baki jindagi books and stories free download online pdf in Gujarati

બાકી જિંદગી

મારે સ્કૂલનો ટાઈમ સવારે ૭:૩૦ વાગ્યાનો હતો. ત્યાં ટાઈમે પહોંચવા માટે ઘરેથી મારે ૬:૩૦ વાગ્યે નીકળી જવું પડે. એ સમયે અમદાવાદમાં જલ્દી રીક્ષા ના મળે. રોજની જેમ આજે પણ હું રીક્ષાની રાહે હતો. સામેથી રિક્ષા આવતી દેખાઈ મેં રોકવા માટે હાથ લંબાવ્યો. તેણે રીક્ષા રોકી, હું પાછળની સીટમાં ગોઠવાઈ ગયો. તેણે પુછ્યું,, ક્યાં જવું છે? મેં તેને મારે જવાનું એડ્રેસ બતાવી દીધું.

મારી સાથે બીજા બે પેસેન્જર બેઠા હતા. તેમાં લગભગ ૬૫ વર્ષના દાદા અને ૯૦ વર્ષના દાદી હતા. તેના મોઢા પર જલ્દી પહોચવાનો રઘવાટ દેખાતો હતો. થોડા આગળ ચાલી એક ખાચા આગળ દાદાને ઉતાર્યા ને તેનાથી આગળ વિરુદ્ધ બાજુના ખાંચામાં રીક્ષા વાળી થોડા અંદર પહોંચ્યા તો મંદિર આવ્યું ત્યાં દાદીને ઉતાર્યા. દાદીએ રિક્ષાવાળો પરિચિત હોય તેમ જય શ્રી કૃષ્ણ કહ્યું. રિક્ષાવાળો મને લઇ આગળ ચાલ્યો. મારો સ્ટોપ આવતા હું પણ ઉતરી ગયો. મેં રીક્ષાવાળાને સ્મિત આપ્યું. પણ તે કંઈ બીજા વિચારમાં હશે. તેણે મશીન જેમ પૈસા લઈને રીક્ષા ચલાવી મૂકી.

બીજા દિવસે ફરી હું રીક્ષાની રાહે ઉભો હતો. રીક્ષા આવી. મેં જોયું તો આજે કાલવાળી જ રીક્ષા હતી. ને પેસેન્જર્સ પણ ગઈ કાલવાળા જ હતા. હું બેસી ગયો. ગઈકાલનો જ ક્રમ રીપીટ થયો. પછી તો આ રોજિંદો ક્રમ થઈ ગયો. હું પણ બીજી રીક્ષા આવે તો તેમાં ના બેસું. આ રિક્ષાની રાહે રહુ. આવું ને આવું અઠવાડિયું ચાલ્યું.
આજે રિક્ષાવાળો પહેલા બન્ને પેસેન્જર્સને ઉતારી મશીન ની માફક રોડ પર આંખો સ્થિર કરી રીક્ષા ચલાવી રહ્યો હતો. મેં વાતની શરૂઆત કરી,. " આ દાદા-દાદીએ તમારી રીક્ષા રોજ માટે બંધાવેલી છે? "તેણે યંત્રવત્ રીતે રોડ પર ધ્યાન રાખી માત્ર "હા" એટલો ટૂંકો જવાબ આપ્યો. તેના મોઢા પરના અણગમા પરથી મને લાગ્યું કે તેને મારી સાથે અંગત વાતચીતમાં રસ નથી. એટલે પછી હું પણ તેની સાથે ખાલી સ્મિતા આપવા પૂરતો જ વ્યવહાર રાખતો.
એક દિવસ દાદા-એ રિક્ષાવાળા ભાઈ ને પૂછ્યું, ભાઈ મારો દીકરો માનસિક બીમાર છે, તને તો ખબર છે. મને કંઈક રસ્તો બતાવ!".

"દાદા, બધા સારા વાના થઈ જશે. તમે તો ભગવાનની સેવા કરો છો. તમારું તો ભગવાન સાંભળે જ ને ! દવા અને દુવા બંને ચાલુ રાખો. હું તો આ પરિસ્થિતિમાંથી પસાર થયો છું. ધીરજ રાખો ભગવાન સૌ નો છે."

દાદા ને તેની વાતમાંથી ઘણું સાંત્વન મળ્યું હોય તેવું લાગ્યું. હું તો રિક્ષાવાળાની સામે જ જોઈ રહ્યો. અત્યાર સુધી મેં સામાન્ય લોકોને સાધુ કે પુજારી જોડે જીવન ની સમસ્યાનું માર્ગદર્શન લેતા જોયા છે. પણ આજે તો એક પુજારી રિક્ષાવાળા પાસે પોતાના જીવનની સમસ્યા રજૂ કરી રહ્યા છે.

દાદા દાદી ને તેના સ્ટેશને ઉતાર્યા. મેં આજે ફરી તેની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો.

મે પૂછ્યું, " તમારા ઘરે કોઈ ને તકલીફ છે?"

તેણે વાત શરૂ કરી, "તમે માસ્તર છો?". મને આજે તેનામાં પરિવર્તન લાગ્યું,

મેં કહ્યું, "હા, હું અહીંની શાળામાં શિક્ષક છું.".

"મારી રિક્ષામાં પેલા દાદા-દાદી આવે છે. તે મા- દીકરો છે. તે દાદાનો દીકરો માનસિક બિમાર છે. બંને એક એક મંદિરે ભગવાનની સેવા આરતી કરવા જાય છે. એક શેઠ તેને પગાર આપે છે. બંનેનો જીવનનિર્વાહ તેમાંથી ચાલ્યા કરે છે. હું રોજ સવારે તેને મંદિરે ઉતારી બીજા છૂટક ભાડા કરું છું. બપોરે ઘરે જતી વખતે બંનેને પાછા લેતો જાવ છું. હું પણ તેનું ભાડું લેતો નથી. ભગવાન મને પણ પેટ પૂરતું આપી દે છે.".

એમ વાત કરતા કરતા મારે ઉતરવાનું સ્ટેશન આવી ગયું. રીક્ષા ઉભી રહી હું ઉતરી ગયો. તેણે મને હાથ ઊંચો કરી આવજો કહ્યું. આજે તેના મોઢા પર થોડી ખુશી દેખાતી હતી. હવે તે મારી સાથે નોર્મલ થઇ ગયા હતા. રોજ કંઈ ને કંઈ વાતો કર્યા કરતા. વાતવાતમાં એક દિવસ મેં તેના પરિવાર વિષે પૂછી નાખ્યું. પહેલા તો બે મિનિટ તેણે સાંભળ્યું ન હોય તેમ તે રીક્ષા ચલાવે ગયા. હું ડ્રાઇવરની આગળ રાખેલ મિરર માં તેનો ચહેરો જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર કેટલાય ભાવ ફરી ગયા.

"આમ તો હું એકલો જ છું" તેણે નિસાસો નાંખી કહ્યું. મારી વહાલસોયી દીકરીને જન્મ આપી એની મા ભગવાન ના ઘરે જતી રહી. મારી નાનકડી પરી ની મા અને બાપ બન્ને હું જ હતો. મારે પોલીસની નોકરી હતી.હું નોકરી એ જતો ત્યારે મારી વિધવા મા તેનું ધ્યાન રાખતી. મારી પરી ધીમે ધીમે મોટી થવા લાગી. તે ખરેખર પરી જેવી જ હતી. ભણવામાં ખૂબ હોશિયાર. ખૂબ લાડકોડથી મેં તેને મોટી કરી. મારી નોકરી એવી કે હંમેશા ગુનેગારો સાથે જ કામ. બંદોબસ્ત માં પણ ડ્યુટી હોય. આવી નોકરી કરી હું કઠોર થઇ જતો. પણ ઘરે આવી મારી પરી સાથે વાતો કરું ત્યાં ફરી મારી લાગણીઓનો વિરડો ભરાઇ જતો.".

" આમ ને આમ તેણે પીટીસી પાસ કર્યું. તેને સારા સારા ઘરેથી માગા આવવા લાગ્યા. એક ખૂબ ધનવાન કુટુંબના દેખાવડા છોકરા સાથે તેની સગાઈ કરી દીધી. હું એવું વિચારતો કે મારી પરી કોઈ દિવસ દુઃખી ન થવી જોઈએ. તેના સાસરીયાની ના હોવાને લીધે મેં તેને નોકરી પણ ના કરાવી.".

વાત કહેતાં કહેતાં તે ભૂતકાળમાં ખોવાઈ ગયા. "જોતજોતામાં તેના લગ્નનો દિવસ આવી ગયો. તેને સાસરે વળાવી, મેં મારુ ઘર ખાલી કરી નાખ્યું. હવે ઘરમાં વધ્યો હું, દીવાલો અને મારી ઉદાસી. મારી ઘરડી મા પણ ભગવાનના ધામમાં ચાલી ગઇ હતી. દિવસે દિવસે પોલીસની નોકરી અઘરી અને ખટપટો વળી થવા લાગી. મને લાગ્યું મારા જેવો સીધો માણસ હવે નોકરી કરી શકે તેમ નથી. હજી નોકરી ને પાંચ વર્ષ બાકી હતા.".

"પરીના સુખી લગ્ન જીવનના ફોન આવ્યા કરતા. ક્યારેક મારી સંભાળ લેવા બંને જણા બે દિવસ રોકાવા પણ આવી જતા.".

"લગ્નને એકાદ વર્ષ થયું હશે, ત્યાં પરી બીમાર રહેવા લાગી. શરીર સુકવવા લાગ્યું. કેટલાય ડોક્ટરો ફેરવ્યા પણ કઈ કારી ના ફાવી. મારી પરી ને કોઈની નજર લાગી ગઈ. એક દિવસ મારો જમાઈ તેને મારા ઘેર મૂકી ગયો. અને સાજી થાય ત્યારે મોકલજો તેવું કહી જતો રહ્યો. પરી તે દિવસે ખૂબ રડી. મેં તેને સાંત્વન આપ્યું. બેટા, હું તને સાજી કરાવી દઈશ. મેં પણ તેને ઘણા દવાખાને ફેરવી. કોઈ ડોક્ટર થી રોગ પકડાયો નહીં. એક દિવસ પરી પણ એની મા પાસે ઉડી ગઈ.".

મેં ડ્રાઇવર મિરરમાં જોયું તો તેની આંખમાંથી આંસુ ટપકતા હતા. તેણે ઘડીક મૌન રહી શર્ટ ની બાહે આંખો લૂછી આગળ વાત ચાલુ કરી.

"મેં પોલીસની નોકરી છોડી દીધી. આખો દિવસ ઘરમાં ભરાઈ રહેતો. પછી મને લાગ્યું કે જો આમ ચાલ્યું તો હું પાગલ થઈ જઈશ. ને હવે નોકરી પણ છોડી દીધી હતી. પેટ ભરવા કંઈ કામ તો કરવું પડશે! એટલે મેં આ રીક્ષા લીધી. જેમાંથી પેટ પૂરતું કમાઈ લઉં છું. ને જુદા જુદા લોકોને મળવાનું થાય છે. એવામાં મને આ દાદા-દાદી મળી ગયા. તેમની મુશ્કેલી પણ મારા જેવી જ છે. એટલે તેમની આ નાનકડી સેવા કરું છું. મારી પરીના આત્માને આનંદ થતો હશે."
આમ કહી, તેણે રિક્ષા ચલાવતા ચલાવતા આકાશ તરફ જોયું....

આટલી વાત કરતાં મારુ સ્ટેશન આવી ગયું. હું પણ ઢીલો થઈ ગયો. આજે તેણે મારી સાથે હાથ મિલાવ્યો. મેં ઉષ્માથી તેનો ખભો ઠપથપાવ્યો. તેની આંખોના ખૂણા હજી ભીના હતા. રીક્ષા ભીડમાં ખોવાઈ ગઈ.......

લેખક: અશોકસિંહ ટાંક ( સત્ય ઘટના પર આધારિત )
(કથાબીજ: કૃષ્ણસિંહજી રાજપુત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED