શિકાર : પ્રકરણ 40 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 40

આશ્રમમાં આ ભયાનક ઘટના થઈ એના બે મહિના પછી...

દરમિયાન નિધિને એજન્ટ હાઉસ ઉપર જ રાખવામાં આવી. આ બધું સાંભળીને એના મગજનું સંતુલન છેક જ ખોરવાઈ ગયું હતું એટલે એને ત્યાં જ રાખવામાં આવી હતી.

આખરે એક દિવસ મનું, પૃથ્વી, લખુંભા, જોરાવર, ટોમ, ટ્રીસ, દીપ, એજન્ટ કે, નિધિ, સુલેમાન, સમીર, સોનિયા અને બીજા બધા એજન્ટ એકઠા થયા.

આદિત્ય અને બક્ષી રૂમમાં દાખલ થયા. અદિત્યનો અર્ધો ચહેરો ખાસ્સો બળ્યો હતો એની સર્જરી કરવી પડી હતી છતાં બંને જૂની નવી ચામડીના જોડાણ પાસે એક ડાઘ દેખાતો હતો. એ જોઈને અંદર બેઠેલા બધાને આદિત્ય હતા તે કરતા વધારે ખૂંખાર દેખાયા.

દીપ ખૂણામાં એક ખુરશી લઈને બેઠો બેઠો સિગારેટ ફૂંકતો હતો. અદિત્યએ એ જોયું. શીલા વગર જાણે આખી દુનિયા નિરર્થક હોય એમ અનંતમાં જોતો હોય તેમ સિલિંગમાં જોઈ રહ્યો.

આદિત્ય સૌથી પહેલા એની પાસે ગયા. અને દીપ એમને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. શીલા સાથે એ ઘર વસાવવાનો હતો એ એજન્ટ પણ જાણતા હતા. પણ એ મિશન સિવાય ક્યારેય એનો પતિ બની શક્યો નહિ!

થોડો એને શાંત પાડીને એજન્ટ સમીર પાસે ગયા. સમીર પણ ઉદાસ હતો. સરફરાઝ સાચા રસ્તે આવ્યો છતાંય એ ગુજરી ગયો.

"સમીર તું તો બહાદુર છે, આમ ઉદાસ રહીશ તો કેમ ચાલશે?" અદિત્યએ એના ખભા ઉપર હાથ મૂકીને દબાવ્યો.

"પણ બહાદુરોને જ કેમ ખુવારી ભોગવવાની?"

સમીરના એ ગળગળા અવાજે પુછાયેલા પ્રશ્નનો કોઈ જવાબ હતો જ નહીં. ખુદ એજન્ટ પાસે પણ એ જવાબ ન હતો.

"સમીર બેટા." આદિત્ય જ્યારે વ્હાલ કરતા ત્યારે બધા એજન્ટને બેટા કહેતા અને એ ખૂંખાર ભેજાબાજ આદિત્ય જ્યારે બેટા કહે ત્યારે એમાં કેટલો પ્રેમ છલકાતો એ માપી શકવો અશક્ય હતો.

"આ દુનિયા એમ જ ચાલે છે સમીર."

“મેં પણ ઘણું ખોયું છે, આગળ સદીઓથી આ રીતે બહાદુરો હમેશા ખુવારી વેઠતા આવ્યા છે. તેથી જ તો આ દુનિયા ટકી છે ને દીકરા.” ચેરમાં બેસતા આદિત્યએ કહ્યું. એ ચેર ઉપર બેસતા આદિત્યના ચહેરા ઉપર હમેશા એક તેજ રહેતું જે આજે કોઈને પણ દેખાયું નહિ! એ ગમખ્વાર આશ્રમની લડાઈમાં રુદ્રસિહ સાથે એ તેઝ ઓઝલ થઇ ગયું હતું.

"સર..." આખરે ટોમે એ વાતાવરણમાં પહેલ કરી, "બધા સ્ટેટમેન્ટ્સ આવી ગયા છે."

"શુ છે એ?"

"પહેલા જુહીથી શરૂઆત કરું." કહીને ટોમે શરૂ કર્યું, "અનુપે જુહીને કહ્યું હતું કે નિધીને ડરાવવાની છે. એમાં તું સાથ આપીશ તો તને હું માંગે એટલા રૂપિયા આપીશ. નિધીને ડરાવીની એ આ શહેર છોડીને ચાલી જાય તો કુમારનો ધંધો વધારે ચાલશે એટલે કુમારે મને નિધીને ડરાવી ધમકાવીને અહીંથી ભગાડી મુકવાનું કામ આપ્યું છે. એમાં તું મને સાથ આપીશ તો કામ સરળ બનશે. બાવીસ લાખ રૂપિયાની લાલચમાં જુહીએ નિધીને ડરાવવા અનુપને સાથ આપ્યો. એમાં જે દિવસે નિધિ એના ઘરે આવી ત્યારે રાત્રે એના ઘરમાં લંકેશ હતો. નિધિ રાત્રે જાગશે એ જુહીને ખબર હતી. એટલે લંકેશ બધી જ લાઈટો બધી કરીને એક ડીમ બલ્બના અજવાળે હોલમાં બેઠો. નિધિ ડરી ગઈ અને જુહીએ એને ખુલાશા આપ્યા કે ઘરમાં કોઈ આવે શકે તેમ નથી. તારા ભ્રમ છે. એટલે નિધિ ઘરે ગઈ. પોતાને સાચે જ ભરમ છે કે નહીં એ ચોક્કસ ખાતરી કરવા નિધિ પેલું ફ્રોક જોશે એ લંકેશ જાણતો હતો એટલે જ નિધિ જ્યારે જુહીના ઘરે હતી ત્યારે જુહીએ લંકેશને નિધિના ઘરની ચાવીઓ આપી અને લંકેશે રાત્રે જ ફ્રોક ગાયબ કર્યું હતું. જેથી નિધીને એમ થાય કે પોતે ગાંડી થઈ છે."

"પણ એ પછી મેં એન્જીની ડાયરી વાંચી એટલે બધું થયું." નિધિ વચ્ચે બોલી ઉઠી, "મેં વિલી અંકલ જેમ સન્યાસ લઈ લેવાનું નક્કી કર્યું. ત્યાં મને દર્શન મળ્યો. દર્શનને એન્જી નથી રહી એવી ખબર શુંદ્ધાં ન હતી. એનું પણ બ્રેક અપ થયું હતું. બ્રેક અપના ડિપ્રેશનમાં એણીએ આત્મહત્યા કરી હતી." આત્મહત્યા શબ્દ બોલતા ફરી નિધિ ઉદાસ થઈ ગઈ.

"દર્શને મને નિધિના મોબાઈલમાં જોઈ હતી. એટલે મને ઓળખી ગયો. એણે મને વાત કરી અને રાત્રે મળવા કહ્યું. મારે એ જ જાણવું હતું કે એન્જી અને દર્શન બંનેમાં કોઈ ખોટું નથી તો પછી બ્રેકઅપ કઈ રીતે થયું? પણ દર્શન મને રાત્રે મળીને કહું છું એમ કહીને જતો રહ્યો. રાત્રે અમે મળ્યા ત્યારે અમને મારવા કોઈ ગન લઈને આવ્યું. એ પછી આશ્રમમાં કંઈક ધમાલ થઈ એટલે અમને ભાગવા મળી ગયું. અમે સીધા જ જુહીના ઘરે ગયા. ત્યાં અનુપ અને લંકેશ હતા જ. પણ ત્યાં ઇન્સ્પેકટર મનું અને પૃથ્વી આવ્યા એટલે એ લોકોનો ખેલ બગડી ગયો. બિચારા દર્શનને ત્યાં જ જીવ ગુમાવવો પડ્યો. અને બ્રેકઅપ કેમ થયું એ રહસ્ય જ રહી ગયું..."

"તેમ છતાંય એ રહસ્ય અમે જાણીએ છીએ." સોનિયાએ નિધિની વાતનો તંતુ જોડી દીધો, અને કઈ રીતે સોનિયા અને સમીરે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું નાટક કર્યું. કઈ રીતે અનુપે એમનું બ્રેકઅપ કરાવ્યું અને કઈ રીતે બ્રેકઅપ પછી ડિપ્રેશનમાં જીવતી હોય એવું નાટક કરતી સોનિયાને એણે નેગેટિવ વિચારો તરફ વાળવા ઈન્ટરનેટ તરફ વાળી. આખરે અનુપે અમુક બ્લોગની લિંક્સ કઈ રીતે મૂકી અને કઈ રીતે સોનિયાને આપઘાત કરવા પ્રેરી એ બધું જ સમજાવ્યું.

"વેલ નિધિ હવે જઈ શકે છે." અદિત્યએ કહ્યું, "જુહીનું શુ થયું?"

"સર જુહીને કોર્ટે મેન્ટલ હારાસમેન્ટ અને થ્રિટનની કલમ હેઠળ 6 વર્ષની સજા અને વિસ હજારનો દંડ કર્યો છે." ટોમે કહ્યું.

"તો જુહીને બરાબર સજા છે અને તમારામાંથી કોઈ નિધીને મૂકી આવો."

નિધીએ બધા સાથે હેન્ડસેક કર્યા અને પછી ટોમ અને ટ્રીસ એને મુકવા ગયા.

બાકીના લોકોએ વાત આગળ વધારી... સૌ પ્રથમ શરૂઆત બક્ષીએ કરી.

"આદિ બધી ભૂલ મારી જ હતી. મેં એક ગોવાળને જોયો હતો. પણ એનો મને ખતરો લાગ્યો નહી. પાછળથી ખબર પડી કે એ ગોવાળ નહિ આતંકવાદી જ હતો." પક્ષી બક્ષીએ બધું કહ્યું એમાં લખુંભાએ પણ ખૂટતી કડીઓ મેળવી આપી.

"બરાબર એ ગોવાળ અંગ્રેજીમાં વાત કરતો હતો પણ મને એમ કે આશ્રમમાં ગોવાળેય ભણેલા હશે." લખુંભા તો હજુ આઘાતમાં જ હતો. જોરાવરની પણ સ્વસ્થતા પાછી વળી ન હતી. એ પણ એવો જ આઘાત પામ્યો હતો.

"જે હોય તે પણ એ બંને ગોવાળ અને એમની ઓરત તેમજ બીજા આતંકીઓને કેપ્ટન ઇન્દ્ર અને સુલખને ઝડપ્યા છે કારણ એ લોકો પાસે કોઈ વીહીકિલ હતા નહિ. સુરંગ બહાર નીકળીને ઇન્દ્રએ પગલાં ઝડપયા હતાં. એ વગડા જેવી અવાવરું જગ્યાએ સુરંગ એક મંદિરમાં ખુલતી હતી. મંદિર વગડામાં હતું અને પૂજારીનું કહેવું છે કે અહીં કોઈ ભોંયરૂ હશે એવી મને કે આસપાસના કોઈ ગામ લોકોને ખબર નથી."

"એ લોકો ઝડપાયા એ બરાબર પણ એ લોકો હતા કોણ? એમને જો ખબર હોય કે આગળની બિલ્ડીંગમાં અમે છીએ તો એ લોકો પેલી બિલ્ડીંગ આગળ ખુલ્લામાં શુ કામ ઉભા હતા?" મનુએ પ્રશ્ન કર્યો.

"રાઈટ ક્વેશચન." બક્ષીએ કહ્યું, "વેલ એ બધું અજયના સ્ટેટમેન્ટમાં ક્લિયર થાય છે."

બક્ષીએ અજયના સ્ટેટમેન્ટ ઉપરથી મનુના પ્રશ્નનો જવાબ આપ્યો, "આશ્રમમાં અજય મહારાજ આતંકીઓને આશ્રય આપતો હતો પણ અજયને એ ખબર ન હતી કે કાળું પ્યારે બનીને આવેલા બ્લેકમેઈલર સાથે આર્મી આવશે. પણ પેલો ગોવાળના વેશમાં ફરતો આતંકી અમને જોઈ ગયો. થયું એમ કે એ આતંકીને એમ હતું કે માત્ર આર્મી જ પાછળથી આવે છે. મનું પૃથ્વી બીજા એજન્ટ આર્મી સાથે હશે એવી એમને ખબર ન હતી."

"માય ગોડ એટલે આ બધું આવો ભયાનક ગોટાળો થયો છે." પૃથ્વી બોલી ઉઠ્યો.

"ખેર જે હતું તે અજય સાથે એ પણ પકડાયા અને તેમની બીજી ટિમ પણ પકડાઈ છે. રઘુ અને એના માણસો તેમજ અજયની અનુપ જેવી જેટલી ટિમ હતી એ બધી જ પકડાઈ છે." બક્ષીએ કહ્યું.

"પણ બક્ષી અજયનું આ આત્મહત્યાવાળું સ્ટેટમેન્ટ ક્યાં છે?" એજન્ટ એ એક પણ મુદ્દો છોડવાના મૂડમાં ન હતા.

"આદિ એ પણ કબૂલાત થઈ છે. આ લોકો એકલા રહેતા હોય અથવા ખૂબ ધનિક હોય એવા છોકરા છોકરીઓના બ્રેકઅપ કરાવે છે. પછી નેગેટિવ વિચારો તરફ ધકેલે છે. અને મરતા પહેલા દાન કરવાનું કહી જાય છે. મરતા પહેલા ફલાણે દાન કર્યું હતું એવા આર્ટિકલ્સ પણ મોકલે છે. અલબત્ત એ લોકોના છ સાત બ્લોગ છે. એ બ્લોગ ઉપર આ રીતના નેગેટિવ આર્ટિકલ્સ અને મરતા પહેલા દાન કરવાના ઉદાહરણ ટાંચેલા છે. એકવાર છોકરો કે છોકરી નેગેટીવ વિચારોમાં જકડાઈ જાય પછી એને એ બ્લોગ્સ તરફ લઈ જાય છે. આખરે એન્જી જેમ બધું દાન કરીને એ છોકરો/છોકરી આપઘાત કરે છે. એકલા રહેતા માણસોને એ લોકો વધુ ટાર્ગેટ કરે છે. એવા લોકોને કોઈ સાથ ન હોય એટલે નેગેટિવિટી દૂર કોણ કરે? ઉપરાંત એ લોકોમાંથી જ કોઈ એ માણસ સાથે દોસ્તી કરીને વધુને વધુ નિરાશા તરફ ધકેલતા રહે. જેનો ડેમો તો આપણે સોનિયા પાસે છે જ."

"યસ મી. બક્ષી ઇઝ રાઈટ, અલબત્ત એ બધા આર્ટિકલ્સ વાંચીને ઘડીભર તો મને પણ એવું થયું હતું. શુ કામ હું આ બધું કરું છું? શુ કામ? દુનિયામાં આટલા ખરાબ માણસો છે ત્યાં હું એક બે માણસોને બચાવીને કે એક બે ખરાબ માણસોને પકડી લઈને શુ કરી લેવાની? પણ મેં મન ઉપર કાબુ મેળવી લીધું." સોનિયાએ સંકોચથી કહ્યું.

"વેલ્ડન સોનિયા પણ તારું મગજ વોર્સ થઈ શકે તેમ છે. એટલું બધું જાણતી હોવા છતાં એક મિશન ઉપર તું ગઈ હોવા છતાં જો એમ તને નિરાશા ઘેરી વળી તો એ લોકોનું શુ થતું હશે જે ઘરથી મા બાપથી અભ્યાસથી બેરોજગારી કે બ્રેકઅપમાં હાર્ટ બ્રેક થયેલા ફરતા હોય?" સમીરે કહ્યું.

"પણ આ ડોકટર અને સી.એ. શુ કરતા હતા અને પેલો માફીયો? પેલા બે અંગ્રેજ?"

"એ લીલાધર, રુસ્તમ, રાઈન્સ અને માર્શલ નાના બાળકોને ઉઠાવીને અંગો વેંચતા, ઘણાને તો વિદેશમાં વેંચતા, ઘણાને તો આતંકવાદી સંસ્થાઓને વેંચતા, અલબત્ત જે છોકરી કે છોકરો આપઘાત કરવાને બદલે સન્યાસ લેવાનું પસંદ કરે એમને એ લોકો આશ્રમમાં જ રાખતા જેથી એ લોકો આશ્રમનો પ્રચાર કરે આશ્રમની પ્રતિસ્ઠા વધે."

"તો પછી એ લોકોએ વિમલાને કેમ મારી?" મનુએ ફરી સવાલ કર્યો.

"અજયે એવું કબૂલ કર્યું છે કે વિમલા અનુપ સાથેની વાત સાંભળી ગઈ હતી એટલે એને મારીને દૂર ફેંકી દીધી. આશ્રમમાં એવી વાત ફેલાવી બહારથી આવતા કોઈ ભક્ત સાથે લફરું કરીને એ ભાગી ગઈ છે. એની લાશ પોલીસ તો ક્યાંથી ઓળખે? આખરે તપાસ બંધ થઈ અને એના અંતિમસંસ્કાર પોલીસે જ કર્યા." બક્ષી બધી જ વિગતો લઈને આવ્યા હતા.

એ પછી ઘણી વાતો થઈ. જેમાં ડોકટર આશ્રમનો ડોકટર હતો. એ અંગો કાઢવામાં મદદ કરતો અને એનો એમાં ભાગ હતો. સી.એ. હિસાબમાં ગોટાળા કરતો. મરનાર માણસ એક જ આશ્રમમાં બધું દાન કરે તો કોઈને શક થાય એટલે એ લોકો અલગ અલગ જગ્યાએ દાન કરાવતા. જેમાં બીજા બે ત્રણ મળતીયા આશ્રમોના સંતો સામિલ હતા. એક બે મોટા મંદિરોના ટ્રસ્ટીઓ પણ સામિલ હતા. એ લોકોને હિસ્સો મળી જતો અને દાન કરેલી રકમના ભાગ પડતા. જોકે આચાર્ય આ બધું જાણતા ન હતા. અને એ આવા કામ કરે તે મતના ન હતાં એટલે આચાર્યે વિલ કર્યું છે એ ખાતરી કર્યા પછી ડોકટર અને અજયે એક પ્લાન બનાવ્યો હતો. આચાર્યને ધીમું ઝેર અપાતું હતું. આચાર્ય ધીમે ધીમે અંદરથી ખોખલા બનતા ગયા. પણ ડોકટર કહેતો રહ્યો કે ઉમરનો થાક છે. આ દવા લેશો એટલે છ બાર મહિને બધું બરાબર થઈ જશે. ઘણીવાર આચાર્ય મરણ પથારી સુધી પહોંચ્યા હતા પણ જીવ નીકળતો ન હતો. આચાર્ય બીમાર છે એ વાત બહાર પાડવી જોઈએ નહીં નહિતર દૂર દૂરથી ભક્તો આવશે. બિચારા ભક્તો હેરાન થશે એવું ખુદ આચાર્યે જ કહ્યું હતું. એટલે એની વાત કોઈ છાપામાં આવી ન હતી. આખરે એક દિવસ આચાર્યએ દમ તોડ્યો ત્યારે ચંદ્રાએ ભયાનક પોક મૂકીને નાટક કર્યા હતા. જોકે એ નાટકથી નિધીનો જીવ બચ્યો હતો. આ રીતે અજયે આચાર્યનો કાંટો પણ કાઢી દીધો હતો.

પેલા અંગ્રેજ માર્શલ અને રાઈન્સ બંને વિદેશમાં જઈને અંગો વેંચતા. ત્યાંના ધનવાન લોકો બધી સુવિધા કરતા. જોકે વિદેશ સુધી બધું કઈ રીતે થતું એ અજય જાણતો ન હતો. એટલે એ કડી મળી ન હતી.

ચંદ્રા જીવતી હતી. એ પણ અજય સાથે જેલમાં હતી. અજય અને ચંદ્રા તેમજ અલગ અલગ શહેરોમાંથી પકડાયેલા લગભગ 200 જેટલા આ શિકારીઓને ઉમરકેદની સજા થઈ હતી.

આશ્રમ ખોદતા હાડપીન્જરો મળી આવ્યા હતા. આશ્રમની બે શાખાઓ અને મળતિયા મંદિરો તેમજ બીજા આશ્રમો ઉપર શીલા લાગ્વ્યા હતા.

નિધીએ વિલીને આ કોઈ જ વાત કરી ન હતી. કારણ વિલી હવે જીસસ સાથે સુખી હતા. એ એમને હકીકત જણાવીને દુઃખી કરવા માંગતી ન હતી. નિધિ એકલી જ જીવવા લાગી. જોકે એનો કોન્ટેક્ટ મનું સાથે રહ્યો હતો. અલબત્ત આદિત્યએ જ જાણી જોઈને મનુને કહ્યું હતું તારો કોન્ટેકટ મનું સાથે રાખજે એકલા રહેવાનું હોય ત્યારે એકાદ આવો કોન્ટેક સારો. એ પાછળનો એજન્ટનો હેતુ મનું અને નિધિ સમજ્યા હતા. અલબત્ત મનુ પણ રુદ્ર્સીહની ઈચ્છા પૂરી કરવા સંસાર માંડવા મનોમન તૈયાર થયો હતો.

*

બધા જ એજન્ટોને એક લાંબી છુટ્ટી આપીને એ દિવસે મનું, પૃથ્વી, સમીર, દીપ, ટોમ, ટ્રીસ, જોરાવર, લખુભા, સુલેમાન બધાને મળીને આદિત્ય નીકળ્યા. એ પછી સમીર અને સુલેમાન પણ વડોદરાથી અમદાવાદ તરફ રવાના થયા. સમીરને ખુબ આઘાત લાગ્યો હતો કેમ કે સરફરાઝ સુધર્યા પછી માર્યો ગયો હતો એટલે સુલેમાન તેને સાથે પોતાના ડોગ હાઉસ પર લઈ ગયા.

સૌથી વધારે ખરાબ હાલ દીપના હતા એટલે ટોમ અને ટ્રીસ દીપને તેમની સાથે મુબઈ લઇ ગયા. બાકીના એજન્ટો પણ પોત પોતાના ઠેકાણે લાંબી રજાઓ ઉપર નીકળી ગયા.

*

એ દિવસે આદિત્ય એ જ લિબાશમાં ચાલતા ચાલતા જ વડોદરાની સડકો ઉપર ફર્યા. બધાને સારું થયું છે એમ સમજાવી લીધું.

પણ...

પણ ખુદ એજન્ટ એ ઉર્ફ મી. આદિત્ય એક જમાનાનો ઇન્સ્પેકટર અને જમાનાના ખાધેલા આ એજન્ટ વડોદરાની સડક ઉપર ઘરડા પગ મંડતા ચાલી રહ્યા હતા અને સાથે વિચાર ચાલતા હતા.

ક્યાં સુધી આદિત્ય ક્યાં સુધી?

શુ કરી લઈશ તું આ દેશનું? કેટલાક ગુનેગારને મારીશ? કેટલાકને તું આમ ખોઈશ? સમીર કેટલો ઉદાસ થયો? દીપની હાલત કેવી થઈ? અરે રુદ્ર... એનો જીવ ગયો. શીલાનો જીવ ગયો. મનું મોતના મોઢામાંથી આ બીજીવાર પાછો આવ્યો છે. આ બીજીવાર મનું મોતની સાથે જાણે હાથ મિલાવીને આવ્યો છે. કદાચ ત્રીજી વાર.....?

આગળ એ વિચારી ન શક્યા. એટલા ગણતરીબાજ, ભેજબાજ મજબૂત બાહોશ આદિત્યની આંખો ભીની થઇ ગઇ. એ રોડની ધાર પાસે ઉભા રહી ગયા.

જાણે એકાએક આજે વૃદ્ધત્વ ન આવ્યું હોય?

દૂર અનંત સુધી એ જોતાં રહ્યા. વિચારતા રહ્યા. નબળો શિકાર મરે છે. ઘણીવાર ભૂખ્યા શેતાન સમાં શિકારી પણ હણાય છે. પણ ગીધ? ગીધ ક્યારેય મરતા નથી. એ શિકાર કરતા જ નથી. એ તો ક્યારેય જોખમ લેતા જ નથી! નિર્બળ શિકાર મરે કે ખૂંખાર ભેડિયા જેવો શિકારી ગીધ બધાની મિજબાની ઉડાવે છે!

અહીં પણ ગીધ જીત્યા હતા. આતંકવાદીઓ કેમ આવ્યા હતા એ એજન્ટ ન ધારી શકે એવા મૂર્ખ ન હતા. અહીંના સી.એમે. ચૂંટણી સમયે પોતાના ઉપર તેમજ શાળાઓ અને મંદિરો ઉપર હુમલો કરાવવા રાજ્યમાં અશાંતિ ફેલાવવા આતંકવાદી લાવ્યા હતા. પણ એ કોણ સાબિત કરી શકે? પેલો પી.એમ. જેણે આજ સુધી એકેય કામ કર્યુ નથી એને અત્યારે લોકોની વાહ વાહ મળી રહી છે. પણ અહીં શહીદ થયેલા જવાનોને આ આંધળી પ્રજા ક્યાં સુધી યાદ રાખશે?

અરે છાપામાં માત્ર એટલું જ આવ્યું હતું પાંચ જવાન અને મેજર સુખવિંદરની ટુકડી આતંકવાદીઓ સામે લડતા શહીદ થઈ. જવાનોના કે મેજરના નામ પણ કોઈ બે દિવસ યાદ રાખવાનું નથી. અરે આ બધું જ એજન્ટોએ કર્યુ પણ કોઈ છાપામાં એ અવવાનુ નથી. એજન્ટ તો બધા રહસ્ય છે. લોકો તો સી.બી.આઈ.ની અને પી.એમ.ની કેન્દ્ર સરકારની વાહ વાહ કરતા હશે.

આદિત્યની નજર રોડ સામે એક ટોળા ઉપર પડી. જે પી.એમ.એ એક પણ કામ કર્યું નથી એના પોસ્ટર ઉપર જય જય કારના નારા બોલતા હતા.

આ ગીધ લોકોને ક્યારેય કોઈ નુકશાન આવવાના નથી..

નજર ફેરવીને એજન્ટ એ ચાલવા લાગ્યા.... પણ જાણે લથડતા હતા...... અંદરથી જ અવાજ આવવા લાગ્યો.... ક્યાં સુધી આદિત્ય ક્યાં સુધી? આ અંધ પ્રજા ક્યારેય સુધરવાની નથી...

પણ છતાંય આદિત્ય મનોમન જોર કરીને અંદરના અવાજ સામે રાડ પાડીને કહેતા રહ્યા.... જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી..... જયા સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી.... શક્ય એટલા ગુનેગારોને હું મારતો રહીશ. વીણી વીણીને મારીશ. એક દિવસ તો જરૂર આ મૂર્ખ પ્રજાની આંખ ઉઘડશે...

અને ફરી એકવાર ઉદાસ થયેલી આંખોમાં ચમક આવી, લથડતા પગમાં એજન્ટ એની ચાલ આવી, હાથમાં મજબૂતાઈ આવી, ચહેરા ઉપરના ભસ્મ તીલકમાં એજન્ટ એ પણું ઉપસી આવ્યું. અને એજન્ટ એ આથમતા સૂરજના છેલ્લા કિરણોમાં ફરી મજબુત ચાલે ચાલવા લાગ્યા. આકાશમાં લાલી છવાઈ હતી. તેવી જ લાલાશ આદિત્યની આંખોમાં ઘેરાઈ હતી. તેમાં દુખ હતું, નફરત હતી, અફસોસ હતો અને હજુ ઘણી જંગો લડવા માટેનું જુનુન હતું.

પાછળ આવતો મનું સૂર્યના છેલ્લા કિરણોમાં જતા કાળા ઓળાને જોઈ રહ્યો. એ જ ચાલ એ જ ખુમારી એ જ મજબૂતાઈ એ જ વ્યક્તિત્વ... બરાબર એ જ સમયે પાસેના મંદિરમાં આરતીની ઝાલર નગારા વાગ્યા. શ્લોકના શબ્દો આવ્યા...

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।।4.8।।

મનું ક્યાંય સુધી એ જોઈ રહ્યો. આથમતા સૂરજમાં જતો કાળો ઓળો, માનવ આકૃતિને એ જોઈ રહ્યો. વિચારતો રહ્યો. બક્ષીએ જે મને કહ્યું એ આદિત્યને કહ્યું હોત તો એ સાવ ભાંગી પડોત. બક્ષીએ અંગત રીતે કરેલી સર્ચ મુજબ પકડાયેલા આતંકીઓના ડી.એન.એ. ટેસ્ટમાં એ બધાના ડી.એન.એ. અને ભારતમાંથી ગુમ થયેલા બાળકોના માતા પિતાના ડી.એન.એ. મેચ થતા હતા. મનુએ મનોમન વિચાર્યું જેમ એજન્ટ એ ઉર્ફ ઇન્સ્પેકટર આદિત્યએ મને અને મારા જેવા કેટલાય અનાથને એજન્ટ બનાવ્યા સારા માર્ગે વાળ્યા એ રીતે જ દેશમાંથી ગુમ થતા બાળકોને આતંકવાદી બનાવવામાં આવે છે. પણ દેશમાંથી ગાયબ થતા બાળકો વિદેશ સુધી આતંકવાદી સંસ્થાઓ સુધી પહોંચે કઈ રીતે? એક માત્ર વિકલ્પ છે ખુદ સરકાર...!

યસ ખુદ દેશની સરકાર જ અરાજકતા ફેલાવવા ચુંટણીઓ જીતવા માટે આવા ગુમ થતા બાળકોને આતંકવાદી સંસ્થાઓ સુધી પરોક્ષ રીતે (આંખ આડા કાન કરીને) પહોંચાડે છે. અને ઈલેકશન જીતવા માટે આવા અવળે માર્ગે ચડેલા આતંકીઓને દેશમાં અશાંતિ માટે બોલાવે છે. એમાં મરે છે ઈમાનદાર પોલીસ અફસરો આર્મીના જવાનો અને નિર્દોષ પ્રજા.

મનુ ક્યાય સુધી વિચારતો રહ્યો. એણે સિગારેટ સળગાવી. અંધારું થવા લાગ્યું હતું. બે ત્રણ ઊંડા કસ લઈને સિગારેટ ફેકી ત્યાં એની પાસે એક બ્લેક વેન આવીને ઉભી રહી.

મનુ એમાં ગોઠવાયો. પૃથ્વીએ વેન હંકારી અને મનુ સામે જોઇને કહ્યું.

“જરૂરી નથી દરેક વખતે વિષ્ણુ પૂર્ણ ઈશ્વર સ્વરૂપે જન્મે મનુ, ક્યારેક તેનો અંશ પણ માનવ સ્વરૂપે જન્મે છે.”

મનુએ તેની સામે જોયું હકારમાં માથું હલાવ્યું અને બંધ બારી તરફ નજર ફેરવી લીધી.

તેનો ઉદાસ ચહેરો જોઇને પૃથ્વી નિધિ વિષે વિચારતો રહ્યો. આ આઘાતમાંથી મનુ બહાર આવે એટલે નિધિ સાથે તેનો સંસાર માંડી દેવો છે બસ. આમ પણ તે છોકરીને મનુ ખુબ ગમી ગયો છે તેણીએ મને સામેથી જ મનુ આગળ એ પ્રસ્તાવ મુકવાની ટકોર કરી છે. એટલા દુઃખમાં પણ મનુના સારા ભવિષ્યના વિચારથી જરાક પૃથ્વીના હોઠ મલક્યા પણ તેને ખબર નહોતી કે આ બધું હજુ કાઈ નથી ભવિષ્યમાં આ મહારથીઓને ઘણું બધું કરવાની ફરજ પડવાની છે. ધ ફ્યુચર હેઝ બીન એડજસ્ટેડ...!

ગાડી ચાલતી રહી... મનુએ ફરી બીજી સિગારેટ સળગાવી... સજળ આંખો બારી ઉપર માંડીને તે સિગારેટ પીતો રહ્યો... વેન સરકતી રહી... રુદ્રસિહની યાદોમાં એના પ્યારા રુદ્ર ચાચુંની યાદોમાં આંસુ ખેરવતો મનુ વેનના કાળા કાચમાં રુદ્રસિહ સાથેના મીઠા ભૂતકાળને યાદ કરતો રહ્યો. આંસુ ખરતા રહ્યા... વેન ચાલતી રહી...

વેલ, ધેટ વોઝ ધેઈર સ્ટોરી...... ઇન ધ એન્ડ, વી વિલ ઓલ બીકમ સ્ટોરીઝ......!

***ધ એન્ડ***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky