શિકાર : પ્રકરણ 4 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 4

એન.પી. કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ આરસની પ્લેટ જડેલા તોતિંગ ગેટ પાસે અંદરના ભાગે સુંદર બગીચામાં સવારનું આહલાદક વાતાવરણ હતું. જમણી તરફ કરેંણના લાલ પીળા ફૂલો હતા. એની પાસે જ એક ગોળ ફુવારો હતો. ફુવારાની ફરતે કાશ્મીરી ગુલાબ ગોળાકારે વાવેલા હતા. અને એની ચારેય તરફ સ્ટીલની બેન્ચીસ ઉપર કોલેજના વિદ્યાર્થીઓ બેઠા હતા. ડાબી તરફ મહેંદીની વાડ બગીચાના બે ભાગ કરતી હતી. એ તરફ મહેંદીની લીલીછમ વાડની પાસે આસોપાલવ અને તાડ જેવા ઊંચા વૃક્ષો હતા જેથી વાડની પેલી તરફ આ તરફથી કઈ જોઈ શકાય તેમ ન હતું સિવાય કે જ્યાં વાડની હદ પુરી થતી હતી અને જ્યાંથી વાડની પાછળના ભાગે જઇ શકાતું.

વાડની પાછળના ભાગે ઘાસનું એક મોટું મેદાન હતું. બગીચાની દીવાલે દીવાલે પણ રંગબે રંગી ફુલોવાળા છોડ વાવેલા હતા. એ મેદાનમાં પણ સ્ટીલની બેન્ચીસ ગોઠવેલી હતી. બેનચીસો પર કોલેજ ગર્લ્સ બોયઝ બેઠા હતા. કેટલાક સેલ્ફી લેતા હતા તો કેટલાક લેલા મજનું જેમ આંખોમાં આંખો પરોવીને બેઠા હતા.

આ બધાથી દૂર એક ખૂણાની બેન્ચ પર જ્યાં આસપાસ કોઈ હતું નહીં ત્યાં સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં એક કોલેજ ગર્લ તેમજ ડાર્ક બ્લેક ટી-શર્ટ અને સ્કાય બ્લુ જીન્સમાં સજ્જ એક મજબૂત બાંધાનો કોલેજ બોય બેઠા હતા. છોકરી યુવાન અને દેખાવડી હતી, ગોળ મોટી આંખો, લાંબી ડોક, સ્લીમ બોડી પણ દેખાવે હોકી કે ફૂટબોલ પ્લેયર જેવું કસાયેલું શરીર. યુવક મજબૂત બાંધાનો અને યુવતી કરતા ઓછો ઉજળો હતો પણ એનો ચહેરો પ્રભાવશાળી અને હસમુખ હતો. દાઢી થોડીક વધેલી, મૂછો ઝીરો મશીન કરેલી હતી અને આંખો સહેજ ભૂરી. એને દેખતા જ એમ લાગે જાણે પહેલા પ્રેમના સ્વપ્નમાં રાચતો આ કોઈ મજનું ટાઇપનો દુનિયાથી અલગ કોઈ પ્રેમની દુનિયામાં ગર્ત થયેલો માનવ હશે!

"સમીર, હવે શું કરવાનું ?" યુવતીએ આજુબાજુ નજર કરીને પૂછ્યું.

"સોનિયા કેટલી વાર કહ્યું એજ કરવાનું છે જે આપણે કરતા આવ્યા છીએ. આ ઉનાળે એડમિશન લઈને આપણે આ કોલેજમાં આવ્યા ત્યારથી જે કર્યું તે." સમીરે કહ્યું ત્યારે પણ એના હસમુખ ચહેરા ઉપર સ્મિત અકબંધ રહ્યું.

"એમ નહિ પણ ચોમાસુ આવી ગયું આપણે ત્રણ મહિનાથી અહીં છીએ છતાં કઈ હાથ લાગ્યું નથી."

"ડોન્ટ વરી સોનુ, સમય આવશે ત્યારે બધું થઈ પડશે."

"પણ બોસે આપણને ક્યાં પ્રેમ કરવા અહીં મોકલ્યા છે?"

"ઓહ! પણ બોસે એવું ક્યાં કહ્યું છે કે તમારે ભાઈ બહેન બનીને રહેવાનું હે?" તેની વાતો પરથી તે બેફિકરો લાગતો હતો પણ તે હતો નહી.

"યુ આર ક્રેજી, ઈડિયટ..." કંટાળીને નફિકરા સમીર પાસેથી હઠી જવા સોનિયા ઉભી થઇ. એ પોતાની શર્ટનું ઇન બરાબર કરતી હતી ત્યાં જ સમીરના ખિસ્સામાં ફોન રણકી ઉઠ્યો.

"કેમ ઉભી રહી ગઈ?" એકાએક સોનિયા અટકી એટલે સમીરે ખંધાઈમાં પૂછ્યું.

“ફોન કોનો છે એ મને ખબર છે સમીર."

"હેલો સમીર સ્પીકિંગ..." સોનિયા સાથે બાદમાં ચર્ચા કરવાનું નક્કી કરી એણે ફોન લીધો અને જરાય અવાજ બદલ્યા વગર શરૂઆત કરી.

"સમીર કામ કેટલે આવ્યું?" સામેથી એક વૃદ્ધ પણ મજબુત અને ભારે અવાજ આવ્યો.

"બોસ હજુ શિકાર હાથમાં નથી આવ્યો." સમીરે જરા સંકોચથી કહ્યું ત્યારે સોનિયા મલકી. કેમ મને તો હમણાં જવાબ નહોતો આપતો બોસ આગળ બોલતી બંધ થઈ ગઈ?

"સમીર, હું અમદાવાદ આવું એ પહેલાં તારે આ બધું કરી લેવાનું છે, શિકાર આપણી જાળમાંથી ક્યારેય છટક્યો નથી અને જો છટકી જાય તો આપણા ધંધામાં શુ થાય એ તને ખબર જ હશે." એ વૃદ્ધ અવાજ ગંભીર બન્યો, થોડી સખ્તાઈ એમાં ભળી.

"જી બોસ, ટ્રસ્ટ મી હું બધું કરી લઈશ." છતાંય એ પોતાના વખાણ કર્યા વગર રહી ન શક્યો.

"એ શ્રદ્ધા હતી એટલે જ તને આ કામે મોકલ્યો છે પણ શ્રદ્ધા ઘણીવાર હજારોના જીવ લે છે એ ધ્યાન બહાર ન જવું જોઈએ!"

"ઓકે સર પણ તમે ક્યાં છો?" સામેના અવાજમાં આવતા પવનના સુસવાટા સાંભળી સમીરને કઈક અજુગતું લાગ્યું.

"હું આઉટ ઓફ ઇન્ડિયા છું."

"ઓકે લગભગ આ મહિનામાં બધું થઈ જશે. પણ બીજા શહેરોનું શુ? બીજી કોલેજોનું શુ?"

"સવાલ કરવાની જરૂર નથી, આવા કેટ કેટલા કેસ આ સફેદ દાઢી થતા પહેલા મેં જોયા છે. તું બસ તને સોંપેલું કામ પુરી શ્રદ્ધાથી કર. બાકીનું બધું ઓલ રાઈટ છે."

"જી બોસ." એણે ફોન મૂકી દીધો પણ એના મનમાં અમુક પ્રશ્નો તો રમતા જ હતા. આ બોસ મેજર પ્રોબ્લેમને ઈંડિવિડ્યુલ સમજવાની ભૂલ તો નથી કરતા ને? પણ એના વિચાર વધુ ચાલે એ પહેલાં જ સોનિયાએ એના પડખામાં કોણી મારી.

"જો એ લોકો જાય છે."

"લેટ ધેમ ગો સોનિયા હવે મને કહે આપણે આગળ શું કરવાનું છે?"

"શુ કરવાનું છે એટલે? હું પણ તારી જેમ નવી જ છું ઓર્ડર આપી શકું તેમ નથી."

"ઓર્ડર તો હું લેતો પણ નથી ડાર્લિંગ."

"ઓહ! તો હમણાં ફોન ઉપર શુ હતું?"

"એ વાત અલગ છે. એ તો પિતા સમાન છે."

"બસ બસ હવે લેક્ચર નહિ." સોનિયાએ એને વચ્ચે જ અટકાવી દીધો, "બોલ હવે મારે શું કરવાનું છે?"

"બ્રેકઅપ..." એ ઉભો થઈ ગયો. ટીશર્ટમાં લગાવેલા ગ્લાસીસ કાઢીને પહેરી લીધા અને સ્મિત આપીને કહ્યું, "સી યુ અગેઇન બેબી આજે હું બંક કરવાનો છું."

"એકલા જ?"

"હા એકલા જ."

"અને બ્રેકઅપ હમણાંથી જ?"

"નહિ બ્રેકઅપને હજુ સમય છે થોડો પણ બ્રેકઅપ માટે કારણ તો હોય ને?" તેણે સ્ટાઈલમા ચશ્માં નાક સુધી લાવ્યા અને આંખ મારી. તે આમ હરકત કરતો ત્યારે તે ખુબ માસુમ લાગતો.

"હ... હા હોય જ ને."

"બસ એ જ કારણ શોધવા માટે પ્રી બ્રેકઅપ પ્લાન લેવા જાઉં છું."

"ગુડ લક." કહીને સોનિયા કોલેજની બહુમાળી ઇમારત તરફ રવાના થઈ. સમીર પેલા તોતિંગ દરવાજે ગયો. ચોકીયાત સાથે કઈક વાત કરવા રોકાયો અને પછી એની બાઈક લઈને રવાના થઈ ગયો.

*

ઓડી જ્યારે અમદાવાદમાં પ્રવેશી ત્યારે બપોરના ત્રણ થઈ ગયા હતા. વરસાદ અહીં આવ્યો જ ન હોય એવું વાતાવરણ હતું. છતાં આકાશમાં હજુ વાદળો એમને એમ ફરતા હતા. નિધીએ દરવાજાના કાચ નીચે ઉતાર્યો. સાબરમતીના પુલ ઉપર ગાડી આવીને ઉભી રહી. ઠંડો પવન ભીના કપડામાં નિધીને ધ્રુજારી આપે એવો ઠંડો લાગ્યો. હજુ એને સફર ખેડવાની હતી. હજુ તેને નવરંગપુરા જવાનું હતું. ઠંડીથી ધ્રુજતા હાથની પકડ સ્ટીયરીંગ ઉપર ભીંસી અને ગિયર બદલી ફરી એન્જીના "કોલ્ડ મુન" નામના બંગલા તરફ રવાના થઈ ગઈ.

એકાએક એને યાદ આવ્યું. એન્જીની મા મેરી અને પિતા વિલિશ આવ્યા હશે કે કેમ? કોઈએ ખબર કરી હશે કે કેમ?

વિલીશ અને મેરી દુર રહેતા હતા. અમદાવાદથી દૂર એક ગામડામાં વર્ષો પહેલા યુનિવર્સીટી બની હતી. ગવર્નમેન્ટે રૂરલ એરિયામાં વિકાસ માટે એ સમયે યુનિવર્સીટીઓ અને કંપનીઓ માટે રૂરલ એરિયા ફાળવ્યા હતા. એન્જીના પિતા વિલી યુનિવર્સીટીના હેડ તરીકે ત્યાં નિમાયા હતા. વિલીના બાપ દાદા આઝાદી વખતે ભારત છોડીને જઈ નહોતા શક્યા. વિલિની મા અને પિતાએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. એ કહેતા આ નદીઓ, આ પહાડો, આ સમુદ્ર, આ સંસ્કૃતિ, ખાસ તો આ બીજા દેશની સરખામણીએ ઓછી વિકસિત પ્રજાની બની શકે એટલી સેવા હું અહી કરીશ. પંડિત નહેરુએ વિલીના પિતા જેક સ્મિથને એક વાર સરદાર પટેલ સાથે ગુજરાતની સફરે ગુજરાતની પ્રજા, આબોહવા, ભૌગોલિક પ્રદેશ દેખવા મુક્યા હતા અને ત્યારથી જેકને આ ગુજરાતની જમીનની માયા લાગી હતી. એ અમદાવાદમાં જ વસી ગયા હતા. જેકને આમ તો ગામડામાં રહેવું હતું પણ ભારતના જ કેટલાક લીડરોએ કહ્યું હતું ‘જેક આ ભારતની પ્રજા છે સમજ્યા વગર ફેસલા કરી નાખે છે. અંગ્રેજો ગયા પછી બદલો લેવા ગામડાના લોકો રાતે હુમલો કરી બેસે તો નક્કી ન કહેવાય. આમેય અત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષ ભડકાવવાના કામ કરે છે અને તમારા અંગ્રેજોમાંથી ઘણા ગવર્નર ઘાતકી અને ક્રુર હતા એટલે અમારી ભોળી પ્રજા એ વિચાર નહિ કરે કે તમે અહીં સેવા માટે રહ્યા છો.’ અને જેક પણ એ વાત સમજ્યા હતા. એટલે આખરે અમદાવાદમાં એમણે ઘર વસાવ્યું હતું.

ધીમે ધીમે જેકનો દીકરો વિલિશ મોટો થયો. એને પણ માતા પિતા તરફથી દયા અને પ્રેમ વારસામાં મળ્યા હતા. વિલીના લગ્ન દાહોદમાં વસતા એક અંગ્રેજ નેલશન મકલેનની દીકરી મેરી સાથે થયા હતા. મેરી ખુબ માયાળુ છોકરી હતી. તેના જન્મ સમયે તેના પિતા હેરિશન અને માતા સેલેનાએ તેનું નામ જીસસની માતા પરથી રાખ્યું હતું. તે મોટી થઈને દેખાવડી અને દયાળુ થઇ હતી. અંગ્રેજ બાળકો તેને દાહોદમાં તો મધર ટેરેસા જેમ મધર મેરી કહેતા.

પછી જેક અને એની પત્ની કુદરતી મૃત્યુ પામ્યા હતા. વિલીને અમદાવાદથી દૂર ધરમપુર ગામમાં આવેલી યુનિવર્સીટીમાં હેડ તરીકે નોકરી મળી હતી. મેરીએ વિરોધ કર્યો હતો. વિલી ગામડાના માણસો ભૂતકાળનો બદલો આપણી સાથે વાળે એવું બની શકે. પણ વિલીએ જીદ કરી હતી કે હું સેવાનું કામ હાથમાંથી જવા નહિ દઉં. અને હવે તો લોકો ભણ્યા છે. કટ્ટરવાદ હવે નથી રહ્યો. નફરત હવે ભૂંસાઈ ગઈ છે.

આખરે મેરી માની હતી. એ પેટથી હતી ત્યારે અમદાવાદનું રહેઠાણ છોડીને એ લોકો યુનિવર્સીટીની નોકરી માટે એ ગામમાં વસ્યા હતા.

વિલી અને મેરીએ ગામડાના વાતાવરણમાં રહેવા એને માણવા માટે ત્યાંના એક બ્રાહ્મણના માટી નળીયાના ઘરમાં જ રહેવાનું શરૂ કર્યું હતું.

ગામમાં પૂછપરછ કરીને મેરીએ બ્રાહ્મણો રહેતા હોય એ તરફ ઘર પસંદ કર્યું હતું કેમ કે એને હજુ દહેશત હતી લોકો ગમે ત્યારે ગમે તે કરી બેસે. મેરી માનતી હતી કે બ્રાહ્મણો બુદ્ધિશાળી હોય વિવેકી હોય અને વેલ લરનેડ હોય. એટલે જ વિલીને ખ્યાલમાં પણ ન આવે એ રીતે મેરીએ ખેતરમાં વસતા એક બ્રાહ્મણનું ઘર ભાડે લીધું હતું. શરૂઆતમાં લોકોનો અણગમો સાંપડ્યો હતો પણ વિલીએ હાથ હેઠા મુક્યા નહિ. ગામમાં દરેક લોકોને એ જાત જાતની માહિતીઓ આપતો. રોગ સામે કઈ રીતે કાળજી લેવી. રોગ પ્રતિકારક શક્તિઓ વધારવા કેવું ભોજન લેવું. શિક્ષણનું મહત્વ કેટલું છે એ બધું ગામ લોકોને સમજાવતા. ધીમે ધીમે એની મિટિંગમાં લોકો આવવા લાગ્યા હતા. અને પછી તો મેરિનો પેલો ભય ગાયબ થઈ ગયો હતો.

મેરીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. એનું નામ એન્જલિના રાખ્યું હતું પણ લાડમાં એને એન્જી કહેતા. એન્જીને પડોશમાં રહેતી બ્રાહ્મણની છોકરી નિધિ જોડે મૈત્રી થઈ હતી. પછી તો બ્રાહ્મણની જમીન ખરીદીને ત્યાં એક નાનકડો બંગલો બનાવ્યો હતો.

ત્યાંથી છેક એન્જીની પાર્ટીમાં મુંબઈથી આવેલા એના દૂરના અંકલ આંટીએ નિધિની ઈર્ષા કરી અને એન્જીએ એને સમજાવી ત્યાં સુધીની કહાની નિધીને યાદ આવતી રહી.

અમદાવાદમાં એન્જી એકલી રહેતી હતી. મેરી અને વિલી હજુય ત્યાં ગામડે રહેતા હતા. નિધીને એ જ પ્રશ્ન થયો કે વિલી અંકલ અને મેરી આંટીને ખબર
આપ્યા હશે કે કેમ? ખબર આપ્યા હશે તો એ લોકો આ આઘાત પચાવી શક્યા હશે કે કેમ?

*

અનુપ અને લંકેશની જોડી કોલેજમાં ખાસ્સી ફેમશ હતી. તે બંને હમેશા સાથે જ રહેતા. અનુપ માપસરના બાંધાનો ઠીક ઠીક દેખાવડો હતો. તે નાના વાળ રાખતો, ચહેરો ક્લીન સેવ્ડ જ હોય, જીન્સ અને શર્ટ ઉપર તે લગભગ રોજ જર્સી જેવી ટી શર્ટ પહેરી રાખતો. આજે અનુપ કોલ્ડ મુનના ગાર્ડનમાં બાંકડા ઉપર માથું ઢાળીને બેઠો હતો. લંકેશ એને સમજાવી રહ્યો હતો. લંકેશ તેના કરતા એકાદ મુઠ્ઠી ઉંચો, તેના કરતા થોડો શ્યામ થોડો ભરાવદાર, અને દેખાવે ગુસ્સેલ લાગતો. લંકેશ વાળ અનુપ કરતા મોટા રાખતો પણ ચહેરો ક્લીન સેવ્ડ રાખતો. તેની ભમરો જાડી હતી એટલે તેનો ચહેરો કડક લાગતો. તે જાણે ગુસ્સામાં જ હોય તેવું લાગતું. તેના ઉપરના હોઠ ઉપર એક મોટો ઘા હતો તેથી તે એકલી મૂછો રાખતો જેથી ઘા ઢંકાઈ જાય. કોલ્ડ્રો કાપડના પેન્ટ ઉપર તે પ્લેન રંગના શર્ટ પહેરતો.

"બસ અનુપ એમાં તારો કોઈ ફોલ્ટ નથી. બ્રેકઅપ માટે કોઈ આત્મહત્યા કરી લે એવી કલ્પના પણ કોઈ કઈ રીતે કરી શકે?"

"નહિ લંકેશ મેં એને ખુબ ઉદાસ જોઈ હતી પણ એને સમજાવવાની મેં કોઈ ગણતરી કરી નહી." ગળગળો થઈને અનુપ બોલવા લાગ્યો.

“પણ આપણે ખાસ પરિચય જ ક્યાં હતો અનુપ? આમ સીધે સીધું કોઈને ઉદાસ જોઈએ તેથી તેની સાથે કઈ દોસ્તની જેમ પૂછપરછ તો ન થાય ને.”

“ખેર! જે થયું તે થયું...” અનુપે નિસાસો નાખયો એજ સમયે સફેદ ઓડી બંગલાના દરવાજામાં દાખલ થતી દેખાઈ એટલે વાત ત્યાં જ આટોપીને બંને ઉભા થઇ ગયા.

ઓડીમાંથી પગ નીચે મુકતા જ નિધિ બંગલામાં ધસી ગઈ. અનુપ અને લંકેશે તેને દોડતી જોઈ અને નવાઈથી ચણીયા ચોળીમાં એ સુંદર છોકરીને જોઈ રહ્યા. તે સીધી જ ઘરમાં દાખલ થવા દોડી પણ દરવાજે ઉભા કોન્સ્ટેબલે એને રોકી લીધી.

"સોરી મેડમ અંદર જવાની મનાઈ છે. પોલીસ ડેડ બોડી લઈ ગઈ છે પણ હજુ અંદર તપાસ ન થાય ત્યાં સુધી ભારદ્વાજ સાહેબે કોઈને અંદર જવાની મનાઈ કરી છે."

"હું નિધિ છું. નિધિ એન્જીની બહેન. શુ નામ તમારું?" તેને બોલતા હાંફ ચડતી હતી.

"જીવન રાણા."

"ઓકે મી. જીવન હું એન્જીની બહેન છું અને મને અંદર જવા દો એના મોમ ડેડને ખબર કરવી પડશે. પ્લીઝ."

ઘડીભર જીવન ઓડી તરફ અને નિધિ તરફ દેખતો રહ્યો. ચણીયા ચોળી અને ઓડીને કાઈ મેળ ન ખાતો હોય એમ એ કઈક તાજ્જુબી અનુભવી રહ્યો અને પછી દરવાજો ખોલી એને અંદર જવાની પરવાનગી આપી.

પાછળ અનુપ અને લંકેશ પણ દરવાજે આવીને આ વાત સાંભળતા હતા.

“આ કોણ હશે અનુપ?” લંકેશે નવાઈથી અનુપને પૂછ્યું તેની જાડી ભમરો તંગ થઇ.

“તારી જેમ હું પણ આ છોકરીને પહેલી જ વાર જોઉં છું લંકેશ.” કહી તે ફરી ગાર્ડન તરફ ફર્યો. લંકેશ ખુલ્લા દરવાજામાં નજર કરીને તેની પાછળ ગાર્ડન તરફ ગયો.

*

"હેલો અંકલ." રીસીવર ઊંચકાતા જ નિધિ બોલી, "એન્જીએ સ્યુસાઇડ કરી છે તમે જલ્દી કોલ્ડ મુનમાં આવી જાઓ." એટલું બોલતા એને ગળે ડૂમો આવી ગયો. સામેથી રીસીવર પછડાઈ જવાનો અવાજ આવ્યો એટલે સ્વસ્થ થઈને એણીએ હિંમત આપવા બોલવું પડયું, "તમે હિંમત રાખજો અને આંટીને લઈ આવો."

"પણ આ શું? કઈ રીતે? હાઉ?" હાથમાંથી છટકી ગયેલું રીસીવર ફરી કાને ધરી એકાદ મિનિટ જેટલી ખામોશી પછી વિલિશ બોલી શક્યા.

"એ તો જીસસ જાણે અંકલ, હું પણ સમાચાર સાંભળીને હમણાં જ આવી છું."

"હું.... હું આવું છું દીકરા..." વૃદ્ધના મોઢે એટલા શબ્દો માંડ બોલાયા અને એમાં કેટલી વ્યથા હતી એ સમજતા નિધીને વાર ન લાગી.

"અંકલ તમે હિંમત રાખજો....." પણ એ શબ્દો સાવ પોકળ હતા એ બોલ્યા પછી જ તેને સમજાયું. જેની એકની એક દીકરી આત્મહત્યા કરે અને કરોડોની સંપત્તિ પડી રહે એ હિંમત કઈ રીતે રાખી શકે? આખાય ગામમાં બધાના દુઃખ દૂર કર્યા હોય, લોક સેવા કરી હોય એને જ જીસસ દુઃખ આપે.....! રીસીવર ક્રેડલ ઉપર મુકતા ફરીવાર હેતથી પોતાના માથે હાથ ફેરવતા મેરી આંટી અને વિલી અંકલના ચહેરા તરવરવા લાગ્યા.

માનું બારમું પૂરું થયું ત્યાં સુધી એક એક પળ હિન્દૂ રિવાજ મુજબની બધી જ વ્યવસ્થાઓ વિલીએ અને મેરીએ પોતાના ખર્ચે કરી હતી. નિધીને કાકા હતા પણ ગરીબને વળી કેવા સબંધ હોય? સબંધ તો રૂપિયાના જ હોય છે. બારમાં પછી બધા ગયા ત્યારે વિલીએ મેરીને ઈશારો કર્યો હતો.

ખૂણામાં બે ઢીંચણ વચ્ચે માથું નાખી રડતી નાનકડી નિધિ પાસે બેસીને એના માથામાં વ્હાલથી હાથ ફેરવતા મેરી બોલ્યા, "નિધિ ચાલ બેટા આપણા ઘરે."

"આપણા ઘરે એટલે?" નવાઈથી નિધીએ આંખો લૂછતાં પૂછ્યું હતું.

"એટલે આપણા ઘરે નિધિ, તને ખબર નથી તું અમારી એન્જી જેવી જ છો બેટા!" વિલીએ બે ડગલાં આગળ વધીને કહ્યું.

"યસ લિટલ પ્રિન્સેસ, આપણું ઘર જો રહ્યું..." કહીને એન્જીએ પણ નિધીનો હાથ પકડી એને ઉભી કરી હતી.

એ પછી તો સમયે એનું કામ કર્યું હતું. નિધિ જાણે વિલી અને મેરીની જ દીકરી હોય એમ રહેવા લાગી હતી. નિધિની નાનકડી આંખોમાં એ ચહેરા કાયમ માટે કેદ થઈ ગયા હતા. હિન્દુસ્તાનના લોકોની જેમ મૂછો રાખતા વિલિશનો ચહેરો એની આંખોમાં પિતાની જેમ વસી ગયો હતો. મેરી હિન્દુસ્તાની કપડાં પહેરતી પણ એ ગામડાના પહેરવેશ પહેરી ન શકતી એટલે પંજાબી પહેરી લેતી. ગોરી ત્વચા, આછી પાંપણો, સાંકડા હોઠ, અને હોઠના ખૂણે પડતા બે બે ખંજન, આછા સોનેરી વાળવાળો મેરિનો એ ચહેરો માતૃત્વ છલકાવતો.

એન્જીમાં મોમ ડેડ બંનેના ગુણો ઉતર્યા હતા. વાળ વિલી જેમ ભૂખરા હતા. પાંપણો મા જેમ આછી. હોઠ હિંદુસ્તાની કન્યા જેમ માપસરના, ત્વચા ગૌર, આંખો અંગ્રેજ જેવી જ, મા પાસેથી જાણે ખંજન ઉછીના લીધા હોય એમ હોઠના બંને ખૂણે ચોવીસે કલાક ખંજન રહેતા. આ ત્રણેય ચહેરા વચ્ચે નિધિ અલગ પડતી. નાનપણમાં થોડી જાડી, ભરાવદાર ગાલ, ઘઉં વર્ણી ત્વચા, માસૂમ ચહેરો અને નિર્દોષ લાગતી.

ક્યારેક વિલીના દૂરના સગાઓ કે હિન્દુસ્તાનમાં રહેતા બીજા અંગ્રેજો આવતા ત્યારે નિધિ આ ઘરમાં અલગ દેખાઈ આવતી. પણ ઘરમાં વર્તન જોઈને સૌને એમ થતું જાણે આ મેરીની જ દીકરી ન હોય.

એક એક ઘટનાઓ યાદ આવતી રહી. એકાએક મોટરનો અવાજ આવતા નિધિ ઝબકી. ક્રેડલ ઉપર મુકેલા રીસીવર ઉપર હાથ એમ જ જડાઈ ગયો હતો એ સફાળો ખેંચી લીધો.

"સ્ક્યુજમી મિસ!" પાછળથી આવેલા ઇન્સ્પેકટર ભારદ્વાજનો અવાજ સાંભળતા એ ફરી. ઇન્સ્પેકટર સાથે બીજા કોન્સ્ટેબલ અને માણસો પણ હતા.

"નિધિ..... નિધિ રાવળ.... એન્જી મારી બહેન જેવી છે." હતી કહેતા કઠયું પણ સામે ઇન્સ્પેકટર હતા એટલે સુધારી લેવું પડ્યું, “બહેન જેવી હતી. તેના ઘરે જ મારો ઉછેર થયો છે.”

"આઈ સી..." કહીને ઇન્સ્પેકટરે ફોટોગ્રાફરને ઈશારો કરી ઘરની બધી વસ્તુઓના ફોટા લેવડાવ્યા. ડેડબોડી તો ઘરના પાછળના ભાગે હતી જે સવારે જ પોલીસ લઈ ગઈ હતી. આમ તો બોડી ફોટા પાડ્યા પછી જ લેવાય પણ ઘરની બહાર બોડી હતી એટલે ફોટોગ્રાફર આવે ત્યાં સુધી બોડી ખસેડી પી.એમ. માટે મોકલાવી હતી.

"આ બધું કઈ રીતે થયું ઇન્સ્પેકટર?" નિધીએ સ્વસ્થ થઈ ઇન્સ્પેકટરને પૂછ્યું.

“વિકટીમેં બંગલાની છત પરથી છલાંગ લગાવી છે અને એની પાસેથી આ ચિઠ્ઠી મળી આવી છે એ સિવાય કઈ કહી શકાય તેમ નથી.”

ભારદ્વાજ કઈ વધારે બોલ્યા નહિ પણ ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીકાળી નિધિના હાથમાં આપી. નિધીએ ચિઠ્ઠી લઈને વાંચી અને ઇન્સ્પેક્ટરને પરત કરી દીધી.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky