ENTHVAAD books and stories free download online pdf in Gujarati

એંઠવાડ

એંઠવાડ
રસોડામાં ફરીથી ખખડાટ થયો. ઊભા થવાનો બહુ કંટાળો આવતો હતો, છતાં હું પરાણે શરીરનો ભાર ઊઠાવી ઊભી થઈ રસોડામાં દોડી ગઈ. ત્યાં વીશીમાંથી આવેલ ટિફિનના ડબ્બામાંથી કશુંક ઉચ્છિષ્ટ ચાટી લેવા કોઇક બિલાડી આવી હતી. મને થયું કે ગેસ પર ખુલ્લા રાખેલા દૂધ તરફ તે બિલાડીનું ધ્યાન જ નહીં ગયું હોય કે પછી કાં તો તેને તાજા મલાઇદાર દૂધ કરતા વધેલ એંઠવાડમાં વધુ રસ જાગ્યો હશે..! એંઠવાડમાં એવું તો શું હશે..?
અરે, ગઈકાલે તો દાળમાંયે કાંઇ ભલીવાર ન હતી અને ભાતના ચોખા તો જાણે સાવ કણકી જ જોઇ લ્યો...અને પેલું શાક..! અરે, રીંગણા બટાકા તો સાવ ગળી જ ગ્યા’તા.. ના તો દેખાવમાં ભલીવાર કે ના તો સ્વાદમાં..! આ તો ખૂબ વખાણ સાંભળ્યા’તા કે ‘રસવૈભવ’નું ભોજન તો સાવ અજોડ જ..! અને ખરેખર, સાવ અજોડ...આવા બકવાસ સ્વાદની બીજી કોઇ જોડ જ ક્યાંથી હોય..!
ફરી પેલા એંઠા ડબ્બા ચાટવા કરતી બિલાડીએ ડબ્બો ખખડાવી મારું ધ્યાન તેની તરફ દોર્યું. મને ફરી વિચાર આવ્યો કે આ બિલાડીનેય તે વળી આવા એંઠવાડમાં જ સ્વાદ લાગ્યો..! એંઠવાડમાં તે વળી શું મજા..! કોઇએ ખાઇ લઈ જે કાંઇ છોડી દીધું હોય તે વધ્યું ઘટ્યુ... તે વળી એંઠવાડ..! સાવ સ્વાદ વિહીન...સાવ રસકસ વિહીન..! એંઠવાડમાં તો સ્વાદ શોધવો પડે, કાં તો ભેળવાયેલા ભોજનમાંથી સ્વાદ અલગ તારવવો પડે..! હું હળવેથી રસોડામાં અંદર ચાલી. ડબ્બા ચાટી રહેલી બિલાડી મારો પગરવ સાંભળી ભડકીને ભાગતા ભાગતા ગેસ પર રાખેલ મલાઇદાર દૂધ તરફ એક નજર નાખતી ગઈ. તેની નજરમાં હવે દૂધ કરતા એંઠવાડ પર તેણે ઢોળેલી તેની પસંદગી બાબત ભારોભાર પસ્તાવો સાફ દેખાતો હતો. ક્યાં પેલો એંઠવાડ અને ક્યાં આ નજરે પડી હાથ ના આવેલું તાજુ મલાઇદાર દૂધ..!
એકાએક શાંત ઘરમાંથી અદ્રશ્ય કોલાહલ મારા કાને પડ્યો.
“તને ખબર છે..? રસિકનું આ બીજી વારનું છે..!”
“અરે, રસિક તો પરણેલો છે પરણેલો...આગલી પત્નીને એમ જ હડસેલી દીધી એણે..!”
“જોજો ને ભાઇ, પાર્વતીની હાય લાગશે એને..!”
“તને આ આધેડ રસિકમાં એવું તો શું દેખાણું..?”
“આખા ગામનો ઉતાર છે ઇ ભાઇ..!”
“ધ્યાન રાખજે, આજે તારા માટે પાર્વતીને હડસેલી છે, કાલે કોઇ બીજી માટે તનેય..!”
આ બધી જ વાતોને જાકારો આપી પોતે રસિકના જીવનનો અભિન્ન ભાગ બનવા કર્યું. તેણે તો રસિકને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવી દીધો, પણ રસિકે ક્યારેય આવું નહોતુ કર્યું. પ્રેમના ઉમળકામાં લગ્ન તો કરી લીધા, પણ પછીથી કાયમ મનમાં એક ડંખ રહ્યા કરતો કે ગમે તે કહો પણ રસિક છેવટે તો બીજવર જ ને..! રસિક પર મારો ભોગવટો થાય તે પહેલા તે ભોગવાયેલો હતો. રસિકને સ્પર્શતા લાગણી કે ઉન્માદ કરતા તેની પૂર્વ પત્નીએ તેને અગાઉ કરેલા સ્પર્શના વિચારે ઇર્ષ્યાની અગન મારા આખાયે શરીરને બાળી રહી. મન થતું કે તેના સ્પર્શ માત્રને નખથી ઉઝરડા ભરી ઉખેડી નાખું..! રસિકની સમીપે જતા તેની પૂર્વ પત્નીનું સામિપ્ય સ્મરી આવતા હું જ પોતાને તેનાથી દૂર હડસેલી દેતી. રસિક ક્યાંથી તેના સ્પર્શવિહિન રહ્યો હશે કે જ્યાં હું જ મારો પ્રથમ સ્પર્શ અંકિત કરુ..! રસિકનો સાથ પેલા ટિફિનના એંઠા ડબ્બામાંનું કશુંક ઉચ્છિષ્ટ ચાટી લેવા જેવું લાગ્યું..! પેલી બિલાડી તાજા દૂધ તરફ એક નજરેય ના નાખી..! આ એંઠવાડમાં તો શું દાટ્યું’તુ..! મેં ક્યારેય વૈભવ તરફ એક નજરેય ક્યારેય ના કરી અને બસ આ રસિક જ..! અંતરના ખળભળાટના ખખડાટમાં પણ હું પેલી બિલાડીમય બની રહી. હું પણ ખખડાટ સાંભળી પેલી બિલાડીની જેમ એંઠવાડ છોડી નાસી શકતી હોત..! રસિકને તો તે કશાયથી કાંઇ ફેર ના રહ્યો, કારણ રસિક તો રસિક જ રહ્યો..નવા નવા વ્યંજનોના સ્વાદનો માણિગર, રસિયો રસિક..! મના તો થાય છે આ બધું છોડી દઈને વૈભવ પાસે દોડી જાઉ, પણ હવે તો હું પણ એંઠવાડ જ..!

******

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED