Pappa ni bag books and stories free download online pdf in Gujarati

પપ્પા ની બેગ


કોલેજ માંથી પાસ થઈને નીકળી પપ્પા એક બેગ લઈને રોજ સવારે નીકળી જતાં તે સાંજે આવતાં... કાળા રંગની એ બેગ માં બે ખાના હતાં. એ બેગ પપ્પા નાં જીવનનો અમુલ્ય હિસ્સો હતી.પોતાની ઉંમર નાં ઘણાં વર્ષો પપ્પાએ એ બેગ સાથે જ વિતાવ્યા હતાં. સાચું કહું તો પપ્પા સાથે જો કોઈ વધારે રહયું હોય તો એ બેગ જ હતી...
એકદમ વહેલી સવારે પોતાનાં ખભે બેગ લટકાવી પપ્પા કયાંક જતાં રહેતાં...અમે ઊઠી ને જોઈએ અને ટેબલ પર બેગ ન દેખાય એટલે સમજી જઈએ કે પપ્પા ઘરમાં નથી. પપ્પા ઘરમાં છે કે નહીં એ જો જાણવું હોય તો પપ્પાની બેગ ને જોઈ લેવી. ટ્રેન નાં ડબ્બા નાં પાટીયાં પર બેસી- બેસીને બેગ અને પપ્પા બન્ને ઘસાઈ ગયાં હતાં.બેગ ની સાઈડ પરની બાજુ ઘસાયેલી દેખાતી પરંતુ પપ્પા કયાંથી ઘસાય છે એ કોઇને દેખાતું નહીં .બેગ અને પપ્પા બંને ની આત્મીયતા પણ સરખી જ. જેમ જેમ સમય જતો તેમ તેમ બેગ માંથી દોરા અને પપ્પા માંથી વાળ નિકળી જતાં. આશ્વાસન નાં દોરે મમ્મી બેગ અને પપ્પા બન્ને ને સાંધી દેતી..
અમારી સ્કૂલ ફી ભરવાની હોય, ઘરનું લાઈટ બીલ ચૂકવવાનું હોય કે પછી બીજા કોઈ ખર્ચા ની વાત મમ્મી કરતી ત્યારે પપ્પા બેગ બાજુ એકી ટશે જોઈ રહેતાં. અને છેલ્લે 'થઈ જશે' એવું કહી દેતાં. મને ત્યારે એક સવાલ થતો કે આમ પપ્પા બેગ બાજુ શું કામ જોતાં હશે ! મને તો પપ્પાની બેગ મેજીક બેગ લાગતી. દિવાળી હોય ત્યારે ફટાકડા, ઉતરાયણ માં ફિરકી, નવાં નવાં કપડાં, મારી બેટ બધું જ પપ્પા પેલી બેગ માંથી કાઢી ને આપતાં.પપ્પા મારા માટે સાન્તાક્લોઝ જેવાં જ હતાં...
એક વાર મારું રિઝલ્ટ આવેલું ને મારાં સારા ટકા આવેલાં ત્યારે પપ્પાએ મારી પીઠ ને શાબાશી આપેલી સાથે ટેબલ પાસે જઈને પેલી બેગ ને પણ શાબાશી આપેલી. બહેન નાં લગ્ન નકકી થયાં ત્યારે પપ્પા બેગ બાજુ જોતાં જોતાં બોલેલા કે 'દિકરી નાં લગ્ન તો ધામધૂમથી જ કરીશું'. ને બેનની વિદાય પછી ઘરમાં આવીને પપ્પા પેલી બેગને ખોળામાં લઈ ખૂબજ રડેલા. આમ તો બેગે પણ કન્યાદાન કર્યું હોય એમ એ પણ ખૂબ રડેલી. પપ્પા પોતાની બધી વાતો, બધી લાગણીઓ પેલી બેગને જ કહેતાં એટલે બેગ પણ પપ્પા ને અમારાં થી વધારે ઓળખતી. મારી નોકરી નાં સમાચાર પપ્પાને કહ્યા ત્યારે પપ્પાએ ઈશ્વર નો આભાર માની બેગ બાજુ હસ્તા મોંઢે ગર્વ થી બેગ ને પણ થેન્કુ કહેલું ...
હવે પપ્પા નાં રિટાયરમેન્ટ ને માત્ર એક જ મહિનો બાકી હતો.એમ કહો કે બેગ નાં પણ રિટાયરમેન્ટ ને એક જ મહિનો બાકી હતો. આજે ટ્રેન માં ઘરે આવતી વખતે અચાનક પપ્પા નો પગ લપસી પડયો અને પપ્પા સ્ટેશન નાં પ્લેટફોર્મ પર પટકાયા. પપ્પા નાં બંને પગ ટ્રેન માં આવી ગયાં. સ્ટેશન પર ભેગી થયેલી ભીંડ પપ્પા નાં પગ શોધી રહી હતી અને પપ્પા પોતાનાં થી એક મિનીટ પણ દૂર ન કરી શકે એવી પોતાની બેગ ને શોધી રહ્યા હતાં. પપ્પા માટે એ બેગ ન હતી પરંતુ એમનું આખેઆખું અસ્તિત્વ હતું...બે પગ ગુમાવ્યાં પછી પણ પપ્પા એ સ્ટેશન પર પડેલી પેલી બેગ બીજા શબ્દો માં કહું તો સ્ટેશન પર પડેલું પોતાનું અસ્તિત્વ શોધી જ કાઢયું...અમને જાણ થતાં અમે તરત જ શહેરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયાં. ત્યાં પપ્પા રૂપમાં બેડ ઉપર પેલી બેગ લઈને સૂતાં હતાં.મને જોઈ એમણે પેલી બેગ હસ્તા મોંઢે મારાં હાથ માં મૂકી. હું કાંઈજ સમજી નો' તો શકયો. હોસ્પિટલની બાલ્કની માં જઈ મેં બેગ ને જોઈ.પેલી બે ખાનાની બેગ માં પહેલું ખાનું ખોલ્યું તો એમાં મને બેટના માટે જીદ કરતો હું દેખાયો, પોતાની કોલેજ ફી ભરતી બહેન દેખાય, દૂધ,દવા કરિયાણું નું બીલ માંગતી મમ્મી દેખાય, મારી માર્કશીટ, બેનનું કન્યાવર, અમારું ઘર અ..ઘ..ઘ..ઘણું બધું મને દેખાયુ. હિમ્મત ભેગી કરી બીજું ખાનું ખોલ્યું તો મારા આશ્ચર્ય ની વચ્ચે મને એ ખાના માં માત્ર વિલ ચેર પર બેઠેલાં પપ્પા દેખાયા...
હવે મને સમજાય ગયું છે કે દુનિયા નાં દરેક પપ્પાની બેગ એ માત્ર બેગ નથી હોતી પણ જવાબદારી હોય છે...જે દેખાવે નાની અને વજને મોટી હોય છે..પપ્પાએ મને પહેલું ખાનું બંધ કરીને માત્ર બીજું ખાનું ખુલ્લું રાખવાં માટે બેગ આપી છે.કારણે પહેલાં ખાના ની જવાબદારી તો પપ્પા એ પૂરી કરી દીધી છે.હવે પપ્પાની બેગ રીટાયર્ડ થઈ છે.અને હવે હું મારી બેગનું બીજું ખાનું સાચવી ને બેઠો છું....

ડૉ.જય વશી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED