ચિંતન લેખ.. શ્રી મદ્ ભગવદ્ ગીતા મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતન લેખ.. શ્રી મદ્ ભગવદ્ ગીતા

ૐ‌ શ્રી ગણેશાય નમઃ , ક્લીમ્‌ શ્રી કૃષ્ણાય નમઃ
શ્રી કૃષ્ણ દ્વૈપાયનાય નમઃ. , શ્રી સરસ્વતયૈ નમઃ

સનાતન વૈદિક ધર્મની પરંપરાના જ્ઞાન માં ગીતા શિરોમણી છે. આપણું સદભાગ્ય છે, કે વેદો અને ઉપનિષદો ના સાર રૂપે, મહાભારત મહાકાવ્ય માંથી ભગવદ્ ગીતાનો ઉપદેશ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુન ને ઉદ્દેશીને આપણા સુધી પહોંચ્યો છે. આ ઈશ્વરની અનંત કૃપા સિવાય બીજું શું હોઈ શકે!. ખરેખર સદભાગ્ય છે.

કેવળ ૭૦૦ શ્લોકમાં જીવન ના પ્રવાહો ને આવરી જન્મ મૃત્યુ નું રહસ્ય અને જીવની મુક્તિ અને બંધન, તથા પ્રકૃતિ માં પુનરાવર્તન ને સમજાવતું સરળ શબ્દોમાં તત્વજ્ઞાન અને સહજ સમજણ ભર્યો ઉપદેશ છે,જે દરેક દેશ કાળ ધર્મ અને સમાજ ના લોકો જીવન માં ઉતારી પરમતત્વ ને પામી શકે છે.

ગીતા એ કર્મ ,યોગ અને જ્ઞાન ત્રણે માર્ગ નો સુભગ સમન્વય અને પરસ્પર પૂરક અને રોચક છે. કર્મની ગહનતા સમજવા,
ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ વગેરે કર્મોનું સ્પષ્ટતા પુર્ણ વર્ણન છે. કર્મ કરીને પણ અકર્મણયતા પામવાની ઉત્તમ કળા અનાસક્તિ યોગ દ્વારા નિષ્કામભાવે નિર્લેપ રહીજળકમળવત જીવન જીવી જીવનમુક્તિ નો આનંદ પ્રદાન કરતી જ્ઞાન રૂપી ગંગા છે.

ગીતા માં બધું ખૂલ્લું છે, ગોપનીયતા જેવું કશું નથી, ગીતા ફક્ત વાંચવા નો નહીં ,આચરણમાં લાવવા નો ગ્રંથ છે.દરેક વ્યક્તિના માટે ગીતા નો ઉપદેશ છે.તેમા ભેદભાવ નથી, તેમાં ત્યાગ અને
સમર્પણ અનેશરણાગતિ સ્વીકારી કલ્યાણ સાધવા ની વાત છે.
ગીતા વાંચ્યા પછી જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય તો સમજવું કે તમે ખરેખર ગીતા વાંચી છે .જીવનમા ઉતારી છે, જીવન માં
પરિવર્તન આવી જાય એવો અદ્ભુત કર્મ અને ધર્મ નો સરળ વ્યવહારિક ઉપદેશ એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે.

કોઈ પણ સારા પ્રસંગે ઉદ્ઘાટનમાં યોગ્ય અથવા વિશેષ વ્યક્તિ ની પસંદગી થાય છે. અહીં ધૃતરાષ્ટ્ર જે અંધ સ્વાર્થ લાલસા અને પુત્ર પ્રેમ અને મોહ માં અંધ છે, એમના હાથે ઉદ્ઘાટન થયું છે. જ્ઞાની ને ગીતા વાંચવાની જરૂર નથી. જે અજ્ઞાનતા માં જીવે છે તેઓના જીવન માં પ્રકાશ મેળવવા માટે ગીતા ઉપદેશ છે.

સંજય ને વ્યાસ મુનિએ દિવ્ય દ્રષ્ટિ આપી હતી તેના પ્રભાવથી
ધૃતરાષ્ટ્ર ને મહાભારતના યુધ્ધ વખતનો ચિતાર તેમણે રજુ કર્યો
એ આપણી ભગવદ્ ગીતા છે, જે અનુષ્ટુપ છંદમાં મહદઅંશે લખાઈ છે, માટે ગેય એટલે ગાઈ શકાય એવી છે.

ગીતાના દરેક અધ્યાય ને યોગ સાથે જોડ્યો છે. પ્રથમ વિષાદ યોગ અને છેલ્લે અઢારમો જ્ઞાન યોગ છે.તેમા ભક્તિ, યોગ અને જ્ઞાન એમ એક થી છ એ ભક્તિ, સાત થી ૧૨ યોગ , અને તેર થી અઢાર જ્ઞાનની ચર્ચા કરી છે.મુખ્યત્વે ગીતા કર્મ ,યોગ અને જ્ઞાન નો સમન્વય કરી દિવ્યતા તરફ લઈ જતો ઈશ્વરીય સંદેશ છે ,એનું આચરણ કરવાથી માનવજીવન નો ધ્યેય મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. ભુક્તિ અને મુક્તિ , શ્રેય અને પ્રેય આ બેઉ ફળ પ્રદાન કરનાર ભગવદ્ ગીતા છે.

ગીતા નું જ્ઞાન મુખ્યત્વે કર્મ પ્રધાન છે, પરંતુ તેમાં અકર્મણયતા
ની સરળ સમજ ત્યાગ , વૈરાગ્ય અને નિષ્કામ કર્મના અભ્યાસ દ્વારા કર્મ બંધન થી મુક્તિ છે, આત્મા કર્તા નથી એ સમજણ ની વિશેષતા નું નિરૂપણ ગીતા જ્ઞાન છે.અનપેક્ષતા શુચિ અને દક્ષતા તથા વિષયોની ભોક્તા વૃત્તિ પરત્વે ત્યાગ અને ઉદાસનતા એટલે કે ભોગથી ઉપરામ થવાની ‌કળા‌ એ જ ખરો ગીતાનો ઉપદેશ છે.

ત્યાગમાં તત્પરતા અને ભોગમાં ઉદાસીનતા છે, ત્યાગથી જ શાંતિ મળે એ ગીતા નું હાર્દ છે .રહસ્ય છે. ત્યાગ ની‌ વ્યાખ્યા વિષય વસ્તુ કે પરિસ્થિતિ ને છોડી ને ભાગવાની વાત નથી,પરંતુ અનાસક્ત ભાવે નિષ્કામ કર્મ કરવા ની વાત છે. નિર્લેપભાવે ઈશ્વર અર્પણ બુધ્ધિ થી શરણાગતિ માં કર્મયોગી બનવાનો ઉપદેશ ગૃહસ્થી માટે છે.

સર્વ સંકલ્પો નો ત્યાગ કરવો એજ કર્મબીજ નષ્ટ કરવાનો સહજ સરળ ઉપાય છે.એને જ સંન્યાસ કહ્યો છે. એજ ખરો યોગારૂઢ કહેવાય છે. ગૃહસ્થે સ્વસ્થતા થી સ્થિતપ્રજ્ઞ બની કર્તવ્ય પરાયણ થવું અને અનાસક્તિ યોગ કરવો એમાં જ સાચી મુક્તિ નો આનંદ છે. બંધન આસક્તિનું પરિણામ છે.

યોગી પુરુષો માટે, પ્રાણ , કુંડલિની શક્તિ દ્વારા આત્મચેતના ની અપરોક્ષ અનુભૂતિ કેવી રીતે થાય તેની સમજણ છઠ્ઠા અધ્યાયમાં યોગ‌ દ્વારા સમજાવ્યું છે. સાત આઠ અને નવમા
અધ્યાયમાં સૃષ્ટિ નું જ્ઞાન અને સાચી જિજ્ઞાસા ને સંતોષતા
રાજયોગ નું જ્ઞાન પીરસ્યું છે.તેમા મન દ્વારા વિચારો નું નિયંત્રણ
કેવી રીતે લાવવું એની સમજણ છે.પછી ભગવાને પોતાની વિભૂતિ નું વર્ણન અને દિવ્ય દ્રષ્ટિ થી અર્જુન ને દર્શન કરાવ્યું છે. આ દિવ્ય દ્રષ્ટિ તમે પણ પામી શકો એવી સારગર્ભિત જ્ઞાન ની ધારા એટલે જ ભગવદગીતા .

બારમા અધ્યાયમાં ભગવાને ભક્તિ ની સહજતા અને અનન્ય ભાવ દ્વારા શરણાગતિ થી ઈશ્વર પ્રાપ્તિ નો સૌથી સરળ માર્ગ
બતાવી દીધો છે. તેરમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ના ઉપદેશ
દ્વારા પુરુષ અને પ્રકૃતિ ની સમજણ આપી છે,

ચૌદમાઅધ્યાયમાં ગુણો નું વર્ણન સત્વ રજસ અને તમસ ની સમજણ અને ગુણાતીત થવાની ઉપાસના કહી છે.પંદર‌મા
અધ્યાય પુરુષોત્તમ યોગ દ્વારા આત્મા, પરમાત્મા અને પરમધામની અને પરમાત્મ સ્વરૂપની સમજણ આપી છે.

સોળમા અધ્યાયમાં શ્રધ્ધા અને વિશ્વાસની વ્યાખ્યા કરી છે.
સત્તરમા અધ્યાયમાં ‌ અભય સત્વ શુધ્ધિ દ્વારા જ્ઞાન માં સ્થિર થવા નો ઉપદેશ આપ્યો છે.અને અઢાર માં અધ્યાય માં બધાનો
સાર આપી દીધો‌ છે.જ્ઞાન એ આત્મચિંતન અને મનન તથા‌
સહજ ધ્યાન દ્વારા પરમ ચૈતન્ય સ્વરૂપ માં સ્થિત થઇ, આત્મા
ની અનુભૂતિ થાય એવી મંગલમય કલ્યાણ કારી જ્ઞાન ની કૃપા વરસાવી છે.

ફક્ત સાતસો શ્લોકો દ્વારા મહર્ષિ વેદવ્યાસજી એ ભગવાન ગણપતિ ના સહયોગથી ગીતાજ્ઞાન લોકભોગ્ય બનાવ્યું છે.
ગીતાએ ફક્ત વાંચવાનો ગ્રંથ નથી, વાંચીને જીવન માં ‌આચરણ કરવાનો ગ્રંથ છે. ગીતા એ ધર્મ એટલે ફરજ કેવી રીતે નિષ્કામ ભાવે બજાવવી એ કર્મયોગ નું નિરૂપણ છે. ગીતા એ ભાવ અને ભક્તિ નો અનન્ય યોગ છે. શરણાગતિ યોગ છે.ગીતા શબ્દ અને પ્રાણની ઉપાસના નો ક્રિયા યોગ છે. ગીતા મન દ્વારા
મનન કરી મનોલય કરતા રાજયોગ નો ઉપદેશ ‌છે. ગીતા એ
આત્મા ચૈતન્ય સ્વરૂપ નું ચિંતન કરી આત્મા આનાત્મા વિવેક દ્વારા મળ વિક્ષેપ અને આવરણ દુર કરી પ્રત્યક્ષ અને પરોક્ષ ની પેલે પાર અપરોક્ષ અનુભૂતિ ના જ્ઞાન માર્ગનો ઉપદેશ છે.

આમ, વ્યવહાર માં આચરી શકાય એવો અબાલ વૃદ્ધ સૌ માટે સરળ ગીતા ઉપદેશ કર્મ ભક્તિ અને જ્ઞાન નો સમન્વય છે.
ગીતા માં ગોપનીયતા જેવું કશું નથી, મન બુધ્ધિ ચિત અને અહંકારને સમજવા ની સરળ સાર વાતો છે. માટે જ વિશ્વનો સૌથી નાનો હોવા છતાં શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ છે. જેના જ્ઞાનનો દુન્યવી બધાજ ધર્મ ગુરુઓએ અને મહાપુરુષો એ સ્વીકાર કર્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણ: અર્જુનને ઉદ્દેશી આપણા બધાના કલ્યાણ નિમિત્તે આ ઉપદેશ આપી મુક્તિ નો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
શ્રી મદ્ ભગવદ્ ગીતા ત્યાગ નું રહસ્ય ઉદ્ઘાટન છે, કર્મ અકર્મ અને વિકર્મ થી છુટી અકર્મણયતા પામવા ની ચાવી છે. શબ્દ
પ્રાણ અને આત્મ વિચાર ના અનુસંધાન થી ઈશ પ્રાપ્તિ કે આત્મા ના જ્ઞાન ધ્વારા મોક્ષનો સરળ ઉપદેશ ,માનવમાત્ર માટે જીવનના આદર્શ સમાન છે.

સરળતા થી સહજ રીતે ગીત ગાતાં ગાતાં , જીવન નો‌ આનંદ
પામી લેવાની એટલે ભુક્તિ ની યુક્તિ અને પ્રાકૃતિક કુદરતી નિયમ ત્યાગ ના આચરણ દ્વારા અનાસક્તિ માં રત રહી નિર્લેપભાવે જીવનનો નિર્વાહ કરી નિર્વાણ પામવા ની કળા એટલે જ શ્રીમદ ભગવદગીતા.

કર્મ , યોગ અને જ્ઞાન ત્રણે નો સુભગ સમન્વય. ભક્તિ માં શરણાગતિ દ્વારા આત્મ નિવેદન, યોગ દ્વારા પ્રાણશક્તિ નું
સહસ્ત્રાર સંચરણ અને મનનો લય કરતા રાજયોગ દ્વારા, આત્મચિંતન ના વિચારો દ્વારા અપરોક્ષ અનુભૂતિ પામવાની
ગીતાજ્ઞાન ની વિશેષતા છે.

આટલો સહજ અને સરળ શબ્દોમાં તત્વજ્ઞાન પીરસતો અધ્યાત્મ રહસ્ય ઉદ્ઘાટન કરતો ગ્રંથ ગીતા સિવાય બીજો‌કયો હોઇ શકે છે. અલબત અઢાર અધ્યાય માં શ્રી કૃષ્ણ ભગવાને
પુર્ણતા પામવાની કળા શીખવી દીધી છે.

ગીતા એ મુક્તિ દાતા ગ્રંથ હોવા છતાં આપણે ઈન્દ્રિયો ના ગુલામ છીએ એ આશ્ચર્ય જનક નથી શું???
ગીતા એ પ્રેમ નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ત્યાગના સ્વરૂપ માં.જેને
સમજવા ગીતા વાંચન પછી આચરણ વિશેષ મહત્વ છે.ખરો તો આચરણ કરવાનો ધર્મ એટલે ફરજ પાલન અનાસક્તિ દ્વારા આચરવામાં આવતો ગીતા નો ઉપદેશ ‌છે.

ગીતા ગોપનીયતા નહીં, ખુલ્લા જ્ઞાન ના આચરણ દ્વારા
ભુક્તિ અને મુક્તિ પામવા નો સરળ સહજ ઉપદેશ છે.
પરમાત્મા ની માનવજાત પર વિશેષ કૃપા વરસાતો દિવ્યતા નો
પ્રસાદ છે.જ્યા ગીતા નું જ્ઞાન છે ત્યાં શ્રી અને વિજય નિશ્ચિત છે.ત્યા પરમાત્મા ની કૃપા અવશ્ય છે.

શ્રી ગીતાજી વિષે લખવાની કે બોલવાની કે ટીપ્પણી કરવાની મારી લાયકાત નથી. પરંતુ જે થોડુંઘણું સત્સંગ,શ્રવણ અને મનન દ્વારા મારી સમજમાં આવ્યું તે ભગવદ્ કૃપાનું વિનમ્રતા પૂર્વક નું નિવેદન છે. અસ્તુ.

===== ૐ આનંદ ૐ ======ૐ આનંદ ૐ=====

જય સચ્ચિદાનંદ,,જય શ્રીકૃષ્ણ.જય ગણેશ, જય ગુરુદેવ

===={{{{{====}}}}===={{{{====}}}====