વ્હાલ મિત્ર, પુસ્તક
આજે મારે દિલ ખોલીને તને કંઈક કહેવું છે.
આમ તો કાગળ નાં કુળ નો તું વારસદાર છે છતાં પણ એક કાગળ લઈ તારા નામજોગ તને કંઈક લખું છું. મને સમજાતું નથી કે વાત કયાંથી શરૂ કરું.સાચું કહું તો પહેલાં મને તારી સાથે જરાય ફાવતું ન હતું. તને વાંચવાનું તો દૂર પણ તારી બાજુ મને જોવાનું પણ નો 'તું ગમતું. એમાં તારો કશો જ વાંક ન હતો. વાંક તો મારો હતો.મેં જ તારું મૂલ્ય જુદી રીતે આક્યુ હતું. મને તો ત્યારે એવું જ લાગતું કે પરીક્ષા માં માર્કસ મેળવવા માટે જ તું કામ આવતો હશે.મને હંમેશાં એવું લાગતું કે તું મારી સ્વતંત્રતા પર તરાપ મારે છે.હું ગમે ત્યાં રમતો હોવ કે ફરતો હોવ મમ્મી ગમે ત્યાંથી મને બોલાવી તને મારા હાથમાં પકડાવી દેતી. મને એ વાત જરાય પસંદ ન હતી. મને એવું લાગતું કે તારા કારણે જ મમ્મી મને ખીજવાય છે તું જ અમારાં બંને વચ્ચે ની લડાઈ નો મુખ્ય સૂત્રધાર છે.અને એટલેજ હું મમ્મીનો બધો ગુસ્સો તારા ઉપર કાઢતો. તને વાળીને, તને ફાળીને અને કયારેક તો તને ફેંકી ને મારા ગુસ્સા ને ઠાલવી નાંખતો. મારા આટલાં ખરાબ વર્તન કરવાં છતાં પણ તે મને ક્યારે પણ કંઈ નો' તું કહયું. કદાચ તું પુસ્તક છે એટલે જ આટલી ધીરજ અને સહનશીલતા બતાવી શકે બાકી તારી જગ્યાએ અમારી માણસ જાત જો હોય તો તો..... !
એ સમય તો એવો હતો કે તને ભૂલથી પગ અડી જાય કે પછી બેંચ પરથી તું પડી જાય તો તને ઉંચકી ને તરત જ પ્રણામ કરતાં. આવું હું એક નહીં અમે બધાં જ કરતાં. કારણ કે અમે બધાં જ એવું માનતા કે તું ઇક્ષ્વર નું રૂપ છે. મા સરસ્વતી તારા માં બિરાજે છે.એટલે જો તને પગ લાગે તો મા ને પગ લાગ્યો બરાબર કહેવાય. સાચું કહું તો આ વાતમાં શ્રધ્ધા કરતાં રિવાજ નો પ્રભાવ વધુ હતો.આમ જોવાં જામ તો તે મારા જીવનમાં ' દેશી હિસાબ ' નાં રૂપમાં સૌ પ્રથમ પ્રવેશ મેળવેલો. પછી તારું ગણિત, ગુજરાતી ને પર્યાવરણ ને એવાં જુદા જુદા રૂપ લઈને મારાં જીવનમાં આવવાનું થતું જ રહયું. જેમ જેમ સમય પસાર થતો રહયો તેમ તેમ તારી તબિયત પણ વધતી ગઈ. પહેલાં દસ પાનાં જેટલી સાઈઝ માં મને મળતો તું હવે તો કેટલાઓ પાનાં લઈને આવે એ રામ જ જાણે ! પણ જે હોય એ મને હવે તારી સાથે રહેવાનું ગમવા લાગ્યું છે.તે મારા બધાં હિસાબો ને દેશી બનાવી દીધાં છે. એક સમય એવો હતો કે તને હાથમાં લઉં એટલે ઉંઘ આવી જતી અને આજે એવી પરિસ્થિતિ છે કે જો તને મારા હાથમાં ન લઉં તો ઉંઘ નથી આવતી ! હવે મને તારી ટેવ પડી ગઈ છે.અને સાચું કહું તો મારાં માટે મારી આ ટેવ જ મારો વૈભવ બની ગઈ છે. અને એટલે જ એક પુસ્તક મારા હાથમાં છે એમ કહેવા કરતાં મારો વૈભવ મારા હાથમાં છે એમ કહેવું મને વધારે ગમે છે...
મને આજદિન સુધી એ નથી સમજાયું કે તારી પાસે તો એવો તે શું જાદુ છે કે હું જ્યારે પણ તને વાચું છું ત્યારે એક જુદી જ દુનિયા માં જતો રહું છું. ખરેખર તને કોઈ સરહદ નાં બંધનો નડતાં નથી. તું મને વગર વિઝા એ અમેરીકા નાં ન્યુયોર્ક શહેર માં તો કયારેક આફ્રિકા નાં જંગલ માં તો વળી ક્યારેક પેરિસના એફિલ ટાવર સુધી લઈ જાય છે. આમ તો તને સમય નાં બંધન પણ કયાં નડે છે ! જો મહાભારત વાંચુ તો 5500 વર્ષ પહેલાં લઈ જાય.ને જો આઝાદી ની લડત વાંચુ તો 100 વર્ષ પહેલાં લઈ જાય. કયારેક 200 વર્ષ આગળ પણ લઈ જાય. તારી શકિત ને હું હવે બરાબર સમજી ગયો છું. હું મારા રૂમમાં હોવા છતાં પણ તું મને આખી દુનિયા માં ફેરવી લાવી શકે છે અને સાથે સાથે મારે જેને મળવું હોય એને મેળવી પણ લાવી શકે છે. હું તારો ખૂબ મોટો ત્રૃણી છું. મારે જેને મળવું હતું એ બધાં ને તેજ મળાવી આપ્યા છે .પછી એ ગાંધી હોય કે સરકાર, કૃષ્ણ હોય કે કર્ણ, હિટલર હોય કે હરીશચંદ્ર બધાં નો પરિચય કરાવી એમનાં માંથી કંઈક શીખવાની તક અને પ્રેરણા પણ તે જ મને આપી છે. તું સ્થળ, સમય અને વ્યક્તિ નાં બંધનો થી પર છે. તું એક વિચાર છે.એમ કહું કે તારી પાસે પોતાની એક સંસ્કૃતિ છે.
બધાં કહે છે કે તારો જમાનો પૂરો થયો. હવે બધી લાઈબ્રેરી વાંઝણી બની ગઈ છે.હવે નાં લોકો તને વાંચવાનું તો બાજુએ રહયું પણ તારી તરફ જોવાની પણ દરકાર નથી લેતાં. હશે કદાચ એને જ ફેશન કહેતાં હશે ! નાદાન છે એ લોકો જે કહે છે કે હવે તું Out Of Date થઈ ગયું છે. હું માનું છું કે દુનિયા નું કોઈ પણ પુસ્તક કયારે પણ out of date કે એકલું પડતું નથી.દરેક પુસ્તક અમરત્વ નું વરદાન લઈને જ જન્મે છે. કહેવાય છે કે શબ્દો એ બીજું કાંઈ નહીં પણ સર્જક ની કલમ માંથી નિકળતા ઈશ્વર નાં આશીર્વાદ છે. અને પુસ્તક એટલે આ શબ્દરૂપી આશીર્વાદ ઝીલતુ સુવર્ણ પાત્ર છે. મને લાગે છે કે તારા દરેક પાનાં માં ઈશ્વર નો સ્પર્શ છૂપાયેલો છે. સર્જક તો નિમિત્ત માત્ર હોય છે બાકી લખાવનાર તો પરમાત્મા જ હોય છે.તારા હરએક પાનાં માં છપાયેલા અક્ષરો એ મારે મન ઈશ્વર ની હાજરી હોવાનાં હસ્તાક્ષર છે. તું તો દરેક વાંચક અને લેખક માટેનું દેવસ્થાન છે.
અંતે તને એટલું જ કહેવા માંગુ છું કે મોબાઈલ નાં આ જમાનામાં તને વાંચનાર ભલે ઓછાં થઈ ગયાં છે.પરંતુ જે વાંચે છે તે કદી આછા થયાં નથી. તું પોતાને એકલું સમજીશ નહીં. હું અને મારાં જેવાં ઘણાં તારી સાથે જ છે. આજે હું છું કારણ કે તું મારી સાથે છે.મને એવું લાગે છે કે મારાં માંથી જો કોઈ પુસ્તક શબ્દ કાઢી નાંખે તો મારાં માં બીજું કશું જ બાકી નહીં રહે. આમ તો પુસ્તક માં દુનિયા આખી સમાયેલી હોય છે.પરંતુ મારી તો આખી દુનિયા જ તારાં માં સમાયેલી છે.તું કયારેક મારી મા તો કયારેક પિતા તો કયારેક ગુરુ સ્થાને પણ રહયું છે. પણ સાચું કહું તો મને એક મિત્ર તરીકે નું તારું મળવું એ વરદાન થી કમ નથી લાગતું.જીંદગી નાં મધ્યાંતરે આવી ને ઉભો છું એટલે જ હવે હું તને વધુ સારી રીતે સમજી શકું છું...
આજે મારે તને Thank you કહેવું છે. Thank you મને જ્ઞાન આપવાં માટે... Thank you મેં ન જોયેલી દુનિયા અને લોકો નો પરિચય કરાવવાં માટે... Thank you મારાં વિચારો ને નવી દિશા આપવાં માટે...Thank you મારી ગમતી વ્યક્તિએ આપેલાં મારાં જૂનાં લેટર અને ચોકલેટ નાં રેપર્સ તથા ફૂલ ને આજ દિન સુધી તારી અંદર બરાબર સાચવી રાખવા માટે...Thank you મને આવું લખી શકું એ લાયક બનાવવા માટે અને છેલ્લે....
Thank you મને મારી જ ઓળખાણ કરાવી મને મારા જેવો બનાવી દેવા માટે....
જય શ્રી કૃષ્ણ
લિ.
તારો હંમેશ માટે આભારી
ડો.જય વશી