ગુમાવવાનું ગણિત અને મેળવવાની મોજ Dr Jay vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમાવવાનું ગણિત અને મેળવવાની મોજ

માણસ ગુમાવવાનું ગણિત માંડવાનું છોડી દે તો જ એ કશુંક મેળવેલાનો આનંદ માળી શકે છે.આપણે 10% ગુમાવેલી વસ્તુ, સંબંધ કે પ્રેમ માટે મેળવેલી 90% બાબત નો આનંદ લઈ શકતાં નથી.આમ તો ગુમાવેલાની વ્યાખ્યા શું ? જે ન હોય ત્યારે દુખ ની,અપરાધની કે કશુંક ઘટતું હોય એવી લાગણી અનુભવાય એને કદાચ ગુમાવેલું કહેવાય બાકી આવું કશું ન થાય અને મનને શાંતિ મળતી લાગે,હાશકારો લાગે તો માનવું કે એ ગુમાવ્યું નથી પરંતુ એમાંથી છૂટકારો થયો છે.આપણે બધાંને ખરેખર છૂટકારો થયો હોય એને ગુમાવેલું છે એમ માંની અફસોસ અને નિસાસા નાંખવાની ટેવ પડી ગઈ છે.સંબંધો માં બારીકાઈથી જોઈએ તો મોટેભાગે છૂટકારો જ મળતો હોય છે પરંતુ જ્યારે આપણે સામેની વ્યક્તિ કે એનાં પ્રેમ ને ગુમાવ્યો છે એવું માની વિરહની વેદના માં સળગતાં રહીએ ત્યારે જીવનમાં બીજું કશુંક મેળવેલું છે એનો સાત્વિક આનંદ અને સંતોષ પણ લઈ શકતાં નથી.
જે 10% ગુમાવેલી બાબતને લઈને આપણને દુખી થવાની ટેવ પડી છે એ વિશે જરા બારીકાઈથી વિચાર્યે તો સમજાશે કે એમાંની મોટે ભાગની બાબતો માટે કશો જ અફસોસ કરવો ન જોઈતો હતો.પણ એ લાંબેગાળે સમજાય છે.ત્યાં સુધીમાં તો આપણે ઘણું ખરું મેળવી પણ લીધું હોય છે. અને નવાઈની વાત તો એ હોય છે કે આપણે એ બધું મેળવી લીધાની આજસુધી નોંધ પણ ન લીધી હોય.આપણે એ નથી વિચારતા કે આ 10% જેટલી ( જે ખરેખર તો 10% પણ નથી ) બાબત માટે આપણે શા માટે 90% નો આનંદ લેવાનું જતું કરીએ છીએ ! આપણને જ્યારે ગુમાવ્યાં અને છૂટકારો વચ્ચે નો ભેદ સમજાય જાય છે ત્યારે માણસ વર્તમાન માં જીવતો થઈ જાય છે. વર્ષો થી દારૂ પીતો માણસ એકાએક દારૂ છોડી દે તો આપણે એમ નથી કહેતાં કે એણે દારૂ નાં નશાને કારણે મળતો આનંદ ગુમાવ્યો. આપણે એમ જ કહીએ છીએ કે એને દારૂ માંથી છૂટકારો મળ્યો. બીજી તરફ દારૂ પીનાર કયારે દારૂ ગુમાવ્યાં ની લાગણી રાખતો નથી. આપણે પણ ઘણાં દારૂણીયા સંબંધ ને છોડી દીધા હોય તેમ છતાં પણ ગુમાવ્યા છે એમ માંની અફસોસ કરીએ છીએ. આપણે એ વાત સ્વિકારી લેવી જોઈએ કે અમુક સંબંધો દારૂ કરતાં પણ વધારે નુકસાનકારક હોય છે.એનાંથી દૂર જવું એ ગુમાવ્યાંની વ્યાખ્યા માં નહીં બલ્કે છૂટકારાની વ્યાખ્યા માં આવે છે !
જે માણસ ભૂતકાળને ભૂલી એનો અફસોસ કરવાનું છોડી દે છે તેજ માણસ વર્તમાન માં જીવી શકે છે. લાગણી વિહિન લોકો માટે જીવ બાળીને જીવવા કરતાં તમારા માટે જે લાગણી રાખે છે એવાં માણસો સાથે જીવવામાં જ મજા છે. આવા માણસો ભલે ઓછા હશે પરંતુ તમારા જીવનને પ્રેમ અને હુંફ થી ભરી દેશે. કહેવાય છે ને કે અણસમજુ અને સ્વાર્થી માણસની જાન લઈને ફરવા કરતાં એક સમજુ અને લાગણીશીલ માણસને સાથે રાખવામાં મજા છે. તમે બરાબર નજર કરીને જોશો તો સમજાશે કે એવાં ઘણાબધા લોકો હતાં કે જે ભૂતકાળમાં તમારી લાગણી, તમારા પ્રેમ અને તમારી ભાવના સાથે રમી ગયા. એમનાં માટે તમે ઘણુંખરું કરીછૂટયા છતાં પણ એ તમારા નહીં થયા.ઉલ્ટાનું સામે પક્ષે એમણે તમને તકલીફ પહોંચાડવામાં કોઈ જ કસર ન છોડી. તેમ છતાં પણ આજે તમે એવાં લોકો પાછળ જ આખો દિવસ અફસોસ કરીને વિતાવો છો. એમને યાદ કરીને પોતાનો જીવ બાળવાની ટેવ પડી ગઈ છે . બીજી તરફ તમારી પાસે એવાં લોકો છે જે તમારી લાગણીને સમજે છે.જે તમને કોઈ પણ પ્રકારની શરત વગર પ્રેમ કરે છે. પરંતુ સવાલ એ છે કે આપણે પેલાં લોકો ની યાદ માં, અફસોસ કરવામાં આવા લોકોની નોંધ સુધ્ધાં લેતાં નથી.આપણને આપણી લાગણી સમજે એવાં માણસોની કિંમત જ નથી . ખરેખર તો જો આપણે પેલાં લોકો નાં સંસ્કાર અને સ્વભાવ ને જાણી ગયા હોય તો એમને દિલ માંથી પણ વિદાય આપી જે લોકો આપણાં માટે જીવે છે,આપણને પ્રેમ આપે છે એવાં લોકો માટે જીવતાં થઈ જવું જોઈએ. એક વાત તો ચોક્કસ છે કે તમારા દુખી થવાની તમને છોડીને જનારને કશો જ ફર્ક પડવાનો નથી,ઉલ્ટાનું એમને આનંદ થશે. અને જો એમને ફર્ક પડતો હોત તો એ કયારેય તમને છોડીને ન જાત.! જો આટલું સમજાય જશે તો તમને વર્તમાનમાં મળેલી ક્ષણ, મળેલાં માણસો સાથે જીવવાની ખૂબ જ મજા પડશે.
ફેંકી દો એવાં લોકોને જે તમારી ભાવના ને ન સમજે. જેણે આજ સુધી તમને એક રમકડુંની જેમ વાપર્યો હોય. જે પોતાનાં સ્વાર્થ ખાતર તમારી સાથે રહયાં હોય. આવા હજાર ખોટા સિક્કાને સાથે લઈને ચાલવા કરતાં એક બે સાચાં સિક્કા મળશે તો મૂલ્ય વધી જશે. જો આ દુનિયામાં જૂઠા હીરા છે તો એનો મતલબ એવો થયો કે કયાંક સાચાં હીરા તો હશે જ. સવાલ માત્ર આ સાચાં હીરા ને શોધવાનો છે. અને હા, તમારી મુશ્કેલીના સમયમાં તમારી પડખે આવીને ઊભા રહ્યા હોય, જે તમારા પ્રેમ ને સમજતાં હોય એવાં હાલ માં તમારી આજુબાજુ રહીં ગયેલાં થોડાં લોકો જ તમારા માટે સાચાં હીરા છે. આવાં લોકો જ 90% માં આવતાં હોય છે. એમને સ્વિકારી અને પેલાં 10% ને ભૂલી જીંદગી ને ભરચક જીવવાનો પ્રયત્ન કરશો તો જ તમને જીંદગી જીવવા જેવી લાગશે...

ડો.જય વશી