પરીક્ષા કોની ? Dr Jay vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરીક્ષા કોની ?


માર્ચ મહિનો ખૂબજ નજીક છે. બધું Red Alert ઉપર મૂકાય ગયું છે. સ્કૂલ, કોલેજ,ટયુશન અને ઘર બધે જ ધારા ૧૪૪ લાગી ગઈ છે. સરહદ ઉપર યુધ્ધ જાહેર થાય અને જેવી પરિસ્થિતિ સર્જાય બસ એવી જ પરિસ્થિતિ ધર અને શાળા માં સર્જાય છે ! બધાં સૈનિકો પ્રેક્ટિસ પેપર આપીને પોતાની ગોખલપટ્ટી ની ધાર મજબૂત કરી રહ્યા છે. શિક્ષક નામનાં સેનાપતિ એ પોતાનો વિષય બચાવી લેવો છે. બોર્ડ નાં આક્રમણ સમયે પોતાનો એકપણ સૈનિક જરા અમસ્તો પણ ન ઘવાઈ અને ૧૦૦% પરિણામ લાવવા શક્ય એટલાં બધાં જ પ્રયત્નો એ કરી રહ્યો છે. બીજી તરફ ઘર માં ટીવી નું કેબલ કપાઈ ગયું છે. મમ્મી ની પૂજા નો સમય હવે વધી ગયો છે. પોતાનાં ગમતાં ઈશ્વર ને પણ બાધા લઈ ને Confidence માં લેવાનો પ્રયત્ન કરી લીધો છે ! પપ્પા હવે ઘરે વહેલાં આવી જાય છે. ઘરમાં મૂકેલો કર્ફયુ એ જાણવી રાખવાનો બરાબર પ્રયત્ન કરી રહ્યા છે. દિવાળી પર જેમ સ્કીમ આપવામાં આવે તેમ વાલીઓ એ પોતાનાં સંતાન ને આટલા ટકા આવે તો આ નહીં તો પેલું લઈ આપીશું એવી સ્કિમ પણ આપી દીધી છે. સરકાર દ્વારા તનાવ મુક્ત પરીક્ષા અંગે કેમ્પેનીગ શરૂ થઈ ગયું છે. હેલ્પલાઇન નંબરો જાહેર કરી દેવાયા છે. સગાસંબંધીઓ નું ઘરે મળવા આવવાનું અને સાથે શુભેચ્છા ભેટ લાવવાનું પણ શરૂ થઈ ગયું છે. ટૂંકમાં કહું તો દર વખતની જેમ આ વખતે પણ બધું જોરદાર આયોજન બધ્ધ શરૂ થઈ ગયું છે.
એમ તો હું જે વાત કરું છું એ કશી નવી છે જ નહીં. વર્ષો થી આપણે ત્યાં આવું જ થતું આવ્યું છે.આ બધાની વચ્ચે સવાલ એ છે કે શું આ પરીક્ષા ખરેખર એટલી મહત્વ ની છે જેટલી આપણે માનીએ છીએ ? શું બાળક નાં અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંને નો આધાર આ પરીક્ષા જ છે ? અને ખાસ તો એ કે આ પરીક્ષા કોની છે ? વિધાર્થી જે ભણી રહ્યો છે એની ? શિક્ષક કે જેણે ભણાવ્યું છે એની કે પછી જેણે જન્મ આપ્યો છે એ માતા પિતા ની ? વાતાવરણ જેતાં તો એવું લાગે છે કે પરીક્ષા આ બધાંની જ છે. અને નવાઈની વાત તો એ છે કે આ પરીક્ષા ની સફળતા નો બધો જ આધાર પરીક્ષા આપનાર ની યાદશક્તિ ( ગોખલપટ્ટી) ઉપર છે. આખું વર્ષ એણે , એનાં શિક્ષકે અને એનાં માતા પિતાએ શું કર્યું એનો બધો હિસાબ માત્ર ૩ કલાક માં આપવાનો છે. એ ત્રણ કલાક માં બધું બરાબર યાદ આવ્યું તો આ બધાં પાસ નહીં તો બધાં જ નાપાસ...કોઈ વિધાર્થી કે કોઈ શિક્ષક કેટલો હોશિયાર છે એનો નિર્ણય 5 મિનિટ માં એ લોકોનાં જ કુળ નાં શિક્ષકો આપી દેતાં હોય છે ! A1 ગ્રેડ લાવે તો શાળા સારી નહીં તો એમાં સરસ્વતી નો વાસ નથી એવું સાબિત થઈ જતું હોય છે. મને રહીં રહીં ને એક જ પ્રશ્ર થાય છે કે શું જે શાળા નું ૧૦૦% પરિણામ ન આવે તે શાળા સરસ્વતીનું મંદિર નથી ? જે બાળક ૩૫% ગુણ ન મેળવી શકે એ સરસ્વતી નું બાળક નથી ? શું શિક્ષક સરસ્વતી તો પૂજારી નથી ? આ હરીફાઈ નામનો વાયરસ કોરોના વાયરસથી પણ વધુ ખતરનાક લાગી રહ્યો છે.આ હરીફાઈ નાં કારણે જો સૌથી મોટું નુકશાન થયું હોય તો એ છે કે દરેક શાળા પોતાનું મંદિરપણું ગુમાવી ચૂકી છે. અને એ વાત યાદ રહે કે કોરોના વાયરસ માત્ર એક વ્યકિત ને અસર પહોંચાડે છે અને આ ખોટા અભરખા ની હરીફાઈ એક આખી શાળા ને અને શાળા આખાં સમાજ અને રાષ્ટ્ર ને અસર પહોંચાડે છે.
આપણે ત્યાં દર માર્ચ મહિનામાં માર્ક્સ નું માર્કેટ ભરાઈ છે. નકરું અભરખાનું બજાર. જેમાં શાળાઓ અને વાલીઓ પોતાનાં કહેવાતાં બાળકો નામની પ્રોડક્ટ ને પરીક્ષા નામનાં બજારમાં મૂકી દે છે. આ બધાની વચ્ચે એક પક્ષ જે આમ તો ખરેખર કેન્દ્ર માં છે પરંતુ હાસિયા માં ધકેલાઇ જતો હોય છે. અને એ પક્ષ એટલે પરીક્ષા આપનાર ખુદ. પેલું નિર્દોષ બાળક. હા, એ બાળક કે જેનાં મગજમાં બળજબરી પૂર્વક એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે પરીક્ષા માં સારાં ટકા સાથે પાસ થવું જ જીવન નો મુખ્ય ઉદ્દેશ છે. બીજી તરફ હવે તો એને પણ એવું જ લાગવા લાગ્યું છે કે એનો જન્મ જ આ પરીક્ષા માં પાસ થવાં માટે થયો છે ! કોઈની પાસે એમને સાંભળવાનો સમય નથી. કોઇએ એ નથી જાણવું કે એને શું ગમે છે ? કોઈ એ એનાં રસ નાં વિષય માં રસ નથી રાખવો. અરે, હદ તો ત્યાં થાય છે કે શાળા અને ખુદ જન્મ આપનાર માતા પિતા એ ભૂલી ગયાં છે એ બાળક સરવાળે તો એક માણસ છે. આ વાંઝણી માનસિકતા ને કારણે સંતાન હવે સંતાન મટી વાલીઓ નાં અધૂરાં સપનાં પૂરાં કરવાનું મશીન બની ગયું છે. અને બીજી તરફ શાળાઓ અને ટયુશન માટે હવે એ વિધાર્થી રહ્યા નથી એમનાં માટે તો એ હવે 'બ્રાન્ડ એમ્બેસેડર ' બની ગયાં છે. ૫૦ નાં વર્ગમાં ૫ વિધાર્થી નાં સારા ટકા આવે એટલે એમનાં ફોટા નાં બેનર અને મોટા મોટા હોલ્ડીંગ બનાવી રીક્ષા અને બસ સ્ટોપ ઉપર લટકાવી મસ્ત મજાની એડવર્ટાઈઝીંગ કરી લેવાની આવડત તો દરેક શાળા પાસે આવી ગઈ છે. After All કોમ્પીટીશન છે ભાઈ, કરવું પડે !! નવાં વિધાર્થી ( સોરી નવાં ગ્રાહક) ને જો આકર્ષવા રહ્યા.માર્કશીટ તો માત્ર વિધાર્થી ને કેટલું યાદ રહયું એ જ બતાવે છે.કાશ કોઈ એવી માર્કશીટ જેવાં મળે કે જેમાં એક વર્ષ દરમિયાન બાળક કેટલી વખત હસતું રહયું, કેટલી વખત પોતાની સર્જનાત્મકતા બતાવતું રહયું, કેટલી વખત એને ભણવાનું ગમ્યું, કેટલી વખત એ પોતાની લાગણી ઓ ને કોઈ પણ પ્રકારનાં બંધન વગર રજૂ કરતું રહયું. તમને જો કયારેક એવી માર્કશીટ જેવાં મળે તો બધું છોડી એને પ્રણામ કરી લેજો .હું આવી માર્કશીટ ને મા સરસ્વતીની એકદમ ઓરીજનલ ફોટો કોપી કહું છું...
આપણે ત્યા ગુજરાત ની જ જો વાત કરીએ તો SSC અને HSC મળીને લગભગ 15 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપતાં હશે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ 15 લાખ માંથી મોટેભાગના નાં વાલીઓએ પોતાના સંતાનો ને પ્રથમ લાવવા છે ! અરે,જે માતા પિતા નાં બંને નાં SSC નાં ટકા ભેગાં કરીએ તો 90% નથી થતાં એ વાલીઓ એક બિચારા એકલાં બાળક પાસે 90% ની અપેક્ષા રાખે છે અને અપેક્ષા તો રાખે છે પણ સાથે એનાં માટે થાય એટલું બધું જ ( જુલમ ) કરી છૂટવા તૈયાર હોય છે. અહીં એવો કહેવાનો કોઈ જ ઈરાદો નથી કે એમનાં સંતાનો નાં 90% ન આવે પરંતુ મુદ્દો એ છે કે સંતાન નાં 90% લાવવા માટે નો તમારો એમનાં પ્રત્યેનો Attitude કેવો છે. બીજો સવાલ કે કેટલાં શિક્ષકોએ કે જેઓ SSC માં અભ્યાસ કરતાં હતાં ત્યારે 90% મેળવેલાં ? એટલે એવું પણ નથી કે એવાં શિક્ષકો થી એમનાં વિધાર્થીઓ નાં 90% ન લવડાવી શકાય પણ મૂળ વાત તો શિક્ષકો નાં પણ Attitude ની છે. એ તમામ ભૂલી ગયાં છે કે આ ભણતર એ વ્યકિતત્વ નો એક નાનો સરખો બારીક ભાગ છે. અસ્તિત્વ નો તો ભાગ જ નથી. જો બાળક બે પાંચ ટકા ઓછા લાવે કે એક બે વર્ષ મોડો પરીક્ષા પાસ કરે તો એમાં કશું લુંટાઈ જવાનું નથી એ વાત હવે એ તમામ પક્ષકારે સમજી લેવી જોઈએ. તો જ આ પરીક્ષા સમસ્યા ન રહેતા ઉત્સવ બની રહેશે..
તમારા સંતાન અને વિધાર્થી જેવાં છે એવાં એને સ્વિકારી એમાં જરૂર જણાય ત્યાં સુધારો કરતાં રહો તો જ એ સંબંધ માં પ્રેમ પ્રગટવાનો અવકાશ છે.બાકી એને તમારાં સ્ટેટ્સ બનાવવાનો પ્રયત્ન કરશો તો મોડોવહેલો એક વિદ્રોહ જન્મશે. હવે આપણે નકકી કરવાનું છે કે આપણે શું તૈયાર કરવા માંગીએ છીએ એક શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ માણસ કે પછી બળાત્કારી અને આતંકવાદી.?
અંતે, બાળકનાં સારા રિઝલ્ટ ને લઈને ફેસબુક અને વોટ્સપ સ્ટેટ્સ ઉપર લાંબુ લચક લખી ને ગર્વ લેતાં મા બાપ અને શાળા ને મારે એક જ વાત પૂછવી છે કે આ બાળકો તમારે માટે કોણ છે ? તમારું સ્ટેટસ કે પછી તમારું સંતાન ? આટલું વાંચ્યા પછી કદાચ તમારો જવાબ તમને એમને પ્રેમ કરવા અને આ પરીક્ષા ને અભરખા મુક્ત કરી ઉત્સવ ની જેમ ઉજવવા મજબૂર કરી દે તો પ્રયત્ન સાર્થક ગયો એમ માનીશ...
આપ સર્વ ને પરીક્ષા મુબારક....

ડો જય વશી