પ્રસ્તાવના.....
મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબંધ નથી.
*
ઘણી આપઘાત આપણે રોજ છાપાના પનાઓમાં દેખીએ છીએ પણ એમાંથી ઘણી બધી આપઘાત ખરેખર આપઘાત હોતી નથી. એ હોય છે મર્ડર...! ઠંડે કલેજે પ્લાનીંગથી કરેલા મર્ડર...! જેમાં નથી કોઈ હથિયાર વપરાતા કે નથી કોઈ સબૂત મળતા. એ મર્ડર થાય છે ઇમોશનથી - લાગણીઓથી. હથિયાર વગર થયેલી એવી હત્યાઓ જેને આપઘાત, સ્યુસાઇડ, ખુદખુશી કે આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે ત્યાંથી શરૂ થાય છે આ કથાનો વિષય...!
જ્યાં ઘણીવાર છાપાના લેખ પુરા થાય છે જ્યાં ઘણીવાર પોલીસની તપાસ પૂરી થાય છે ત્યાંથી શરૂ થાય છે સસ્પેન્સ લેખકની કલમ...!
*
સિંહ તો માત્ર ગીર અને આફ્રિકામાં જ હોય. વાઘ ક્યારેક જંગલ નજીકના ગામમાં આવીને ઘેટું બકરું કે માનવ બાળ ઉઠાવી જાય ત્યારે છાપાના પહેલા પાને સમાચાર વાંચીને અરેરાટી વ્યાપે છે. પેલા હાઈના (ઝરખ), જંગલી કૂતરા અને દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં રખડે છે, શિકાર કરે છે અને ભૂખ સંતોષાઈ જાય એટલે ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી બીજા પ્રાણીઓને મારતા નથી.... પણ......
પણ...... પણ માણસ એવું ભયાનક પ્રાણી છે જેની ભૂખ ક્યારેય મટતી નથી.....!
રણમાં ચકરાવો મારતા ભૂખ્યા ડાંસ ગીધ માફક એ રખડયા કરે છે, શિકાર આસપાસ ચકરાવા લે છે અને પછી સીધી જ વાઘની જેમ તરાપ મારે છે. પણ એમાં શિયાળની જેમ ચાલાકી હોય છે. હમેશા નબળા શિકારને જ મારે છે.....!
જગતનું સર્જન થયું ત્યારથી જ બે શક્તિઓ છે એક પોઝીટીવ અને બીજી નેગેટિવ. હજારો વર્ષો વીત્યા માણસ બોલતો થયો, ટેકનોલોજી શોધતો થયો, મોડર્ન બન્યો પણ પેલી નેગેટિવ શક્તિ યથાવત જ રહી છે... બલકી ટેકનોલોજીના વિકાસ સાથે સાધનોનો પણ નેગેટિવ ઉપયોગ થતો રહ્યો છે. પોલીસની પિસ્તોલ કરતા માફિયાઓની રીવોલ્વોલ વધારે વપરાય છે. આર્મીની રાઇફલ કરતા આતંકવાદીઓની રાઇફલ વધારે વપરાય છે. એ સત્ય છે. એને નકારી ન શકાય.
એ ક્યારેય હોલવાઈ નથી. સળગતા અંગાર ઉપર હવા ન અડતા થોડીક રાખ બાજે છે અને ફરી કોઈ પવનનું તીવ્ર જોકુ આવીને એ રાખ ઉડાવી જય છે. માનવની નેગેટિવ શક્તિઓ ઉપર સજા નામની થોડીક રાખ વળે છે અને સમય નામના પવનની ઝાપટ આવીને ફરી એને ધગધગતો બનાવે છે... આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે... ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે...
અહીં નેગેટિવ શક્તિઓ જેના ઉપર હાવી થઈ હોય એવા લોકોને સમજાવવાનું કે પછી યેન કેન પ્રકારેણ મિટાવી નાખવા સુધીનું પગલું લઈને પોઝીટીવ શક્તિઓની અસરમાં જીવતા સરળ માનવોને શાંતિ મળે, અનુશાસન રહે એ માટે નીકળેલા એજન્ટ એ’ની આ કહાની છે. પણ ક્યાં સુધી? આખરે એક માણસ ક્યાં સુધી લડે? એક હકીકત એ છે જે નકારી ન શકાય. માણસની ઉંમર મર્યાદિત છે. અને એજન્ટ એ’ની પણ ઉંમરની એક મર્યાદા તો હોય જ ને?
ક્યાં સુધી લડશે એ માણસ? આખરે ક્યાં સુધી? દિન પ્રતિદિન પેલી નેગેટિવ શક્તિઓ કોઈને કોઈ સ્વરૂપે શક્તિશાળી બનતી જાય છે.
કદાચ એવી સ્થિતિ આવે કે જંગલમાં એકેય હરણ રહે જ નહીં અને વધે એકલા સિંહ! ભૂખ્યા સિંહ! પછી શું થશે? પછી શરૂ થશે અંદરોઅંદરની લડાઈ.
આજે ન માત્ર ભારત આખીયે દુનિયાની આ હાલત છે. બે વર્ષની બાળકીનો બળાત્કાર થાય છે, આઠ વર્ષનો છોકરો સ્કૂલથી ક્યારેય પાછો ફરતો નથી, કીડીનીઓ વેચાય છે, સ્ત્રીઓ વેચાય છે, નાની વાતે રિવોલ્વરનું નાળચુ જવાબ આપે છે, પોલીસ અને નેતા ભ્રસ્ટ છે, માણસો આંધળા છે! ટૂંકમાં અહીં શિકારીઓ વધારે છે અને શિકાર પણ.....!
વિકી ત્રિવેદી
નબળો શિકાર મરે છે. ઘણીવાર ભૂખ્યા શેતાન સમાં શિકારી પણ હણાય છે. છતાં ગીધ? ગીધ કયારેય મરતા નથી. એ શિકાર કરતા જ નથી. એ તો ક્યારેય જોખમ લેતા જ નથી ! નિર્બળ શિકાર મરે કે ખૂંખાર ભેડિયા જેવો શિકારી ગીધ બધાની મિજબાની ઉડાવે છે !
વિકી ત્રિવેદી
પ્રકરણ 1
તેણીએ પોતાની ડાયરીમાં આજની તારીખના પાને છેલ્લી લાઈન લખી. એ લખતા એ જાણતી હતી કે એ કોના માટે લખી રહી છે. બધું જ છોડી દીધા પછી પણ એક છેલ્લી લાઈન પોતાની વહાલી નિધિ, તેના પેરેન્ટ્સ મેરી અને વિલીશ માટે લખી ડાયરી બંધ કરી.
એના છેલ્લા શબ્દો હતા – ગુડ બાય.
તે ઉભી થઇ, આયનામાં પોતાની બ્લડ શોટ આંખો તરફ જોયું. કેટલા દિવસથી પોતે ઊંઘી શકી નહોતી. હવે એ આંખોને કાયમ માટે બંધ કરી દેવાનો સમય આવી ગયો હતો. એ મરવા ચાહતી હતી છતાં એ વિચારે એના આખા ચહેરા પર પરસેવો વળી ગયો. એના ચહેરા પર ભયની રેખાઓ કબજો જમાવે એ પહેલા દુખની રેખોએ પાછુ પોતાનું સામ્રાજ્ય સ્થાપી લીધું. એનો નિર્ણય વધુ મક્કમ બન્યો.
તે બંગલા બહાર નીકળી. કોલ્ડ મૂન - બંગલાનું નામ વાંચ્યું.
તે ફરી અંદર ગઈ. એને લાકડાની સીડીઓ ચડી છત પર જતા રોકવા બાળપણની યાદો ઘેરી વળી. લાકડાની સીડી પર નિધિ સાથે કરેલી ધમાચકડી અને તોફાન મસ્તીના દ્રશ્યો એની આંખ સામે રીવાઈન્ડ થયા છતાં એ ચિત્રોનું વિલોપન કરી એ સ્વવિલોપન માટે છત પર પહોચી. ધાબાના કઠેડા પર પગ મુકતા પહેલા પોતાનો ઊંચાઈનો ડર યાદ આવ્યો પણ ડર એ માત્ર એક ભ્રમણા છે વિચારીને કઠેડા પર બંને પગ જમાવ્યા.
ગાલ પરથી વહીને આંસુ એક ટીપા રૂપે જમીન તરફ પડ્યું અને એ પછી એન્જી જાણે એને પકડી લેવા માંગતી હોય એમ કુદી પડી. એ હવાને ચીરતી નીચે પડતી જ રહી અને પોતાના જ આંસુને અનુસરતી જમીન સાથે અથડાઈ. જમીન એના લોહીથી ભીંજાઈ ગઈ. એની આંખોએ મૃત્યુના દ્વાર એના માટે ખુલતા જોયા અને એ ફરી હવામાં વિહરવા લાગી.
હવે એ કોઈ લાગણી અનુભવી શકે તેમ નહોતી.
*
એ પડી એ સાથે જ કોલ્ડ મુનના પાછળના ભાગે એક દર્દભરી ચીસ હવામાં ભળી. તેના દાંત ભયાનક પીડાથી બીડાયા, તેના આંગળા રેતમાં ખુંપી ગયા. તેના પગમાં એક બે સેકંડ માટે સંચાર થયો અને પછી કોલ્ડ મૂનના પથ્થરો જેમ તે નિર્જીવ બની ગઈ.
*
ડો. રામ ત્રિપાઠીની પત્નીએ તે કારમી ચીસ સાંભળી અને તેમના હાથમાંથી નાસ્તાની પ્લેટ છટકી ગઈ. તે હાંફળી ફાંફળી બનીને કોલ્ડ મુન તરફ દોડી. કોલ્ડ મુનના પાછળના ભાગેથી જ એ અવાજ આવ્યો હતો એ બરાબર તેણીએ નોધ્યું હતું એટલે એ સીધી જ દોડતી પાછળના ભાગે ગઈ.
આટલું દોડીને તેના શ્વાસ ફુલાઈ ગયા હતા. તેની પીઠ પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. અને જયારે તે બંગલા પાછળ પહોંચી તેની આંખો ફાટી ગઈ. તેણીએ જે અમંગળ ધારણા કરી હતી તેવું જ દ્રશ્ય જોવા મળ્યું. મોઢામાંથી લોહીનો રેલો નીકળેલી એન્જી પડી હતી.....!
“ઓહ માય ગોડ.......”
અને પછી,
“અરરરર......”
“હે ભગવાન.....” જેવા કેટલાય શબ્દો તેના હોઠમાંથી નીકળ્યા. તેના પેટ, હાથ અને પગમાંથી ધ્રુજારી વછૂટી. તેણીએ બંને હાથે માથું પકડી લીધું અને પાછી ત્રિપાઠીને ફોન કરવા ઘર તરફ ભાગી... તેની શક્તિ પહેલા આટલા સુધી આવતા અને પછી ભયાનક છાતી ફાટી જાય તેવું દ્રશ્ય જોઇને જ ખર્ચાઈ ગઈ હતી છતાય તે સ્ત્રીની અંદરુની શક્તિનો ઉપયોગ કરીને ઘર તરફ દોડતી રહી..!
*
4 મહિના પહેલા.....
રાજકોટની પદ્મા કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્શમાં એક દેખાવડો યુવાન પ્રવેશ્યો. ઉંચો, પાતળો અને સપ્રમાણ તે યુવાન આછા આસમાની રંગના શર્ટ ઉપર થોડાક ઘેરા બ્લુ શૂટમાં હેન્ડસમ લાગતો હતો. તેની ભૂરી આંખો અને ભૂખરાવાળને લીધે તે અંગ્રેજ જેવો ગોરો દેખાતો હતો. તે ઘડીભર કશુક નિરિક્ષણ કરવા ઉભો રહ્યો. ઘડિયાળમાં જોયું.
લોફરના ભૂખરા જોડાવાળા પગ ઉપાડી તે પ્રિન્સીપાલ ઓફીસ તરત ગયો. કોલેજના છોકરા છોકરીઓ સામે નજર કર્યા વગર જ તે ઝડપથી ઓફિસમાં પ્રવેશ્યો.
“મી. જવાહર રાઠી, રાઈટ?” યુવાને ખુરશીમાં બેસતા હસીને કહ્યું.
“જી આપ?” તેના શૂટ બુટ જોઇને આધેડ પ્રિન્સિપાલે માનથી પૂછ્યું.
યુવાને બોલ્યા વગર જ ખિસ્સામાંથી એક આઈ.ડી. કાઢીને ટેબલ ઉપર હળવેથી સરકાવ્યું. મી. રાઠીએ આઈ.ડી. લીધું. જેશન કોન્સ્ટેનટાઈન – સી.બી.આઈ. એજન્ટ.
“આપણે ફોન પર વાત થઇ તે મુજબ આ એક સિક્રેટ મિશન છે. વી હોપ યુ વિલ કોઓપરેટ.” જેશને સત્તાવાહી સ્વરે છતાં નરમાશથી કહ્યું.
“ચોક્કસ મી. કોન્સ્ટેનટાઈન.” મી. રાઠી ઉભા થયા અને રજીસ્ટર કાઢીને જેશન તરફ લંબાવ્યું.
“થેન્ક્સ..” જેશને રજીસ્ટર લીધું અને ઉમેર્યું, “પ્લીઝ મેક સ્યોર અત્યારે ઓફિસમાં કોઈ આવવું ન જોઈએ.”
“સ્યોર વિધાઉટ બેલ અહી કોઈ નહિ આવે સર.” રાઠી પોતાની ચેરમાં ગોઠવાયા, “સર આપના માટે કશુંક પીવા....”
“નહિ નહિ સર, તેવી કોઈ જરૂર નથી.” તેણે વિવેકથી ના પાડી અને ફાઈલ ઉથલાવવા લાગ્યો.
પંદરેક મિનીટ તેણે ફાઈલ જોઈ. રાઠી ગભરાઈને મનોમન પ્રાથના કરતા રહ્યા.
“વેલ મી. રાઠી, જીજ્ઞાએ આપઘાત કર્યો તે બાબતે તેના મિત્રોનું શું કહેવું છે?”
“તેને ખાસ કોઈ મિત્રો નહોતા.” રાઠીએ ગભરાતા ગભરાતા કહ્યું તે જેશનના ધ્યાન બહાર ન રહ્યું પણ તે ગુનો કર્યાનો ભય ન હતો તેમના ચહેરા ઉપર કોલેજની પ્રતિષ્ઠા ઓછી થાય તે ભય હતો.
“તેને ખાસ કોઈ મિત્રો નહોતા...” તેમણે ગળું ખંખેરીને આગળ કહ્યું, “તેને તેના એરિયામાં કોઈ પ્રેમી હતો જે છોડીને ચાલ્યો ગયો એટલે તેણીએ આત્મહત્યા કરી. તે અહી એકલી જ રહેતી હતી.”
“ઓકે થેન્ક્સ મી. રાઠી.” જેશને ઉભા થઇ હાથ મિલાવ્યા, “આ બાબતે સી.બી.આઈ. તપાસ થાય છે તે વાત આ દસ બાય બારની કેબીન બહાર નહિ જાય તેવું હું માનું છું.”
“સર સવાલ જ નથી, સરકારી કામમાં અમે સહયોગ આપીએ જ ને. બધું સિક્રેટ રહેશે હું ખાતરી આપું છું.”
જેશને એક સ્મિત વેર્યું અને તે બહાર નીકળી ગયો.
*
જેશનની હોન્ડા સીટી રાજકોટની ત્રણેક કોલેજોમાં ફર્યા પછી બીજા દિવસે વડોદરામાં પ્રવેશી. તેણે એક હોટેલમાં રૂમ રાખી. જમીને થોડોક આરામ કરીને તેણે રૂપ બદલ્યું. સફેદ ફૂલ બાયનું શર્ટ અને બ્લુ પેન્ટમાં તે તૈયાર થયો. બેગમાંથી બીજું આઈ.ડી. લીધું.
હોટેલથી તે સીધો જ શ્રીમતી અનુરાધા કોલેજ ઓફ કોમર્શની પ્રિન્સીપાલ ઓફિસે ગયો. પ્રિન્સીપાલના કરચલીવાળા ચહેરા ઉપર જાડા કાચના ચશ્માં છેક નાક ઉપર લટકે તે રીતે દોરીથી બાંધેલા હતા.
“મી. અલકેશ ડાભી રાઈટ?” જેશને બેઠક લીધી.
“યસ તમે?”
“હું નિયાન પુલમેન.” કહી તેણે આઈ.ડી. આપ્યું.
“સર, મને ફોન ઉપર માહિતી મળી ગઈ હતી પણ ચહેરાથી આપને હું ઓળખતો નહોતો એટલે થાપ ખાઈ ગયો. સોરી.”
“નો પ્રોબ્લેમ સર.” તેણે વિવેકથી હસીને ડાભીના હાથમાંથી આઈ.ડી. લીધું.
“સર આપને સપના ચોધરીના સ્યુસાઈડ બાબતે રજીસ્ટર જોવા છે ને?”
“યસ પ્લીઝ...”
“એક જ મિનીટ...” ડાભી ઉભા થયા. તરત જ પોતાની મોટી ફાંદમાં જોરથી શ્વાસ ભરતા જરૂરી રજીસ્ટર અને ફાઈલો લઈને આવ્યા. ત્રણેક રજીસ્ટર અને એક ફાઈલનો ટેબલ ઉપર ખડકલો કર્યો. નિયાન પુલમેન તરીકે આવેલા જેશને તરત જ પોતાની કામગીરી શરુ કરી.
તેણે રજીસ્ટર જોયું. એક પાનાં ઉપર તેની આંગળી અટકી અને આંખો પહોળી થઇ. પણ ડાભી ટગરટગર જોઈ રહ્યો છે તે જાણતો હતો એટલે કાચી સેકંડમાં ડાભીને કશુય અણસાર આવે તે પહેલા તેણે સ્વસ્થતા મેળવી.
“વેલ મી. ડાભી થેન્ક્સ ફોર કોઓપરેશન...” તે ઉભો થયો.
“સર તમને કામનું કઈ....”
“ધેટ્સ નોટ યોર બિઝનેસ...” ડાભીને વચ્ચે જ અટકાવી તેણે કડક અવાજે સપાટ ચહેરે સંભળાવ્યું, “એન્ડ આ મીટીંગ આ કેબીન બહાર ન જવી જોઈએ અન્ડરસ્ટેન્ડ?”
“જી સર...”
તેણે ફરી ઠંડા પડી સ્મિત વેર્યું અને હાથ મીલાવી બહાર નીકળી ગયો. હાથ મીલાવતી વખતે ડાભીના હાથમાં થતી આછી ધ્રુજારી તેનાથી છાની ન રહી.
*
તેણે ગાડીમાં બેઠક લીધી, ગાડી ચાલુ કરી અને હોટેલ તરફ લીધી. તેણે રજીસ્ટરમાં લીવીંગ સર્ટીફીકેટ અપાયેલા (કોલેજ છોડીને જનારા) વિધાર્થીઓની સૂચી જોઈ તેમાં એક નામ જોઇને તેના મનમાં કશુક ઘડ બેસી હતી. કોલેજમાં જતા પહેલા તેણે કોલેજના એક સ્ટુડેન્ટ પાસેથી સપના ચોધરીના મિત્રો વિષે માહિતી મેળવી હતી. રજીસ્ટર મુજબ સપના ચોધરીના બોયફ્રેન્ડ અને તેના એક મિત્રએ સપનાના મૃત્યુ પછી કોલેજ છોડી દીધી હતી. તેનો બોયફ્રેન્ડ તો પાગલ બની ગયો હતો. તેણે ભણવાનું જ છોડી દીધું હતું એટલે એ સ્વભાવિક હતું પણ સપનાનો મિત્ર કોલેજ કેમ છોડે તે પ્રશ્ન તેને મૂંઝવવા લાગ્યો.
તેણે હોટેલ આગળ ગાડી રોકી. ઝડપથી રૂમમાં ગયો. નાસ્તો અને કોફી મગાવ્યા. રૂમ સર્વિસ આવે ત્યાં સુધી તેણે કપડા બદલ્યા. તેનું રૂપ આખુય ફરી એકવાર બદલાઈ ગયું. કાળી જાડા કાપડની આખી બાયની ગોળ ગળાની લુઝ ટીશર્ટ અને આસમાની રંગનું જીન્સ પહેર્યું. ઉતારેલા કપડા બ્રીફકેસમાં ભર્યા. જૂતા એક ઝભલામાં ભરીને બીજી બેગમાં મુક્યા અને બેગમાંથી સ્પોર્ટ્સ સુજ કાઢ્યા. નિયાન અને જેશન નામના બંને આઈ.ડી. બેગમાં મુક્યા અને ત્રીજું ક્રિસ્ટોફર લાર્સન નામનું આઈ.ડી. કાઢીને ખિસ્સામાં મુક્યું. ઈન્સ્ટન્ટ કેમેરાથી પોતાનો ફોટો લીધો.
બેલ વાગી એટલે તરત તેણે દરવાજો ખોલ્યો. વેઈટર નાસ્તો અને કોફી મુકીને તેની સામે નવાઈથી જોઇને ચાલ્યો ગયો.
તેણે નાસ્તો અને કોફી પતાવ્યા. બેગ્સ લઈને નીચે ગયો. ચેક આઉટ કરીને તે સ્ટુડેન્ટના ઘર તરફ ગાડી લીધી જે સપનાના મૃત્યુ પછી કોલેજ છોડી દીધી હતી. માત્ર એટલાથી કઈ સાબિત થતું ન હતું પણ તેને તેની સિકસ્થ સેન્સ કશુક સંદેશો આપી રહી હતી એટલે તેણે એક પાતળા શક ઉપર એ તપાસ કરવાનું નક્કી કર્યું હતું.
*
તે સ્ટુડેન્ટના પડોશીઓ પાસેથી કામની માહિતી મેળવીને તેની ગાડીએ અમદાવાદ હાઈવે પકડ્યો.
મારે અમદાવાદમાં તપાસ કરવી પડશે. ચોક્કસ કઈક રહસ્ય એ છોકરામાં છે. ચોક્કસ. તેણે ચ્વીંગમ કાઢીને મોઢામાં નાખ્યું. વિચારવા માટે તેને એ ટેવ હતી.
અમદાવાદ નજીક આવતું ગયું પણ આવડા મોટા અમદાવાદમાં તેની તપાસ કઈ રીતે કરવી તે પ્રશ્નનો કોઈ તાળો તેને મળતો ન હતો. ચ્વિંગમ ફિક્કું થઇ ગયું ત્યાં સુધી તેણે મગજને કસરત કરાવી. આખરે તેણે ચ્વિંગમ થુક્યું.
અમદાવાદમાં તેણે ચાંદખેડામાં એક હોટેલમાં ઉતારો લીધો. રૂમમાં બેગ્સ મુકીને તેણે થોડો આરામ કર્યો પણ તેનું મગજ જપતું ન હતું. એકાએક તેના હાથમાં ફરતો મોબાઈલ અટકી ગયો. તેના ચહેરા ઉપર ચમક આવી.
‘યસ સી કેન ડુ ધેટ... ધેટ ઈઝ પોસીબલ....’
તેણે ઉભા થઈને કોઈ નંબર જોડ્યો.
“યસ...”
“જો તારે એક કામ કરવાનું છે.”
“ફરમાવો મહેરબાન...”
“અમદાવાદની બધી કોલેજોના ડેટા હેક થઇ શકશે?”
“કેમ નહી? ધેટ્સ માય બીઝનેસ ડાર્લિંગ...” સામેથી અવાજ આવ્યો તેના ચહેરા ઉપરની ચમક વધી.
“ઓકે, હું તને એક નામ કહું છું તે તારે જોવાનું છે. એ છોકરો કઈ કોલેજમાં ગયો છે તે માહિતી મારે જોઈએ....” કહીને તેણે હમણાં સુધી શું કર્યું તેની આછી રૂપરેખા આપી અને એ છોકરાનું નામ આપ્યું.
“તને કલાકમાં એ માહિતી મળી જશે, રીલેક્સ.”
“થેંક્યું...” તેણે ફોન મુક્યો અને વળતા જવાબની રાહ જોવા લાગ્યો.
*
કલાક પછી ધાર્યા મુજબ જ ફોન આવ્યો.
“યસ એ નામના ઘણા છોકરા છે પણ કાસ્ટ અને ફાધરનું નામ પણ સેમ હોય તેવા માત્ર બે જ છે એક એન.પી.કોલેજ ઓફ આર્ટસ અને બીજો લિબર્ટી કોલેજમાં છે.”
“હું શોધી લઈશ...”
તેણે ફોન મુકીને ઘડિયાળમાં જોયું. સાંજ પડી ગઈ હતી એટલે કોલેજમાં જવાનો કોઈ અર્થ ન હતો. તેણે લેપટોપ કાઢીને બંને કોલેજની સર્ચ કરી અને બંનેના પ્રિન્સીપાલ વિષે માહિતી લીધી.
*
બીજા દિવસે સવારે તૈયાર થઈને તે એન.પી. કોલેજમાં ગયો. પ્રિન્સીપાલને ક્રિસ્ટોફર લાર્સન નામનું આઈ.ડી. બતાવ્યું.
“સર હું તમારી શું સેવા કરી શકું?”
“દેખો મી. વ્યાસ....” તેણે એન.પી. કોલેજના પ્રિન્સીપાલની માહિતી મેળવી લીધી હતી, “તમારે કશું વધારે કામ કરવાનું નથી માત્ર સેકંડ યરના ન્યુ એડમીશનનું રજીસ્ટર મને બતાવવાનું છે.”
“સ્યોર સર.” વ્યાસે બીજા વર્ષમાં નવું એડમીશન લીધું હોય તેનું રજીસ્ટર લાવીને આપ્યું. તેણે ઝડપથી બધા નામ જોયા પણ તે નામ તેને ક્યાય દેખાયું નહિ.
“વોટ ધ....” તે મનમાં જ ગાળ બોલ્યો. એના હેકીન્ગમાં ફોલ્ટ કઈ રીતે આવે? ઇટ્સ ઈમ પોસીબલ. તે નવાઈથી વિચારતો રહ્યો.
“સ્ક્યુઝ મી મી. વ્યાસ...” તે બહાર ગયો અને ફોન કાઢીને નંબર મેળવ્યો.
“ફરમાવો....”
“તારા કામમાં લોચા જ હોય છે યાર, અહી કોઈ એ નામનો છોકરો જ નથી.”
“વોટ? ઇટ્સ નોટ પોસીબલ...”
“અરે પણ મેં સેકંડ યરનું રજીસ્ટર મારી જાતે તપાસ્યું છે.” તેના અવાજમાં અણગમો ભળ્યો.
“એક મિનીટ તું શાંત થઈશ પ્લીઝ?”
“ઓકે ઓકે હું શાંત છું. સો વોટ નાઉ?”
“હું ફરી ચેક કરું. તું હોલ્ડ કર એક જ મિનીટ થશે, એકવાર કરેલું કામ કરતા બીજી વાર સમય ન લાગે.”
“ઓકે...” તે મોબાઈલ લઈને ત્યાં જ ઉભો રહ્યો. વિચારવા માટે ચ્વિંગમ મોઢામાં નાખ્યું.
“સાંભળ, તે છોકરો સેકંડ યરમાં નથી ફર્સ્ટમાં છે.” સામેથી અવાજ આવ્યો અને તેની નવાઈ બેવડાઈ ગઈ.
“વોટ? આર યુ સ્યોર?”
“તને મારા ઉપર વિશ્વાસ જ નથી. તું જઈને ફર્સ્ટ યરનું રજીસ્ટર જોઈ કેમ નથી લેતો?” સામેથી છંછેડાયેલો અવાજ આવ્યો અને ફોન ડિસ્કનેકટ થઈ ગયો. આ છોકરી સુધરવાની નથી તે મનમાં બબડ્યો અને ફરી ઓફિસમાં ગયો.
“સોરી મી. વ્યાસ મારે જરાક ચૂક થઇ. મારે ફર્સ્ટ યરમાં ન્યુ એડમીશનનું રજીસ્ટર જોવું છે.”
“સર તમે નામ કહો તો હું ઓનલાઈન જ બધું જોઈ આપું.” વ્યાસને આ બધું વિચિત્ર લાગ્યું પણ સી.બી.આઈ. સામે તે કશું કરી શકે તેમ ન હતો.
“અચ્છા તો મી. વ્યાસ તમે સી.બી.આઈ.માં આવી જાઓ અને હું પકોડીની લારી કાઢું.”
“સોરી સર મારા કહેવાનો....”
“દેખો મી. વ્યાસ સી.બી.આઈ. તપાસ ક્યારે કરે અને કેમ કરે તેટલી સમજ તમને નથી પડતી શું? મેં કહ્યું ને હેન્ડ મેડ રજીસ્ટર જોઈએ તો એ લાવોને...”
વ્યાસ ઝંખવાણા પડીને ફર્સ્ટ યેર ન્યુ એડમીશનનું રજીસ્ટર લઇ આવ્યા. તેણે ઝડપથી બધા નામ જોયા. અને ત્રીજા જ પાને તેને જે માહિતી જોઈતી હતી તે મળી ગઈ. તે છોકરાનું નામ ફોટો બધું જ હતું. પણ વ્યાસને અણસાર ન આવે તે માટે તેણે પાનાં ફેરવે રાખ્યા. જાણે કાઈ માહિતી મળી જ ન હોય તે રીતે ચહેરો બગાડીને તેણે રજીસ્ટર ટેબલ ઉપર પછાડ્યું.
“સાલો એ ક્યાં ગયો હશે હવે મારે કઈ કોલેજમાં તપાસ કરવાની એની...” વ્યાસને સંભળાય તેમ તે જાણે પોતાની જાતને કંટાળીને કહેતો હોય તેમ બબડ્યો. પણ પોતાની કોલેજમાં કોઈ લોચો નથી તે ખાતરી થતા વ્યાસ રાજી થઇ ગયા.
“સર બીજી કોઈ મદદ કરી શકું...”
“નો મી. વ્યાસ, અને આ મીટીંગની હવા આ ઓફીસ બહાર ન જવી જોઈએ. સમજ્યા.”
“જી સર જી.” વ્યાસે છુટકારો મળ્યો હોય તેવા આનંદથી કહ્યું. ક્રિસ્ટોફર બનીને આવેલા જેશને તેની સાથે હાથ મિલાવ્યા અને સુચના આપી, “ડોનેશન ઓછા લેજો એ બધું અમારા ધ્યાનમાં જ છે...”
એટલું કહીને વ્યાસના ચહેરા ઉપર તરી આવેલી ભયની રેખાઓ જોયા વિના જ તે નીકળી ગયો.
તેણે ગાડી સીધી જ હોટેલ લીધી.
તેણે જેશન કોન્સ્ટેનટાઈન, નિયાન પુલમેન અને ક્રિસ્ટોફર લાર્સન નામે રૂપ બદલ્યા તેના ત્રણેય રૂપના કેમેરામાં ઈન્સ્ટન્ટ ફોટા લીધા હતા. તે ત્રણેય ફોટા અને ત્રણેય આઈડી કાઢીને તેણે એક ફાઈલના પહેલા કોરા કાગળ ઉપર ગુંદરથી લગાવ્યા. દરેક ફોટા નીચે જે તે નામ લખ્યા. ફાઈલ ઉપર ટાઈટલ આપ્યું, “ધ મિસ્ટ્રી ઓફ સ્યુસાઈડ” અને પોતે મેળવેલી દરેકે દરેક વિગત તેમાં પાછળના કોરા પાનાઓમાં ટપકાવી. છેલ્લે તા.ક.માં લખ્યું, “મેં જોયેલા ફોટાનો સ્કેચ આપણા સ્કેચ પેઈન્ટર પાસે વર્ણન મુજબ દોરાવવાનો બાકી છે. એ દોરાઈ જાય પછી ફાઈલ ફોરવર્ડ કરવી.”
અંતમાં તેણે આ ત્રણેય ફેક નામ સિવાયના તેના અસલી નામથી સાઈન કરી.
બેગ્સ પેક કરીને તેણે ચેક આઉટ કર્યું. બહાર કેન્ટીનમાં તેણે આરામથી નાસ્તો કર્યો અને વિચારતો રહ્યો. તેણે વડોદરામાં ફર્સ્ટ યર ક્લીયર કર્યું તો પછી અહી ફરીથી ફર્સ્ટ યરમાં એડમીશન કેમ લીધું? વડોદરા અને અમદાવાદમાં વિષયો તો એક જેવા મળી રહે છે તો પછી કેમ આવું? ચોક્કસ મારે હવે આ કુવામાં ઊંડા ઉતરવું પડશે.
તેણે નાસ્તો પતાવ્યો અને ગાડી વડોદરા તરફ ભગાવી...
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky