Parinay - 2 books and stories free download online pdf in Gujarati

પરિણય 2

પરિણય 2

કોલેજમાં સાથે ભણતા કેશવ અને મીરા ક્લોઝ ફ્રેંડ્સ હોય છે, પણ મીરા કેશવ પ્રત્યે મનોમન એકતરફી પ્રેમની લાગણી અનુભવતી હોય છે. આ બંનેના પિતા – કુખ્યાત પોલીટીશીયન પ્રકાશરાજ અને તેના દરેક ખોટા ધંધામાં બરાબર ભાગીદાર બીઝનેસમેન મનસુખભાઇ -- કેશવ અને મીરાના લગ્ન કરવા ઇચ્છા ધરાવે છે, પણ કેશવ અને કોલેજમાં અરધા સત્રમાં આવેલી રાધિકા વચ્ચેનો પ્રેમસંબંધ બધી જ પરીસ્થીતિ બદલી નાખે છે. કેશવની બર્થ ડે પર કેશવનો રાધિકા પ્રત્યેનો પ્રેમ જોઇ મીરા મનોમન ખૂબ વેદના અનુભવે છે. આ દરેકના જીવનમાં હવે આગળ શું થશે તે જાણીશું આજની આ વાર્તામાં.... ‘પરિણય 2’

***

કેશવ પ્રત્યે મીરાનો અનહદ પ્રેમ હતો, પણ રાધિકા પ્રત્યે અનુભવાતી ઇર્ષ્યાને કારણે મીરા મનોમન ખૂબ દુ:ખ અનુભવતી હતી. બર્થ ડે ના બીજા દિવસે જ કેશવે મીરા સમક્ષ રાધિકા પ્રત્યેની પોતાની લાગણીની વાત કરી. “મીરા, તને હું શું કહુ, પણ રાધિકામાં કંઇક અલગ જ જાદૂ છે....વી આર ટુગેધર નાવ એન્ડ વી આર પ્લાનીંગ ટુ મેરી સુન..!” “અરે ગાંડા, તો ખૂબ સારુ જ કર્યું તે આ.... બેસ્ટ વીશીઝ..!” મીરાના આ શબ્દો સાંભળ્યા ના સાંભળ્યા કરી સામેથી આવતી રાધિકાને મળવા કેશવ દોડી ગયો. મીરાના શબ્દો તેના ગળગળા અવાજમાં ખરડાઇ ગયા. કોઇનું ધ્યાન ના જાય તે રીતે મીરાએ પોતાની આંખ બહાર આવી ગયેલા આંસુ લૂંછી નાખ્યા. પોતાના દુ:ખને મનમાં દબાવી રાખી મીરાએ રાધિકાને શુભેચ્છા આપી, પણ રાધિકા મીરાના મનને બરાબર વાંચી શકી. મનોમન તે પણ મીરા બાબતે દુ:ખ અનુભવતી હતી, પણ આ બાબતે તે કંઇ જ કરી શકે તેમ ના હતી.

તે રાતે મીરાએ દબાવી રાખેલા આંસુની ધાર વહેતી રહી. કેશવ સાથે જીવન જીવવા માટે જોયેલા સ્વપ્નો આમ ચૂરચૂર થઇ ગયા જોઇ મીરા સાવ ભાંગી પડી. મીરાએ આ વાત કોઇને કરી નહીં. હંમેશાની માફક પોતાના મનની બધી જ વાત આદત અનુસાર પોતાની પર્સનલ ડાયરીમાં લખી પોતાની વેદના ઠાલવી..! પોતાના પ્રેમને આમ બીજા કોઇનો થતો જોવા મીરામાં હિંમત ના રહી હતી. તેણે પોતાના કઝીન પાસે યુ.એસ. જવા નક્કી કર્યું. મીરાના નિર્ણય વિશે જાણ થતા જ કેશવને ઘણું આશ્ચર્ય થયું.

“આમ અચાનક અરધા સેમીસ્ટરે યુ.એસ. જવા શું રીઝન..?” કેશવે મીરાનો હાથ પકડી પૂછ્યુ.

“બસ....હવે રસ નથી આ મેનેજમેન્ટ કોર્સમાં....એન્ડ યુ નો, યુ.એસ.માં બેટર અપોર્ચ્યુનિટી છે..!” મીરાએ જવાબ આપ્યો.

“મીરા, તને ખબર છે કે હું તારા વગર નથી રહી શકતો, મને તારી જરૂર....” કેશવની વાત અધવચ્ચે રોકી મીરાએ પોતાની વાત કરી.

“ના કેશવ, હવે તારી સાથે રાધિકા છે.… તે આટલા વર્ષ મને બહુ હેરાન કરી, હવે હું થાકી ગઈ...હવે રાધિકાને હેરાન કર...!” આંખમાં આવી ગયેલા આંસુ માંડમાંડ રોકી મીરાએ પરાણે હસીને કહ્યું.

મીરાની વેદના રાધિકા પૂરી રીતે સમજી શકી હતી. થોડા દિવસોમાં મીરા યુ.એસ. જતી રહી. આ તરફ ઇલેક્શન માટે સૌથી વધુ ફંડ આપનાર કેશવના બિઝનેસમેન પિતા મનસુખભાઇ અને મીરાના પોલીટીશીયન પિતા પ્રકાશરાજે કેશવ અને મીરાના મેરેજ કરી પોતાના સંબંધને કાયમ માટે વધુ મજબૂત કરવા નક્કી કર્યું. મનસુખભાઇ કેશવને આ વિશે વાત કરે છે, પરંતુ તે આ વાત નકારી કાઢે છે અને પોતાની પસંદ રાધિકા વિશે વાત કરે છે. મનસુખભાઇ આ સંબંધને કોઇપણ રીતે સ્વીકારવા તૈયાર થતા નથી. આ તરફ પ્રકાશરાજ પણ યુ.એસ. ગયેલી મીરાને કોલ કરી મેરેજ વિશે જણાવે છે, પરંતુ મીરા પણ આ સંબંધ માટે ના કહી દે છે અને સાથે કેશવના રાધિકા સાથેના સંબંધ વિશે પણ વાત કરે છે. કેશવના પિતા કેશવના મેરેજ રાધિકા સાથે કરાવવા ક્યારેય તૈયાર ના હતા, પણ મીરા જાતે જ કેશવના પિતાને કોલ કરી તે માટે સમજાવી મનાવે છે. છેવટે મીરાની મદદથી કેશવ અને રાધિકાના મેરેજ થાય છે. મીરા પ્રત્યે રાધિકાને મનમાં ખૂબ જ માન થાય છે. કેશવ અને રાધિકાના કેટલાય આગ્રહ કરવા છતાંયે મીરા તેમના મેરેજમાં આવતી નથી.

આ લગ્નસંબંધ કેશવ અને મીરાના પિતાને જરાય પસંદ ના હતો. કેશવના આ લગ્નથી તેના પિતા મનસુખભાઇને બીઝનેસમાં ઘણું નુકશાન વેઠવું પડ્યુ હતુ અને સાથે નારાજ પ્રકાશરાજને મનાવવા ઘણી મોટી કિંમત પણ ચૂકવવી પડી હતી. રાધિકા અને કેશવના મેરેજ પછી બંને ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા, પરંતુ તેમની આ ખુશી વધુ ટકી નહીં. રાધિકાના પિતાએ ડી.ડી.ઓ.નો ચાર્જ સંભાળતા જ પહેલી એક્શન કુખ્યાત રાજકારણી પ્રકાશરાજ વિરુધ્ધ આદરી. પ્રકાશરાજે ઘણા ઇલીગલ ધંધા તત્કાળ બંધ કરવા પડ્યા. તપાસમાં તેના ઘણા કામમાં મનસુખભાઇનું રોકાણ સામે આવ્યું. હવે નાછૂટકે રાધિકાના પિતાએ મનસુખભાઇ વિરુધ્ધ પણ પગલા ભરવા પડ્યા. રાધિકાના પિતા માટે આ બાબત ઘણી આઘાતજનક હતી કે પોતાની દીકરી આવા પરિવારમાં પરણી છે..!

આ તરફ રાધિકાના પિતાના પગલાથી ગુસ્સે ભરાયેલા પ્રકાશરાજ અને મનસુખભાઇ કોઇપણ રીતે પોતાને બચાવવા પ્રયત્નો કરવા લાગ્યા, પરંતુ તે દિવસે પ્રકાશરાજના ફાર્મ હાઉસ પર બનેલી ઘટનાથી રાધિકાના પિતા સામે આ બંને વચ્ચે ખુલ્લેઆમ દુશ્મનાવટ બંધાઇ..! બન્યુ એવું કે મનસુખભાઇએ રાધિકાના પિતાને પ્રકાશરાજના ફાર્મ હાઉસ પર પાર્ટીમાં આમંત્રિત કર્યા. તે બહાને તે રાધિકાના પિતા સાથે તેમની સામે કોઇ પગલા ના ભરવા સમજાવવા માંગતા હતા. પાર્ટી પૂરી થયે પ્રકાશરાજે આ વિશે વાત માંડી.

“આઇ નો તમે એક ગવર્નમેન્ટ ઓફીસર છો, પણ કેટલીક બાબતમાં જરા એડજ્સ્ટમેન્ટ પણ કરવું જરૂરી....” પ્રકાશરાજની વાતનો અર્થ સમજતા રાધિકાના પિતાએ વાત વચ્ચે અટકાવી ઉભા થવા કર્યું.

“આઇ’મ સોરી, પણ જે લીગલ એક્શન્સ થશે તે તો લેવાશે જ..!” રાધિકાના પિતાએ મક્કમ રીતે કહ્યું.

“જુઓ વેવાઇ.… આ માટે જે કાંઇ સમજવાનું હોય તે જરા....” બોલતા મનસુખભાઇએ રૂપિયા ભરેલી બેગ ખોલી બતાવી.

“માઇન્ડ યોર લેંગ્વેજ મિ. મનસુખભાઇ. અત્યારે હું એક ડી.ડી.ઓ. તરીકે વાત કરુ છું, તમારા વેવાઇ તરીકે નહીં અને આ જે તમે મને લાંચ આપવા કરો છો તે બદલ હું ચાહુ તો તમને અરેસ્ટ પણ કરાવી શકું..!” ગુસ્સે ભરાયેલા રાધિકાના પિતાએ કહ્યું.

“ધેન માઇન્ડ વેલ કે તમારી દીકરી મારા જ ઘરની વહુ છે...કાલે સવારે જો તેને કાંઇ થઈ ગયુ તો મને ના કહેશો..!” મનસુખભાઇની આ વાત સાંભળતા જ રાધિકાના પિતા તેમનો કોલર પકડે છે, પણ પ્રકાશરાજ આ બંનેને છોડાવે છે. તે દિવસથી આ બંને વચ્ચે જાણે ખુલ્લુ યુધ્ધ જ છેડાયુ..! બીજા જ દિવસે પ્રકાશરાજ અને મનસુખભાઇની ફેક્ટરી પર રેડ પડી તેને સીલ કરાવવામાં આવી. આ કામ પાછળ રાધિકાના પિતાનો જ હાથ રહ્યો હોવાની જાણ આ બંનેને હતી, પરંતુ બંને સાવ શાંત જ રહ્યા.

રાધિકા તેના કઝીનના મેરેજ એટેન્ડ કરવા તેના પિતા સાથે પૂના જવા નીકળી. જો કે તેમની સાથે કેશવ પણ જવા માંગતો હતો, પણ કેશવને જરૂરી બીઝનેસ મીટીંગ માટે બેંગલોર જવાનું થયું. આ તરફ હાઇ વે પર એક ટ્રક સાથેના ભયાનક અકસ્માતમાં રાધિકા અને તેના પિતાનું મૃત્યુ થયું. આ અકસ્માતથી કેશવ સાવ ભાંગી પડ્યો. પ્રકાશરાજ અને મનસુખભાઇ વિરુધ્ધ તે વિશે પૂછપરછ પણ કરવામાં આવી જેમાં આ બંને સાવ નિર્દોષ જણાયા. કેશવનું જીવન સાવ બદલાઇ જ ગયું. રાધિકાના મૃત્યુ વિશે જાણ થતા મીરા યુ.એસ.થી પરત ફરી. તે હવે વધુ સમય કેશવ સાથે જ રહેવા લાગી. મીરાના સાથથી કેશવને ઘણી રાહત થઇ. પોલીસે તો રાધિકા અને તેના પિતાના મૃત્યુનો કેસ ક્લોઝ કર્યો હતો, પણ કેશવ તે ઘટનાને અકસ્માત માનવા તૈયાર ના હતો. તેણે પોતાની રીતે રાધિકાના મૃત્યુ પાછળની વાસ્તવિકતા જાણવા એક ડિટેક્ટીવ પણ રોક્યો હતો.

થોડા દિવસ પછી એક સાંજે કેશવ મીરા સાથે કોફી શોપમાં હતો, ત્યારે તેના હાયર કરેલા ડિટેક્ટીવનો તેના પર કોલ આવ્યો અને રાધિકાના મૃત્યુ વિશે ખૂબ મહત્ત્વની વાત જણાવવા કેશવને પોતાના ફ્લેટ પર બોલાવ્યો. કેશવે આ વાત પોતાની ખાસ ફ્રેન્ડ મીરાને જણાવી. તે તાત્કાલિક પેલા ડિટેક્ટીવના ઘરે પહોંચવા કરે છે. કેશવ ડિટેક્ટીવના સાતમા માળે આવેલા ફ્લેટમાં જવા લીફ્ટની ઘણીવાર રાહ જુએ છે, પરંતુ લીફ્ટ લોક હોવાથી તે દાદરથી ઉપર જાય છે. આ તરફ લિફ્ટ નીચે આવે છે, જેમાંથી મોં પર સ્કાર્ફ ઢાંકી કાળો કોટ પહેરી નીકળતી વ્યક્તિને સામે ગેટથી આવતા લિફ્ટમેન જોઇ રહે છે. ફીફ્થ ફ્લોર પર જતા કેશવ તે ડિટેક્ટીવના ફ્લેટનો દરવાજો ખુલ્લો જુએ છે. અંદર જતા જ કેશવ ડિટેક્ટીવને લોહી નીતરતો તરફડતો પડેલો જોઇ સ્તબ્ધ બની જાય છે. તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા ડિટેક્ટીવને એમ્બ્યુલંસમાં લઈ જાય છે ત્યારે ડિટેક્ટીવ કેશવને એમ્બ્યુલંસમાં તૂટ્યા અવાજે કોઇ ડાયરી વિશે કાંઇ કહેવા કરે છે, પણ તે કાંઇ બોલી શકતો નથી અને રસ્તામાં જ મૃત્યુ પામે છે. ડિટેક્ટીવના મૃત્યુ વિશે જરૂરી પોલીસ ઇન્ક્વાયરી પૂર્ણ કરી કેશવ પોતાના ઘરે જવા નીકળે છે. રાધિકાના મૃત્યુનું રહસ્ય વધુ ઘૂંટાતુ રહ્યું અને આ ડિટેક્ટીવના મૃત્યુ પછી કેશવને રાધિકાના મૃત્યુ પાછળ કોઇ ષડયંત્ર હોવાનો ખ્યાલ આવ્યો. આ સઆથે કોઇ તો કેશવને વાસ્તવિકતા સુધી પહોંચતા રોઅકવા કેરે છે તેની જાણ પણ કેશવને થઈ.

આ બધું શું થઈ રહ્યું છે તે વિશે કેશવને કાંઇ જ સમજાતુ નથી. રાધિકાના મૃત્યુની તપાસ કરવામાં કેશવના જીવન પર પણ જોખમની આશંકા લાગતા કેશવના પિતા મનસુખભાઇ તેને આ કોઇ પ્રકારની તપાસ કરતા અટકાવે છે, પરંતુ કેશવ કોઇપણ સંજોગોમાં રાધિકાના મૃત્યુ માટે જવાબદારને સજા આપવા મક્કમ હતો. ડિટેક્ટીવના મૃત્યુના એક અઠવાડિયા પછી પોતાની ઓફિસમાં બેસી મીરા સાથે કોલ પર વાત કરતા કેશવને તે ડિટેક્ટીવના ફ્લેટના સીસીટીવી ફુટેજ અને લીફ્ટમેન યાદ આવે છે અને તે તરત જ ફ્લેટના સીસીટીવી ફુટેજ મેળવવા અને લીફ્ટમેનને મળવા ગાડી લઈ નીકળી પડે છે. હજુ તો કેશવ મેઇન રોડ પર આગળ વધે જ છે કે કોઇ ટ્રક તેની ગાડીના પાછલા ભાગે ધડાકાભેર અથડાય છે. કેશવની નજર સમક્ષ તેની ગાડીના તૂટતા કાચ તેના ખભે ભોંકાય છે અને માથા પરથી વહી જતા લોહીથી ઝાંખી થયેલી નજર ઘડીભરમાં મીંચાવા લાગે છે..!

આંખ ઉઘાડતા કેશવ પોતાને હોસ્પિટલની પથારીમાં જુએ છે. તેની આસપાસ તેના પિતા મનસુખભાઇ અને મીરાને ચિંતાભરી નજરે બેઠેલા જુએ છે. અકસ્માત ઘણો ભયાનક હતો, પણ કેશવને ખૂબ સામાન્ય ઇજાઓ જ થવા પામી. કેશવને આ અકસ્માતથી ખ્યાલ આવ્યો કે કોઇ તેને માત્ર સામાન્ય ઇજા જ આપવા માંગતુ હતુ, તેનો જીવ લેવા નહીં. હવે મીરા કેશવનું ઘણું વધુ ધ્યાન રાખવા લાગે છે. કેશવને સમયસર દવા આપવી, તેને સમયસર જમાડવું, તેને જરૂરી કસરત કરાવવી વગેરે બધું ધ્યાન રાખતા મીરાના મનમાં કેશવ પ્રત્યેનો પ્રેમ ફરી જાગવા લાગ્યો હતો. હવે મીરા પણ કેશવને રાધિકાના મૃત્યુ વિશે સાચી તપાસ કરવા મદદરૂપ થવા સાથ આપવા જણાવે છે. જ્યારે મીરા કેશવને જણાવે છે કે કેશવ જે સીસીટીવી ફુટેજ મેળવવા નીકળ્યો હતો તે સીસીટીવી ફુટેજ ગાયબ છે અને તે દિવસથી તે લીફ્ટમેન પણ ક્યાંય જોવા મળ્યો નથી ત્યારે કેશવને આ ઘૂંટાતું ષડયંત્ર વધુ મૂઝવે છે. કેશવને તે જ વાતનો ખૂબ ગુસ્સો આવે છે કે તેના જીવનને વેરવિખેર કરનાર કોઇ વ્યક્તિ દરેક વખતે કેશવની પકડથી જરા દૂર રહી બચી જાય છે. મીરાની કાળજી અને સારસંભાળથી કેશવ ખૂબ જલદી હોસ્પિટલથી સાજો થઈ ઘરે પાછો આવી જાય છે અને સાથે કેશવને પોતાના પ્રત્યે મીરાનો પ્રેમ પણ અનુભવાય છે. તે પણ મીરા તરફ આકર્ષાય છે.

શું કેશવ અને મીરા એક થઇ શકશે..?

રાધિકાના મૃત્યુ પાછળ કોનો હાથ છે..?

આ ઘૂંટાતા રહસ્યમાં આગળ શું નવું થશે...?

આ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો.... ‘પરિણય 3’

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED