Kuldeepak - 2 books and stories free download online pdf in Gujarati

કુળદીપક - 2

કુળદીપક 2

ભાદ્રોડ ગામનો માથાભારે દરબાર રખુભાની નજર ખૂંટવડા ગામના ગામધણી વીરજીની દીકરી જીવી પર પડે છે. હુતાશણીના પર્વમાં આવેલ વીરજી રખુભાની મજાક કરે છે. આ વાત સામે રખુભા વીરજી આગળ તેની દીકરી જીવીનો હાથ માંગે છે. ગુસ્સાથી લાલપીળો વીરજી રખુભા સામે વેર વાળે છે અને તેના લોહીથી હોળી રમવા વચન લે છે. સામે રખુભા પણ વીરજીની દીકરી જીવીને કંઇપણ કરી પોતાના ઘરમાં લાવવા નિર્ણય લે છે.

વીરજીનું હવે શું થશે..?

રખુભા કઈ રીતે જીવી સાથે લગ્ન કરશે..?

સૌરાષ્ટ્રની દીકરીની વાત આગળ જાણવા ચલો માણીએ...’કુળદીપક 2’ -- અંતિમ ભાગ.

......

ભાદ્રોડ પાસેથી પસાર થતી માલણ નદી આગળ ખૂંટવડા ગામથી નીકળતી. ખૂંટવડા ગામ આમ તો નાનકડી મુઠ્ઠી જેવડુ ગામ. ઇ ધમધમાટ વહેતી માલણમાં ધૂબાકા મારતી અને સામા વહેણે તરતી જાતી જીવી ભલભલા મરદ મૂંછાળાને પણ શરમાવે એવું જોમ ધરાવતી.! ઘઉંવર્ણા વાનમાં તેનું ઘાટીલું શરીર ઊડીને આંખે વળગે એવું લાગતુ. જીવી જાણે ઝવેરચંદ મેઘાણીની હીરબાઇ જોઇ લ્યો..! કૈંક જુવાનિયા જીવી હારે પરણવાના કોડ રાખતા, પણ એ સૌની મનની મનમાં જ રહી જતી. કોઇની હિંમત છે કે આ બાબતની કાંઇ વાત જીવી કે વીરજી આગળ કરે..!

જીવી વીરજીનું એકમાત્ર સંતાન. વીરજી માટે જીવી એ એની દીકરી નહીં પણ દીકરો હતી. ગામના કાંઇપણ કામમાં કે બીજી જવાબદારીમાં જીવી વીરજી માટે હાથવાટકી હતી એમ સાથે મદદરૂપ રહેતી. સૌ જાણતા કે જીવીમાં વીરજીનો જીવ રહેતો. કોઇ જીવી વિશે કાંઇ બોલે તો વીરજી એના કટકા કર્યા વિના નો’રે, તો અહીં તો રખુભાએ ભર્યા માણસો વચ્ચે જીવી વિશે પોતાની ખોટી દાનત છડેચોક જાહેર કરી વીરજીનું ભારોભાર અપમાન કર્યુ..!

લોહી ઉકળતા વીરજી એ ભદ્રોદથી આવતાવેંત પોતાના સૌ દરબારીઓને આ વાત માંડી. બધાયે વીરજીને પોતે જોડે જ છીયે તેવી બાંયેધરી આપી. તેમ છતા વીરજીને મનોમન ખૂબ ચિંતા રહેવા લાગી. તે રખુભાની કુટિલતા જાણતો હતો. વળી, તેની પાસે ખમતીધર માણસોની ઉણપ હતી. પિતાને ચિંતાતુર જોતા જીવીએ તેનું કારણ પૂછ્યુ. વીરજીએ જીવીને બધી વાત માંડીને કરી.

“અરે બાપુ, ચંત્યા છોડો, હજુ સુધી તમારી જીવીને કોઇ હાથ અડાડી જાય એવો મરદ પાકે છે..!” જીવીએ વીરજીની હિંમત બાંધવા કહ્યું. વીરજીને પોતાના પેટ પર પૂરો ભરોસો હતો, પણ પેલા કાળમુખાએ પોતાના ખોરડાની આબરૂ પર દાનત કાળી કરી તેનો ભય સતત સતાવતો રહ્યો. કૈંક રાત આ ચિંતામાં વીરજી જાગતો પડખા ફેરવ્યા કરતો. આમ સમય વીતતો રહ્યો. આ બનાવને છએક મહિના વીતી ગયા, પણ બંનેના કાળજે વાગેલા ઘા સાવ તાજા જ રહ્યા. આખા મહુવા ગામમાં બેવના વેરની વાત્યુ ઘરે ઘરે થવા લાગી હતી. મહુવા ગામના મોભી એવા વિઠ્ઠલદાસ મહારાજના કાને પણ આ વાત આવી. તેમણે આ બેઉને સમાધાન કરવા ભેળા થવા વાત મોકલાવી. ઘણા વડીલોની સમજાવટથી બેવ સમાધાન કરવા માની ગ્યા. આગામી નોરતાની આઠમે સમાધાન કરવા મહુવા ભેગા થવા નક્કી કરાયું.

હવે વીરજીના મનનો ભાર સાવ હળવો થઈ ગ્યો. નોરતા આવ્યા. જીવી તો ખૂંટવડા ગામના નોરતાનો જીવ..! જીવી વિનાના નોરતા સાવ અધૂરા. આ વખતે રખુભા સામેની દુશ્મનાવટ પૂરી થઈ જવાની વાતથી વીરજીના મનમાં નોરતાની બમણી ખુશી હતી. નોરતાની શરૂઆથી જ લોકહૈયુ હિલોળે ચડ્યું. જીવીના મોંથી ગવાતા રાસડા સાંભળી ભલભલા માતાજીની ભક્તિમાં લીન થઈ જતા. ગામમાં નોરતા ઉત્સાહભેર ઉજવવાના શરૂ થયા. આ વખતે તો નોરતામાં વીરજી પણ ગરબા ગાવા ઉતર્યો. આખા ગામમાં આમ પણ વીરજીએ ડંકો મારી દીધો હતો કે તેણે રખુભા જેવાને દા નો દીધી..!

સાત નોરતા પૂરા થ્યા. આઠમે નોરતે વીરજી રખુભા સાથે સમાધાન કરવા મહુવા જવા નીકળ્યા. જોડેના બીજા દરબારીઓએ કહ્યું, “વીરજી બાપુ, ભલે તમે જાઓ, પણ ઓલ્યા ખૂંટલ રખુભાથી હંભાળવું જરૂરી છે, એટલે તમારી હારે અમે બધા પણ આવીશું..!” વીરજી ભેળા ગામનાં મોટાભાગના દરબારીઓ અને જુવાનીયાઓ મહુવા જવા નીકળ્યા. એકાદ કલાકનો મારગ કાપી આ આખો ડાયરો મહુવા પહોંચ્યો. ત્યાં વિઠ્ઠલદાસ મહારાજની ડેલીએ રખુભાના દરબારીઓ બેઠા જ હતા. ઘણી વાર થઈ. કસુંબાપાણી પણ થઈ ગયા, પણ ક્યાંય રખુભા દેખાણા નહીં. થોડીવારે વાત મળી કે રખુભા એના કોઇ દૂરના સગાને ત્યાં કાણે ગ્યા..! ઘડીભર તો વીરજી ગુસ્સેથી લાલપીળા થ્યા, પણ પછી રખુભા જોડે સમાધાનની વાત હોઇ વિઠ્ઠલદાસ મહારાજને સમાધાન માટે બીજો કોઇ દિ’ નક્કી કરવા કહી સૌ પાછા ખૂંટવડા આવવા નીકળ્યા.

હજુ તો વીરજી એના દરબારીઓ જોડે ભાદ્રોડની સીમ વટાવતો હશે ત્યાં જ કોઇએ વાવડ દીધા કે રખુભા કોઇની કાણે નથી ગ્યો, પણ એના દરબારીઓનું ટોળું લઈ ખૂંટવડા ગામને વેરવીખેર કરી જીવીને ભેળી ઉઠાવી લાવવા પોગ્યો..! વીરજીના પેટમાં ફાળ પડી. આજે તેના ખોરડાનું નામ સાવ રગદોળાઇ જશે તે વિચારમાત્રથી તે કાંપી ઉઠ્યો..! ખૂંટવડા જવા સૌએ હડીયુ કાઢી.

આ તરફ ખૂંટવડાથી મોટાભાગના પુરુષો અને જુવાનીયાઓ વીરજી સાથે મહુવા ગ્યા’તા એટલે ગામમાં મોટાભાગે બાયુમાણસ જ રહી હતી. એવામાં રખુભા અને તેના દરબારીઓ ગામને રગદોળતા ચાલ્યા. આખાયે ગામમાં ચીસાચીસ થઈ ગઈ. રખુભાના કેટલાક દરબારીઓ તો ગામના કોઠાર લૂંટવા લાગ્યા. આમ કરી રખુભાએ વીરજી સામે ખુલ્લુ વેર વાળ્યુ, પણ તેના મનમાં તો માત્ર એક જ નામ ગૂંજતુ હતું...જીવી..! આજે તો જીવીને ઉઠાવી જઈ વીરજીની આબરૂ પાણીપાણી કરવાનું નેમ લઈ રખુભા નીકળ્યો હતો..! ગામ વીંધી રખુભા વીરજીની ડેલીએ પોગ્યો. શાંત ઘર બહાર બે ગાડા રાખ્યા હતા. સામે ચારેક ભેંસ્યુ અને બે ગાય ચરવાનું મૂકી આ કાળમૂખાને તાકી રહી હતી. ઓંસરીમાં વીરજીના ઢાળેલા ઢોલીયા પર પગ ટેકવી રખુભાએ કરડાકી બૂમ પાડી, “કોઇ ઘરમાં છે..? ક્યાં ગઈ ઓલી વીરજીની છોડી જીવી. હાલ્ય આજે તને હું લેવા આવ્યો છુ. તને મારા ઘરની રાજરાણી બનાવી રાખીશ..” શાંત ડેલીમાં રખુભાની રાડના પડઘા સામે સંભળાયા. ઘરનો દરવાજો ખોલી કેડીયુ પહેરેલો અને મોંઢે કપડું વીંટેલ એક છોકરો બહાર આવ્યો.

“જીવી ક્યાં છે..?” રખુભાએ પેલા છોકરાને સવાલ કર્યો.

“જીવીબા તો ખેતરે ગ્યા છે.” તીણા અવાજે રખુભાના સવાલનો શાંતિથી જવાબ આપ્યો.

“હાલ્ય મને ખેતરે લઈ જા...તને હું ઇનામ આપીશ..!” રખુભાએ તેની કુટનીતિ પેલા છોકરા પર અજમાવી તેને લાલચ આપી.

પેલો છોકરો ઘરમાં જઈ કેડે ફાળીયામાં કતાર ખોસી રખુભા પાસે આવ્યો. “મને તમારા ઘોડા પર તમારી પાછળ બેસાડી દ્યો...હું તમને તમારા મુકામે પહોંચાડી જઇશ..!” મોંઢે બુકાની બાંધી રાખી પેલા છોકરાએ જવાબ આપ્યો. છોકરાના જવાબથી ખુશ થઈ પેલા છોકરાને પોતાની પાછળ ઘોડે બેસાડ્યો.

રખુભાએ પેલા છોકરા સાથે પોતાનો ઘોડો વીરજીના ખેતર તરફ દોડાવ્યો. ગામામાંથી પસાર થતા રખુભા અને તેના દરબારીઓએ વેરણછેરણ કરેલા ગામને જોતા જોતા પેલા છોકરોએ રખુભાના ખભાને હાથથી મજબૂત પકડી રાખ્યો. પેલા છોકરાના કોમળ હાથના સ્પર્શે રખુભા હસતા હસતા બોલ્યો, “અલ્યા છોકરાં, વીરજીના ગામમાં જુવાનીયાઓ તો સાવ બાયું જેવા લાગે છે..! વીરજી આના પર મૂછે લીંબુ લટકાવતો ફરે છે..!” રખુભાના શબ્દોથી પેલા બુકાનીબંધ છોકરાની પકડ વધુ મજબૂત થઈ. ઘોડો વીજળીવેગે ગામ બહાર નીકળ્યો. આજુબાજુ ખેતરમાં ઉગેલા બાજરાની ડૂંડીયુ હવાની સાથે ડોલતી રસ્તે પસાર થતા રખુભા તરફ નજર કરતી રહી. આમ ને આમ બંને ખેતર વચ્ચે ખૂબ દૂર સુધી નીકળી ગ્યા. પેલા છોકરાએ હાથથી દૂરની એક ઝૂંપડી તરફ ઇશારો કરતા રખુભાએ ઘોડાની ઝડપ ઘટાડી.

“આજ તો ઓલ્યા વીરજીની આબરૂ મારા પગ તળે કચરીશ. અલ્યા છોકરા, તુ માંગે ઇ ઇનામ તને આપીશ હોં..! બોલ્ય, શું જોઇએ તારે..?” રખુભાના ગળેથી આ છેલ્લો શબ્દ નીકળતાવેંત જ ગળાની ધૂંસરીમાંથી સી...સી કરતી લોહીની સેર ફૂટી..! આજુબાજુના ખેતરમાંની ઊભી બાજરીની પીળી ડૂંડીઉ રખુભાના લાલચટ્ટાક લોહીના છાંટણે રંગાઇ. પણ આ અચાનક થયું કેમનું..?

થયું એમ કે રખુભાના મોંઢે બોલાયેલા છેલ્લા શબ્દો પછી તેની પાછળ ઘોડે બેઠેલા છોકરાએ કેડ્યથી નવી નક્કોર કટાર કાઢી રખુભાના ગળાની ભૂંગળીએ ભાર દઈ લસરકો લઈ લીધો. ધડામ કરતાંને રખુભા ઘોડેથી નીચે પડ્યો. તેની પડછંદ કાયાના ધબાકે રસ્તા પરની ધૂંળ ઉડી રહી. ધૂળ નીચે બેસતા ક્યાંય પેલો છોકરો નજરે પડ્યો નહી, પણ મોંથી બુકાની છોડી છોકરાના વેશમાં જીવી ઉભેલી હતી..! તેના છૂટા વાળ અને લોહી નીતરતા હાથથી જોગમાયા જેવી ભાસતી હતી.

“રખુભા, વીરજીના ગામની બાયું પણ કૈંક જુવાનીયાને ભારે પડે એવી છે....મારા બાપની આબરૂ પગ ધૂળધાણી કરનાર તુ જ આજે ધૂળ ભેગો થ્યો..!” બોલતા જીવીએ રખુભાની કેડ્યની તલવાર કાઢી એક જાટકે તેનું માથુ ધડથી નોખુ કર્યું. ફાળિયામાં તેનું માથુ વીંટાળી રખુભાના ઘોડે બેસી પોતાના બાપુને આ ભેટ ધરવા નીકળી પડી.

આ તરફ વીરજી પોતાની આબરૂની ચિંતામાં દરબારીઓ સાથે ખૂંટવડાના સીમાડે આવી પોગ્યો. દૂરથી ગામની હાલત જોઇ તેની હિંમત ભાંગી પડી. હવે તો વીરજી માટે મોત પણ ભારે થઈ પડ્યું. ત્યાં ખેતરોમાંથી રણચંડી બનેલી જીવી ઘોડાના ડાબલા દેતી આવતી દેખાઇ. જીવીને લોહીના ડાઘવાળા કેડીયામાં ખુલ્લા વાળે આવતી જોઇ વીરજી સાવ હેબતાઇ જ ગયો. સાથેના સૌ દરબારીઓ તો ચૂપચાપ જોઇ જ રહ્યા.

“બેટા, તને કાંઇ થયું તો નથી ને..?” ચિંતામાં વીરજીએ સવાલ કર્યો.

“ના બાપુ, તમારી દીકરીનો વાળ પણ વાંકો કરે એવો હજુ પાક્યો નથી..!” જીવીએ ઘોડેથી ઉતરતા જવાબ આપ્યો.

“તુ ઘરે જા, હું તો હવે રખુભા સામે વેર વાળીને જ ગામમાં પગ મૂકીશ.” આટલું બોલતા વીરજી ઘોડે બેસવા જાય છે, ત્યાં જ જીવી વીરજીનો હાથ પકડી રોકે છે.

“બાપુ, તમતમારે જાઓ, પણ તમને ક્યાંય રખુભા નહીં મળે..!” જીવીની વાત સાંભળી વીરજીએ પુછ્યું, “ના શું મળે..? હવે તો એને પાતાળમાંથીયે ખોળી લાવીશ..!”

“એને ક્યાંય ખોળવા જવાની જરૂર નથી, બાપુ.” બોલતા જીવીએ બાંધી રાખેલ ફાળિયુ છોડ્યું. રખુભાનું લોહીથી તરબોળ માથુ જમીન પર પડ્યું. વીરજી અને સૌ દરબારી ફાટી આંખે આ જોઇ રહ્યા. કોઇને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે આ એકલી દીકરીએ કાળ જેવા રખુભાને ધૂળ ચાટતો કરી દીધો. જીવીએ બધી વાત માંડીને કરી. જીવીના માથે પ્રેમથી હાથ મૂકતા વીરજી ગર્વભેર બોલ્યો, “જીવી, તારા પર મા કાળીની મહેર છે.” રખુભાના માથાતરફ જોઇ વીરજી બોલ્યો, “રખુભા, ભસ્માસૂરની જેમ તારા પાપનો ઘડો ભરાયો, અને કાળનો બોલાવ્યો તુ અહીં આવ્યો..!” સૌ દરબારીઓએ જીવીની હિંમતના ભારોભાર વખાણ કર્યા. વીરજીની આંખમાં હર્ષના આંસુ છલકાયા. “દીકરી, તુ સાચે જ મારો કુળદીપક છે..!” સૌ ગામ તરફ વળ્યા.

કેટલાય વર્ષો સુધી આખા મહુવા પંથકમાં જીવીની બહાદુરીની વાત ઘરેઘરે કહેવાઇ. વર્ષો પછી જીવીના મૃત્યુ પછી ખૂટવડામાં તેના નામની ખાંભી પણ બંધાઇ. વર્ષોના વહાણા વીતવા લાગ્યા. કાળના ચક્રમાં જીવીની ખાંભી પણ નામશેષ થઈ અને તેની વાતો પણ ભૂલાઇ ગઈ. સૌરાષ્ટ્ર પંથકની આ એક વણકહી શૌર્યકથા છે, જેની ઇતિહાસના કોઇપણ પાને નોંધ લેવાઇ નહી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED