NAVJIVAN books and stories free download online pdf in Gujarati

નવજીવન. (પ્રેરણાત્મક વાર્તા)

નવજીવન. (પ્રેરણાત્મક વાર્તા)     પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

સરલાબહેન અર્ધ નિદ્રામાં હતાં, અને એ કરુણ દ્રશ્ય એમને ફરીથી દેખાયું. એ સાથે જ એ ઝબકીને જાગ્યા. આટલી ઠંડીમાં પણ  આખા શરીરે પરસેવો વળી ગયો. જ્યારથી એ કમનસીબ બનાવ બન્યો, ત્યારથી એટલે કે લગભગ ચૌદ-પંદર દિવસથી એમની ઊંઘ વેરણ થઇ ગઈ હતી. સુતા - જાગતા કે કોઈ કામ કરતા હોય ત્યારે અચાનક એ દ્રશ્ય એમની આંખ સામે આવી જાય, અને એ છળી ઊઠે.

એમણે જાગીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો, સાડીના પાલવથી ચહેરા પરનો પરસેવો લૂછ્યો. પલંગની બાજુમાં મુકેલા જગમાંથી ગ્લાસમાં કાઢીને બે ઘૂંટડા પાણી પીધું. સામેની દીવાલ પર લગાવેલા ઘડિયાળમાં જોયું તો સવારના સાડાપાંચ વાગ્યા હતા. એમના રોજનો ઊઠવાનો સમય થઇ ગયો હતો. પલંગમાંથી પગ નીચે મૂકતાં પહેલા જ એમણે પોતાની બે હથેળીઓ પર નજર માંડી, અને  ટેવવશ એમના મુખેથી શ્લોક સરી પડ્યો, 

‘कराग्रे वसते लक्ष्मिः करमध्ये सरस्वति । करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम् ॥‘

પલંગ પરથી માંડ માંડ  જમીન પર પગ મુકીને તેઓ નીચે ઉતર્યા, ડગમગતી ચાલે બાથરૂમમાં  ગયા, બ્રશ કરીને ડ્રોઈંગરૂમમાં આવ્યા. આટલું કરતાં તો જાણે કેટલાય માઈલ સુધી ચાલીને આવ્યા હોય એમ તેઓ થાકી ગયા, સોફામાં ધબ દઈને બેસી પડ્યા, અને હાંફતી છાતી પર હાથ મુકીને ભરાઈ આવેલા શ્વાસને નોર્મલ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા.  પછી આંખ ઉઠાવીને જોયું ત્યારે ડ્રોઈંગરૂમમાં સામેની દિવાલ પર લટકતી પોતાના બાર વર્ષના પૌત્ર સુમેહની સુખડના હાર ચઢાવેલી તસવીર પર નજર ગઈ, એ જોઇને ફરીથી છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો. અને અત્યાર સુધી  ખાળી રાખેલો આંસુઓનો  બંધ તૂટી પડ્યો, એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

ત્યાં જ એમના મુખ પર એક કોમળ હથેળીનો સ્પર્શ થયો. એમની પૌત્રી સીમોનીએ પોતાના હાથથી  એમના આંસુ લૂછતાં કહ્યું, ‘દાદી, તમે રડો નહિ, પ્લીઝ’ એ જ વખતે બેડરૂમમાંથી બહાર આવેલો એમનો  પુત્ર રોહિત બોલ્યો, ‘મમ્મી, ડોકટરે તમને કહ્યું છે ને કે રડવાથી તમારી તબિયત પર ખરાબ અસર થશે. માટે તમે હવે રડવાનું બંધ કરો અને થોડા રીલેક્સ થાવ’ પાછળથી આવેલી સરલાબહેનની પુત્રવધુ સોનાલીએ  કહ્યું, ‘મમ્મી, તમારે માટે હું ચા-નાસ્તો લઇ આવું. ચા – નાસ્તો કરીને તમે તમારી બ્લડ પ્રેશરની દવા લઇ લો, અને પછી આરામ કરો.’    

ચા – નાસ્તો કરીને બ્લડ પ્રેશરની દવા લઈને સરલાબહેન પ્રાત:કર્મ પતાવવા પોતાની રૂમમાં આવ્યા. નાહી પરવારીને સેવાપૂજા કરતી વખતે આંસુઓના રેલા ફરીથી એમના ગાલ પર વહી નીકળ્યા, એ બોલ્યા, ‘મારા વહાલા, આ તને શું સુઝ્યું ? મારા જેવા પાકટ પાનને છોડીને કુમળી કળી જેવા મારા પૌત્રને તારા ઘરે બોલાવી લીધો ? અમે તારો  એવો તે શું ગુનો કરી નાખ્યો જેની આવી સજા તેં અમને કરી ?

અને તાજેતરમાં બની ગયેલો એ કમનસીબ બનાવ સરલાબહેનના દિમાગમાં કોઈ ફિલ્મના રીલની માફક ભજવાયો. વાત જાણે એમ બની હતી કે આજથી લગભગ પંદર દિવસ પહેલા એક સવારે સ્કુલમાં જવા માટે તૈયાર થઈને એમનો પૌત્ર સુમેહ  ફ્લેટના પગથીયા ઉતરી રહ્યો હતો. રોજ કરતાં આજે એ પાંચ મિનીટ મોડો હતો, એટલે સ્કુલવાન છૂટી ન જાય એટલા માટે  ઉતાવળે પગથીયા ઉતરવા ગયો. હડબડાટીમાં એના જ હાથમાં રહેલી વોટરબોટલ એના પગમાં અટવાઈ અને અડબડિયું ખાઈને છ સાત પગથીયા એકસામટા કુદાવીને એ ઉંધા માથે પટકાયો.  

એ સાથે જ એનું માથું પગથીયાની અણીયાળી ધાર સાથે જોરથી અથડાયું. અને લોહીની ધાર ફૂટી નીકળી, એનાથી એક કારમી ચીસ પડાઈ ગઈ. ચીસ સાંભળીને બિલ્ડીંગનો  વોચમેન  દોડી આવ્યો, એણે  ફટાફટ  ઉપર જઈને રોહિતભાઈને આ બનાવાની જાણ કરી. એ સાથે જ રોહિતભાઈ અને સોનાલીબહેન દોડતાં નીચે આવ્યાં. પપ્પાના કહેવાથી સીમોની એની દાદીને  લઈને લિફ્ટમાં નીચે ઉતરી. અવાજ સાંભળીને પડોશીઓ પણ દોડી આવ્યા. સુમેહને આ હાલમાં જોઇને બધા લોકો  ઘભરાઇ ગયા. તરત જ કોઈએ એમ્બ્યુલન્સ બોલાવી. દીકરી સીમોનીને દાદીનું અને ઘરનું ધ્યાન રાખવાનું કહીને રોહિત-સોનાલી, એમ્બ્યુલન્સમાં  સુમેહને  નજીકની હોસ્પિટલમાં લઇ ગયા.

હોસ્પિટલ પહોંચતાં જ ત્યાં હાજર ડોક્ટરે પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોતાના સ્ટાફને ‘ઓપરેશન થિયેટર’ તૈયાર કરવાની સુચના આપી. અને  જરૂરી ટ્રીટમેન્ટ શરુ કરી દીધી. સુમેહને  લોહી ખુબ જ વહી ગયું હતું. એનું બ્લડપ્રેશર સતત નીચું જઈ રહ્યું હતું, પલ્સ પણ ધીમી થઇ રહી હતી. એનું  હોસ્પિટલના બ્લડસ્ટોરેજમાંથી લોહીની બોટલ્સ તૈયાર રાખવાની સુચના અપાઈ ગઈ. પછી  એને તરત જ ઓપરેશન થિયેટરમાં લઇ જવાયો.

ઓપરેશન થિયેટરમાં લઇ જવાતાં સુમેહને જોઇને સોનાલીએ ડોક્ટરને રડમસ અવાજે પૂછ્યું, ‘ડોક્ટર, મારો દીકરો બચી તો જશે ને ?’ ડોકટરે એને ધીરજ બંધાવતાં કહ્યું, ‘અમે અમારાથી બનતું બધું જ કરીશું, બાકી તો બધું ઉપરવાળાના હાથમાં. ગોડ ઈસ ગ્રેટ.’ અને ઓપરેશન થિયેટરના બારણાં બંધ થયાં અને બહાર લાલ બલ્બ ઝબૂકી ઉઠ્યો. 

સોનાલી રોહિતના ખભા પર માથું મુકીને ધ્રુસકેધ્રુસકે રડી પડી. રોહિતે પોતાનું દુખ છુપાવીને એને કહ્યું, ‘સોનાલી, પ્લીઝ. શાંત થઇ જા. રડવાથી આપણો સુમેહ સાજો નહિ થઇ જાય. આપણે બંને ઈશ્વરને  પ્રાર્થના કરીએ, મારનારો એ છે તો તારનારો પણ એ જ છે.’ આ આકસ્મિક બનાવની ખબર જેને જેને મળી, એ બધા સગાં-વહાલાંઓ અને પડોશીઓ હોસ્પિટલમાં મળવા આવી ગયા, અને રોહિત – સોનાલીને સાંત્વન આપીને ધીરજ બંધાવતાં ગયા.

હોસ્પિટલમાં આવવાની ના કહી હતી, અને તબિયત નરમ ગરમ ચાલ્યા કરતી હતી, એટલે સરલાબહેન સીમોની સાથે ઘરે હતાં. પણ એમના જીવને જરાય ચેન નહોતું પડતું. ઘરના મંદિરીયામાં, કૃષ્ણની પ્રતિમા આગળ બેસીને, આંખો બંધ કરીને, હાથ જોડીને, ઉચક જીવે તેઓ પોતાના જીવ જેટલા વહાલા સુમેહને બચાવી લેવા પ્રભુને સતત આજીજી કરતા રહ્યા. સીમોની પણ બેચેન તો હતી જ, પણ એણે એના દાદીને સંભાળવાના હતા એટલે પોતાની જાતને મજબુત કરીને એ દાદીને સંભાળી રહી હતી.

કહેવાય છે કે, ‘માણસના જન્મ અને મરણનો સમય પ્રભુએ નક્કી કર્યો જ હોય છે એ પ્રમાણે જ થાય છે. એના પર કોઈનો કાબુ નથી હોતો.’ સુમેહ પણ આટલું જ આયુષ્ય લઈને આવ્યો હતો. અનેક પ્રયાસો છતાં ડોક્ટર એને બચાવી ન શક્યા. ઉચ્ચક જીવે ઓપરેશન થિયેટરની બહાર બેઠેલા રોહિત - સોનાલીને ડોકટરે ઓપરેશન થિયેટરની બહાર આવીને કહ્યું, ‘Sorry, we can’t save him. Sumeh is brain dead. He is on Ventilator.’

સોનાલી  આઘાતની મારી અવાચક થઇ ગઈ, જાણે પુતળું જ જોઈ લો. રોહિતે ડોક્ટરને પૂછ્યું, ‘ડોક્ટર અમે સુમેહને જોઈ શકીએ ? ‘Yes, you can. Please come in.’ રોહિતે સોનાલીને ઢંઢોળી અને એને સંભાળીને  ઓપરેશન થિયેટરમાં જ્યાં સુમેહને રાખ્યો હતો ત્યાં લઇ ગયા. સુમેહની આવી સ્થિતિ જોઇને સોનાલીની આંખમાંથી અવિરત અશ્રુધાર વહેવા લાગી. રોહિતની મનોસ્થિતિ પણ  ડગમગી ગઈ હતી. સવારે ઉઠ્યો ત્યારે તો સુમેહ હસતો-રમતો-બોલતો-જીવતો-જાગતો હતો, અને અત્યારે ? એને વિચાર આવ્યો, ‘મમ્મીને કેવી રીતે ખબર આપું કે એમના લાડકા પૌત્રનું અસ્તિત્વ હવે ‘Ventilator’ નામના મશીન પર ટકી રહ્યું છે, જેવું મશીન હટાવ્યું કે ખેલ ખલાસ’

પણ ઘણા અણગમતા કામ આપણે કરવા જ પડતા હોય છે. રોહિતે જ્યારે ઘરે જઈને સુમેહના ખબર મમ્મી અને પુત્રી સીમોનીને આપ્યા ત્યારે એ અત્યંત ગમગીન થઇ ગઈ. અને સરલાબહેન ? એ તો બેભાન થઈને ઢળી જ પડ્યા. ડોકટરે આવીને એમનો ઉપચાર કર્યો અને પછી ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી દીધા. પોતાના ભાઈ-ભાભીને મમ્મીનું ધ્યાન રાખવાનું સોંપીને રોહિત પાછો હોસ્પિટલ આવ્યો.

ડોકટરે એમને પોતાની કેબીનમાં બોલાવીને  કહ્યું, રોહિતભાઈ – સોનાલીબહેન, તમારો પુત્ર તો આ દુનિયામાં હવે પાછો ફરે એવી શક્યતા સહેજ પણ નથી. પણ એના થકી તમે ધારો તો ત્રણ  વ્યક્તિને જીવનદાન આપી શકો એમ છો.’ ‘અમને તમારી વાત સમજાઈ નહિ, ડોક્ટર. અમે કઈ રીતે કોઈને જીવનદાન આપી શકીએ ?’ બંને એકસાથે  પૂછી બેઠા. ‘Organ Donation’ થી. ડોકટરે કહ્યું. અને પછી ઉમેર્યું, ‘સુમેહનું બ્રેઈન ડેડ થઇ ગયું છે, પણ એનું હૃદય હજી ધબકી રહ્યું છે, એ પણ વેન્ટીલેટર છે ત્યાં સુધી જ. એટલે એની આંખોનું દાન કરો તો કોઈ અંધ માણસને દ્રષ્ટિ મળશે. અને એની  કિડની અને લીવર બીજા બે માણસને જીવનદાન આપી શકશે.’

રોહિત અને સોનાલીએ એકબીજાની સામે જોયું અને પછી વિચારમાં પડ્યા. એમણે એકબીજા ઘણી ચર્ચા – વિચારણા  કરી. પછી  ડોક્ટર સાથેની  લાંબી વાતચીત પછી રોહિત – સોનાલીએ નક્કી કર્યું કે ‘સુમેહ એવી સ્થિતિમાં છે, જ્યાંથી એનું આ દુનિયામાં પાછા ફરવું શક્ય નથી. પણ એના થકી એક માણસને દ્રષ્ટિ અને બે માણસને જીવનદાન મળી શકે એમ છે, અને જીવનદાનથી મોટું બીજું કોઈ દાન નથી. મૃત્યુ પછી પણ પોતાનો પુત્ર પોતાના અંગો દ્વારા અન્યના શરીરમાં ધબકતો રહે તો એના જેવું પુણ્યનું  કામ બીજું કોઈ નથી’ એમ વિચારીને બંનેએ સુમેહના ‘Organ Donation’ માટે સંમતિ આપી દીધી.

સરલાબહેને જ્યારે આ વાત જાણી ત્યારે તેઓ પુત્ર અને પુત્રવધુ પર ખુબ નારાજ થયા, એમને પોતાના પૌત્રના  ‘અવયવ દાન’ ની વાત જરાય ન ગમી. અને એમના આ નિર્ણયનો વિરોધ કર્યો. એમનું માનવું હતું કે ‘મૃત્યુ પછી દેહની વાઢકાપ કરવાથી મરનારનો જીવ અવગતે જાય છે.’ રોહિત – સોનાલીએ  એમને બહુ સમજાવ્યા, કહ્યું, ‘મમ્મી, સુમેહ તો મૃત્યુ પામીને પણ એક વ્યક્તિની દુનિયાને પોતાની આંખો દ્વારા રંગીન બનાવશે. અને બીજા બે વ્યક્તિને જીવાડશે. અને જીવનદાનથી મોટું બીજું કયું પુણ્ય હોઈ શકે ? આવું પુણ્ય કરનારનો આત્મા કઈ રીતે અવગતે જાય ?’ છેવટે સરલાબહેન મનેકમને આ વાત માનવા તૈયાર થયા, અને સુમેહની આંખો અને અવયવોનું દાન કરવામાં આવ્યું.

‘મમ્મી, તમારી રૂમમાંથી બહાર આવો, જુઓ તમને મળવા કોણ આવ્યું છે ?’ ભગવાનની મૂર્તિની સામે મૂર્તિમંત બનીને બેઠેલા સરલાબહેન રોહિતની બુમ સાંભળીને વર્તમાનમાં પાછા ફર્યા. ધીમે ધીમે એ પોતાના રૂમમાંથી બહાર આવ્યા. જોયું તો  પચ્ચીસેક વર્ષનો એક યુવાન, એક ચાલીસેક વર્ષના લાગતા ભાઈ અને એક પચાસથી બાવન વર્ષની મહિલા ડ્રોઈંગરૂમમાં સોફામાં બેઠા હતા. સરલાબહેન બહાર આવ્યા એટલે એ ત્રણેય ઉભા થઇ ગયા અને એમને પગે લાગ્યા.

સરલાબહેન આગંતુકોને ઓળખી ન શક્યા એટલે મૂંઝવણમાં પડ્યા. સીમોનીએ કહ્યું, ‘દાદી, તમને યાદ છે, આજે  કયો દિવસ છે ?’ સરલાબહેને નકારમાં માથું ધુણાવ્યું એટલે સીમોની બોલી, ‘દાદી, આજે સુમેહનો  બર્થડે છે.’ ‘જ્યારે મારો લાડકો  સુમેહ જ આ દુનિયામાં નથી રહ્યો, ત્યારે મારે માટે તો બધા દિવસો એક સરખા દુખના ડુંગરા જેવા છે, બેટા’ બોલીને સરલાબહેને નિસાસો નાખ્યો.  રોહિતે કહ્યું, ‘મમ્મી, આજે સુમેહની વર્ષગાંઠના દિવસે ખાસ આ લોકોની મરજીને માન આપીને  એમને આપણા ઘરે બોલાવ્યા છે, તેઓ આપણને કશું કહેવા માંગે છે.’ ‘સુમેહના મૃત્યુનો ઘા હજી રૂઝાયો નથી, ત્યારે આ ત્રણ અજાણ્યા માણસોને  ઘરે બોલાવવાનો શું મતલબ છે ?’ તે સરલાબહેનને ન સમજાયું, એટલે તેઓ ચુપ જ રહ્યા.

પેલો યુવાન સોફામાંથી ઉભો  થયો, અને આગળ વધીને એણે રોહિતભાઈના પગ પકડી લીધા, બોલ્યો, ‘તમારા પુત્રની આંખો થકી આ સુંદર અને અદભુત જગતને હું જોઈ શક્યો છું. મારા જીવનના અંધારા દુર કરીને તમે સૂરજનો પ્રકાશ ફેલાવ્યો છે, મારા જીવનને તમે જીવવા લાયક  બનાવ્યું છે. તમારો આભાર માનું એટલો ઓછો છે, મેં  પણ મૃત્યુ પછી મારી આંખોનું દાન કરવાનું નક્કી કર્યું છે’

યુવાન સાથે આવેલા આધેડ ભાઈએ  ગળગળા અવાજે હાથ જોડીને કહ્યું, ‘તમારા પુત્રની કિડનીના કારણે હું આજે જીવિત છું, તમે મારી પત્નીને વિધવા અને મારા બાળકોને અનાથ – લાચાર થવામાંથી ઉગારી લીધા છે, ભાઈ તમારો આભાર માનું એટલો ઓછો છે, મેં પોતે તમારા પુણ્યકાર્યથી પ્રભાવિત થઈને મારા ફેમિલીને કહી દીધું છે, કે મારા મૃત્યુ પછી મારા અવયવો કોઈને કામ લાગે એમ હોય તો તમે અવશ્ય એમ કરવાની પરવાનગી આપજો.’ આધેડ બહેન બોલ્યા, તમે મને તમારા પુત્રનું લીવર દાનમાં આપ્યું જેના કારણે હું આજે જીવિત છું, અને મારા પૌત્રનું મોઢું જોવા ભાગ્યશાળી બની છું. મેં નક્કી કર્યું છે, કે મૃત્યુ પામીશ ત્યારે આ નશ્વર દેહનું દાન કરીશ, જેથી મેડીકલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા એ કામમાં આવે.’

થોડીવાર પછી એ ત્રણે જણા વારંવાર સૌનો આભાર પ્રદર્શિત કરીને ગયા. એ ત્રણેયની વાત સાંભળીને   સરલાબહેનને સમજાયું કે આ લોકો શા માટે ઘરે આવ્યા હતા. પોતાનો પૌત્ર મૃત્યુ પામીને પણ અમર થઇ ગયો, બીજા લોકોને કામમાં આવ્યો, તે જાણીને એમના જીવને એક જાતના આનંદની – ગૌરવની લાગણી થઇ. પુત્ર અને પુત્રવધુ સામે સરલાબહેને પોતાના પૌત્રના  ‘અવયવ દાન’ નો  કરેલો વિરોધ યાદ આવ્યો. એમને પોતાની ભૂલ સમજાઈ. ‘અવયવ દાન’ નું   મહત્વ હવે એમને સમજાયુ. ‘જાગ્યા ત્યારથી સવાર’ એમ મનોમન બોલીને એમણે પોતે પણ  મૃત્યુ પછી, પોતાના  ‘ચક્ષુદાન’ અને  ‘દેહદાન’  કરવાનો નિશ્ચય બધાની સામે જણાવ્યો, ત્યારે સૌએ એમને એમના આ ઉત્તમ નિશ્ચય બદલ ખુબ ખુબ  બિરદાવ્યા.        

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED