હવે મને બોલપેન અને પપ્પા સરખાં જ લાગે છે.નાના હતાં ત્યારે સ્કૂલ અને કોલેજમાં ભણતા ત્યારે બોલપેન ની કિંમત જ કયા હતી. એમ કહીએ કે પપ્પા ની પણ કિંમત જ કયાં હતી !ત્યારે તો એવું જ લાગતું કે લખવા માટે બોલપેન અને જરૂરિયાત પૂરી કરવા માટે પપ્પા જરૂરી હોય છે.એ સમય એવો હતો કે જયારે બોલપેન અને બાપ બંને નું સ્થાન એક સાધન પુરતું સિમિત હતું.
આપણી કેરિયર બનાવવામાં બોલપેન અને પપ્પા ઘસાય જતાં હોય છે,એક કાગળ પર અને બીજા જીવનમાં...આમ જેવાં જઈએ તો દરેક બોલપેન માં સાહી નહીં પરંતુ દરેક પિતા નો પરસેવો વહેતો હોય છે. પોતાનાં દિકરા નું લખેલું ઉજળું દેખાય એટલે ક્યારેય પણ એ પોતાનાં પરસેવાને ઝાંખો પડવા નથી દેતો. બોલપેન નાં નાના અમસ્તા પોઈન્ટ માં રહેલા એકદમ બારીક બોલ અને પિતા બંનેનું કામ સરખું જ છે. પોતે દરેક ક્ષણે ફરતાં રહેવાનું, ઘસાઈ જવાનું અને પોતાનાં અંશ સમાન અક્ષર ને ચમકાવી દેવા બને એટલું બધું જ કરી છૂટવાનું... આમ જેવાં જઈએ તો કાગળ ઉપર ઊપસી આવતાં અક્ષર એ બીજું કંઈ નહીં પરંતુ બોલપેન નાં પોઈન્ટ માંથી જન્મતું સંતાન છે. દુનિયાનાં દરેક અક્ષરે યાદ રાખવું જોઈએ કે એ ઉપસે છે કારણ કે બોલપેન નો પોઈન્ટ એનાં માટે ઘસાઈ છે. અફસોસ એ વાતનો નો હોય છે કે આપણે બધાં સારા દેખાતા અક્ષરો નાં વખાણ કરીએ છીએ પરંતુ એનાં માટે ઘસાઈ જતાં પોઈન્ટ ની નોંધ સુધ્ધાં નથી લેતાં .સુંદર દેખાતા દરેક અક્ષર એ ઘસાઈ ગયેલી બોલપેનનું પરિણામ છે...
કોલેજનાં સમયે બોલપેન ખોવાય જતી તો ચિંતા કે અફસોસ ન તો થતો.કયારેક તો લેક્ચર માં ભણવામાં ચિત્ત ન હોય અને મસ્તી કરતાં હોય કે પછી પરીક્ષા માં કશું જ ન આવડતું હોય ત્યારે બોલપેન ની પાછળ ની બાજુ માં ફીટ કરેલી કેપ ચાવવા લાગતાં. બોલપેન ની એ કેપ ચાવવામાં જુદી જ મજા આવતી. છેલ્લે ચવાય ગયેલી કેપ ને ફેકી દેતાં. ત્યારે એ ન હતી ખબર કે કેપ ની સાથે પપ્પા પણ ચવાઈ જાય છે એને છેલ્લે ફેંકાઈ જાય છે. શાળા કે કોલેજમાં બેજવાબદારી પૂર્વક ચવાઈ જતી દરેક બોલપેન ની કેપ ચવાઈ ગયેલાં પપ્પાની સાક્ષી પુરાવી જાય છે. ખરેખર તો બોલપેન કયારે પણ બેજવાબદાર બનતી નથી બેજવાબદાર તો બને છે એનો ઉપયોગ કરનારો...
આપણે એ ભૂલી જઈએ છીએ કે કોઈપણ પરીક્ષા હોય અને ગમે એવી આવડત હોય પરંતુ બોલપેન વિનાં પાસ થવું અશક્ય છે.અને કદાચ એટલે જ આપણે ગજવામાં રહેવી બોલપેન અને ઘરમાં રહેલી બોલપેન ને કયારે પણ ધારીને જોવાનો પ્રયત્ન કર્યો નથી. જો આપણે પોતાનાં ઘરમાં રહેવા બોલપેન ને ધારીને જોઈશું તો ક્યારે પણ બહારની બોલપેન ને ચાવીશું કે ફેંકીશું નહીં.
બોલપેન નું કોઈ મૂલ્ય નથી હોતું કે એ બે રૂપિયા ની હોય કે બસો રૂપિયા ની,એનું મહત્વ સરખું જ હોય છે.બોલપેન cello ની હોય કે પછી પેલાં અમિતાભ વાળી Parker કે Crossની હોય બોલપેન માટે એનું બોલપેન હોવું એટલું જ પુરતું છે.ક્યારેક એકાંત માં પોતાની બોલપેન સાથે શબ્દ અને સ્પર્શ ની ભાષામાં વાત કરી જોજો, બોલપેન શું છે એ બધું જ સમજાય જશે !
આપણે એ વાત કયારે ન ભૂલવી જોઈએ કે આજે આપણે જે કાંઈ પણ છીએ એ ભૂતકાળમાં ઘસી નાંખેલી બોલપેન નાં કારણે છે.આપણને બનાવવામાં બોલપેન ઘણી ઘસાય ગઈ છે. એ પછી કંપાસ માં રહેલી હોય કે ઘરમાં રહેલી. બધી જ બોલપેન આપણને બનાવા ઘસાઈ ગઈ છે. આજે બધું બ્રાન્ડેડ થઈ ગયું છે. બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ સૂઝ, બ્રાન્ડેડ ઘડિયાળ ની સાથે હવે તો બોલપેન પણ બ્રાન્ડેડ વાપરવાની ફેશન થઈ ગઈ છે. આ બધાની સાથે રહીં બ્રાન્ડેડ બોલપેન ને શર્ટ કે સૂટ નાં ઉપરની ડાબી બાજુનાં ખીસ્સામાં લટકાવો તો કાંઈ નહીં પરંતુ એ ડાબી બાજુનાં ગજવાની પાછળ જ એક હૃદય ધબકતું હોય છે.બસ ત્યાં પેલી ઘસાઈ ગયેલી બોલપેન ને હંમેશાં સ્થાન આપેલું રાખજો.કારણ કે...
હવે એક અક્ષરની બોલપેન બન્યા પછી સમજાય છે કે બોલપેન બનવું એ કાંઈ નાની સુની વાત નથી અને જો બોલપેન ખોવાય જાય તો અક્ષર નું શું થાય...
બોલપેન વિનાં કોરો કાગળ લઈ જીવવું ખૂબજ મુશ્કેલ હોય છે....
ડો. જય વશી