ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી
રાકેશ ઠક્કર
પાનું આઠમું
ઇન્સ્પેક્ટર ઠાકોર માટે આ કેસ મહત્વનો હતો. તેમના જ પોલીસ સ્ટાફના એક કર્મચારીનું મોત થયું હતું. નજીકના પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વારાનંદ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પહેલી નજરે આ અકસ્માતનો જ કેસ હતો. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પહેલી વખતમાં કોઇ કેસને અકસ્માત માનતા ન હતા. તે મોતને હત્યાની નજરે જ જોતા હતા. અને આ તો તેમના જ સહકર્મચારીનું મોત હતું. તેનું સાચું કારણ તો જાણવું જ પડે. આવતીકાલે બીજા કોઇ કર્મચારી સાથે આવો બનાવ બની શકે છે. પોલીસ પોતાનું જ રક્ષણ નહીં કરે તો પ્રજાની સુરક્ષા કેવી રીતે કરી શકશે. ઇન્સ્પેક્ટર ઠાકોર ગંભીરતાથી વારાનંદના કેસને સમજવા લાગ્યા.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત એવી હતી કે ૩૫ વર્ષના પોલીસ કોન્સ્ટેબલ વારાનંદ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં પોતાની ફરજ પૂરી કરી ઘરે જવા નીકળ્યા હતા. તેમની બાઇક પોલીસ મથકમાં હતી. તેને ચાલુ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ચાલુ જ ના થઇ. અને તે પાછા પોલીસ મથકમાં આવ્યા અને રાત્રિ ડ્યુટીમાં આવેલા અન્ય કોઇ કર્મચારીની બાઇક લઇ જવા પૂછવા લાગ્યા. ત્યારે પોલીસ મથકના પીઆઇની જીપનો ડ્રાઇવર ગોરવન તેમની પાસે આવ્યો અને તેમની બાઇક ચાલુ થતી ન હોવાનું તેણે જોયું હતું એટલે સાહેબની જીપમાં ઘરે છોડી આવવાની વાત કરી. અત્યારે સાહેબ ક્યાંય જવાના ન હોવાથી વારાનંદને એ ઉપાય ગમ્યો. તે જીપમાં ગોરવન સાથે ઘરે જવા નીકળ્યો. ગોરવનના સ્ટેટમેન્ટ પ્રમાણે તેઓ અડધે પહોંચ્યા હશે ત્યાં વારાનંદને દારૂ પીવાની ઇચ્છા થઇ. પત્ની શીવનલી આજે ઘરે ન હતી. તે સામાજીક કામથી બીજા શહેરમાં પોતાના સગાંને ત્યાં ગઇ હતી. ગોરવને પહેલાં તો ના પાડી. પણ વારાનંદ એકલો હતો એટલે આગ્રહ કર્યો અને તે ટાળી ના શક્યો. વારાનંદના ઘરથી થોડે દૂર એક દુકાનમાં દારૂ મળતો હતો. એટલે તે ત્યાં જ ઉતરી ગયો. અને પોતે એકલો ઘરે જતો રહેશે એમ કહી ગોરવનને પરત જવા કહી દીધું. પીઆઇ સાહેબ ગમે ત્યારે કામથી બોલાવે તો પોતે હાજર રહેવું પડે એમ હોવાથી ગોરવન તેની સાથે રોકાઇ શક્યો નહીં. આ વાતને બે કલાક થયા અને પોલીસ મથકમાં ૧૦૦ નંબર પર એક અકસ્માતમાં કોઇ માણસનું મોત થયાનો સંદેશ આવ્યો. પોલીસની ટીમ તરત જ ત્યાં પહોંચી ગઇ. જોયું તો એક માણસની લાશ પડી હતી. કોઇ વાહન તેના પરથી ચાલી ગયું હતું. કોઇ અજાણ્યો વાહન ચાલક તેને ટક્કર મારી ભાગી ગયો હતો. એ પછી તેના પર રાતના અંધકારમાં બીજું કોઇ વાહન ચાલી ગયું હોય એવી શક્યતા હતી. મરનારના ગળા પરથી વાહન ચાલી ગયું હતું. જ્યારે ટોર્ચના પ્રકાશમાં પીઆઇએ મરનારનું મોં જોયું ત્યારે તે ચોંકી ગયા. એ લાશ પોલીસ કોન્સ્ટેબલ વારાનંદની હતી. તેમણે તરત જ આગળની કાર્યવાહી કરી. પોસ્ટ મોર્ટમ માટે લાશને મોકલી આપી.
આજે પીએમનો રીપોર્ટ આવવાનો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોર માટે આખી તપાસનો આધાર આ રીપોર્ટ હતો. જ્યારે રીપોર્ટ તેમના હાથમાં આવ્યો ત્યારે કોઇ તક હાથમાંથી સરી ગઇ હોય એમ લાગ્યું. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ગળા અને પગ પર કોઇ વાહનના ટાયર ફરી વળવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. અને તેના શરીરમાં આલ્કોહોલ હતો. કપડાં ઉપર પણ આલ્કોહોલની વાસ હતી. મતલબ કે દારૂના નશામાં લથડિયાં ખાતાં રોડ ઉપર કોઇ વાહન તેને ટક્કર મારીને મોત નીપજાવીને કે તરફડતું છોડીને ભાગી ગયું. અથવા એ પછી આવેલું કોઇ વાહન તેના પર ફરી જતાં તે મૃત્યુ પામ્યો હતો. આખા કેસમાં ક્યાંય હત્યાનો એંગલ ફીટ થતો ન હતો. વારાનંદ એક ઇમાનદાર કર્મચારી હતો. તેને દારૂ પીવાનો શોખ હતો પણ આદત ન હતી.
તેની પત્ની તો સમાચાર મળતાં આઘાતથી બેભાન થઇ ગઇ હતી. ચાર વર્ષ પહેલાં વારાનંદના લગ્ન તેનાથી પાંચ વર્ષ નાની શીવનલી સાથે થયા હતા. ગરીબ માની તે એકની એક સુંદર છોકરી હતી. અને વારાનંદ જેવા પોલીસ યુવાનને તે ગમી જતાં તેની સાથે લગ્ન કરી લીધા હતા. તેમનું લગ્ન જીવન સુખી હોવાનું સ્ટાફમાં કહેવાતું હતું. તો પછી કોઇ દારૂના બુટલેગરે તેને પતાવી દીધો હશે? એવી શંકા ઇન્સ્પેક્ટર ઠાકોરના મનમાં ઉદભવી. વારાનંદ પ્રામાણિક કર્મચારી હતો. તેણે કોઇ બુટલેગર સાથે પંગો લીધો હોય તો આમ બની શકે. બુટલેગરો બહુ ખતરનાક હોય છે. અને જો બુટલેગરે તેને ઉડાવ્યો હશે તો એનું મોત રહસ્ય જ રહી જશે.
ઇન્સ્પેક્ટર ઠાકોરે બુટલેગરની શક્યતા ધારી કેટલીક તપાસ કરી જોઇ. તેમાં કોઇ કડી મળી નહીં. છેલ્લે એક ઉપાય બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવાનો હતો. સામાન્ય રીતે મોટી હસ્તીના કેસમાં કે કોઇ મોટો કેસ હોય ત્યારે આમ કરવામાં આવે છે. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરે ડીવાયએસપીને વિશ્વાસમાં લઇ અનઓફિશ્યલ રીકન્સ્ટ્રક્શન કરી જોયું. ડ્રાઇવર ગોરવનને સાથે રાખીને એ આખો બનાવ ઇન્સ્પેક્ટર ઠાકોરે કરી જોયો. અને જ્યાં વારાનંદને છોડ્યો હતો તે રોડની અંદરની દુકાનમાં પણ ગયા. ત્યાં કામ કરતા માણસે એ વાત કબૂલી કે વારાનંદ એ રાત્રે દારૂ પીવા આવ્યો હતો પણ ભીડ વધારે હતી એટલે હાથમાં જ બોટલ લઇને નીકળી ગયો. ગોરવને એ પરથી સમીકરણ માંડ્યું કે તે દારૂ પીતો પીતો ઘરે જતો હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરને તેની ગણતરી બરાબર લાગી. પીએમ રીપોર્ટમાં પણ તેના કપડાં પર દારૂની વાસ આવતી હોવાનો ઉલ્લેખ હતો. ગોરવન વારંવાર અફસોસ વ્યક્ત કરતો હતો કે તેણે વારાનંદને ઘરે જ મૂકી દીધો હોત તો તેને ગુમાવ્યો ન હોત. તે પોતાને વારાનંદના મોત માટે જવાબદાર ગણતો હતો અને તેની પત્ની શીવનલી પ્રત્યે દયાભાવ વ્યક્ત કરતો હતો. તેણે ઇન્સ્પેક્ટર ઠાકોરને કહ્યું પણ ખરું કે વારાનંદના મોતથી તે ભાંગી પડી છે. તે આશ્વાસન આપવા ગયો હતો. પણ શોકમાંથી તેને બહાર આવતાં સમય લાગશે. ઇન્સ્પેક્ટર ઠાકોરને તપાસમાં જાણવા મળ્યું હતું કે વારાનંદ અને ગોરવનને મિત્રતા હતી. એટલે ગોરવનને શીવનલી પ્રત્યે હમદર્દી હતી.
ઇન્સ્પેક્ટર ઠાકોરે પહેલી વખત બધા જ પ્રકારના વિચાર કર્યા પછી પોલીસ કોન્સ્ટેબલ વારાનંદના મોતને અકસ્માત મોતનો કેસ માનવો પડ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે કદાચ આ જ સાચું હશે. પણ તેમનું મન ન જાણે કેમ આ વાત માનવા તૈયાર થતું ન હતું. એક-બે તર્ક એવા હતા કે વારાનંદની હત્યા થઇ હોય શકે. પણ પુરાવા ન હતા. ધીરાજીએ જ્યારે પૂછ્યું કે,"સાહેબ, વારાનંદનું ખરેખર અકસ્માતમાં જ મોત થયું હશે?" ત્યારે ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"અત્યારે તો એવું જ લાગે છે. પણ મારા મનમાં જે શંકા છે એ માટે થોડા મહિના રાહ જોવી પડશે...."
ઇન્સ્પેક્ટર ઠાકોર વારાનંદના કેસને બાજુ પર મૂકી નવા કેસોની તપાસમાં વ્યસ્ત હતા ત્યારે એક દિવસ પોલીસ બેડાનો ડ્રાઇવર ગોરાવન એક સામાન્ય કાર્ડ લઇને આમંત્રણ આપવા આવ્યો. ઇન્સ્પેક્ટર ઠાકોરને તેણે પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. ખૂબ સાદાઇથી લગ્ન હોવાથી બહુ ઓછા લોકોને બોલાવ્યા છે એમ કહી તેણે ઇન્સ્પેક્ટર ઠાકોરને પધારવા વિનંતી કરી.
થોડીવાર પછી ધીરાજી આવ્યા અને બોલ્યા:"સાહેબ, ચાર દિવસ પછી ગોરવનના લગ્નમાં આવવાના છો ને?"
"કેમ?" ઇન્સ્પેક્ટર ઠાકોરે નવાઇથી પૂછ્યું.
"કેમ તમે આમંત્રણ પત્રિકા ના વાંચી? દસ લીટીની તો પત્રિકા છે." ધીરાજી બોલ્યા.
"કોઇ વિશેષ વાતો લખી હોય તો વાંચવાનું મન થાય. મેં તારીખ અને ભોજનના સમય પર નજર નાંખી લીધી. બીજું તો શું વાંચવાનું હોય!" કહી ઇન્સ્પેક્ટર ઠાકોર મરક્યા.
"ગોરવનના લગ્ન કોની સાથે છે એ તો વાંચો!" ધીરાજી રહસ્ય ઊભું કરતા હોય એમ બોલ્યા.
ઇન્સ્પેક્ટર ઠાકોરે ચીલઝડપે પત્રિકા હાથમાં લઇ નામ વાંચ્યું....શીવનલી....
ઇન્સ્પેક્ટર ઠાકોર ખુશ થતા બોલ્યા:"ધીરાજી, ગોરવને સારું કર્યું. બિચારી વિધવાને સહારો આપ્યો. મિત્રતા નિભાવી જાણી...."
"સારી જ વાત છે સાહેબ, પણ મને એમ હતું કે ગોરવન આપને પત્રિકા આપીને તેના માટે આફતનું આમંત્રણ આપી આવ્યો હશે...." ધીરાજીએ પોતાના મનમાં ચાલતી વાત છતી કરી દીધી.
બસ બે જ ક્ષણ લાગી ઇન્સ્પેક્ટર ઠાકોરને. તેમની આંખમાં એક અલગ ચમક આવી ગઇ:"ધીરાજી, હું તમારા કહેવાનો મતલબ સમજી ગયો. વારાનંદનો કેસ મારા મનમાં સૂઇ ગયો હતો. તેને તમે જગાડી દીધો. મને જે શંકા હતી તેને તમારી વાતથી બળ મળ્યું છે. ગોરવન શીવનલીનો હાથ થામી રહ્યો છે પણ વારાનંદની હત્યામાં તેનો હાથ તો નથી ને? એ હવે મારે ચકાસવું પડશે. ગોરવન તો આરોપ સ્વીકારવાનો નથી. આપણે પુરાવા એકત્ર કરવા પડશે....."
અને ઇન્સ્પેક્ટર ઠાકોરે શરૂઆત કરી દીધી. તેમણે વારાનંદનું પોલીસ મથક પર પડેલું સરકારી બાઇક કઢાવ્યું. અને એક ગેરેજવાળાને બોલાવ્યો. ગેરેજવાળાએ તપાસ કરીને કહ્યું કે બાઇકની કીકનો એક પાર્ટસ નથી. એ કારણે કીક ફરે ખરી પણ છટકી જાય. અને કીક લાગે ખરી પણ તે બાઇક ચાલુ કરવા જેવી નહીં. ખાલી ખાલી વાગે.
ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે ગોરવને તે દિવસે તેને મૂકવા જવા આમ કર્યું કે કરાવ્યું હોય. હવે તેના પર શંકા મજબૂત બનવા લાગી. ગોરવનના મોબાઇલની તપાસમાં વારાનંદના મૃત્યુ પછીની જ શીવનલી સાથેના કોલની માહિતી મળી. મતલબ કે તેણે ચાલાકી કરી છે. હત્યા પછી તેની સાથે વાત શરૂ કરી છે. કોઇ પુરાવો મૂક્યો નથી. તેને પકડવાનું સરળ નથી.
ઇન્સ્પેક્ટર ઠાકોર પીએમ રીપોર્ટ બનાવનાર ડોકટર પાસે ગયા. અને એ રીપોર્ટના કેટલાક મુદ્દા વિશે ચર્ચા કરી. ત્યારે ડોકટરે કહ્યું કે વાહનનું પૈડું સીધું- બરાબર તેના ગળા પરથી ફરી ગયું એ વાત શંકાસ્પદ લાગે છે. અકસ્માતમાં સામાન્ય રીતે આમ બનતું નથી. મતલબ કે તેને મારીને તેના પર વાહન ફેરવી દેવામાં આવ્યું છે. અને તેને ગળે ફાંસો આપી મારી દેવામાં આવ્યો હોય તો આ અકસ્માતમાં ગળું જ કપાઇ ગયું એટલે તે અંગે જાણી ના શકાય.
ઇન્સ્પેક્ટર ઠાકોર પાસે સમય ઓછો હતો. એક તરફ ગોરવનના લગ્નની શરણાઇ વાગવાની હતી અને બીજી તરફ તેમણે એનું બેન્ડ વગાડવાની તૈયારી કરવાની હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે શીવનલીની માની મુલાકાત લીધી અને તેમની સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું કે વારાનંદ મરવાની આગલી રાત્રે શીવનલી તેમને ત્યાં આવી હતી. કોઇ સખીના પ્રસંગમાં હાજરી આપી એ રાત્રે આવી હતી અને પછી થોડી જ મિનિટોમાં પોલીસનો ફોન આવ્યો કે વારાનંદનું મોત થયું છે. મતલબ કે શીવનલી માતાને ત્યાં રાત રોકાવા ગઇ હતી. એનો અર્થ એ થયો કે ગોરવને જે વાતો કરી હતી એ બધી સાચી નથી.
ધીરાજી કહે,"સાહેબ, પુરાવા વગર આપણે ગોરવનને પકડી શકીએ એમ નથી..."
ઇન્સ્પેક્ટર ઠાકોર મૂછમાં હસતા બોલ્યા:"ધીરાજી, ચિંતા ના કરશો. આપણે વારાનંદને બોલાવીને સાબિતી આપીશું...!"
"શું? વારાનંદ કેવી રીતે જીવતો થવાનો?" ધીરાજીને સમજાયું નહીં.
ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમને સમજ પાડી.
બે દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોર ધીરાજી અને એક માણસને લઇને શીવનલી પાસે પહોંચ્યા.
શીવનલી તો એ માણસને જોઇને ચોંકી ગઇ. હૂબહૂ એ વારાનંદ લાગતો હતો.
શીવનલીના હોશ ઊડી ગયા:"સ..સ...સાહેબ વારાનંદ ક્યાંથી?"
"એ જીવે છે. પણ વાચા હરાઇ ગઇ છે..." ઇન્સ્પેક્ટર ઠાકોરે એ માણસને ઇશારો કર્યો. તે 'એંએં' કરતો કંઇક કહેવા લાગ્યો.
શીવનલી ફાટી આંખે એની તરફ જોઇ રહી.
ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"આ વારાનંદ જ છે. તારે જે પૂછવું હોય એ તું પૂછી જો...."
શીવનલી કહે:"બને જ નહીં. વારાનંદને મેં મારી સગી આંખે મરતો જોયો છે. આ કોઇ ડુપ્લીકેટ છે....."
"હું એ જ કહેવા માગું છું. વારાનંદને તેં જ માર્યો છે. તારી અને ગોરવનની પોલ ખૂલી ગઇ છે..." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે થોડું જૂઠું ચલાવ્યું:".....અને ગોરવન પોલીસ કસ્ટડીમાં છે. તેણે ગુનો કબૂલ કરી લીધો છે. બોલ, તું કબૂલ કરે છે કે તને પણ રીમાન્ડ પર લઇને અમારી ભાષામાં કબૂલ કરાવું?"
શીવનલી રડવા જેવી થઇ ગઇ. ભયના ઓથાર તળે તે સાચું બોલી ગઇ:"હા, અમે જ વારાનંદને મોતને ઘાટ ઉતાર્યો હતો....."
ઇન્સ્પેક્ટર ઠાકોરના ખિસ્સામાં રહેલી સ્પાય કેમેરાવાળી બોલપેનમાં તેનું રેકોર્ડિંગ ચાલુ થઇ ગયું હતું.
શીવનલી બોલતી હતી:"ગોરવન અમારે ત્યાં આવતો હતો. વારાનંદ સાથેની તેની મિત્રતાને કારણે અમારું મળવાનું થતું હતું. વારાનંદ કરતાં એ સ્માર્ટ હતો અને રોમેન્ટિક હતો. અમે પ્રેમમાં પડી ગયા. અમે બંનેએ એક થવા વારાનંદનો વચ્ચેથી કાંટો કાઢી નાખ્યો. અમારી અગાઉથી જ મિત્રતા હતી. અને ગોરવન મારી સ્થિતિ પર દયા રાખીને લગન કરવાનો હતો એટલે કોઇને શંકા પડવાની ન હતી. એ દિવસે મેં વારાનંદને બહાનું કાઢી સખીને ત્યાં જવાની વાત કરી. ગોરવને તેની બાઇકને બગાડી અને પોલીસ જીપમાં તેને મૂકવા આવ્યો. વારાનંદ દુકાનમાંથી દારૂ લઇ આવ્યો અને રસ્તામાં ચાલતાં ચાલતાં તેને પીવડાવ્યો. વારાનંદને એકલો હોવાથી જબરદસ્તી દારૂ પીવડાવ્યો. અને પછી તેને જીપમાં એક ઓછી અવરજવરવાળા માર્ગ પર લઇ આવ્યો. જ્યાં હું હાજર હતી. વારાનંદને ઘર આવી ગયું કહીને ત્યાં ઉતારી મૂક્યો. તે નશામાં ચાલતો ઘર શોધતો હતો. ત્યારે ગોરવને પોલીસ જીપથી જ તેને ટક્કર મારી. તેને વાગ્યું પણ મરી ના ગયો. એટલે ગોરવને જીપમાંથી નાનું દોરડું લાવી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો. પછી અમે બંની તેને રોડ પર સુવડાવી તેના ગળા પરથી જીપ ચલાવી નાખી. જેથી તેનું મોત દોરડાથી ફાંસી આપ્યાથી થયાનું ના આવે. તે પોલીસમાં હતો એટલે બધા દાવ જાણતો હતો. તેણે તરત કારને પોતું મારી ચોખ્ખી કરી દીધી અને અને મને મારી માના ઘર નજીક છોડીને જતો રહ્યો....."
શીવનલીએ ગુનો કબૂલી લીધો હતો. તેના આધારે ઇન્સ્પેક્ટર ઠાકોરે ગોરવનની પણ ધરપકડ કરી લીધી. અને બંને વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી દીધો.
ધીરાજી કહે:"સાહેબ, તમે આ પ્રોસ્થેટિક મેકઅપથી વારાનંદનો ચહેરો બનાવડાવ્યો એ આઇડિયા કમાલનો હતો..."
ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ગુનેગારો હવે આધુનિક ઉપાય અજમાવે છે ત્યારે આપણે પણ એવો કોઇ સહારો તો લેવો જ પડે ને. હમણાં જ મેં એક-બે ફિલ્મમાં પાત્રના ચહેરા માટે પ્રોસ્થેટિક મેકઅપનો કલાકારોએ ઉપયોગ કર્યો એવું વાંચ્યું હતું. એ પરથી મને વિચાર આવી ગયો. એ સફળ થઇ ગયો. અને ગોરવને ગુનો કબૂલી લીધો હોવાનું પણ મેં કહ્યું એટલે શીવનલીએ શરણાગતિ સ્વીકારી લીધી. અને શીવનલીના કબૂલાતનામાને આધારે ગોરવન પાસે ગુનો કબૂલાવી લીધો. ડ્રાઇવર ગોરવનને હવે ખબર પડી હશે કે તેણે જિંદગીની ગાડીને ખોટા રસ્તે વાળીને કેટલી મોટી ભૂલ કરી છે."
*
વાચકમિત્રો, આપના મારી બુક્સ માટેના પ્રેમને કારણે જ મને તા.૨૬/૧/૨૦૧૯ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે.
મિત્રો, મારી તમામ બુક્સના ૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!
માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ફેબ્રુઆરી-૨૦૨૦ માં ડાઉનલોડ ૨ લાખ પર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.
***
મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.
***