હદયાનુભૂતિ Dr Jay vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હદયાનુભૂતિ

આ લખી રહ્યો છું ત્યારે સવાર નાં બરાબર ૫:૨૭ થયાં છે. મારી વાત લખાય રહેશે ને આ પોસ્ટ તમારાં સુધી પહોંચશે ત્યારે કદાચ દિવસ મધ્યાહને પણ પહોંચી ગયો હોય એવું બને. અત્યારે તો દિવસ કુમળી કુપણ ની માફક ખીલી રહ્યો છે. હજી દિવસ કળી છે એને ફૂલ બની મહેંકી ઊઠવાને તો વાર છે. મને લખવામાં કોઈ ઉતાવળ નથી, મને અનુભવવાની ઉતાવળ છે. રાત્રે ૧ વાગ્યે સૂતાં પછી પણ એકદમ વહેલી સવારે ઉઠી પડાયું. અત્યારે લોકડાઉન માં ઉતાવળ જેવો શબ્દ કેટલાં વખત થી મારી ડિક્ષનરી માં મેં જોયો નથી. શ્ર્વાસ લેવા સિવાય નું ખૂબજ અગત્યનું કહીં શકાય એવું પણ કશું છે જ નહીં ! અત્યારે શ્ર્વાસ લેવાની જ નવાઈ છે . છતાં પણ ઉઠી જવાયું. અચાનક કશુંય ન સૂઝયું એટલે બહાર અટારી માં ઉભાં રહેવાનો વિચાર આવ્યો. વિચાર શું આવ્યો કંઈક વિચારું તે પહેલાં તો ત્યાં પહોંચી પણ ગયો. સીધી નજર આકાશમાં ને બસ પછી સંવાદ શરૂ થઈ ગયો મારો જ મારી સાથે નો...
કેવું રમણીય વાતાવરણ અને તે પણ મારા ઘરની એકદમ લગોલગ ! રાત ઓછી અને સાથે આછી પણ થઈ ગઈ હતી. ઘણાં કલાકો નાં સહેવાસ છતાં પણ પ્રિયતમા નો હાથ છૂટતો ન હોય એમ ચાંદ થી રાત નો અને રાત થી ચાંદ નો સાથ નો 'તો છૂટતો. એક હળવો સંવાદ એમની વચ્ચે ચાલી રહ્યો હતો. એમનો સંવાદ હળવો હતો હલકો નહીં. કદાચ, આખી રાતને દિવસ નાં નામે અને ચાંદ નાં અસ્તિત્વ ને સૂરજ નાં નામે કરી જવાની વાત ચાલી રહી હતી. તો શું એનાં દસ્તાવેજ પર સાક્ષી તરીકે ની સહી કરવાં જ તો મને નહીં બોલાવ્યો હોય ? ઈશ્વર મામલતદાર ની ભૂમિકા માં તો નહીં હોય ને ! જે હશે તે. પણ પગ અટારી માંથી અને આંખ આભ માંથી હટી રહી નથી. એકદમ મુગ્ધ બની એકીટશે જોઈ રહ્યો છું. વિચાર આવે છે શું આવું જ વાતાવરણ રોજ નિર્માણ પામતું હશે? શું રોજ જ આમાં નું કશુંક બનતું હશે? અને જો એનો જવાબ હા હોય તો આપણે એનાં સાક્ષી કેમ નથી બની શકતાં. ઓહોહો...આ પક્ષી નાં અવાજ તો સાંભળો. કેટકેટલાં ટહુકા મારાં માહ્લાને મહેકાવી રહ્યા છે.શસ્ત્ર ઉચ્ચાર નાં જમાનામાં હજી પણ આ પક્ષીઓ ટહુકો આપી શાસ્ત્ર ઉચ્ચાર કરી રહ્યા છે. એમનો ટહુકો શાસ્ત્રીય છે. એમનો ટહુકો લયબદ્ધ છે. એમનાં ટહુકા માં વિવાદ નથી બલકે સંવાદ છે. અને કદાચ એટલે જ એમનો ટહુકો ઘોંઘાટ નથી.એમનો ટહુકો મીઠો લાગે છે.વિચાર આવે છે કે આટલો મીઠો ટહુકો છે તો શું દરેક પક્ષી ની ચાંચ ઉપર મધ બંધાતું હશે ! મને લાગે છે કે પક્ષી મન થી બોલે છે, એનું મન એની ચાંચ ઉપર છે એટલે જ એ મીઠું બોલી શકે છે. અને આપણે માણસ મન થી નહીં મગજ થી બોલીએ છીએ. આપણે બોલતી વખતે આપણી જીભ ઉપર મન નહીં મગજને રાખીએ છીએ એટલે જ આપણાં બોલ માં મીઠાશ ઓછી જોવાં મળે છે.
આજે મારા આંગણે જુદા જુદા પક્ષીઓ અને જુદા જુદા ટહુકા ભેગાં થયાં છે. આટલાં બધાં જુદા જુદા અવાજ છતાં પણ ક્યાંય કોઈ વિરોધ કે આંદોલન નો અણસાર સુધ્ધા નથી આવી રહ્યો. અવાજમાં આટલી બધી ભિન્નતા અને વિવિધતા છતાંય બધું લયબદ્ધ લાગી રહ્યું છે. જુદા જુદા સૂર ભેગાં મળી એક સુંદર ગીત રચાય બસ એમ જ બધાં ટહુકા ભેગાં મળી જાણે એક ગીત રચાતું હોય એવું લાગી રહ્યું છે. સૂરતા ની એકતા એ સંગીત ની પહેલી શરત છે. આ પક્ષીઓ ને કોઈ નો પણ ટહુકો ઓછો મીઠો ને કોઈનો પણ ટહુકો નાનો મોટો નથી લાગી રહ્યો. એમનો ટહુકો નાનાં મોટાનાં બંધનો થી પર છે અને એટલે જ એ બધાં ભેગાં મળીને એક લય નું નિર્માણ કરી શકે છે. કેટલું સહજ જીવી શકે છે એ બધાં ! અત્યારે એમનાં ટહુકો મને મારાં ઘણાં પ્રશ્નો નું સમાધાન આપી રહ્યો છે.
પ્રકૃતિ એકદમ સહજ છે. એની પાસે બધું જ સ્વાભાવિક છે.પ્રકૃતિ ન્યાય સંગત છે. અન્યાય એનાં સ્વભાવ માં જ નથી. એક લીલું ઘાસ નાં એકદમ નાનાં તણખલા થી માંડીને દરેક પુષ્પ અને પર્ણ ની એકદમ ધાર સુધી એ રોજ રાતે ઝાકળ નો સ્પર્શ મોકલે છે. આપણી આજુબાજુ કેટલું સાહજિક હોય છે. જોજન દૂર ઉગતો સુરજ જેણે આખી પૃથ્વી ઉપર પ્રકાશ પાથરવાનો છે. જેનાં ન આવવાથી પૃથ્વી ઉપર અંધકાર ફેલાય રહે. જેનાં ન આવવાથી કેટલી મોટી અવ્યવસ્થા સર્જાય જાય એવું બને. આટલું જાણવાં છતાં પણ એ રોજ કેટલો સ્વાભાવિક ઉગે છે. આટલી ગરમી હોવાં છતાં પણ સુર્ય કેટલો સહજ છે. મને આવા સમયે આપણે ત્યાં યોજાતાં સમારંભ માં હાજરી આપતાં મુખ્ય મહેમાન ( Chif guest) ની દયા આવે છે. બિચારો પોતાનું મહત્વ સાબિત કરવાં માટે મોડો આવે છે ! પ્રકૃતિ પોતાની સાથે ઈમાનદાર છે એટલે એનામાં બનતી ઘટના આટલી સાહજિક છે. હવે અજવાળું દિવસ ની બારી માંથી ડોકયુ કરી રહ્યું છે. ને સૂરજ નાં કિરણો ધીમે ધીમે પૃથ્વી નાં પટ ઉપર પગપેસારો કરી રહ્યાં છે. સૂર્ય ઉદય થવાની લગભગ બધી તૈયારી થઈ ગઈ છે. બસ,હિન્દી ફિલ્મ ની જેમ લાઈટ, કેમેરા અને પછી એક્શન... અરે...આ શું હજી તો સૂર્ય તો દેખાતો પણ નથી થયો અને ત્યાં તો ચંદ્ર દેખાતો બંધ પણ થઈ ગયો ! ચાંદ કંઈક શીખવી રહ્યો છે. ખૂબજ મોટી વાત શીખવી એણે. ચંદ્રમા એ શીખવ્યું કે તમારું કામ પુરું થાય એટલે ત્યાંથી ખસી જવું. એમ કરવાથી બીજા ને તક મળે અને આપણું માન પણ જળવાયેલુ રહે...વાહ, કેટલો સહજ સમર્પણ ભાવ...
મને વિચાર એ આવે છે કે આપણે માણસ તો એકવાર કોઈ પ્રવૃત્તિ માં દાખલ થયાં હોઈએ ને જો ઉચ્ચ પદ મળે તો પગ કબરમાં જતાં રહે ત્યાં સુધી એ પદ ને છોડીએ નહીં. ઘણીવાર તો એવું બને કે પ્રવૃત્તિ બંધ થઈ જાય પણ પદ નહીં. આપણે ત્યાં બધાને પદ અને પ્રતિષ્ઠા લેતાં આવડે છે.છોડવાનો વિવેક આપણી પાસે નથી. આપણને ધક્કા મારીને કાઢવા પડે છે. ખેર, ખૂબજ મોટી વાત આજે શીખવા મળી...
હવે દિવસ ખીલી ગયો છે. ચારે બાજુ પ્રકાશ પથરાય ગયો છે. કયારેય ન અનુભવ્યો હોય એટલો આનંદ અનુભવી રહ્યો છું. ઠંડી હવાની લહેર ગુલામી સુગંધ લઈને પસાર થઈ રહી છે. હું એને અનુભવું છું ત્યાં તો એક ઠંડી હવાની લહેર આવીને મારાં ગાલ ને સ્પર્શી ગઈ.એમ કહું કે હવા નાં રૂપમાં આવી કોઈ મારાં ગાલ ઉપર ચુંબન આપી ગયું. લાગે છે ઈશ્વરે એનાં હોવાં નાં હસ્તાક્ષર મારાં ગાલ ઉપર કરી દીધાં...આજ ની સવાર ની ઘટના યાદગાર રહેશે...આજે એટલું સમજાયું કે આટલી બધી દિવ્ય ઘટના આપણે ત્યાં રોજ બને છે. આપણે જ એટલાં બધાં કહેવાતાં વ્યસ્ત છીએ કે એને જોવાનું અને સાથે અનુભવવાનું પણ ચૂકી જઈએ છીએ. માણસે ઊભી કરેલી થોડી સગવડ ઊભી કરવામાં ઈશ્વરે આપણાં માટે ઉભી કરેલી ઘણીબધી સગવડ ને માણવાનું ચૂકી જઈએ છીએ. આપણે એટલા આર્ટીફીશીયલ થઈ ગયાં છીએ કે AC માંથી વહેતો ઠંડો પવન અનુભવાય છે પણ વૃક્ષ ની નીચે બેસીને વહેતાં પવન માં વહેતો ઈશ્વર નો સ્પર્શ નથી અનુભવાતો. ખેર, જે હોય તે અંતે એટલું નક્કી થયું કે આપણે ઉઠતાં નથી આપણે ને રોજ કોઈક ઉઠાડે છે.અને આ કોઈક એટલે બીજું કોઈ નહીં પ્રકૃતિ નાં રૂપમાં આવેલો ઈશ્વર...અને હા, બીજું કે ઉંધ માંથી ઊઠવામાં અને જાગવામાં ફેર છે...મારે તો એટલું જ કહેવું છે કે આજે મને પ્રકૃતિ એ ઉઠાડયો નથી બલકે જગાડ્યો છે...

ડો જય વશી