Incpector Thakorni Dairy - 6 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૬

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું છઠ્ઠું

ઘણા દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરના હાથમાં એક સનસનીખેજ કેસ હાથમાં આવ્યો હતો. ઘરમાં બેઠેલી બે મહિલાની ગોળીઓ મારી હત્યા કરી નાખવામાં આવી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે ફોન આવ્યો કે શહેરના છેવાડાના સમીપુરામાં એક રોહાઉસમાં ગોળીબારની ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે અને લૂંટારુઓ ઘરેણાં સાથે કેટલીક વસ્તુઓ લૂંટી ગયા છે. ઇન્સ્પેક્ટર ઠાકોર પહોંચ્યા ત્યારે મરનાર એક મહિલાનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે માહિતી મેળવી એમાં જાણવા મળ્યું કે સમીપુરાના રતન રોહાઉસમાં વિધવા રુમાનાબેન તેમના એકના એક પુત્ર સાથે રહેતા હતા. પુત્ર અખિદાન સવારથી પોતાના કામથી બહાર ગયો હતો. તે બપોરે જમવા આવ્યો તેની દસ મિનિટ પહેલાં આ ઘટના બની હતી. વોચમેન ગોળીબારનો અવાજ સાંભળી દોડીને તેમના ઘર સુધી આવે એ પહેલાં બહાર બાઇક પર બુકાનીધારી સવાર સાથે બેસીને એક માણસ તેની સામે ફરાર થઇ ગયો. બપોરના સમયે બાઇક પર આવેલા બે હથિયારધારી લૂંટારુઓએ ઘરમાં રહેલી અખિદાનની માતા રુમાનાબેન અને તેમની બહેનપણી કમીલાબેનની ગોળીઓ મારી હત્યા કરી હતી. લૂંટારુઓ બંનેના ઘરેણાં ઉતારવા ઉપરાંત કબાટ ફેંદીને રોકડ લૂંટી ગયા હતા. લૂંટારુઓને અટકાવવા જતાં બંને મહિલાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું ચિત્ર ઉપસતું હતું.

ઇન્સ્પેક્ટર ઠાકોરે મરનાર બંને મહિલાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ઇન્સ્પેક્ટર ઠાકોરના સહાયક ધીરાજીએ ટીમ સાથે અન્ય કાર્યવાહી પૂરી કરવા માંડી. તે જાણતા હતા કે 'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર' એ જરૂર આ કેસને ઝીણી નજરે જોઇને સત્ય બહાર લાવશે. ઇન્સ્પેક્ટર ઠાકોરે જોયું કે રુમાનાબેનના કાન અને ગળામાં ઘરેણાં ન હતા. હાથમાંની સોનાની જાડી બંગડી એમ જ હતી. કદાચ હાથમાંથી ખેંચાઇ નહીં હોય. કમીલાબેનની પણ એ જ સ્થિતિ હતી. બંને બહેનપણીઓ હતી. બપોરે એકલી હતી. અને આ સોસાયટીના રોહાઉસ એકબીજાથી દૂર હોવાથી કોઇને ખ્યાલ ના આવે એટલે બપોરનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. સોસાયટીના મુખ્ય ગેટમાંથી ભાગવાને બદલે લૂંટારું એક નાના ગેટમાંથી ફરાર થઇ ગયા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સતત આંસુ સારતા પુત્ર અખિદાનને પૂછ્યું:"જો ભાઇ, ખૂબ ખરાબ થયું છે. પણ તારે થોડા સવાલોના જવાબ આપવા પડશે. અમે લૂંટારુઓ સુધી પહોંચવાની કોશિષ કરીશું. અમારે રીપોર્ટમાં લખવા માહિતી જોઇશે. ઘરમાં કેટલી રોકડ અને કેટલું સોનું હતું?"

"સાહેબ, મા પાસે પચીસેક તોલા સોનું હતું. તે દસ તોલાનો હાર પહેરતા હતા. વીંટી અને કાનની બુટ્ટી પણ ઘણી જાડી હતી...રોકડમાં તો પચાસેક હજાર હશે..... લૂંટારુઓ હોંશિયાર લાગે છે... બંનેના મોબાઇલ લઇ ગયા નથી....." અખિદાન તેમના મોબાઇલને લેવા જતાં રડતાં-રડતાં બોલ્યો.

ત્યારે ઇન્સ્પેક્ટર ઠાકોરે હળવેથી તેમના મોબાઇલ પોતાના હાથમાં લઇ લીધા:"આ મોબાઇલ તમને પછીથી મળશે. હા, મોબાઇલ લઇ ગયા હોત તો આપણે એમને તરત પકડી શકત. તમે ચિંતા ના કરો નાકાબંદી કરાવી દીધી છે... તમને શું લાગે છે લૂંટ માટે જ હત્યા થઇ હશે? અને તમારી માતા સાથે જે મહિલા છે એ કોણ હતા?" ઇન્સ્પેક્ટર ઠાકોરે તપાસ આગળ વધારી.

"સાચું કહું તો હું એમને ઓળખતો નથી. માની ઘણી બહેનપણીઓ અને મિત્રો હતા..." અખિદાનના વાક્યને કાપતાં ઇન્સ્પેક્ટર ઠાકોરે પૂછી લીધું:"....મતલબ કે પુરુષ મિત્રો?"

અખિદાન બોલ્યો:"હા, પિતાના મૃત્યુ પછી તે પોતાના સ્ત્રી-પુરુષ મિત્રો સાથે વધુ હરતાં-ફરતાં અને સમય ગાળતા હતા. મારે ટ્રાન્સ્પોર્ટેશનનો બિઝનેસ છે. એટલે ઘણી વખત બહારગામ વધારે જવાનું થતું હોવાથી મને વધારે ખબર નથી. હું એમના જીવનમાં બહુ માથું મારતો ન હતો...."

"તમારે કોઇ બાબતે મા સાથે બોલાચાલી કે ઝઘડો છેલ્લે ક્યારે થયો હતો?" ઇન્સ્પેક્ટર ઠાકોરે છેલ્લો સવાલ કર્યો.

"એવું તો યાદ નથી..." અખિદાન સહેજ યાદ કરીને બોલ્યો.

"ઠીક છે. તમે કાલે પોલીસ મથકે આવી જજો. અમે આજે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પતાવીએ છીએ..અને તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ અને મોબાઇલ સાથે લઇ જઇએ છે. જે તપાસ પછી પરત કરવામાં આવશે." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાના સ્ટાફ સાથે નીકળી ગયા.

પોલીસ મથકમાં આવ્યા પછી તેમણે ફરીથી બધી વાતો યાદ કરી ડાયરીમાં ટપકાવી લીધી. અને વિચાર કરવા લાગ્યા. લૂંટમાં લાખોના ઘરેણા અને રોકડ રકમ ગઇ છે એટલે કોઇ જાણીતાનું જ કામ છે. પણ એમને તો ઘણા લોકો ઓળખતા હતા. તેમના ઘરે કોણ કોન આવતું હોય શકે? અરે હા, પેલી બીજી મહિલા કમીલાબેન કોણ છે? તેને મારવા આવ્યા હોય અને લૂંટ કરી જતા રહ્યા હોય એમ પણ બની શકે....

ઇન્સ્પેક્ટર ઠાકોરે કમીલાબેનના પરિવારની તપાસ કરી. તેનો દેખાવ અને કદ કાઠી રુમાનાબેન જેવા જ હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે તપાસ કરી તો જાણવા મળ્યું કે કમીલાબેન મહારાષ્ટ્રના વનીમાં રહેતા હતા. તેમના પરિવારનો સંપર્ક કરી પતિને બોલાવ્યા. પતિ તો આઘાતથી બેહોશ જ થઇ ગયા. તે બહુ મુશ્કેલીથી આ ઘટનાને પચાવી શક્યા. તેમણે કહ્યું કે આજે વહેલી સવારે તે પોતાની બહેનપણી રુમાનાબેનને ત્યાં બે દિવસ મળવા અને રહેવા જવાનું કહીને નીકળી હતી. બંનેને આમ તો કોઇ સંબંધ ન હતો. એક વખત મહાબળેશ્વર ફરવા ગયા ત્યારે રુમાનાબેન મળી ગયા હતા અને તેમની સાથે મિત્રતા થઇ હતી. બંને અવારનવાર ફોન પર વાત પણ કરતા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરને કમીલાબેનના પતિની વાતો સાંભળ્યા પછી થયું કે તેઓ એક મધ્યમ પરિવારના છે અને તેમની પત્નીને મારવાથી કોઇને લાભ થાય એમ ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે પીએમ થઇ ગયું એટલે કમીલાબેનની લાશ સોંપી તેમને છૂટા કર્યા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીનો અભિપ્રાય માગ્યો. ધીરાજીએ કહ્યું:"સાહેબ, પહેલી નજરે જ નહીં બીજી નજરે પણ આ લૂંટ વીથ મર્ડરનો કેસ છે. એના છોકરાએ પણ હત્યા કરાવી હોય એવા કોઇ પુરાવા નથી. અને માલમિલકત તો આમ પણ એને જ મળવાની હતી. બીજો કોઇ વારસદાર નથી. એટલી બધી પણ મિલકત નથી કે માની હત્યા કરે. એના મોબાઇલની તપાસમાં પણ કંઇ શંકાસ્પદ મળી આવ્યું નથી. પોસ્ટમોર્ટમમાં ગોળી વાગવાથી મોત થયું છે એવો રીપોર્ટ છે...."

"પણ ધીરાજી, રુમાનાબેનના મોબાઇલમાં ઘણું શંકાસ્પદ છે. તેમના વોટસઅપ ચેટીંગમાં કેટલાક પુરુષો સાથે બિભત્સ ચેટ થયેલી છે. મને તો આ બાઇ ધંધો કરતી હોય એમ લાગે છે. કોઇ પુરુષ સાથે ના બન્યું હોય અને પતાવી દીધી હોય એવું બની શકે. પણ હવે આપણે પણ શું કરી શકીએ? કેટલા પુરુષોની તપાસ કરીશું? જરૂરી કાગળિયા કરી તેના પુત્રને મળીને કેસ પૂરો જાહેર કરી દઇએ. લૂંટારું મળે ત્યારની વાત ત્યારે." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે ચા મંગાવી.

ચા પીતાં-પીતાં એક વિચાર આવ્યો અને ધીરાજી સાથે બીજા ત્રણ દિવસ સુધી ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાની રીતે કેટલીક તપાસ કરાવી લીધી.

ચાર દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોર અખિદાનના રોહાઉસ પર પહોંચ્યા. અખિદાન આજે પણ શોકગ્રસ્ત હતો. માતાના મોતનો આઘાત હજુ તે અનુભવી રહ્યો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ઇશારો કર્યો એટલે ધીરાજીએ અખિદાનને રુમાનાબેનનો મોબાઇલ આપ્યો અને એક એગ્રીમેન્ટ બતાવ્યું.

"આ શું છે?" એગ્રીમેન્ટ જોઇને અખિદાન ચમક્યો.

"આ રુમાનાબેનનું વીલ છે. તેમના કબાટમાંથી કેટલીક વસ્તુઓ મળી એમાં હતું. એમણે બધી ધન-દોલત અમદાવાદના અનાથાશ્રમને દાન કરી દીધી હતી. તમને તો ખબર હશે જ.." ઇન્સ્પેક્ટર ઠાકોર ખુશ થતા બોલ્યા.

"ના, મને ક્યારેય કીધું નથી. ક્યારે વીલ કર્યું?" અખિદાન ફરી ચમકી ગયો.

"આમાં તો ચાર દિવસ પહેલાંની તારીખ છે...." ઇન્સ્પેક્ટર ઠાકોરે પૂછ્યું.

અખિદાન આઘાત લાગ્યો હોય એમ સૂનમૂન થઇ ગયો. હાથમાંથી કિમતી વસ્તુ છીનવાઇ ગઇ હોય એમ એ થોડીવાર હતપ્રભ થઇ ગયો હતો. પછી બોલ્યો:"એમ કેવી રીતે દાન કરી શકે? હું વારસદાર છું. મારો જ હક્ક હોય...."

"અને એ હક્ક માટે તું શું કરી શકે?" ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને અકળાવ્યો.

"હું કોર્ટમાં જઇશ..." અખિદાન હવે લડવાના મૂડમાં આવી ગયો. તેના ચહેરા પરનો શોક ગાયબ થઇ ગયો.

"પણ તારે તો પહેલાં જેલમાં જવું પડશે...આ વીલ અમે નકલી બનાવ્યું છે. તારા પ્રત્યાઘાત જોવા..." ઇન્સ્પેક્ટર ઠાકોરે હસીને કહ્યું.

"તમે કહેવા શું માગો છો?" અખિદાનનું દિલ ધડકવા લાગ્યું.

"જીહાં, માતાની હત્યાના આરોપમાં હું તારી ધરપકડ કરું છું..." ઇન્સ્પેક્ટર ઠાકોરના ઇશારે ધીરાજીએ અખિદાનના હાથમાં હાથકડી પહેરાવી દીધી.

"હત્યા? તમે કેવી રીતે કહી શકો?" અખિદાન નવાઇથી બોલ્યો.

"હું નહીં તેં જેને સોપારી આપી હતી એ શાર્પશૂટરો કહી રહ્યા છે..." ઇન્સ્પેક્ટર ઠાકોરે રહસ્ય ખોલ્યું:"તેં બહુ ચાલાકી કરી. કેટલીક બાબતોને કારણે મને પહેલાંથી જ તારા પર શંકા હતી. હવે તું બતાવે છે કે મારો દંડો બોલાવે તને?" ઇન્સ્પેક્ટર ઠાકોરે લાલ આંખ કરી.

અખિદાન ભાંગી પડ્યો:"હા, મેં જ મારી માને મારી નખાવી છે. તે મને કાણી પાઇ પણ આપવા માગતી ન હતી. તેના અનેક પુરુષો સાથે સંબંધ હતા. તે એશોઆરામથી જીવવા માગતી હતી અને મને વારસામાંથી બેદખલ કરવા માગતી હતી. મેં બિહારના મારા ગામ જઇ પાંચ લાખમાં સોપારી આપી હતી. તેઓ આવીને લૂંટના નામે હત્યા કરી ગયા હતા. હું થોડા દિવસ પછી બાકીનો તેમનો હિસાબ કરવા જવાનો હતો. મેં કોઇની સાથે ફોન ઉપર આ બાબતે વાત કરી ન હતી. તો પછી તમને કેવી રીતે ખબર પડી?"

ઇન્સ્પેક્ટર ઠાકોરે મર્માળુ હસીને કહ્યું:"બરખુરદાર, તારા જેવા ઘણા ગુનેગારોના ચહેરા જ નહીં મન પણ વાંચી લઇએ છીએ. અને તેં તો એક નહીં બે માતાને મારવાનું પાપ કર્યું છે. કમીલાબેન બિચારાએ વગર કારણે જીવ ગુમાવવો પડ્યો. તારા મોબાઇલમાં કોઇની સાથેની વાતચીત ના જાણવા મળી પણ ગોળીબારની ઘટનાના એક દિવસ પહેલાં જ તું બિહાર ગયો હતો એવું લોકેશન મળ્યું. અમે ત્યાં પહોંચી સ્થાનિક પોલીસની મદદથી તું જે લોકેશન પર ગયો હતો ત્યાં તપાસ કરી તો એ શાર્પ શૂટર આરોપીનું ઠેકાણું હતું. અમે તેને દબોચી લીધો. અને તેણે કબૂલ કર્યું કે તેના બે માણસોને અમદાવાદમાં એક મહિલાની હત્યા કરવાની સોપારી આપી હતી. તેં રુમાનાબેનનો જે ફોટો આપ્યો હતો એ થોડો જૂનો હતો. અને અચાનક આવી ચઢેલા તેમના સખી કમીલાબેન એવા જ દેખાતા હોવાથી શૂટરો ગૂંચવાઇ ગયા હતા. તેમણે તો સોદો પૂરો કરવાનો હતો એટલે બંનેને ગોળીઓ મારી ફરાર થઇ ગયા હતા. મને શંકા ત્યારે જ પડી હતી કે હત્યા પછી તું થોડી જ વારમાં હાજર થઇ ગયો હતો. અને ઢોંગ કરવા લાગ્યો હતો. જો લૂંટ માટે હત્યા થઇ હોત તો બંને મહિલાના હાથમાંની સોનાની બંગડીઓ પણ ખેંચી ગયા હોત. પીએમમાં પણ ઘરેણાં ખેંચવામાં આવ્યા હોય એવો કોઇ ઉલ્લેખ નથી. મતલબ કે તેમણે ફક્ત બંગડી જ પહેરી હતી. બીજા કોઇ ઘરેણાં પહેર્યા ન હતા. ઘરમાં કોઇ દસ તોલાનો હાર પહેરીને ફરતું ના હોય. અને લૂંટ કરવા આવે એ ફોન બંધ કરી ચોરી જાય. વોચમેનના જણાવ્યા પ્રમાણે ગોળીબાર કરીને તરત જ બે જણ ભાગી ગયા હતા. મતલબ કે તેમનો ઇરાદો હત્યાનો જ હતો. તેં માતાના પુરુષમિત્રો હોવાની વાત નારાજગી સાથે કરી હતી. તેમના ફોનમાં ઘણા પુરુષમિત્રો સાથેના સંબંધની માહિતી છે. મતલબ કે આ કારણથી પણ તું નારાજ હશે એવી શંકા પડી હતી....પૈસાની લાલચમાં તેં બધું જ ગુમાવી દીધું."

ઇન્સ્પેક્ટર ઠાકોરે વાત પૂરી કરી.

*

મિત્રો, મારી બુક્સના ૩ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED