Ghar mubarak books and stories free download online pdf in Gujarati

ઘર મુબારક

સતત ત્રણ દિવસ થયાં. ખૂબજ નજીક થી જોયું છે ઘરને.
નજીવા પૈસા ની દોડ માં ભૂલી જ ગયાં હતાં કે આપણે સાંજ થાય ને જે જગ્યાએ મળીએ છીએ અને રાતવાસો કરીએ છીએ એને ઘર કહેવાય છે ! દુનિયા નો છેડો એટલે ઘર. પણ હવે તો લાગે છે કે આ છેડા માં જ આખી દુનિયા છે. ઘર પાસે ઘણુંબધું છે એમ કહું કે બધું જ છે. ઘર પાસે કલરવ છે, ઘર પાસે આરામ છે , ઘર પાસે હાસ્ય છે , ઘર પાસે રુદન છે, ઘર પાસે શ્ર્વાસ છે ,વિશ્ર્વાસ છે. ઘર નું બ્લડ ગૃપ શાંતિ છે. ઘર આલિશાન છે, ઘર મંદિર છે. ઘર એ દુનિયાએ આપેલાં ઘાવ ને સાજા કરવાનો મલમ છે.ઘર એ જીવન માં લાગતાં દરેક થાક ને ઉતારવાનું સરનામું છે. ઘર એ શિવાલય થી વધુ જીવાલય છે...
ઘર ને પગ નથી છતાં ઘર અપંગ નથી. ઘરને જીભ નથી છતાં ઘર બોલી શકે છે.ઘર પાસે સ્પર્શ છે.ઘર હંમેશા સ્પર્શ ની ભાષામાં જ વાત કરે છે.ઘરને આંખ છે.જયારે ઘરેલું અત્યાચાર ( Domestic Violence) થાય ત્યારે ઘર એજ આંખ થી રડે છે. બે નંબર નો પૈસો જયારે ઘરમાં પ્રવેશે ત્યારે ઘરને સ્મશાન બની જવાનું મન થાય છે. પુરુષ એ ઘરની છાતી છે અને સ્ત્રી એ છાતી માં ધબકતું હ્રદય. ઘરમાં સ્ત્રી છે એટલે ઘરને હ્રદય છે. બાળકો અને વડીલો ઘરનાં ઘબકાર છે. બાળક અને વડીલ વિનાં નાં ઘર માં ધબકારા વિનાં નું હ્રદય અને હ્રદય વિનાં ની છાતી જેવાં મળતી હોય છે.ઘર એ ગાય છે. એ હંમેશાં ઓકિસજન જ લે છે અને ઓકિસજન જ છોડે પણ છે. ઘર અને હોસ્પિટલમાં ફર્ક જ એટલો છે કે હોસ્પિટલમાં ઉછીના શ્ર્વાસ લેવાતાં હોય છે જયારે ઘરમાં પોતાના શ્ર્વાસ. ઘર માં બિલ નથી ઘર માં દિલ છે. ઘર અને સંસદ માં ઘણો તફાવત છે. સંસદ માં વિવાદ છે ઘરમાં સંવાદ છે.સંસદ માં મગજ જીતે છે ઘરમાં મન જીતે છે.
થોડી ઈંટો ને સિમેન્ટ અને સળીયા નું બંધારણ આપી ચાર દિવાલ ઉભી કરી દેવામાં આવે એટલે એને ઘરનો દરજ્જો નથી મળતો. ચાર દિવાલ થી તો માત્ર મકાન બને છે. પરંતુ જયારે આ ચાર દિવાલ ની વચ્ચે ચાર જણા એકબીજા સાથે આદર, પ્રેમ અને સ્નેહ થી રહેવાનું ચાલુ કરે ત્યારે આ મકાન ને 'ઘર' નો દરજ્જો મળે છે. આપણે ત્યાં મકાનો ની સંખ્યા વધુ અને ઘરની સંખ્યા ઓછી છે. ઘરમાં જેટલું મહત્વ એક નાના અમસ્તા મંદિર નું હોય એટલું જ મહત્ત્વ એક નાનાં પુસ્તકાલય નું પણ હોવું જોઈએ. ઘરની દિવાલો માં ઉચ્ચ વિચારોનો રંગ ભળે ત્યારે એ સ્વર્ગ બને છે.ઘર નું રસોડું એ સંવેદના નું સરનામું છે. આખા ઘરનું કેન્દ્ર બિંદુ છે. બધાં ની કાળજી, બધાં નાં ગમા અણગમા ની ચિંતા આ જગ્યાએ થી જ થતી હોય છે. ક્યારેક તો બહાર નો અને ડ્રોઈંગરૂમ નો ગુસ્સો આ જગ્યાએ જ આવી ને ઊતરતો હોય છે. લોકો ઘરનાં ડ્રોઈંગરૂમ થી આકર્ષાય છે પરંતુ ઘરની ખરી શોભા તો રસોડામાં હોય છે.
આપણું જીવન ઝડપી થઈ ગયું છે અને જિંદગી એકદમ ધીમી. નવાઈની વાત તો એ છે કે આપણે શાંતિ અને આરામ થી જીવવા માટે સગવડ યુક્ત ઘર બનાવીએ છીએ. અને પરિણામ એ આવે છે કે સગવડ ઊભી કરવામાં જ આખું જીવન પુરું થઈ જાય છે ! એટલુ બધું દોડીએ છીએ કે છેલ્લા શ્ર્વાસ પણ ઘર માં નથી છોડી શકતાં ! ચાલો આપણે એ ભૂલ ન કરીએ.જેવું હોય એવું ઘરમાં જીવી લઈએ. તમે અનુભવ કરશો તો સમજાશે કે રોજ સાંજે ઘરે ફરો છો ત્યારે ઘર પોતાના બાહુપાશમાં તમને લઈ લે છે.તમે ઘરની છાતી નાં સ્પર્શ નો આનંદ લીધો છે ? આ લખતી વખતે હું ઘરમાં બેઠો છું. અને ઘર મારી કલમ માંથી પસાર થઈ રહયું છે.આપણે ઈશ્વર નો આભાર માનવો રહયો કે એની કૃપાથી કાંઈ નહીં તો એક કહી શકાય એવું સરનામું તો છે આપણી પાસે. બાકી ઘણાં ની આખી જિંદગી ફૂટપાથ અને રેલ્વે સ્ટેશન કે રસ્તા ની કોર ઉપર જ પૂરી થઈ જાય છે. યાદ રહે આપણે ઘરમાં પુરાયા નથી પણ ઘરને ઉજવી લેવાની તક મળી છે. તો ઉજવી લો આપણાં અસ્તિત્વ નાં સરનામા ને... સૌ ને 'ઘર મુબારક...'

ડો જય વશી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED