરાવાની કડી બાથરૂમમાંથી મળી. મેં બીજી વખત મુલાકાત લીધી ત્યારે બાથરૂમના દરવાજાની અંદરની કડીની સ્થિતિ અલગ હતી. મેં પહેલી વખતના ફોટા અને બીજી વખતના ફોટા ધ્યાનથી જોયા તો ખ્યાલ આવ્યો કે દરવાજો અંદરથી બંધ કર્યા પછી એક નાની ખીલી જેવી કડીથી તેને બહારથી ખોલી શકાય એવું કરવામાં આવ્યું હતું. જે ઘટના પછી એ જ સુથાર મારફત યથાવત કરી દેવામાં આવ્યું હતું. અને દરવાજો જે સુથારે રીપેર કર્યો હતો તેને રીમાન્ડ પર લીધો ત્યારે તેણે આ વાત કબૂલી લીધી. તેને ખબર ન હતી કે આ કામ કોઇ સુવિધા માટે નહીં પણ હત્યા માટે કરાવવામાં આવ્યું છે. નાવિકાએ ઘણા દિવસ પહેલાં આ કામ ઘરમાં કોઇ ન હતું ત્યારે સુથારને બોલાવીને કરાવ્યું હતું. તે અને વિનેત બંને મોકાની રાહ જોતા હતા. તેમને પાકી ખબર હતી કે જો શિરિખાને પતાવી દેવામાં આવે તો નલંદ માનસિક સંતુલન ગુમાવી શકે એમ હતો. અને તેમને કંપનીનો સંપૂર્ણ વહિવટ આપોઆપ મળી જાય એમ હતો. તેમનો પ્લાન એકદમ ફુલપ્રૂફ હતો. પણ ગુનેગારો કોઇને કોઇ ભૂલ કરી જ દે છે અથવા કોઇ પુરાવો છોડી જાય છે...."

"પણ સાહેબ, એ ભૂલને તમારા જેવા જ શોધી શકે..." ધીરાજી વચ્ચે બોલ્યા વગર રહી શક્યા નહી.

"હા ધીરાજી, હું શોધી શકું તો બીજા પણ શોધી શકે. જરૂર હોય છે તર્ક સાથે વિચારવાની. ગુનેગારો આમ તો લાંબો વિચાર કરીને ગુનો આચરતા હોય છે. પણ એમની કેટલીક મર્યાદા હોય છે. વિચારીએ તો ખ્યાલ આવે કે ઘટનાના દિવસે નલંદ ન હતો. વિનેત પણ નીકળી ગયો હતો. અને શિરિખાએ નાવિકાને જ બૂમ પાડી હોવાની વાત હતી. નાવિકાએ સીક્યુરીટી ગાર્ડ પાસે દરવાજો તોડાવ્યો એટલે તેના પર કોઇ આરોપ મૂકી ના શકે. અસલમાં એ દિવસે શિરિખાને બેકલેસ ચોલી પહેરવા પ્રોત્સાહન આપી નાવિકા બાથરૂમમાં તેની પીઠ ઘસવા ગઇ હતી. નાવિકાએ ચાલાકીથી ગેસ ગીઝરનું ટેમ્પરેચર વધારી દીધું હતું. અને વધુ વરાળ કરી હતી. પીઠ ઘસતી વખતે શિરિખાના જ એક વસ્ત્રથી તેનું નાક અને મોં દબાવી દીધું હતું. શિરિખા મૃત્યુ પામી એટલે તે બહાર આવી ગઇ અને આયોજન મુજબ પેલી ખીલી જેવી કડીથી અંદરની કડી બહારથી બંધ કરી દીધી. બધાંને એમ જ લાગ્યું કે શિરિખા સફોકેશનને કારણે મૃત્યુ પામી છે. પીએમ રીપોર્ટમાં પણ દમ ઘૂંટાવાથી મોત થયાનું આવ્યું હતું. ત્યારે મેં એવો વિચાર કર્યો જ હતો કે તેનો દમ ઘૂંટી દેવામાં આવ્યો હોય એવું બની શકે. અને બાથરૂમની બારીના બધા જ કાચ બંધ કરીને શિરિખા નહાતી હોય એ એટલે શક્ય ન હતું કે બારીમાંથી તેને કોઇ જોઇ શકે એવી જગ્યા જ ન હતી. મતલબ કે જાણીબૂઝીને બારીના તમામ કાચ બંધ કરવામાં આવ્યા હોય શકે. આ બધા જ અનુમાન મને કેસ ઉકેલવામાં કામ લાગ્યા."

"સાહેબ, તમારા તર્કનો જવાબ નથી..." કહી ધીરાજીએ તાળીઓ પાડી.

*

વાચકમિત્રો, આપના મારી બુક્સ માટેના પ્રેમને કારણે જ મને તા.૨૬/૧/૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.

મિત્રો, મારી તમામ બુક્સના ૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ફેબ્રુઆરી-૨૦૨૦ માં ડાઉનલોડ ૨ લાખ પર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. ફેબ્રુઆરી-૨૦૨૦ માં ૭૪૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED