Premnu Pratham Pagathiyu books and stories free download online pdf in Gujarati

પ્રેમનું પ્રથમ પગથિયું

પ્રેમનું પ્રથમ પગથિયું

આ વાત ઘણા સમય પહેલાની નથી, પણ આજ કાલની જ છે. એક ગામની બહાર કોઇ એક મહાત્મા રહેતા હતા. આ મહાત્માની નામના ઘણી હતી. તે સિધ્ધ પુરુષ હતા. ઘણા દુ:ખીયારા તેમના દુ:ખ અને સમસ્યાઓ લઈ તેમની પાસે જતા. આ મહાત્મા કોઇને ના કોઇ દોરા કરી આપતા કે ના કોઇ તાવીજ..! બસ તે તો પોતાની સમજદારી વડે યથાશક્તિ જે તે સમસ્યાનું સમાધાન અને ઉકેલ બતાવતા.

એક વાર એક નવપરિણિત યુગલ તેમની પાસે આવ્યુ. આમ તો બધા પોતાની તકલીફો લઈ આવતા, પણ તે બધામાં આ યુગલની જ અહીં વાત કરાઇ કારણ તે કાંઇ અલગ જ સમસ્યા લઈને આવ્યા હતા..! તે મહાત્મા ગામ બહાર સીમ વિસ્તારમાં એક મોટા વડના ઝાડ નીચે બાંધેલા ઓટલા પર બેસતા હતા. પાસે તેમની નાનકડી ઝૂંપડી હતી. એક તરફ કૂવો હતો તો બીજી તરફ આ મહાત્માએ જાતે ઉછેરેલ નાનકડો બાગ હતો. સામે બે ત્રણ ગ્રામીણ બહેનો આઘુ ઓઢી બેઠી હતી અને કેડીયામાં સજ્જ એકાદ બે પુરુષે લાકડીના ટેકે ઉભડક બેઠક જમાવી હતી. તેવામાં ધૂળની ડમરી ઉડાડતા પવનની સાથે એક ગાડી આવી ઉભી રહી. તેમાંથી એક યુગલ બહાર આવ્યું. બંનેના ચહેરા અને પહેરવેશથી સાફ ખ્યાલ આવી જતો કે બંને થોડા દિવસો પહેલા જ પરણ્યા છે.

આ દંપતિ આવી આ મહાત્માને પ્રણામ કરી તેમની સામે બેસે છે. મહાત્માએ આછેરી સ્મિતથી તેમને આવકાર્યા. પેલા પુરુષે વાત માંડી, “અમે અહીં પાસેના શહેરમાં રહીએ છીએ. અમારા હમણા જ બે મહિના પહેલા લગ્ન થયા છે. તમારા વિશે કેટલાકે વાત કરી તો થયું કે આજે તમને મળી પણ આવીએ, એટલે જરા આવ્યા.” પેલા પુરુષે અધિરાઇથી એક શ્વાસે વાત કરી.

“શું તકલીફ છે.?” મહાત્માએ શાંતિથી પૂછ્યું.

“તકલીફ તો કંઇ જ નથી,” સાથે આવેલી સ્ત્રી સાડીનો પાલવ સરખો કરતા બોલી “અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પણ અમે ઇચ્છીએ છીએ કે અમે હજુ વધુ પ્રેમથી રહીએ.” આગળ વાત કરવા તેણે તેના પતિ તરફ આંખથી ઇશારો કર્યો.

“અમે એક બીજા સાથે પ્રગાઢ પ્રેમથી જોડાઇ રહી ખૂબ ખુશ રહેવા માંગીએ છીએ. તો મહારાજ, અમને આ માટે કોઇ માર્ગ કે સલાહ આપશો.” પોતાની પત્નીની અધૂરી વાત તે પુરુષે પૂરી કરી.

એક મીઠા સ્મિત સાથે તે મહાત્માએ કહ્યું, “બંને એક બીજાને વધુ સમજવા પ્રયત્ન કરો.” મહાત્માની સલાહને આશીર્વાદ ગણી તે યુગલ ઊભુ થયુ. પેલા પુરુષે મહાત્માના ચરણ આગળ દક્ષિણા રૂપે કેટલાક રૂપિયા મૂકવા પ્રયત્ન કર્યો, પણ મહાત્માએ તેનો અસ્વીકાર કરતા કહ્યું, “તમારી સમસ્યાનો ઉકેલ તે જ મારી દક્ષિણા..!” મહાત્માના આવા વર્તનથી તે આધુનિક યુગલને મહાત્માની વાતમાં વધુ શ્રધ્ધા બેઠી. બંને ગાડીમાં બેસી પોતાના ઘરે જવા નીકળી ગયા.

ઘરે જઈ તેમણે મહાત્માની સલાહ અનુસરવા શરૂઆત કરી.બંને એ નક્કી કર્યું કે બંને એક-એક ચોપડો રાખશે અને દરરોજ રાત્રે બંને એકબીજાની ના ગમતી વાત અને ફરિયાદ લખશે. મહિનાના અંતે બંને એકબીજાના ચોપડાની અદલબદલ કરશે અને એકબીજાની અણગમતી વાત અને વર્તન જણાવશે. આમ બંનેએ એકબીજાને ‘સુધારવા’ નક્કી કર્યુ. સમય પસાર થવા લાગ્યો. રોજ રાત્રે બંને એકબીજાના દોષ ચોપડામાં નોંધતા રહ્યા. ધીમે ધીમે એવું થયું કે બંને એકબીજાના દોષ નોંધવા માટે દોષ શોધવા લાગ્યા. એક મહિનાને અંતે બંનેએ નક્કી કર્યા મુજબ એકબીજાને ફરિયાદ લખેલા ચોપડા આપ્યા.

‘આજે ફરી રસોઇ બરાબર બની નહીં’, ‘મારા મિત્રો આગળ સારી રીતે વાત ના કરી’, ‘આજે બિનજરૂરી ખરીદી કરી ખર્ચા કરાવ્યા’, ‘આજે મારી વાત માની નહીં’, ‘સવારે ખોટી રીશ કરી ઝઘડો કર્યો’ આવી ઘણી ફરિયાદો પતિએ લખી હતી, તો સામે ‘મારી મનપસંદ ફિલ્મ બતાવી નહીં’, ‘મારી જરાય ચિંતા નથી’, ‘મને ગમતી સાડી ના ખરીદી આપી’, ‘મારા પિયરવાળા આવ્યા તે ગમ્યુ નહીં’ વગેરે ઢગલો ફરિયાદો પત્નીએ પણ પતિ બાબતે લખી હતી. આ ફરિયાદોની સ્પષ્ટતા અને ચર્ચા ખૂબ મોટા ઝઘડામાં પરિણમી..! દિવસે દિવસે તેમનો વધતો ઝઘડો ઘરનું ઉંબરુ વટાવી કોર્ટ સુધી પહોંચ્યો. બંને એકબીજાથી ડિવોર્સ લેવા સુધી વિચારવા લાગ્યા.!

એક દિવસ અચાનક તે બંનેને પેલા મહાત્મા યાદ આવ્યા. તે મહાત્માની સલાહ લેવા બંને ફરી સાથે ગયા. રસ્તામાં બંનેએ એકબીજા સાથે કોઇ વાત તો ના કરી, પણ એકબીજાની સામે જોયું પણ નહીં. તે મહાત્મા તેમની તે જ જૂની મુદ્રામાં વડના ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. તેમને આ યુગલ ફરી મળવા આવશે જ તે ખ્યાલ હતો જ..! પેલા યુગલે આવી મહાત્માને વંદન કરી વાત માંડી.

બંનેએ તેમના ફરીયાદના ચોપડા વિશે, એકબીજાને સુધારવા વિશે અને પછી થયેલા ઝઘડા વિશે જણાવ્યુ.

“મહાત્માજી, તમે જણાવ્યું તે રીતે...” અધીરા પુરુષની વાત અટકાવી મહાત્માએ કહ્યું, “મેં તમને એક બીજાને વધુ સમજવા કહ્યું હતું, સુધારવાનું નહીં..! અને સમજવા માટે બંનેએ એકબીજાની સારી બાબત નોંધવી જરૂરી બને, ફરિયાદો નહીં..! વ્યક્તિને તેની સર્વ મર્યાદા સાથે સ્વીકારવું તે જ પ્રેમનું પ્રથમ પગથિયું કહેવાય..!” બંને પતિ-પત્નીને મહાત્માના શબ્દોનો ગૂઢ અર્થ સમજાયો. મહાત્માની સામે જ પેલા ફરિયાદના ચોપડા ફાડી નાખી બંને ખુશખુશાલ ઘરે જવા નીકળ્યા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED