Shikar - 5 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 5

સમીર ગેટની બહાર નીકળ્યો ત્યારે જ કોલેજના કોઈ સ્ટુડેન્ટે તેને સમાચાર આપ્યા હતા કે એન્જીએ આત્મહત્યા કરી છે. એટલે એણે સીધી જ એન્જીના ઘર તરફ બાઈક ભગાવી હતી.

બાઇકની કી કાઢી એ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે પોલીસની જીપ એને સામે મળી. ઇન્સ્પેકટર ભારદ્વાજે એક નજર એના પર ફેંકી અને રવાના થયા. પોલીસ જીપને જોઈને એ ઘરમાં દાખલ થયો. કોલ્ડમુન ભવ્ય મકાન હતું. તેનું રાચ રચીલું જાણે બકિંગહમમાંથી લાવીને અહી ગોઠવ્યું હોય તેવું અનુપમ લાગતું હતું. સમીરે ઘર પરથી એન્જી કેટલી સમૃદ્ધ હતી તે અંદાજ મેળવી લીધો.

સમીર કોઈને ઓળખતો નહોતો પણ ચહેરા અને ઉદાસી જોઈને એ સમજી ગયો કે ખૂણામાં એલ આકારે ગોઠવેલા સોફાની પાસે નીચે બેસીને આંસુ સેરવતા સફેદ મૂછોવાળા અંગ્રેજ જેવા દેખાતા એ વૃદ્ધ એન્જીના પિતા હશે. એમની પાસે ખભા પર હાથ મૂકીને સમજાવતી છોકરી એન્જીની બહેન જેવી લાગી પણ એ અંગ્રેજ નહોતી દેખાતી. ચણીયા ચોળી, સફેદ ઓઢણી, બ્લેક બ્લાઉઝમાં એ હિન્દુસ્તાની દેખાઇ પણ અત્યારે કોઈ આવા કપડાં પહેરીને શુ કામ આવે એ સમીરને સમજાયું નહીં. અલબત્ત નવાઈ થઈ. કેમ કે એને ખબર નહોતી કે એ નિધિ હતી અને એ સીધી જ પ્રોગ્રામ કેન્સલ કરીને વડોદરાથી અહીં આવી હતી.

સમીરને જોઈને નિધિ ઉભી થઇ. નિધિને પણ સમીર ઓળખીતો લાગ્યો નહી. ન તો એ અંગ્રેજ હતો.

"તમે?" પૂછીને એ બ્લેક ટીશર્ટ બ્લુ જીન્સમાં મજબૂત લાગતા યુવાન સામે જોઈ રહી. ક્યાંય એને દેખ્યો હોય એવું યાદ ન આવ્યું. નાની મૂછો અને મોટી દાઢી, ભૂરી આંખો અને વાંકડિયા વાળમાં હસમુખ લાગતો એ યુવાન કોણ હશે એ સમજાયું નહીં.

"નહિ હું પોલીસમાંથી નથી." હમણાં જ પોલીસ ગઈ હતી એટલે સમીરે ઉલ્લેખ કર્યો, "એન્જી અમારી કોલેજની સિનિયર હતી. એ લાસ્ટ યરમાં હતી, હું ફર્સ્ટમાં છું."

"ઓકે બેસો." કહી નિધીએ એક ખુરશી લાવી.

સમીર બેઠો. વૃદ્ધ વિલી સામે જોઇને એને સહાનુભૂતિ થઈ પણ શું બોલવું એ સમજાયું નહીં.

"આ બધું કઈ રીતે થયું?" પાણીનો ગ્લાસ આપતી નિધિના હાથમાંથી ગ્લાસ લઈ સમીરે પૂછ્યું.

"ઈશ્વર જાણે પણ આ બધું થઈ ગયું." પછી પાગલની માફક છતને તાકી રહેલા વિલી અંકલ તરફ જોઈ ઉમેર્યું, "એમને એક સાથે બે આઘાત લાગ્યા છે!"

"બે આઘાત?" પાણીનો છેલ્લો ઘૂંટ ઉતારી લઈ સમીરે પૂછ્યું, "હું કઈ સમજ્યો નહિ."

"આ સમાચાર સાંભળીને એન્જીની મા - મેરી આંટી હાર્ટ એટેકથી ગુજરી ગયા છે. અંકલ આંટીને લઈને આવતા હતા. અમદાવાદ પહોંચતા જ એટેક આવ્યું અને એમને હોસ્પિટલ લઈ ગયા. પણ બચ્યા નહિ."

"ઓ ખુદા! રહેમ..." સમીરના હૃદયમાં ધ્રાસકો પડ્યો. શુ બોલવું એ કઈ સમજાયું નહીં. આવી કપરી સ્થિતિમાં માણસને શુ કહીને હિંમત આપવી એ તેને સમજાયું નહીં. ઇસ્લામમાં આવી પરિસ્થિતિમાં ખુદા રહેમ કરે એવી આજીજી થાય. આજીજી કરવા સિવાય એ કશું કરી પણ શકે એમ ન હતો.

"તમે જરા આ બાજુ..." કહી સમીર ઉભો થયો. નિધિ એની પાછળ ગઈ.

"આ બધું હવે હેન્ડલ કોણ કરશે? આ વૃદ્ધ એકલા જ બધુ?"

"ના હું છું. હું બધું કરી લઈશ."

"તમે?"

"હું નિધિ રાવળ. એન્જીના મા બાપ મારા પાલક હતા." છતને તાકી રહેલા વિલી તરફ જોઈ નિધીએ ટૂંકમાં મૃતક સાથે પોતાનો સબંધ કહી દીધો.

"ખુદા રહેમ કરે. વૃદ્ધને હિંમત આપે." સમીર એવું બોલ્યો તો ખરા પણ નિધીને તો અત્યારે બધા જ ધર્મના દેવી દેવતા કોઈ કાલ્પનિક વાર્તા જેવા લાગતા હતા. જીસસ, ભગવાન કે અલ્લાહ હોય તો આવા નેકદિલ વિલી અને મેરી તેમજ એન્જી સાથે આવું બને જ કેમ? પણ અજાણ્યા સમીર સામે એ રોષ ઠાલવવો ઠીક ન લાગ્યો એટલે શબ્દો ગળી ગઈ.

"તો આંટીની બોડી.... "

"હોસ્પિટલથી વેન આવે છે અને મેં મારી મદદનીશ જુહીને બોલાવી લીધી છે એ આવતી જ હશે."

"પણ કોઈ પુરુષ વગર બધું?" સમીરને ખરેખર આ લોકો માટે સહાનુભુતી થતી હતી.

"ગામડેથી આવશે. નજીક જ અમારું ઘર છે."

"વેલ, હું અત્યારે જાઉં છું. આ મારો નંબર નોટ કરી લો કોઈ કામ હોય તો નિઃસંકોચ કહેજો." સમીરે પર્સની ડાયરીના એક કાગળમાં નંબર લખીને એને આપ્યો.

"અંકલનું ધ્યાન રાખજો." કહેતા સમીરે વિલી તરફ નજર કરી પણ દેખી ન શકતો હોય એમ નજર ફેરવી લેવી પડી.

"સમીર ખાન." ચિઠ્ઠીમાં આખું નામ વાંચી નિધીએ કહ્યું, "અજાણ્યા માટે આટલી તકલીફ લીધી એ માટે આભાર."

માથું નમાવીને સમીર બોલ્યા વગર ફોયર વટાવી ઘર બહાર નીકળી ગયો. નિધિ ફરી જુહીની અને એમ્બ્યુલન્સની રાહ જોતી વિલી પાસે જઈને બેસી ગઈ. હજુ મેરીની લાશ જોવાનો આઘાત એને પચાવી લેવાનો હતો. પોતાની બીજી માની લાશ!

*

હૃદય ભરાઈ આવ્યું હતું પણ ઘરની બહાર નીકળતા જ સમીરે પોતાના ચહેરા ઉપર એ જ કાયમના હાવભાવ લાવી દીધા. બંને હાથ આગળના ખિસ્સામાં નાખી એ ગેટ તરફ જવા લાગ્યો ત્યાં એની નજર અનુપ અને લંકેશ ઉપર પડી. સફેદ શર્ટ ઉપર સ્કાય બ્લુ ટી શર્ટમાંથી કોલર દેખાતા હતા એ જોઇને તેને ઓળખતા વાર ન લાગી. તેની પાસે કોડ્રો જાડા કપડાના કાળા પેન્ટ અને લાઈટ રેડ શર્ટમાં મૂછોવાળો શ્યામ રંગનો યુવાન લંકેશ જ હોય તે છતાં તેણે આડી નજરે બરાબર બંનેને જોઈ લીધા. એ બંનેની નજર પણ સમીર ખાન ઉપર પડી. અનુપે લંકેશને કઈક કહ્યું એ સમીરની ચાલાક નજર બહાર રહ્યું નહિ.

એ ધીમે ધીમે ચાલતો રહ્યો. મોબાઈલ નીકાળીને એણે કોઈને ફોન લગાવ્યો ત્યારે અનુપ અને લંકેશ પણ એની પાછળ ગેટ તરફ આવતા હતા.

ઘડીભર ઓડી જોઈને સમીર અટક્યો એટલે પેલા બંને નજીક આવી ગયા. પછી જાણે ઓડીના કાચમાં જોઈ વાળ સરખા કરવા અટક્યો હોય એમ થોડીક પળ અટકીને ચાલવા લાગ્યો.

"હેલો."

"હા નિમિ ડાર્લિંગ ક્યાં છે?" સમીરે પૂછ્યું એ સાથે જ અનુપે લંકેશ સામે જોયું. આખી કોલેજ જાણતી હતી કે સમીર ખાન અને સોનિયા એક બીજાને લેલા મજનું જેમ ચાહતા હતા. પણ ફોન ઉપર નિમિ ડાર્લિંગ કહ્યું એ સાંભળી અનુપને નવાઈ લાગી.

"ઓહ! તો ચાલને ફિલ્મ જોવા જઈએ. ઘણા દિવસથી કોર્નર સીટ ઉપર અંધારામાં મજા નથી માણી...." તેણે લુચ્ચાઈમાં હસીને ઉમેર્યું, "ફિલ્મની મજા..." અને પછી એ હસ્યો. સમીરનો અવાજ તેના શરીર જેમ મજબુત ન હતો. થોડો નરમ અને મીઠો હતો.

આ સાંભળી પાછળ આવતા અનુપની રહીસહી શંકા પણ નાબૂદ થઈ ગઈ. એને ખાતરી થઈ ગઈ કે જે રીતે ડબલ મિનિંગ વાક્ય બોલીને કોઈ છોકરી સાથે એણે વાત કરી છે એ જોતા જરૂર એની બગલબચ્ચી હોવી જોઈએ.

"લંકેશ, આ સાચો પ્રેમી દેખાતો સમીર કોઈ મજનું નથી. એને ઘણા લફરાં લાગે છે." ધીમેથી લંકેશના કાનમાં એણે કહ્યું ત્યારે ફોન કટ કરીને સમીર એના બાઈક પાસે પહોંચી ગયો હતો. કી ભરાવીને એણે બાઇકને કીક મારી ત્યારે જાણે એકાએક જ અનુપ અને લંકેશ ઉપર નજર પડી હોય એમ બોલ્યો, "અરે અનુપ લંકેશ તમે બે અહીં ક્યાંથી?"

"અમે એન્જીના પરિવારને સાંત્વના આપવા આવ્યા હતા. હમણાં અમારી આગળ જ તું આવ્યો પણ અમેય એન્જીના વિચારમાં હતા એટલે તને ઓળખ્યો નહિ.”

અનુપે પણ બનાવટ કરી. પણ એને ખબર નહોતી કે સમીરે એ બંનેને છેક કોલ્ડ મુનના ગાર્ડનમાં જોયા હતા. અને ઓડીના કાચમાં વાળ સરખા કરવા નહિ પણ પાછળ એ બંને આવે છે કે નહીં એ જોવા ઉભો રહ્યો હતો. કારણ ફોન પરની વાતચીત એ બંને સાંભળે એ જરૂરી હતું.

"હમમ ઓકે તમે તો ખાસ ઓળખતા હશોને એન્જીને?" સમીરે બાઈકના એક તરફના અરીસામાં ચહેરો જોતા પૂછ્યું.

અનુપને સમજાયું નહીં કે આ ટોન્ટ છે કે સરળ વાક્ય છે પણ લંકેશ તેના ભારે અવાજમાં બોલ્યો, "હા પણ હવે એ નથી રહી."

"વેલ અમે જરા ઉતાવળમાં છીએ ફરી મળીએ કોલેજમાં." અનુપે કહ્યું.

"ઓકે સી યુ ગાયઝ." સમીરે ન્યૂટ્રલમાં ધબકતા બાઇકને ફર્સ્ટમાં નાખ્યું અને એક્સીલેટર દબાવી દીધું.

થોડીવારમાં ફરી સમીરના ચહેરાના હાવ ભાવ બદલાઈ ગયા. એણે તરત જ મોબાઈલ નિકાળી ચાલુ બાઈકે જ એક નંબર ડાયલ કર્યો.

"હેલો બોસ, હું ખાન."

"બોલ ખાન શુ સમાચાર છે? આટલો ગભરાયેલો કેમ છે?"

"સોરી બોસ બેઅદબી માફ પણ હું ગભરાયેલો નથી. બસ ચિંતા છે, સમાચાર જ એવા છે."

"બોલીશ કે નહીં?"

"ફરી એક સ્યુસાઇડ થઈ છે." એના અવાજમાં ભય ભળતો હતો.

"ઓહ માય ગોડ, સમીર હરીઅપ હવે તારું કામ જલ્દી આટોપી લે તું."

"પણ એમાં સમય તો જોઈશે જ બોસ. પ્લીઝ લેટ મી હેવ 30 ડેઝ મોર. પ્લીઝ.." તેણે રીતસરની વિનંતી કરી, “આ કામ ધાર્યા જેટલું સહેલું નથી.”

"ઓકે ખાન પણ તારા ઉપર કોઈને શક તો નથી ગયો ને?"

"નો બોસ જરાય નહીં. ડોન્ટ વરી, હું ફરી કોન્ટેકટ કરીશ તમારો... નવું સિમ લઈને."

"આઈ એમ વેઇટિંગ." એ જ વૃદ્ધ પણ ધારદાર અવાજ આવ્યો અને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. સમીરે મોબાઈલ પોકેટમાં સરકાવ્યો અને યામાહાનું એસેમ્બલ કરેલું બાઈક એકવાર ફરી જોરદાર પિક અપ સાથે અમદાવાદની સડક ઉપર ચિત્તાની માફક દોડવા લાગ્યું.

*

કોલેજના સો જેટલા યુવાન છોકરા અને ચાલીસેક જેટલી યુવાન છોકરીઓ કોલ્ડ મુનના પ્રાંગણમાં એકઠી થઈ. સારું હતું કે વરસાદ પડ્યો ન હતો. આકાશ સાફ હતું નહિતર અંતિમ ક્રિયાઓ માટે તકલીફ થાઓત.

આખી રાત ઉજાગરો હોવા છતાં નિધિ વહેલી જાગી ગઈ. જુહીએ લાવેલી કપડાંની બેગમાંથી શોધીને સૌથી જૂનું જીન્સ અને જૂનું શર્ટ કાઢીને નિધીએ પહેર્યું ત્યારે એને ફરી એક ઘટના યાદ આવી ગઈ. એની વિધવા મા ગુજરી ગઈ ત્યારે વિલીએ મૂછો મુંડાવી હતી અને મેરીએ ન ફાવતું હોવા છતાં સોગિયું કપડું પહેર્યું હતું. ઓહ ઈશ્વર કેટલી દયા હતી એ બેયના હૃદયમાં...! ફરી એકવાર નિધિની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. તે બંને અંગ્રેજ હતા, હિંદુ રીવાજો રશ્મોથી તેમને કોઈ લેવાદેવા ન હતી તેમ છતાં વિલીએ મૂછો મુડાવી હતી અને મેરીએ આછા આસમાની રંગનું સોગીયું ઓઢણું (ઓઢણી) પહેર્યું હતું.

બહાર ગામડેથી મેરી અને વિલીના સ્વભાવને જાણતા કેટલાય ખરખરે આવી પહોંચ્યા હતા. એમાંથી જ ઘણાએ કામગીરી હાથ ઉપાડી લીધી. વિલી હજુય એમ જ ખામોશ બેસી રહ્યા.

નિધીએ ઝડપથી ગ્રેવ યાર્ડમાં માણસો દોડાવીને કામગીરી હાથ ધરી. નિધીને બધી વિધિઓ આવડતી નહોતી. પણ એન્જીના મામા પેટ્રિક આવી પહોંચ્યા હતા એટલે એમની પાસેથી બધી પૂછપરછ કરીને નિધીએ જાણકારી મેળવી હતી. એ જાણકારી મુજબ દફન વિધિની તૈયારીઓ કરવા માટે માણસો દોડાવીને નિધિએ મહેમાનો માટે વ્યવસ્થા કરી.

નજીકના તો કોઈ ખાસ હતા નહિ અહીં. એક વિલી એક નિધિ સિવાય અહીં કોઈ હતું નહીં. આમ તો પેટ્રિક અંકલ રિવાજ મુજબ સીધા જ દફન વિધિની જગ્યાએ પહોંચોત પણ એ જાણતા હતા કે અહીં કોઈ હશે નહિ એટલે એ ઘરે જ આવ્યા હતા.

થોડીક વારે દૂરના સગાઓ પણ આવી ગયા. આખરી ઉદાસ મુલાકાત માટે...!

હેરેશ આવીને કોલ્ડ મૂન આગળ ઉભી રહી ત્યારે બંગલામાં ખરેખર ચુપકીદી છવાઈ ગઈ. મેરી અને એની દીકરી એન્જીને કોફીનમાં સુવાડવામાં આવ્યા ત્યારે વિલી એ દ્રશ્ય જોઈ ન શક્યા. એ ફરી ફસડાઈ પડ્યા. પેટ્રિક એમને ઘરમાં લઈ ગયા. નિધિ એ બે મા દીકરીને આખરી વાર જોઈ રહી.

અંતે બે ઇન્ડેવર નિધિની ઓડી તેમજ જુહી લઈ આવેલી રિટઝ પણ બંગલાના દરવાજે ખડી કરવામાં આવી.

એન્જી અને મેરીના કોફીન હેરેશમાં મૂક્યા. બધા લોકોએ હેરેશમાં ફૂલ મુક્યા. જોતજોતામાં આખી ગાડી ફૂલોથી ભરાઈ ગઈ. કોણ જાણે બધાને ખબર હોય કે એન્જીને ગુલાબ પસંદ હતા, મોટા ભાગના લોકોએ ગુલાબ જ મૂક્યા. ત્યારે પેટ્રિક અંકલની આંખો ભીંજાઈ આવી પણ નિધિ મજબૂત મનોબળ કરીને બધું જોઈ રહી. વાતાવરણમાં કરુણ ગમગીની છવાઈ હતી!

હેરેશ ઉપડી અને મા દીકરીને માટીમાં ભરી દેવા ચાલી ગઇ. નિધિએ આંખો લૂછી. જુહીએ કાર સ્ટાર્ટ કરી અને નિધિ એમાં ગોઠવાઈ. પેટ્રિક અંકલ નિધિ સાથે ગોઠવાઈ ગયા. વિલીને ગામવાળાએ બીજી ગાડીમાં ગોઠવ્યા. નીકળતા પહેલા પેટ્રિકે વિલીને રિવાજ મુજબ કાળા કપડાં પહેરાવ્યા હતા.

ચિત્રો એની આંખો આગળ આવતા ગયા ભૂંસાતા ગયા. કેવી ગજબ કશ્મકશ? પોતાની મા ગુજરી ત્યારે મેરીએ અને વિલીએ એને મા બાપની ખોટ પડવા દીધી નહિ પણ અત્યારે નિધિ વિલીને કશુંય આપી શકે તેમ ન હતી. તે પોતાની જાતને લાચાર અને વિવશ બનતી જોઈ રહી.

ઓડી પાછળ બીજી બધી ગાડીઓ સરતી રહી.

*

નવરંગપુરામાં જ કોલ્ડ મુનથી લગભગ બે ત્રણ કિમી દુર સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કુલના પાછળના ભાગે ગ્રેવ યાર્ડ હતું. હેરેશ અને બીજી ગાડીઓ સ્કુલના કંપાઉન્ડમાં દાખલ થઇ. કારમાંથી ઉતરીને બધા ગ્રેવ યાર્ડની અંદર પ્રવેશ્યા. ગ્રેવ યાર્ડ વિશાળ હતું. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળના ભાગે આવેલું એ ગ્રેવ યાર્ડ આજે ગમગીન લાગ્યું.

સમીર ખાન, સોનિયા, અનુપ, લંકેશ, રીટા, મોનીકા, સ્નેહા, ઋત્વિક, સાગર, અને બીજા ઘણા બધા કોલેજ સ્ટુડન્ટસ આવી ગયા. નિધિ એ કોઈને ઓળખતી નહોતી કેમ કે નિધીએ તો 10 મેટ્રિક પછી રેગ્યુલર ભણવાનું છોડીને સિગિંગ સાઈડ લીધી હતી. એ ઓપન યુનીવર્સીટીમાં ભણતી હતી માત્ર પરીક્ષા આપવા જ જવાનું. પણ બીજા બધા કોલેજ સ્ટુડન્ટસ એક બીજાને જાણતા પિછાણતા હતા છતાંય એ લોકો સમયના એવા કોઈ બિંદુએ એકઠા થયા હતા જ્યાં એક બીજાને સ્માઈલ પણ આપવાની ન હતી.

બધા ચેરમાં ગોઠવાઈ ગયા. નિધિ પણ એક ચેરમાં બેઠી પણ એકાએક એની આંખો ચોકી કેમ કે ખુરશી લાલ રંગની હતી. એ જ લાલ રંગ જે એન્જીને ગમતો.

કાસકેટ ગાડીમાંથી ઉતારવામાં આવી. બધાની સામે મુકાઈ. કાસકેટ ઉપર કેસકેટ સ્પ્રે તરીકે ફૂલ બાંધેલા હતા.

ફ્યુનરલ મ્યુઝીકના ગમગીન સુર રેલાયા ત્યારે તો વાતાવરણ ઓર કરુણ થયું.

બધા જ સગાઓ તો આવી શક્યા ન હતા પણ જે આવ્યા હતા એ રિવાજ મુજબના કપડાં પહેરીને આવ્યા હતા. વિલી, પેટ્રિક નિધિ અને બીજા સગાઓ કાસકેટ પાસે ગયા. કોઈએ કવિતા ગાઈ કોઈએ વાર્તા કહી.

પેટ્રિકે જીસસના જીવનના બે એક પ્રસંગો કહ્યા. વિલી બોલવા મથ્યા પણ એ બોલી ન શક્યા. નિધીએ ન ચાહતા હોવા છતાં ગઝલની પંક્તિઓ ઉચ્ચારી. એ જ ગઝલ જે નિધિ ગાતી અને એન્જી સાંભળ્યા કરતી.

"નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતાં પણ વધારે.......!"

પણ આજે એ સાંભળવા એન્જી નહોતી. છેલ્લી પંક્તિઓ ગાતી વખતે એક ભયાનક ડૂસકું નિધિના ગળેથી નીકળી ગયું. ત્યાં ઉભા દરેકે દરેકની છાતી ચીરી નાખે એવા સુરમાં આખીયે ગઝલ કરુણ રસથી નિધીએ ગાઈ. બરકતઅલી ગુલામહુસેન વીરાણીની એ પ્રખ્યાત ગઝલમાં કોઈ ગાયક એટલું દર્દ લાવી નહિ શક્યો હોય જેટલું નિધિના કંઠમાં ભરાયેલા ડુમાંમાંથી આવતા સૂરમાં હતું.

આખરે કોલ બિયરરે કોફીનના હેન્ડલ્સ પકડ્યા. બાકીના બધા એ સિમિટરી પ્રોસેસમાં જોડાયા.

"આખરી પ્રાર્થના બોલી શકો છો." પાદરી બોલ્યા.

બધાયે મનોમન પોત પોતાના ઈશ્વરને પ્રાર્થના કરી. પાદરીએ મોટા શ્વરે પ્રાર્થના કરી. બાઈબલના શબ્દો બોલાયા.

સિમિટરી સ્ટાફે કોફીનને ગ્રેવમાં દફન કરી. માટીથી બધાએ બંને કોફીનો કવર અપ કરી. જોતજોતામાં માટીમાંથી બનેલા બે જીવ માટીમાં સમાઈ ગયા. નિધિ અને વિલી તેમજ પેટ્રિક એ માટી તરફ તાકીને મીનીટો સુધી ઉભા રહ્યા. થોડોક વરસાદ શરુ થયો એટલે ધીમે ધીમે બધા લોકો જવા લાગ્યા.

*

મૃતકની યાદમાં એના માન માટે ડિનર યોજાયું ત્યારે કોલ્ડ મુનમાં બધા સગાઓએ ડિનર લીધું. બધાએ એમની ભૂતકાળની યાદો તાજી કરી. ભાગ્યે જ કોઈ એવું હતું જેને મેરી અને વિલી સાથે અણબનાવ હોય. બધા માટે મેરી અને વિલીના બંને ખાનદાન હમેશા મદદરૂપ થયેલા હતા. બધાએ અફસોસ કર્યો, વાતો કરી આખરે બધા છુટ્ટા પડ્યા અને વિલી જુહી અને નિધિ સિવાય આખુંય ઘર ફરી એકવાર ખાલી થઈ ગયું.

ખામોશી છવાઈ ગઈ. મૃત્યુ પછીની ખામોશી ભયાનક હોય છે. રોજ જેની સાથે કલાકો વાતો કરીએ એ એક પણ મિત્રો, સગા કે ઘરના માણસો સાથે એક શબ્દની પણ આપલે કરવી નથી ગમતી.

વિલી ફોયરમાં સોફાને અઢેલીને સુનમુન બેઠા. ઝાઝરમાન ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. નિધિએ એમના ચહેરા તરફ નજર કરી. હિન્દુસ્તાની લોકો જેવી મૂછો રાખતા યુવાન વિલીશ – કાળા લાંબા કોટમાં સજ્જ વિલી તેને દેખાયા. તે અને એન્જી વિલીના બંને ખભે ચડી જતી અને મજબુત વિલી બંનેને ફેરવતા. એન્જી એ મૂછોને પકડતી અને વળ ચડાવતી ઘણીવાર કહેતી, “યુ આર બ્રેવ પાપા...”

પણ આજે એ વિલી જાણે કોઈ લુંટાઈ ગયેલો માણસ હોય જીવનથી હારેલો તેમ ભાંગી જઈને બેઠા હતા. નિધિ એ જોઈ ન શકતી હોય તેમ ઉભી થઈને એન્જીના રૂમમાં ચાલી ગઈ.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED