શિકાર : પ્રકરણ 3 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 3

"આ તમે શું કહો છો ડોકટર ત્રિપાઠી?" કાને ધરેલ મોબાઈલ ધ્રુજતા હાથમાંથી પડી ન જાય એટલે તેના પર એના હાથની ભીંસ વધવા લાગી.

"મિસ નિધિ, આ દુર્ઘટના હમણાં જ ઘટી છે, એકાદ કલાક પહેલાં જ."

"ડોકટર આઈ ટેલ યુ જો આ કોઈ પ્રેન્ક હશે તો... તો હું તમને આવી મજાક માટે....." હજુયે આ મજાક છે આ રોંગ નંબર છે એવું સામેથી ડોક્ટર કહી દે તો સારું એવો અવાજ એવી પુકાર એના હ્રદયમાંથી ઉઠવા લાગી. એન્જી અને આત્મહત્યા બંને શબ્દો એકસાથે અશક્ય હતા. એ એન્જી જેણીએ પોતાને પળેપળે હિમત અને અગણિત પ્રેમ આપ્યો હતો તે એન્જી આત્મહત્યા કરે એ વાત તેનું દિલો દિમાગ માની શકે તેવી ન હતી.

"સોરી મિસ નિધિ હું પ્રતિષ્ઠિત ડોકટર છું. આ પ્રકારની પ્રેંક હું ન કરું અને તમારી હાલત હું સમજી શકું છું. આવા અણધાર્યા સમાચાર માનવામાં ન આવે એ હું સમજી શકું છું." ડોકટર વચ્ચે બોલી ઉઠ્યા ત્યારે એમના અવાજ પરથી નિધીને ખાતરી થવા લાગી કે એન્જી..... ને ક્યારે એના કાન અને હાથ વચ્ચેથી મોબાઈલ સરકીને ફર્શ પર પડ્યો એ નિધીને જાણ બહાર રહ્યુ. તેને ચક્કર આવવા લાગ્યા. રૂમ ગોળગોળ ફરવા લાગ્યો. તેની છાતીમાં હાંફ ભરાઈ ગઈ. ઢળી ન પડે એ માટે આયના સામે ગોઠવેલા ટેબલની કિનાર ઉપર બંને હાથ ગોઠવી દીધા. મીનીટો સુધી એ રૂમ અને ગામડાનું ઘર જાણે જાદુથી એકમેકમાં સમાઈ જતા હોય તેવા દ્રશ્યો દેખાયા. સામેના પુરા કદના આયનામાં ફાટેલી આંખો અને ગભરાયેલો મૂંઝાયેલો ચહેરો જોઈ આયના અને આ ગાયક નિધિ વચ્ચે એક યેલ્લો ફ્રોકવાળી માસૂમ બાળકી ઉભી થઇ ગઇ!

"તું હજુ તૈયાર નથી થઈ નિધિ?" બીજી એક રેડ ફ્રોકમાં બેબી કટ વાળ અને ગોળ મટોળ ચહેરાવાળી બાર ચૌદ વર્ષની છોકરી નિધિના ગોળ મટોળ ગાલ ખેંચતી ઠપકો આપતી બોલી.

"એન્જી....." એટલું કહેતા નિધિના ગળામાં ગઠ્ઠો થઈ ગયો હોય એમ અટકી પડી અને બંધ રૂમમાં એના ડુસકા સંભળાવા લાગ્યા.

"અરે નિધિ.... ની તું આમ રડે છે કેમ? શુ થયું? કપડાં ના ગમ્યા તને? આ મારા આપી દઉં? સાઈઝ બંનેની એક સરખી જ છે ને?" એન્જી એના બંને ગાલ ઉપર હથેળીઓ મૂકીને પૂછવા લાગી.

"એન્જી મને કપડાં તો ગમ્યા..." તે અટકીને આંસુ લૂછી ફરી બોલી, "પણ.... હું અહી રૂમમાં આવી ત્યારે....."

"ત્યારે શું?" સમજદાર એન્જી ઈશારો સમજી ગઈ હોય એમ નિધિના ખભા પકડીને હચમચાવીને પૂછવા લાગી, "તને પેલા રાજુના બચ્ચાએ મોટી કહ્યું?"

"ના એન્જી વાત એવી નથી..." દુઃખના ભાવ પલટાવી ગંભીર બનીને નિધિએ કહ્યું, "હું અહી રૂમમાં આવી ત્યારે તારા દિલ્હીવાળા અંકલ અને આંટી મારા વિશે વાત કરતા હતા. આ છોકરીને એન્જી સાથે બધું જ લાવી આપવાની શુ જરૂર હોય?"

"શુ કહ્યું?" જાણે બાર ચૌદ વર્ષની નહિ પણ વીસની હોય એમ એન્જી ગુસ્સામાં લાલચોળ બની ગઈ, "તો અંકલ અને આંટીના મનની આ વાત છે એમને?" કહી ઝડપથી નીચેના હોલ તરફ પગ ઉપાડ્યા પણ નિધીએ દોડીને એનો હાથ પકડી લીધો.

"નહિ એન્જી, આ વાત આપણી વચ્ચેની છે. એમાં તારા પેરેન્ટ્સ અને અંકલ આંટી વચ્ચે મનદુઃખ થાય એવું ન બનવું જોઈએ."

"ઓહ નિધિ... ની તું સમજતી કેમ નથી? મારા અંકલ આંટી આમ ઈર્ષા શુ કામ કરે છે પણ? એમને ક્યાં પાછળ કોઈ ખાવાવાળું છે? ને આમેય અમારી કરોડોની સંપત્તિ શુ એક તારા લીધે વપરાઇ જવાની છે?" એન્જલીના નિધિને લાડમાં ‘ની’ કહેતી.

"એ તું સમજે છે તારા મમ્મી પપ્પા સમજે છે પણ એન્જી બધા આપણી જેમ સમજદાર હોય ખુલ્લા દિલના હોય એવું જરૂરી તો નથી ને?"

"પણ તો પછી તું રડી કેમ ગાંડી?" નિધિના ગાલ ઉપર આવેલા આંસુ લુછીને એ બોલી.

"રડી એટલા માટે કે ઈશ્વરે મને જે ન આપ્યું એ મને તે આપ્યું અને જો તો ખરા ભગવાને ન આપેલી ચીજ ઉપર પણ લોકો આમ ઈર્ષા કરે છે તો જો ઈશ્વરે આપ્યું હોત તો કેટલા લોકો ઈર્ષા કરતા હોત?"

"તું ઈશ્વર ઈશ્વર અને આપ્યું આપ્યું કરવાનું રહેવા દે તારી પાસે આ ગળું છે ની... અને એ ગળું બધું જ ખરીદી શકશે એક દિવસ, ચાલ હવે રડવાનું બંધ કરીને પાણી પી સ્વસ્થ થા તારે આ ગળું સાચવવાનું છે." એન્જીએ તેના કપાળમાં ચુંબન કર્યું અને ગાલ થપથપાવ્યા.

અને ગળાની વાત આવતા નિધિ હસી પડી. એના ચહેરા ઉપર એક સ્મિત ફરકી ગયું. જાણે સ્ટેજ ઉપર પોતે ઉભી છે અને હજારોની ભીડ ચિચિયારી કરીને નિધિ રાવળ નિધિ રાવળના પોકાર કરે છે. સામે ગેસ્ટ તરીકે બેઠી એન્જી સામે જોઇને પોતે સ્મિત આપે છે. જોયું એન્જી આ બધી તારી ઇનાયત છે.

પણ એન્જી જાણે સામેના અરીસામાં ઓગળી ગઈ હોય એમ નિધિની આંખો ચુવા લાગી. બહાવરી બનીને હમણાં જ રેડ ફ્રોકમાં દેખાતી એન્જીને આ રૂમમાંથી ક્યાંકથી સંતાઈ હશે ત્યાંથી શોધી લેવા એની આંખો ફરવા લાગી. પણ.... પણ....

એ સપનું એ દિવા સ્વપ્ન તો પૂરું થયું હજારોની ભીડ ચિચિયારી કરીને નિધિ રાવળ નિધિ રાવળની બુમો પાડે છે પણ એન્જી નથી! બધું જ જેમનું તેમ છે. પોતે સ્ટેજ ઉપર જશે હમણાં. લોકો પોતાનું નામ ગર્વભેર ઉચ્ચારશે પણ એન્જી કોઈ અનંત દિશામાં ચાલી ગઈ છે....! હવે હું કોને કહીશ કે જો એન્જી આ બધું તારી દેન છે.

ગરમ ગરમ આંસુ નિધિના ગાલ પર વહીને જમીન ભીંજવવા લાગ્યા. આયનામાં હજુય ક્યાંક એન્જી દેખાઈ જાય તો... નજર કરી પણ એન્જી ન દેખાઈ નિધિ જ દેખાઈ. બચપણમાં મોટી જાડી દેખાતી નિધિ.... અત્યારની સ્લીમ ફિટ અને ચરબી વગરની નિધિ.... બરાબર સિંગરોમાં જાણે કોઈ એક્ટ્રેસ હોય એવી લાગતી હતી... પણ ઉદાસી!

ત્યાં ડોરબેલ વાગતી રહી. ઝટપટ આંસુ લૂછીને એણીએ દરવાજો ખોલ્યો.

"મેડમ ટાઈમ ક્યારનોય થઈ ગયો છે." રમેશ ભટ્ટના ડાબા હાથ જેવા વિનય પટેલે આવીને કહ્યું, "લોકો હવે એન્કરોથી કંટાળ્યા લાગે છે. તમારા સુરીલા અવાજ માટે આતુર બની ગયા છે."

"મારાથી નહિ અવાય મિસ્ટર વિનય તમે ભટ્ટ સાહેબને કહી દેજો મારે તત્કાળ જવું પડશે."

"શુ? તત્કાળ જવું પડશે? તો... તો આ બધાની ટિકિટ? અહીં આ ખર્ચ? આ પ્રોગ્રામ? લોકો જૂતા ઉછાળે એનું શું?" વિનય જાણે રમેશ ભટ્ટ હોય એમ જ વાત કરતો.

"એ બધું હું કઈ કહી શકું કે કરી શકું તેમ નથી. મારાથી ગાઈ શકાય તેમ નથી. તમે તરત ભટ્ટ સાહેબને લઈ આવો અહીં..."

નિધિના વ્યાકુળ ચહેરા સામે એક નજર કરી વિનય પટેલ ભટ્ટના કેબિન તરફ દોડી ગયો ત્યાં સુધી નિધીએ પોતાની ગાડીની ચાવી પર્સ અને ફર્શ ઉપર પડેલો મોબાઈલ ઉઠાવી એના છુટા થયેલા ભાગ ગોઠવ્યા.

"આ શું સાંભળું છું હું મિસ. નિધિ? વોટ નોંસેન્સ?" ભટ્ટ લાલચોળ થતો અંદર ધસી આવ્યો.

"મારે જવું પડશે ભટ્ટ સાહેબ. પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે." નિધીએ નમ્રતાથી કહ્યું. પણ તેના ચહેરા ઉપરની ઉદાસી તે ગુસ્સામાં જોઈ ન શક્યા.

"વોટ નોંસેન્સ? આર યુ ઇન ડ્રિમ? લાખોની ટિકિટો વહેંચાઈ છે મિસ નિધિ અને હવે તમે આ નાટક ઉપર ઉતરી આવ્યા? તમને ચાર લાખ આપ્યા છે મેં પ્રોગ્રામના. મેં વિશ્વાસ કરીને કોઈ કાગળ ન કર્યા એટલે તમે હવે વધારે પૈસા પડાવવા માટે આ નાટક...."

"માઈન્ડ યોર લેન્ગવેજ મી. ભટ્ટ.... " નિધિ ઉશ્કેરાઈ ગઈ, "નાટક? વોટ ડું યુ મીન બાય નાટક? મારી બહેન એન્જીએ આપઘાત કર્યો છે. મારે જવું પડશે. તમારો ખર્ચ હું આપી દઈશ..." એટલું કહેતા નિધિ ફરી ગળગળી થઈ ગઈ.

"આઈ એમ સોરી મિસ નિધિ." એકાએક વાત સંભળીને ભટ્ટ શાંત થયા, "પણ પણ આ બધા લોકોને કઈ રીતે હેન્ડલ કરીશ હું? અને... અને તમારે ક્યાં કોઈ બહેન છે જ?"

"લોકોને પૈસા પાછા આપવા સિવાય કોઈ રસ્તો નથી ભટ્ટ સાહેબ અને મારી બહેન કરતા પણ વધારે હતી એન્જી!" પણ એ હતી શબ્દ ફરી નિધિની આંખમાંથી આંસુ તાણી લાવ્યો.

"મારે જવું પડશે પાછળના દરવાજેથી જવાની તમે વ્યવસ્થા કરો પ્લીઝ."

ઘડીભર ભટ્ટ નિધિ અને વિનય સામે તાકી રહ્યા પછી એકાએક ખુરશીમાં બેસી ગયા. "ઓહ ગોડ મારા ફ્યુચરના એકેય પ્રોગ્રામ્સમાં હવે પબ્લિક નહિ આવે..."

"હું દિલગીર છું મી. ભટ્ટ પણ તમે સમજી શકો છો પરિસ્થિતિને."

ભટ્ટ ગીન્નાઈને ઘડીભર માથે હાથ દઈને લુટાઈ ગયેલા બીઝનેસમેન જેમ બેસી રહ્યા પછી વિનય તરફ ગરદન ફેરવી.

"વિનય મેડમને પાછળના દરવાજેથી ગેટ સુધી લઈ જા અને ઝડપથી લોકો શાંત રહે એ રીતે કઈક ગોઠવણ કર."

"જી સર." કહી વિનયે નિધિ સામે ઈશારો કરી પાછળ આવવા કહ્યું.

જતા જતા કપાળે હાથ દઈને બેઠા ભટ્ટ સામે નજર કરી લઈ નિધિ વિનય પાછળ નીકળી ગઈ ત્યારે ટેબલ ઉપર હાથ પછાડી ભટ્ટ બરડ્યા, "કાયર લોકો આપઘાત કરે અને એમાં મરવાના દિવસો બીજાને આવે !"

કદાચ એ વાક્ય નિધીએ સાંભળ્યું હશે તોય નથી સાંભળ્યું એમ દેખાવ કરીને વિનય પાછળ ઝડપથી પગ ઉપાડતી રહી. એ કાયર નથી... એ કાયર નથી... એ આત્મહત્યા ન કરે. આઈ કાંટ બીલીવ ઈટ. હું એ નથી માનતી. તે મનમાં બબડતી રહીં અને વિનય પાછળ ચાલતી રહી.

*

સફેદ ઓડી વડોદરા અમદાવાદ હાઇવે સુધી પહોંચી ત્યાં સુધી એક કલાકનો સમય વીતી ગયો હતો. અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર રસ્તા પાણીથી ભરાઈ ગયા હતા, ગટરો છલકાઈ ગઈ હતી, અંડરગ્રાઉન્ડ ગટરોમાં ન સમાય એટલું પાણી ખીચોખીચ ભરાઈ ગયું હતું, ઝડપથી ઘરે દુકાને કે દફતરમાં પહોંચી જવા વાહનોની ભીડ થઈ ગઈ હતી, માનસિક અસંતુલન વચ્ચે નિધીએ માંડ માંડ કારને હાઇવે સુધી લીધી ત્યારે એને હાશકારો થયો.

હાઇવે સડક ઉપર પાણીનો ભરાવો નહોતો એટલે ઠીક ઠીક સ્પીડે કાર ચલાવી શકાય તેમ હતી છતાં અતિશય વરસાદ પડતો હતો, મોટા ફોરાનો આડી જાપટનો વરસાદ ઓડીના વાઈપરને પણ હંફાવી દેવા માંગતો હોય એમ વિન્ડ સ્ક્રીન પર ઝીંકાવા લાગ્યો.

"ડેમ ઇટ...." આગળ જતી કાર એકાએક બંધ પડી ગઈ અને છેલ્લી પાંચ મિનિટથી એ ઉપડવાનું નામ લેતી નહોતી. આખીયે ગાડીને ઓવર ટેઈક કરીને આગળ નીકળાય એમ હતું નહીં એટલે અકળાઈને નિધીએ હોર્ન ઉપર મુઠ્ઠી પછાડી.

થોડીવાર ગડમથલ કરીને જૂની નાગપાલ ગાડી ડ્રાઈવરે ધક્કો મારીને ગાડી સાઈડમાં લગાવી અને ઓડી ફરી એકવાર ઉપડી. નિધિના મનમાં અધીરાઈ હતી. હવે એ આઘાત પચાવીને સ્વસ્થ બની વિચારવા લાગી.

પણ કેમ? આખરે એન્જી આપઘાત કેમ કરે? એના જેવી બહાદુર છોકરી તો નિધિ પોતે પણ નહોતી. એન્જી સ્યુસાઇડ કરે એ હું સ્વીકારી શકું તેમ નથી. નિધિ પોતાના મનને વારે વારે એક જ વાત મક્કમ પણે કહેતી હતી. ઇટ્સ ઇમ્પોશીબલ ઇટ્સ ડેમડ અનબિલીવેબલ. પણ..... પણ છતાં એ હવે નથી રહી એ વાસ્તવિકતા છે નિધિ. એણીએ આપઘાત કર્યો છે એ સત્ય છે. પણ એ એવું પગલું કેમ ભરે? એને શુ દુઃખ હોઈ શકે? એને આર્થિક સમસ્યા તો હોઈ જ ન શકે! એને કોઈ છોકરો પસંદ ન કરે એવું પણ ન બને ! એને ઘરે કોઈ મતભેદ બને એ પણ શક્ય નથી જ ને ! તો પછી શું હોઈ શકે? કેમ એન્જીએ આવી મૂર્ખાઈ કરી હશે? એને એના મમ્મી પપ્પાનો વિચાર નહિ આવ્યો હોય? એને એકવાર મારી યાદ નહિ આવી હોય? ‘પણ’ પછીના અનેક સવાલોની હારમાળ એના મનમાં વંટોળની માફક ઘૂમરાવા લાગી.

એક પણ વિચાર એના મનમાં ટકતા નહોતા. બારી પર પડતા વરસાદના ટીપાં જેમ લિસા કાચ ઉપર સરતા હતા એવી જ રીતે એના મનમાં અનેક વિચારો આવીને દોડી જવા લાગ્યા. એક પણ પ્રશ્નનો જવાબ પોતે આપી શકવા સમર્થ નહોતી.

હવે સવાલો કરવાનો જવાબ મેળવવાનો અર્થ પણ સરવાનો ન હતો. બધું વ્યર્થ હતું એ જાણવા છતાં પણ નિધિ અકથ્ય અજંપો અનુભવવા લાગી ને એના ઉકળાટમાં એ દાંત ભીંસવા લાગી.

એકાએક જાણે ઓડીની બેક સીટમાંથી અવાજ આવ્યો, "ની કેમ ભાગે છે? હું ચાલી ગઈ છું. ગાડી ગમે તેટલી સ્પીડે ભગાવી લઈશ મને આંબી નહિ શકે !"

આંચકા સાથે બ્રેક ઉપર પગ દબાઈ ગયો. એ સાથે જ પાછળ પુરપાટ ઝડપે આવતી ગાડીઓમાં એકસામટી બ્રેકની ચીચિયારીઓના અવાજથી હાઇવે ખળભળી ઉઠ્યો. ગાડીમાંથી લોકો ઉતરીને દોડી આવ્યા. પણ સદભાગ્યે કઈ થયું નહિ. ઓડીના બેક ભાગમાં પાછળની ઇલેન્ટ્રા અથડાઈ હોત જો ઇલેન્ટ્રાનો ડ્રાઈવર સતેજ ન હોત તો!

અમુક લોકો જાણવાની જિજ્ઞાસા સાથે દોડી આવ્યા અને અમુક ઝઘડવા. પણ ઓડીમાંથી બહાર આવતી નિધિ રાવળને જોઈને ઝઘડવાનો મૂડ ચેન્જ કરી બે એક બોલી પડ્યા.

"મેડમ વાગ્યું નથી ને?"

"આઈ એમ ફાઈન, કઈ જ નથી થયું.... મને થોડા ચક્કર આવી ગયા હતા." નિધી સમજાવવા લાગી. એને એમ હતું કે હમણાં આ બધા મારી ભૂલ ઉપર તૂટી પડશે. પણ એને ક્યાં ખબર હતી કે યુવાન છોકરીને જોઈને અહીં પરિણીત શરીફ માણસો લાળ ટપકાવે છે? એમાંય વરસાદમાં ભીંજાયેલી ચોળી, ઓઢણીમાં બધાની નજર એના શરીર ઉપર મંડાઈ હતી. પણ નિધિને અત્યારે એ ગંદા માણસો પાસેથી નીકળી જવામાં ફાયદો હતો.

"થેન્ક્સ ઓલ કહી એ ગાડીમાં ગોઠવાઈ."

"બહેનજી પાણી પી લો થોડા સ્વસ્થ થઈ જાઓ..." એક યુવાન દરવાજો બંધ થતાં પહેલાં જ બોટલ લઈને આવી ગયો. પાણી કરતા બહેનજી કહ્યું એ શબ્દો વધારે ઠંડા લાગ્યા.

"થેંક્યું...." કહી એણીએ બે ચાર ઘૂંટ લઈ બોટલ યુવાનને આપી દીધી અને દરવાજો બંધ કરી ફરી ગાડી ઉપાડી. પાછળ આવતી ગાડીઓમાંથી કોઈ પાછળ પડી કોઈ ઓવર ટેઈક કરીને આગળ નીકળી ગઈ ત્યારે ફરી એન્જીના વિચાર મનમાં ઝબકવા લાગ્યા. આ અવાજ મને સંભળાયો કેમ હશે? મને આવો ભ્રમ કેમ થયો હશે? શુ જીવનમાં પહેલી જ વાર કોઈ પોતાના વ્યક્તિને ખોયું એની આ વ્યથા છે? પણ એમ તો મેં મારા મા બાપને ક્યાં નથી ખોયા? બાપુ તો યાદ નથી પણ મારી મા તો છેક હું નવ વર્ષની થઇ ત્યારે ગુજરી ગઈ હતી ને? ત્યારે તો મને આમ અવાજ નહોતો સંભળાયો. તો શું હું માનસિક સંતુલન ગુમાવી બેઠી છું?

કોઈ પણ રસ્તે એનું મન જપતું નહોતું. ન કરવાના વિચાર કરી બેસતું હતું. પણ એને એ સમજાતું ન હતું કે આ બધી વ્યથા તો એન્જીના પ્રેમની એના મા બાપના લાડની હતી. એને મેરી અને વિલીના ચહેરા દેખાવા લાગ્યા.

નિધિ નવ વર્ષની હતી ત્યારે એની વિધવા મા ગુજરી ગઈ. સવારના સાત વાગ્યે નિધિ જાગી ત્યારે લાંબા સમયથી તાવથી પીડાતી એની મા કાયમના માટે બધી જ પીડાઓ ભૂલીને સુઈ ગઈ હતી. દીકરીનું ભવિષ્ય, પતિનું મોત, જીવનના કડવા ઘૂંટડા બધું જ પાછળ છોડીને એ ચાલી ગઈ હતી.

"મમ્મી ઉઠ....."

ત્રણેક વાર છેટેથી કહીને નિધીએ જ્યારે નજીક જઈને એની માનો હાથ હલાવ્યો ત્યારે છાતી પરથી હાથ ખાટલા ઉપર નિર્જીવ બનીને પડી ગયો.

ઘડીભર એ સ્તબ્ધ બનીને ઉભી રહી ગઈ અને પછી એકાએક એની ચીસથી પડોશી મેરી દોડી આવ્યા હતા. માલતી બેનના નિર્જીવ હાથને ખાટલાની ઇશ ઉપર લટકતો જોઈને જ મેરી સમજી ગયા હતા. નિધીને છાતી સરસી ચાંપીને છાની કરવા મથતા ઉપરા ઉપર ચારેક બુમ પાડીને પતિને બોલાવ્યા હતાં.

એટલું યાદ આવતા જ હાઇવે ઉપર નિધીએ ગાડી રોકી લીધી. એના હાથ ધ્રુજવા લાગ્યા. આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. ઓડીના ફ્રન્ટ કાચમાં અલગ અલગ દ્રશ્યો દેખાવા લાગ્યા. વાઈપર સાથે એ ભૂંસાતા હતા. ફરી દેખાતા હતા.....!

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky