Kuldeepak - 1 books and stories free download online pdf in Gujarati

કુળદીપક - 1

કુળદીપક

મહુવા ગામના સીમાડે માલણ નદીના કાંઠે આવેલું ભાદ્રોડ ગામમાં દરબારની ઘણી વસ્તી. ગામામાં બીજી જાતના પણ આઠ દસ ખોરડા. ગામના દરબાર રખુભાની ચારેકોર બીજા બધા વીંટળાઇ બેસી રહે. રખુભા આમ માથાફરેલ દરબાર, એની આસપાસના ગામમાં ધાક ઘણી, એટલે સૌ કોઇ એની ભાટાઇ કરવા લાગતા.! રખુભાની કરડી આંખથી બધાય ફફડતા..! રખુભા આમ દરિયાવ દિલનો, પણ ઇ જેની જીદે ચડ્યો ઇ કરીને જ રહે..! રખુભાને જોઇને જ ભલભલા બી જાય તેવો હતો. સાડા છ ફૂટ ઊંચી કાયાનો કદાવર આદમી, લાંબી અણિયાળી મૂંછોના કાતરા અમળાવતો રાતીચોળ આંખે જોતા જ ભલભલા રખુભા આગળ નમી જાતા.!

આજે હુતાશણીની ઉજવણી ચાલતી હતી. ગામના હનુમાન મંદિરે પીપળાના ટાઢા છાંયડે રખુભા નિરાંતે બેઠા હતા. હંમેશની જેમ બીજા ઘણાયે દરબાર એમની ગોળ ફરતે બેસી કાવા કસુંબા કરતા હતા. રખુભાને ત્યાં બે બાળકો, પણ ઇના મનમાં હજુયે કોઇની રૂપાળી દીકરીને પોતાના ઘરના પાણી ભરાવવા ઓરતા રહેલા જ..! એણે બાજુના ખૂંટવડાના ગામધણી વીરજી દરબારની એકની એક દીકરી જીવી વિશે ઘણુંયે સાંભળ્યુ હતુ. જીવીના રૂપ અને જુવાનીની વાતો સાંભળી રખુભા મનમાં ઇને પામવાના કૈંક ઓરતા રાખતા હતા. ગામના મંદિરે બાઇઓ આઘુ ઓઢી દર્શન કરી જાતી હતી. સામે કેટલાક જુવાનીયા અને છોકરાઉ એકબીજાને રંગે રંગતા હતા. એમની હડીઉ અને ચીચીયારીઉ અહીં સંભળાતી હતી. ધોળા બાસ્તા જેવું પહેરણ પહેરી રખુભા પીપળાના ઓટે બેઠા હતા. કોઇની મજાલ કે રખુભાને રંગનો એક છાંટડોએ અડાડે..!

ડાયરામાં ગામની બધી વાત કરતા કરતા વાત જીવી પર આવી. રખુભા જરા ઊંચા થઈ બેઠા થયા. ગામના સૌ જાણતા કે જીવી પર રખુભાની નજર છે, એટલે કોઇ એના વિશે કાંઇ આડુ બોલવા જીગર નો કરતુ.! સામેથી ઘોડાના ડાબલા પછડતા કોઇ નવતરને આવતા જોઇ ડાયરામાંથી કોઇ બોલ્યુ, “અરે આ તો વીરજી દરબાર, જીવીના બાપુ..!” તરત રખુભાએ અવાજની દિશામાં ડોકુ ફેરવ્યું. ધોળા કેડીયામાં કમરમાં મ્યાનમાં તલવાર લટકાવતા માથે દરબારી સાફો બાંધેલો મરદ મૂછાળો વીરજી દરબાર એની અસલ જાતની ધોળી ઘોડી પર ઠમકારા લેતો આવી પૂગ્યો.

“અરે મે’માન આવ્યા છે.… કોઇ ઢોલીયો લાવજો.” રખુભાનો સાદ પડતાંકને તરત ઢોલીયો આવ્યો.

“રામ રામ” બોલતા વીરજી દરબાર ઘોડીથી હેઠા ઉતર્યા અને એને સામે રખુભા પણ “રામ રામ” બોલી આવકાર દેતા ઉભા થયા.

બંને મરદ મૂછાળા હામહામે ઢોલીયા પર બેઠા. બીજા દરબારી આજુબાજુ વીંટળાઇ બેઠા. એકબીજાના ખબર પૂછ્યા ત્યાં ચા પાણી આવ્યા. ઇ પતાવી બંને વાતુએ વળગ્યા. દૂર હુતાશણીની મજા માણતા જુવાનીયુના દેકીરા હંભળાતા રખુભા બરાડ્યા, “ઇ કયો દેકીરો કરે છે..? આંયા મે’માન આવ્યા છે, ફરી કોઇનો અવાજ આંય નો આવે..!” રખુભાનો અવાજ પડતા હંધાય જુવાનીયા હડી કાઢી સીમ ભાણી નીકળી ગ્યા.

“ભલે ને રમતા છોકરાઉં....આજે નૈં દેકીરા કરે તો કે’દિ કરવાના..!” વીરજી દરબારના શબ્દો પડતા રખુભા ટાઢા પડ્યા.

“તમારી વાત હાચી દરબાર, પણ ઘડીક હોય ને આમ..” રખુભાની વાત વચ્ચે કાપતા વીરજી દરબારે પૂછ્યું, “કેમ રખુભા તમે રંગે નો રંગાવાની કાંઇ બાધા રાખી છે કે..? મરદ મૂછાળા આમ બાધા રાખે ઇ હારું નો લાગે, આવી બાધા તો બાયુ માણસ...!” આટલું બોલતા વીરજી દરબાર જરા હસી પડ્યા. પડખે બેઠેલા બે ચાર દરબારી પણ જરા અમથું હસવા ગ્યા કે રખુભાની કરડાકી નજર એમની કોર પડી. પેલા છાનામૂના મોં સંતાડી ત્યાંથી પલાયન થઈ ગ્યા.!

વીરજી દરબારના શબ્દો રખુભાને ભારોભાર વાગ્યા. તેણેય વીરજીના શબ્દનો વળતો જવાબ દેવા અને પોતાના મનના ઓરતા કહેવા મોકો જોઇ વાત માંડી.

“દરબાર, સાચી વાત. બાધા તો બાયુ માણસ રાખે, અહીં તો એક ઝાટકે જે જોઇએ ઇ લઈ લેવામાં જ માનીએ. પણ આ તો મનના ઓરતા કોરા હોય, ત્યાં લૂગડે ભીંજાવુ નો ગમે..!” રખુભાએ વાત માંડી.

“તે ઇ ઓરતા અમને પણ કહો ને કાંઇક..!” વીરજીએ સામો સવાલ કર્યો.

“તમને જ તો કે’વાય એવા ઓરતા છે...ઇ ઓરતાનું નામ તમારી જીવી..!” રખુભાના મોંથી જીવી શબ્દ પડતાવેંત જ “શું બોલ્યો કપાતર...!” કરતા ને વીરજીએ મ્યાનથી તેજ લીસોટા પાડતી ઉઘડી તલવાર બહાર કાઢી. સામે રખુભાએ પણ મ્યાનથી તલવાર નોંખી કરી. બીજા દરબાર બન્નેને ઝાલી રહ્યા. બે માંથી એકેય ઝાલ્યા નો ઝલાય એમ એક બીજા સામે કાતરીયા ખાતા દોડ્યા જતા હતા. ગામના બીજા દરબાર અને ડાહ્યા ઘરડા સૌ વચ્ચે પડ્યા.

“વીરજી, હવે કાયમ જીવીની ભેળો જ રે’જે. તારી જીવીને મારા ઘરનું પાણી નોં ભરાવું તો માનજે...!” રખુભાના પડકારની સામે લાલાઘૂમ આંખ કરી વીરજી પણ ગરજ્યો, “આજે હુતાશણીનું તને રંગવાનું બાકી’ર્યું રખુભા, જે દિ હાથમાં આવ્યો તો તારા મોઢે કાળપ રંગી તારા જ લોહીના છાંટણે મારા કપડા નો રંગુ તો જાણજે...” વીરજીએ પ્રણ લીધું. “ખમ્મા ખમ્મા” કરતા સૌ દરબારે વચ્ચે પડી બંનને છૂટા પાડ્યા. પોતાની ઘોડી પર સવાર થઈ વીરજી ધૂળની ડમરી ઉડાડતો ક્યાંય અલોપ થઈ ગ્યો..!

વીરજીના ગ્યા પછી રખુભાને બધાએ શાંત પાડ્યા, પણ કોઇની વાત માને ઇ રખુભા શેનો..? તેણે તો હવે નિર્ણય લઈ જ લીધો કે જીવી સાથે કંઇ પણ કરી પરણવું જ. જરૂર પડી તો તેને ઉઠાવી જવી કે ભલે પછી આખુંયે ખૂંટવડા ગામ વેરણછેરણ કરવું પડે, પણ આ કર્યે જ છૂટકો..! ગામમાં બધાયને ખબર કે હવે રખુભા આ કીધું કર્યા વિના જંપશે નહીં. શું જોઇને પેલા નાનકડા ગામના ગામધણી વીરજીએ આની સામે વેર વાળ્યું હશે..!

આમ તો ભાદ્રોડમાં પણ ઘણાયે આ રખુભાના ત્રાસથી કંટાળ્યા હતા, પણ એની બીકથી સૌ કોઇ એના હજૂરિયા બની ફરતા. આજે પહેલી વાર કોઇ મરદ મૂછાળાએ રખુભાને મોઢામોઢ પડકાર આપ્યો. હવે અહીં ભાદ્રોડમાં પણ કેટલાયને વીરજીની ચિંતા થવા લાગી. ઘરેઘરે આ વાત પાણીના વહેણની જેમ પહોંચી ગઈ..!

વીરજીનું હવે શું થશે..?

રખુભા કઈ રીતે જીવી સાથે લગ્ન કરશે..?

સૌરષ્ટ્રની દીકરીની વાત આગળ જાણવા જરા રાહ જુઓ… કુળદીપક 2.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED