Shikar - 8 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 8

ધરમપુરથી આવીને નિધિએ આખી રાત યાદોમાં અને આંખો ભીની કરવામાં ગાળી હતી. બીજા દિવસે સવારે જાગીને તે વહેલી તૈયાર થઈ ગઈ. જુહી પણ રોજની જેમ તૈયાર થઇ ગઈ હતી. તે દેખાવડી ન હતી. ખાસ તે વિચારોમાં રહેતી તેને તૈયાર થવામાં છોકરીઓ જેમ સમય ન લાગતો. તે ખુબ પાતળી અને ચહેરો પણ પાતળો હતો. બોયકટ વાળમાં તે પાતળી ફ્રેમના ચશ્માં પહેરતી. તેના ચહેરા ઉપર કોઈ ભાવ ભાગ્યે જ દેખાતા. તે ખુબ પાતળી દેખાતી એટલે સમર કોટ હમેશા પહેરી રાખતી.

નિધિ તૈયાર થઈને ફોયરમાં આવી ત્યારે તે રોજની જેમ કાળા જીન્સ ઉપર આછી પિંક ટી શર્ટ પહેરીને બેઠી હતી.

"જુહી ઓડી તૈયાર છે?" નીધીએ તેને પૂછ્યું.

"જી મેડમ વડોદરા જવાનું છે?"

"નહિ જુહી આપણે નવાપુરા જવાનું છે.”

“કેમ નવાપુરા?” ઉભા થઈને તેનો ચેક્સવાળો સમર કોટ પહેરતા તેણીએ પૂછ્યું.

“આચાર્ય સત્યાનંદનો આશ્રમ ભક્તિધામ ત્યાં છે."

"આશ્રમે?" જુહીને નવાઈ થઈ.

"હા આશ્રમે, એન્જીએ બધી મિલકત આશ્રમમાં દાન કરવાનું એની ડેથ વિસમાં લખ્યું છે. અને વિલી અંકલની બધી પ્રોપર્ટી પણ દાન કરવાની છે."

આટલું બધું ડોનેટ કરી દેશે? એવો પ્રશ્ન જુહીને થયો પણ પૂછવાની હિંમત ચાલી નહિ એટલે વાળી લેવું પડ્યું, "ઓકે મેડમ."

એક બેગમાં બધા કાગળ ભરી નિધિ બહાર નીકળી. ઘર તરફ એક નજર કરી. કોલ્ડ મુન સાચે જ જાણે ઠંડો પડી ગયો હતો. આ મકાનમાં એન્જી હાઈ વોલ્યુમમાં ગીતો સાંભળીને ધમાલ કરતી તે બધું હવે ક્યારેય થવાનું ન હતું.

"આપણે ત્યાંથી સીધા જ વડોદરા જવાનું છે. આ ઘર ડોનેટ નથી કરવાનું એટલે સામાન બધો અહીં જ રહેશે. ગામડાનું ઘર પણ વિલી અંકલે ડોનેટ કરવાનું નથી કહ્યું એટલે એ સામાન પણ ત્યાં જ રહેશે."

દસ્તાવેજવાળી બેગ અને એન્જીના ફોટા અલબમ્બ અને ડાયરીવાળી બેગ બંને ઓડીની પાછળની સીટમાં નાખી નીધીએ એક બેન્ડમાં પોતાના ખુલ્લા વાળ બાંધી દીધા. જુહીએ કી ભરાવી અને સ્મૂથ ઘુરકાટ સાથે ઓડી ઉપડી.

અમદાવાદના ભરચક એરિયામાંથી ઓડીને બહાર નીકળતા ખાસ્સો પોણો કલાક થયો ત્યાં સુધી કોઈ કશુંય બોલ્યું નહિ.

લીલાછમ ખેતરોમાં વરસાદના લીધે ગજબની હરિયાળી છવાઈ હતી. ભીની માટીની સુગંધ પણ આહલાદક હતી. ખેતરોમાંથી વૃક્ષો અને પાકમાંથી ચળાઈને આવતો ઠંડો પવન નિધિના વાળની લટ ઉડાવતો હતો. પણ નિધિ લમણે હાથ દઈને બારી બહાર તાકીને વિચારતી રહી.

*

ગાડીમાંથી ડોગ હાઉસ નજીક ઉતરતા પહેલા સોનિયાએ અનુપ પાસે મદદ માંગી હતી.

"અનુપ તું મારુ એક કામ કરીશ?" અને અનુપ જાણે એ સવાલની જ રાહ જોતો હોય એમ જરાય ખચકાયા વગર બોલ્યો હતો.

"માય પ્લેજર સોનુ, બોલ શી મદદ કરી શકું?"

"મારે એ હરામીને રંગે હાથ પકડવો છે, હું મારો પર્સનલ નંબર તારા મોબાઈલમાં સેવ કરી દઉં છું."

"એટલે જ્યારે એ રંગે હાથે પકડાય ત્યારે તને ફોન કરીને બોલાવી લેવી એમ જ ને?" અનુપ જાણતો હતો છતાંય પૂછ્યું.

"હા પ્લીઝ તમે મારા માટે થોડા દિવસ એ ગદ્દાર ઉપર નજર રાખો તો હું તમારી મહેરબાન રહીશ." સોનિયા આજીજી કરતી બોલી હતી.

"લંકેશ હું તો આ નેક કામ કરવા તૈયાર છુ. સોનુ જેવી છોકરીને એ સમીરનો બચ્ચો બનાવી જાય એ મને આમેય પસંદ નથી. તારું શુ કહેવું છે?"

"આપણે તો સારા કામમાં હરહંમેશ તૈયાર જ રહીએ છીએ. જનસેવા એ જ ઈશ્વરની આરાધના છે. જો સોનુ જેવી ભોળી છોકરીની જિંદગી એક લફંગાના હાથે બરબાદ થતા બચતી હોય તો હું પાંચ દસ દિવસ શુ આખો મહિનો પણ એ વ્યભિચારીનો પીછો કરવા તૈયાર છું.” લંકેશ દાંત ભીંસીને બોલ્યો ત્યારે અનુપ મનોમન બોલી ઉઠ્યો, ‘એક્સેલેન્ટ લંકેશ!’

"હું તમારા બંનેનું ઋણ ક્યારેય નહીં ભૂલું. થેન્ક યુ સો મચ અનુપ એન્ડ લંકેશ.." કહીને સોનિયાએ પોતાનો નંબર અનુપના મોબાઈલમાં સેવ કર્યો હતો.

નંબર સેવ કરીને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ એ બોલી, "હું વોટ્સએપ પર hi લખીને મેસેજ કરી લઉં એટલે તારો નંબર મને મળી જાય. અને લંકેશનો નંબર સેર કરી લઉં છું."

"હા મારો નંબર પણ લઈ લે કદાચ અનુપ ફોન ન લે તો મને કરજે." સોનિયા વધુને વધુને ભરોસો કરવા લાગી છે એ જોઈને બંને હરખાતા હતા.

"ઓહ શીટ."

"શુ થયું?" અનુપે પૂછ્યું.

"લંકેશનો નંબર સેર કરતા ભૂલથી લલિતનો થઈ ગયો."

"ઓહ ફરી લઈ લે."

"આ લલિતવાળો મેસેજ કર્યો ડીલીટ." પછી સોનિયા એકલી એકલી બોલતી હોય એમ બબડી, "ડીલીટ ફોર એવરી વન...” અને લંકેશનો નંબર ફરી સેર કર્યો.

પાછળનું વાક્ય તો સોનિયા સ્વગત જ બોલી હોય એમ બોલી હતી પણ અનુપે એ સાંભળ્યું હતું છતાં ન સાંભળ્યું કરીને એણે લંકેશને કહ્યું હતું, "જો સામે ડોગ હાઉસનું બોર્ડ આવી ગયું."

લંકેશે ગાડી ધીરી કરી એટલે અનુપને મોબાઈલ આપતા સોનિયાએ કહ્યું, "હું વોટ્સએપમાં તમને બધી ડિટેઇલ્સ આપીશ. એ ક્યાં જાય છે, શું કરે છે એટલે તમે આસાનીથી એને ફોલો કરી શકો. છોકરીને મળવા સિવાયની બધી વાતો એ મને સાચી જ કહે છે."

"ઓહ તો તો બધું કામ સરળ થઈ પડશે." અનુપે હસીને કહ્યું હતું.

જરાક સ્મિત આપીને સોનિયા નીચે ઉતરી હતી અને પછી સમીર પાસે ડોગ હાઉસમાં ગઈ હતી.

સોનિયાએ સમીરની ડિટેઇલ્સ અનુપને આપવા માટે વોટ્સએપ કર્યું.

"હી અનુપ."

પણ અનુપ ઓનલાઈન હતો નહિ. મેસેજ સેન્ડ થયો પણ ડિલિવર થયા વગરનો જ રહ્યો.

એણીએ વિચાર્યું એ જ્યારે ઓનલાઈન આવશે ત્યારે જોઈ લેશે હું એને બધી ડિટેઇલ્સ મોકલી દઉં છું. જો સાંજ સુધી ઓનલાઈન નહિ આવે તો કોલ કરીને મેસેજ જોઈ લેવા કહીશ. પણ અહીં હોસ્ટેલમાંથી કોલ કરીને અનુપને બધી ડિટેઇલ્સ આપવી ઠીક નથી એટલે વોટ્સએપ જ કરું.

"સમીર સવારે એક જ વાર નમાઝ પઢવા મસ્જિદ જાય છે. બાકીની ચાર નમાઝ ઘરે જ પઢે છે. પણ હા જુમ્માની નમાજ તો એ મસ્જિદમાં જઈને જ પઢે છે. એ ક્યારેય ચૂકતો નથી."

આટલો મેસેજ સેન્ડ કરીને સોનિયાએ કંઈક યાદ કર્યું. અને ફરી એક મેસેજ ટાઈપ કરવા લાગી

"સમીર સૈયદ છે એટલે એના વિશે પેલા ડોગ હાઉસવાળા સુલેમાન કઈ માહિતી તમને આપશે નહિ. ત્યાં જઈને કોઈ સર્ચ કરવાનો અર્થ નથી."

મેસેજ સેન્ડ કરીને સોનિયાએ લંકેશનો કોન્ટેકટ નંબર સેવ કરી લીધો અને રાહતનો એક ઊંડો દમ લીધો.

ગર્લ્સ હોસ્ટેલના બીજા માળના રૂમમાં બેડ પર એ આડી પડી એક મોટો ઉચ્છવાસ બહાર કાઢ્યો ત્યાં એના ફોનની ઘંટડી રણકી ઉઠી.

*

"ઓહ એન્જી માય સ્વીટ એની તું સમજતી કેમ નથી?" નિધિ એના બંને હાથ પકડીને એને સમજાવતી હતી.

"નો નો એન્ડ નો આઈ વોન્ટ લિશન યુ...." માથું ધુણાવી એન્જી હઠ પકડીને બેઠી હતી. બંગલાના આંગણામાં આ બે છોકરીઓ કઈક હઠાગ્રહ લઈને બેઠી હતી ત્યારે આગળના રૂમની ભીંતે મેરી આ સાંભળીને મોઢા ઉપર હાથ દઈને હસવાનું ખાળતી હતી.

"અરે પણ સાંભળ તો ખરા પ્લીઝ."

પણ એનજીએ બંને હાથ કાન ઉપર દબાવી દીધા અને જોરથી માથું ધુણાવી "નો નો એન્ડ નો...." બોલતી રહી.

થોડીવાર નિધિ ચૂપ રહી અને પછી એન્જીના બંને હાથ કાન પરથી હઠાવીને બોલી, "જો હું ગાવાની નથી મને આમ લોકો વચ્ચે ગાવું ઓકવર્ડ લાગે છે."

"તો પછી તું સિંગર કઈ રીતે બનીશ, હમમ?" એન્જીએ આંખો મોટી કરી અને દાંત નીચે હોઠ દબાવ્યા. તેને અણગમો થતો ત્યારે તે આમ કરતી.

"મારે ક્યાં સિંગર બનવું છે?"

"ઓહ ઇડિયટ જેના સુરમાં આવી મીઠાશ હોય એને તો સિંગર બનવું જ પડે. આજે નહિ તો કાલે તારે લોકોની વચ્ચે જવું પડશે, તારો ભય ખંખેરી લેવો પડશે." એન્જી કોઈ પ્રૌઢ હોય એમ નિધિની સમજાવતી હતી એ સાંભળી મેરી અને વિલી અંદર એક બીજા સામે જોઈ ગર્વ લેતા હતા.

"તે જઈશ પણ અત્યારે નહિ. થોડુંક મારુ વજન ઓછું થાય. અને થોડીક મોટી થાઉં પછી હું હિંમત ભેર જઈશ બસ."

"અરે પણ અત્યારે ન કરી શકે તો મોટા થઈને શુ કરી લેવાની? તારે અત્યારે જ કરવાનું છે બસ. ધીસ ઇઝ માય ફાઇનલ ડીસીઝન." એન્જી એટલું કહીને ઉભી થઇ ગઇ.

"ઠીક છે, હું પાર્ટીમાં ગાઇસ પણ તારે મારી બાજુમાં ઉભા રહેવું પડશે નહિતર હું તમારા મહેમાનો આગળ ગભરાઈ જઈશ."

"ઓકે ડન.." કહીને એન્જી નિધીને ભેટી પડી અને કાનમાં કહ્યું, "સારું થયું તું માની ગઈ બાકી મને તો હવે એમ જ હતું કે મારા જીવતા તું નહિ માને."

"એન્જી....... " નિધિ રાડ પાડી ઉઠી. એની આંખો ભીંજાઈ ગઈ.

"શુ થયું મેડમ?" એકાએક ચીસ સાંભળીને જુહીએ ઓડીની બ્રેક ઠસોઠસ દબાવી દીધી. આંચકા સાથે ઓડી ઉભી રહી અને એનો ધક્કો નિધીને લાગ્યો ત્યારે જ એને ભાનમાં આવ્યું કે પોતે ફરી ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી. એન્જીએ મરવાની વાત કરી હતી તે સાંભળી બાળપણની જેમ તે રાડ પાડી ઉઠી પણ હવે તે દુનિયામાં ન હતી.

"નથિંગ, જુહી તું ગાડી સ્ટાર્ટ કર... મારે એન્જીની વિસ જલ્દી પુરી કરવી છે. અને પછી ક્યાંક દૂર નાસી જવું છે.... દૂર ખૂબ દૂર..." તેનો અવાજ રડમસ થઇ ગયો. લમણે હાથ દઈને તેણીએ ફરી વિન્ડો બહાર નજર કરી દીધી.

જુહીને શુ કહેવું એ સમજાયું નહીં. એણીએ માત્ર હકારમાં માથું હલાવ્યું અને ફરી ગાડી ઉપાડી.. હવે આચાર્યનો આશ્રમ ત્રણ કિમિ જ દૂર રહ્યો હતો.

*

સોનિયાના મેસેજ જોતા જ અનુપ અને લંકેશ વિચારે ચડ્યા. સમીરનો સીધો સીધો પીછો કરવો ઠીક નહોતું. હવે કઈક નવું કરવું પડે તેમ હતું. ઘણી ચર્ચા પછી પણ કોઈ તારણ નીકળ્યું નહિ એટલે લંકેશે ચા બનાવી.

ચા પીધા પછી સિગારેટ સળગાવી અનુપે લંકેશને સિગારેટ ધરી. લંકેશે સિગારેટ સળગાવી અને એક ઊંડો કસ લઈને ધુમાડાના ગોટા કાઢ્યા. ધુમાડામાં કંઈક ચિત્ર દેખાયું હોય એમ એના મગજમાં એક તણખો થયો અને એ બોલી ઉઠ્યો.

"અનુપ એક આઈડિયા છે."

"શુ?"

"સરફરાઝ..." લંકેશ એટલું બોલીને કસ ખેંચવા લાગ્યો.

"સરફરાઝ..." એ શબ્દો દોહરાવી અનુપને પણ એકાએક લાઈટ થઈ હોય એમ બોલી ઉઠ્યો, "મને પહેલા કેમ ન સુજ્યું?"

"એ ચર્ચાનો વિષય નથી અનુપ. સુજ્યું એ મહત્વ છે કોને સુજ્યું એ નહિ."

"હમમ..." કહી તેણે સરફરાઝને ફોન જોડ્યો. થોડી વાર રિંગ વાગતી રહી.

"હું અનુપ." સામેથી અવાજ આવતા અનુપ એ અવાજ ઓળખીને બોલ્યો.

"બોલ અનુપ ઘણા દિવસે યાદ કર્યો."

"એક નમાજી માણસ છે પાક્કો મુસલમાન. પણ કેરેકટરલેશ છે."

"તે તેનું શું છે એ કહે ને?"

"એના ઉપર નજર રાખવાની છે. રંગે હાથ પકડવાનો છે પછી આપણું કામ સરળ છે."

“અત્યારે ક્યાં છે?”

“અમદાવાદ.” અનુપે કહ્યું.

"ઠીક છે ક્યાં મળું?"

"ઉસ્માનપુરા ચાર રસ્તા 120 ફૂટ રીંગ રોડ, ડીવાઈન ડિનર પ્લોટ સાંજે સાત વાગ્યે. ગાર્ડનમાં ખૂણાના ટેબલ ઉપર અનુપ એન્ડ કંપની બેઠી હશે. તને અમદાવાદ આવતા કેટલો સમય લાગશે?"

"હું પહોંચી જઈશ બીજું કંઈ?"

"હા બીજું ઘણું બધું છે." કહીને અનુપે એને બીજી સૂચનાઓ આપી અને સામેથી "ખુદા હાફિઝ." અવાજ સાથે ફોન કટ થઈ ગયો.

"તારું ભેજું આ વખતે મારાથી વધારે ચાલ્યું લંકેશ." અનુપ આ વખતે લંકેશની પીઠ થાબડયા વગર રહી ન શક્યો.

"ડીવાઈન ડિનર પ્લોટમાં સાંજે સાત વાગ્યે સરફરાઝ આવે ત્યાં સુધી એનો રહેવાનો બંદોબબસ્ત કરવો પડશે ને?"

"લેટ્સ મુવ..." કહી બીજી સિગારેટ સળગાવી અનુપ ઉભો થયો. લંકેશે પણ સિગારેટ સળગાવી અને ગાડીની ચાવી ઉઠાવી. રૂમને લોક કરી બંને બહાર નીકળ્યા.

ધડ કરતો ફૂટબોલ આવીને લંકેશના કપાળમાં ભટકાયો. તેને તમ્મર આવી ગયા.

“કોણ છે......” તેણે ગાળ દીધી અને બોલ ઉઠાવ્યો.

“અંકલ પ્લીઝ બોલ આપોને..” સામેવાળા નરોત્તમનો છોકરો વિલા મોએ ઉભો રહ્યો. તેનો એક ફૂટબોલ લંકેશે કાપીને ટુકડા કરી દીધો હતો ત્યારથી સોસાયટીના બાળકો તેનાથી ખુબ ડરતા.

“અહી આવ તને બોલ આપું (ગાળ).....” તેની આંખોમાં ભયાનક ગુસ્સો તરી આવ્યો. પણ તે કિરણ તરફ ધસે અને તેને મારે તે પહેલા જ અનુપ નજીક આવ્યો.

“લંકેશ આપણે અહી હજુ રહેવાનું છે, ડોન્ટ બી સ્ટુપીડ..” તેના હાથમાંથી બોલ લઈને અનુપે કિરણને આપ્યો.

અનુપે તેનો હાથ પકડીને ગાડીમાં બેસાડ્યો. તેના ચહેરા ઉપર ભયાનક ખુન્નસ, શેતાની ક્રુરતા તરી આવી હતી. તે કિરણ સામે તાકી રહ્યો અને કિરણ ઉભો ઉભો ધ્રુજતો રહ્યો. કિરણ ગભરાઈને રાડા રાડ કરી મુકે એ પહેલા અનુપે ગાડી ભગાવી.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED