શિકાર : પ્રકરણ 35 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 35

બક્ષીનો ફોન આવતા જ અદિત્યએ તૈયારી શરૂ કરી દીધી. નિધિ અને જુહીને એજન્ટોની પ્રચ્છન્ન નજર કેદમાં રાખીને આયોજન ઘડાયું. સિદ્ધાર્થને તો ક્યારનોય ઘરે મોકલી દેવાયો હતો.

રુદ્રસિહને હવે હાફ ચડતો હતો. ફેફસામાં શ્વાસ ચડી જતો એટલે આદિત્યએ રુદ્રસિહને મિશનમાં ન લેવાની ગણતરી કરી પણ રુદ્રસિહ એકના બે થયા નહી.

મનું પૃથ્વી અને રુદ્રસિંહની એક ટિમ થઈ. ટોમ, સમીર, સરફરાઝ અને સુલેમાન તેમજ લખુંભા અને જોરાવરની એક ટિમ થઈ. દીપ, શીલા, ટ્રીસ અને એજન્ટ કે સ્પેશિયલ કેબ ડ્રાઈવરની ટિમ થઈ. સોનિયા નીમી કે બીજા એજન્ટોને લેવાયા ન હતા કારણ વધારે માણસોની જરૂર ન હતી.

એજન્ટ એ એકલા જ રહ્યા. બધું જ રિસ્ક એજન્ટ એ ઉપર હતું પણ આ શિકારી આશ્રમનો ખાત્મો કરવા અને અનુપ જેવી ટોળકીઓને ઝડપવા તેમજ હજારો જીવ બચાવવા માટે આ ખતરો જરૂરી હતો. મનુએ પારાવર જીદ કરીને એજન્ટ એ’ને એકલા ન મુકવાની રક પકડી હતી પણ તું ઓળખાઇ જાય કહીને એને સમજાવ્યો હતો.

સવારે ચાર વાગ્યે એક મિલિટરી ટર્બો ટ્રક એજન્ટ હાઉસમાં આવી. બક્ષી એમાં જ હતા. ટર્બો આવીને ઉભી રહી. મી. બક્ષી અને મેજર સુખવિંદર પહેલા ઉતર્યા પછી દસ જવાનોની હથિયાર બંધ ખભે હોલ્ડહોલમાં કીટ ભરાવેલ એક બટાલિયન ઉતરી. દસ જવાનોને મેજરે કશુંક સૂચના આપીને હાઉસમાં રાઉન્ડ અપ માટે મોકલ્યા.

મેજર સુખવિંદર, મી. બક્ષી, મી. આદિત્ય, મનું, પૃથ્વી, ટોમ, સમીર, સરફરાઝ, દીપ, શીલા એ બધા જ ફરી ટેબલ ફરતે ખંડમાં ગોઠવાયા.

મેજર સુખવિંદર ગિલને બધાનો પરિચય બક્ષીએ સિક્રેટ એજન્ટ તરીકે આપ્યો. મનું પૃથ્વીને ઇન્સ્પેકટર તરીકે જ ઓળખાવ્યા. અને રુદ્રસિંહને એકસ ડી.આઈ.જી. તરીકે ઓળખાવ્યા. એ પછી વ્યૂહ રચના ઘડાઈ.

આશ્રમ એની પાસના વિસ્તાર, આશ્રમના નિર્દોષ લોકો, અનુયાયીઓ, એ બધાની સેફટી માટેના પગલાં પણ વિચારી લેવાયા.

છેક સવારના સાત વાગ્યે વ્યૂહ રચના પુરી થઈ. આખરે મેજર આર્મીની અદામાં બધાથી હાથ મિલાવી ઉભા થયા, "દુશ્મન તો બહોત મારે હે દેખતે હે એ અંદર કે દુશ્મન કિતને જોરમે હે."

પછી જય હિન્દના પોકાર સાથે આદત મુજબ જ બુટ પછાડી એ બહાર નીકળ્યા. બહાર નીકળીને જવાનોને પાંચ પાંચની ટીમમાં ગોઠવ્યા.

સૌ પ્રથમ મી. આદિત્ય આશ્રમ તરફ રવાના થયા. એ પછી મનું એન્ડ ટીમસ એ પછી સમીર એન્ડ ટીમસ રવાના થઈ. છેલ્લે નકશો લઈને એક ટુકડીનો મોરચો લઈને મેજર સુખવિંદર રવાના થયા. અને બીજી ટુકડીનો મોરચો મી. બક્ષી અને એક કાબીલ જવાન સુલખન લઈને રવાના થયા. ફાઈટ ટુ ફીનીશની પૂરી તૈયારી સાથે આ ટીમ્સ ઉપડી હતી પણ એમાંથી કોઈને આ ચોમાસામાં થનારા ભયાનક આતશની પારાવાર ખુવારીની ખબર નહોતી.

*

આશ્રમના ગેટ આગળ થાર ધીમી કરીને અંદર લીધી. રોજના લિબાશમાં જ આદિત્ય ઉતર્યા. ઇંગ્લેન્ડના કોઈ ઘડેસવાર જેવા કપડાં ઉપર કાળો કોટ. સફેદ શર્ટ કાળા પાતલુંનમાં ઇન કરેલું ઉપર ચામડાનો જાડો બ્લેટ અને તેના ઉપર કાળો કોટ. ગાળામાં ડબલ એ’નું લોકેટ તેમની હજુય મજબુત છાતી ઉપર લટકતું હતું. પગમાં વિદેશી બનાવટના બુટ. આંખે ચશ્મા, સફેદ દાઢી મૂછ, વાળ પણ સફેદ છતાય જચતા, કપાળમાં ભસ્મનું તિલક. દેખતા જ જાણે કોઈ સફેદ કોલર માફિયા હોય એવું લાગે.

આદિત્ય ઉતર્યા અને સીધા જ બિલ્ડીંગ તરફ જવા લાગ્યા. પાર્કિંગમાં ખાસ્સી ગાડીઓ હતી. આશ્રમમાં ચહલપહલ પણ ઘણી હતી. શ્રદ્ધાળુઓ અને લાલચુ માણસો આ જીવનનો બેડો પાર કરવા આશ્રમમાં આચાર્યની છબીઓ જોવા માટે દોડી આવ્યા હતા. આ બધા લોકોને લીધે તકલીફ ઊભી થશે એ ગણતરી પણ કરી લીધી છતાં બીજો કોઈ વિકલ્પ ન હતો.

બાજ નજરે આશ્રમની રચનાની ગણતરી કરીને એ આગળ વધ્યા. બિલ્ડીંગને દરવાજે સફેદ વસ્ત્રોમાં ચંદ્રાદેવી જ મળી. આંખોમાં એવું જ સાધ્વી જેવું જાણે અસલ સન્યાસી હોય એવું તેઝ લઈને એણીએ પૂછ્યું, "જી..."

"હું કાળું પ્યારે, અજય મહારાજને મળવાનું છે." આદિત્યએ એને જોઈને એમ જ ધારી લીધું કે આ બિચારી કોઈ સન્યાસી હશે. પણ પેલી તો એના આવવાની પહેલેથી જ રાહ જોતી ત્યાં ઉભી હતી.

"મારી પાછળ આવો." કહીને એ સીડીઓ ચડી ગઈ. આદિત્ય એની પાછળ જવા લાગ્યા. બધી જ તરફ સતર્ક નજરે જોઈ લઈને એ ચાલતા હતા અને એ બધું જ દ્રશ્ય બ્લેક વેનમાં મનુને મોબાઈલ સ્ક્રીનમાં દેખાતું હતું. કારણ કોટના બટનમાં કેમેરો હતો.

*

વેન આશ્રમથી બે એક કિલોમીટર દૂર ઉભી રહી. ઢાળ હતો એટલે વેનના આગળના ટાયર નીચે પૃથ્વીએ આજુબાજુમાંથી એક પથ્થર લાવીને ગોઠવ્યો. મનુએ સ્ક્રીનમાં જોયું. દ્રશ્યમાં એક સફેદ વસ્ત્રોવાળી અનુયાયી (ચંદ્રા) સીડીઓ ચડીને ઉપરના મજલે જતી હતી. દ્રશ્યમાં અવાજ નહોતો.

મનું એને ઓળખતો ન હતો પણ એ ચંદ્રા હતી. ચંદ્રા પાછળ પાછળ કેમેરો જતો હતો. એટલે કે એજન્ટ એ એની પાછળ જતા હતા. ઉપરના મજલે દ્રશ્યમાં બંને તરફ બે બે રૂમ હતા. એક રૂમનો દરવાજો ઉઘાડી પેલી અંદર પ્રવેશી. થોડી જ વારમાં એ વિશાળ ખંડનું દ્રશ્ય દેખાયું. માથામાં સાવ નાના વાળ, ગોળ મટોળ ઓવલ સેપનો ચહેરો, સફેદ ત્વચા માથે લાલ તિલક, સફેદ વસ્ત્રોમાં ગળામાં માળા પહેરીને ગાદી ઉપર એક માણસ બેઠો હતો.

“આ અજય મહારાજ હોવો જોઈએ.” મનુએ પૃથ્વીને કહ્યું એટલે પૃથ્વી અને રુદ્ર્સીહે સ્ક્રીનમાં નજર કરી.

એની પાસે એક લાંબી દાઢીવાળો માથામાં ગરમ ટોપી પહેરેલો અને ચહેરા ઉપર ઓરીના નિશાનવાળો બિહામણો માણસ (રુસ્તમ) બેઠો હતો. અજયની બીજી તરફ બે માણસો બેઠા હતા. એ બંને પ્રોફેશનલ હતા. એક વ્યક્તિ (ડોક્ટર) મોટા પેટવાળો અને સફેદ કોટમાં હતો. એનો ચહેરો પણ ગોળ હતો. ચરબીવાળો. બીજો વ્યક્તિ (સી.એ.) એનાથી સહેજ પાતળો અને ક્રીમ કલરના શર્ટ અને બ્લેક પેન્ટમાં હતો. એના માથામાં વાળ આછા હતા. પણ આંખો ચાલાક હતી. એક અન્ય માણસ (લીલાધર) કોઈ દેહાતી જેવો લાગ્યો.

મનુએ ઘડિયાળમાં જોયું. અને કાનમાં ગોઠવેલા મશીનમાં કહ્યું.

“મી બક્ષી...”

“યસ સ્પીકિંગ...” સામેથી પવનના સુસવાટા સાથે અવાજ આવ્યો.

“પાંચ માણસો છે. એક અજય મહારાજ હશે બીજા ખબર નથી. આર યુ રેડી?”

“યસ..”

“ઓકે આઈ એમ ગોઇંગ ઇન...”

“વી આર રેડી...” સામેથી પણ ઓલ રેડીનો મેસેજ મળી ગયો.

પૃથ્વીએ પથ્થર હઠાવીને અંદર બેઠો મનુએ વેન ભગાવી.

*

મનુનો મેસેજ મળતા જ બક્ષીએ મેજરને મેસેજ આપ્યો. મેજરે તરત જ ગાડી હંકારીને આશ્રમના પાછળના છેડે લગોલગ લીધી. બધા નીચે ઉતર્યા. હથિયાર સાબદા કરવાની જરૃર ન હતી કેમ કે માત્ર ચાર માણસો અને કદાચ બીજા છ સાત માણસોને જેર કરવાના હતા. વધુમાં વધુ તો એમની પાસે પિસ્તોલ કે રિવોલ્વર હશે એવી ગણતરી હતી. ખરેખર તો મેજરને આ કામ માટે નાનપ લાગતી હતી. પણ ઉપરથી ઓર્ડર હતા એટલે એને કરવું પડ્યું.

મેજરે મેસેજ છોડ્યો.

“ટિમ બી રેડી...”

“યસ મેજર...” સામેથી બક્ષીએ કહ્યું.

“ઓકે, ટેઈક પોઝિશન્સ એન્ડ વેઇટ ફોર ઓર્ડર.” મેજરે આજુબાજુ જોઇને પરિસ્થિતિ અંદાજી લીધી.

“યસ...”

મેજર અને પાંચ જવાનોએ આશ્રમની પાછળની દીવાલે પોઝીશન લીધી. અને આશ્રમના બીજે ખૂણે પાછળના ભાગે જ બક્ષી અને પેલા પાંચ જવાનોએ પોઝીશન લીધી.

*

સમીર અને સરફરાઝ ટીમે ઠીક ઠીક હુલિયો બદલીને સિવિલ માણસોનું રૂપ લીધું હતું. એમની ટેક્સી આશ્રમમાં પ્રવેશી. પણ એ લોકોનું કોઈ કોમ્યુનિકેશન બીજી ટીમસ સાથે શક્ય ન હતું. કારણ એ લોકો આશ્રમના લોકોને સંભાળવાના હતા એટલે સુવિલ યાત્રાળુ બનીને આવ્યા હતા. ઇન કેસ જો કોઈ અફડા તફડી થાય તો માણસોને ખસેડવા માટે એ ટીમ નક્કી કરાઈ હતી.

સમીર એન્ડ ટિમ ઉતરી અને આશ્રમના ગાર્ડનમાં અને પ્રાંગણમાં ફરવા લાગ્યા.

*

"તો હવે સોદો પાક્કો થયો. મારા છોકરાઓએ પગેરું કાઢવા જે રૂપિયા વેર્યા એ મને અત્યારે જ જોઈએ." આખરે સોદો પતાવીને આદિત્યએ અજયને કહ્યું.

અજયે આછા વાળવાળા આશ્રમના સીએ તરફ નજર કરી. "હરીશ કેશ છે?"

"વધારે ખર્ચ થયો નથી માત્ર સાત લાખ જ જોઈએ છે. આઈ એમ સ્યોર કે એટલી કેશ તો તમારી પાસે હશે જ." આદિત્ય એ વચ્ચે જ કહ્યું એટલે બધા એની સામે તાકી રહ્યા.

"ઓકે હરીશ અત્યારે જેટલા હોય એટલા લઈ આવ." અજયે આરામથી સી.એ.ને હુકમ કર્યો, “અને ચંદ્રાદેવીને કહેજો કોફી મોકલાવે...”

હરીશ ઉભો થયો અને ખંડ બહાર ગયો. સામેના ખંડમાં જઈને એણે સિગારેટ સળગાવી. પૈસા તો એમણે પહેલેથી જ રાખ્યા હતા. કારણ કઈક તો એડવાન્સ લીધા વગર આવો ભેજાબાજ માણસ સોદો ડન કરે જ નહીં. પણ એને એમ લાગવું જોઈએ કે ખરેખર પૈસા નથી એટલે એણે સિગારેટ સળગાવીને ટાઈમ પસાર કર્યો.

*

પહેલા બક્ષી દીવાલ ચડીને અંદરના ભાગે કુંદયા. અને લપાઈને એક ઝાડના થડ પાછળ પોઝીશન લીધી. જોકે અહીંથી આશ્રમની બિલ્ડીંગ લગભગ એક કિલોમીટર દૂર હતી. બિલ્ડીંગની પાછળથી છેક દીવાલ સુધી લીમડાના આસોપાલવના વગેરે તરહ તરહના ઝાડ હતા. તેમજ ચોમાસું ખડ (ઘાસ) ખાસ્સું ઢીંચણ સુધી આવે એટલું ઊંચું હતું. છતાંય એણે પોઝીશન લીધી. પણ એમણે એક ભયાનક ભૂલ એ કરી હતી કે સવારના સમયે મિશન આદર્યું હતું.

દૂર ઘેટાં બકર અને ગાયો ચરતી જોઈને બક્ષીએ અંદાજ લગાવ્યો કે કોઈ આશ્રમનો ગોવાળ હશે એકલ દોકલ. એને તો અહીંથી રવાના કરી દઈશું. એ બક્ષીની મોટી ભૂલ હતી.

બક્ષીએ મેસેજ છોડ્યો એટલે તાલીમ પામેલા જવાનો ચિત્તાની ઝડપે દીવાલ કૂદીને પડ્યા અને પોઝીશન્સ લેવા લાગ્યા.

બધાની પોઝીશનસ લેવાઈ ગઈ એટલે બક્ષીએ બીજા છેડે મેજરને મેસેજ છોડ્યો.

“પોજીશનસ સેટ....”

“ઓકે વેઇટ ફોર નેક્સ્ટ મેસેજ.” સામેથી પવનના સુસવાટા સાથે મેજરનો ભારે અવાજ આવ્યો.

*

પહેલા એક છેડે કંઈક સંચાલન થયું અને પછી બીજા છેડેથી માણસો કૂદીને પડ્યા એટલે ગાયો ચરાવતા દેહાતી કપડામાં ગોવાળ જેવા દેખાતા માણસે હળવેથી આગળ ખસીને કોઈને દેખાય નહિ એ રીતે આગળ વધીને જોયું તો એ ઇન્ડિયન આર્મી હતી. ઘડીભર એના પગ જમીન સાથે અને એનું શરીર જે ઝાડની પાછળ લપાયો એ ઝાડ સાથે જડાઈ ગયા પણ બીજી જ પળે એણે આશ્રમ ભણી દોટ મૂકી.

*

જે સમયે બક્ષી કૂદીને આશ્રમના પાછળના ભાગે પડ્યા બરાબર એ જ સમયે રુદ્રસિંહ, મનું અને પૃથ્વી આશ્રમમાં સિવિલ ડ્રેસમાં દાખલ થયા. આચાર્યની બિલ્ડીંગ અને હરોળમાં બાંધેલી દસ જેટલી રૂમની બરાબર સામેની તરફ બીજી બિલ્ડીંગ હતી. ત્યાં યાત્રાળુઓને ઉતારો હતો.

મનુંએ અંદર પ્રવેશી એક જ નજરમાં નકશો બરાબર જોઈ લીધો. સૌથી વધારે ખતરો આદિત્ય ઉપર હતો કારણ એ અંદર એકલા જ ગયા હતા. પણ મનુએ આબાદ પ્લાન ઘડી લીધો હતો.

પ્લાન મુજબ આદિત્યના કોટના બટનમાં કેમેરો ગોઠવવાનો. જ્યાં પણ આદિત્ય જાય ત્યાં શુ છે? કેટલા માણસો છે? એ બધું જ દેખાઈ આવે. અને જે બેઠક રૂમમાં જાય એમાં કેટલા માણસો છે કઈ જગ્યાએ શુ પડ્યું છે એ બધું જ જોઈ શકાય. એટલે જ આદિત્ય જ્યારે ખંડમાં દાખલ થયા ત્યારે ચારેય તરફ ફરીને ખંડ જોઈ લીધો હતો જેથી કોટમાં લાગેલા કેમેરામાં ખંડમાં કેટલા દરવાજા છે, અંદર બીજું શું છે, કેટલા માણસો છે અને ખાસ તો રૂમ બારીવાળો છે કે કેમ? અને એ બારી સામેની બિલ્ડીંગ તરફ છે કે નહીં એ બધું જ મનુને દેખાઈ આવે.

જો એ ખંડની બારી કે બારીઓ સામેની બિલ્ડીંગ તરફ ન હોય તો પછી જે તરફ બારીઓ હોય એ તરફ દૂર આશ્રમ બહાર કોઈ મોટા ઝાડ ઉપર રુદ્રસિંહને માંચડો બાંધવો પડોત. અને જો રૂમમાં બારીઓ જ ન હોય અથવા બારીઓ એકેય તરફ ન પડતી હોય તો પછી આદિત્ય ઉપર જોખમ વધી જવાનું હતુ. માત્ર એમની ઝડપ અને ઈશ્વરની કૃપા ઉપર બધો મદાર રહેવાનો હતો. કારણ ધારોકે માંડવાલી માટે બોલાવીને એ લોકો આદિત્યને જ ઝડપી લેવાનું કાવતરું કરે તો શું કરવું? એકલા આદિત્ય હથિયાર કાઢે એ પહેલાં જ તો ચાર કે છ પિસ્તોલના નાળચા બંધ રૂમમાં આદિત્યના માથા અને છાતી સામે તકાઈ ગયા હોય.

મનુને આ જ દહેશત હતી. એક વાર બંદૂક તકાઈ જાય પછી તો ભલે દસ માણસો સાથે મનું અંદર ઘુસી જાય તોય મરણિયા બનેલા માણસો આદિત્યને જીવતા તો ન જ છોડે. અને એ શકયતા અદિત્યએ પણ વિચારી જ હતી. એ સનકી માણસને તો પોતાના મોતની લેશ માત્ર ફિકર હતી નહિ પણ પોતાને બાનમાં રાખીને એ લોકો નીકળી જાય તો? એ શકયતા ઉભી ન થાય એટલે જ આર્મીની એક સાવ નાનકડી ટુકડી સાથે લીધી હતી. જેથી જો પોતાને પકડી લે અને મનું એન્ડ ટીમસ તેમજ સમીર એન્ડ ટીમસને એ લોકો હથિયાર ફેંકવા કહે તો મજબુર થઈને એમ કરવું જ પડે. આદિત્યના જીવનું જોખમ એકેય માણસ લઈ શકે નહીં. પણ જો આર્મીને દેખે તો એ લોકોના હાંજા ગગડી જાય. કારણ આર્મી કઈ આદિત્યને છડાવવા માટે હથિયાર ન ફેંકે. અરે એક સૂચના આપ્યા વગર જ આર્મી પળભરમાં બધાને ફૂંકી જ નાખે. ફૂંકવાના હોય તો જ આર્મી આવે એ સિવાય ન જ આવે એવું તો અજય પણ સમજી જ લે અને તેથી કા’તો એ આર્મી સામે લડવા જાય અથવા હથિયાર નાખી દે પણ એવી ગણતરી તો એ કરે જ નહીં કે આર્મી જ આ બ્લેકમેઇલર કાળું પ્યારે લઈને આવ્યો હશે.

આર્મી અને બ્લેકમેઇલર આદિત્ય એક સાથે હોય એવી કલ્પના પણ અજય ન કરે એનું ચોક્કસ કારણ એ હતું કેમ કે જો બ્લેકમેઇલર કાળું પ્યારે એટલે કે આદિત્ય અજયને પકડાવી દેવા માંગતો હોય તો પોલીસને બોલાવે અથવા વધુમાં વધુ તો સી.બી.આઈ.ને બોલાવે જેથી એને બ્લેકમેઇલિંગની રકમ કરતા મોટું ઇનામ મળે. પણ આમ એક બ્લેકમેઇલરના કહેવાથી આર્મી આવે એ તો કલ્પના પણ ન જ આવે.

અને તેથી જ બક્ષીએ પી.એમ.ને પ્રબળ લાલચ આપીને આર્મીની એક ટુકડી સાવ નાનકડી ટુકડી મંગાવી હતી. પહેલા તો બક્ષી પાગલ થઈ ગયો છે એમ સમજીને પી.એમ.એ વાત ગણકારી ન હતી. અરે દેશની અંદર આ રીતે સીધી જ આર્મી મુકવી એ તો પોલીસ ફોર્સના નાક કાપવા બરાબર જ કહેવાય ને? પણ બક્ષીએ જે કેન્દ્ર સરકારની લાલચ આપી એ સાંભળીને ગમે તેમ વડાપ્રધાન તૈયાર થયા હતા.

જોકે આદિત્યને જે રૂમમાં બેસાડ્યા એ રૂમમાં બારી હતી. અને એ પણ સામેની બિલ્ડીંગ તરફ જ હતી એટલે ન તો રુદ્રસિંહને બીજી તરફ કોઈ ઝાડ ઉપર માંચડો બાંધવો પડ્યો ન તો આદિત્ય ઉપર જોખમ વધ્યું. એનાથી મનું મનોમન રાજી થયો હતો.

આ બધી ગોઠવણ પહેલેથી આશ્રમની અંદર ગયા વગર થઈ શકે તેમ ન હતી. કારણ ક્યાં આદિત્યને મિટિંગમાં બેસાડશે એ કોઈ રીતે પહેલેથી જાણી શકાય તેમ ન હતું. એટલે આ મનુનું પ્લાનિંગ ઇન્સ્ટન્ટ મોડ ઉપર રાખવામાં આવ્યું હતું.

બિલ્ડીંગમાં જઈને મનુ કાઉન્ટર ઉપર ગયો. કાઉન્ટર ઉપર એક માણસ બેઠો હતો.

"અમે રાજપીપળાથી આવ્યા છીએ. આચાર્યની તસ્વીર દર્શન માટે."

રાજ પીપળા દૂર હતું એટલે એ માણસ સમજી ગયો કે એમને ઉતારો જોઈશે. આમેય મનું અને રુદ્રસિંહ પાસે મોટી મોટી બેગ હતી. જોકે એમાં સામાન ન હતો.

"ઉપરના માળે સીડીની જમણી તરફ ત્રીજા નંબરના કમરામાં." પેલા માણસે કહ્યું, “અમારે અહીં લોક નથી રાખતા. તમારા નામ લખાવી દો..”

મનુએ બધાના નામ સાચા જ લખાવ્યા અને ઉંપરના માળે જઈને સીડીની જમણી તરફ ત્રીજા નંબરના કમરામાં ગયા.

હવે સમય ઓછો હતો. હજુ સુધી તો આદિત્ય ઉપર કોઈ હુમલો થયો ન હતો. પણ કદાચ છેક મિટિંગ પુરી થતી વખત સુધી એ લોકો આદિત્ય પાસે માહિતી કઢાવવા માટે વાતો કરે અને છેલ્લે બંદૂક તાણે એ શક્ય હતું. એટલે એ માટે આ બધી યોજના હતી.

"ચાચુ રેડી?" કમરામાં પ્રવેશતા જ મનુએ પૂછ્યું.

"ઓલવેઝ." મૂછો થોડી આદત મુજબ સરખી કરીને ચશ્માના કાચ લૂછી ચશ્મા ચડાવતા રુદ્રસિહે કહ્યું. મનું ઘડીભર જોતો રહ્યો. આટ આટલો સમય વીતી ગયો પણ આ રુદ્રસિંહ હજુ એવા ને એવા છે. સફેદ વસ્ત્રોમાં તે ઝાઝરમાન લાગતા હતા.

"હું બદલવાનો નથી બેટા, ભલે ભેજું તારા અને આદિ જેવું ન ચાલે પણ રાજપુતી ખુમારી, બહાદુરી અને ઈમાનદારી અકબંધ છે." એકધાર્યું તાકતા મનુના મનનો સવાલ જાણી લીધો હોય એમ રુદ્રસિંહે હસીને કહ્યું.

મનુએ આંખો નમાવીને ગર્વભેર અંગુઠો બતાવ્યો. પછી પૃથ્વી તરફ ફર્યો, "પૃથ્વી તું ઉપર ચેક કરીને મેસેજ આપ.”

પૃથ્વી દરવાજા બહાર નીકળી ગયો. સીડીએ થઈને ત્રીજા માળ ઉપર ચડ્યો. એ બિલ્ડીંગ પણ ત્રણ માળની હતી. એમનો ઉતારો બીજા માળે હતો. જોકે બીજો માળ વધુ અનુકૂળ હતો પણ અહીં ખંડની બારીઓ બીજી તરફ હતી એટલે રૂમમાંથી એ કામ શક્ય ન હતું.

"મનું ઓલ રેડી, તડકો છે એટલે કોઈ યાત્રાળુ ઉપર નથી."

ક્લિયરની સૂચના મળતા જ રુદ્રસિંહ બેગ લઈને સીડીઓ ચડી ગયા. પૃથ્વી સીડીઓ નીચે પહોંચ્યો એટલે સીડીઓનો દરવાજો બંધ કરી લીધો. અને પોતાના કામે લાગી ગયા.

બેગમાંથી ઝડપથી એક નાનકડી પણ અણીદાર કોશ કાઢી. કઠેડા પાસે જઈને બેગ મૂકી અને નીચે બેઠા. આદિત્ય જે ખંડમાં હતા ત્યાંથી અહી સુધી કઈક માપ લીધું. આદિત્ય બીજા માળે હતા પણ એ બિલ્ડીંગ ત્રણેક ફૂટ પુરત લઈને બનાવેલી હતી એટલે વ્યુ ફાઈન્ડર બરાબર કામે લાગવાનું હતું. તેમણે બરાબર ફરી એકવાર પોતાની પોઝીશન અને આદિત્યની પોઝીશન વિષે ગણિત કર્યું અને પછી કઠેડામાં બાકોરું પાડવા લાગ્યા.

*

સમીર એન્ડ ટીમસ પણ આમ તેમ ફરતી હતી. સમીર, સરફરાઝ અને સુલેમાન ઓળખાઇ ન જાય એ માટે હુલિયો બદલીને આવ્યા હતા. સમીરે અને સુલેમાને દાઢી કાઢી દીધી હતી અને ખાસ્સો વેશ બદલ્યો હતો. લખુંભા અને જોરાવર તો સાવ ગામડિયા જેવા લાગતા હતા એટલે એમને હુલિયો બદલવાની જરૂર ન હતી. ટોમેં નકલી દાઢી અને મૂછો લગાવી હતી કારણ એ જાંસા ચિઠ્ઠી આપવા આવ્યો હતો એટલે રૂપબદલવું આવશ્યક હતું પણ ટોમ અને ટ્રીસ રૂપ બદલવામાં એક્સપર્ટ હતા.

દીપ અને શીલા પતિ પત્ની તરીકે જ આવ્યા હતા. ટ્રીસ એની નણંદ બની હતી. એજન્ટ કે ટ્રીસનો પતિ બન્યો હતો. એ લોકો પણ આશ્રમમાં ફરતા હતા.

લખુંભા અને જોરાવર પાછળ દેખાતા ગોવાળીયાઓના ઘર તરફ ફરતા હતાં.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky