અન્વીક્ષા
ઠંડી હવાની લહેરખી આખાયે શરીરમાં કંઇક અલગ જ ચેતના જગાડતી પસાર થઈ. પૂર્ણિમાની રાતે ખીલી ઉઠેલ ચંદ્રની શીતળ છાયા હ્રદય સોંસરવી ઠંડક પ્રસરાવતી રહી. સ્ટ્રીટ લાઇટના કૃત્રિમ અજવાળાને ક્યાંય પાછળ છોડી હું અવિરત કોઇ અજ્ઞાત દિશામાં પગલા ઢસડતો રહ્યો કે પછી મારા આગળ ધપતા પગલા મને જ ક્યાંક ઢસડી રહ્યા. દૂર દૂર નજર દોડાવતા ચંદ્રની શીતળતામાં નખશીખ પલળેલ ઝાડી ઝાંખરા જ નજરે પડ્યા. પગને ચાલવામાં વધુ જોર લાગતુ અનુભવી કોઇ ઊંચા ચઢાણનો ખ્યાલ આવ્યો. ચાંદનીના નશામાં તરબોળ થઈ ડગલા ભરી આગળ વધી રહ્યો. ઊંચાઇએ ચઢાણ કર્યા પછી જાણ થઈ કે ઘર પાછળ આવેલા ખોડીયાર ટેકરીએ ચઢી ગયેલો. આ જ ટેકરીએ વર્ષો પહેલા મારી પત્ની જ્યોત્સ્ના સાથેની પહેલી મુલાકાત થયેલી અને આ જ ટેકરીએ અમારુ પહેલું મિલન થયેલું..!
ધીમે ધીમે ચાંદની મને વીંટળાઇ વળી. મારા શ્વેત કપડા ચાંદનીના અજવાળે વધુ શ્વેત બન્યા. ચાંદની મારા શરીરને સ્પર્શતી ગલગલીયા કરતી રહી અને ધીમેથી મારા શરીરમાં પ્રવેશવા લાગી. મારી લગોલગ ચાલ્યો આવતો મારો પડછાયો પણ શ્વેતવર્ણી થવા લાગ્યો. કૂમળા ઘાસની અણી મારા ચપ્પલની આરપાર ભોંકાવા લાગી. મોટાભાગે મને સફેદ કપડામાં જોયેલ જ્યોત્સ્નાએ સ્વાભાવિક જ પૂછ્યું, “તમને સફેદ કપડા બહુ ગમે છે ને..!” “હા, પણ તારી સાથે ભળ્યા પછી...!” મારા જવાબથી શ્વેતવર્ણી ચાંદની સમી જ્યોત્સ્નાના લાલચોળ થયેલા ગાલ પરથી જરા અમથી લાલીમા ઉધાર માંગી તે સાંજે આખુંયે આકાશ સિંદૂરી બની ગયેલું. મારી જ્યોત્સ્નાની શરમમાં નજાકતથી નીચી ઢળતી પાંપણના ભારે હું કચ્ચર દબાઇ રહ્યો..!
હું ખોબલે ખોબલે ચાંદનીના ઘૂંટડા ભરતો આગળ વધી રહ્યો. મારા કાને કંગનનો મીઠો ખણકાટ સંભળાયો. ફરી આવેલા ઝાંઝરના રણકારને ખોળતી મારી નજર ચોતરફ ફાંફા મારતી રહી. એકાએક મારું ધ્યાન મારા પડછાયા તરફ વળ્યું. મારો પડછાયો સંપૂર્ણ શ્વેતવર્ણી બની પ્રકાશપૂંજ બની રહ્યો. મારા જ પડછાયામાંથી જાણે પ્રકાશપૂંજ ઓઢી આકાશના ચંદ્રની ચાંદનીને ઝાંખી પાડતી મારી જ્યોત્સ્ના આવી. આજે તો ચોતરફ સઘળું શ્વેતવર્ણી જ..! આસપાસનું સમગ્ર વાતાવરણ પણ શ્વેત ચાદર ઓઢી રહ્યું. પગ તળેનું લીલુછમ ઘાંસ હરિયાળો રંગ ઉખેળી શ્વેત રંગી થઈ રહ્યું. દૂર દૂર પ્રસરેલ અંધકાર પર પણ શ્વેત રંગ ઢળતો રહ્યો અને અંધકાર શ્વેત રંગે આથમી ગયો. આકાશમાંથી પૂર્ણિમાના ચંદ્રની ચાંદની ખોબલે ખોબલે મારી ચોતરફ ઢોળાઇ રહી. ઘડીભરમાં ચંદ્રની ચાંદની જરા વધુ ઝાંખી પડતી રહી ત્યાં જ મારી જ્યોત્સ્નાએ પોતાની તારલીયાથી ચમકતી તેજોમય સાડીનો પાલવ જરા ખંખેર્યો તો તેમાંથી નીકળેલા શ્વેત છાંટણાના તેજે ચંદ્ર ફરી સોળેય કળાએ ખીલી ઊઠ્યો..!
“આજે હું કેવો દેખાઉ છું..?” મારો વારંવારનો પુનરાવર્તિત સવાલ જ્યોત્સ્ના આગળ ફરી કર્યો.
“ખૂબ જ સુંદર..., પણ મારી વહાલી અન્વીક્ષા કરતા તો ઓછા હોં..!” મીઠા સ્મિતે શીતળ ચાંદની વેરતા જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.
“એવું...!” મેં સહર્ષ બનાવટી આશ્ચર્યભાવ ઉપજાવતો ઉદ્ગાર કર્યો.
“હાસ્તો, મારી અન્વીક્ષામાં તો હું પણ ભળેલી છું ને...!” ખડખડાટ હાસ્ય સાથે પ્રકાશપૂંજના છાંટણા ઉછાળતા જ્યોત્સ્નાએ જવાબ આપ્યો. તેના હાસ્ય તરંગોમાં સમગ્ર વાતાવરણમાં એક અકળ રોમાંચ વ્યાપી રહ્યો.
“હા....એટલે જ તો આપણી વહાલીનું આવું મધુરુ નામ રાખ્યું – અન્વીક્ષા... તારું જ પ્રતિબિંબ..!” મારા આ શબ્દે જ્યોત્સ્નાની આંખે ઝળકી ઊઠેલી અવર્ણનીય ચમક સાથે હું તેની વધુ નજીક દોરવાઇ રહ્યો. તેના શ્વેતવર્ણી પ્રકાશથી તરબતર નીતરતા હાથે મારો હાથ પકડી તેની તરફ ખેંચ્યો. તેના સ્પર્શ માત્રથી મારા શરીરમાં શ્વેત પ્રવાહ પ્રસરતો રહ્યો. મારું શરીર પણ પ્રકાશપૂંજ બની રહ્યું...!
“જો જો હોં.... આ હાથની પકડ કોઇ દી’ ઢીલી ના પડે..!” તેના આ ઉચ્ચરે મેં તેનો હાથ વધુ મજબૂતાઇથી જકડી રાખ્યો.
“મારે તને સદાય વળગી રહેવું છે...ફરી ફરી તે ક્ષણ કાયમ જીવવી છે....તે ક્ષણને જીવન બનાવવું છે...!” મારી ઇચ્છાના પ્રત્યુત્તરમાં જ્યોત્સ્નાનું મધુર હાસ્ય સાથેનું મૌન મને કેટકેટલુંયે કહી રહ્યું. અમે બંને એકબીજાને વળગી રહ્યા. અમારા જોડાણથી પ્રકાશપૂંજનો જાણે વિસ્ફોટ થયો અને તેની છાયામાં આકાશનો ચંદ્ર પણ સાવ ઝાંખપભર્યો અદૂકડો બની બેઠો..! અમારા બંને વચ્ચે મૌનની પરિભાષામાં કેટકેટલીયે વાતો આરંભાઇ. અમારું મૌન બહુ બોલકુ બન્યું..!
તે ઉન્માદ સ્પર્શ સમગ્ર જીવનભરના પ્રત્યેક સ્પર્શના દ્રશ્યને નજર નજર સમક્ષ તાદશ ખડુ કરી અકળ્ય ઉત્તેજના જગાવી રહી. તે મિલનમાં અમારા બંનેની ચોતરફ એક પ્રકાશપૂંજ વિસ્તરતો રહ્યો. તેમાંથી તારલીયા જેવા પ્રકાશના નાના તણખાં છૂટા પડી આસપાસ વેરવિખેર થતાં રહ્યા. તે તેજ પ્રકાશના ચળકાટમાં અમે એકબીજામાં વિલીન થઈ રહ્યા. આંખો અંજાય તેવા પ્રકાશના ગોળાર્ધ વચ્ચેનું અમારુ મિલન આસપાસના વાતાવરણ માટે જોવું પણ અશક્ય બની રહ્યું..!
મારી નજર સમક્ષ લગ્નની પ્રથમ રાત્રીની પ્રણયશૈયા નજરે પડી. મારી જ્યોત્સ્નાના શ્વેતવર્ણી વિશાળ લલાટે લગાડેલ લાલ ચાંદલા તરફ મૃદુ સ્મિત સાથે હું તાકી રહ્યો. એકાએક તે લાલ રંગ રેલાવા લાગ્યું. તેના લલાટેથી રેલાઇ તેના મોં વાટે અંદર સમાઇ ગયો અને ક્ષણવારમાં જ્યોત્સ્નાનું હાસ્ય વિલાઇ ગયું અને તેના મોંથી તે લાલ રેલો બહાર વહેતો થયો. મારાથી એક કારમી ચીસ પડાઇ. તેની અશ્રુભરી આંખોમાં ડૂબકી મારી જેવો હું બહાર આવ્યો કે મારી જ્યોત્સ્નાને હોસ્પિટલના બિછાને શ્વેત વસ્ત્રોમાં સૂતેલી જોઇ. સતત છ મહિનાથી અમે હોસ્પિટલને જ પોતાનું ઘર બનાવી રહેતા થયા. એક પછી એક રીપોર્ટ્સ અને ટ્રીટમેન્ટ પછી એકાદ દિવસે ડૉક્ટર્સની ટીમ અમારા સ્પેશિયલ રૂમમાં જ્યોત્સ્નાને ચકાસી મને તેમની કેબિનમાં મળી આવવા સૂચિત કરતા રહ્યા.
“સર, શું વાત છે..?” કેબિનમાં પહોંચતાવેત જ અધ્ધર શ્વાસે મેં સવાલ કર્યો.
“પ્લીઝ બી કામ ડાઉન... વી હેવ ટુ ફેસ ધ રીયાલીટી... જે બીક હતી તે જ વાત...” ડૉક્ટરના અધૂરા શબ્દે મારો શ્વાસ રૂંધાતો રહ્યો.
“લ્યુકેમિયા...!” ડૉક્ટરના શબ્દે મનમાં ઊઠેલા હાંફને દબાવી રાખી સામે સવલ કર્યો, “લ્યુલેમિયા..?”
“ઇટ્સ અ ટાઇપ ઑફ બ્લાડ કેન્સર...ઇટ ઓરીજીનેટ્સ ઇન બ્લડ એન્ડ બૉન મેરૉ. યુ સી ઇટ અકર્સ વેન ધ બોડી ક્રિએટ્સ ટુ મેની એબનોર્મલ વ્હાઇટ બ્લડ સેલ્સ એન્ડ ઇન્ટરફીયર્સ વીથ ધ બૉન મેરૉસ એબીલીટી ટુ મેઇક રેડ બ્લડ સેલ્સ એન્ડ પ્લેટલેટ્સ...!” ડૉક્ટરની મેડીકલ લેંગ્વેજમાં ક્લેરીફિકેશન્સ હું આંખમાં ઉભરી આવેલા આંસુ રોકી રાખી એકશ્વાસે સાંભળી રહ્યો. મારી પરીસ્થિતી સમજી જઈ ડૉક્ટરે મને હીંમત આપતા શબ્દો કહ્યા, “બટ ડૉન્ટ વરી....નાઉ ઇટ કેન બી ક્યૉર...વી’લ ડુ ઑલ એફર્ટસ...સ્ટેમ સેલ ટ્રાંસપ્લાન્ટેશન, કીમોથેરાપી, રેડીએશન થેરાપી ઑલ.....આપણે આગલા સ્ટેજ પર ટ્રીટમેન્ટ કરીશું ધેન ધેર્ઝ હોપ...!”
ડૉક્ટરના શબ્દો તેમની કેબીનમાં અધૂરા છોડી દઈ આંસુ છલકતી આંખે હું બહાર નીકળ્યો. હું સાવ નિર્જીવ જ બની રહ્યો. હવે મારામાં જ્યોત્સ્ના સામે જવાની જરાય હિંમત ના રહી હતી, તેમ છતાં બનાવટી સ્વસ્થતા જાળવી જ્યોત્સ્ના પાસે આવી તેનો હાથ મારા હાથમાં દાબી રાખી ક્યાંય સુધી એકીટશે તેને જોઇ રહ્યો. ડૉક્ટરના બોલાયેલા શબ્દોના વમણમાં હું વધુ ને વધુ ઊંડે ખૂંપી રહ્યો. વારંવાર તે શબ્દો મારા મનમાં પડઘા પાડી રહ્યા....‘લ્યુકેમિયા...અ ટાઇપ ઑફ બ્લાડ કેન્સર...ઇટ ઓરીજીનેટ્સ ઇન બ્લડ એન્ડ બૉન મેરૉ....વેન ધ બોડી ક્રિએટ્સ ટુ મેની એબનોર્મલ વ્હાઇટ બ્લડ સેલ્સ એન્ડ ઇન્ટરફીયર્સ વીથ ધ બૉન મેરૉસ એબીલીટી ટુ મેઇક રેડ બ્લડ સેલ્સ એન્ડ પ્લેટલેટ્સ...નાઉ ઇટ કેન બી ક્યૉર...સ્ટેમ સેલ ટ્રાંસપ્લાન્ટેશન, કીમોથેરાપી, રેડીએશન થેરાપી....આપણે આગલા સ્ટેજ પર ટ્રીટમેન્ટ કરીશું ધેન ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ... ધેર્ઝ હોપ...!’ “શું મારી જ્યોત્સ્નાની લાઇફ એક હોપ પર નિર્ભર થઈ ગઈ....?” મનમાં આવતા વિચરોના વંટોળે આ એક સવાલ ઊભો કર્યો. જ્યોત્સ્ના તરફ જોઇ રહેલી મારી દ્રષ્ટિ વધુ સજળ થઈ.
“હવે આમ ખાલી જોયા જ કરવું છે કે કાંઇ બોલવું પણ છે...?” જ્યોત્સ્નાના સ્વાભાવિક હળવા મધુર સ્મિત સાથે બોલાયેલા શબ્દે તંદ્રાભંગ થયો.
“હમમમમ...” અન્ય શબ્દ ઉચ્ચારવાની નિર્બળતા છૂપાવતા બંધ મોંએ ઉચ્ચારણ કરી મૌન બેસી રહ્યો.
“શું કહ્યું ડૉક્ટરે..?” જ્યોત્સ્નાના સવાલે મને વધુ નિર્બળ બનાવ્યો.
આંખોમાં દબાવી રાખેલા આંસુના ઝળહળીયા મારા અંતરમનને દઝાડતા રહ્યા. મારી આસપાસનો સમય સાવ થંભી જ ગયો. શ્વાસ લેવો ભારે પડી રહ્યો. મનોમન ગૂંગળાઇ મરતો રહ્યો. જાણે જ્યોત્સ્નાને કોઇ મારી પાસેથી દૂર ખેંચી રહ્યું...!
“શું કહ્યું ડૉક્ટરે..?” જ્યોત્સ્નાના પુનરાવર્તિત સવાલે ફરી મને જગાડ્યો. હું કોઇ જ શબ્દ બોલી ના શક્યો. મારા મૌનની વાચા જ્યોત્સ્ના સાફ સાંભળી શકતી હોય તેમ મારી સામે હળવેથી આંખ મીંચકારી હળવું સ્મિત કરી રહી.
“કેટલા દિવસ બાકી છે મારી પાસે..?” જ્યોત્સ્નાના આ શબ્દોથી હું સાવ હચમચી ગયો.
આઘાત અને આશ્ચર્યના ભાવે ખુલ્લા રહેલા મારા મોંને તેના કોમળ સ્પર્શે બંધ કરતા જ્યોત્સ્ના આગળ બોલી, “મને તો રીપોર્ટ આવ્યો ત્યારથી જાણ છે...એન્ડ બાય ધ વે હું મેડિકલની સ્ટુડન્ટ છુ..!”
“તો પણ તુ આટલી સ્વસ્થ...?” આંખમાં ક્યારથી રોકી રાખેલા આંસુને વરસાવતા સવાલ કર્યો.
“એક ના એક દિવસે તો બધાએ જવાનું જ છે ને...” જ્યોત્સ્નાના શબ્દોને આગળ બોલતા અટકાવતા તેના હોઠ પર હાથ રાખી ઘડીભર સાવ મૌન બની જઈ મારા વરસતા આંસુ જ બોલકા થઈ રહ્યા.
“પ્લીઝ ડૉન્ટ સે અ વર્ડ મૉર... ડૉક્ટરે કહ્યું છે કે ટ્રીટમેન્ટ પોસીબલ છે.... સ્ટેમ સેલ ટ્રાંસપ્લાન્ટેશન, કીમોથેરાપી, રેડીએશન થેરાપી...હું ગમે તેમ આ ટ્રીટમેન્ટ કરાવીશ... તુ બસ હિંમત રાખજે...!”
“આઇ નો ઇટ...તમે મારા માટે કંઇપણ કરી દેશો...પણ પ્લીઝ એક રીક્વેસ્ટ કરું...?” જ્યોત્સ્નાએ મારી આંખમાંથી નીતરતા આંસુ પોતાના કોમળ સ્પર્શે રોકતા કહ્યું.
“તારે રીક્વેસ્ટ ના કરવાની હોય...બસ તુ બોલ તે કરીશ...!” જ્યોત્સ્નાનો મારા ચહેરે સ્પર્શેલો હાથ મારા હાથમાં લઈ બોલ્યો.
“પણ હું જે માંગુ તે આપશોને...? પ્રોમીસ...?” જ્યોત્સ્નાએ આગળ વાત કરતા પહેલા ફરી ખાતરી કરવા સવાલ કર્યો.
“હા....પ્રોમીસ....બસ, હવે બોલ..!” જ્યોત્સ્નાના તે જ સ્વાભાવિક સ્મિતભર્યા ચહેરા તરફ જોઇ કહ્યું.
મારા હાથમાં પોતાના બેડ પર રાખેલી બે ત્રણ બુક્સ માંથી એક બુક હાથમાં લઈ મરા હાથમાં આપતા જ્યોત્સ્ના બોલી, “આ મારા ફેવરીટ ઑથર ગુલાબદાસ બ્રોકરની સ્ટોરી ‘ભલે એ પણ જોઇ લે ’ ની રીનાની જે છેલ્લી ઇચ્છા રહી તે જ મારી પણ ઇચ્છા છે..!”
જ્યોત્સ્ના કાયમ વિવિધ પુસ્તકો વાંચી મને કાયમ તેની સ્ટોરી ટૂંકમાં સમજાવતી અને ક્યાંય સુધી અમે વરસતા વરસાદમાં કે કડકડતી ઠંડીમાં ફાયર પ્લેસ આગળ એક જ બ્લેન્કેટ ઓઢી બેસી કાં પછી ઉનાળાની ઠંડકભરી રાતે ઘર બહાર ગાર્ડનના ઝૂલા પર આઇસ ટી માણતા તેણે વાંચેલી સ્ટોરી ડિસ્કસ કરતા રહેતા..!
આજે આ રીતે હોસ્પિટલના બિછાને મૃત્યુની સમીપે રહેલી જ્યોત્સ્ના આમ આટલી સ્વસ્થતાપૂર્વક સ્ટોરી ડિસ્કસ કરશે તેવી ક્યારેય કલ્પના સુધ્ધા નહોતી કરી.
જ્યોત્સ્નાએ ગુલાબદાસ બ્રોકરની સ્ટોરી ‘ભલે એ પણ જોઇ લે ’ પુસ્તક ખોલી તેના કેટલાક વાક્યો વાંચવા શરૂ કર્યા – “રીનાની પ્રિય સખી, રૂપના અવતાર સમી અને હસીખુશીના ભંડાર સમી રાજને શું થયું હતું તે ઉઘાડી નજરે અને બેસી જતા હૈયે જોયું હતું. રીનાને એ રાજ યાદ આવી ગઈ – મરણ પહેલાં હોસ્પિટલના ખાટલામાં તે પછાડા ખાઇ રહી હતી ને તેના ગુચ્છાદાર વાળ લગભગ ઊતરી ગયા હતા. તેનું એક વખતનું અત્યંત રૂપાળું મોં ઓળખાય નહિ એવું વિકૃત બની ગયું હતું અને હસવાનું તો જાણે નામ પણ તેણે ના સાંભળ્યું હોય તેવો માત્ર દુ:ખથી ભરેલો તેનો ચહેરો આમથી તેમ અફળાઇ રહ્યો હતો.... ‘મારે એવા થઇને નથી મરવુ, એ કરતં તો....’ ‘.....મારી મા, મારી મિત્ર રાજ વગેરે ગઈ હતી એમ મારે જવું નથી – ઉતરેલા વાળવાળી, વિકૃત થયેલા મોં વાળી બનીને’.... ‘મારે બે બાળકો છે, પૂર્વી અને પરાગ.... એમની મમ્મીને એમણે એવી જ જોઇ છે, છેવટ સુધી આવી જ જોશે, ભલે માંદલા જેવી પણ આવી જ ડૉક્ટર....’ ‘એક માંગણી કરું...? હું તો એટલું જ માંગુ છું કે આપણા ઉમંગના દિવસોમાં તું જે કુમાશથી મને ઉપાડીને પથારીમાં સુવડાવતો હતો ને તે જ કુમાશથી ઉપાડીને ત્યાં પણ તું જ મને સુવડાવજે. બીજાઓના હાથે ઊંચકાઇને મારે ત્યાં નથી સૂવું.’...એટલું જ રીના બોલી.” આટલું વાંચી જ્યોત્સ્નાએ પુસ્તક એક તરફ મૂક્યું. તેની આંસુ નીતરતી આંખ તરફ જોવાની મારી હિંમત જરાય ના થઈ શકી. મારું ધ્યાન નીચે મૂકેલા પુસ્તકના મથાળા ‘ભલે એ પણ જોઇ લે ’ તરફ ધ્યાન ગયું.
“મારી પણ તે જ ઇચ્છા છે જે રીનાની હતી....ભલે મોત પણ જોઇ લે...હું તો એ જ રૂપે તેની સમીપે જાઇશ...!” આંસુના ડૂંસકા દાબી રાખી જ્યોત્સ્નાએ શબ્દો કાઢ્યા.
“પણ આ એક સ્ટોરી છે, જ્યારે તારી લાઇફ રીયાલીટી છે...પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ...!” જ્યોત્સ્નાને તેનું પ્રોમીસ પાછું લેવા સમજાવવા પ્રયત્ન કરતા કહ્યું.
“નો ડીયર...આ ભલે કોઇ સ્ટોરી હોય, બટ ઇટ્સ ધ રીફ્લેક્શન ઑફ રીયલ લાઇફ....મારે પણ હું જેવી છું તેવી જ જવું છે...અને પેલા છેલા શબ્દો યાદ છે ને – જ્યાં સુધી રહું ત્યાં સુધી મને તમારા હાથે કાયમ કુમાશથી ઉપાડી પથારીમાં સુવડાવજો અને પછી પણ તે જ કુમાશથી ઉપાડીને ત્યાં પણ તમે જ મને સુવડાવજો.... મારે પણ કોઇ બીજાઓના હાથે ઊંચકાઇને ત્યાં નથી સૂવું..!” જ્યોત્સ્નાના આ શબ્દો પૂર્ણ થતા પહેલા હું તેને વળગી પડ્યો. અમારા બંનેના આંસુના પ્રવાહે હોસ્પિટલનો આખોયે રૂમ છલકાઇ રહ્યો..!
જ્યોત્સ્નાની ઇચ્છાનુસાર પછીથી અમે કાયમ અમારા ઘરે જ રહ્યા – હું, જ્યોત્સ્ના અને અમારી અન્વીક્ષા..! આગળ વધતી જતી પ્રત્યેક પળે જ્યોત્સ્ના મારાથી દૂર થઈ રહી હતી. તે રાત્રીની તેની જીદ પણ કેવી હતી...!
“આપણે પહેલીવાર જે ખોડીયાર ટેકરીએ ભેગા થયેલા, ત્યાં ફરી મને લઈ જાઓ ને..!” જ્યોત્સ્નાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું.
“પણ આ સ્થિતીમાં...?” જ્યોત્સ્નાની ખૂબ નાજુક તબિયતની ચિંતા વ્યક્ત કરતા સવાલ કર્યો.
“અરે મને શું થઈ ગયું છે..? હું એવી જ તો છું જેવી પહેલા હતી..!” જ્યોત્સ્નાની વાત હું નકારી શક્યો નહીં.
અમે બંન્ને શ્વેતવર્ણી કપડામાં સજ્જ થયા. બહાર નીકળતા પહેલા સૂતેલી નાનકડી અન્વીક્ષાને ગળે વળગાડી, ખૂબ બચીઓ ભરી પાછી સૂવડાવી સજળ આંખો મારાથી છૂપાવી મારો હાથ પકડી લથડતા પગલે ચાલવા કર્યું. તરત જ તેને ઊંચકી લઈ હું ઘર બહાર નીકળી ચાલતો રહ્યો. ખોડીયાર ટેકરીના આખાયે ચઢાણ પર અમારી બંન્નેની નજર એકબીજા સિવાય બીજું કાંઇ જ જોઇ શકતી ના હતી. ખોડીયાર ટેકરીએ બાંકડા પર ટેકવી બેસાડી એકબીજાને ગળે વળગી ખૂબ રડ્યા.
ધીમે ધીમે ચાંદની અમને વીંટળાઇ વળી. અમારા શ્વેત કપડા ચાંદનીના અજવાળે વધુ શ્વેત બન્યા. ચાંદની અમારા શરીરને સ્પર્શતી ગલગલીયા કરતી રહી અને ધીમેથી અમારા શરીરમાં પ્રવેશવા લાગી. અમારો પડછાયો પણ શ્વેતવર્ણી થવા લાગ્યો.
મોટાભાગે મને સફેદ કપડામાં જોયેલ જ્યોત્સ્નાએ મને ફરીથી પૂછ્યું, “તમને સફેદ કપડા બહુ ગમે છે ને..!”
“હા, પણ તારી સાથે ભળ્યા પછી...!” મારા જવાબથી શ્વેતવર્ણી ચાંદની સમી જ્યોત્સ્નાના લાલચોળ થયેલા ગાલ પરથી જરા અમથી લાલીમા ઉધાર માંગી તે સાંજે આખુંયે આકાશ સિંદૂરી બની ગયેલું. મારી જ્યોત્સ્નાની શરમમાં નજાકતથી નીચી ઢળતી પાંપણના ભારે હું કચ્ચર દબાઇ રહ્યો..!
“મારા ગયા પછી પણ આમ જ તૈયાર....” જ્યોત્સ્નાના મોં આડે હાથ મૂકી તેને આગળ શબ્દો બોલતા અટકાવી હું ચોધાર આંસુડે રડવા લાગ્યો.
“અરે આ શું ગાંડપણ કરો છો...?” મને શાંત કરતા જ્યોત્સ્ના બોલી, “આમ તે કાંઇ રડાતું હશે... તમને ખબર છે ને કે તમારો રડતો ચહેરો જરાય સારો નથી દેખાતો....કાયમ હસતા જ રહેવાનું..!” મેં ચહેરા પર પરાણે સ્મિત રેલાવ્યું.
અમારી ચોતરફ સઘળું શ્વેતવર્ણી જ..! આસપાસનું સમગ્ર વાતાવરણ પણ શ્વેત ચાદર ઓઢી રહ્યું. દૂર દૂર પ્રસરેલ અંધકાર પર પણ શ્વેત રંગ ઢળતો રહ્યો અને અંધકાર શ્વેત રંગે આથમી ગયો. આકાશમાંથી પૂર્ણિમાના ચંદ્રની ચાંદની ખોબલે ખોબલે અમારી ચોતરફ ઢોળાઇ રહી. ઘડીભરમાં ચંદ્રની ચાંદની જરા વધુ ઝાંખી પડતી રહી ત્યાં જ મારી જ્યોત્સ્નાએ પોતાની તારલીયાથી ચમકતી તેજોમય સાડીનો પાલવ જરા ખંખેર્યો તો તેમાંથી નીકળેલા શ્વેત છાંટણાના તેજે ચંદ્ર ફરી સોળેય કળાએ ખીલી ઊઠ્યો..!
“આજે હું કેવો દેખાઉ છું..?” આંખોના આંસુ લૂંછતા વાત ફેરવવા મેં મારો વારંવારનો પુનરાવર્તિત સવાલ જ્યોત્સ્ના આગળ ફરી કર્યો.
“ખૂબ જ સુંદર..., પણ મારી વહાલી અન્વીક્ષા કરતા તો ઓછા હોં..!” મીઠા સ્મિતે શીતળ ચાંદની વેરતા જ્યોત્સ્નાએ તેનો એ જ કાયમનો જવાબ આપવાની સાથે તેનો શ્વાસ ભારે થવા લાગ્યો.
“જ્યોત્સ્ના....જ્યોત્સ્ના.... શું થાય છે તને...?” ગભરાઇને સવાલ કર્યો.
“આપણી અન્વીક્ષાનું કાયમ ધ્યાન રાખજો....હું મારી અન્વીક્ષામાં જ જીવીશ...!” તેના આ શબ્દો સાથે તેના મોંથી લોહીનો ફુવારો ઊડ્યો. અમારા શ્વેતવર્ણી વસ્ત્રો રક્તવર્ણી બન્યા. તેનો વધતા જતા શ્વાસ સાથે તેની આંખો વધુ ને વધુ ઊંડે ઊતરતી રહી, પણ તેના ચહેરા પર તેણે તે જ સ્મિત જાળવી રાખ્યું. અચાનક એક ધક્કા સાથે મારા ખોળામાં હાંફતો દેહ સાવ શાંત બન્યો..!
મારી જ્યોત્સ્ના મારાથી સદેહે દૂર થઈ ગઈ...! આજે આટલા વર્ષોથી જ્યોત્સ્ના મારી સાથે જ અમારી અન્વીક્ષા સ્વરૂપે સાથે રહેવા લાગી. મારી આસપાસ આજે ચોતરફ ચાંદની રેલાઇ રહી. આજે ફરીથી મારા શ્વેત કપડા ચાંદનીના અજવાળે વધુ શ્વેત બન્યા. ક્યારથી ચાંદની મારા શરીરને સ્પર્શતી ગલગલીયા કરતી રહી અને ધીમેથી મારા શરીરમાં પ્રવેશવા લાગી. અત્યારે મારી લગોલગ ચાલ્યો આવતો મારો પડછાયો પણ શ્વેતવર્ણી થવા લાગ્યો. નીચેના કૂમળા ઘાસની અણી મારા ચપ્પલની આરપાર ભોંકાવા લાગી.
મારી જ્યોત્સ્નાના પ્રેમના ઘૂંટડા હું ખોબલે ખોબલે ભરતો રહ્યો. કાનમાં જ્યોત્સ્નાના કંગનનો મીઠો ખણકાટ અને ઝાંઝરનો રણકાર મને વીંટળાઇ રહ્યો. જ્યોત્સ્નાના સ્પર્શે મારો પડછાયો પણ સંપૂર્ણ શ્વેતવર્ણી બની પ્રકાશપૂંજ બની રહ્યો..! આકાશના ચંદ્રની ચાંદનીને ઝાંખી પાડતી મારી જ્યોત્સ્ના મને વળગી રહી. ચોતરફ સઘળું શ્વેતવર્ણી જ..! આસપાસનું સમગ્ર વાતાવરણ પણ શ્વેત ચાદર ઓઢી રહ્યું. પગ તળેનું લીલુછમ ઘાંસ હરિયાળો રંગ ઉખેળી શ્વેત રંગી થઈ રહ્યું. દૂર દૂર પ્રસરેલ અંધકાર પર પણ શ્વેત રંગ ઢળતો રહ્યો અને અંધકાર શ્વેત રંગે આથમી ગયો. આકાશમાંથી પૂર્ણિમાના ચંદ્રની ચાંદની ખોબલે ખોબલે મારી ચોતરફ ઢોળાઇ રહી. ઘડીભરમાં ચંદ્રની ચાંદની જરા વધુ ઝાંખી પડતી રહી ત્યાં જ મારી જ્યોત્સ્નાએ પોતાની તારલીયાથી ચમકતી તેજોમય સાડીનો પાલવ જરા ખંખેર્યો તો તેમાંથી નીકળેલા શ્વેત છાંટણાના તેજે ચંદ્ર ફરી સોળેય કળાએ ખીલી ઊઠ્યો..!
અમે બંને એકબીજાને જેવા વળગ્યા કે અમારા જોડાણથી પ્રકાશપૂંજનો જાણે વિસ્ફોટ થયો અને તેની છાયામાં આકાશનો ચંદ્ર પણ સાવ ઝાંખપભર્યો અદૂકડો બની બેઠો..! અમારા બંને વચ્ચે મૌનની પરિભાષામાં કેટકેટલીયે વાતો આરંભાઇ. અમારું મૌન બહુ બોલકુ બન્યું..!
તેનો ઉન્માદ સ્પર્શ એક અકળ્ય ઉત્તેજના જગાવતો રહ્યો. તે મિલનમાં અમારા બંનેની ચોતરફ એક પ્રકાશપૂંજ વિસ્તરતો રહ્યો. તેમાંથી તારલીયા જેવા પ્રકાશના નાના તણખાં છૂટા પડી આસપાસ વેરવિખેર થતાં રહ્યા. તે તેજ પ્રકાશના ચળકાટમાં અમે એકબીજામાં વિલીન થઈ રહ્યા. આંખો અંજાય તેવા પ્રકાશના ગોળાર્ધ વચ્ચેનું અમારુ મિલન આસપાસના વાતાવરણ માટે જોવું પણ અશક્ય બની રહ્યું..!
અમારા મિલનનો નજારો જોતી રાત્રી પણ ધીમે ધીમે પસાર થતી રહી. મારી સામે જ્યોત્સ્નાએ તેનું સ્વાભાવિક મીઠું સ્મિત વેર્યું. અમારી ચોતરફ રચાયેલ પ્રકાશપૂંજ ઝાકળ બની ઊડી રહ્યો. જ્યોત્સ્નાનું અસ્તિત્વ હવામાં રજકણ બની વેરાતું રહ્યું. માત્ર તેની કાજળભરી આંખો જ નજરે રહી. ઘડીવારમાં તે કાજળ હવામાં રેલાઇ એક પતંગિયું બની ફરફર ઊડવા લાગ્યું. તેની ફરકતી પાંખ પર કેટલાયે રંગ ઉપસી તેના છાંટણા આસપાસની પ્રકૃતિમાં વેરતા રહી ફૂલોને ઉછીનો રંગ આપી રહ્યા. મારી નજર આગળ રમતું પતંગિયું મને ખોડિયાર ટેકરીએથી નીચે ઊતારી ઘરમાં ક્યારે લઈ આવ્યું તેનો પણ મને ખ્યાલ જ ના રહ્યો. ફરફર ઊડતું તે પતંગિયું મારી....ના... ના, અમારી સૂતેલી અન્વીક્ષાની આસપાસ ફરકવા લાગ્યું અને એકાએક અન્વીક્ષામાં સમાઇ ગયું. તે પળે જ આખાયે રૂમમાં પ્રકાશનો મોટો ઝબકારો થયો. ઘડીભરમાં બધુંયે શાંત થઈ ગયું.
પ્રભાતનું પહેલું કિરણ ફૂટ્યું હશે કે ઊંઘમાંથી જાગી ગયેલી અન્વીક્ષા આંખો ચોળતી મારી પાસે દોડી આવી. અન્વીક્ષાના શરીરમાં એક અલગ જ ચાંદની....જ્યોત્સ્ના રેલાઇ આવેલી નજરે પડી..!
“પપ્પા, તમે કાં ગતા રેલા...!” અન્વીક્ષાનો કાલી મીઠી ભાષામાં પૂછાયેલ સવાલ મારા રોમેરોમને પ્રેમથી તરબોળ કરી રહ્યો.
“ક્યાંય નહીં બેટા, હું કાયમ તારી પાસે જ છું..!” બોલતા હું અન્વીક્ષાને ગળે વળગી રહ્યો.
ચોતરફ શાંત પ્રકૃતિમાં મારા કાને અવાજ સંભળાયો... – “હાસ્તો, મારી અન્વીક્ષામાં તો હું પણ ભળેલી છું ને...!” જ્યોત્સ્નાના એ જ સ્વાભાવિક મીઠા હાસ્ય સાથે સમગ્ર વાતાવરણમાં એક અકળ રોમાંચ વ્યાપી રહ્યો.
જાણે ફરીફરી જ્યોત્સ્ના મારી આગળ વાત કરી રહી હતી તે સ્પર્શી હું બોલી ઊઠ્યો, “હા....એટલે જ તો આપણી વહાલીનું આવું મધુરુ નામ રાખ્યું – અન્વીક્ષા... તારું જ પ્રતિબિંબ..!”
***********
સાભાર : ‘ભલે એ પણ જોઇ લે ’ : ગુલાબદાસ બ્રોકરની પ્રસિધ્ધ વાર્તા.